લખનૌઃ દેશઆખામાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે ઊજવવામાં આવ્યો, પણ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક એવું ગામ છે, જ્યારે રક્ષાબંધનનો તહેવાર છેલ્લાં 300 વર્ષથી નથી ઊજવવામાં આવ્યો.
રાજ્યના સંભલ જિલ્લાના બેનીપુર ગામના લોકોને રક્ષાબંધનનું નામ સાંભળતા ડર લાગવા માંડે છે. અહીં રક્ષાબંધન નહીં ઊજવવાની પરંપરા આશરે 300 વર્ષથી ચાલતી આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે બહેનોને છોડીને ગામની વહુઓ પણ પોતાના પિયરે ભાઈઓને રાખડી બાંધવા નથી જતી. આ ગામના ભાઈઓને ડર લાગે છે કે ક્યાંક રાખડી બાંધીને બહેનો તેમની સંપત્તિ ના માગી લે. પૂર્વજોના જમાનાથી ચાલી આવતી આ પરંપરા ગામમાં આજે પણ કાયમ છે. બધા લોકો એનું બખૂબી પાલન પણ કરે છે.
સંભલ જિલ્લાથી આદમપુર માર્ગ પર આશરે પાંચ કિમીના અંતે બેનીપુર ગામ છે. સમયની સાથે આ ગામ પણ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યું છે, તેમ છતાં રક્ષાબંધન ના ઊજવવાની 300 વર્ષ જૂની પરંપરા હજી પણ છે. ગામના લોકો રાખડી જોઈને દૂર ભાગે છે. ગામના વડીલોનું કહેવું છે કે એક રાખડીને કારણે તેમના પૂર્વજે પોતાની સંપૂર્ણ સંપત્તિ ગુમાવવી પડી હતી.
ગામના લોકોના જણાવ્યાનુસાર તેમના પૂર્વજ પહેલાં રાજ્યના અલીગઢ જિલ્લાના અતરૌલી પોલીસ સ્ટેશનના ગામ સેમરીમાં રહેતા હતા. ગામમાં યાદવ અને ઠાકુર સમાજના પરિવાર રહેતા હતા અને બંને સમાજના લોકોમાં પ્રેમભાવ હતો. બંને સમાજોમાં યુવક-યુવતીઓ આપસમાં રાખડી બાંધતા હતા, પણ એક વાર રાખડીના બદલામાં યાદવ પરિવાર ઠાકુર સમાજની પુત્રીને બધી મિલકત આપી ચૂક્યો હતો. આ એક મહાદાન છે. આ મહાદાન પછી નાનું દાન કરવું અમારી શાખની વિરુદ્ધ છે. જેથી પછી અહીં તહેવાર નથી ઊજવવામાં આવતો, એમ એક વડીલે જણાવ્યું હતું.
કોલકાતા રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડધા સમગ્ર દેશમાં પડ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં ઠેર ઠેર ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગ કરી રહ્યા છે. આ સાથે ડોક્ટરો દ્વારા ઇમર્જન્સી સેવા સિવાય OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે. ત્યારે આજે (20 ઓગસ્ટ) અમદાવાદ સિવિલમાં ડોક્ટરોની અચક્કોસ મુદ્દતની હડતાલને લઈ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી બાજું 40 ટકા પ્લાન્ટ સર્જરી-ઓપરેશન ઓછાં કરાયાં છે.
રાજ્યમાં ઠેર ઠેર હડતાલના પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા જિલ્લાના 55 ડોક્ટરોને બોલાવામાં આવ્યા છે, તો રેસિડેન્ટ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો ડોક્ટરો દ્વારા હોસ્પિટલ કેમ્પસની સફાઈ સાથે વિરોધ પ્રદર્શન કરી ડીનને રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સવારથી જ ડોક્ટરો હડતાળ પર બેઠા છે. જ્યારે OPDમાં પણ વહેલી સવારથી દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. જુનિયર ડોક્ટર ના હોવાથી OPDમાં લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક દર્દીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે તો કેટલાક દર્દીઓ શુક્રવારે આવ્યા હતા પરંતુ હડતાળ હોવાથી પરત ફર્યા હતા ત્યારે આજે ફરીથી લાંબી લાઈનમાં સારવાર માટે ઊભા છે. દર્દીઓનો આક્ષેપ છે કે, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સિવિલમાં પ્લાન્ટ સર્જરી અને ઓપરેશન પણ 40 ટકા ઓછા કરવામાં આવ્યાં છે.
સુરતમાં સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓને આજે થોડી રાહત થઈ છે. જોકે, બે દિવસથી રજા હોવાના કારણે આજે દર્દીઓનો ધસારો વધી ગયો હતો. સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ પાંચમા દિવસે પણ હડતાળ ચાલુ રાખી હતી અને કામકાજથી અળગા રહ્યા હતા. રવિવાર અને સોમવારે રક્ષાબંધનના તહેવારને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા નહિવત્ રહી હતી. જ્યારે આજે ફરી એકવાર OPD શરૂ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ વિરોધ કરી રહેલા રેસિડેન્ટ તબીબોએ આજે સુરત સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી.
નવી દિલ્હીઃ PM મોદીએ લેટરલ ભરતી અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. હજી થોડા દિવસો પહેલાં UPSCએ એક જાહેરાત જારી કરીને લેટરલ ભરતીની વાત કહી હતી. લેટરલ એન્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિને UPSC પરીક્ષામાં બેસવાની જરૂર નથી હોતી અને સીધી જ તેની નિમણૂક મોટાં પદો પર થાય છે. એમાં અનામતનો લાભ કોઈ પણ એક સમાજને નથી મળતો, પરંતુ આ પ્રક્રિયા પર બબાલ શરૂ થઈ છે.
કર્મચારી વિભાગ તરફથી UPSCને એક વિસ્તારથી પત્ર લખવામાં આવ્યો હતો. એ પત્રમાં PM મોદીએ લેટરલ ભરતી અટકાવવાનો આદેશ લખ્યો હતો. આ મુદ્દે સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આને OBC વિરોધ ગણાવ્યો હતો. લેટરલ એન્ટ્રીમાં અનામતની કોઈ જોગવાઈ નથી, એને કારણે કેન્દ્રએ પારોઠનાં પગલાં ભર્યા છે. આ અનામતને મુદ્દે લોકસભા ચૂંટણી દરમ્યાન ભાજપને ભારે નુકસાન થયું હતું. વિપક્ષે નેરેટિવ સેટ કર્યો હતો કે ભાજપ અનામત ખતમ કરી દેશે, બંધારણ બદલી નાખશે, પરંતુ હવે ત્રીજી વાર સરકાર બની ગઈ છે. જેથી પાર્ટી ફૂંકી-ફૂકીને પગલાં ભરી રહી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી ઉચ્ચ પદો પર લેટરલ એન્ટ્રી માટે બંધારણમાં સામાજિક ન્યાય અને અનામત પર ભાર આપવા ઇચ્છે છે. એટલા માટે આ જાહેરાત પરત લેવામાં આવે. કેન્દ્રએ પત્રમાં સામાજિક ન્યાયના પ્રતિ જનાદેશને જાણળવી રાખવાના મહત્ત્વ પર પણ પ્રકાશ ફેંક્યો છે. કેન્દ્રએ કહ્યું હતું કે હાંસિયામાં હાજર યોગ્ય ઉમેદવારોને સરકારી સેવાઓમાં તેમને ઉચિત પ્રતિનિધિત્વ મળે, એની જરૂર છે.
ગુજરાતમાં વધતી ટ્રાફિકની સમસ્યા સહિત રખડતા ઢોર અને ખરાબ રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલની હાજરીમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટમાં ટ્રાફિક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે આપેલી માહિતી પ્રમાણે ટ્રાફિક નિયમોના પાલનમાં પોલીસને પ્રજાના સહકારની અપેક્ષા છે. લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગરૂક કરવા સેમિનાર, હોર્ડિંગ, બેનર્સ અને રોડ શો જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.
ટ્રાફિકની વધતી સમસ્યાને લઈ કોર્ટની સુનાવણીમાં ટ્રાફિક JCPની એફિડેવિટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર સુનાવણીમાં કોર્ટે કહ્યું કે, કાગળો ઉપર બધું છે, રોડ ઉપર કામ નહીં. તમારા કોન્સ્ટેબલ શું કરે છે જુઓ. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ ઉપર થતાં કામમાં કોઈ ફેર નહીં. આ ઉપરાંક કોર્ટે કહ્યું અમદાવાદ ફક્ત ત્રણ વિસ્તારમાં નથી ,વળી આ મેટર આખા રાજ્ય માટે છે. બધું બધાને દેખાય છે, લોકો રોડ ઉપર ફરતા જ હોય છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે, ત્યારે ક્યાંથી ફોર્સ આવે છે? કોર્ટે કહ્યું કે, હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે. સરકારે જે પગલાં અને દંડ કર્યા તેની માહિતી આપી હતી. સરકારે કહ્યું ટ્રાફિક પોલીસ સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ રહી છે. નો પાર્કિગની નોટિસો ચોંટાડાઈ રહી છે. કોર્ટે કહ્યું તેનાથી કશું ના થાય.
અજમેરઃ ત્રણ દાયકા પહેલાં અજમેરમાં થયેલા ગેન્ગરેપ અને બ્લેકમેલ કેસના છ આરોપીઓને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષી ઠેરવ્યા છે. આ આરોપીઓને 100થી વધુ વિદ્યાર્થિઓનો ગેન્ગરેપ કર્યો હતો. તેમની વિરુદ્ધ કોર્ટ હવે સજાનું એલાન કરશે. આ ઘટના 1992માં થઈ હતી. એમાં કુલ 19 આરોપી હતા, જેમાં અત્યાર સુધી નવ આરોપીઓને સજા આપવામાં આવી છે.
મુખ્ય આરોપી ફારુક ચિશ્તી અજમેર યુવા કોંગ્રેસનો અધ્યક્ષ હતો. બીજો આરોપી નફીસ ચિશ્તી અજમેર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉપાધ્યક્ષ હતો અને ત્રીજો અન્વર ચિશ્તી અજમેર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સંયુક્ત સચિવ હતો. એક અન્ય આરોપીએ 1994માં આત્મહત્યા કરી લીધી હતી. આ સિવાય એક આરોપી હજી પણ ફરાર છે.
આ કેસમાં જે આરોપીઓને મંગળવારે કોર્ટે દોષી માન્યા હતા, તેમનાં નામ નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટાર્જન, સલીમ ચિશ્તી, સોહિલ ગણી, સૈયદ જમીર હુસૈન અને ઇકબાલ ભાટી છે. જે વિદ્યાર્થિનીઓની સાથે દુષ્કર્મ થયું હતું- એ બધી 11થી 20 વર્ષની વચ્ચેની હતી અને મોટા ભાગની હિન્દુ હતી. આ બધી વિદ્યાર્થિની અજમેરની એક જાણીતી સ્કૂલમાં હતી. આ ઘટનાનો ખુલાસો થવા પર દેશઆખામાં ભારે આક્રોશ હતો.
આ કેસમાં દુષ્કર્મના દોષીઓ મોટા ભાગના અન્ય ધર્મના લોકો હતા. આ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા આઠ આરોપીઓને આજીવન કેદની સજા, જ્યાર્ ચારને 2001માં રાજસ્થાન હાઇકોર્ટે દોષી ઠેરવ્યા હતા, પરંતુ 2013માં હાઇકોર્ટે તેમને છોડી મૂક્યા હતા.
આ કેસમાં મોટા ભાગની પીડિત વિદ્યાર્થિનીઓનાં મોટાં ઘરોની હતી. આરોપીઓને તેમને ફોસલાવીને પહેલાં અપહરણ કરતા હતા. એ પછી તેમના નગ્ન ફોટા પાડીને તેમને બ્લેકમેલ કરતા અને ગેન્ગરેપ કરતા હતા. રાજસ્થાનના તત્કાલીન CM ભૈરોસિંહ શેખાવતે CBCIDને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.
મુંબઈ: બોલિવૂડમાં ક્રિકેટરોના જીવન પર ઘણી ફિલ્મો બની છે. મહેન્દ્ર સિંહ ધોની, અઝહરુદ્દીન, કપિલ દેવ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓનું જીવન ફિલ્મી પડદા પર બતાવવામાં આવ્યું હતું. ઘણી ફિલ્મો સફળ રહી હતી જ્યારે ઘણી ફિલ્મો કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. હવે વધુ એક ક્રિકેટર પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં આ ક્રિકેટરના સંઘર્ષ, કરિયર અને લવ લાઈફને વણી લેવામાં આવશે. આ ક્રિકેટર બીજું કોઈ નહીં પરંતુ એક ઓવરમાં 6 સિક્સર મારનાર પ્રખ્યાત ખેલાડી યુવરાજ સિંહ છે. ક્રિકેટર યુવરાજ સિંહના જીવન પર આધારિત બાયોપિકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નિર્માણ ભારતીય મનોરંજન ઉદ્યોગના બે અગ્રણી વ્યક્તિઓ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા દ્વારા કરવામાં આવશે. ફિલ્મના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. બાયોપિક યુવરાજ સિંહની મેદાન પર અને મેદાનની બહારની અદ્ભુત સફરનું એક તેજસ્વી ચિત્રણ હશે.
ફિલ્મમાં જીવનની અલગ-અલગ ક્ષણો બતાવવામાં આવશે
યુવરાજ સિંહ 2007 ICC T20 વર્લ્ડ કપ અને 2011 ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા સહિત ભારતીય ક્રિકેટમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે જાણીતા છે. ક્રિકેટ તેના અસાધારણ પ્રદર્શન માટે જાણીતા ક્રિકેટરના જીવનનો એક ભાગ છે. આ બાયોપિક કેન્સર સામેની તેણીની પ્રેરણાદાયી લડત પણ દર્શાવશે, તેણીની સ્થિતિસ્થાપકતા અને જીવનના સૌથી મુશ્કેલ પડકારોને પહોંચી વળવા માટેના સંકલ્પનું પ્રદર્શન કરશે. આ બાયોપિકની જાહેરાતથી લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો ફિલ્મ સાથે જોડાયેલી વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં યુવરાજ સિંહનું પાત્ર કોણ ભજવશે તે હજુ નક્કી થયું નથી.
ભૂષણ કુમાર યુવરાજની બાયોપિક કેમ બનાવી રહ્યા છે?
ભૂષણ કુમારે કહ્યું,’યુવરાજ સિંહનું જીવન દ્રઢતા, વિજય અને જુસ્સાની આકર્ષક વાર્તા છે. આશાસ્પદ ક્રિકેટરથી ક્રિકેટ હીરો અને પછી વાસ્તવિક જીવનમાં હીરો બનવા સુધીની તેની સફર ખરેખર પ્રેરણાદાયી છે. હું એક એવી વાર્તા લાવવા માટે રોમાંચિત છું જે મોટા પડદા પર કહેવા અને સાંભળવા અને તેમની અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરવાને લાયક છે.’
શું કહે છે યુવરાજ?
યુવરાજ સિંહે વધુમાં કહ્યું,’હું ખૂબ જ સન્માનિત અનુભવું છું કે મારી વાર્તા ભૂષણ કુમાર અને રવિ દ્વારા વિશ્વભરના મારા લાખો ચાહકોને બતાવવામાં આવશે. તમામ ઉતાર-ચઢાવમાં ક્રિકેટ મારો સૌથી મોટો પ્રેમ અને શક્તિનો સ્ત્રોત રહ્યો છે. હું આશા રાખું છું કે આ ફિલ્મ અન્ય લોકોને તેમના પડકારોને દૂર કરવા અને તેમના સપનાને અતૂટ જુસ્સા સાથે આગળ વધારવા માટે પ્રેરણા આપશે.
થાણેઃ થાણે જિલ્લાના બદલાપુરમાં એક જાણીતી સ્કૂલમાં બે બાળકીઓ સાથે યૌન ઉત્પીડનની ઘટનાની વિરુદ્ધ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીનાં માતાપિતા અને સ્થાનિક લોકો સ્કૂલની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એની અસર લોકલ ટ્રેનો પર પણ પડી છે. બદલાપુર રેલવે સ્ટેશન પર અનેક લોકલ ટ્રેનો રોકવામાં આવી છે. એની માહિતી CPRO સેન્ટ્રલ રેલવેએ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બે ચાર વર્ષની બાળકીઓની સાથે ગર્લ્સ વોશરૂમમાં 23 વર્ષીય પુરુષ સફાઈ કર્મચારીએ યૌન ઉત્પીડન કર્યું હતું. આ મામલે FIR નોંધવામાં આવી છે અને સફાઈ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલના વહીવટી તંત્રએ પ્રિન્સિપાલ અને સ્ટાફના બે વધુ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.
આ સ્કૂલનાં વિદ્યાર્થીઓનાં માતાપિતાઓએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સ્કૂલે વિદ્યાર્થીઓની સુરક્ષાને હળવાશથી લીધી અને કોઈ આશ્વાસન કે માફી નથી માગી. બીજી બાજુ પોલીસ તપાસમાં સ્કૂલ મેનેજમેન્ટ તરફથી અનેક ખામીઓ અને બેદરકારી સામે આવી હતી. વિદ્યાર્થિનીઓના વોશરૂમમાં કોઈ મહિલા એટેન્ડન્ટ ના હોવા સિવાય સ્કૂલમાં અનેક CCTV કેમેરા કામ નથી કરતા અને એને કારણે પરિવારજનોમાં સ્કૂલના પ્રતિ આક્રોશ છે. સ્થાનિક નાગરિકો અને માતાપિતાએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સ્કૂલના વહીવટી તંત્ર પાસે બાળકીઓની સુરક્ષાની ગેરન્ટીની માગ કરી છે.
રાજ્યના CM એકનાથ શિંદેએ આ કેસ અંગે કહ્યું હતું કે બદલાપુર પ્રકરણ ફાસ્ટ ટ્રેક પર ચલાવવામાં આવશે અને આરોપીને આકરી શિક્ષા કરવામાં આવશે. CPROએ જણાવ્યું હતું કે દેખાવો કરી રહેલા લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. એને કારણે અંબરનાથ અને કર્જતની વચ્ચે અપ અને ડાઉન- બંને લાઇનો પર લોકલ સેવાઓને માઠી અસર થઈ હતી. અધિકારી આ મુદ્દો જલદી ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. હાલ પાંચ ટ્રેનો પર અસર છે. ચાર ટ્રેનો બદલાપુરમાં ઊભી છે અને એક ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. હાલ સુધીમાં રાજ્યમાં સરેરાશ 72.74 ટકા વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં એવરેજ 883 મીમી વરસાદ જોવા મળે છે, જેની સામે 642 મીમી વરસાદ જ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એવો 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે.
વરસાદના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછો 47 ટકા વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં અનુક્રમે 54.60 ટકા અને 56.75 ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીએ ઓછો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સરેરાશ 730 મીમી વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે માત્ર 399 મીમી જોવા મળ્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 811 મીમી એવરેજ સામે 460 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં માત્ર 51.51 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લામાં 63.30 ટકા વરસાદ થયો છે, જ્યારે આણંદમાં 68.41 અને વડોદરામાં 66.67 ટકા વરસાદ જોવા મળ્યો છે.
તો બીજી બાજું ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ જૂનાગઢના 3 તાલુકામાં નોંધાયો છે. સૌથી વધુ માણાવદરમાં 163 ટકા નોંધાયો છે. બીજા નંબરે કેશોદમાં 149 ટકા અને ત્રીજા નંબરે વંથલી તાલુકામાં 147 ટકા વરસાદ નોંધાયો છે. ચોથા અને પાંચમા નંબરે કચ્છ જિલ્લાના બે તાલુકામાં અનુક્રમે મુન્દ્રામાં 142 ટકા અને માંડવીમાં 134 ટકા સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમમાં હાલમાં 87.82 ટકા જળસંગ્રહ થયેલો છે. આ સિવાયના બીજાં 206 જળાશયો પૈકી 51 ડેમ 100 ટકા ભરાયેલાં છે. 39 જળાશયો 70થી 100 ટકા ભરાયેલા છે, જ્યારે 22 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ થયેલો છે.
મુંબઈ: શ્રેયસ તલપડેને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે અભિનેતાનું નિધન થઈ ગયું છે. આ અફવાઓએ બધાને ચોંકાવી દીધા. અભિનેતાના કેટલાક ચાહકોએ આ અફવાઓને સાચી માની અને એકદમ ભાવુક થઈ ગયા હતાં. આ અફવાઓ જોઈને શ્રેયસ પોતે પણ ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા હતાં. ગત સોમવારે બપોરે એવી અફવા ફેલાઈ હતી કે શ્રેયસ તલપડે હવે આ દુનિયામાં નથી, જેના પર અભિનેતાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને લોકોને આવી હાનિકારક અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.
શ્રેયસ તલપડેની નેટીઝન્સને અપીલ
શ્રેયસ તલપડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે તે ઠીક છે, ખુશ છે અને સ્વસ્થ છે. તેમણે તેમના મૃત્યુની અફવાઓ પર પોતાનો ગુસ્સો અને ઉદાસી પણ વ્યક્ત કરી હતી અને કેવી રીતે આ અફવાઓ ક્યારેક ખૂબ જ પરેશાન કરે છે અને વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. તેણે કહ્યું કે કેટલીકવાર તે મજાક તરીકે શરૂ થાય છે, પરંતુ તે વ્યક્તિના પરિવાર માટે ચિંતા અને તણાવનું કારણ બની જાય છે જેના વિશે આ અફવાઓ ફેલાવવામાં આવે છે.
શ્રેયસ તલપડે મૃત્યુની અફવાથી ગુસ્સે
શ્રેયસ તલપડેએ પોતાની પોસ્ટમાં લખ્યું,’પ્રિય સૌ, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવંત, ખુશ અને સ્વસ્થ છું. મારા નિધનનો દાવો કરતી એક વાયરલ પોસ્ટ મને મળી છે. મને લાગે છે મજાક અલગ જગ્યાએ પણ જ્યારે તેનો દુરુપયોગ થાય છે, ત્યારે તે વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. મજાક તરીકે જે શરૂ થયું હશે તે હવે બિનજરૂરી ચિંતા પેદા કરી રહ્યું છે અને મારી, ખાસ કરીને મારા પરિવારની કાળજી રાખનારા લોકોની લાગણીઓ સાથે રમી રહ્યું છે.
મૃત્યુની અફવાથી દીકરી પરેશાન થઈ ગઈ
આ પછી શ્રેયસ તલપડેએ પોતાની દીકરી પર પણ આ અફવાઓની અસર વિશે જણાવ્યું. પોતાની પોસ્ટમાં તેણે આગળ લખ્યું,’મારી નાની દીકરી, જે દરરોજ શાળાએ જાય છે, તે પહેલાથી જ મારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને સતત પ્રશ્નો પૂછે છે અને હું ઠીક છું તેની ખાતરી માંગે છે. આ ખોટા સમાચાર તેના ડરને વધારે છે, તેને તેના સાથીદારો અને શિક્ષકો તરફથી વધુ પ્રશ્નોનો સામનો કરવાની ફરજ પાડે છે, એવી લાગણીઓ ઉશ્કેરે છે કે જેને આપણે કુટુંબ તરીકે મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
પરિવાર પર તેની નકારાત્મક અસર પડે છે
‘હું તમામ લોકોને અપીલ કરું છું કે જેઓ આ કન્ટેન્ટનો પ્રચાર કરી રહ્યા છે તેઓ તેની અસરને સમજે અને તેને બંધ કરે. ઘણા લોકોએ મારી સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી છે અને તે નિરાશાજનક છે કે રમૂજનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે જે લાગણીઓને ઠેસ પહોંચાડે છે, મારા પ્રિયજનોને અસ્વસ્થ કરી શકે છે અને આપણા જીવનમાં ખલેલ પહોંચાડે છે. જ્યારે તમે આવી અફવાઓ ફેલાવો છો, ત્યારે તે માત્ર તે વ્યક્તિને જ અસર કરતું નથી કે જેના વિશે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ તેના પરિવારને, ખાસ કરીને નાના બાળકોને પણ તકલીફ થાય છે, જેઓ તેને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી અને ભાવનાત્મક રીતે આઘાત અનુભવે છે.
શ્રેયસ તલપડેએ આગળ શું કહ્યું?
આ સાથે જ શ્રેયસે આ સમાચાર પછી તેની તબિયત વિશે પૂછનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. શ્રેયસે આગળ લખ્યું- ‘આ મુશ્કેલ સમયમાં જેમણે મારી સાથે વાત કરી તે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમારી ચિંતા અને પ્રેમ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારી પાસે ટ્રોલ્સ માટે એક સરળ વિનંતી છે – કૃપા કરીને રોકો. બીજાના ભોગે મજાક ન કરો અને બીજા કોઈની સાથે પણ એવું ન કરો. હું ઈચ્છતો નથી કે તમારી સાથે આવું કંઈ થાય, તેથી કૃપા કરીને સંવેદનશીલ બનો. અન્યની લાગણીઓના ભોગે ક્યારેય લાઈક્સ પાછળ ના ભાગવું જોઈએ.
દેશમાં ઈન્ટરનેટનો વિકાસ ઝડપથી વધી રહ્યો છે. જ્યાં થોડા સમય પહેલ 4Gની સ્પીડે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાં હવે 5Gની સ્પીડ દોડી રહી છે. લગભગ તમામ ખાનગી કંપનીઓએ 5Gની સુવિધા રાજ્ય સહિત દેશમાં ઉપલબ્ધ કરાવી છે. ત્યારે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દેશમાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે BSNL લગભગ 4G શરૂ થયાના 12-13 વર્ષ બાદ પોતાના ગ્રાહકોને 4G ની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર આગામી સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે. તો બીજી બાજુ ગુજરાતમાં BSNLના આંતરિક સૂત્રોએ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારમાં હાલના સમયમાં એવા છે, કે જ્યાં અત્યાર સુધી પણ કોઈ પણ કંપનાની ટાવર લાગ્યા નથી. એટલે કે હાલ સુધી ત્યાં નેટવર્ક પહોંચી રહ્યું નથી. આ વિસ્તારોમાં હાસ BSNL ટાવર લાગવવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કંપના હાલ ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુએશનના ટાવર લાગી રહ્યા છે, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં 417 જેટલાં મોબાઈલ ટાવર લાગશે.
BSNL દ્વારા 2022માં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ સંપૂર્ણ દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હવે ગુજરાતમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ BSNL દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજક્ટમાં દેશના અલગ અલગ સાઈડ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ BSNLના 4Gના મોબાઈલ ટાવર હવે ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે, પહેલી વખત ભારત દેશમાં 4G ટાવર મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે તૈયાર કર્યા છે. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને તેજસ જે સ્વદેશી કંપનીઓ છે. એમના દ્વારા જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે. પહેલી એવી ટેક્નોલોજી છે કે, જે સ્વદેશમાં જ તૈયાર થઈ છે. અને હવે આપણે તેને 4G ટાવરમાં ઉપયોગમાં લેવાના છીએ. અત્યાર સુધીમાં ટેલિકોમ ક્ષેત્રની અંદર મોટાભાગની ટેક્નોલોજી વિદેશથી આપણે લેતા હતા અને એ ટેક્નોલોજીના ઉપયોગમાં લેવાતી મશીનરી અને સ્પેરપાર્ટ્સ પણ ચીન જેવા દેશો પાસેથી લેતા હતા. પરંતુ હવે આપણા જ દેશમાં તૈયાર થયેલી મશીનરી અને સોફ્ટવેરથી લઈને તમામ ઇક્વિપમેન્ટનો ઉપયોગ સ્વદેશમાં થવાનો છે. જેને કારણે ચીન જેવા દેશ પાસેથી આપણે જે ટેક્નોલોજી લેતા હતા અને તેના કારણે આપણે તેમના પર નિર્ભર રહેવું પડતું હતું, તે હવે રહેવું પડશે નહીં. એની સાથે સાથે આ ટેક્નોલોજીમાં જે મશીનરીનો ઉપયોગ થવાનો છે તે પણ હવે આપણે અન્ય દેશોમાં એક્સપોર્ટ કરતા થઈશું.