Home Blog Page 156

મિક્સ વેજીટેબલ રવા ઢોકળા

દાળ-ભાત કે શાક-રોટલી બનાવવાની ઝંઝટ કર્યા વગર અને ઓછી તૈયારી સાથે પૂરા ભોજનનો સ્વાદ તેમજ પોષણ મળી રહે તેવા આ મિક્સ વેજીટેબલ રવાના ઢોકળા બની શકે છે!

સામગ્રીઃ ચણાનો લોટ ½ કપ, રવો ½ કપ, છાશ 1 કપ, પાલકના પાન ધોઈને સમારેલાં ½ કપ, કોથમીર ધોઈને સમારેલી ½ કપ, સિમલા મરચું 1, બાફેલી મકાઈના દાણા 1 કપ, અડધું ગાજર, ફ્લાવરના ટુકડા ½ કપ, લસણની કળી 6-7, આદુનો ટુકડો 1 ઈંચ, સફેદ તલ 2 ટે.સ્પૂન, અધકચરા વાટેલા કાળા મરી ½ ટી.સ્પૂન, વરિયાળી 1 ટી.સ્પૂન, ઈનો પાઉડર 1 ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, ચાટ મસાલો ¼ ટી.સ્પૂન, સાકર 2-3 ચપટી, મીઠું સ્વાદ મુજબ, કાંદો 1,

રીતઃ એક બાઉલમાં સમારેલાં પાલકના તેમજ કોથમીરના પાન મેળવીને સ્વાદ મુજબ મીઠું, વરિયાળી, અધકચરા વાટેલાં કાળા મરી, હીંગ, ચાટ મસાલો, 2-3 ચપટી સાકર મેળવીને રાખો.

સિમલા મરચાં, ગાજર, ફ્લાવર, આદુને નાના ટુકડામાં સમારી, લસણ તેમજ મકાઈના દાણા મેળવીને એક ચોપરમાં ક્રશ કરી લો. આ વેજીટેબલને છાશવાળા મિશ્રણમાં મેળવી દો. હવે તેમાં રવો તેમજ ચણાનો લોટ પણ મેળવી દો.

એક થાળીમાં તેલ લગાડીને તેમાં સફેદ તલ થોડા ભભરાવી રાખો. અને ઢોકળા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકીને તેમાં આ થાળી મૂકી દો.

છાશવાળા મિશ્રણમાં ઈનો પાઉડર નાખીને તેની ઉપર એક ચમચી પાણી મેળવીને ચમચા વડે મિક્સ કરીને આ મિશ્રણને તેલવાળી થાળીમાં રેડીને ઢોકળાના વાસણમાં ગોઠવી દો અને વાસણ ઢાંકીને ઢોકળા બાફવા માટે મૂકી દો. 10-15 મિનિટ માટે થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને એક ચપ્પૂ વડે ઢોકળા ચેક કરી લો. જો ચપ્પૂ ચોખ્ખું બહાર આવે તો. ઢોકળા તૈયાર છે. ગેસ બંધ કરીને ઢોકળાની થાળી ઠંડી થાય એટલે ચપ્પૂ વડે તેના ચોસલા પાડી લો.

એક તવામાં થોડું તેલ ગરમ કરવા મૂકો. તેની ઉપર થોડા તલ ભભરાવી દો અને ઢોકળાના ચોસલા તેની ઉપર ગોઠવી દો. ગેસની આંચ મધ્યમ રાખીને ઢોકળા બંને બાજુએથી સોનેરી રંગના શેલો ફ્રાય કરી લો.

તૈયાર ઢોકળા ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.

નેપાળના ભૂતપૂર્વ PM કેપી ઓલીને કે 15 વર્ષની સજા થવાની શક્યતા

નવી દિલ્હી: નેપાળમાં નવા વડા પ્રધાન બનેલા બાલેન શાહે સત્તા સંભાળ્યા બાદ પહેલા જ દિવસે આકરું વલણ દર્શાવ્યું છે. શપથ લીધાના 24 કલાકની અંદર તેમણે મોટી કાર્યવાહી કરતાં દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક સામે પગલાં લીધાં છે. જેએનઝી (Gen Z) આંદોલન દરમિયાન બેદરકારી દાખવવાના આરોપ હેઠળ બંને વરિષ્ઠ નેતાઓને ધરપકડ કરવામાં આવી છે.

કેપી ઓલીએ આ કાર્યવાહીને બદલો લેવાની રાજકીય કાર્યવાહી ગણાવી છે અને કાનૂની લડત લડવાની વાત કરી છે. ઓલી અને લેખક સામે અનેક કલમો હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે.

બાલેન શાહને જેએનઝી આંદોલનના નેતા તરીકે માનવામાં આવે છે. નેપાળમાં જે આંદોલન મામલે કેપી ઓલી પર બેદરકારીના આરોપ છે, તેમાં તેમને 15 વર્ષની જેલસજા થવાની શક્યતા છે. આંદોલનની તપાસ માટે બનાવાયેલા ઇન્ક્વાયરી કમિશનની રિપોર્ટ પર નવી સરકારે સત્તા સંભાળતાં જ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે આંદોલન એટલું મોટું બન્યું હતું કે નવ સપ્ટેમ્બરે કેપી ઓલીને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

જેએનઝી હિંસા કેસમાં શું થયું?

નેપાળમાં જેએનઝી આંદોલનની અસર તે સમયના વડા પ્રધાન કેપી ઓલી સુધી પહોંચી હતી. ગયા વર્ષે આ આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ ગૌરીબહાદુર કાર્કીની અધ્યક્ષતામાં એક તપાસ પંચ બનાવાયું હતું. પંચે જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બરે પ્રદર્શનકારીઓના મોતના મામલે ઓલી અને લેખક દ્વારા બેદરકારી અને ગેરજવાબદાર વલણ દાખવાયું હતું.

15 વર્ષની જેલસજા શક્ય

નેપાળમાં થયેલી હિંસામાં કુલ 77 લોકોનાં મોત થયાં હતાં. પંચ સમક્ષ આપેલા નિવેદનમાં ઓલીએ કહ્યું હતું કે સુરક્ષા એજન્સીઓને જાનમાલનું નુકસાન ઓછું રાખવા અને પ્રદર્શનમાં અસામાજિક તત્વોની ઘૂસણખોરી અટકાવવા સૂચના આપવામાં આવી હતી. સરકારી અહેવાલ મુજબ ઓલી સરકારના પતનનું કારણ બનેલા જેએનઝી આંદોલન દરમિયાન 85 અબજ નેપાળી રૂપિયાથી વધુની સંપત્તિનું નુકસાન થયું હતું.

હવે વડા પ્રધાન બાલેન શાહે આ કમિશનની ભલામણ પર કાર્યવાહી શરૂ કરી છે, જેને કારણે ઓલી અને લેખકને 15 વર્ષની જેલસજા થઈ શકે છે.

IPL 2016: CSKને લાગ્યો ઝટકો, ઈજાને કારણે ધોની નહીં રમે મેચ

એમએસ ધોની કાફ સ્ટ્રેનને કારણે આઈપીએલ 2026 ના પહેલા બે અઠવાડિયામાં મેચ રમવાનું ગુમાવશે તેવી શક્યતા છે. સીએસકેના એક નિવેદન અનુસાર તે પ્રથમ ત્રણથી ચાર મેચ ગુમાવશે. જોકે, તે ગંભીર ઈજા નથી અને તે ટૂંક સમયમાં પાછા ફરે તેવી અપેક્ષા છે.

IPL 2026 શરૂ થાય તે પહેલાં જ, ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી એમએસ ધોની ઈજાને કારણે પહેલા ચાર મેચમાંથી બહાર થઈ શકે છે. એક સત્તાવાર નિવેદનમાં સીએસકેએ માહિતી આપી હતી કે ધોની હાલમાં કાફ સ્ટ્રેનથી પીડાઈ રહ્યો છે અને હાલમાં તે રિકવર થઈ રહ્યા છે. ટીમના નિવેદન અનુસાર “એમએસ ધોની હાલમાં કાફ સ્ટ્રેનથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ કારણે તે આઈપીએલના પહેલા બે અઠવાડિયાથી બહાર રહી શકે છે.”

ઈજા શું છે અને તે કેટલી મેચ ચૂકશે?
ધોનીની ઈજા સ્નાયુઓની ઈજા છે, જેને સાજા થવામાં સમય લાગે છે. તેથી, તે લગભગ નિશ્ચિત છે કે તે પહેલા બે અઠવાડિયા સુધી રમશે નહીં, એટલે કે તે CSK ની પહેલી ત્રણથી ચાર મેચ ચૂકી શકે છે. આ ટીમ માટે એક મોટો આંચકો છે, કારણ કે ધોની અનુભવ અને નેતૃત્વ બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પહેલા બે અઠવાડિયામાં CSK 30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ, 3 એપ્રિલે ચેન્નાઈમાં પંજાબ કિંગ્સ, 5 એપ્રિલે બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને 11 એપ્રિલે ચેન્નાઈમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે. આ પછી, CSK 14 એપ્રિલે ચેન્નાઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. ધોની દિલ્હી અથવા કોલકાતા મેચ માટે પરત ફરી શકે છે.

સીએસકે માટે આ એક મોટી ખોટ કેમ છે?

ધોની ભલે હવે કેપ્ટન નહીં રહે, પરંતુ મેદાન પર તેની હાજરી ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે. તે એક અનકેપ્ડ ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે. તેની ગેરહાજરી તમામ પાસાઓમાં સ્પષ્ટપણે અનુભવાશે: વિકેટકીપિંગનો અનુભવ, ડેથ ઓવરોમાં ફિનિશિંગ અને યુવા ખેલાડીઓનું માર્ગદર્શન.

ધોની હવે ફક્ત આઈપીએલમાં જ રમે છે, તેથી મેચ ફિટનેસ જાળવવી તેના માટે વધુ પડકારજનક બની ગઈ છે. છેલ્લી આઈપીએલ સીઝનમાં, ધોનીએ 14 મેચ રમી હતી, જેમાં તેણે નીચેના ક્રમમાં બેટિંગ કરી હતી અને અંતિમ ઓવરોમાં ટીમની ઇનિંગ્સને ઝડપી ફિનિશિંગ આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તે સતત ઘૂંટણની સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા છે. આ કારણોસર 2023 માં તેની સર્જરી થઈ હતી.

કોને તક મળી શકે છે?
ધોનીની ગેરહાજરીમાં, સીએસકે મેનેજમેન્ટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવા પડશે. બીજો ખેલાડી વિકેટકીપિંગ ફરજો સંભાળી શકે છે. ધોની ઉપરાંત, ટીમ પાસે ત્રણ અન્ય વિકેટકીપિંગ વિકલ્પો છે: સંજુ સેમસન, ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્મા. સંજુનું રમવું નિશ્ચિત છે. હવે, ઉર્વિલ અને કાર્તિક બંનેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. વિકેટકીપિંગની જવાબદારી કોણ સંભાળશે તે જોવાનું બાકી છે. મિડલ ઓર્ડરમાં પણ ફેરફાર શક્ય છે. જોકે, સંજુ અને ઉર્વિલ CSKના પ્રેક્ટિસ સત્રોમાં વિકેટકીપિંગ કરતા જોવા મળ્યા છે.

 

‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ મુદ્દે વિવાદ: શું ખરેખર હોર્મુઝનું નામ બદલી શકાય?

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક સ્થળોનાં નામ પોતાના નામ પરથી રાખવાનો ખાસ શોખ હોવાનું માનવામાં આવે છે. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિએ આ વલણને એક પગલું આગળ લઈ જતા જણાવ્યું કે શાંતિ સમજૂતી માટે ઈરાને હોર્મુઝ જળસંધિને ઓઇલ પરિવહન માટે ખુલ્લી રાખવી જોઈએ અને તેમણે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ” નામ આપ્યું હતું.

તેમના બીજા કાર્યકાળ દરમિયાન વોશિંગ્ટનમાં ઘણી જગ્યાઓને પોતાનાં નામ સાથે જોડનારા ટ્રમ્પે કહ્યું હતું કે તેમની આ ટિપ્પણી એક “ભૂલ” હતી, પરંતુ તરત જ ઉમેર્યું કે મારાથી કોઈ ભૂલ થતી નથી.

તેમના આ નિવેદનથી લોકોમાં હાસ્ય અને આશ્ચર્ય બંને જોવા મળ્યાં, પરંતુ આ સમાચાર પાછળ એક ગંભીર પ્રશ્ન પણ છે: શું કોઈ નેતા — ભલે તે અમેરિકાના રાષ્ટ્રપતિ જ કેમ ન હોય — કોઈ આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગનું નામ બદલી શકે? અને જો નહીં, તો આવા નિવેદનનું મહત્વ શું છે?

શું ખરેખર હોર્મુઝ જળસંધિનું નામ બદલી શકાય?

આનો સીધો જવાબ છે — નહીં.

હોર્મુઝ જેવી આંતરરાષ્ટ્રીય જળસંધિઓ સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા કરાર (United Nations Convention on the Law of the Sea) જેવા વૈશ્વિક કરારો હેઠળ સંચાલિત થાય છે. તેથી કોઈ એક દેશ અથવા નેતાને એકતરફી રીતે તેનું નામ બદલવાનો અધિકાર નથી.

આવાં નામો લાંબા સમયથી ચાલતી પરંપરા, નકશાઓ, આંતરરાષ્ટ્રીય કરારો, નૌકાવહન સિસ્ટમ અને વૈશ્વિક વેપારમાં મળેલી માન્યતા આધારે સ્વીકારવામાં આવે છે. તેઓ તમામ દેશોની સહમતીથી જ માન્ય બને છે, કોઈ એક વ્યક્તિના નિર્ણયથી નહીં. તેથી કાનૂની રીતે “સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ” નામનું કોઈ અસ્તિત્વ નથી અને તેને સત્તાવાર રીતે અપનાવી શકાય તેમ નથી.

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ઇતિહાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પવિત્ર સંગમ 

ગાંધીનગર: કોબા તીર્થ ખાતે નવ નિર્મિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જે ભવ્ય સંસ્કૃતિની વિરાસત અને ઐતિહાસિક ધરોહરનો અનોખો સંગમ સર્જાવવા જઈ રહ્યું છે. આ ભવ્ય મ્યુઝિયમનું લોકાર્પણ ૩૧ માર્ચ, ૨૦૨૬ને મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે.

આ ઉદ્ઘાટન સમારોહ આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર – કોબા તીર્થના પ્રમુખ સુધીર મહેતા તેમજ ભારતભરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.

આ મ્યુઝિયમ ઈ.સ.પૂર્વે ૨૨૪ થી ૨૧૫ દરમિયાન શાસન કરનાર જૈન ધર્મની મહાન વિભૂતિ અને અહિંસાના પ્રચારક, સમ્રાટ અશોકના પૌત્ર એવા સમ્રાટ સંપ્રતિ મહારાજના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યોને સમર્પિત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરનાર આ મ્યુઝિયમ ભાવી પેઢીને માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે.

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશનના સહયોગથી નિર્માણ પામેલ છે. યુ.એન.એમ. ફાઉન્ડેશને તેના સંચાલન અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારી છે. તેમાં શતાબ્દીઓ જૂના દુર્લભ પ્રાચીન અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસાને સાચવીને રાખવામાં આવ્યા છે. અહીં પાષાણ અને ધાતુની મૂર્તિઓ, વિશાળ તીર્થ પટ્ટો, યંત્ર પટ્ટો, લઘુચિત્રો, ચાંદીના રથો અને સિક્કાઓ, પ્રાચીન હસ્તપ્રતો સહિતના ઐતિહાસિક અમૂલ્ય સંગ્રહને સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે ઈ.સ.પૂર્વે ૨૦૦ના સમયથી ભારતની આધ્યાત્મિક અને કલાત્મક પરંપરાનો દુર્લભ પરિચય કરાવે છે.

આ મ્યુઝિયમનું નિર્માણ આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું એક જીવન સ્વપ્ન હતું અને તેઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ પ્રયત્નોનું પરિણામ છે. તેમણે છેલ્લાં છ દાયકામાં ભારત અને નેપાળમાં આશરે બે લાખ કિલોમીટર જેટલી પદયાત્રા કરી. જે દરમિયાન તેમણે ભારતના દરેક વિસ્તારમાંથી સંકલિત કરેલા અમૂલ્ય સાંસ્કૃતિક અવશેષોને શ્રદ્ધા અને સંરક્ષણ સાથે અહીં સ્થાપિત કર્યા.

આ અંગે સુધીર મહેતાએ જણાવ્યું કે, “આ સ્વપ્નને આકાર લેતા જોવું અત્યંત સંતોષદાયક છે. આ મ્યુઝિયમ આપણા સહિયારા વારસાની દીવાદાંડી બનશે અને આવનારી પેઢીઓને ભારતની આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને કળા વિશે ઊંડાણપૂર્વક જાણવાની પ્રેરણા આપશે. આ પવિત્ર કાર્યનો ભાગ બનવા બદલ હું નમ્રતાપૂર્વક ગૌરવ અનુભવું છું.”

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં આધુનિક ઑડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજી, આધ્યાત્મિક સંગીત અને ઇમર્સિવ પ્રેઝન્ટેશન્સનો ઉપયોગ કરીને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો માટે આધુનિક અને સમૃદ્ધ અનુભવનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સમાજને અહિંસા, સંયમ અને કરુણા જેવા શાશ્વત મૂલ્યોનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડે છે. આ મ્યુઝિયમની સાત અલગ-અલગ ગેલેરી ભારતની દરેક પરંપરાના જુદાં જુદાં વિશિષ્ટ પાસાઓને સમર્પિત છે.

1. પ્રથમ ગેલેરી : આ ગેલેરી જૈન તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રભાવશાળી પરિચય આપે છે. અહીં ભગવાન ઋષભદેવ (પ્રથમ તીર્થંકર) થી લઈને ભગવાન નેમિનાથ (૨૨મા તીર્થંકર) સુધીના તમામ તીર્થંકરોના જીવન અને ઉપદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગેલેરીમાં પાંચમી થી પંદરમી સદી સુધીની પ્રાચીન જૈન મૂર્તિઓ, હસ્તપ્રતો અને મહાપુરુષોની કથાને કહેતાં પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

2. બીજી ગેલેરી : આ ગેલેરી ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના જીવન અને તેમની આધ્યાત્મિક પરંપરાને સમર્પિત છે. અહીં ધાતુ અને પાષાણની પ્રાચીન મૂર્તિઓ સાથે ધરણેન્દ્ર-પદ્માવતી જેવા રક્ષણકારી દેવ-દેવીઓની પ્રતિમાઓ અને ચિત્ર પટ્ટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

3. ત્રીજી ગેલેરી : આ ગેલેરીમાં ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ૭૨ વર્ષના જીવનપ્રવાસને જન્મથી લઈને નિર્વાણ સુધી અને એ પછીના બારમા સૈકા સુધીના વારસાને રજૂ કરવામાં આવ્યો છે. અહીં પાષાણ અને ધાતુની મૂર્તિઓ, યંત્રચિત્રો, નક્શાઓ તથા જૈન આગમ ગ્રંથોની પ્રાચીન હસ્તપ્રતો દ્વારા જ્ઞાનપરંપરાનો પરિચય આપવામાં આવ્યો છે.

4. ચોથી ગેલેરી : આ ગેલેરી ૧૩મી થી ૧૭મી સદી દરમિયાન વિપરીત સંજોગોમાં પણ વિસ્તરેલા જૈન ધર્મના વિકાસના સુવર્ણયુગને દર્શાવે છે. દુર્લભ હસ્તપ્રતો તથા મુઘલ સમ્રાટ અકબર દ્વારા જૈન આચાર્યજીને આપવામાં આવેલ મૂળ મુગલકાલીન ફરમાન (અકબરનું ફરમાન) સહિતના ઐતિહાસિક દસ્તાવેજો ગેલેરીને વિશેષ સમૃદ્ધ બનાવે છે.

5. પાંચમી ગેલેરી : આ ગેલેરી ૧૮મી થી ૨૦મી સદી દરમિયાનના જૈન કલા સાહિત્ય અને ધાર્મિક પરંપરાનો પરિચય આપે છે. અહીં ચિત્રિત વસ્ત્રો, રજત રથ (ચાંદીનો રથ), જૈન મંદિરો અને સમવસરણના કાષ્ઠ રૂપકો તથા લાકડાના કારીગરીના નમૂનાઓ દ્વારા સાંસ્કૃતિક સમૃદ્ધિનું સુંદર દર્શન થાય છે.

6. છઠ્ઠી ગેલેરી : આ ગેલેરી ભારતીય સંસ્કૃતિ, કલા અને સ્થાપત્યના વ્યાપક વૈભવને રજૂ કરે છે. અહીં ૮મી થી ૨૦મી સદી સુધીના પ્રાચીન સિક્કાઓ, વેદ–પુરાણ–આયુર્વેદના ગ્રંથો તથા પરંપરાગત હસ્તકલા ભારતીય સંસ્કૃતિના વૈભવનું ઉત્તમ પ્રતિનિધિત્વ રજૂ કરવામાં આવ્યું છે.

7. સાતમી ગેલેરી : આ ગેલેરીને આધુનિક સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમ તરીકે વિકસાવવામાં આવી છે. અહીં શેત્રુંજય ગિરિરાજ, ગિરનાર અને રાણકપુર જૈન મંદિરો જેવા પવિત્ર તીર્થસ્થળોની ડિજિટલ પ્રસ્તુતિઓ શ્રોતાઓને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જશે.

ઐતિહાસિક અને આધ્યાત્મિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસતું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ શાળાના બાળકો, યુવાનો, સંશોધકો, કલા-પ્રેમીઓ અને ઇતિહાસકારો માટે ભારતના ભવ્ય ભૂતકાળ તથા સનાતન ધર્મ અને સંસ્કૃતિના વિવિધ પરિમાણોને જાણવા માટેનું યોગ્ય સ્થળ બનશે.

પંચાંગ 28/03/2026

મારવાડી યુનિવર્સિટીએ વૈશ્વિક QS ગ્લોબલ રેન્કિંગ મેળવ્યું

રાજકોટ: મારવાડી યુનિવર્સિટીએ કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટેના 2026ના ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગમાં સ્થાન મેળવીને એક મહત્વપૂર્ણ વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. 751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને, યુનિવર્સિટીએ IIT સહિતની અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે આ ક્ષેત્રમાં ભારતની ટોચની 40 સંસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 2024 પછી ભારતે ટોચના 50 સ્થાનોમાં પોતાની હાજરી બમણી કરતાં 12 થી વધારીને 27 સંસ્થાઓ સુધી પહોંચાડી છે.મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડી એ જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી હોવાનો અમને ગર્વ છે. આ સિદ્ધિ અમારી વધતી જતી શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન ક્ષમતા અને કમ્પ્યુટર વિજ્ઞાન તેમજ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રમાં ઉદ્યોગ સાથેના સંકલનને પ્રતિબિંબિત કરે છે.”

મારવાડી યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહે જણાવ્યું કે, “આવા વૈશ્વિક રેન્કિંગનું મહત્વ દેશના ઉચ્ચ નેતૃત્વ સ્તરે પણ માન્ય છે. અમારું લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરવું, નવીનતા પ્રોત્સાહિત કરવી અને વિદ્યાર્થીઓને વૈશ્વિક પડકારો માટે તૈયાર કરવાનું છે.”

યુનિવર્સિટીએ ગયા વર્ષે ક્યૂએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં પણ પ્રવેશ કર્યો હતો. જેમાં 353નો પ્રભાવશાળી ક્રમ મેળવ્યો હતો. આ કોઈપણ ભારતીય યુનિવર્સિટી માટે અત્યાર સુધીનો સૌથી ઊંચો ડેબ્યૂ રેન્ક રહ્યો હતો.

સમયસર નિદાન અને યોગ્ય સારવાર પર ભાર મૂકતી ચળવળ

વાપી: મેરિલના ગ્લોબલ હેડક્વાર્ટરની ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમ.એસ. ધોનીએ મુલાકાત લીધી.”બચપના શુડન્ટ રિટાયર” તે વિષય પર તેમણે હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક વાતચીત કરી. “બચપના શુડન્ટ રિટાયર” એ એક રાષ્ટ્રવ્યાપી જાહેર આરોગ્ય ચળવળ છે. જેમાં “ટ્રીટમેન્ટ જરૂરી હૈ” એવા વિષય પર ભાર મૂકવામાં આવે છે. જે સમયસર નિદાન અને અદ્યતન મેડિકલ થેરાપીની પ્રાપ્યતા અંગે જાગૃતિ માટે શરૂ કરવામાં આવી છે.આ વ્યાપક ચળવળના કેન્દ્રિત વિસ્તરણ તરીકે, ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ ના છત્ર હેઠળ વરિષ્ઠ નાગરિકો માટેની આરોગ્યને એક સમર્પિત કેમ્પેઇન “બચપના શુડન્ટ રિટાયર ” રજૂ કરે છે. આ કેમ્પેઇન એ વાતને દ્રઢ બનાવે છે કે વહેલા નિદાન, નિવારક તપાસ અને નવીન સારવાર વિકલ્પોની પહોંચ કાર્ડિયાક, ઓર્થોપેડિક અને અન્ય વય-સંબંધિત પરિસ્થિતિઓમાં પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. આખરે આ સુવર્ણ વર્ષોમાં સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તા જાળવી રાખે છે. જ્યારે ઉંમર વધે છે, ત્યારે રમતિયાળ સ્વભાવ, જિજ્ઞાસા અને આનંદની ભાવના કોઇ પણ હિસાબે ઓછી થવી જોઈએ નહીં. જીવનના દરેક તબક્કે ગૌરવ અને ઉત્સાહ જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, ખાસ કરીને જ્યારે ભારત તેની વૃદ્ધ વસ્તીમાં જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં સતત વધારો જોઈ રહ્યું છે.

આ કેમ્પેઇનના એક ભાગ બનતા એમ.એસ. ધોનીએ ભારપૂર્વક કહ્યું, ” હું માનું છું કે, તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી એ તમારા માટે અને જે લોકો તમને પ્રેમ કરે છે તેમના માટે પણ સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે જે તમે કરી શકો છો -. જે આપણા બધાની જવાબદારી છે, ખાસ કરીને યુવા પેઢીની, તે ખાતરી કરવાની કે આપણા માતાપિતા અને દાદા-દાદી યોગ્ય કાળજી લે, ધ્યાન રાખે અને તેમને સપોર્ટ મળે. ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ જેવી ઝુંબેશો તે દિશામાં એક પગલું છે, અને મને આનો ભાગ બનવાનો આનંદ છે”

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી અનુસાર , ભારતમાં થતા કુલ મૃત્યુમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો હિસ્સો લગભગ 28% છે , જે તેમને દેશમાં મૃત્યુનું મુખ્ય કારણ બનાવે છે . આ જ સમયે, બદલાતી જીવનશૈલી અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે સ્થૂળતા વધી છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અહેવાલ મુજબ હાલમાં 24% થી વધુ ભારતીય પુખ્ત વયના લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે . આ પરિબળો હલનચલન સંબંધિત સમસ્યાઓમાં વધારામાં પણ ફાળો આપી રહ્યા છે – ઇન્ડિયન જર્નલ ઓફ ઓર્થોપેડિક્સ અને NIH સંશોધન ડેટાબેઝમાં પ્રકાશિત થયેલા અભ્યાસો દર્શાવે છે કે ઘૂંટણનો અસ્થિવા ભારતમાં લગભગ 4 માંથી 1 પુખ્ત વયના લોકોને અસર કરે છે , જે અપંગતાનું અને દેશમાં ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરીનું મુખ્ય કારણ છે. એકસાથે, આ વલણો રોગનિવારક સ્ક્રીનીંગ, શરૂઆતનું મેડિકલ કન્સલ્ટેશન અને એડવાન્સ્ડ થેરાપીની પ્રાપ્યતાની વધતી જતી જરૂરિયાતને દર્શાવે છે જેથી ખાતરી કરી શકાય કે લાંબુ આયુષ્ય સ્વસ્થ, વધુ સક્રિય વર્ષો સાથે સુસંગત છે.

આ કેમ્પેઇન દેશભરના પરિવારોને તેમની પોતાની વાર્તાઓ શેર કરીને ભાગ લેવાનું આહ્વાન કરે છે – ટૂંકા વિડીયો રેકોર્ડ કરીને, હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ પોસ્ટ કરીને અથવા તેમના દાદા-દાદી સાથેની પ્રિય યાદોની ઉજવણી કરીને.

૨૮ માર્ચ ૨૦૨૬

‘સ્કિન કેર’ દુનિયાની કડવી હકીકત : એકજ પ્રોડક્ટની અલગ અલગ કિંમત

દરેક માણસ જ્યાં ગ્રાહક છે એવી સ્કિન કેર દુનિયા, જ્યાં આપણે બધાજ કોઈ ને કોઈ પ્રોડક્ટ વાપરતા હોઈએ છીએ, મોંઘીથી લઈને સસ્તી પણ બાળકોથી લઈને મોટાઓ, દરેક પોતાના સ્કીન અને વાળને અનુરૂપ, બજેટ પ્રમાણે કઈ ને કઈ તો વાપરતા જ હોઈએ છીએ. પણ તમે જાણો છો કે તમે વાપરતા દેખાય પ્રોડક્ટ, પછી એ મોંઘી હોય કે સસ્તી, બ્રાન્ડેડ હોય કે નોન બ્રાન્ડેડ, દરેક એક જ ફેક્ટરીમાં બને છે. કેમકે પૈસા કમાવવા માટે હજુ સુધી કોઈ જ બ્રાન્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફોકસ કરવાનું શરૂ કર્યું જ નથી. અને એમને જરૂર પણ નથી કેમકે દરેક નાની મોટી બ્રાન્ડ તેમના પેકેજિંગ અને માર્કેટિંગના બેઝ પર જ તોતિંગ નફો કરી લે છે. ચાલો જાણીએ આ નફા પાછળનું અનોખું ગણિત.

અલગ અલગ લેબલ પાછળ એક જ ફેક્ટરી

દુનિયામાં મોટાભાગની કોસ્મેટિક્સ બ્રાન્ડ્સ પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી નથી. લક્ઝુરિયસ બ્રાન્ડ હોય કે મેડિકલ સ્ટોર પર મળતા પ્રોડક્ટ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ પાસે જ બને છે. લગભગ બધાજ બ્રાન્ડ માટેના બેઝ એક જ મશીન અને મિશ્રણ દ્વારા એક જ ફેક્ટરીમાં બને છે.

મટીરિયલ સરખું, કિંમતો અલગ

કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રીમાં કદી પ્રોડક્ટની ગુણવત્તાની કિંમત હોતી જ નથી. અહીં કિંમતો પેકેજિંગ અને માર્કેટિંગની જ હોય છે. ઘણી ફેક્ટરીઓ પાસે પોતાની તૈયાર ફોર્મ્યુલા હોય છે. નવી બ્રાન્ડ્સ ત્યાં જઈને માત્ર સુગંધ (Fragrance) કે કલર એડ કરી પોતાનું નામ આપી દે છે. જે ‘વ્હાઇટ લેબલિંગ’ કહેવાય છે. એટલે કે અંદરનું મટીરિયલ સરખું જ હોય છે, પણ માર્કેટિંગ દ્વારા ‘પ્રીમિયમ’ બનાવવામાં આવે છે.

અસલી ખર્ચ

ધારો કે તમે 1000 રુપિયાનું ક્રીમ લો છો, જેની મૂળ કિંમત 100 થી 150 રુપિયા જ હોય છે, જેમાં પેકેજિંગ, માર્કેટિંગ અને સ્ટોર પ્રોફિટ ગણતા તે પ્રીમિયમ બની જાય છે. ઘણીવાર જે ટેકનોલોજી તેમની મોંઘી બ્રાન્ડમાં વપરાય છે, તે જ થોડા સમય પછી તેમની સસ્તી બ્રાન્ડમાં પણ લાવવામાં આવે છે. એટલે કે સસ્તામાં પણ તમને મોંઘી પ્રોડક્ટ જેવું જ પરિણામ મળી શકે છે.

ગ્રાહક તરીકે શું ધ્યાન રાખવું જોઈએ

અંદરના ઘટકો જે હંમેશા પ્રોડક્ટની પાછળ લખેલા હોય તે લિસ્ટને તપાસો. જો સસ્તી પ્રોડક્ટમાં પણ એ જ ઘટકો જેમ કે વિટામિન C કે હાયલ્યુરોનિક એસિડ હોય, તો મોંઘી બ્રાન્ડ પાછળ દોડવાની જરૂર નથી. ખાસ કરીને, મેન્યુફેક્ચરિંગ ડિટેલ્સ જે બોટલની પાછળ જુઓ કે તે ક્યાં બની છે. જો બે અલગ બ્રાન્ડનું સરનામું એક જ હોય, તો બંને સરખી જ પ્રોડક્ટ છે.

મોંઘું એટલે સારું એવું હંમેશા નથી હોતું. સ્કિનકેર એ વિજ્ઞાન છે, લક્ઝરી નહીં. તમારી ત્વચાને બ્રાન્ડનું નામ નથી ખબર, તેને ફક્ત સાચા ઘટકોની જરૂર છે. તો હવે પછી શોપિંગ કરતી વખતે પેકેજિંગ નહીં, પણ તેની અંદર શું છે તે જરૂર જુઓ.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)