Home Blog Page 1571

કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ રોડ પર ભુવા પડ્યા!

અમદાવાદ: શહેરના મ્યુનિસિપલ તંત્ર દ્વારા દર વર્ષે એક હજાર કરોડની રકમ રોડની કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં દર વર્ષે ચોમાસામાં ભુવા પડવાની ઘટના બને છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારમાં ૩૪ ભુવા પડયા છે. ચાર વર્ષમાં શહેરમાં કુલ ૩૧૯ ભુવાના સમારકામ પાછળ રુપિયા ૪૮ કરોડનો ખર્ચ કરાયો છે. એક ભુવાના સમારકામ પાછળ રુપિયા ૧૫થી ૨૦ લાખનો ખર્ચ થતો હોય છે.શહેરના ૪૮ વોર્ડ વિસ્તારમાં આવેલા રસ્તાઓ રિસરફેસ કરવા ઉપરાંત નવા રસ્તા બનાવવા તેમજ રોડ ઉપર પડેલા ખાડાને પેચવર્ક કરવા સહિતની કામગીરી કરાવવા રુપિયા એક હજાર કરોડનો ખર્ચ કર્યા પછી પણ લોકોને સારા રસ્તા મળી શકતા નથી. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાએ આક્ષેપ કરતાં કહયું, “થોડા સમય અગાઉ રુપિયા ૬૦૦ કરોડના રોડના કામ આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ નામના એક જ કોન્ટ્રાકટરને ભાવ વધારો કરીને આપવામા આવેલા છે.આમ છતાં દર વર્ષે રોડ ઉપર ભુવા પડવાની ઘટના અટકતી નથી. તંત્ર અને શાસકપક્ષની બેદરકારીના કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે.”

હિંડનબર્ગ વિવાદમાં સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,150ની નીચે

અમદાવાદઃઅમેરિકામાં રિટેલ મોંઘવારી ફરી વાર્ષિક ધોરણે ત્રણ ટકા વધવાની સંભાવના છે. જ્યારે ફરી એક વાર અદાણી હિંડનબર્ગ વિવાદથી ઘરેલુ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે જેથી રોકાણકારોએ શેરોમાં નફારૂપી વેચવાલી કાઢી હતી. રોકાણકારોના રૂ. 4.48 લાખ કરોડ ડૂબ્યા હતા.

સ્થાનિક બજારમાં આજે હિંડનબર્ગે નહીં પણ HDFC બેન્કે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. સપ્તાહના બીજા સેશનમાં નિફ્ટી અને સેન્સેક્સ આશરે એક ટકો ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી બેન્ક 1.5 ટકાનો ઘટાડો થયો હતો. HDFC બેન્ક ત્રણ ટકા ઘટ્યો હતો. કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોને કારણે સ્ટોક સ્પેસિફિક કામકાજ થયાં હતાં.

વૈશ્વિક માર્કેટથી મિશ્ર સંકેતો મળતા હતા. જોકે એશિશય માર્કેટોમાં તેજી થઈ હતી. અમેરિકામાં મોંઘવારીના આંકડા મિશ્ર આવ્યા હતા. ઘરેલુ બજાર રિટેલ મોંધવારીમાં ઘટાડાની અપેક્ષા હતી, જે મુજબ રિટેલ ફુગાવાના દર નીચો આવ્યો છે.

HDFC બેન્કની આગેવાનીમાં સેન્સેક્સ અને નિફ્ટી એક ટકા કરતાં વધુ ઘટ્યા હતા, જ્યારે નિફ્ટી બેન્કમાં આશરે 1.5 ટકાનો ઘટાડો થયો હતો. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ ઘટીને બંધ થયા હતા. બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન મેટલ બેન્કિંગ, PSE શેરોમાં વેચવાલીનું દબાણ હતું, જ્યારે IT, ફાર્મા ઇન્ડેક્સમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 693 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારપે નિફ્ટી 50 ઇન્ડેક્સ 24,150ની નીચે ગયો હતો. નિફ્ચી 50 ઇન્ડકેસ212 પોઇન્ટ ઘટીને 24,135.80ના મથાળે બંધ રહ્યો હતો.BSE એક્સચેન્જ પર કુલ 4026 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1280 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2658 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 88 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 241 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 38 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

મુંબઈ: અનુવાદ આદાનપ્રદાન કાર્યક્રમમાં અનુભવીઓએ પીરસી મહત્વની માહિતી

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ગુજરાતી ભાષાભવનના સહયોગમાં ‘અનુવાદ આદાનપ્રદાન ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનુવાદને લગતી ઘણી બધી માહિતી આપવામાં આવી હતી.

‘અનુવાદ આપણને સંશોધક બનાવે છે.કવિતાનું કામ ભાવસભર આનંદ આપવાનું છે ‘ એવું સંચાલન કરતાં ડૉ.દર્શના ઑઝાએ જણાવ્યું હતું. વરિષ્ઠ સર્જક દિનકર જોષી સ્વાસ્થ્યને લગતાં કારણોસર વક્તા તરીકે આવી ન શક્યા પણ ડૉ.દર્શના ઓઝાએ દિનકર જોષીના સર્જનની તથા એમના વિચારબીજ એવા ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન દ્વારા થયેલા અનુવાદોની વાત કરી હતી. આ ઉપરાંત બીજી ભાષાના અનેક પ્રકાશકોએ દિનકર જોષીના 58 જેટલાં પુસ્તકોના અનુવાદ કરાવડાવી અન્ય ભાષાઓમાં પ્રકાશિત કર્યાં છે એની વાત કરી હતી.

કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મરાઠી અને ગુજરાતી ભાષામાં કવિતાનું જે આદાનપ્રદાન થયું છે એની કેટલીક માહિતી આપી. ગદ્યનો અનુવાદ કરવો સરળ છે જ્યાં મૂળ કૃતિનું વાતાવરણ અને લેખકની શૈલીને જાળવીને બીજી ભાષામાં કૃતિનું અવતરણ થાય છે પણ કાવ્યનો અનુવાદ પડકારજનક હોય છે જ્યાં કવિતાના ભાવ ઉપરાંત એનો છંદ, લય, ગેયતા અને સૌંદર્ય જાળવી રાખવાનાં હોય છે. મરાઠી આપણી ભગિની ભાષા છે અને ગુજરાતીના ભાવકને મરાઠી રચના સમજાતી હોય છે એવું એમણે જણાવ્યું હતું. કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મંગેશ પાડગાંવકરની કવિતાનો ગુજરાતી અનુવાદ તથા મૂળ મરાઠી રચના બે ય મૂક્યાં હતાં.

ડૉ. કલ્પના દવેએ મરાઠીથી ગુજરાતી અને ગુજરાતી ભાષાથી મરાઠી ભાષામાં થયેલા ગદ્ય અનુવાદની વાત કરી હતી. વિ.સ. ખાંડેકરની સર્વોત્કૃષ્ટ ગણાયેલી “યયાતિ “ વિશ્વાસ રાવ પાટિલની “મહાનાયક” અને “ઝાડાઝડતી” જેવી પ્રશિષ્ટકૃતિઓના ગુજરાતીમાં અનુવાદ થયા છે. જ્યારે દિનકર જોષીની નવલકથાઓ “પ્રકાશનો પડછાયો”, “અમૃતપંથનો યાત્રી”, “ શ્યામ એક વાર આવોને આંગણે”, “દ્વારકાનો સૂર્યાસ્ત”, કુન્દનિકા કાપડિયાની “ સાત પગલાં આકાશમાં “, વર્ષા અડાલજાની “ અણસાર”, રેતપંખીં” તથા અન્યકૃતિઓ મરાઠીમાં અનુવાદિત થઈ છે એની માહિતી એમણે શ્રોતાઓ સમક્ષ મૂકી હતી. વીરમાતા અનુરાધા ગોરેની યુધ્ધ-શહાદતની કથા “ ઓળખ સિયાચેનચી”નો ગુજરાતી અનુવાદ કલ્પના દવેએ કર્યો છે.

વરિષ્ઠ નાટ્ય તથા ફિલ્મ અને ઓટીટી અભિનેતા અભિજિત ચિત્રેએ દયા પવાર લિખિત પુસ્તક’ બલૂત ‘( અનુવાદ: પ્રતિમા પંડ્યા) તથા વિ.વા.શિરવાડકર લિખિત નટસમ્રાટ (અનુવાદ: વૈશાલી ત્રિવેદી)નું વાચિકમ કર્યું હતું. એમણે મનોજ બોરગાંવકરના કાવ્યસંગ્રહ (અનુવાદ:પ્રતિમા પંડ્યા)માંથી પસંદ કરેલી કાવ્યરચના ડોશી ભાવવાહી રીતે રજૂ કરી. અશ્વિની બાપટ દ્વારા અનુવાદિત પુનિત માતકરના એક મરાઠી કાવ્યનો અનુવાદ પણ એમણે રજૂ કર્યો હતો.

આ અગાઉ કાર્યક્રમની પરિકલ્પના કરનાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે અનુવાદ તમને અલગ વિશ્વનો પરિચય કરાવે છે. અન્ય ભાષાના સર્જકની સર્જકતા, એની દ્રષ્ટિ, એનું ભાવવિશ્વ, એની સંસ્કૃતિ અને એની સંવેદના આ બધું જ એક સારા અનુવાદક દ્વારા આપણી ભાષામાં અવતરે છે અને ભાવક સુધી પહોંચે છે. આ કાર્યક્રમને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની યુટ્યુબ ચૅનલ પર માણી શકાશે. કેઈએસ ગુજરાતી ભાષાભવન વતી કીર્તિ શાહે સહુને આવકાર આપ્યો હતો અને ખાસ તો દિનકર જોષીના અનુવાદ ક્ષેત્રના પ્રદાનને પોંખ્યું હતું. વરિષ્ઠ કલાકાર અનુરાગ પ્રપન્ન, યુવા કલાકાર પ્રીતા પંડ્યા, મહાભારતના કથાકાર જિતેન્દ્ર દવે ઉપરાંત અનેક ભાવકોએ કાર્યક્રમ માણ્યો હતો.

 

શું બાંગ્લાદેશની જેમ ઈરાનમાં બળવો થશે?

ત્યારપછી ઈઝરાયેલ ઈરાનમાં ઘુસીને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી ચુક્યું છે. ઈરાન બદલો લેવા માટે ભયાવહ છે. જામકરણ મસ્જિદ પર લાલ ઝંડો લગાવીને ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તેનો હેતુ ઈઝરાયેલથી બદલો લેવાનો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ પણ કહ્યું છે કે ઈરાન બદલો લેશે, પરંતુ સવાલ એ છે કે ક્યારે?

શું ઈરાન ખરેખર બદલો લેશે? શું ઈરાન ખરેખર ઈઝરાયેલ પર હુમલો કરશે કે ઈરાનમાં જ કોઈ એવી શક્તિ છે જે ઈરાનને લડતા અટકાવી રહી છે અને તેનું પરિણામ ઈરાનમાં પ્રથમ ગૃહયુદ્ધ અને બાંગ્લાદેશમાં બળવો થઈ શકે છે. આખરે, ઈરાનમાં તે વ્યક્તિ કોણ છે જે હજી પણ ઈરાની સેનાને હુમલા કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે અને હાનિયાની હત્યાના લગભગ 15 દિવસ પછી પણ ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શક્યું નથી.

હાનિયાએ પજેશકિયનના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી

જો ઈરાની સેનાએ જામકરણ મસ્જિદ પર લાલ ઝંડો લગાવીને અને આયાતુલ્લા અલી ખમેનીના આદેશ બાદ પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો નથી, તો તેનું કારણ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પાઝેસ્કિયન છે. જ્યારે ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી ત્યારે હાનિયા મસૂદ પજેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા તેહરાન ગઈ હતી.

અમદાવાદમાં મચ્ચરજન્ય અને પાણીજન્ય રોગોના કેસમાં વધારો

અમદાવાદ: શહેરમાં વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદની વચ્ચે મચ્છરનો ઉપદ્રવ સતત વધી રહયો છે. ડેન્ગ્યૂના ૧૬૪ અને ચિકનગુનિયાના ૧૯ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવ અંગે આરોગ્ય વિભાગને ૨૬ હજારથી વધુ ફરિયાદ મળી છે. શહેરના સાત વોર્ડમાં કોલેરાના ૧૬ કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગના કેસની સંખ્યામા સતત વધારો થઈ રહયો છે.

આરોગ્ય વિભાગ તરફથી સરકારી,ખાનગી મિલકત ઉપરાંત બાંધકામ સાઈટ ઉપર મચ્છરના ઉપદ્રવને લઈ તપાસ કરાતી હોવાના આંકડા જાહેર કરાય છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ ઉપર મચ્છરના ઉપદ્રવ અંગે દસ દિવસમાં કુલ મળીને ૨૬,૧૩૭ ફરિયાદ વિવિધ વિસ્તારના નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.શહેરના દાણીલીમડા, ગોતા, લાંભા ઉપરાંત ઈન્દ્રપુરી, રામોલ-હાથીજણ, વટવા અને રાણીપ વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા છે. મેલેરિયાના ૫૮, ઝેરી મેલેરિયાના ૮ કેસ નોંધાયા છે. પાણીજન્ય એવા ઝાડા-ઉલટીના ૩૮૨, કમળાના ૧૭૮, ટાઈફોઈડના ૩૦૪ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુરા પાડવામાં આવતા પાણીના લેવામા આવેલા સેમ્પલ પૈકી ૨૫૧ પાણીના સેમ્પલનો કલોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. ૧૦૨ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.

કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: CBI તપાસનો આદેશ

કોલકાતા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને ભીંસમાં લીધી છે.

કોલકત્તા હાઈકોર્ટે પોલીસને મહિલા ડોક્ટરની હત્યા કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં CBIને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે હડતાળ પર બેઠેલા તબીબોને હડતાળ ખતમ કરવા તાકીદ કરી છે. તેણે કહ્યું કે તે તેની ‘પવિત્ર જવાબદારી’ છે. ગઈકાલે પીડિત ડૉક્ટરના ઘરે ગયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કોલકાતા પોલીસ રવિવાર સુધીમાં કેસ ઉકેલવામાં નિષ્ફળ જશે તો તેને સીબીઆઈને સોંપવામાં આવશે.

મહિલા તબીબની હત્યાની ફરિયાદ પ્રિન્સિપાલ દ્વારા કેમ ન અપાઈ ?

કોલકાતા બળાત્કાર કેસની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને જાતે જ રજા પર જવા કહ્યું, નહીં તો કોર્ટ આદેશ આપશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે કે જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું હતું તો તે કેસમાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ ફરિયાદ કેમ ન કરાઈ? આ શંકાને જન્મ આપે છે.

 

છેલ્લાં પાંચ વર્ષમાં 29,000 લોકોએ આત્મહત્યા કરી

નવી દિલ્હીઃ દેશમાં દેવાં કે આર્થિક તંગીથી પરેશાન થઈને આત્મહત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક પરિવારે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. UPના સહારનપુરના કોમોડિટી બજારના વેપારી સૌરભ બબ્બર અને તેની પત્ની મોનાએ ગંગા નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે સુસાઇડ નોટમાં પણ લખ્યું હતું કે દેવાંમાં ડૂબેલા છીએ અને વ્યાજ ચૂકવીને પરેશાન થઈ ગયા છે.

આવા તો કટલાક કિસ્સા છે, પણ ઇન્ટરનેટ પણ શોધીઓ તો અનેક કેસ મળી શકે છે, જેમાં આર્થિક તંગી અને દેવાંએ પરિવાર ખતમ કરી દીધાં છે. સરકારની એજન્સી નેશનલ ક્રાઇમ બ્યુરો- NCRBએ આત્મહત્યાના 2022 સુધીના આંકડા આપ્યા છે, જેમાં માલૂમ પડે છે કે દેશમાં દરેક ચોથા મોતમાં દેવું કે આર્થિક તંગીનું કારણ હોય છે. વર્ષ 2022માં દેશભરમાં 1.70 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી, એમાંથી મોટ ભાગના લોકો દેવાંથી પરેશાન હતા. પ્રતિદિન સરેરાશ 19 લોકો સુસાઇડ કરે છે.  વર્ષ 2018થી 2022ની વચ્ચે પાંચ વર્ષમાં દેવાંથી પરેશાન 29,486 લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.

ભારતીય પરિવારો પર દેવાં વધી રહ્યાં છે. પરિણામે એનાથી બચત થઈ નથી રહી. રિઝર્વ બેન્કના ડેટા કહે છે કે દેશમાં નેટ હાઉસહોલ્ડ સેવિંગ્સ એટલે કે ઘરેલુ બચત 47 વર્ષના નીચટલા સ્તરે છે. 2022-23માં એ GDPના 5.3 ટકાએ હતી, જે 2021-22માં 7.3 ટકાએ હતી.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના ડેટા કહે છે કે જૂન, 2018 સુધીમાં ગ્રામીણ પરિવારો પર સરેરાશ 59,748નાં દેવાં હતાં, જ્યારે શહેરી પરિવારો પર બે ગણા દેવાં હતાં. આ ડેટા છ વર્ષ જૂના છે અને હાલ એમાં ખાસ્સો વધારો થયો છે.

 

ક્યા સરકારી કર્મચારીઓને વંદે ભારતમાં મળશે LTCનો લાભ?

ગાંધીનગર: ગુજરાત સરકારે પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના સરકારી કમર્ચારીઓને મોટી ભેટ આપી છે. જેનો સીધો લાભ રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી (લિવ ટ્રાવેલ કન્સેશન)/વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી.ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.

ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા તેમને મળતી આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-2020-23ની શરુઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.

IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનો ટોપ 100માં સમાવેશ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્કિંગ રિપોર્ટ (એન.આઇ.આર.એફ.) 2024 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઇ.આઇ.ટી. ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બન્નેમાં સ્થાન પામી છે.

ગુજરાત યુનિવર્સિટી સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં અરજીઓ વધવાને લીધે રેન્કિંગમાં પાછળ ફેંકાઈ છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી 94 અને યુનિવર્સિટી કેટેગરીમાં 61થી 76માં રેન્ક પર પહોંચી ગઈ છે. પ્રથમવાર કૉલેજ કેટેગરીમાં ગુજરાતની એક પણ કૉલેજ દેશના ટોપ 100 રેન્કમાં આવી નથી.

આ વર્ષે 9મો રેન્કિંગ રિપોર્ટ જાહેર કરાયો છે. આ વર્ષે 6517 સંસ્થાઓની 10845 યુનિવર્સિટી-કૉલેજે જુદી જુદી કેટેગરીમાં અરજી કરી હતી. રેન્કિંગમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ કેટેગરીમાં આઇઆઇટી ગાંધીનગર આ વર્ષે 24મા રેન્કથી પાછળ જતાં 29મા રેન્ક પર આવી છે. આ વર્ષે પ્રથમવાર ગુજરાતની એક પણ કૉલેજને રેન્કિંગમાં સ્થાન મળ્યું નથી. ગત વર્ષે ગુજરાતની માત્ર સેન્ટ ઝેવિયર્સ કૉલેજ દેશની ટોપ-100 કૉલેજમાં રેન્ક મેળવી શકી હતી. નવી કેટેગરીમાં ઓપન યુનિવર્સિટી કેટેગરી, સ્કિલ યુનિવર્સિટી કેટેગરી અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી કેટેગરી ઉમેરાઈ છે.

સુરતના ઉમરાપાડામાં શરૂ થયો કૂપોષણ નાબુદી માટેનો પ્રોજેક્ટ

અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ સુરત જિલ્લાના છેવાડાના આદિવાસી તાલુકા ઉમરપાડામાં લોંચ કરવામાં આવ્યો છે. સુપોષણ પ્રોજેક્ટનો હેતુ 0-5 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રીઓમાં કુપોષણ તેમજ એનિમિયા જેવી બિમારીઓને નાબૂદ કરવાનો છે.

સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં સુરતના DDO શિવાની ગોયલ, અદાણી હજીરા પોર્ટના સીઈઓ નીરજ બંસલ, ICDS, આરોગ્ય વિભાગ, સુપોષણ સંગિનીઓ, ઉમરપાડાની આંગણવાડી કાર્યકરો, આશા કાર્યકરોની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચાર વર્ષના સમયગાળા માટે પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત પ્રત્યેક સુપોષણ સંગિની ત્રણ આંગણવાડી કેન્દ્રને એન્થ્રોપોમેટ્રિક માપન, કૌટુંબિક પરામર્શ, જૂથ ચર્ચા, કિચન ગાર્ડન વિકસાવવા અને WASH તેમજ IYCF પ્રેક્ટિસ મજબૂત કરવા મદદરૂપ થશે. ICDS કાર્યકર સાથે મળીને પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે.

સુરત જીલ્લા પંચાયત ભવન ખાતે ઉમરપાડા તાલુકાની ફોર્ચ્યુન સુપોષણ લોંચ ઈવેન્ટના અધ્યક્ષ ભાવિની પટેલે કહ્યું કે, “તંદુરસ્ત સમાજ માટે કુપોષણ અને એનિમિયા જેવી બિમારીઓ અભિશાપરૂપ છે. તેને નાબુદ કરવા ચાલી રહેલા સરકારી પ્રયાસોને અદાણી ફાઉન્ડેશન સાથે મળીને સફળ બનાવશે.

સુરતના DDO શિવાની ગોયલે આદિવાસી બ્લોક ઉમરપાડા પસંદ કરવા બદલ અદાણી ફાઉન્ડેશનની પહેલને આવકારતા કહ્યુ કે, “આ પ્રોજેક્ટ ICDS દ્વારા ચાલી રહેલા પ્રયાસોને ટેકો આપશે અને ચોક્કસપણે તેના વધુ સારા પરિણામો સાથે આવશે. સરકારી યોજનાના અમલીકરણમાં આ પ્રોજેકટ સેતુનું કામ કરશે. વડાપ્રધાનના પ્રોજેકટ સુપોષણને ટેકો આપશે”.

આ પ્રસંગે ઉપસ્થિત હજીરા પોર્ટના સીઈઓ નીરજ બંસલે ટીમને શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યુ હતું કે કોર્પોરેટ, સમાજ અને સરકાર સાથે મળીને આ પ્રોજેકટમાં કામ કરશે એ સહભાગિતા થકી સમાજ ઉત્થાનમાં સહયોગ મળશે. પ્રોજેકટ ફોર્ચ્યુન સુપોષણનો હેતુ સુપોષિત ભારતના વડાપ્રધાનના લક્ષ્યને પ્રાપ્ત કરવા પોષણ અભિયાનને સમર્થન આપવાનું અને કુપોષણ અને એનિમિયા મુક્ત સમુદાય માટે ICDSના કાર્યમાં યોગદાન આપવાનું છે. સ્થાનિક સમુદાયમાથી આવતા સ્વયંસેવકો જે સુપોષણ સંગીની તરીકે ઓળખાય છે, જેમના દ્વારા આ કાર્ય કરવામાં આવશે. દરેક સુપોષણ સંગીની ત્રણ આંગણવાડી કેન્દ્રને સહયોગ કરશે અને એન્થ્રોપોમેટ્રી માપન, કૌટુંબિક પરામર્શ, ધ્યાન કેન્દ્રિત જૂથ ચર્ચા, કિચન ગાર્ડન વિકસાવવા અને વોશ બાસ્કેટ અને IYCF પ્રથાઓને મજબૂત બનાવવાના કાર્યમાં ટેકો આપશે.

આ કાર્ય ICDS વિભાગ સાથે હાથમાં હાથ મિલાવીને કરશે. દરેક સંગીની એક આધુનિક ટેબ્લેટથી સજ્જ હશે જ્યાં તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને માહિતીપ્રદ વિડીયો સાથે શિક્ષણ આપશે. સુપોષણ પ્રોજેક્ટ ભારતના 11 રાજ્યોમાં 17 સ્થળોએ કાર્યરત છે. ગુજરાતના નર્મદામાં જિલ્લામાં 2018 થી સુપોષણ સંગિનીઓના અથાગ પ્રયત્નો દ્વારા બાળકોના કુપોષણમાં ઘટાજો અને સમુદાયોનીમાં વર્તણૂકમાં સુધારો થયો છે. 2018માં બેઝલાઈનથી માર્ચ 2024માં પરિણામોની સરખામણી કરતા પ્રોજેક્ટે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે. અસરકારક પોષણ શિક્ષણ અને પ્રથાઓ દર્શાવતા ઉચ્ચ IFA ટેબ્લેટ લેવાથી માતાઓના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ.પ્રીતિ અદાણી અને અદાણી વિલ્મરના સીઈઓનો સંદેશ અને પ્રોજેકટની માહિતી અદાણી ફાઉન્ડેશનમાં આરોગ્ય અને પોષણ વિભાગના વડા વિવેક યાદવએ આપી હતી. અદાણી વિલ્મરના પ્રિયા અગ્રવાલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અદાણી સમૂહ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓએ, આઇસીડીએસ, આંગણવાડીના કાર્યકરો અને સુપોષણ સંગીની હાજર રહ્યા હતા.