Home Blog Page 1576

મોબાઈલ ડેટા વપરાશમાં ભારતીયો અવલ્લ!

માહિતીના આ યુગમાં હવે વિશ્વની કોઈપણ માહિતી આપણી આંગળીના ટેરવે એટલે કે મોબાઈલ દ્વારા મળી રહે છે. જેના કારણે ભારતમાં વ્યક્તિ દીઠ મોબાઈલ ડેટાનો વપરાશ છેલ્લાં પાંચ વર્ષમાં ચાર ગણો વધ્યો છે. પહેલા દર મહિને 5GB ડેટાનો વપરાશ કરતા યુઝર્સ હવે 24થી 28 GB સુધી પહોંચી ગયા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે દિનપ્રતિદિન મોબાઈલ ડેટાનો વપરાશ વધતો જ રહે છે.  દેશમાં ડેટા પ્લાનની કિંમતમાં ભલે વધારો થયો હોય પરંતુ ભારતીયો મોબાઈલ ડેટાના વપરાશમાં કોઈ પણ સમાધાન કરવા તૈયાર નથી.

 

મોબાઈલ ડેટા વપરાશમાં ભારત કયા સ્થાને?

ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક ધરાવે છે. જેમ જેમ મોબાઈલ નેટવર્ક દેશના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું છે, એમ મોબાઈલ ડેટાનો વપરાશ દર વર્ષે નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. નોકિયા ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, 2023 માં સરેરાશ વપરાશકર્તા માટે મોબાઇલ ડેટાનો વપરાશ દર મહિને 24.1 GB પર પહોંચી ગયો છે. જે 2022માં વપરાશકર્તા દીઠ 19.5 GB હતો. આ એક વર્ષમાં મોબાઈલ ડેટાના વપરાશમાં 24 ટકાની વૃદ્ધિ થઈ છે. 2024ની વાત કરીએ તો માથાદીઠ માસિક ડેટા વપરાશ 13.3 GBથી વધીને 28.7 GB થયો છે.

ટેલિકોમ કંપનીના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ડેટાનો વપરાશ વાર્ષિક ધોરણે 20% વધીને 17.4 એક્સ બાઈટ પ્રતિ મહિને થયો છે. જે વિશ્વમાં સૌથી વધુ ડેટા વપરાશમાંનો એક છે. સરેરાશ  એક વ્યક્તિગત ગ્રાહક દર મહિને અંદાજે 24 GB ડેટા વાપરે છે. જે દર્શાવે છે કે ભારતીય લોકોમાં ડેટા વપરાશની ભૂખ કેટલી બધી વધી ગઈ છે.

આંકડા કહે છે..

2019માં ભારતીય મોબાઈલ વપરાશકર્તા દર મહિને 11.2 GB ડેટાનો વપરાશ કરતા હતા. 2020માં આ વપરાશ વધીને 13.5 GB થઈ ગયો હતો. 2021માં 17 GB, 2022 19.5 GB, 2023માં 24.1 GB અને 2024માં 28.7 GB ડેટા વપરાશ થાય છે.

ભારતીય રાજ્યોમાં મોબાઈલ ડેટા વપરાશની દ્રષ્ટિએ 2024માં ગુજરાતનો સમાવેશ દેશના ટોપ 5 રાજ્યોમાં થાય છે. પ્રથમ નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં માસિક મોબાઈલ ડેટા વપરાશ લગભગ 13-15 ટેબા બાઇટ્સ (TB) છે. (એક ટેબા બાઈટ 1,024 ગીગા બાઇટ (GB)). બીજા નંબરે કેરળ છે જે અંદાજે 10-12 TB મોબાઈલ ડેટા વપરાશ કરે છે. એ જ રીતે ત્રીજા નંબરે ઉત્તરપ્રદેશ જે લગભગ 12-14 TB, ચોથા નંબરે આંધ્રપ્રદેશ જે અંદાજે 11-13 TB અને પાંચમાં નંબરે ગુજરાત છે, જે અંદાજે 9-11 TB માસિક મોબાઈલ ડેટાનો વપરાશ કરે છે.

મોબાઇલ ડેટાનો વપરાશ વધવાના મહત્વના કારણો

 

સસ્તા ડેટા પ્લાન: ભારતીય ટેલિકોમ કંપનીઓ, ખાસ કરીને Jio, દ્વારા કિફાયતી ડેટા પ્લાનની ઉપલબ્ધતાએ ડેટા વપરાશમાં વધારો કર્યો છે

વિડીયો સ્ટ્રીમિંગ: ગૂગલ, યુટ્યુબ અને નેટફ્લિક્સ જેવી વિડીયો પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધતા અને લોકપ્રિયતા

ગ્રામીણ કનેક્ટિવિટી: કોવિડ પછી દેશના નાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટની ઉપલબ્ધતામાં વધારો થયો છે

ડિજિટલ સેવાઓનો વધારો: સૌથી મોટું કારણ ઓનલાઇન શિક્ષણ, ઇ-કોમર્સ, અને કામના વધારા કારણે ડેટાની માંગમાં વધારો થયો છે

સોશિયલ મીડિયા ફ્રેન્ડલીઃ આજકાલ નાનામાં નાની વ્યક્તિ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ જેવી પોતાની વ્યક્તિગત સોશિયલ સાઈડ પરથી આવકના સ્ત્રોત ઉભા કરી રહી છે. જેના માટે મોબાઈલ ડેટા ખૂબ આવશ્યક છે. આ કારણ પણ ડેટા વપરાશ વધવા માટે મહત્વનું ઘણી શકાય.

5Gની રફતારઃ 5G ટેકનોલોજી 4G કરતાં ઝડપી ડેટા સ્પીડ પ્રદાન કરે છે, જેના પરિણામે પણ નેટ વપરાશમાં વધારો થયો છે. 5G કનેક્શનની ઝડપી ગતિ અને લેટન્સી ઘટાડા લોકો વધુ વિડિઓ સ્ટ્રીમિંગ, ગેમિંગ, અને અન્ય ડેટા-ઇન્ટેન્સિવ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં,  5Gની વ્યાપક કનેક્ટિવિટી અને નેટવર્ક ક્ષમતાઓ વાઇફાઇ અને અન્ય ડિવાઇસને પણ કનેક્ટ રાખવામાં મદદરૂપ હોય છે, જેના પરિણામે કુલ નેટ વપરાશમાં વધારો થાય છે.

મોબાઈલ ડેટાના માસિક વપરાશની સાથે સાથે ડેટા પ્લાનિંગના ખર્ચમાં પણ વધારો થઈ ગયો છે. પહેલા 2GB ડેટા વપરાશના દર મહિને 299 રૂપિયા થતા હતા. હવે એ પ્લાન વધીને 359 થઈ ગયા છે. જોકે કંપની પ્રમાણે પ્લાનની કિંમત પણ જુદી-જુદી છે. પરંતુ એટલું તો કહી જ શકાય કે એક સમયે લોભામણી જાહેરાત આપી જે કંપનીઓ ઓછા પૈસામાં વધારે ડેટા આપતી હતી એ હવે ગ્રાહકની નસ પારખી ગઈ છે. કંપનીને પણ ખબર છે કે આદતથી મજબૂર વપરાશકર્તાઓ ગમે એ ભાવ હશે પણ ડેટા પ્લાન લેશે. આ જ કારણ છે કે ડેટા પ્લાનના ભાવ વધવા છતાં ડેટા વપરાશમાં ઘટાડાની જગ્યાએ સતત વધારો થઈ રહ્યો છે.

હેતલ રાવ

પંચાંગ 11/08/2024

વાહ ભાઈ વાહ! – ૧૧ ઓગસ્ટ, ૨૦૨૪

૧૧ ઓગસ્ટ, ૨૦૨૪

ઉપવાસ શા માટે કરવા જોઈએ?

ધાર્મિક અર્થમાં તમે ગમે તે પદ્ધતિથી અથવા ગમે તે પ્રકારનો ખોરાક ખાઓ પણ તમારે ઉપવાસ શા માટે કરવો જોઈએ અને તે પણ શરીરશાસ્ત્રની દૃષ્ટિએ કેવી રીતે કરવો જોઈએ તે પણ જાણવું એટલું જ મહત્વનું છે. ખાસ કરીને, અત્યારે શ્રાવણ મહિનો શરૂ છે અને આપણે ત્યાં શ્રાવણ એ ઉપવાસનો મહિનો ગણાય છે ત્યારે આવો, એ જાણીએ કે આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ શા માટે અને કઇ રીતે કરવા જોઇએ?

એક રીતે જોઈએ તો તમારા શરીરમાં જેટલા ટૉક્સિક પદાર્થો એટલે કે શરીરને અરુચિકર અથવા ન ગમે તેવા પદાર્થો હોય તે ચારથી પાંચ પ્રકારે તમારા શરીરમાં દાખલ થાય.

(૧)  તમે શ્વાસોચ્છ્વાસ લો છો ત્યારે તમારા શરીરમાં જાણે અજાણે તમારી મરજી હોય કે ના હોય હવામાં રહેલા બેક્ટિરિયા વાયરસ, ફૂગ, ધૂળ, ધુમાડો અને એલર્જી ઉત્પન્ન કરનારા પદાર્થો દાખલ થાય છે. બીડી કે સિગારેટ પીવાની ટેવથી પણ તમારા ફેફસાંમાં ખરાબ પદાર્થો દાખલ થાય છે.

(૨)  પાણી, ફળોના રસ, ચા, કોફી, કોલા, સૉફ્ટ ડ્રિક્સ, દૂધ, છાસ, દાળ, કઢી, મગનું પાણી, ઉકાળો અને મિલ્ક શેક્સ લો છો ત્યારે તેમાં પણ ભળેલાં શરીરને નુકસાન કરનારા પદાર્થો શરીરમાં દાખલ થાય છે.

(૩) ખોરાક વાટે તમે જે ખાઓ છો તે વનસ્પતિજન્ય બધા જ પ્રકારનાં શાકભાજી ફળ, સૂકો મેવો, અનાજ, કઠોળ, કંદમૂળ તેમાં ભળેલાં જંતુનાશક દ્રવ્યો જીવાત, તેને રાંધતી વખતે તેમાં ભળી જતી તમને નુકસાન કરનારી બધી જ વસ્તુઓ તેમજ બધા જ પ્રાણીજ પદાર્થો

(જો તમે માંસાહારી હો તો) જે તે પ્રાણીને લાગેલા રોગના જંતુઓવાળા હોય તે પણ તમારા શરીરમાં જાય છે. આમાં તમે કોઈ પણ રોગ માટે જે દવા લીધી હોય તે પણ ગણવાની અને જાણી જોઈને તમાકુ ખાવાની કે કેફી દ્રવ્યો (ડ્રગ્સ) લેવાની ટેવ હોય તેમાં પણ ઝેરી પદાર્થો આવે તે પણ ગણાય.

(૪) તમારી ચામડી મારફતે ઇન્જેકશન વાટે દાખલ થતી દવા, શરીરની ચામડીના સંપર્કમાં આવનારી દરેક વસ્તુને પણ ગણવાની.

(૫) તમારા શરીરમાં સામાન્ય રીતે લેવાતા ખોરાકનું વિભાજન કરીને લીવર સારા પદાર્થો પોતાની પાસે રાખે છે ખરાબ પદાર્થો બહાર કાઢી નાખે છે. જે બહાર કાઢી નાખવાના ખરાબ પદાર્થો હોય તેને ટૉક્સિક પદાર્થો કહેવાય.

તમારી ઑફિસ કે બિઝનેસ હોય અથવા તમે નોકરી કરતા હો જેમાં તમારી જવાબદારી વાળી જગા હોય ત્યારે ચઢી ગયેલું કામ ઘણી વાર તમે ઘેર લાવીને કરો છો જેને તમે ‘બેકલોગ’ કહો છો. જ્યારે તમારા શરીરમાં ઉપરની પાંચ રીતે દાખલ થયેલા પદાર્થો (ટૉક્સિક પદાર્થો) જેને તમે હોલીસ્ટીક મેડિસિનના મત પ્રમાણે ‘ફ્રી રેડિકલ’ તરીકે ઓળખી શકો તેનો ભરાવો થઈ જાય ત્યારે શરીરનો બેકલોગ’ વધી ગયો કહેવાય.

સામાન્ય સંજોગોમાં શરીર આવા ઉપર જણાવેલી રીતે દાખલ થયેલા ટૉક્સિક પદાર્થોને જે વાયુ રૂપે હોય તેને ફેફસાં મારફતે, જે પ્રવાહી(પાણી)માં ઓગળી શકે તેવાને કિડની મારફતે અને જે ઘન (સોલીડ) કચરા સ્વરૂપ હોય તેને આંતરડાના છેવટના ભાગ રેક્ટમ મારફતે કાઢી નાંખે છે. મનુષ્ય જન્મે ત્યાંથી મૃત્યુ સુધી આ ત્રણે અવયવ લિવરની આજ્ઞા પ્રમાણે સરસ રીતે કામ કરે છે. તમે કસરત અથવા થોડી શારીરિક પ્રવૃત્તિઓ કરતા હો, તમારી જીવન શૈલી પ્રમાણમાં વધારે ટેન્શન વાળી હોય નહી, ખોરાક પાણી અને હવામાં પ્રમાણમાં પ્રદૂષણ ઓછું હોય એ રીતે તમે ધ્યાન રાખતા હો તો મોટે ભાગે ‘બેકલોગ’ થાય નહીં.

તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે તમારું મગજ શાંત હોય. રાત્રે તમારી શારીરિક પ્રવૃત્તિ પણ કશી જ ના હોય અને રાત્રીના 10 થી સવારના 6 કે 7 વાગ્યા સુધી તમે કશું જમતા પણ ના હો તે વખતે તમારા શરીરમાં આખો દિવસની પ્રવૃત્તિ પછી વધેલી શક્તિ લિવરને અને તેની દોરવણી નીચે ચાલતા ફેફસાં, કિડની અને તમારા આંતરડાને મળે જેને લીધે આ બધા અવયવ મારફતે બધા જ ટૉક્સિક પદાર્થો બહાર નીકળી જાય. જ્યારે તમે પૂરેપૂરી નિદ્રા લઈને ઊઠો ત્યારે આને કારણે તમને તાજગીપણું લાગે. શરીરમાં એકઠા થયેલા પદાર્થો રોજરોજ નીકળી જાય માટે આ પ્રમાણે થાય. આનાથી વિરુદ્ધ રાત્રે તમે મોડા સુધી ઉજાગરા કરતા હોય, ખાવાપીવાના વધારે શોખીન હો અને ભૂલેચૂકે એવા વાતાવરણમાં રહેતા હો કે તમારા શરીરમાં ફેફસાં મારફતે વાતાવરણના પ્રદૂષણમાં રહેલા ખરાબ પદાર્થો પણ વધારે જતા હોય ત્યારે તમે અનુભવ કરશો કે તમે જ્યારે સવારે ઊઠશો ત્યારે તાજગી અનુભવવાને બદલે સુસ્તી લાગશે. આનું કારણ રાત્રીના આરામના સમયમાં શરીરનો કચરો કાઢી નાખનારા ત્રણે અંગને સાફસૂફીને પૂરતો સમય નથી મળતો અને વધારે કચરાનો ભરાવો (બેકલોગ) થઈ ગયો છે. આવા સંજોગોમાં તમારે ઉપવાસ કરવો જોઈએ.

તમે જ્યારે આખા દિવસ કે અર્ધા દિવસ માટે જમો નહીં ત્યારે તમારી હોજરીને પોતાના કાર્ય માટે શક્તિ ઓછી જોઈએ. પણ આટલું ધ્યાન રાખશો કે ઉપવાસ એટલે ફક્ત હોજરીને આરામ આપો તો શરીરની દૃષ્ટિએ આ વાત પૂરી થતી નથી તમારે મગજને અને શરીરના સ્નાયુ અને સાંધાઓને પણ આરામ આપવાનો છે તો જ શરીરમાં બચેલી શક્તિનો લિવર, ફેફસાં, કિડની અને આંતરડાનો ઉપયોગ કરીને જેટલો બને તેટલો વધારાનો ભરાઈ ગયેલો (બેકલોગ) કચરો એટલે ટૉક્સિક પદાર્થો બહાર કાઢી નાખશે. માટે જ તમારે ઉપવાસ કરતી વખતે શારીરિક રીતે ઘરમાં આરામ કરવાનો અને માનસિક રીતે પણ ટેન્શન રાખવાનું નહીં. તો જ ખરો ઉપવાસ કર્યો કહેવાય.

 

તમને ખબર નહીં હોય પણ બજારમાં બાવીસ જાતની ફરાળી વાનગીઓ મળે છે. ઘરમાં પણ તમે મોરૈયો, કઢી, રાજગરાના લોટની પૂરી અને સુરણ – બટાકા – શક્કરિયા – રતાળુ વગેરે ફરાળી વાનગી તરીકે તમે ખાઓ છો. રોજની કૅલરીની જરૂરતથી પણ આવા ફરાળ કે ખાઓ ત્યારે વધારે કૅલરી લો છો એનો જો તમને ખ્યાલ ન હોય તો એટલું જાણશો કે આને ઉપવાસ ન કહેવાય, આનાથી તો વજન વધે અને બેકલોગ પણ વધે.

ડાયેટિંગના ઉપવાસની વાત પણ યાદ રાખશો. આંધળુકિયા કરીને ખોરાક ૯૦૦ કૅલરીથી ઓછો કદાપિ ના લેશો. શરીરને નુકસાન થશે. અને ‘એનોરેક્ષીઆ નર્વોઝા’ નામનો રોગ થવાનો ભય પણ રહેશે. શરીરમાંથી વધી ગયેલો કચરો કાઢવાનો હોય ત્યારે અથવા વજન ઓછું કરવાનું હોય ત્યારે શરીરને ઉપવાસની ધીરે ધીરે ટેવ પાડશો. શરીરના ઠેકાણા ના હોય ખાધા વગર ચાલતું ના હોય, વજન વધારે હોય, ઉંમર વધારે હોય, શરીરમાં કોઈક રોગ હોય અને કસરત કરવાનો કંટાળો આવતો હોય કે કરતા જ ના હોય ત્યારે ઉપવાસ ભલેને ધાર્મિક માન્યતા અનુસાર હોય પણ ઓચિંતાનો શરૂ કરશો તો તમને ચોક્કસ નુકસાન થશે. ઉપવાસ કરવાની મઝા એ છે કે તે જ દિવસે ખાવાનું વધારે મન થાય છે.

શરીરમાં ટૉક્સિક પદાર્થો ભરાઈ જાય ત્યારે તમને અનેક પ્રકારના લક્ષણો થશે. કોઈ પણ કારણ વગર બેચેની અને ગભરામણ થાય. સુસ્તી બહુ લાગે. કશું ગમે નહીં. શરીરના ગમે તે ભાગમાં દુખાવો થાય, આંખો બળે, ખાવાનું મન ન થાય, કબજિયાત થાય, શરીર ગરમ લાગે, અશક્તિ પણ લાગે, તાવ પણ આવે, ખાવાનું ભાવે નહીં. ટૂંકમાં કાંઈ ખબર ના પડે આ ટૉક્સિક પદાર્થો એટલે કે ફ્રી રેડિકલને શરીરની બહાર જલદી કાઢી નાખવામાં ના આવે તો તમને ડાયાબિટીસ બી.પી., સ્ટ્રોક, હાર્ટઍટેક અને કૅન્સર જેવા દર્દો થઈ શકે. કાને સંભળાય પણ નહિ, ચામડી ઉપર કરચલી પણ પડી જાય. ટૂંકમાં ઘણી તકલીફો થાય.

આવું બધું ના થાય માટે તમારે ઉપવાસ કરવાનો છે અને આવા ઉપવાસ કરતી વખતે પહેલા સમજાવેલા નિયમો ધ્યાનમાં રાખીને ઉપવાસ કરવાના છે. ઉપવાસથી શરીરને આરામ મળશે. મન શાંત થશે અને કચરો નીકળી જવાથી તમારું શરીર સુસ્ત રહેશે મન આનંદમાં રહેશે અને આયુષ્ય લાંબું થશે. ઉપવાસ કરો ધ્યાન રાખીને કરો અને લાંબું જીવો.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)

ધૃતરાષ્ટ્ર ન બનશો, કૃષ્ણ બનો, વિજય તમારો જ છે

માણસના છ દુશ્મનો છે. કામ, ક્રોમ, મોહ, લોભ, મદ અને મત્સર. આ દુશ્મનો વત્તેઓછે અંશે દરેક વ્યક્તિમાં મોજૂદ હોય છે. કેટલાક પોતાની દૃઢ ઇચ્છાશક્તિથી એમના પર કાબૂ રાખી શકે છે. આમ છતાંય કોઈ નબળી પળે આમાંનો એકાદો એમના પર હાવી થઈ જાય છે.

અર્જુનવિષાદ યોગ- શ્રેષ્ઠ ધનુર્ધર અને યોદ્ધા અર્જુનને બંને બાજુ ગોઠવાયેલ સેનાઓ જોતાં લાગણીસભર બનાવી મોહમાં બાંધી લે છે. તમે મોહમાં પડો એટલે ચિત્તની સ્વસ્થતા અને તટસ્થતા ગુમાવો છો. કોઈ પણ માણસ માટે સંપૂર્ણપણે તટસ્થ હોવું શક્ય નથી. પોતાનાં ચાર સંતાનો હોય તો એમાં પણ થોડોઘણો પક્ષપાત તો રહેવાનો. આ જ રીતે કોઈપણ ધંધો કે ઉદ્યોગના મેનેજમેન્ટમાં તમે કોઈ ચોક્કસ વ્યક્તિના મોહમાં આવશો અને નિર્ણયની પ્રક્રિયા એને આધીન થશે તો એક નેતૃત્વ પૂરું પાડનાર ચીફ એક્ઝિકયુટિવ અને મેનેજર તરીકેની વિશ્વસનિયતા નંદવાશે.

યાદ રાખોઃ ‘ઈટ ઈઝ નોટ સફિશિયન્ટ ધેટ યુ આર ન્યુટ્રલ. યુ મસ્ટ અપીયર ટુ બી ન્યુટ્રલ ઓલ્સો.’

કૃષ્ણ અર્જુનના સખા હોવા છતાં એને સ્પષ્ટ કહી શકતા હતા. તમારા સલાહકારો પણ તમને સ્પષ્ટ કહી શકે. ઘરમાં દીકરો કે દીકરી પણ પોતાનો અભિપ્રાય મુક્તમને વ્યક્ત કરી શકે તો તમે કોઈ પણ કટોકટી શરૂ થાય તે પહેલા જ જીતી જશો.

વિજયી ભવઃ!!

યાદ રાખો, જ્યારે તમારી તટસ્થતામાં તિરાડ પડે છે, ત્યારે એનો સૌથી પહેલો ભોગ તમારી વિશ્વસનિયતા બને છે. કૃષ્ણ અર્જુનના સારથી હતા. સારથી એટલે રથને દોરનાર અને એમની બળૂકી યાદવ સેના દુર્યોધનપક્ષે લડતી હતી છતાંય પોતે શસ્ત્ર નહીં ઉપાડે એ પ્રતિજ્ઞા સાથે કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા. જ્યાં કૃષ્ણ જેવા માર્ગદર્શક હોય ત્યાં વિજય અથવા સફળતા દોડતી આવે છે. તમે તમારા કુટુંબના કે વેપારી સાહસના મોભી છો તો ધૃતરાષ્ટ્ર ન બનશો કૃષ્ણ બનજો. વિજય તમારો જ છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

શ્રુતિ કેમ એ દિવસે પોતાને રોકી ન શકી?

દસ વર્ષનો નાનકડો આર્ય તેની મમ્મા શ્રુતિ સાથે આ નાનકડા શહેરમાં રહેતો હતો. તેના પિતા તો જ્યારે તે એક વર્ષનો હતો ત્યારે જ આકસ્મિક મૃત્યુ પામ્યા હતાં. આમ તો શ્રુતિ જ એની માતા અને પિતા બન્ને હતી. આર્યની ખૂબ કાળજી લેતી. તેને કોઇ વાતે ઓછું ન આવવા દેતી તો પણ આર્ય એના પિતાને બહુ મિસ કરતો. એ પોતાની ઉંમર કરતા વધારે સમજણો હતો. ઘણીવાર પિતાના ફોટા સામે ઊભો રહી એકલો એકલો વાતો કર્યા કરતો. હા, મમ્મા શ્રુતિ સામે તે નોર્મલ થઇ જતો.

શ્રુતિ તેને તેના પિતા વિશે ખૂબ વાતો કરતી. એના ડેડી કેવા હતા, કેવા લાગતા હતા, તે નાનો હતો ત્યારે તેની કેવી સંભાળ લેતાં, કેટલું વ્હાલ કરતાં વગેરે…

આર્યને ટ્યુશન માટે શોભિતકુમાર નામના એક સર ઘરે આવતા. શોભિતકુમાર શહેરમાં નવા નવા જ રહેવા આવેલા એટલે બહાર કોઇને ખાસ ઓળખતા નહી. બધાની સાથે હળવા મળવાનું ય ઓછું, પણ આર્ય સાથે એમને ફાવી ગયેલું. કલાકો સુધી આર્યની સાથે વાતો કરતા. એની સાથે નવી નવી રમતો ય રમતા. કોઇવાર આર્ય જીદ કરે કે ગુસ્સે થાય તો પણ શોભિત તેને સંભાળી લેતા. એમને જાણે આર્યમાં પોતાનું બાળપણ દેખાતું. પોતાના બાળપણની વાતો પણ આર્ય સાથે શેર કરવી એમને ગમતી.

અલબત્ત, આર્ય સાથેની શોભિતની નિકટતાનો બહારના લોકો અવળો અર્થ ન લે એ માટે શ્રુતિ બહુ સાવધ રહેતી અને એમની સાથે ઇરાદાપૂર્વક થોડું અંતર રાખવાનો ય પ્રયત્ન કરતી. ક્યારેક શોભિત અમસ્તી જ કોઇ વાત કરવાની પહેલ કરે તો પણ શ્રુતિ મૂંઝાઇ જતી. વધારે વાત કરવાનું ટાળતી.

એક દિવસ આર્યને ખૂબ તાવ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. બીજું કોઇ મદદમાં આવે એમ નહોતું એટલે નાછૂટકે શ્રુતિએ શોભિતને હોસ્પિટલમાં મદદ માટે બોલાવ્યા. શોભિત ત્રણ દિવસ સુધી લગાતાર આર્યની સાથે હોસ્પિટલમાં જ રહ્યા. એમની કંપનીથી આર્યનને ધાર્યા કરતાં વધારે ઝડપથી રિકવર થઇ ગયો.

 

શોભિત સાથે બહુ માપસર બોલતી શ્રુતિ એ દિવસે પોતાને રોકી ન શકી અને આખંમાં આંસુ સાથે તેણે શોભિતનો ખરા હ્રદયથી આભાર માન્યો. મમ્માને આ રીતે રડતી જોઇને અચાનક જ આર્યે શોભિતની સામે જોઇને બોલી ઉઠ્યો, જો મારા ડેડી હોત ને તો આમ મમ્માને રડવું ન પડેત અને એ તમારી જેમ જ મારી સાથે હોસ્પિટલમાં રહ્યા હોત! તેની વાત સાંભળીને શ્રુતિ થોડી ઝંખવાઇ ગઇ…

પણ સામે શોભિત હસી પડ્યો અને શ્રુતિ પાસે જઇને બોલ્યો, “આપને એક વાત પૂછવી છે, પૂછું? આપને જો કોઇ વાંધો ન હોય તો આપના જીવનમાં હું હંમેશ માટે સાથ આપવા માંગું છું.”

સાંભળીને શ્રુતિ ચોંકી ગઇ. કારણ કે શોભિત અપરણિત હતો એટલું જ નહીં, શ્રુતિ કરતાં પાંચ વર્ષ નાનો પણ હતો. શું જવાબ આપવો એ તત્કાળ ન સૂઝ્યું એટલે એ અચકાતાં અચકાતાં બોલી, “પણ… હું આપના કરતાં મોટી અને વિધવા….”

એની મૂંઝવણ જોઇને શોભિત વચ્ચેથી જ હસીને બોલી પડ્યો, “આપના હસબન્ડ બનવા માટે કદાચ મને આ વાતે વાંધો હોત, પણ આર્યના ડેડી બનવા માટે મને આવું કોઇ પણ કારણ રોકી શકતું નથી!”

શ્રુતિને શું કહેવું એ હજી સમજાતું નહોતું, પણ આર્યએ તો શોભિતનો હાથ પકડી લીધો અને આંખોથી હા પણ કહી દીધી…. આર્યની નાનકડી બીમારીએ શ્રુતિને મોટી ભેટ આપી હતી.

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)

વિનેશ ફોગાટને લઈને નિરજ ચોપરાએ આપ્યું પહેલી વખત નિવેદન

વિનેશ ફોગાટે 50 કિલોગ્રામ રેસલિંગ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધારે હતું જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. જોકે, વિનેશે તેને સિલ્વર મેડલ આપવા માટે સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલને અપીલ કરી છે, જેના પર શનિવારે રાત્રે નિર્ણય આવી શકે છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતના સ્ટાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટના યોગદાનને ભૂલશો નહીં.

તમે મેડલ નહીં લાવો તો લોકો ભૂલી જશે

પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર નીરજે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે જો વિનેશ મેડલ મેળવે તો ઘણું સારું રહેશે. જો આ સ્થિતિ ઉભી ન થઈ હોત તો તે ચોક્કસપણે મેડલ જીતવામાં સફળ રહી હોત. જો આપણે મેડલ ન જીતીએ તો લોકો આપણને થોડા સમય માટે યાદ રાખે છે અને ચેમ્પિયન કહે છે, પરંતુ જો આપણે મેડલ ન જીતીએ તો તેઓ આપણને ભૂલી જાય છે. હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે વિનેશે દેશ માટે જે કર્યું છે તે આપણે ભૂલવું જોઈએ નહીં.

ભારત 2036 ઓલિમ્પિકની યજમાની કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના પર નીરજે કહ્યું કે, જો ભારતમાં 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે તો આનાથી વધુ સારું શું હશે. ભારતીય રમતો માટે આ ઘણું સારું રહેશે. તે જોઈને આનંદ થયો કે લોકો અમારી મેચો લાઈવ જોઈ રહ્યા છે. તેઓ અમારી સ્પર્ધા જોવા માટે વહેલા ઉઠે છે અને મોડેથી ઊંઘે છે. આ એક સંકેત છે કે ભારતીય રમતમાં પરિવર્તન આવી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બપોરે થયેલા આ અથડામણમાં બે જવાનોના ઘાયલ થવાના પણ સમાચાર છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ગાઢ જંગલની અંદર આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન ચાલુ છે.


અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરને લઈને સેનાએ નિવેદન જાહેર કર્યું છે. સેનાએ કહ્યું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા શનિવારે સામાન્ય વિસ્તાર કોકરનાગ, અનંતનાગમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બે સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા અને તેમને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.

કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલુ છે

મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે સમાચાર આવ્યા હતા કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના અહલાન ગડોલેમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

PM મોદીએ બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવતને ફોન કર્યો

પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અમન સેહરાવતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ વાયનાડથી જ અમનને ફોન કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, અમન તમને ખૂબ ખૂબ અભિનંદન, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી શુભેચ્છાઓ. તમે તમારા નામથી આખા દેશનું દિલ ભરી દીધું છે. એવા ઘણા ઓછા ખેલાડીઓ છે જેઓ છત્રસાલ સ્ટેડિયમને પોતાનું ઘર બનાવે છે.

પીએમ મોદીએ ફોન પર વધુમાં કહ્યું કે તમે છત્રસાલ સ્ટેડિયમને તમારું ઘર બનાવી લીધું છે અને કુસ્તીમાં પોતાને સમર્પિત કરી દીધા છે. હું માનું છું કે તમારું જીવન દેશવાસીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. એક તો તમે સૌથી નાના છો. આ માટે તમારી પાસે હજુ ઘણો સમય બાકી છે, હું માનું છું કે તમે દેશને ખુશીઓથી ભરી દેશો. મને પૂરો વિશ્વાસ છે કે તમે ભવિષ્યમાં સફળ થશો.

PMએ કહ્યું- તમારું જીવન ખૂબ જ પ્રેરણાદાયક છે

ફોન પર વાત કરતી વખતે વડાપ્રધાને અમનને કહ્યું કે તમે તમારા જીવનમાં પણ ઘણો સંઘર્ષ કર્યો છે. તમે તમારા માતા-પિતા ગુમાવ્યા પછી પણ અડગ રહ્યા. આ તમારું ખૂબ જ પ્રેરણાદાયક જીવન છે. તમે દેશને જે આશા હતી તે ભરવાનું કામ કર્યું છે. ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝની ચિંતા છોડી દો. તમે દેશને ઘણું આપ્યું છે. તમારું જીવન દેશના યુવાનો માટે એક મહાન પ્રેરણા બનશે.

અમને કહ્યું- હું 2028માં ગોલ્ડ મેડલ લાવીશ

તે જ સમયે, પીએમ મોદી સાથે ફોન પર વાતચીતમાં અમને કહ્યું કે આ વખતે તે ગોલ્ડ મેડલ નથી લાવી શક્યો પરંતુ તે 2028માં ચોક્કસ લાવશે. અમને કહ્યું કે દેશવાસીઓ ગોલ્ડ મેડલની આશા રાખતા હતા, પરંતુ હું તે મેળવી શક્યો નહીં. હું 2028 માટે સખત મહેનત કરીશ અને ગોલ્ડ મેડલ લાવીશ. તેમણે સરકાર વતી સ્પોર્ટ્સ સ્ટાફ અને અન્ય વસ્તુઓ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.