ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર માલદીવની ત્રણ દિવસની મુલાકાતે છે. શનિવારે ડૉ. એસ. જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, જયશંકરે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આનાથી બંને દેશોના લોકોને ફાયદો થશે. ગયા વર્ષે મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
Privileged to call on President Dr Mohamed Muizzu. Conveyed greetings of PM @NarendraModi.
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મળ્યા બાદ મને ગર્વની લાગણી થાય છે. બેઠક દરમિયાન, બંને દેશોના લોકોના કલ્યાણ માટે પરસ્પર સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
માલદીવના રક્ષા મંત્રી ઈસાન મૌમુનને પણ મળ્યા
અગાઉ ડૉ. એસ. જયશંકરે માલદીવના સંરક્ષણ પ્રધાન ઈસાન મૌમૂન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા થઈ હતી. આ સિવાય બંને દેશોએ દરિયાઈ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પરસ્પર હિતો વહેંચી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, ડૉ. જયશંકરે લખ્યું, ‘માલદીવના સંરક્ષણ પ્રધાન ઘસાન મૌમૂન સાથે ખૂબ સારી મુલાકાત થઈ. બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા થઈ હતી. આ સમયગાળા દરમિયાન, દરિયાઈ સુરક્ષા અંગે પહેલ કરવામાં આવી હતી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પરસ્પર હિતો વહેંચવામાં આવી હતી.
અમદાવાદ: વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વિડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે.
લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરાઈ છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે-સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે. તેની શરૂઆત દુહા વડે થાય છે અને સમપાન ચારચરી (ઝડપી સ્વરમાં ગવાતી ચોપાઈ)થી થાય છે.આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો મખમલી કંઠ આપ્યો છે, જ્યારે કેદાર અને ભાર્ગવે આપેલા સંગીતમાં પરંપરા અને ફ્યુઝનનું અનોખું મિશ્રણ કરવામાં આવ્યું છે, તેમજ આ ગીતના શબ્દો પ્રસિધ્ધ અને યુવા ગીતકાર પાર્થ તારપરાના છે.
આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું, “ગીર ગજવતી આવી સિંહણ…” એ ફક્ત ગીત નથી, પરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે. રાજવી ઠાઠ ધરાવતા ગીરના એશિયાટીક સિંહો વિશે તો અત્યાર સુધીમાં ઘણાં ગીતો લખાઈ ચૂક્યા છે, પરંતુ ગીરની એટલી જ ગૌરવવંતી સિંહણ પર કદાચ ઓડિયો વિઝ્યઅલ રજૂઆત કરવામાં આવી નથી. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસ એવા ગીરમાં સિંહોના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ગીત સમર્પિત કરતા હું અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છું. ભારતમાં એશિયાટીક સિંહોની વસતિ 2015માં 523 હતી જેમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાતા તેનો આંક 2021માં વધીને 674 થઈ ગયો હતો.” પરિમલ નથવાણીએ સિંહ અંગે બે કોફી ટેબલ બૂક લખી છે અને ગીર અંગેના અસંખ્ય વૈવિધ્યસભર વિડિયો તથા ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે. તાજેતરમાં જ તેમણે કૉલ ઑફ ધ ગીર પુસ્તક રજૂ કર્યું છે, જે વડાપ્રધાનને તેમના પ્રોજેક્ટ લાયન માટે અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ છે.
ઢાકાઃ બંગલાદેશમાં તખતાપલટ પછી હવે અહીં ચીફ જસ્ટિસ ઓબૈદુલ હસને પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો અને તેમને રાજીનામું આપવા માટે એક કલાકનો સમય આપ્યો હતો.
બાંગ્લાદેશમાં ભારે રાજકીય ઊથલપાથલ વચ્ચે વિરોધીઓએ શનિવારે મુખ્ય ન્યાયાધીશ ઓબૈદુલ હસન સહિત ઘણા ન્યાયાધીશોને રાજીનામું આપવા દબાણ કર્યું. શેખ હસીના સરકારના પતન અને નવી વચગાળાની સરકારની રચના પછી પણ દેશમાં વિરોધનો સિલસિલો ચાલુ છે.
પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે કોર્ટના જસ્ટિસ એક કાવતરાનો ભાગ છે. ઓબૈદુલ હસનની ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને વડા પ્રધાન શેખ હસીનાના વફાદાર માનવામાં આવતા હતા.
મુખ્ય ન્યાયાધીશ ઓબૈદુલ હસને જાહેરાત કરી છે કે તેઓ સાંજે રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેમનું રાજીનામું સોંપશે. ચીફ જસ્ટિસે નવી વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના જ ફુલ-કોર્ટ બેઠક બોલાવી લીધી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડક્યો હતો.
બંગલાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો છે ત્યારે મોહમ્મદ યુનુસે હવે કમાન સંભાળી લીધી છે. બંગલાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ યુનુસ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગુરુવારે તેમણે શપથ લીધા છે.
બંગલાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ પણ વિરોધનો તબક્કો અટકી રહ્યો નથી. હવે વિરોધીઓ ચીફ જસ્ટિસ સહિત બંગલાદેશની સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોના રાજીનામાની માગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો છે અને તેમની માગ પર અડગ છે.
ભારતીય કુસ્તીબાજ રિતિકા હુડ્ડાએ મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 10 ઓગસ્ટે રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રિતિકા હુડાએ હંગેરિયન રેસલર બર્નાડેટ નાગીને 12-2થી હરાવી હતી. રિતિકાની વર્લ્ડ રેન્કિંગ હાલમાં 54 છે જ્યારે બર્નાડેટ નાગીની વર્લ્ડ રેન્કિંગ 16 છે. આવી સ્થિતિમાં રિતિકાએ એક મોટો ફેરફાર કર્યો છે.
Congratulations to Haryana’s Ritika Hooda for outstanding victory in the pre-quarterfinals of the 76kg wrestling category at the Paris #Olympics, defeating Hungary’s Bernadett Nagy 12-2! quarterfinal match at 4 PM. Keep making us proud! #Paris2024#Wrestling#TeamIndia” pic.twitter.com/4J6AsaOukA
ક્વાર્ટર ફાઇનલમાં રિતિકાનો મુકાબલો ટોચના ક્રમાંકિત અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિર્ગિસ્તાનની અપરી કૈઝી સામે થશે. ક્વાર્ટર ફાઈનલ મેચ સાંજે 4.00 કલાકે યોજાશે. રિતિકાએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરિયન રેસલરને સંપૂર્ણપણે હરાવ્યો હતો. રિતિકા ટેક્નિકલ શ્રેષ્ઠતાના આધારે જીતી હતી. તમને જણાવી દઈએ કે જો કોઈ રેસલર 10 પોઈન્ટની લીડ લઈ લે છે, તો મેચ ત્યાં જ ખતમ થઈ જાય છે.
રિતિકાએ ઓલિમ્પિક માટે તેની વેઇટ કેટેગરીમાં ફેરફાર કર્યો હતો
રિતિકા હુડ્ડાએ 68 કિગ્રા કેટેગરીમાં પોતાની કુશ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે બે વર્ષ સુધી 72 કિગ્રા વજન વર્ગમાં રહી હતી. પછી પેરિસ 2024 ઓલિમ્પિકની તૈયારી કરવા માટે, તેણી 76 કિગ્રા વર્ગમાં ગઈ. રિતિકાએ વર્ષ 2023માં અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કેનેડી બ્લેડ્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે, તે આ વજન વર્ગમાં આ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ પાછલા થોડા દિવસોથી કાબૂમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે હાલુ સુધી ચાંદીપુરા વાયરસને લઈ સ્થિતિ સુઘરી નથી. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 59 કેસ નોંધાયા છે અને તેમાંથી ચાંદીપુરા વાયરસના કારણે 27 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિએ ચાંદીપુરાથી મૃત્યુદર ચિંતાજનક 50 ટકા જેટલો છે.
ચાંદીપુરા વાયરસના કેસ સૌથી વધુ 1થી 5 વર્ષના બાળોકોમાં જોવા મળ્યા છે. 1થી 5 વર્ષના 33 બાળકો ચાંદીપુરાથી સંક્રમિત થયા હતા અને તેમાંથી 12 બાળકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 6થી 10ની વર્ષના 9 બાળકોને ચાંદીપુરા ભરખી ગયો છે. સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે. જેમાંથી 59 કેસ માત્ર ગુજરાતમાં જ્યારે બે કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાની સરકારે લોકસભામાં કબૂલાત કરેલી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી અનુસાર 6 ઓગસ્ટ સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 71 મૃત્યુ થયા છે. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ થયા હતા. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે. પરંતુ સંસદમાં જારી થયેલા આંકડાથી ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે.
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ 50 કિગ્રા વજન વર્ગમાં કુસ્તીની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ ગોલ્ડ મેડલ જીતશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ ફાઈનલના દિવસે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ પછી વિનેશે તેને સિલ્વર મેડલ અપાવવા માટે CASને અપીલ કરી હતી. આ અંગે આજે રાત્રે નિર્ણય લેવાનો છે.
તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટનો કેસ ભારતના સૌથી મોટા વકીલ હરીશ સાલ્વે લડી રહ્યા છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટની ઓલિમ્પિક અયોગ્યતાને પડકારતી અરજી પર કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) આજે ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. હવે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે કે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં.
મુંબઈ: જ્હોન અબ્રાહમ ‘વેદા’ફિલ્મને કારણે હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે શર્વરી વાઘ મહત્વની ભૂમિકામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ સેન્સર બોર્ડે પણ કેટલાક સીનને કાપીને ફિલ્મને UA સર્ટિફિકેટ આપ્યું છે. જ્હોન પણ તેની ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યો નથી. પ્રમોશન દરમિયાન તેણે આદિત્ય ચોપરા વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. જ્હોન અબ્રાહમ 2023માં યશ રાજ ફિલ્મ્સની ‘પઠાણ’માં નેગેટિવ ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જ્હોને ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા વિશે વાત કરી અને ખુલાસો કર્યો કે તે તેની ફિલ્મો ફક્ત એક જ સુપરસ્ટારને બતાવે છે. કોણ છે આ સુપરસ્ટાર?
જ્હોન અબ્રાહમે રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ સાથે વાત કરતા જણાવ્યું કે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન એકમાત્ર એવો વ્યક્તિ છે જેને આદિત્ય ચોપરા તેની ફિલ્મો બતાવે છે. જ્યારે જ્હોન પઠાણ પર કામ કરી રહ્યો હતો, ત્યારે તેણે ઘણીવાર શાહરૂખને ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવી રહી છે તેના અપડેટ્સ મેળવવા માટે ફોન કરવો પડતો હતો, કારણ કે માત્ર સુપરસ્ટારને જ ફિલ્મ ડેવલપમેન્ટની વિગતોની ઍક્સેસ હતી.
‘પઠાણ’ 2023ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક હતી
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત ‘પઠાણ’ 2023ની સૌથી મોટી બ્લોકબસ્ટર હતી. આ ફિલ્મથી શાહરૂખ ખાન પાંચ વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો. ફિલ્મમાં જ્હોન અબ્રાહમે શાહરૂખના દેશભક્ત સૈનિકના હરીફની ભૂમિકા ભજવી હતી. જો કે, આદિત્ય ચોપરાની પોતાની ફિલ્મો શાહરૂખ ખાન સિવાય કોઈને ન બતાવવાની કડક નીતિને કારણે શાહરુખ સિવાય કોઈને પણ આ ફિલ્મના વિકાસની જાણ નહોતી.
આદિત્ય ચોપરા તેમના દ્વારા બનાવેલા નિયમોને લઈને ખૂબ જ કડક છે
જ્હોને કહ્યું-‘આદિત્ય ચોપરા પોતાની નીતિને લઈને ખૂબ જ કડક છે. તે પોતાની ફિલ્મો શાહરૂખ ખાન સિવાય કોઈને બતાવતો નથી! તેથી, મને જે પણ માહિતી મળી છે, તે માત્ર શાહરૂખ ખાન પાસેથી જ મળા હતી. ફિલ્મ પહેલાં હું તેને ફોન કરીને પૂછતો કે ‘કેવું છે?’ અને તે મને કહેતો હતો. તે ખૂબ જ સુંદર છે. અમારી ઊર્જા અદ્ભુત હતી.
જ્હોને શાહરૂખના વખાણ કર્યા
આ દરમિયાન જ્હોન અબ્રાહમે શાહરૂખ ખાન સાથેની તેની સફર વિશે પણ ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું- ‘જ્યારે મારું કરિયર શરૂ થયું ત્યારે શાહરૂખ મારા જજ હતા અને હવે પઠાણના સમયમાં હું તેની સાથે કામ કરી રહ્યો હતો. આ મારા માટે આદર અને પ્રેમથી ભરેલું હતું. તે ખૂબ જ સ્માર્ટ, બુદ્ધિશાળી વ્યક્તિ છે, પરંતુ તે ખૂબ કાળજી લેનાર અને પ્રેમાળ પણ છે. અમે ખરેખર સાથે રહ્યાં.’ તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’, જે 2023ની શરૂઆતમાં રિલીઝ થઈ હતી, તે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
કોલકાતાઃ સરકારી હોસ્પિટલ (RG કર મેડિકલ કોલેજ)માં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડોક્ટરની ડેડ બોડી મળી છે. પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું છે કે બળાત્કાર પછી ટ્રેની ડોક્ટરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. ચાર પાનાંના ઓટોપ્સી રિપોર્ટ મુજબ મહિલાની આંખ, મોં અને પ્રાઇવેટ પાર્ટસમાંથી લોહી વહી રહ્યું છે. એ સાથે તેના પેટ, જમણા પગ, ગળા, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર પણ ઇજાનાં નિશાન છે.
કોલકાતા પોલીસ અનુસાર આ કેસ સુસાઇડનો નથી, પણ રેપ પછી હત્યા થઈ છે. ટ્રેની ડોક્ટરના ડોકનું હાડકું તૂટેલું મળ્યું છે. કોઈ ગળું દબાવીને હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે. પોલીસે સંદિગ્ધ કામગીરીને આધારે સંજય નામના એક શખસની ધરપકડ કરી છે.
આ ઘટના પછી મેડિકલ વિદ્યાર્થીઓ, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આકરી કાર્યવાહીની માગને લઈને હોસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છ. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આ કેસની CBI તપાસ કરાવવાની માગ કરી છે. બીજી બાજુ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડો. કૌસ્તવ નાયકે જણાવ્યું હતું કે આ કુદરતી મોત નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી માલૂમ પડશે કે મહિલાની સાથે શું થયું.
પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ પણ આ જુનિયર ડોક્ટરના હત્યાકાંડ મામલે દોષીઓને મોતની સજાની માગ કરી છે. આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફાંસીની સજાનો કેસ દાખલ કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર દરેક પ્રકારથી સહયોગ કરવા તૈયાર છે, પરંતુ અમારી માગ છે કે દોષીઓને કડક સજા થવી જોઈએ.
ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ વિશે તાજેતરમાં કરાયેલા ઘટસ્ફોટથી ભારતીય બજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે ફરી એકવાર હિંડનબર્ગ રિસર્ચ ભારત વિશે કેટલાક મોટા ખુલાસા કરવાનો દાવો કરી રહ્યું છે. હકીકતમાં, કંપનીની તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પોસ્ટમાં કંપનીએ લખ્યું છે કે ‘અમે ટૂંક સમયમાં ભારતમાં કંઈક મોટો ખુલાસો કરીશું’.
હિંડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપને મોટું નુકસાન
ગત વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં અદાણી ગ્રુપની આર્થિક સ્થિતિ વિશે માહિતી આપતાં ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમાં શેરના ભાવમાં હેરાફેરી જેવા અનેક ગંભીર આરોપો સામેલ હતા. અહેવાલ સાર્વજનિક થયા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને અદાણી ગ્રૂપના બજાર મૂલ્યમાં 86 અબજ ડોલરનો જંગી ઘટાડો નોંધાયો હતો. જો કે, અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને નકારી કાઢ્યો હતો અને જૂથના વડા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે હિંડનબર્ગ કેસ અદાણી જૂથને બદનામ કરવાના હેતુથી રચવામાં આવ્યો હતો.
હિંડનબર્ગ રિપોર્ટની વિશ્વસનીયતા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો
સેબીની તપાસમાં સામે આવ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સાથે સંબંધિત રિપોર્ટને સાર્વજનિક કરવાના બે મહિના પહેલા ન્યૂયોર્ક સ્થિત હેજ ફંડ મેનેજર માર્ક કિંગ્ડનને મોકલ્યો હતો. આ ઘટસ્ફોટ પછી એવું માનવામાં આવે છે કે હિંડનબર્ગે વ્યૂહરચના તરીકે અદાણી ગ્રુપના શેરના ભાવ ઘટાડીને લાભ લેવાનું કાવતરું ઘડ્યું હતું. કિંગ્ડનની કંપની કિંગ્ડન કેપિટલ પણ કોટક મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં નોંધપાત્ર પ્રમાણમાં શેર ધરાવે છે.
એક ઈન્ટરવ્યૂ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. એની નાની-નાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ વિડીયો છે જાણીતા યુ-ટ્યુબર શરણ હેગડેએ લીધેલા ‘ચિત્રલેખા’ ના વાઇસ ચેરમેન મનન કોટકના ઇન્ટરવ્યૂનો. શરણ હેગડેની YouTube ચેનલ ‘ફાઇનાન્સ વીથ શરણ’ માં મનન કોટકે એક આંત્રપ્રેન્યોર તરીકે આપેલો આ ઈન્ટરવ્યૂ ખરેખર યંગ જનરેનશનને બિઝનેસ માટેની અનેક ટિપ્સ આપે એવો છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ બિઝનેસમાં જે લોકોને વિશેષ રસ હોય. એ તો તમે જાણતા જ હશો કે શરણ હેગડે ભારતના સૌથી મોટા ફાઇનાન્સિયલ ઈન્ફ્લૂઅન્સર્સ પૈકીના એક છે. ફાઇનાન્સ કન્સલટન્ટ તરીકે પણ જાણીતા છે.આ ઈન્ટરવ્યૂમાં શરણ હેગડેએ મનન કોટકને દુનિયાના બિલિયોનર્સમાં જેમની ગણના થાય છે તે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વિશે પૂછ્યું છે, જેના જવાબમાં મનનભાઈએ એમના મુકેશભાઈ અને ગૌતમભાઈ સાથેની મુલાકાતોના સંસ્મરણો વાગોળ્યા છે.
મનન કોટક વર્ષ 2007માં પ્રથમ વખત મુકેશ અંબાણીને મળ્યા હતા. ચિત્રલેખા દ્વારા અપાતા પર્સન ઓફ ધ યર નો એવોર્ડ એ વખતે મુકેશભાઈને મળતો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મુકેશભાઈને એવોર્ડ આપવા માટેનો આ કાર્યક્રમ મુંબઈમાં યોજાયો હતો. મનન કોટક કહે છે એમ, ‘કાર્યક્રમ રાત્રે નવ વાગ્યે હતો. એ દિવસે IPLની મેચ પણ હતી. રાત્રે આઠ – સવા આઠ સુધી અમે જોયું કે મુકેશભાઈ સ્ટેડિયમમાં છે અને જર્સી પહેરીને પોતાની ટીમને ચિયર અપ કરી રહ્યા છે. એટલે અમને લાગ્યું કે આજે તો કાર્યક્રમમાં ચોક્કસથી મોડું જ થશે, પણ 8-50 કલાકે મુકેશભાઈ એકદમ તૈયાર થઈને કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. આ હતું એમનું કામ પ્રત્યેનું સમર્પણ અને શિસ્ત.’
(ચિત્રલેખાની આ ઇવેન્ટની ઝલક જોવા માટે નીચેના વિડીયો પર કરો ક્લિક)
બીજા એક કિસ્સામાં મનન કોટક ઇન્ટરવ્યૂમાં કહે છે એમ ‘મુકેશભાઈની દીકરી ઈશા અંબાણીના રિસેપ્શનમાં ગયેલા. સાથે મારા પિતાજી અને ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક, મમ્મી રાજુલ કોટક પણ હતા. અમે લોકો સ્ટેજ પર વર-વધુને મળવા માટે પહોંચ્યા. મમ્મી-પપ્પા આગળ જતા રહ્યા. વચ્ચે બે લોકો બીજા આવી ગયા અને ત્યારબાદ હું અને મારી પત્ની ઉભા હતા. સ્ટેજ પર મમ્મી-પપ્પા મુકેશભાઈને મળવા પહોંચ્યા ત્યારે મમ્મીએ કહ્યું અમારો દીકરો મનન પણ આવ્યો છે. તો મુકેશભાઈ લાઈનની સાઈડમાંથી થોડાક હટીને મારી પાસે પહોંચ્યા. મારા ખભા પર હાથ મૂક્યો અને મમ્મી-પપ્પાને કહ્યું કે આ મારો ફેવરિટ છોકરો છે! એ મને આજે પણ ખુબ જ સ્પેશિયલ લાગે છે.’
(મુકેશ અંબાણી ચિત્રલેખાના કાર્યક્રમમાં આવ્યા, ત્યારની તેમની સ્પીચ સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.)
આજ ઇન્ટરવ્યૂમાં આગળ વધતાં શરણ હેગડે એમને ગૌતમ અદાણી સાથેની મુલાકાત યાદ કરાવતાં પૂછે છે કે, ‘તમને શું લાગે છે કે એ ક્યું પરિબળ હશે જે આજે પણ ગૌતમભાઈને આટલો સખત પરિશ્રમ કરવા માટેની પ્રેરણા આપે છે?
જવાબમાં ગૌતમ અદાણી સાથેની મુલાકાત યાદ કરતાં મનન કોટક કહે છે કે, ‘એક ઉંચાઈ પર પહોંચ્યા પછી વ્યક્તિ પૈસા પાછળ દોડતો નથી. હું જ્યારે એમને મળ્યો ત્યારે મેં એમને પૂછ્યું હતું કે આપ હવે ક્યા નવા બિઝનેસમાં ઝંપલાવવાનો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે હવે એ બિઝનેસ કરવો ગમે છે, જેમાં સમાજનું હિત રહેલું હોય સાથે જ દેશનું હિત પણ રહેલું હોય. જેમાં આપણે સમાજને કંઈક પાછું આપી શકીએ. નવા બિઝનેસમાં પ્રવેશ કરવાના નિર્ણયની પાછળ પણ આ જ વિચાર મુખ્ય હોય છે.’
મનન કોટકના શરણ હેગડે સાથેના આ સંવાદમાં આવી તો ઘણી બધી રસપ્રદ બાબતો અને કિસ્સાઓ છે. રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ માટેની પણ ખુબ જ ઉપયોગી ટિપ્સ એમાં છે. સાથે બીજી ઘણી સાંભળવા જેવી વાતો તો ખરી જ.
આખો ઈન્ટરવ્યૂ જોવા માટે કરો ક્લિક:
ઉલ્લેખનીય છે કે શરણ હેગડે પહેલાં ફાઇનાન્સિયલ સલાહકાર તરીકે કાર્યરત હતા. એમણે બેંકો અને NBFCs સાથે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. કોવિડ દરમિયાન પોતાના ફાઇનાન્સિયલ નોલેજને શેર કરીને એ કન્ટેન્ટ ક્રિએટર બન્યા.હાલમાં તેઓ ત્રણ બ્રાન્ડ સાથે કાર્યરત છે. જેમાં FINANCE WITH SHARAN માં તેઓ ફાઇનાન્સ વિશેની જનરલ અવેરનેસ ક્રિએટ કરે છે. જ્યારે 1% CLUB નામની બ્રાન્ડમાં ફાઇનાન્સને લગતા સ્પેશિયલ કોર્સીસ ચલાવે છે. જ્યારે PERSONAL CFO નામની બ્રાન્ડમાં તેઓ RIA (રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાયસર) લાયસન્સ હેઠળ ફાઇનાન્સને લગતી સલાહ આપવાનું કામ કરે છે.