Home Blog Page 1581

વરસાદના કારણે ખાડા પડી જતાં વડોદરા પાસે 5 કિમીનો લાંબો ટ્રાફિકજામ..

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ગુરૂવારે સાંજે વડોદરામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના લીધે આજે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર આવેલા જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે.

વડોદરામાં ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. જેના લીધે આજે વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં દરરોજ સવાર સાંજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાયા છે. જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. અમદાવાદ-મુંબઇ હાઇવે પર આજે વહેલી સવારથી 5 કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી છે. જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.

આ ફિલ્મનું સુપ્રિમ કોર્ટમાં થશે સ્ક્રીનિંગ

મુંબઈ: કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને લોકોમાં છવાઈ ગઈ. દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી અને વખાણી પણ.ફિલ્મે તેના બજેટ કરતાં ઘણી વધુ કમાણી કરી હતી. સામાજિક સંદેશ આપતી આ ફિલ્મને દર્શકોનો પ્રેમ તો મળ્યો જ પરંતુ વિવેચકોએ પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી. જ્યારે આ ફિલ્મ OTT પર રીલિઝ થઈ, ત્યારે તે ત્યાં ઘણા અઠવાડિયા સુધી સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ બની. કોઈપણ મેગા સ્ટાર વિના પણ આ ફિલ્મ લોકોનું મનોરંજન કરવામાં સફળ રહી હતી. કિરણ રાવ 13 વર્ષ પછી આ ફિલ્મ સાથે દિગ્દર્શનના ક્ષેત્રમાં પરત ફર્યા હતા અને તેમનું પુનરાગમન ખૂબ જ જોરદાર હતું અને તેના પડઘા દૂર દૂર સુધી સંભળાયા હતા. હવે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થવાનું છે, તે પણ સુપ્રીમ કોર્ટના જજો માટે.

ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે

હકીકતમાં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે આવતીકાલે કોર્ટ પરિસરમાં ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે. આ માટે સુપ્રીમ કોર્ટના જજોની સાથે તેમની પત્નીઓ અને રજિસ્ટ્રી અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા આમિર ખાન અને ફિલ્મ નિર્દેશક કિરણ રાવ પણ હાજર રહેશે. આ સ્ક્રીનિંગ સુપ્રીમ કોર્ટ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ કોમ્પ્લેક્સના ઓડિટોરિયમમાં થશે. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મ જજોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ફિલ્મ કાસ્ટ

Jio સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત,’લાપતા લેડીઝ’ કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન્સ અને કિન્ડલિંગ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી હતી, જેની સ્ક્રિપ્ટ બિપ્લબ ગોસ્વામીની એવોર્ડ વિજેતા વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ 1 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં થયું હતું. આ એ જ જિલ્લો છે જ્યાં ‘પંચાયત’નું પણ શૂટિંગ થયું છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો રવિ કિશન પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. જ્યારે પ્રતિભા રાંતા અને નિતાંશી ગોયલ દુલ્હનના રોલમાં હતા. સસ્પર્શ શ્રીવાસ્તવ લીડ એક્ટર દીપકના રોલમાં જોવા મળ્યો હતો.

10 વર્ષમાં 5000 કેસ, સજા માત્ર 40નેઃ સુપ્રીમ કોર્ટ

 નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI તરફથી પાડવામાં આવેલા દરોડા અને ધરપકડના કેસો લાઇમલાઇટમાં રહ્યા છે. હવે EDને વિપક્ષનો અવાજ દબાવવાના ઓજાર બનાવવાના આરોપ પણ લાગી રહ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એજન્સીને સતર્ક રહેવાના નિર્દેશ આપતાં પુરાવાની ગુણવત્તા પર ધ્યાન આપવા કહેવામાં આવ્યું છે. કોર્ટે આ ટિપ્પણી ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા આંકડાને આધારે કરી છે.

જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જવલ ભુઇયાંની ખંડપીઠે EDના કેસોના આંકડા પર ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા એક નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એ બધા કેસોમાં જ્યાં તમે સંતુષ્ટ છો અને પ્રાથમિક દ્રષ્ટિએ કેસ બને છે, એ બધા કેસોમાં કોર્ટમાં પ્રૂફ કરવાની જરૂર છે. છેલ્લાં 10 વર્ષોમાં 5000 કેસોમાં માત્ર 40માં સજા થઈ છે. હવે કલ્પના કરો.

ટોચની કોર્ટની ટિપ્પણી છત્તીસગઢના બિઝનેસમેન સુનીલકુમાર અગ્રવાલ દ્વારા જામીન અરજી પર સુનાવણી દરમ્યાન આવી હતી. ખંડપીઠે સોલિસિટર જનરલ SV રાજુને કહ્યું હતું કે આ મામલામાં કેટલાક સાક્ષીઓનાં નિવેદનો અને સોગંદનામાનો સહારો લઈ રહ્યા છે. આ પ્રકારના મૌખિક સાક્ષીઓ, કાલે ભગવાને જાણે એ એ વ્યક્તિ એના પર કાયમ રહેશે કે નહીં. તમે કંઈક નક્કર પુરાવા આધારિત તપાસ કરવી જોઈએ.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે EDએ છેલ્લાં 10 વર્ષોમાં PMLA હેઠળ 5297 કેસો નોંધ્યા છે. છેલ્લાં છ વર્ષોમાં હાલમાં અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો અને રાજકીય નેતાઓની વિરુદ્ધ 132 મની લોન્ડરિંગના કેસો નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે 2016થી PMLA હેઠળ 140 આરોપીઓ જેલમાં છે.

Monsoon Update: વરસાદનું જોર ઘટ્યું, 24 કલાકમાં 108 તાલુકામાં મેઘ મહેર

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરી હતી કે, આગામી ચાર દિવસ રાજ્યમાં ફક્ત છુટાછોવાયો વરસાદ નોંધાવાની શક્યતા છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદનું જોર સામાન્ય ઘટીતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વડોદરામાં વરસાદ વરસ્યો હતો.

આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી ચાર દિવસ માટે નહિવત્ રહેશે. અત્યારસુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોનાં નિંદામણ સહિતનાં કામો અધૂરાં રહે છે. આ વચ્ચે વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યનો સિઝનનો એવરેજ 68.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.34 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.73 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં પોણા ચાર ઈંચ, પાવી જેતપુરમાં, બોરસદ, છોટા ઉદેપુર, જાંબુઘોડામાં બે ઈંચ, બોડેલી, ગોધરા, સુરત શહેર અને પેટલાદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

તમે ભલે સેલિબ્રિટી હોય…રાજ્યસભામાં જયા બચ્ચન પર ભડક્યા સભાપતિ

જયા બચ્ચન આજે રાજ્યસભામાં ફરી ગુસ્સે થયા હતા. ફરી એ જ મુદ્દો – નામ. જ્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે તેને ફરીથી જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યા તો તે ગુસ્સે થઈ ગયા. જોકે, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ગૃહમાં જયા અમિતાભ બચ્ચન તરીકે સ્પીકરને પોતાનો પરિચય આપ્યો હતો.

તસવીર: IANS

જયા બચ્ચન આજે ફરી ગુસ્સે થઈ ગયા

શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી હતી. અધ્યક્ષ જગદીપ ધનખડ ચેર પર બેઠા હતા. જ્યારે જયા બચ્ચનનો વારો આવ્યો ત્યારે તેમણે તેમને જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યા. બસ, તે ગુસ્સે થઈ ગયા. ગત વખતે ઉપાધ્યક્ષ હરિવંશની સામે તેણીએ સમાજમાં લિંગ ભેદભાવ અને નારીવાદ વિશે વાત કરવાનું શરૂ કર્યું, આ વખતે તેણીએ અધ્યક્ષને બોડી લેંગ્વેજ સમજાવવાનું શરૂ કર્યું. જયાએ કહ્યું,’હું, જયા અમિતાભ બચ્ચન, કહેવા માંગુ છું કે હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ સમજું છું અને અભિવ્યક્તિ સમજું છું. સર, મહેરબાની કરીને મને માફ કરો પણ તમારો ટોન સ્વીકાર્ય નથી, આપણે સહકર્મીઓ છીએ સર, મને યાદ છે જ્યારે હું શાળામાં હતી…’

અધ્યક્ષે કહ્યું- એક્ટર પણ ડાયરેક્ટરના કહેવા પર ચાલતા હોય છે

આ દરમિયાન જ અધ્યક્ષે જયાને અટકાવ્યા. તેણે જયાને બેસવા કહ્યું, પણ તે બેસવા રાજી ન થયા. અધ્યક્ષ વારંવાર જયાને પોતાની સીટ પર બેસવાનું કહેતા રહ્યા. જયાના જિદ્દી વલણને જોઈને સત્તાધારી પક્ષે પણ હોબાળો શરૂ કર્યો. ત્યાર બાદ સભાપતિએ કહ્યું કે’હું જાણું છું કે આનો સામનો કેવી રીતે કરવો.’ અધ્યક્ષ પછી જયા બચ્ચન તરફ વળ્યા અને કહ્યું, ‘જયાજી, તમે ખૂબ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. તમે જાણો છો કે અભિનેતા પણ નિર્દેશકની સૂચના પર કામ કરે છે. હું અહીંથી જે જોઉં છું તે તમે જોઈ શકતા નથી.’

સભાપતિએ ઉમેર્યુ કે’હું દરરોજ પુનરાવર્તન કરવા માંગતો નથી કે હું તે પ્રકારનો વ્યક્તિ છું જે માર્ગની બહાર જઈને આ બોલતો નથી, પરંતુ તમે મારો ટોન, મારી ભાષા પર ગયા છો. મેં ઘણું ટાળ્યું. ધનખડે કહ્યું,’તમે કોઈ વ્યક્તિ હોઈ શકો છો, તમે સેલિબ્રિટી છો, પરંતુ તમારે શિષ્ટાચાર સમજવો પડશે. હું તેને સહન નહીં કરું. એવું ન વિચારો કે ફક્ત તમારી જ પ્રતિષ્ઠા છે, અહીં જે બેઠા છે તેની પણ પ્રતિષ્ઠા છે.’

શેરોમાં વેચાણો કપાતાં સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક સંકેતોને પગલે બજારમાં તેજી થઈ હતી. જેશી સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુની તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે 4.42 લાખ કરોડનો વધારો થયો હતો.  અગ્રણી કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં સેન્ટિમેન્ટ તેજીતરફી થયું હતું.

સરકારી બેન્કોમાં હિસ્સો ઘટાડવાનો નિર્ણય હાલપૂરતો ટાળી દેવામાં આવ્યો છે. બેન્કિંગ લો એમેડમેન્ટ બિલમાં હિસ્સાવાશી જોગવાઈમાં કોઈ બદલાવનો પ્રસ્તાવ નથી. આ બિલ લોકસભામાં રજૂ થયું હતું.

BSE સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળી 812 પોઇન્ટ ઊછળીને 79,705.91ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 248 પોઇન્ટ ઊછળીને 24,368ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 328 પોઇન્ટ વધીને 50,485 પર બંધ થયો હતો. મિડકેપ 493 પોઇન્ટ વધીને 57,174એ બંધ થયો હતો.

બજારના વિશ્લેષકોનું માનવું છે કે બજારમાં હજી વૈશ્વિક સંકેતોને કારણે 4-5 ટકાનું કરેક્શન આવી શકે છે. બજારમાં નાના-મોટા આંચકા આવતા રહેશે, કેમ કે મિડલ ઇસ્ટમાં સ્થિતિ ખરાબ છે. દેશનાં રાજ્યોમાં પણ આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. વળી, હાલ કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પણ પૂરાં થવામાં છે. જેથી બજાર ટૂંકી વધઘટે અથડાઈ જવાની સંભાવના છે.

BSE એક્સચેન્જ પર કુલ 4006 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2332 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1571 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 103 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 247 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 30 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટે પહોંચ્યા હતા.

 

 

 

Opinion: શેખ હસીનાને રાજ્યાશ્રય આપવો કેટલો યોગ્ય?

બાંગ્લાદેશમાં વિરોધની આગે અંતે જ્વાળામુખીનું સ્વરૂપ ધારણ કર્યું. સતત 15 વર્ષના શાસનનો અંત આવો આવશે તેવું ખુદ શેખ હસીનાએ પણ વિચાર્યું નહીં હોય. વિદ્યાર્થીઓના બળવાના કારણે હસીના સરકારને રાતોરાત પોતાની ખુરશી જ નહીં પરંતુ દેશ છોડીને ભાગવું પડ્યું. બાંગ્લાદેશના આ પૂર્વ વડાપ્રધાનની વ્હારે ભારત આવ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તત્કાલ ધોરણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિના હસ્તે સોંપી, સ્વરક્ષણ અર્થ ભારત આવ્યા છે. તો બીજી બાજુ બાંગ્લાદેશ વિવાદ ફાટી નીકળવાથી ભારત પર કેટલીક ગંભીર અસર વર્તાય રહી છે. આ તમામ વિખવાદો વચ્ચે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે. શું ભારતે શેખ હસીનાને આપેલી શરણાગતી યોગ્ય છે કે નહીં?

ભારત સાથે બાંગ્લાદેશના વ્યવહાર છેલ્લાં ઘણાં સમયથી સારા છે. પણ બાંગ્લાદેશને લઈ ભારતની વિદેશ નીતિ શું છે? જાણો, આંતરરાષ્ટ્રીય રાજનીતિને અલગ-અલગ નિષ્ણાંતોનો મતે…

ડૉ. શિરીષ કાશીકર, જાણીતા રાજકીય વિશ્લેષક

ભારતની આસપાસના દેશોમાંથી ભારતના સંબંધ પાકિસ્તાન સાથે વધુ ખરાબ રહ્યા છે. જ્યારે શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે વધુ હુંફાળા સંબંધ કે વધુ મૈત્રીભર્યા સંબંધ નથી, પરંતુ એ દેશ સાથે સારા સંબંધ નિભાવીએ છીએ. જ્યારે હસીના સરકારની વાત થાય તો, આપણા દેશ સાથે શેખ હસીનાના સંબંધ પાછલા ઘણાં વર્ષોથી સારા છે. બાંગ્લાદેશ સરકાર અને ભારત સરકાર વચ્ચે સરહદી વિવાદ પણ હસીના સરકારે ઉકેલ્યો હતો. ભારત સરકારે કોઈ પણ પ્રકારના રાજકીય કારણોસર ભારત આવે તો, દેશ તેમને આવકારે છે. મારા મત પ્રમાણે આ રાજકીય સંબંધ પ્રમાણે શેખ હસીનાને મળેલો આશ્રય ખોટો નથી. સામાન્ય રીતે આંતરાષ્ટ્રીય રાજનીતિમાં બે દેશો વચ્ચેના સંબંધ હોય છે. જ્યારે દેશ સાથે દેશના શાસન કરતા સાથે પણ સારા સંબંધ ટકાવી રાખવા પડતા હોય છે. અને જ્યારે આ પ્રકારના રાજનૈતિક મુદ્દાની વાત આવે ત્યારે બંને દેશોએ એકબીજાને મદદરૂપ બન્યા છે કે નહીં, ઉપરાંત વ્યાપાર વાણિજ્ય પણ દેશના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.

ગૌરાંગ જાની, જાણીતા સમાજ શાસ્ત્રી

માર મત મુજબ શેખ હસીના જ નહીં કોઈ પણ દેશના લોકો આશ્રય માગે તો, ભારતે આપવો જોઈએ. આ અગાઉ પણ કેટલાય લોકોને ભારતે આશ્રય આપ્યો છે. સાથે જ કેટલાક લોકોએ બીજા દેશોમાં આશ્રય લીધો પણ છે. આ એકવીસમી સદીમાં કોઈને પણ આશ્રય આપવો ખોટો નથી. આ નિર્ણયની અલગ-અલગ કેટલી રાજકીય અસરો પણ છે. પણ અહીં પ્રશ્ન એ છે આ નિર્ણયને બાંગ્લાદેશના લોકો કેવી રીતે જોવે છે? હાલના સમયમાં શેખ હસીના સામાન્ય નાગરિક છે. પરંતુ અગાઉ તેઓ એક દેશના પ્રધાનમંત્રી પણ હતા આપણે એ પ્રમાણે જ તેમને જોવા જોઈએ. આપણે ધર્મની દ્રષ્ટિ એ જોઈએ તો પણ આપણે કોઈ પણ લોકોને આશ્રય આપવો જોઈએ. ભારત દેશની વિદેશનીતિ જવાહરલાલ નહેરુના સમયમાં ઘડાયેલી છે. હાલના સમય સુધી આપણે એને માનીએ પણ છીએ. આપણો દેશ હાલના સમય સુધી પણ ‘અહિંસા પરમો ધર્મ’ નીતિ પર ચાલી રહ્યો છે. એ સંદર્ભે પણ આપણે તેમને આવકારવામાં વાંધો ન હોવો જોઈએ.

ડૉ. કલ્પેશ બી.રાવ, કોલેજ પ્રિન્સિપાલ

 

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતમાં આશય આપવાનો યોગ્ય નિર્ણય કર્યો છે. ભારતે પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા માટે જે વલણ અપનાવ્યું એ મારી દ્રષ્ટિએ યોગ્ય છે. કેમકે આ અગાઉ સાર્ક દેશનું પ્રતિનિત્વ પણ ભારતે કરેલું છે. શેખ હસીનાને આશય આપવો એ લોકશાહીના જતન માટે બરાબર નિર્ણય છે. ભારતની બાંગ્લાદેશને લઈ વિદેશ નીતિ છે કે ભારત પોતાના પાડોશી દેશોને સાથે લઈ ચાલવા માગે છે. આજ કારણોસર ભારત પાકિસ્તાનથી થોડું અલગ છે. કેમ કે, ભારતની વિદેશનીતિ પાકિસ્તાન સાથે સેટ થઈ રહી નથી. ભારત જે મુલ્યો અને વિદેશ નીતિથી આગળ વધી રહ્યું છે. એ જ નીતિથી આગળ વધી રહેલા દેશોના ભારત સાથે સારા સંબંધ છે. આ વિદેશ નીતિ મારા મત પ્રમાણે યોગ્ય છે.

તરુણ ગોહિલ, નિવૃત્ત આર્મી ઓફિસર

વિદેશીનીતિ સારી રાખવા માટે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને ભારતે આશરો આપવો જોઈએ. જ્યારે શેખ હસીનાને આશરો આપવો એ અલગ-અલગ સરકાર પર નિર્ભર છે. હાલની NDA સરકારે આશરો આપી પાડોશી દેશ તરીકે એક સારું કાર્ય કર્યું છે. બાંગ્લાદેશ એક એવો દેશ છે જેની સાથે મિત્રતા રાખવાથી ઘણા ફાયદા થઈ શકે એમ છે. બાંગ્લાદેશમાં અમેરિકા, ભારત સહિતના દેશો મોટા પ્લાન્ટ નાખવા માગે છે. જ્યારે મારા મત પ્રમાણે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને આશ્રય આપવોએ માનવતાની દ્રષ્ટિએ સારી વાત છે.

મેહુલ વખારિયા, વકીલ

આમ તો બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ભારત આવતા પહેલાં પોતાના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. જેથી તેઓ બાંગ્લાદેશના સામાન્ય નાગરિક તરીકે આવ્યા ગણાય. સામાન્ય રીતે લગભગ ભારતમાં કોઈ પણ દેશના નાગરિકને પ્રવાસ માટે 180 દિવસના વિઝા આપવામાં આવતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે, એ જ રીતે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને પણ સામાન્ય વિઝા પર શરણાગતી આપવામાં આવી હશે. આમ તો તેઓ હવે પ્રધાનમંત્રી રહ્યા નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશના સંબંધ છેલ્લાં ઘણા વર્ષોથી સારા છે. આ સારા સંબંધોના કારણે તેમને ભારતમાં રક્ષણ આપવામાં આવ્યું છે, એવું મારું માનવું છે. પરંતુ શેખ હસીનાને ભારતના કાયદા પ્રમાણે રાજદ્વારી સંરક્ષણ ના મળી શકે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

રાજ્યસભામાં વિપક્ષ સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની શક્યતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર જારી છે, જે ઘણું વધારે હંગામાવાળું રહ્યું છે. એ દરમ્યાન સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે તીખો વિચારવિમર્શ થયો જોવા મળ્યો હતો. જોકે સંસદનાં બંને ગૃહો સાંજે પાંચ વાગ્યે સ્થગિત થાય એવી શક્યતા છે. જોકે સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.

રાજ્યસભામાં સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ વિપક્ષ લાવે એવી શક્યતા છે. જગદીપ ધનખડેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે 14 દિવસોની નોટિસ આપવી પડે છે. જગદીપ ધનખડેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં સાંસદોના હસ્તાક્ષર કરાવવામાં આવી રહ્યા છે.

રાજ્યસભામાં શુક્રવારે કાર્યવાહી દરમ્યાન સભાપતિ જગદીપ ધનખડે SP સાંસદ જયા બચ્ચન પર ભડકી ગયા હતા. તેમણે જયા બચ્ચન પર ટિપ્પણી કરી હતી કે આ પ્રકારના નિવેદનને તેઓ બિલકુલ સાંખી નહીં લે. સંસદની કાર્યવાહી દરમ્યાન જયા બચ્ચને સભાપતિ ધનખડેના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારો ટોન ઠીક નથી. તેમણે કહ્યું હતું કે હું એક કલાકાર છું. બોડી લેંગવેજ સમજું છું. એક્સપ્રેશન સમજું છું. સર, મને માફ કરજો, પણ તમારો ટોન ઠીક નથી, એ સ્વીકાર્ય નથી. આપણ સહ કર્મચારી છીએ. ભલે, તમે સભાપતિની ખુરશી પર બેઠા છો. જયા બચ્ચનની આ ટિપ્પણી પર ધનખડે ભડકી ગયા હતા. જેથી જયા બચ્ચને માફીની માગ કરી હતી.

જયા બચ્ચન પર સભાપતિ ધનખડના ભડકવા પર વિરોધ પક્ષોના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષના સાંસદોએ કહ્યું હતું કે તેઓ (જયા બચ્ચન) સંસદનાં સિનિયર સભ્ય છે. તમે તેમને સેલિબ્રિટી કેવી રીતે કહી શકો છો. એ દરમ્યાન વિપક્ષના સાંસદોએ દાદાગીરી નહીં ચાલે જેવો સૂત્રોચ્ચાર કર્યો હતો અને સંસદમાંથી વોકઆઉટ પણ કર્યો હતો.

VIDEO: ભાષણની વચ્ચે જ રડવા લાગ્યા આ મહિલા નેતા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. સિસોદિયાને જામીન મળ્યાની ખુશીમાં દિલ્હીના મંત્રી આતિશી ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. દિલ્હીના વિદ્યાર્થીઓનો વિજય થયો છે. સિસોદિયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, ગરીબ બાળકોને સારું શિક્ષણ આપવાનું પરિણામ!

સિસોદિયાને જામીન મળતા જ આતિશી ભાવુક થઈ ગઈ

મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિના પિતા મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવીને 17 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. આટલું કહીને આતિષી રડવા લાગ્યા. દિલ્હીના મંત્રીએ કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. દિલ્હીનું શિક્ષણ જીત્યું. દિલ્હીના બાળકો જીત્યા.

આતિશીએ સિસોદિયાના વખાણ કર્યા

આતિશીએ કહ્યું કે મનીષ સિસોદિયાએ દિલ્હીના બાળકોને સુંદર ભવિષ્ય આપ્યું. આજે અમે ખુશ છીએ કે સિસોદિયાને જામીન મળ્યા છે. ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બહાર આવશે.

ગોપાલ રાયે પણ ખુશી વ્યક્ત કરી હતી

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આજનો દિવસ સમગ્ર દિલ્હી અને દેશના લોકો માટે ખુશીનો દિવસ છે. મનીષ સિસોદિયાએ જે રીતે સમગ્ર દેશમાં શિક્ષણ ક્રાંતિનો રોલ મોડલ સ્થાપિત કર્યો, પરંતુ સરકારે તેમને 17 મહિના સુધી કોઈ પુરાવા વિના જેલમાં રાખ્યા. આજે સત્યની જીત થઈ છે. અમે બધા સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ.

ભારત શેખ હસીનાને મદદ કરશે તો સહયોગ નહીં: BNP

નવી દિલ્હીઃ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની મુખ્ય પ્રતિદ્વંદ્વી બંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ઢાકાથી ભાગીને ભારત પહોંચતાં સ્પષ્ટ રીતે નારાજ છે. વયોવૃદ્ધ BNP પદાધિકારી ગાયેશ્વર રોયે 1991માં BNPના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી હતા અને પાર્ટીના સ્થાયી સમિતિના સભ્ય છે. તેમણે જણાવ્યું હતું કે BNPનું માનવું છે કે બંગલાદેશ અને ભારતને આપસી સહયોગ કરવો જોઈએ. ભારત સરકારે એ ભાવનાને સમજવી પડશે અને એ ભાવનાનું અનુરૂપ વ્યવહાર કરવો પડશે.

જો તમે શત્રુની મદદ કરશો અને પરસ્પર સહયોગનું સન્માનની અપેક્ષા રાખશો તો મુશ્કેલી થશે. અમારા ભૂતપૂર્વ વિદેશ મંત્રી (હસીના સરકારમાં)એ ગઈ ચૂંટણી પહેલાં એ કહ્યું હતું કે ભારત શેખ હસીનાની ઓફિસમાં વાપસીમાં મદદ કરશે. શેખ હસીનાનો ખર્ચ ભારત ઉઠાવી રહ્યું છે. ભારતીય અને બંગલાદેશના લોકોને એકબીજાથી કોઈ મુશ્કેલી નથી.

BNPને ભારતવિરોધી પૂર્વગ્રહવાળી પાર્ટી માનવામાં આવે છે. આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે શું ભારતે એક પાર્ટીને પ્રોત્સાહન આપવું જોઈએ, પૂરા દેશને નહીં? હિન્દુઓ પર કથિત હુમલાના અહેવાલો અને BNPના અલ્પસંખ્યક વિરોધી હોવાની ધારણા વિશે પૂછવામાં આવતાં રોયે કહ્યું હતું કે એવી ધારણા બનાવવામાં આવી છે કે BNP હિન્દુવિરોધી છે. BNP બંગલાદેશમાં વિવિધ સમાજોના લોકોથી બની છે અને બધા ધર્મો માટે ઊભી છે.

ભારતે અમને આઝાદી અપાવવામાં મદદ કરી છે, એટલે મેં ભારતની વિરુદ્ધ ના થઈએ. અમારે અમારા દેશવાસીઓ માટેમ મેડિકલ સુવિધાઓ, અન્ય માલસામાન માટે ભારતની આવશ્યકતા છે, એમ રોયે કહ્યું હતું.