ટ્રાફિક નિયમોને લઈને હાઈકોર્ટ દ્વારા એક મોટો આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં બાઈકની પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતનો અમલ કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે 15 દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટ સરકારને આદેશ કર્યો છે.કોર્ટના આ આદેશ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ જે માર્ગદર્શન આપે છે તે અમે કરીએ છીએ. હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું.
હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ
પાંજરાપોળ ઓવરબ્રિજ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટનાં આદેશ બાદ અરજદાર દ્વારા SG હાઈવે સહિતનાં મુખ્ય હાઈવે પર અમેન્ડમેન્ટ રજૂ કર્યું હતું. સુનાવણી દરમિયાન ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યા અને ટુ-વ્હીલર ચાલકોનાં હેલ્મેટ ન પહેરવા અંગે હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે, અમદાવાદ શહેરમાં હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે પરંતુ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી.તો દંડનો હેતુ શું રહેશે? ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવાની વાત કરી છે. આ સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી માટે આદેશ છે કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે.
વિપક્ષ દ્વારા એક બાજું દુર્ઘટનાઓના પીડિતો માટે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. આવતી કાલે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. તો બીજી તરફ સરકાર દ્વારા શનિવારથી રાજ્યભરમાં તિરંગાયાત્રા શરૂ કરવામાં આવશે, તો સરકારની તિરંગાયાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
આગામી 15 ઓગસ્ટ, એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત રાજ્યમાં સૌપ્રથમ રાજકોટથી કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ યાત્રાનો રૂટ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ કરી ગાંધીજીની પ્રતિમા જયુબેલી ગાર્ડન સુધી દોઢ કિલોમીટરનો રહેશે. આ યાત્રાના આખા રૂટ પર દર 150 ફૂટના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિનાં ગીતો તેમજ ડાન્સ સહિતનાં પર્ફોર્મન્સ કરવામાં આવશે.
તિરંગાયાત્રા શરૂ થતાં શનિવારથી સમગ્ર રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ જશે તેમજ હર ઘર તિરંગા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી લોકોને તિરંગા વિતરણ મનપા દ્વારા કરવામાં આવશે. શનિવારે તિરંગાયાત્રામાં આવનારા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. હવે રાજ્યનાં ચાર મોટાં શહેરમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજ્યનાં મુખ્ય 4 મહાનગરમાં મોટેપાયે તિરંગાયાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગાયાત્રા યોજાશે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા હાજર રહેશે. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ જોડાશે. અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ યોજશે. પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે, અલગ-અલગ ટેબ્લો અને બેન્ડ પણ જોડાશે.
નવી દિલ્હીઃ વડા પ્રધાનપદથી રાજીનામું આપ્યા પછી બંગલાદેશથી ભારત પહોંચેલાં શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે કહ્યું હતું કે બંગલાદેશમાં લોકતંત્ર બહાલ થયા પછી તેમની માતા દેશમાં પરત ફરશે. તેમણે કહ્યું હતું કે તેમના દેશમાં અશાંતિ ફેલાવવામાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIનો હાથ છે.
તેમણે માતાની સુરક્ષા માટે વડા પ્રધાન મોદી અને સરકાર પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતને આંતરરાષ્ટ્રીય એકમત બનાવવામાં મદદ કરવામાં ને બંગલાદેશમાં લોકશાહી સ્થાપવા માટે દબાણ બનાવવાની અપીલ કરી હતી. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે તેમની બાંગ્લાદેશની રાજકારણમાં વાપસીના સંકેત આપ્યા છે. એક વિડિયો મેસેજથી સજીબ વાજેદે કહ્યું હતું કે અમારો પરિવાર રાજકારણમાં વાપસી કરશે નહીં, પરંતુ અમારા નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તો અમે ચૂપ બેસીશું નહીં.
તેમણે પાર્ટીના નેતાઓને મજબૂતીથી ઊભા થવાની અપીલ કરતાં કહ્યું હતું કે આવામી લીગ ખતમ થઈ નથી. આ સૌથી મોટી લોકતાંત્રિક રાજકીય પાર્ટી છે. અવામી લીગનો નાશ કરવો સરળ હશે નહીં. અવામી લીગ વિના નવું લોકતાંત્રિક બંગલાદેશ બનાવવું શક્ય નથી. અમે તમારી સાથે છીએ. શેખ હસીના મર્યા નથી. અમે બંગબંધુનો પરિવાર છીએ. અમે ક્યાંય ગયા નથી. દેશ અને આવામી લીગને બચાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીશું. અત્યારે દેશની કમાન જે કોઈ પણના હાથમાં છે, હું તેમને કહેવા માગું છું કે અમે પણ આતંકવાદમુક્ત બંગલાદેશ ઈચ્છીએ છીએ. આ માટે અમે ગમે તેની સાથે વાતચીત શરૂ કરવા માટે તૈયાર છીએ, એમ તેમણે કહ્યું હતું.
મુંબઈ: એક ભાષાનું સાહિત્ય જ્યારે બીજી ભાષામાં અનુવાદિત થાય છે ત્યારે એ સાહિત્યનો સમય, ત્યાંની સંસ્કૃતિ, સંવેદના અને માનવજીવનના ધબકારા પણ બીજી ભાષાના ભાવક સુધી પહોંચે છે. 10 ઑગસ્ટ, શનિવારે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે ‘અનુવાદ આદાનપ્રદાન’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દિનકર જોષી, કલ્પના દવે, અભિજિત ચિત્રે અને દર્શના ઓઝા
વરિષ્ઠ સર્જક દિનકર જોષી આ કાર્યક્રમની ભૂમિકા માંડતું વક્તવ્ય આપશે. ડૉ. કલ્પના દવે ગુજરાતી અને મરાઠી ભાષાના નવલકથા તથા નિબંધના અનુવાદની વાત કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા ગુજરાતી અને મરાઠી ભાષાની કવિતાના આદાનપ્રદાનની વાત કરશે. જ્યારે ડૉ. દર્શના ઓઝા ભારતીય તથા અન્ય ભાષાઓ તથા ગુજરાતી ભાષાના સાહિત્યના આદાનપ્રદાન વિશે સંચાલનમાં વાત વણી લેશે.
જાણીતા નાટ્ય કલાકાર અભિજિત ચિત્રે કેટલાક ઉત્તમ અંશોનું વાચિકમ કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના સંજય પંડ્યાએ કરી છે. કાર્યક્રમનું આયોજન કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના હૉલમાં, કાંદિવલી ખાતે સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું છે. ઈચ્છુક દરેક સાહિત્યપ્રેમી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલમાં BMW અને પુણેમાં થયલો પોર્શે હિટ એન્ડ રન કેસે ફરી એક વાર ડ્રાઇવરોની વધતી અસંવેદનશીલતાને સમાચારો લાવી દીધી છે. હિટ એન્ડ રન મામલે એક ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. વર્ષ 2022માં હિટ એન્ડ રનની કુલ 67,387 ઘટનાઓ બની હતી, જેમાં આશરે 30,486 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ડેટા પાછલા 10 વર્ષોમાં સૌથી વધુ છે.
રસ્તા પર બનતી અકસ્માતની ઘટનાઓ કે જ્યાં અપરાધીઓ ઘટનાનો રિપોર્ટ કર્યા વગર કે પીડિતોની મદદ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી જાય છે. છેલ્લા એક દાયકામાં આ કેસો સતત વધી રહ્યા છે.
રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયના ડેટા અનુસાર વર્ષ 2013માં દેશમાં આશરે 49,576 હિટ એન્ડ રનના કેસ નોંધાયા હતા, જે વર્ષ 2018માં વધીને 69,822 પર પહોંચ્યા હતા.
છેલ્લાં પાંચ વર્ષોનો ડેટા જોઈએ તો 2018માં 69,822 કેસોમાં (28,619), 2019માં 69,621 (29,354), 2020માં 52,448 (23,159), 2021માં 57,415 25,938) કેસો નોંધાયા હતા.
સરકારના હિટ એન્ડ રન કેસના નવા નિયમો અનુસાર જો કોઈ વાહનની ટક્કરથી કોઈનું મૃત્યુ થાય છે અને ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વિના ત્યાંથી ફરાર થઈ જાય છે, તો તેને 10 વર્ષ સુધીની સજા થશે. આ સિવાય તેના પર સાત લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. જોકે હિટ એન્ડ રન કાયદાનો યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, મુંબઈ, ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો હતો. નવા નિયમને લઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતાની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ છે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર એક સારા અભિનેતા હોવા ઉપરાંત તેની ઉદારતા માટે પણ જાણીતા છે. અક્ષય કુમાર ક્યારેય લોકોની મદદ કરવામાં પાછી પાની કરતા નથી. ઘણા પ્રસંગોએ અભિનેતા લાખો અને કરોડો રૂપિયાનું દાન કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે ફરી અભિનેતાએ કંઈક એવું જ કર્યું છે, જેના કારણે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
દરગાહ માટે કરોડોનું દાન
હકીકતમાં, તાજેતરમાં અક્ષય કુમારે મુંબઈમાં હાજી અલી દરગાહની મુલાકાત લીધી હતી, જ્યાં હાજી અલી દરગાહ ટ્રસ્ટ અને માહિમ દરગાહ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સુહેલ ખંડવાનીએ તેમની ટીમ સાથે અભિનેતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અક્ષય કુમારની દરગાહ પર નમાજ પઢતા હોવાની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં અક્કીએ દરગાહ જઈને વધુ એક ઉમદા કાર્ય કર્યું છે, જેની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે. અભિનેતાએ દરગાહના એક ભાગને ફરીથી બનાવવાની જવાબદારી લીધી છે અને આ માટે અક્ષયે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. હાજી અલી દરગાહ ટ્રસ્ટ અનુસાર અક્ષય કુમારે હાજી અલી દરગાહ માટે લગભગ 1 કરોડ 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. લોકો અક્ષયની આ ઉદારતાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
અક્ષય કુમાર લંગર પીરસતા જોવા મળ્યા
નોંધનીય છે કે આ પહેલા અક્ષયે મુંબઈમાં પોતાના ઘરે લંગરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં અક્ષય કુમાર પોતે લંગરમાં ભોજન પીરસતા જોવા મળ્યા હતા. જોકે આ દરમિયાન અક્ષયે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેપની સાથે માસ્ક પણ પહેર્યો હતો પરંતુ તે પછી પણ ચાહકો તેને ઓળખી ગયા. અક્ષયના આ વીડિયોએ પણ લોકોના દિલ જીતી લીધા હતા.
અક્ષય કુમારના કામની વાત કરીએ તો તેની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર ‘સિંઘમ અગેન’, ‘હેરા ફેરી 3’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળવાના
છે.
મહારાષ્ટ્ર: પુણેમાં આવેલા ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ ખાતે આગામી 11મી ઓગષ્ટથી લઈને 15મી ઓગષ્ટ સુધી ઓશો ધ્યાન અને સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઓશોના અનુયાયીઓનું માનવું છે કે વર્ષાઋતુ હંમેશા મહાન સંગીતને પ્રેરણા આપે છે. પછી તે શાસ્ત્રીય સંગીત હોય કે સિનેમા જગતનું સંગીત. ઓશો દ્વારા સંગીતનો ઉપયોગ ધ્યાન માટે કરવામાં આવ્યો છે. તેમણે સંગીત અને ધ્યાનને લઈને અનેક પ્રયોગો કર્યા છે. ઓશોના મોટાભાગના ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રભાવ, સૂર અને લયની ધૂન પર રચાયેલા છે.ઓશોનું કહેવું છે કે, “સંગીત ધ્યાનથી ઉત્પન્ન થાય છે અને પછી સંગીત મૌન છે.” આ ધ્યાન અને સંગીત મહોત્સવમાં આ વર્ષે કેટલાંક પ્રસિદ્ધ સંગીતકારોને ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. અનુપ જલોટા, જશપિંદર નરૂલા, ઉદય રામદાસ, મિલીંદ તુલનકર અને મિલીંદ દાતેનો તેમાં સમાવેશ થાય છે. દર વર્ષે આ કાર્યક્રમમાં હજારો લોકો ભાગ લેતાં હોય છે. આ વર્ષે પણ આશ્રમ હજારો લોકોથી ભરેલું હશે. આ બધાં જ લોકો એકસાથે ધ્યાન કરે છે. ભારત ઉપરાંત દુનિયાના અલગ-અલગ દેશોમાંથી ઓશોના ફોલોઅર્સ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ આવતા હોય છે.
લાગે છે ફિલ્મી, પણ વાત વાસ્તવિક છે. કુશ્તીબાજ વિનેશ ફોગટના સંઘર્ષ પરથી ફિલ્મ બની, હીટ ગઇ અને એ પછી ય ફિલ્મીઢબે બનતી ઘટનાઓ હજુ એનો પીછો છોડતી નથી. ખૂબ મહનત કરી, સંઘર્ષો સામે ઝઝૂમી. એના પરથી બનેલી ફિલ્મે એને વધારે પ્રસિધ્ધિ અપાવી. એના કરતાં ય વધારે ચર્ચામાં આવી એ મહિલા રમતવીરોના થતા શોષણના મુદ્દે સત્તા સામે સંઘર્ષમાં ઉતરી ત્યારે. અહીંથી પછડાયા પછી એ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના દરવાજે દસ્તક દઇને ફરી દેશભરમાં છવાઇ ગઇ. અને, ફક્ત ચોવીસ જ કલાકમાં બાજી બદલાઇ ગઇ. એકસો ગ્રામ વજનના મુદ્દે સ્પર્ધામાંથી બહાર અને હતાશા સાથે ખેલમાંથી નિવૃત્તિની જાહેરાત. એક મહિલા એથલીટના જીવનમાં આનાથી વધારે નાટ્યાત્મકતા બીજી કેવી હોય?
વેલ, બે દિવસથી વિનેશ ચર્ચામાં છવાયેલી છે. હજુ ય રહેશે. બધા જ પ્રકારના અભિપ્રાયો અને થિયરીઓ બધી દિશાઓમાંથી ફેંકાઇ રહી છે, પરંતુ આખા ય ઘટનાક્રમને બધી દિશાએથી ફંફોસ્યા પછી પણ અમુક મુદ્દાઓ એવા છે, જે ચર્ચા માગી લે છે.
એકઃ વિનેશ ફોગટને ફાઇનલમાંથી બહાર મૂકવાના મામલે નિયમો કે ઓલિમ્પિક સત્તાવાળાઓ સામે સવાલ ઉઠાવવાનો મતલબ નથી. નિયમ એ નિયમ છે અને એ કોઇપણને લાગુ પડે જ. 50 કિલોગ્રામની સ્પર્ધામાં વજન વધારે ન હોવું જોઇએ તો ન જ હોવું જોઇએ. પછી એ ‘વધારો’ એકસો ગ્રામનો હોય કે એક હજાર ગ્રામનો. એનાથી ફરક ન જ પડે. તો પછી શા માટે નિયમ સામે સવાલો ઉઠાવવામાં આવે છે?
બેઃ સવાલ એ છે કે, હજુ આગલા દિવસે જ વિનેશ ત્રણ રાઉન્ડ જીતી હતી. એ દિવસે એનું વજન 49.9 કિલોગ્રામ હતું. કુશ્તીમાં આંતરરાષ્ટ્રીયસ્તરે અપરાજિત પહેલવાન યુઇ સુસાકીને પછાડનારી વિનેશ બીજે દિવસે રમાનારી ફાઇનલમાં વજનના નિયમને લઇને અજાણ ન હોય એ શક્ય નથી. એની સપોર્ટ ટીમ કે ઇન્ડિયન ઓલિમ્પિક સંઘ પણ આ નિયમોથી અજાણ હોય એ શક્ય નથી તો પછી ચોવીસ કલાકમાં એનું વજન એટલું કેમ વધવા દેવાયું કે સ્પર્ધાના દિવસે એ કંટ્રોલ ન થઇ શકે? સવાલ વિનેશના ડાયેટિશ્યન-ન્યુટ્રીશનિસ્ટ અને સપોર્ટ ટીમ સામે પણ થવા જોઇએ.
ત્રણઃ કેટલાક અહેવાલો એવું કહે છે કે, વિનેશની પસંદગી 53 કિલોગ્રામ વજનની શ્રેણી હતી. જો આ સાચું હોય તો એ 50 કિલોગ્રામની શ્રેણીની સ્પર્ધામાં કેમ ઉતરી? આ એની પસંદગી હતી કે મજબૂરી? આ નિર્ણય એનો હતો કે ભારતીય કુશ્તી સંઘનો? જો એ 53 કિલોગ્રામની શ્રેણીમાં વધારે કમ્ફર્ટેબલ હોય તો તેણે 50 કિલોગ્રામની શ્રેણીમાં ભાગ લેવો જ ન જોઇએ.
ચારઃ વિનેશના મુદ્દે કેન્દ્રિય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આપેલા નિવેદનમાં વિનેશ માટે સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત સહાયકો, પર્સનલ આસિસ્ટન્ટ સહિત તાલીમ-પ્રશિક્ષણ માટે રૂપિયા 70.45 લાખ ખર્ચ્યા હોવાનો ઉલ્લેખ હતો. સરકાર એક રમતવીર માટે કેટલા રૂપિયા ખર્ચે છે એ મહત્વનું નથી, હોવું ન જ જોઇએ. પણ અહીં સવાલ એ થાય છે કે, આટલી મોંઘીદાટ ફી ચૂકવ્યા પછી ય આ નિષ્ણાતો અને વિનેશની સપોર્ટ ટીમ વજનની વાતનું ધ્યાન કેમ ન રાખી શકી? આવી સ્પર્ધાઓમાં એથલીટ્સ સાથે સરકારી ખર્ચે પરદેશ ફરતી સપોર્ટ-મેનેજમેન્ટ ટીમની જવાબદેહી પણ નક્કી થવી જોઇએ કે નહીં? મોટાભાગે આ ટીમમાં એસોસિએશનના હોદ્દેદારો અને એમના લાગતાવળગતા મળતિયાઓ જ ઘૂસેલા હોય છે અને સરકારી ખર્ચે પરદેશમાં મોજમજા કરતા હોય છે.
પાંચઃ વિનેશ ફોગટનો મુદ્દો વધારે ઉગ્રતાથી ચર્ચાવાનું એક કારણ એનું મહિલા પહેલવાનોના શોષણના મામલે સ્ટેન્ડ છે. કુશ્તી સંઘના બ્રીજભૂષણની ‘પહેલવાનગિરી’ સામે જે રમતવીરો ‘અખાડામાં’ ઉતર્યા એમાં વિનેશ મોખરે હતી. સરવાળે, ભારતમાં જે થાય છે એ જ થયું. સરકાર તરફી અને સરકાર વિરોધી લોબી પહેલવાનોને લઇને સામસામે આવી ગઇ. વિનેશ એક લોબી માટે હીરો હતી તો બીજી માટે વિલન. આ જ વિનેશ 6 ઓગસ્ટના રોજ ત્રણ હરીફોને પછાડીને ફાઇનલમાં આવી એટલે વિનેશ તરફી લોબીને મોકો મળી ગયો, સરકાર તરફી લોબીને સંભળાવવાનો. બસ, વિનેશ બાજુમાં રહી ગઇ અને આ બન્ને લોબી ઓનલાઇન કુશ્તીમાં એકબીજાને પછાડવામાં લાગી ગઇ!
સરવાળે, આખાય ઘટનાક્રમમાં સત્ય શું છે એ શોધવાનું રહી ગયું. હતાશામાં ડૂબેલી વિનેશે હવે નિવૃત્તિની જાહેરાત કર્યા પછી તમે એના ગમે એટલા વખાણ કરો, આશ્વાસનની ફિલોસોફીઓ ફટકારો કે એનું સમ્માન કરો, પણ વિનેશે ભોગવેલી પીડાનો ઘાવ ક્યારેય રૂઝાવાનો નથી.
અમદાવાદઃ ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિ દ્વારા સતત નવમી વાર રેપો રેટને 6.5 ટકા યથાવત રાખવાના નિર્ણયથી ઘરેલુ શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી વીકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 50 ઘટાડા સાથે બંધ થયા હતા. રોકાણકારોના 2.79 લાખ કરોડ ડૂબ્યા હતા.
સ્થાનિક બજારમાં રિઝર્વ બેન્કની ધિરાણ નીતિના નિર્ણય પછી બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ એસ્ટેટ શેરોમાં ઇન્ટ્રા-ડેમાં બજારના અંતે સુધારો જોવા મળ્યો હતો. સૌથી વધુ સુધારો બેન્કિંગ શેરોમાં જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 581.79 પોઇન્ટ તૂટીને 78,886.22ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 180.50 પોઇન્ટ તૂટીને 24,117ના સ્તરે બંધ થયો હતો.નિફ્ટીના 50માંથી 37 શેરો ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 50,440.75ની સપાટીથી ઘટીને 50,015ની સપાટીએ પહોંચ્યો હતો, પણ એ ત્યાંથી રિકવર થઈને ટ્રેડિંગ સેશનને અંતે 50,156.70ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ છેલ્લા એક મહિનામાં મિશ્ર રિટર્ન આપ્યું છે.
બજારમાં GSTના દરોમાં કાપના અહેવાલો પછી ઇન્શ્યોરન્સ ક્ષેત્રના શેરોમાં તેજી થઈ હતી. જોકે મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી મેટલ બે ટકા તૂટ્યો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4014 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1831 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2081 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 235 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 25 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટે પહોંચ્યા હતા.