
IND vs SL: 27 વર્ષમાં પ્રથમ વખત શ્રીલંકા સામે ODI સિરીઝ હાર્યું ભારત
શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યું અને આ મેચમાં ટીમને 110 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બેટિંગ ઓર્ડર ફરી એકવાર શ્રીલંકાના સ્પિનરો સામે હાંફળા-ફાંફળા દેખાતા હતા અને કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની ટર્ન પિચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. શ્રીલંકા માટે સ્પિનર ડ્યુનિથ વેલાલેગે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે પાંચ વિકેટ ઝડપી હતી અને ભારતીય દાવને ધમરોળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
A jubilant Sri Lankan side celebrate a memorable series victory over India 🤩#SLvIND pic.twitter.com/DWsdoADpNg
— ICC (@ICC) August 7, 2024
શ્રીલંકાએ 1997 પછી પ્રથમ વખત ભારત સામે વનડે શ્રેણી જીતી
ભારત સામે ટી20 શ્રેણી 0-3થી ગુમાવ્યા બાદ શ્રીલંકાએ વનડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે ટાઈ થયા બાદ શ્રીલંકાએ બોલરોના દમ પર આગામી બે મેચ જીતી લીધી હતી. આ રીતે શ્રીલંકા ભારતથી આ શ્રેણી 2-0થી જીતવામાં સફળ રહ્યું હતું. ચારિથ અસલંકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ માટે પણ આ જીત મહત્વની છે કારણ કે યજમાન ટીમે 1997 પછી પ્રથમ વખત ભારત સામે વનડે શ્રેણી જીતી છે. શ્રીલંકાએ છેલ્લે 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. ત્યારથી, ભારતે સતત 11 વખત વનડે શ્રેણી જીતી હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ રેકોર્ડ જાળવી શકી ન હતી અને 27 વર્ષ પછી શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવવી પડી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને અસિથા ફર્નાન્ડોએ શુભમન ગિલને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ભારતે 37 રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારનાર રોહિત શર્મા આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો, પરંતુ વેલાલાગે કેપ્ટનને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. આ પછી ભારતીય દાવ પલટાયો અને ભારતીય બેટ્સમેનો એક પછી એક પોતાની વિકેટો ગુમાવતા રહ્યા. પ્રથમ બે મેચની જેમ આ મેચમાં પણ વિરાટ કોહલી પ્રભાવ પાડી શક્યો ન હતો અને 20 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. ભારતની બેટિંગ એટલી ખરાબ હતી કે ટીમે 100 રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદરે 25 બોલમાં 30 રનની ઈનિંગ રમી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ભારત માટે માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. રસપ્રદ વાત એ છે કે ભારતે સ્પિનરો સામે તેની નવ વિકેટ ગુમાવી હતી.
આખી વનડે સીરીઝ દરમિયાન ભારતીય બેટ્સમેનો સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભારતે ત્રણ મેચની શ્રેણીમાં સ્પિનરો સામે કુલ 27 વિકેટ ગુમાવી છે, જે આટલી બધી મેચોની દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં સ્પિનરો સામે કોઈપણ ટીમ દ્વારા ગુમાવેલી વિકેટોની સૌથી વધુ સંખ્યા છે. તે જ સમયે, વેલાલાગે ભારત સામે ODIમાં એક કરતા વધુ વખત પાંચ વિકેટ લેનાર પ્રથમ સ્પિનર બન્યો. તેણે ભારત સામે બે વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રવાસીઓ હવે કરી શકશે ગોવામાં પણ આધ્યમિક્તાનો અહેસાસ
ગોવા ફરવા જવાનું મતલબ મસ્ત મજાના બીચ પર એન્જોય કરવાનું અને કસીનોમાં મનભરીને જુગાર રમવાનો. જો કે ધીમે-ધીમે આ કન્સેપ્ટમાં ચેન્જ આવી રહ્યો છે જેનું કારણ છે ગોવામાં આવેલા મંદિર. ગોવા અને આધ્યાત્મિકતાનો વળી શું નાતો ? એ જાણવું હોય તો ગોવામાં આવેલા સૈકા પહેલાના મંદિરોની મુલાકાત કરવા જેવી છે.

ગોવામાં આવેલા મંદિરની વાત કરીએ તો એમા શ્રી શાંતાદુર્ગા કુકલકારિણ ફટોર્પા, સપ્તકોટેશ્વર નરવે બિચોલીમ, બ્રહ્મકર્મલી સતારી, મહાગણપતિ ખંડોલા, મંગેશ મંદિર મંગેશી, મહાલસા મંદિર મરડોલ, મહાદેવ મંદિર તાંબડીસુરલા, દામોદર દેવસ્થાન જાંબુલી, પરશુરામ મંદિર પેગીન, હરિ મંદિર માર્ગો, શ્રી દત્ત મંદિર સાંખલી જેવા 11 મંદિરનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે સમગ્ર ભારતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર પુષ્કરમાં આવ્યું છે. ત્યારે કહેવાય છે ગોવામાં આવેલા બ્રહ્મકર્મ વાલી મંદિરમાં પણ બ્રહ્માજીના દર્શન થાય છે. હવે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પણ ગોવાની ટુર માટે ખાસ આધ્યામિક ટુરનું પણ આયોજન કરવામાં આવે છે. ગોવાના પ્રવાસન વિભાગની એકાદશા તીર્થના ભાગરૂપે આ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યટકો પણ હવે ગોવા માત્ર બીચ કે કેસિનો છોડીને આધ્યાત્મિકતામાં પણ ડોકીયુ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગોવા પ્રવાસન વિકાસ નિગમ (જીટીડીસી) જીએમ(જનરલ મેનેજર લક્ષ્મીકાંત વૈંગણકર કહે છેઃ એકાદસ તીર્થના ભાગરૂપે 11 મંદિર સીલેકટ કરવામાં આવ્યા છે. ગોવાએ પરશુરામની ભૂમિ છે તો અહીં પેગીનમાં પરશુરામનું મંદિર પણ છે. શિવાજી મહારાજે જેની નીવ મુકી છે એ સપ્ત કોટેશ્વર મંદિર પણ છે. તાંબડીસુરલામાં જે મહાદેવ મંદિર છે એ 12મી સદીનું છે. અમે અહીં હોમસ્ટેનો કન્સેપ્ટ પણ લાવ્યા છીએ. જેથી પર્યટકોને અહીં રહેવાની પણ વ્યવસ્થા મળી રહે.

ગોવા પ્રવાસન વિકાસ નિગમ ગોવા પર્યટનને આદર્શ આધ્યાત્મિક સ્થળ બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. હવે ગોવા જતા પ્રવાસીઓ પણ આ સ્પિરિટ્યુઅલ અનુભવ અદ્ભભૂત રહેશે.
જો સાપ નીકળે તો રેસ્ક્યુ માટે કોને ફોન કરવો?
અમદાવાદ: સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ સૌથી વધુ પ્રકાશમાં આવતા હોય છે. આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં સાપના રેસ્ક્યુ કરવા માટેના કોલમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ સૌથી વધુ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સાપ રહેઠાણ વિસ્તારોની આસપાસ જોવ મળે તો રેસ્ક્યુ કરવા માટે કોને બોલાવવા?
અમદવાદમાં અનેક સંસ્થાઓ સાપના રેસ્ક્યુનું કામ કરતી હોય છે. આ સંસ્થાઓનું કહેવું છે કે ભારે વરસાદને કારણે જો આપને ત્યાં કોઈ જંગલી જાનવર કે સાપ નીકળી આવે તો એને મારશો નહિ નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને રેસક્યુ કરાવી લેવું
હેલ્પલાઇન અમદાવાદ માટે
લાઈફ ફોર વાઈલ્ડ ફાઉન્ડેશન – 9429060000
પારેવડાં ગ્રુપ – 99741 65255
નેચર કૉંઝર્વેશન – 98988 18105
કાંકરિયા ઝૂ – 820-0057563
ઈ.ટી. સી ઇન્ડિયા – 85110 08593
રેસક્યુ ફાઉન્ડેશન – 80005 35253
વન વિભાગ – 7600009845
આમ તો રેસક્યુ માટેની સર્વિસનો 250/- થી વધારે ચાર્જ હોતો નથી, એ પણ જો તમે આપી શકો એમ હોય તો. જો કોઈ વ્યક્તિ વધારે પૈસાની માંગણી કરે તો તમે તેના વિરૂદ્ધ વનવિભાગમાં ફરિયાદ કરી શકો છો.
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ..
ગુજરાત સહિત દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. ત્યારે આ વર્ષે 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદમાં થવાની છે. આ ઉજવણીની તડામાર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સ્વાતંત્ર્ય દિને શહેરના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. સાથે સાથે પોલીસના જવાનો દ્વારા પણ ધ્વજવંદન પરેડની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એસ.આર.પી મેદાન ખાતે સવારે અને સાંજના સમયે પોલીસ જવાનો દ્વારા પરેડનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધ્વજવંદનની મુખ્ય પરેડમાં આ વખતે ચેતક કમાન્ડો,મરીન કમાન્ડો સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પુરુષ અને મહિલાઓની 19 જેટલી પ્લાટુન ભાગ લઈ રહી છે. 15 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા રાષ્ટ્ર ધૂન સાથે તિરંગાને સલામી આપવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા અતુલ્ય ભારત હેઠળ નારીશક્તિની થીમ સાથે દેશભક્તિના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જિલ્લા પ્રસાશન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે.
પરેડના દિવસે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા અંગેનું નિદર્શન કરશે.ગુજરાત પોલીસના શ્વાનદળ દ્વારા ઓબીડીયન્સ અને ઓબસ્ટ્રીકલ્સ અંગે ડેમો યોજાશે.જેમાં વિસ્ફોટકો શોધવા, જમ્પિંગ, નશીલા પદાર્થ શોધવા, સેલ્યુટિંગ સહિતના કરતબો કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે નડિયાદમાં યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાતમાં આવતીકાલથી ‘હર ઘર તિરંગા’ અભિયાન
કેન્દ્ર સરકાર દ્વારા 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ દરમ્યાન સમગ્ર રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા 10 ઓગસ્ટના રોજ રાજકોટ, 11 ઓગસ્ટે સુરત, 12 ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાનાર ‘ હર ઘર તિરંગા અભિયાન ‘ અને ‘ તિરંગા યાત્રા ‘ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા રાજ્યના તમામ જિલ્લાના પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આયોજનલક્ષી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ચર્ચા કરી.#HarGharTiranga2024 pic.twitter.com/EAL9HMbqiu
— Harsh Sanghavi (@sanghaviharsh) August 7, 2024
14292 ગ્રામ પંચાયતોમાં પણ આ તિરંગા યાત્રાની ઉજવણી થશે
તેમણે કહ્યું હતું કે, આ પ્રોગ્રામ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને 14292 ગ્રામ પંચાયતોમાં પણ આ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ યાત્રામાં રાજ્યભરની અંદાજે 2200થી વધુ સંસ્થાઓ સહભાગી થશે. આ ઉપરાંત ખાસ કરીને બોર્ડરના ગામડાંઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે.આ ઉપરાંત રાજ્યના મુખ્ય 75 આઇકોનિક સ્થળોએ પણ આ પર્વની ઉજવણી થશે. આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવામાં આવનાર છે. રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે.
The Tiranga is not just a flag but a symbol of India’s freedom, pride, and unity, representing the diverse and rich heritage of the country.
Let us all actively participate in #HarGharTiranga2024 pic.twitter.com/YEHBGGP2mP
— Harsh Sanghavi (@sanghaviharsh) August 7, 2024
Olympics 2024: શું હોય છે વજનના નિયમો? જેને કારણે તૂટ્યું વિનેશ ફોગાટનું સપનું
પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન બુધવારે (7 ઓગસ્ટ) ભારતીયો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા. વિનેશ ફોગાટ, જેણે મહિલા કુશ્તીની ફાઇનલમાં પ્રવેશ કરીને પોતાનો સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો, તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.આ સાથે તેનું ઓલિમ્પિક મેડલનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું.

વિનેશે આ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વજન વર્ગમાં ભાગ લીધો હતો. તેણે મંગળવારે સેમિફાઇનલ જીતી હતી. ત્યાં સુધી તેનું વજન માત્ર 50 કિલો હતું. આ પછી તેને બુધવારે ફાઈનલ રમવાની હતી. ત્યારબાદ નિયમો અનુસાર ફાઈનલ પહેલા વિનેશનું વજન કરવામાં આવ્યું અને તે 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું.
આ જ કારણ હતું કે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ સાથે તેનું આ વખતે મેડલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. હવે ચાહકોના મનમાં સવાલ એ છે કે એક જ રાતમાં એવું શું થયું કે વિનેશને બહાર ફેંકી દેવામાં આવી? તમને જણાવીએ રેસલિંગના એ નિયમો વિશે..જેને કારણે વિનેશ ફાઈનલમાં ન રમી શકી.
કુસ્તીમાં વજનનો નિયમ શું છે?
ખરેખર, કુસ્તીમાં વજનની શ્રેણીઓ હોય છે. તેનો અર્થ એ છે કે કુસ્તીબાજને સમાન વજનના કુસ્તીબાજ સામેની મેચમાં લડવાનું હોય છે. જેમ કે વિનેશે 50 કિલો વજન વર્ગમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં વિનેશ અને સામેના રેસલર બંનેનું વજન માત્ર 50 કિલો હોવું જોઈએ.યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ને આ રમતમાં નિયમો બનાવવાનો અધિકાર છે.
UWWની કલમ 11 કહે છે – મેચમાં પ્રવેશતા પહેલા ટીમ લીડરને ‘ફાઇનલ એથ્લેટ્સ’નું નામ આપવાનું હોય છે જેઓ મેચમાં લડશે. આ માહિતી અગાઉથી આપવાની રહેશે. દરેક મેચ પહેલા ખેલાડીઓનું વજન કરવામાં આવે છે. મેચના એક દિવસ પહેલા 12 કલાક સુધીમાં વજનની વિગતો સબમિટ કરવાની હોય છે. પોતાની વજન કેટેગરી સિવાય અન્ય વજન કેટેગરીના કુસ્તીબાજો સાથે કોઈ મેચ હોતી નથી.
વજન કરતી વખતે તમે કયા કપડાં પહેરવામાં આવે છે?
નિયમો અનુસાર જે રમતવીર વજન મર્યાદાને અનુરૂપ નથી તેને સ્પર્ધામાં અયોગ્ય ઠેરવવામાં આવે છે. આ સિવાય જો કોઈ એથ્લેટનું પ્રથમ કે બીજી વખત વજન ન થાય તો તેને પણ ગેરલાયક ઠેરવવામાં આવે છે. તેમજ તેને કોઈપણ રેન્ક આપ્યા વગર છેલ્લા સ્થાને રાખવામાં આવે છે.
વજન કરતી વખતે ‘સિંગલ’ નામનો એક જ પોશાક પહેરવામાં આવે છે. વજનમાં ફક્ત તે જ પહેરવાની છૂટ હોય છે. સ્પર્ધકના નખ પણ વજન દરમિયાન યોગ્ય રીતે કાપેલા હોવા જોઈએ. વજનની પ્રક્રિયા દરમિયાન કુસ્તીબાજ ઈચ્છે તેટલી વખત વજન કરાવી શકે છે.
ગુજરાતીઓએ સાત મહિનામાં સાયબર છેતરપિંડીમાં રૂ. 787 કરોડ ગુમાવ્યા
અમદાવાદઃ રાજ્યમાં સાયબર ગુનાખોરો ગુજરાતીઓ પાસેથી પ્રતિ મિનિટ સરેરાશ રૂ. 26,052 લૂંટી રહ્યા છે, જે રાજ્યમાં સરેરાશ માસિક પગાર રૂ. 18,880થી ક્યાંય વધુ છે. વર્ષ 2024ના પહેલા સાત મહિનામાં રાજ્યના રહેવાસીઓનાં બેન્ક ખાતાઓમાંથી સાયબર ગુનાખોરોએ રૂ. 787.83 કરોડ ઉઠાવી લીધા છે. જેથી સાયબર છેતરપિંડીના મામલે ગુજરાત દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે આવી ગયું છે, એમ સત્તાવાર ડેટા કહે છે.
DGP વિકાસ સહાય આ અપરાધીઓને પકડવા એક મોટો પડકાર માની રહ્યા છે. ખાસ કરીને મોટાં નાણાકીય કૌભાંડોમાં સામેલ અપરાધીઓને. અમે સતત ચોરી કરવામાં આવેલી રકમને ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ખાતાઓને ટ્રેક કરવામાં અને ફ્રીઝ કરવામાં વ્યસ્ત છીએ, એમ તેમણે કહ્યું હતું.
અત્યાર સુધી અમે સાયબર ગઠિયાઓને ચોરેલા રૂ. 176.26 કરોડ ફ્રીઝ કર્યા છે અને પીડિતોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. છેલ્લા સાત મહિનાઓમાં રાજ્યમાંથી 77,048 ફરિયાદો મળી છે, જેમાં સાયબર ચોર સરેરાશ પ્રતિ દિન રૂ. 3.75 કરોડ લોકો પાસેથી ઠગી રહ્યા છે.
સાયબર અપરાધીઓને પૈસા ચોરવા માટે નકલી ઓળખ, બ્લેક માટે નગ્ન વિડિયો કોલનો ઉપયોગ, છેતરપિંડીવાળા મૂડીરોકાણમાં ફસાવવું અને છેતરપિંડીવાળી લોન આપવામાં સામેલ કરી રહ્યા છે. તેમના નિશાના પર સિનિયર સિટિઝનો અને પર્યાપ્ત સેવિંગ્સવાળા લોકો હોય છે, એમ રાજ્ય પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.
NIFT ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી
ગાંધીનગર: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા 10મા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાથે જ ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સમગ્ર ભારત અને ગુજરાતના હેન્ડલૂમ ક્રાફ્ટ પ્રેક્ટિસનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હેન્ડલૂમ પ્રદર્શન એ ભારત અને ગુજરાતમાં હાથવણાટ હસ્તકલાનું વ્યાપક પ્રદર્શન છે, જે ભારતીય હાથવણાટની વિવિધ પરંપરાઓ અને તકનીકોને પ્રકાશિત કરે છે. આ પ્રદર્શનમાં હાથથી વણાયેલા કાપડનો સમાવેશ થાય છે. જેમાં સાડીઓ, શાલ, વસ્ત્રો, વંશીય વસ્ત્રો, ઘરની સજાવટ અને એક્સેસરીઝનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં કારીગરો વણાટની પ્રક્રિયાનું પણ પ્રદર્શન કરે છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ પરંપરાગત હાથવણાટ હસ્તકળાને પ્રોત્સાહન આપવાનો અને તેનું સંરક્ષણ કરવાનો છે.
પ્રોફેસર ડૉ. સમીર સૂદના નેતૃત્વમાં નિફ્ટ ગાંધીનગરમાં એક વિષયવસ્તુ પ્રદર્શન દ્વારા મહાત્મા ગાંધીના જીવનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 25 થી વધુ ચારકોલ ચિત્રો, રેખાચિત્રો અને ખાદી ઉત્પાદનના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે, જેમાં ધ્યાન રૂપક દ્વારા સમગ્ર પ્રક્રિયાને પ્રદર્શિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ પર, સમકાલીન ફેશનમાં હેન્ડલૂમ કાપડની સુંદરતા અને લાવણ્ય દર્શાવવા માટે ફેશન વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે એસેસરીઝ ડિઝાઇન અને ફેશન ડિઝાઇન વિભાગોના નવા નિયુક્ત ફેકલ્ટિ એરિયાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમથી કારીગરોને ભારતના સાંસ્કૃતિક અને આર્થિક માળખામાં તેમના યોગદાન માટે પ્રશંસા અને સમર્થનને પ્રોત્સાહન આપીને વ્યાપક પ્રેક્ષકો સાથે જોડાવાની તક મળે છે.
મુંબઈના ભિવંડીથી ડ્રગ્સ બનાતા બે ભાઈને ગુજરાત ATS દબોચ્યા..
ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ્સ પકડાવવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS એ મુંબઈના ભિવંડી વિસ્તારમાંથી 2 ભાઈઓની લિક્વિડ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, ગત મહિનામાં સુરતથી 51 કરોડના ડ્રગ સાથે પકડાયેલ આરોપીઓની તપાસમાં મુંબઈના ભિવંડીની માહિતી એટીએસને મળી હતી. હાલ એટીએસ વધુ કાર્યવાહી શરૂ કરી છે.

એટીએસને માહિતી મળી હતી કે ભિવંડીના ચીંચબંદર વિસ્તારમાં આ બન્ને ભાઈઓ એમડી ડ્રગ બનાવે છે. માહિતીના આધારે દરોડા પાડીને ત્યાંથી 10.969 કિલો સેમી-લિક્વિડ એમડી અને 782 કિલો બેરલોમાં ભરેલ લિક્વિડ એમડી કબ્જે કરવામાં આવેલ છે. જેની અંદાજિત કિંમત 800 કરોડ થાય છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં ત્રણ ભાઈ સાથે મળી કામ કરતા હતા જેમાંથી બે ધરપકડ કરવામાં આવી છે.
ATSના દરોડા સમયે ઘટના સ્થળેથી એમડી બનાવવાની સામગ્રી અને સાધનો પણ મળી આવેલ છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદ યુનુસ અગાઉ દુબઈમાં રહીને ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્મગ્લિંગ કરતો હતો. તેને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો. જેની સાથે મળી બન્ને ભાઈઓએ રૂપિયાની લાલચમાં એમડી બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ બન્ને ભાઈઓ છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યા છે પરંતુ બે વાર નિષ્ફળ પણ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

