Home Blog Page 1589

ભચાઉમાં સ્કૂલ વાનને નડ્યો અકસ્માત, 1નું મોત 8 ઘાયલ

ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આજે સ્કૂલ વેન ચાલક બ્રિજ પર સળિયા ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 8 બાળકોને ઈજા પહોંચી છે તો એક બાળકનું મોત થતા ચકચાર મચી ગયો છે.

ભચાઉ તાલુકામાં નાના ફુલકાઓ ભણવા જવા ઘરેથી નીકળ્યા હતા, અને પહોંચી ગયા હોસ્પિટલ. વાત એમ છે કે,  ભચાઉ તાલુકાના નંદગામથી નવ વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ વેન રાબેતા મુજબ નીકળી હતી. તે દરમિયાન ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર સવારે  7 વાગ્યાના અરસામાં તેમને અકસ્માત નડ્યો હતો. સ્કૂલવેનનાં ચાલકે બ્રિજ પર સળિયા ભરેલા ટ્રેઈલરને  ઓવરટેક કરવા જતા ટ્રેઈલરમાં સ્કૂલવેન અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત થતા સ્કૂલવેન બે વખત  પલટી ખાઈ જતા તેમાં  સવાર 9 વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં 9 ઘાયલ બાળકોને સારવાર અર્થે  ભચાઉની સરકારી હોસ્પિટલમાં અને વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આજે ભચાઉ તાલુકાના ચોપડવા નજીક અકસ્માત સર્જાયો હતો ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે એક વાત નક્કી છે કે કેટલાક સ્કૂલ વાહન ચાલકો ને વાહનો ચલાવવાની ગંભીરતા નથી. સામાન્ય રીતે કોઈપણ સ્કૂલ વાહનને આર. ટી.ઓના નિયમો પાલન કરવાના હોય છે, પણ નિયમો નેવે મુકાતા હોય છે. સ્કૂલ વેન, રીક્ષામાં વિદ્યાર્થીઓ ઘેટાં બકરાની માફક ભરવામાં આવે છે, પરિણામે અકસ્માત સર્જાય છે. આજે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂરત છે તમારા સંતાનો જે વાહનમાં જાય છે તે તેના માટે સેફ છે કે નહીં તે જોવું જરૂરી બની રહે છે. સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન કરે છે કે નહીં તે તપાસ થવી જોઈએ.

અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો ડંકો વગાડવા PM મોદીનું નવું મિશન

ભારત તમામ ક્ષેત્રોમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે. ત્યારે હવે ભારત અંતરિક્ષમાં પણ તિરંગો લહેરાવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારમાં સ્પેસ ક્ષેત્ર ભારતે અનેક સિદ્ધિઓ સર કરી છે. ત્યારે કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર આગામી 10 વર્ષ સ્પેસ સેક્ટરને પાંચ ગણો વધારવા માટે 1000 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ (VC) ફંડ બનાવશે. આમાં ભારતને સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આ ફંડ પ્રાઇવેટ સેક્ટરમાં સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ, ઇનોવેશન અને વિકાસને પ્રોત્સાહન આપશે.

આ 1 લાખ કરોડ રૂપિયાના મોટા ફંડનો ભાગ છે, જે અલગ-અલગ ઉદ્યોગોમાં પ્રાઇવેટ સેક્ટરના ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્પેસ ટેકનોલોજીમાં કામ કરનારી કંપનીઓને નેશનલ ઇન્ડિસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સ્વીકૃત 12 ઇન્ડસ્ટ્રિયલ પાર્કોમાં જગ્યા આપવામાં આવશે.

સ્પેસ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિયોએ આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું. ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA)ના મહાનિર્દેશક, લેફ્ટિનેંટ જનરલ એકે ભટ્ટાએ કહ્યું, આગામી દશકામાં ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થાને પાંચ ગણી વધારવાની બજેટની દ્રષ્ટિ આ ક્ષેત્ર પ્રત્યે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ઉપાય ભારતના સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે.

બેંગ્લોર સ્થિત દિગંતરા જે અંતરિક્ષની મેપિંગ કરે છે અને જેને પીક XV પાર્ટનર્સ અને સિડબી જેવી કંપનીઓ પાસેથી ફંડિંગ મેળવી છે. તે કંપનીએ કહ્યું કે અંતરિક્ષ જેવા વ્યૂહાત્મક ક્ષેત્ર માટે વધારે ઘરેલૂ ગ્રાહક હોવા મહત્વપૂર્ણ છે અને સરકાર દ્વારા પ્રાથમિક ગ્રાહકના રૂપમાં કાર્ય કરવું જરૂરી છે, જે ડિમાંડને ગતિ આપે છે અને એક મજબૂત ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.

આ જાહેરાતથી ભારતમાં 180થી વધારે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અંતરિક્ષ ટેકનોલોજી સ્ટાર્ટઅપને ફાયદો થવાની આશા છે. આ ભારતને ગ્લાબલ કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં એક મુખ્ય ખેલાડીના રૂપમાં સ્થાપિત કરવાના સરકારના પ્રયોસો ઉપર ભાર આપશે.

પોલીસનો બિભવ, સ્વાતિ માલીવાલ કેસમાં મોટો ખુલાસો

નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાને દિવસે બિભવે સ્વાતિ માલીવાલને સાતથી આઠ વાર થપ્પડ મારી હતી. તેના પર કાવતરાના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં અત્યાર સુધી બિભવકુમારને કોઈ રાહત નથી મળી, તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાં કોર્ટે કહ્યું હતું કે બિભવને સત્તાનો નશો ચઢી ગયો હતો અને તેને આ બધું કરતાં કોઈ શરમ નથી આવી.

 પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે CM કેજરીવાલના નિવાસસ્થાને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેને થપ્પડ મારવામાં આવ્યા હતા. તેને ધક્કા મારવામાં આવ્યા હતા અને ગાળો આપવામાં આવી હતી. એ કેસમાં CM કેજરીવાલે પહેલેથી જ મૌન ધારણ કરી રાખ્યું છે, પણ પછીથી કાર્યવાહીની વાત કહી હતી. બીજી તરફ આપ પાર્ટીએ સ્વાતિ માલવાલને જ કઠેડામાં ઊભી કરી દીધી હતી.

આ પૂરા વિવાદમાં એક સવાલ અધૂરો રહે છે કે આખરે સ્વાતિ માલીવાલ 13 મેએ અચાનક CM કેજરીવાલને મળવા કેમ આવી હતી? તેણે જે ફરિયાદ પણ નોંધાવી હતી, એમાં પણ તેણે એ મુલાકાતના કારણને લઈને કંઈ જણાવ્યું નથી. આવામાં કોઈના ઉશ્કેરવાથી હુમલો થયો કે બિભવે ઉશ્કેરાટમાં આવીને મારપીટ કરી- એ વાતની કોઈ સ્પષ્ટતા થઈ નથી શકી.

 

ક્રિસ્પી કોર્ન

કોર્નનો નાસ્તો બાળકોને હરહંમેશ પ્રિય હોય છે. જો આ જ સ્વીટ કોર્ન તળવામાં આવે અને ચટપટા મસાલાવાળા ક્રિસ્પી બનાવવામાં આવે તો બાળકો હંમેશા આ જ નાસ્તો માંગશે!  વળી, આ નાસ્તો બની જાય છે ઈન્સ્ટન્ટ!

સામગ્રીઃ

  • સ્વીટ કોર્ન 2 કપ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • મેંદો 2 ટે.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • કાંદો 1
  • લીલા મરચાં 1-2
  • સિમલા મરચું 1
  • ટામેટું 1
  • તેલ તળવા માટે

રીતઃ એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી મીઠું નાખીને ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં મકાઈના દાણા નાખીને 2 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને પાણી ગાળીને કોર્ન કોરા કરી લો.

એક બાઉલમાં મેંદો, ચોખાનો લોટ, કોર્નફ્લોર, કાળા મરી પાઉડર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું મેળવીને તેમાં કોરા કરેલા મકાઈના દાણા રોળવી લો. આ મિશ્રણને પ્લાસ્ટીકની બારીક ચાળણીમાં થોડું ચારવીને એક પ્લેટમાં કાઢી લો. જેથી તેમાં લાગેલો વધારેનો લોટ નીકળી જાય.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. આ તેલમાં મકાઈના દાણા હળવેથી ઉમેરી દો અને ઝારાથી હળવે હળવે ચારવતા રહો. જો મકાઈના દાણા ફૂટવા લાગે તો ગેસની આચં ધીમી કરીને કઢાઈ ઢાંકીને 3-4 મિનિટ રહેવા દો. ત્યારબાદ સાચવીને ઝારા વડે તળાઈ ગયેલા કોર્ન એક કિચન પેપર ઉપર કાઢી લો. જેથી વધારેનું તેલ નિતરી જાય.

આ કોર્નને એક પ્લેટમાં કાઢી લઈ તેની ઉપર ચાટ મસાલો, કાશ્મીરી મરચાં પાઉડર, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું મેળવી દો. ત્યારબાદ ઉપરથી ઝીણા સમારેલાં કાંદા, લીલા મરચાં, સિમલા મરચું તેમજ કોથમીર ભભરાવીને આ ક્રિસ્પી કોર્નની તૈયાર પ્લેટ પીરસો.

૦૭ ઓગસ્ટ, ૨૦૨૪

પ્રકૃતિ પ્રત્યે સન્માનથી વર્તવું એ તેના રક્ષણનો એક માત્ર માર્ગ

પૌરાણિક શાસ્ત્રો અનુસાર આપણને પાંચ આવરણ છે: ભૌતિક વાતાવરણ, ભૌતિક શરીર, મન, આંતરજ્ઞાનનું આવરણ કે સૂક્ષ્મ વાતાવરણ અને આત્મા. ભારતીય પ્રણાલી પ્રકૃતિને પવિત્ર માને છે. આપણા ઋષિઓ પર્વતો, નદીઓ, સૂર્ય, ચંદ્ર તથા વૃક્ષોને પવિત્ર માનતા હતા. આપણે જેને પવિત્ર માનતા હોઈએ તેને સન્માન આપતા હોઈએ છીએ. વાતાવરણીય ચેતના આપણા જીવન જીવવાની રીતમાં વણાઈ ગઈ છે અને આપણો એક સ્વભાવ પણ બની ગઈ છે. પરંતુ જ્યારે આપણે આપણા એ સ્વભાવથી વિમુખ થવા માંડીએ છીએ ત્યારે વાતાવરણને પ્રદૂષિત કરવા લાગીએ છીએ. કમનસીબે આપણે આપણી નદીઓ અને પર્વતોને પવિત્ર વિધિઓના નામે પ્રદૂષિત કરીએ છીએ. આપણે એવી પણ ગેરમાન્યતા રાખીએ છીએ કે ટેકનોલોજી અને વિકાસની આડપેદાશ તરીકે વાતાવરણનું નુકસાન અનિવાર્ય છે. પરંતુ આ બન્ને પારસ્પરિક વિકલ્પો ના હોવા જોઈએ.

ટેકનોલોજીનો ઉદ્દેશ પ્રકૃતિનો વિવેકયુકત ઉપયોગ કરવાનો, માનવજાતને બોધયુક્ત માહિતી અને અનુકૂલન આપવાનો છે. જ્યારે આધ્યાત્મિક અને માનવીય મુલ્યોને અવગણવામાં આવે છે ત્યારે ટેકનોલોજીથી અનુકૂલનને બદલે પ્રદૂષણ અને વિનાશ મળે છે. આધ્યાત્મિકતા ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસની સાથે સાથે વાતાવરણમાં સંવાદિતા જાળવવામાં ભાગ ભજવે છે.આ સદી માટે આ એક પડકારરૂપ બાબત છે.

આપણે પ્રકૃતિમાંથી વાતાવરણના સંરક્ષણ માટેના પાઠ ભણી શકીએ છીએ. પ્રકૃતિ કચરા-પૂંજાને પચાવી દે છે અને દરેક વખતે કંઈક સુંદર બનાવે છે. કુદરતમાં બધી પરાકાષ્ઠાના ગુણધર્મો જોવા મળે છે, છતાં સંતુલન જળવાઈ રહે છે. વિજ્ઞાન કે ટેકનોલોજી નુકસાનકર્તા નથી; પરંતુ જે નકામા પદાર્થો અને કચરો ઉત્પન્ન થાય છે તે ઝેરી હોય છે. એ પદાર્થો ઓછા ઉત્પન્ન થાય અને તેમનો કોઈ રીતે ઉપયોગ થાય તે જરૂરી છે.

અલબત, માણસનો લોભ એ સૌથી મોટો પ્રદુષણકર્તા છે. તે વાતાવરણના સંરક્ષણમાં નડે છે કારણ કે તે વાતાવરણને અનુકૂળ હોય તેવી ઉત્પાદન પ્રક્રિયાઓ કરતાં ત્વરિત લાભ અને ત્વરિત પરિણામને વધારે પ્રાથમિકતા આપે છે. લોભ સૂક્ષ્મ વાતાવરણ અને માનવ મનને નકારાત્મક લાગણીઓ તથા પ્રભાવથી પ્રદૂષિત કરે છે. પ્રદૂષણ ભૌતિક અને સૂક્ષ્મ બન્ને વાતાવરણમાં પ્રસરે છે. ગુસ્સે થયેલી વ્યક્તિમાંથી ગુસ્સાની ભાવના પ્રસરે છે જે તેની આસપાસના લોકોમાં ફેલાય છે. આ પ્રક્રિયા આગળ વધતી જતી હોય છે. બધા યુધ્ધોના મૂળમાં એકત્રિત થયેલી નકારાત્મક લાગણીઓ હોય છે.

ઘણીવાર આપણે સભાન નથી હોતા કે જે વસ્તુ વાતાવરણ માટે પ્રતિકૂળ છે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ પ્રતિકૂળ છે.
પ્રકૃતિ પ્રત્યે જે પારંપરિક સન્માન હતું તેને પુનર્જીવિત કરીને આપણે આપણી આસપાસના વાતાવરણમાં કંઈક અંશે શુધ્ધિ પુનઃસ્થાપિત કરી શકીએ છીએ. આપણે પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરી શકીએ છીએ-તેને લીધે આપણે પ્રકૃતિ સાથે જે કંઈ કરી રહ્યા છીએ તે વિશે સંવેદનશીલ બની શકીએ છીએ. પછી તમે પર્યાવરણ પ્રત્યે સભાન બન્યા વગર ના રહી શકો.

પ્રાચીન અને અર્વાચીન બન્ને પધ્ધતિઓ અપનાવવી જોઈએ. વૈદિક ખેતી ગાયના મૂત્ર, છાણ અને લીમડાના પાનથી કરવામાં આવતી હતી. પાકના ઉત્પાદન માટે હવે આ શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતમાં તાજેતરના પ્રયોગોએ દર્શાવ્યું છે કે ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વગર કરવામાં આવતી નૈસર્ગિક ખેતીથી પાકનું ઉત્પાદન ત્રણ ગણું વધે છે. કોઈ બાબત નવી છે માત્ર એટલા માટે જરૂરી નથી કે તે સારી જ હોય અને કોઈ બાબત જૂની છે માત્ર એ કારણે તેને ત્યજી ના દેવી જોઈએ. પ્રાચીન અને અર્વાચીનનું વિવેકભર્યું સંયોજન આપણને આપણું જીવન વાતાવરણ સાથે સંતુલિત કરવામાં સહાય કરી શકે છે અને આ રીતે આપણે આપણી પૃથ્વીનું વધારે નુકસાન થતું રોકી શકીએ છીએ. આવું ત્યારે જ શક્ય બને જ્યારે માણસનો લોભ, સ્વાર્થી વૃત્તિઓ અને શોષણવૃત્તિના કરતાં તેનો અંતરાત્મા વધારે પ્રભાવી બને. આપણે આપણી જાતને પૂછવું જોઈએ:આપણે પૃથ્વીનું કેટલું શોષણ કરવા માંગીએ છીએ?કે પછી આપણે તેનું કેટલુ સંરક્ષણ કરવા ઈચ્છીએ છીએ?

આધ્યાત્મિકતા લોભને નિયંત્રિત રાખે છે. તે સમસ્ત પૃથ્વી માટે સભાનતામાં વૃધ્ધિ કરે છે અને કાળજી કરવાની ભાવના તથા પ્રતિબધ્ધતા આપે છે. આધ્યાત્મિકતા આપણી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે. તે નૈસર્ગિક સૌંદર્ય પ્રત્યે આપણી આંખો ખોલે છે અને આપણને પ્રકૃતિ તથા જીવનનું સન્માન કરવા પ્રેરિત કરે છે-અને આપણા જીવનમાં વધુ આનંદ તથા ઉજવણી લાવવામાં મદદ કરે છે. વાતાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અને સંવેદનશીલતા જરૂરી છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 82 અતુલભાઈ ભટ્ટ

છેલ્લાં 16-16 વર્ષથી યુનિક-ચિલ્ડ્રન-ક્લબના માધ્યમથી દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર અને આત્મ સન્માનિત કરવાના અથાગ પ્રયત્નોમાં પ્રવૃત્ત અતુલભાઈ ભટ્ટની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદમાં, વતન સુરત પાસે મોતા. પિતાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 43 વર્ષ નોકરી કરી. માતા સાત-ચોપડી ભણ્યાં હતાં, પણ પતિના ડગલે પગલું માંડનાર તેજસ્વી નારી હતાં. અમદાવાદમાં મોન્ટેસરીનો કોર્સ કરી બાળકોને(બે દીકરા-બે દીકરી) સારી રીતે માસ્ટર્સ ડિગ્રી ભણાવ્યાં. ભાડાના બે રૂમમાં આઠ જણ (નાની અને મામા સાથે) મજાથી રહેતાં હતાં. અતુલભાઈનો શાળાનો અભ્યાસ શારદા-મંદિરમાં, કોલેજ એમ.જી.સાયન્સ અને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ, મિકેનિકલ-ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. અતુલભાઈએ પ્રોફેશનલ કેરિયરમાં સૈદ્ધાંતિક ચડભડને કારણે છ જોબ બદલી, પણ ઈશ્વર કૃપાળુ, ક્યારેય હેરાન નથી થયા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

60 વર્ષે નોકરી ત્યાગી સમાજને પરત કરવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં આઠ વર્ષ દિવ્યાંગો માટે કામ કરતા એનજીઓ નાસીઓ ગુજરાતમાં કામ કર્યું. હવે સ્વતંત્ર રીતે યુનિક-ચિલ્ડ્રન-ક્લબના માધ્યમથી કામ કરે છે. દીકરાઓ કેનેડા- યુએસએમાં વર્ષો કામ કરી ભારતમાં સેટલ થયેલ છે.

સવારે 5:00 વાગે ઊઠે, કલાક યોગ-આસન, સુદર્શન-ક્રિયા વગેરે કરે. છ વાગ્યે ચા-નાસ્તો કરે. દીકરો ચા બનાવે!સવારથી દિવ્યાંગ બાળકોનાં માતા-પિતા સાથે તેમની ફાઈલો જોઈ તેના માટે ડિસ્કશન કરે. સાત વાગ્યે whatsapp અને ક્લબના મિત્રો સાથે જોડાય જાય. આખો દિવસ દિવ્યાંગોના ઉત્થાનનું કામ પત્ની જ્યોતિકાબહેનના સાથ- સહકારથી ચાલુ હોય! સાંજે થોડું ચાલે અને ટીવી જુએ.

શોખના વિષયો : 

સંગીત સાંભળવું ગમે. તેમણે “શ્રદ્ધાંજલિ”ના 100 પ્રોગ્રામ કર્યા છે. સ્ક્રીપ્ટ જાતે લખે. માણસ ગુમાવ્યાના દુઃખદ વાતાવરણને બદલે તેઓ સુંદર માહોલ રચે! ફરવાનો, ચાલવાનો શોખ. હવે ઓછું ચલાય છે. તેઓ ઇઝરાયેલ-જાપાન સહિત આખી દુનિયા ફર્યા છે, પણ ભારતમાં ઓછું ફર્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. હરતા-ફરતા છે. ચાલવાનું જરૂરી છે. શ્વાસોશ્વાસની ક્રિયા જબરજસ્ત તાકાત વાળી છે. રોજ સવારે ઊઠીને 10 ઓમકાર કરો એટલે તમારું આખું જીવન બદલાઈ જશે!

યાદગાર પ્રસંગ: 

તેઓ વ્યાવાસિક કામે પહેલીવાર જાપાન ગયા ત્યારે ત્યાંની ઠંડીનો ખ્યાલ નહીં, એટલે તેને પહોંચી વળે તેવાં વસ્ત્રો તેમની પાસે હતાં નહીં. તેમને એરપોર્ટ પર લેવા આવેલ યજમાને જોયું કે અતુલભાઈ પાસે યોગ્ય કપડાં નથી. તેઓ તેમને સીધા દુકાને લઈ ગયા અને એક સરસ પૂલઓવર અપાવ્યું, જેનાથી તેમની જાપાનની ટુરમાં સારી હેલ્પ થઈ. તેમણે તે હજી સુધી સાચવી રાખ્યું છે. જાપાનના બધા એક્ઝિક્યુટિવ બે ડાયરી રાખે, એક ડાયરી પેન્સિલથી લખે, બીજી ફાઇનલ ડાયરી પેનથી લખે. અતુલભાઈએ પણ ભારત પાછા આવીને ડાયરી લખવાનું શરૂ કર્યું. રાતના વિચારીને ડાયરીમાં લખતા કે આજે મેં કોઈનું અહિત તો નથી કર્યુંને? તેને કેવી રીતે મિટાવી શકાય?

રીકો કંપનીના ઝેરોક્ષ મશીનમાં રોલર પર ટેફલોન કોટિંગ કરાવવાનું શ્રેય તેમને જાય છે. આજે વિશ્વના કોઈપણ ઝેરોક્ષ મશીનમાં ટેફલોન રોલર જ વપરાય છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે એન્જિનિયર એટલે ટેકનોલોજી ફાવે, પણ હવે મોબાઈલનો ઓછો ઉપયોગ કરે છે. નાનીબહેન અમેરિકા રહે છે. રોજ રાત્રે ફોનથી વાત થાય! બાળકો જયારે વિદેશ હતા ત્યારે પણ મોબાઈલના ઉપયોગથી તેમની સાથે સંકળાયેલા રહેવાતું.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજના સમાજમાં મામા-કાકા-દાદા-ફોઈ… બધા સંબંધો જતા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરિવાર જ મહાન છે! એકબીજા સાથે બોન્ડિંગ ઘણું જરૂરી છે. ફોનથી વાત થાય તો ફોનથી કરો, પણ ભાઈ-બહેન અને નજીકનાં સગાં-સંબંધીઓ સાથે કોન્ટેકમાં રહો.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

આજનાં યુવાનો પેરેન્ટિંગમાં બહુ નબળાં પડે છે! બાળકો સરખી રીતે તૈયાર થતાં નથી, તેમનું યોગ્ય ઘડતર થતું નથી. બહેનો કીટી-પાર્ટીમાં વ્યસ્ત રહે છે, બાળકોનું ધ્યાન રાખતી નથી. અતુલભાઈના પોતાના કુટુંબના બધાં યુવાનો ભણેલાં-ગણેલાં છે. ઘણાં યુવાનો વિદેશમાં રહે છે છતાં ગાંધીવાદી છે. તેમને એક જ પૌત્ર છે જે જીનિયસ છે. ભણવા માટે થોડા સમય પછી યુનિવર્સિટી ઓફ મીશીગન, અમેરિકા જઈ રહ્યો છે.

સંદેશો :  

વિશ્વના ચોરે અને ચૌટે આવી “યુનિક-ચિલ્ડ્રન-ક્લબ” સ્થપાય. દરેક બાળકમાં ઈશ્વરે એક એવી શક્તિ મૂકી છે કે તેને ડોક્ટર-એન્જિનિયર-ફાર્મસીસ્ટ બનાવવાને બદલે એની શક્તિને પારખી સંગીત, ચિત્ર, સ્પોર્ટ્સ કે અન્ય ક્ષેત્રમાં પારંગત કરવામાં આવે તો તે વ્યક્તિ આત્મનિર્ભર અને આત્મસન્માનિત બની શકે અને સમગ્ર સમાજ પણ સક્ષમ બને.

રાશિ ભવિષ્ય 07/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

Olympics : જર્મનીએ સેમિફાઈનલમાં ભારતને 3-2થી હરાવ્યું

ભારતીય હોકી ટીમ સેમીફાઈનલમાં જર્મની સામે હારી ગઈ છે. જર્મનીએ ભારતને 3-2થી હરાવ્યું. આ હાર સાથે ટીમ ઈન્ડિયાનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વાસ્તવમાં બંને ટીમો વચ્ચેની મેચ છેલ્લી ઘડી સુધી 2-2 ગોલથી બરોબર રહી હતી, પરંતુ રમત સમાપ્ત થવાની થોડી મિનિટો પહેલા જ જર્મનીએ ગોલ ફટકારી દીધો હતો. આ રીતે જર્મની 3-2થી જીતવામાં સફળ રહ્યું. હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે.

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાનું 44 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. રોમાંચક સેમિફાઇનલ મેચમાં જર્મનીએ ભારતને 3-2થી હરાવ્યું અને આ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ જીતવા માટે ફરી એકવાર રાહ જોવી પડશે. આમ છતાં ભારતીય ટીમ પાસે પેરિસમાંથી મેડલ જીતીને પરત ફરવાની તક છે. ટીમ ઈન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે દાવો કરશે, જ્યાં તેનો મુકાબલો 8 ઓગસ્ટે સ્પેન સાથે થશે. ગોલ્ડ મેડલ માટે જર્મનીનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે.

પેરિસ ઓલિમ્પિક : વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચી

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિનેશ ફોગાટે 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલ 5-0થી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી અને આ સાથે તેણે મેડલ સુરક્ષિત કર્યો. આ રીતે વિનેશ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા રેસલર પણ બની છે. વિનેશે સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવ્યો હતો. આ મુકાબલોનો પ્રથમ રાઉન્ડમાં રસાકસી જોવા મળી હતી. જોકે આ દરમિયાન વિનેશે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર બાદ બીજા રાઉન્ડની શરૂઆતમાં વિનેશ ફોગાટે સતત 2-2 પોઈન્ટની લીડ મેળવી હતી અને 5-0ની લીડ મેળવી હતી. ક્યુબન કુસ્તીબાજ વાપસી કરી શકી ન હતી અને વિનેશ ફોગાટે શાનદાર જીત મેળવી હતી.

વિનેશ ફોગાટની ફાઈનલ મેચ 7મી ઓગસ્ટે રમાશે. બુધવારે તેની નજર ગોલ્ડ મેડલ જીતવા પર રહેશે. આ દરમિયાન વિન્ચે યુએસએની સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો સામનો કરશે. વિનેશ સમર ગેમ્સમાં મેડલ જીતનારી સાક્ષી મલિક પછી બીજી ભારતીય મહિલા રેસલર બનશે. તમને જણાવી દઈએ કે વિનેશે પહેલા રાઉન્ડમાં 1 પોઈન્ટ અને બીજા રાઉન્ડમાં 4 પોઈન્ટ મેળવ્યા હતા.