Home Blog Page 1592

બાંગ્લાદેશ હિંસા : સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ

બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ પર આજે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે ત્યાંની સ્થિતિ અને ભારતની સ્થિતિ વિશે માહિતી આપી છે. વિદેશ મંત્રીએ આજે ​​સંસદમાં પણ આ મુદ્દે સ્થિતિ વિશે માહિતી આપી હતી. બાંગ્લાદેશ હિંસામાં 300 થી વધુ લોકોના મોત થયા છે અને પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ છે.


બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ 

વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશ હિંસા અંગે કહ્યું કે, બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હિંસા થઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે પ્રદર્શનકારીઓનો એકમાત્ર એજન્ડા શેખ હસીનાને સત્તા પરથી હટાવવાનો હતો. શેખ હસીનાએ થોડા સમય માટે ભારતમાં રહેવાની વિનંતી કરી હતી. હિંસા બાદ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે ભારત સરકાર આર્મી ચીફના સંપર્કમાં છે. અમે આશા રાખીએ છીએ કે જે સરકાર હવે પ્રભારી છે તે ભારતીય હાઈ કમિશન અને અમારા લોકોને સુરક્ષા પ્રદાન કરશે. જ્યારે જયશંકર રાજ્યસભામાં બોલી રહ્યા હતા ત્યારે ઢાકાના હિંદુ સમુદાયના નેતાએ કહ્યું કે તેમના વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે.

બાંગ્લાદેશની સ્થિતિ પર બોલતા વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે કહ્યું, ‘અમારી સમજણ એ છે કે સુરક્ષા એજન્સીઓના વડાઓ સાથેની બેઠક બાદ શેખ હસીનાએ સ્પષ્ટપણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે થોડા સમય માટે ભારત આવવાની પરવાનગી માંગી. તે ગઈકાલે સાંજે દિલ્હી પહોંચી હતી.

ચારૂસેટમાં વિખ્યાત સંતૂરવાદક તરુણ ભટ્ટાચાર્યનો કાર્યક્રમો યોજાયો

ચાંગા: ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા  ચારુસેટ કેમ્પસમાં 1લી ઓગસ્ટ, 2024ના રોજ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્યના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સાથે તબલાવાદક પંડિત જ્યોતિર્મય રોયચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સ્પીક્મેકેના સહયોગથી કરવામાં આવ્યું હતું.

ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ દ્વારા ચારુસેટ સ્પીકમેકે હેરિટેજ ક્લબ અંતર્ગત કરવામાં આવેલી આ પહેલને બિરદાવવામાં આવી હતી. ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટિ ઓફ હ્યુમેનીટીસના ડીન ડૉ. ભાસ્કર પંડ્યાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રી મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કિંજલ ભાટિયા અને આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિયંકા પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં લગભગ 260 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સંતૂર અને તબલા વચ્ચેના સુરીલા સંવાદનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સાંસ્કૃતિક જાગૃતિ અને શિક્ષણ પર ભાર મુકવાના આગ્રહ સંબંધિત આ કાર્યક્રમ હતો. પંડિત તરુણ ભટ્ટાચાર્ય સંગીત નાટક એકેડેમી પુરસ્કાર વિજેતા અને વૈશ્વિક સ્તરે પ્રશંસા પામેલા સંતૂર ઉસ્તાદ છે. તેઓ અભિવ્યક્ત મીન્ડ શૈલી અને “મેનકા’સ” ફાઇન ટ્યુનર્સ જેવી નવીનતાઓ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ક્રાંતિ લાવ્યા છે. એક સામાજિક કાર્યકર તરીકે તેઓ પોલિયો નાબૂદી અને થેલેસેમિયા જાગૃતિ જેવા ઉમદા કાર્યોની હિમાયત કરે છે તેમજ વિવિધ સખાવતી પહેલ માટે વિવિધ કાર્યક્રમો કરતા રહે છે.

Monsoon Update: રાજ્યમાં સરેરાશ 68% વરસાદ નોંધાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘ રાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે પાછલા 24 કલાકમાં 168 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદમાં દોઢ ઇંચ, કપરાડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સરેરાશ 23.50 ઇંચ સાથે સિઝનનો 67.70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

 આ વર્ષે લલનીનોના કારણે રાજ્યમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. જે પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ નોંધાય રહ્યો છે. જો આપણે જિલ્લા પ્રમાણે જોઈએ તો આ વર્ષે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 150 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 30.27 ઇંચની સામે 46 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ અને પોરબંદરમાં 124 ટકા વરસાદ વરસ્યો છે. નવસારીમાં 96 ટકા વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 147 ટકા, કેશોદમાં 145 ટકા, વંથલીમાં 144 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હાલ 39 તાલુકામાં 40 ઇંચથી વધુ, 64 તાલુકામાં 20થી 40 ઇંચ, 151 તાલુકામાં 10થી 20ઇંચ, 39 તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાતમી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો આઠમી ઑગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંમચહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Olympics: નીરજ ચોપરાની ફાઈનલમાં એન્ટ્રી

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નીરજને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેણે તેના પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. તમને જણાવી દઈએ કે સીધા ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે 84 મીટરનું માર્ક નક્કી કરવામાં આવ્યું હતું. નીરજ ઉપરાંત પાકિસ્તાનના અરશદ નદીમે પણ 86.59 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ભાલા ફેંકની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વર્તમાન ચેમ્પિયન નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં સિઝનના શ્રેષ્ઠ 89.34 મીટર સાથે ઓલિમ્પિક પુરુષોના ભાલા ફેંકની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. આ પછી પાકિસ્તાનના અરશદ નદીમે પણ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

IASની બદલીનો બીજો રાઉન્ડ, 10 IASની થઈ બદલી

રાજ્યમાં વરસાદી સિઝન સાથે બદલીનો પણ સિઝન ચાલી રહી હોય, તેવું લાગી રહ્યું છે. તારીખ 31 જુલાઈના રોજ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. આ ફેરફાર આજે ફરી એક વખતા IASની બદલીનો બીજો રાઉન્ડ લાગ્યો છે. આજે બીજા 10 IASની બદલીની જાહેરાત કરવામાં આવી છે.

આજે 10 IASની બદલીની જાહેરતા કરવામાં આવીછે જેમાં બી.જે પટેલની ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ઓલિમ્પિકમાં યાત્રીઓની સુવિધા માટે જિયોફાઇનાન્સની એપનો પ્રારંભ

મુંબઈઃ પેરિસ હાલના સમયે વિશ્વભરના રમતપ્રેમીઓ માટે ઓલિમ્પિક ગેમ્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ત્યારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝે ફ્રાંસના પાટનગર પેરિસમાં જિયોફાઇનાન્સ એપ શરૂ કરવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું છે કે ભારતીય યાત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય ડિજિટલ ચુકવણી કરવાનું સુવિધાજનક બન્યું છે, કેમ કે પર્યટકો એફિલ ટાવરની મુલાકાત માટે કંપનીની સત્તાવાર વેબસાઇટથી ટિકિટ ખરીદી શકશે, આ ઉપરાંત તેઓ પર્શિયન ડિપાર્ટમેન્ટ સ્ટોર, ગેલેરી, લાફાયેટ હોસમેનમાં ઇન-સ્ટોર શોપિંગ માટે પણ એપનો ઉપયોગ કરી શકશે.

કંપનીએ જાહેરાત કરી છે કે  પેરિસમાં પર્યટક સ્થળોએથી પણ કંપનીની એપ દ્વારા ભારતીય પ્રવાસીઓ ડિજિટલ ચુકવણી કરી શકશે. કંપનીની એપનો અનુભવ ઇન્ડિયા હાઉસની અંદર એક અનુભવ કેન્દ્રના માધ્યમથી પણ કરી શકાશે, એને રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય ઓલિમ્પિક સંઘની સાથે ભાગીદારીમાં તૈયાર કરી છે. જિયો ફાઇનાન્સે વિસાની સાથે ભાગીદારી કરી છે, જે ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024ની સત્તાવાર ચુકવણી ભાગીદાર છે. કંપનીની એપ વિના કોઈ ઘર્ષણ નેવિગેશન માટે ડિઝાઇન કરવામાં આવી છે અને એપનું મુખ્ય લક્ષ્ય બધા ભારતીયોને તેમની નાણાકીય જરૂરરિયાત માટે એક ડિજિટલ અનુભવ આપવાનો છે. આ એપ ઉપયોગકર્તાઓની બધા સ્તરે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી વડે જરૂરિયાતો પૂરી કરે છે અને તેમનાં નાણાંનું સંચાલન હવે તેઓ આંગળીના ટેરવાથી કરી શકશે.

કંપનીની એપ યુઝર્સને તત્કાળ UPI પેમેન્ટ્સ, ડિજિટલ બેન્ક એકાઉન્ટ, વોલેટ સર્વિસિસ, બિલની ચુકવણી અને રિચાર્જીસ, રિવોર્ડ્સ, ઇન્સ્યોરન્સ બ્રોકિંગ અને ઇન્ડિવિડ્યુઅલ હોલ્ડિંગ બેન્ક એકાઉન્ટ્સ માટે સિંગલ વિન્ડો નિર્વિરોધ સુવિધા પૂરી પાડે છે.

કંપનીની એપ ડિજિટલ નાણાકીય અનુભવ માટેની દિશામાં સતત સુધારા માટે વપરાશકર્તાઓની પ્રતિક્રિયા માગતા વિશ્વાસ પારદર્શકતાની પ્રાથમિકતા પૂરી પાડવાની છે.

 

‘ધુમ’અભિનેત્રી રિમી સેને સર્જરી પર ટ્રોલિંગ પર જડબાતોડ જવાબ આપ્યો

મુંબઈ: એક સમયે કોમેડી ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ રિમી સેન આ દિવસોમાં પોતાના લુક્સને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી વર્ષોથી લાઈમલાઈટથી દૂર છે, પરંતુ એક રેન્ડમ રેડિટ પોસ્ટ રિમી સેનને ફરીથી લાઇમલાઇટમાં લાવી હતી. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સર્જરી કરાવી છે. આ પછી અભિનેત્રીને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે હવે રિમીએ પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

રિમીએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો
HT સાથે વાત કરતા રિમીએ કહ્યું, જો લોકોને લાગે કે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે… જો તે સારી રીતે કરવામાં આવે તો તે મારા માટે ઘણું સારું છે. લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા વિના બોલી રહ્યા છે. મેં માત્ર ફિલર, બોટોક્સ, પીઆરપી ટ્રીટમેન્ટ કરાવી છે, એના સિવાય બીજું કંઈ નથી કરાવ્યું.”

અભિનેત્રીએ કહ્યું કે તેની પાસે સારા ડોક્ટર છે
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,”જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનાથી ભાગી ન જાય ત્યાં સુધી તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર ન હોવી જોઈએ. ભારતની બહાર ઘણા સારા ડૉક્ટરો છે જે ફેસલિફ્ટ કરવામાં નિષ્ણાત છે. હું પણ તે કરાવવા માંગુ છું. પરંતુ તેના વિશે હું 50 વર્ષની થઈશ પછી વિચારીશ,હજી આ બધાની કામ ચાલી રહ્યું છે.”

 

View this post on Instagram

 

A post shared by Rimi Sen (@subhamitra03)

લોકો પાસેથી સલાહ માંગી
રિમી સેને વધુમાં જણાવ્યું કે હાલમાં તેની પાસે બે ડોક્ટર છે, જેમની પાસેથી તે સલાહ લે છે અને સારવાર લે છે. અભિનેત્રીએ કહ્યું, “તેઓ મને સારા દેખાવામાં ઘણી મદદ કરે છે. કદાચ લોકો મારી લેટેસ્ટ તસવીરોમાં સારી ત્વચા જોઈ રહ્યા છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને અને શિસ્તબદ્ધ રહીને કોઈપણ વ્યક્તિ સારી દેખાઈ શકે છે, પરંતુ જો તમે મારું અનુસરણ કરો છો, તો જો તમે કંઈક ખોટું કહી રહ્યાં છો, મને કહો કે હું તેને કેવી રીતે સુધારી શકું, જેથી હું મારા ડૉક્ટરોને કહી શકું કે તેઓ ક્યાં ખોટું કરી રહ્યા છે.”

ઇન્દોર કોર્પોરેશનનાં ખોટાં બિલનું રૂ. 125 કરોડનું કૌભાંડઃ EDના દરોડા

ઇન્દોરઃ કેન્દ્રીય તપાસ એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે)એ મધ્ય પ્રદેશની રાજધાની ઇન્દોરમાં થયેલા નગર નિગમ ખોટાં બિલ કૌભાંડ મામલે આશરે બે ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન તપાસ એજન્સીને આરોપી વેન્ડરનાં કેટલાંક સ્થળોએ આશરે રૂ. 1.30 કરોડ મળ્યા હતા.

એ સાથે એજન્સી તપાસ કરી રહી છે. તપાસ એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ કૌભાંડ અંતર્ગત ઓડિટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની ભૂમિકા સંદિગ્ધ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

એ સાથે એ માહિતી શેર કરવામાં આવી હતી કે ડ્રેનેજથી જોડાયેલાં કાર્યોમાં કામ કરવાવાળી કેટલીય કંપનીઓ અંતર્ગત આઠથી વધુ ઠેકેદારોએ વગર કામ કર્યે નકલી બિલો લગાવીને નગર નિગમને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

શું છે આ કેસ?

ઇન્દોરમાં નગર નિગમ નકલી બિલ કૌભાંડ મામલો આશરે રૂ. 125 કરોડનો છે. જોકે તપાસ દરમ્યાન મળેલા પુરાવા અને નોંધાયેલાં નિવેદનોને આધારે આ રકમમાં ઓર વધારો થવાની સંભાવના છે. સર્ચ ઓપરેશન દરમ્યાન તપાસ એજન્સીને અનેક મહત્ત્વના પુરાવા અને ઇનપુટ્સ જપ્ત કર્યાં છે.

એજન્સીને સર્ચ ઓપરેશન દરમ્યાન અરિહંત સ્ટીલ, નિવા કન્ટ્રક્શન, ગ્રીન કન્સ્ટ્રક્શન, કિંગ કન્સ્ટ્રક્શન વગેરે વેન્ડર અને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના નિવાસસ્થાન સહિત અન્ય લોકેશન પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલામાં ભૂમાફિયા તરીકે ચંપુ અજમેરા અને તેના ભાઈ નીલેશ અજમેરાનાં સ્થળોએ પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

શિક્ષણને લાગ્યો મોંઘવારીનો માર, જાણો કેટલી વધી ફી

ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી છે. આપને જણાવી દઈએ કે નવા શક્ષિક સત્રની શરૂઆત બાદ પણ અમદાવાદની લગભગ 150થી વધુ શાળામાં નવા ફ્રી નક્કી કરવાની બાકી હતી. ત્યારે અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામા આવ્યો છે.

ચાર ઝોન માટે નવી ફી કમિટીઓની રચના બાદ તેઓ એ અમદાવાદની 150 શાળા માટે નવી ફીની જાહેરાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવી ફી વધારાની જાહેરાત બાદ એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર રૂપિયા હતી. જે હવે 1.04 લાખ રૂપિયા થઈ છે. ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજાર રૂપિયા હતી તે 95 હજાર રૂપિયા થઈ છે, અને આનંદનિકેતન સ્કૂલની ફી 83 હજાર રૂપિયા હતી જે વધીને 91 હજાર રૂપિયા થઈ છે. આ ઉપરાંત ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજાર રૂપિયા હતી જે વધીને 84 હજાર રૂપિયા થઈ છે. એસ.એચ.ખારાવા સ્કૂલની ફી 32 હજાર રૂપિયા હતી જે 35 હજાર રૂપિયા થઈ છે. શિવ આશિષ સ્કૂલની ફી 57,500 રૂપિયા હતી. જે વધીને 61 હજાર રૂપિયા થઈ છે. કે.એન પટેલ સ્કૂલની ફી 77 હજારથી વધીને 81 હજાર રૂપિયા અને સંત કબીર સ્કૂલની ફી 95,400થી વધીને 97,900 રૂપિયા થઈ છે. એચ.બી.કાપડીયા સ્કૂલની ફી 57 હજાર રૂપિયા હતી તે વધીને 60 હજાર રૂપિયા કરવામા આવી છે.

નોંધનીય છે કે, નવી ફી કમિટીની રચના બાદ તત્કાલના ધોરણે ફી વધારા પર કમિટીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અદમદાવાદની કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. કેટલીક સ્કૂલોએ ફી કમિટીનો ફીનો ઓર્ડર થાય તે પહેલા જ અને નવી ફી કમિટી રચાય તે પહેલા જ નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લેવાનો શરૂ કરી દીધો છે. આ મુદ્દે અમદાવાદ શહેર ડીઈઓમાં વાલીઓએ ફરિયાદ પણ કરી હતી.

અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકોનાં મોત

અમદાવાદ: તાજેતરમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવને રિડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા છે. વરસાદના લીધે ખાડામાં ભરાયેલા પાણીમાં ત્રણ બાળકો પડી જતાં ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે.

માહિતી અનુસાર સોમવારે બપોરથી બાળકો ગુમ થતાં પરિવારજનોએ અને સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી. ત્યારબાદ મોડી રાત્રે તળાવ પાસે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં તપાસ કરતાં ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પરિવારજનો તંત્ર સામે બેદરકારીના આક્ષેપ કરી રહ્યા છે.