Home Blog Page 1602

ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો વિદ્યાર્થીઓનો કમેન્સમેન્ટ પ્રોગ્રામ

ચાંગા: ચાંગાસ્થિત ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડીકલ સાયન્સીસ (BDIPS)ના શૈક્ષણિક વર્ષ 2024-2025ના બેચલર અને માસ્ટર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો કમેન્સમેન્ટ પ્રોગ્રામ તાજેતરમાં 30મી જુલાઈએ ચારુસેટ કેમ્પસમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં BDIPSની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. આ પછી BDIPSના પ્રિન્સીપાલ ડો. હેમંત કુમાર અને ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન અને મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી વિભાગના વડા ડો. ધારા પટેલે સ્વાગત પ્રવચન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકાર આપ્યો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાંથી ચારૂસેટમાં આવેલા પેરામેડીકલના વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક પ્રવચનમાં પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે પેરામેડીકલ કોર્સ અને ચારુસેટની પસંદગી કરવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી તેઓને શ્રેષ્ઠ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી વિવિધ તકો, તાલીમ અને એક્સપોઝર પ્રાપ્ત થાય છે તેનો સદુપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને કહ્યું હતું કે કોરોના દરમિયાન અને પછી પેરામેડીકલ ફિલ્ડમાં ફરજ બજાવતા લોકોની કામગીરી નિહાળીને તેઓનું મૂલ્ય સમજાયું છે અને કોર્સની ડીમાન્ડ સતત વધતી જાય છે.

આસીસ્ટન્ટ પ્રોફેસર દેબાયન બૈધે વિદ્યાર્થીઓને BDIPS કોલેજ, કોલેજના વિવિધ વિભાગો અને ટીચિંગ પ્રેક્ટીસ વિષે માહિતી આપી હતી. અંતમાં મેડીકલ ઇમેજિંગ ટેકનોલોજીના વડા ડો. ડોલી શર્માએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન BDIPS ની બી. એસ. સી. ઓપ્ટોમેટ્રી વિભાગની વિદ્યાર્થીની માહી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે BDIPS ના વિવિધ વિભાગોના વડાઓ, ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન BDIPSના ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટાફ,  વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

વૈશ્વિક અનિશ્ચિતતાઓને પગલે સેન્સેક્સ 885 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ટેન્શનને કારણે યુદ્ધ વકરવાની દહેશતે રોકાણકારોએ શેરોમાં સાવચેતીરૂપે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી- બંને ઇન્ડેક્સ એક ટકોથી વધુ તૂટ્યા હતા, જેનાથી રોકાણકારોએ એક દિવસમાં રૂ. 4.56 લાખ કરોડનું નુકસાન થયું હતું. BSE મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ક્રમશઃ 1.19 ટકા અને 0.58 ટકા ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ રિયલ્ટી શેરોમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી રિયલ્ટી 3.5 ટકાથી વધુ તૂટ્યો હતો.

ઇઝરાયેલે હમાસના વડાને ઇરાનમાં મારી નાખ્યા પછી ઇરાને ધમકી આપતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધ ઔર વકરવાની ભીતિ છે. આ ઉપરાંત જો આ યુદ્ધ ખેંચાયું તો US ફેડ દ્વારા સપ્ટેમ્બરમાં કરાનારો સંભવિત વ્યાજદર ઘટાડો હાલપૂરતો ટાળી દેવામાં આવશે, જેને પગલે સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં સાર્વત્રિક વેચવાલી કરી હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 885.59 પોઇન્ટ તૂટીને 80,981.95ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 293.20 પોઇન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ થયો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4033 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 1718 શેરો તેજી સાતે બંધ થયા હતા, જ્યારે 2197 શેરો ઘટીને બંધ થયા હતા. આ સાથે 118 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 264 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી અને 27 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી સર કરી હતી.

 

ઐશ્વર્યા રાયે આ ફિલ્મ મેકઅપ વગર કરી હતી શૂટ

મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ 1994ની વિજેતા રહી હતી. બોલિવૂડ અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેની વાર્તાઓ અને પાત્રો આજે પણ લોકો ભૂલી શક્યા નથી. તેણે ‘દેવદાસ’, ‘પોન્નીન સેલવાન’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘જઝબા’ અને ‘ગુરુ’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર પાત્રોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ઐશ્વર્યા રાય માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેના ડાન્સ અને એક્ટિંગ માટે પણ જાણીતી છે. માત્ર હિન્દી જ નહીં અભિનેત્રી ઐશ્વર્યાએ તમિલ, તેલુગુ, બંગાળી અને હોલીવુડની ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તેની કારકિર્દી દરમિયાન ઐશ્વર્યા રાયે મેકઅપ વિના એક આખી ફિલ્મ શૂટ કરી હતી જે બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી.

ઐશ્વર્યા રાયે આ ફિલ્મ મેકઅપ વગર કરી

1999માં રીલિઝ થયેલી સુભાષ ઘાઈની ફિલ્મમાં ઐશ્વર્યા રાયે મેકઅપ વગર અને સિમ્પલ લુકમાં શૂટ કર્યું હતું. આ ફિલ્મમાં તેની કુદરતી સુંદરતા જોઈને લોકો તેના દિવાના થઈ ગયા હતા. અમે વાત કરી રહ્યા છીએ હિન્દી રોમેન્ટિક ડ્રામા ‘તાલ’ની. ઐશ્વર્યા રાયની ‘તાલ’ 90ના દાયકામાં તેની કરિયરની હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં મેકઅપ વિના પણ ઐશ્વર્યા રાય દરેક સીનમાં ખૂબ જ સુંદર અને પરફેક્ટ લાગતી હતી. જ્યારે ‘ઈન્ડિયન આઈડલ’ના સ્ટેજ પર પૂછવામાં આવ્યું કે શું ઐશ્વર્યાએ આખી ફિલ્મ ‘તાલ’ને મેકઅપ વગર શૂટ કરી છે, તો સુભાષ ઘાઈએ આ વાતનો ઉલ્લેખ કરતા હા પાડી અને કહ્યું કે મોટાભાગનો ભાગ મેકઅપ વગર શૂટ કરવામાં આવ્યો છે. સુભાષ ઘાઈએ કહ્યું હતું કે તેમને ઐશ્વર્યાને સુંદર દેખાવા માટે શણગારની જરૂર નથી લાગતી અને એશે આ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.

ઐશ્વર્યા રાયની આ ફિલ્મે ધૂમ મચાવી

‘તાલ’માં ઐશ્વર્યા રાય સાથે અનિલ કપૂર અને અક્ષય ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના દરેક પાત્રે પડદા પર પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. જ્યારે ‘તાલ’ હિન્દીમાં સુપરહિટ બની ત્યારે તેને તમિલમાં થાલમ તરીકે ડબ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે ‘તાલ’નું સત્તાવાર રીતે શિકાગો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, 2005 એબર્ટફેસ્ટ, રોજર એબર્ટના ફિલ્મ ફેસ્ટિવલમાં અને 45મા આઈએફએફઆઈમાં સેલિબ્રેટિંગ ડાન્સ ઈન ઈન્ડિયન સિનેમા સેક્શનમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું, જે ભારત માટે ગર્વની વાત છે .

તાલ આ સ્ટાર માટે ફિલ્મ ખાસ હતી

આ ફિલ્મ વેરાયટીની બોક્સ-ઓફિસ યાદીમાં ટોચના 20માં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. 45મા ફિલ્મફેર પુરસ્કારોમાં, ‘તાલ’ને શ્રેષ્ઠ દિગ્દર્શક માટે સુભાષ ઘાઈ અને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઐશ્વર્યા રાય સહિત 12 નોમિનેશન મળ્યા હતા. અનિલ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતા, એઆર રહેમાનને શ્રેષ્ઠ સંગીત અને આનંદ બક્ષીને શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો.

એર ઇન્ડિયાએ તેલ અવિવની ફ્લાઇટ્સ આઠ ઓગસ્ટ સુધી રદ કરી

નવી દિલ્હીઃ ઇરાન અને ઇઝરાયેલમાં વધતા ટેન્શનની વચ્ચે એર ઇન્ડિયાએ ઇઝરાયલના તેલ અવિવથી આવતી-જતી ફ્લાઇટ્સ આઠ ઓગસ્ટ સુધી તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધી છે. કંપનીએ કહ્યું હતું કે મધ્ય-પૂર્વના કેટલાક ભાગોની સ્થિતિને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમે સતત નિગરાની કરી રહ્યા છે અને આ સમયગાળા દરમ્યાન તેલ અવિવથી આવતા-જતા કન્ફર્મ બુકિંગવાળા પેસેન્જરોને મદદ કરી રહ્યા છીએ. અમારા મહેમાનો અને ચાલક દળની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

એર ઇન્ડિયા પ્રતિ સપ્તાહ દિલ્હીથી તેલ અવિવ માટે ચાર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. કંપનીએ કહ્યું છે કે કંપનીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલાં ટેન્શનને કારણે પહેલી ઓગસ્ટથી તેલ અવિવ આવ-જા કરતી ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે.

ઇઝરાયલ એલાન કર્યું હતું કે હમાસના મિલિટરી વિંગના ચીફ મોહમ્મદ દેફને ગયા મહિને ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં મારી નાખવામાં આવ્યો હતો. એ પહેલાં ઇરાનના તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી દેવામાં આવી હતી. હમાસે આ હત્યા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું, પણ ઇઝરાયલે એની જવાબદારી નહોતી લીધી.
બીજી બાજુ, ઇરાન સમર્થક ઇરાને આતંકવાદી સંગઠન હિજબુલ્લાએ ઇઝરાયલ પર રોકેટ દ્વારા એક સ્ટ્રાઇક કરી હતી. હિઝબુલ્લાએ લેબેનોનથી ઉત્તરી ઇઝરાયલ પર 60 રોકેટનો માર્યો કર્યો હતો.ઇઝરાયલી સેનાના જણાવ્યા મુજબ આમાંથી માત્ર પાંચ રોકેટ ઇઝરાયલી સરહદમાં ઘૂસી શક્યા છે. અત્યાર સુધી આ હુમલામાં કોઈ પણ ઘાયલ કે કોઈ નુકસાન થવાના અહેવાલ નથી.

 

 

 

 

 

 

 

 

સુરતમાં સ્કૂલ બસ ખાડામાં ખાબકી, 40 માસુમોના જીવ તાળવે ચોંટ્યા

સુરત: ગુજરાત ભરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની તોફાનિ બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે અવાર નવાર સામાન્ય વરસાદમાં રાજ્યના સ્માર્ટ સીટી ગણતા શહેરોમાં રોડ રસ્તા ધોવાઈ જવાની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં મસમોટા ખાડા પડવાથી તંત્રની પ્રિમોન્સુન કામગીર સામે પણ પ્રશ્નો ઉભા થતા હોય છે.

સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. આજે સવારથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. એટલે રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી ભરાય ગયા છે. ત્યારે દાંડી રોડ પર 30થી 40 બાળકો ભરેલી સ્કૂલ બસ પસાર થઈ હતી અને અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાસી થઈ ગઈ હતી. આથી અંદર રહેલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યૂ કર્યું હતું. જો બસ પલટી ખાઈ હોત તો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાઈ શકે તેમ હતા. પરંતુ બસ ત્રાસી જ ઊભી રહી જતા મોટી દુર્ઘટના ટળી છે.

મળતી માહિતી અનુસાર દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક મહારાજા અગ્રેસન ઈન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારના બાળકો લઈને સ્કૂલે આવી રહી હતી. ત્યારે અચાનક ખાડામાં ખાબકીને ત્રાસી થઈ ગઈ હતી. ઘટના જોતા જ સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા. બાળકોને એક પછી એક કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકો સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. મોટી જાનહાનિ ટળતા સ્કૂલ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ટાટા પ્લે અને સોની વચ્ચે કશ્મકશથી બે કરોડ ગ્રાહકોને નુકસાન

નવી દિલ્હીઃ ડિરેક્ટ-ટુ-હોમ (DTH) ઓપરેટર ટાટા પ્લે અને બ્રોડકાસ્ટર સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI)ની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ટાટા પ્લેએ સોનીની ચેનલોના ઓછા દર્શકોની સંખ્યાનો હવાલો આપતાં કંપનીના પેકમાંથી એને દૂર કરવાનું શરૂ કર્યું છે. ટાટાનો તર્ક છે કે SPNIની ચેનલો, જેમાં સોની ટેલિવિઝન પણ સામેલ છે, હવે ટલી લોકપ્રિય નથી રહી.

સોની પિકચર્સ ઇન્ડિયા (SPNI)એ આ પગલાનો વિરોધ કરતાં એને મનમાન્યો ગણાવ્યો છે. ટાટા પ્લેએ અલગ-અલગ ચેનલ પેકથી SPNLની ચેનલોને દૂર કરવાનું શરૂ કરી દીધું છે. એમાં ઓછી જોવાતી ચેનલોને દૂર કરવામાં આવી રહી છે અને એ હિસાબે માસિક શૂલ્ક એડજસ્ટ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ પર ટાટા પ્લેના MD અને CEO હરિત નાગપાલે કહ્યું હતું કે પ્લેટફોર્મ ઓછી જોવાતી ચેનલોને દૂર કરીને ચેનલ પેકને ઠીક કરી રહી છે અને એ હિસાબે માસિક શૂલ્ક એડજસ્ટ કરવામાં આવી રહી છે.

એના પર SPNIનું કહેવું હતું કે આ એક આશ્ચર્યજનક નિર્ણય છે. ટાટા પ્લેનો દર્શકોની સંખ્યામાં ઘટાડો જેવું કારણ ભ્રામક છે. કંપનીએ અંદેશો જણાવ્યો હતો કે આ કે મનઘડંત નિર્ણય છે અને એને કોઈ સૂચના આપ્યા વગર એના ગ્રાહકોની પ્રાથમિકતાઓ પર વિચાર કર્યા વિના લેવામાં આવ્યો છે.

ટાટા પ્લેના CEOએ સોનીની ચેનલોને દૂર કરવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે એ નિયમો હેઠળ કરવામાં આવ્યું છે અને એનાથી ગ્રાહકોને 5060 રૂપિયાની માસિક બચત થશે. 10 લાખ યુઝર્સમાંથી માત્ર 18,000એ સોની ચેનલોને પરત જોડવા માટે અરજ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.

 

Monsoon Update: 24 કલાકમાં 175 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. નવસારીના ખેરગામમાં 2 ઈંચ વધુ નોંધાયો છે. જ્યારે આહવા અને વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ અને વલસાડ અને કપડવંજમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી પાંચમી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

અમિતાભને જૂના કયા દિવસો યાદ આવ્યા? ભાવુક થઈ કહ્યું મને ઓળખવો….

મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 81 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પર એટલા જ એક્ટિવ રહે છે જેટલા તેઓ તેમના કામમાં હોય છે. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર પોતાની વાતો શેર કરવાનું ભૂલતા નથી. એવામાં તેમણે સિરિયલ મીડિયા પર એક અનસીન તસવીર શેર કરી છે જે તેના સ્કૂલ સમયની છે, બિગ બીની આ તસવીર લગભગ 70 વર્ષ જૂની છે, જે તેણે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. ફોટામાં મેગાસ્ટાર તેના ક્લાસમેટ્સ અને શાળાના શિક્ષક સાથે ફોટો માટે પોઝ આપતા જોઈ શકાય છે.

બિગ બીએ તેમના સ્કૂલના દિવસોનો એક ફોટો શેર કર્યો

અમિતાભ બચ્ચન ગુરુવારે તેમના બાળપણની એક તસવીર શેર કર્યા પછી જાણે યાદોમાં ખોવાઈ ગયા.સ્કાઉટ ડેની ઉજવણી કરવા માટે અભિનેતાએ તેના ચાહકો સાથે તેના કલેક્શનમાંથી એક અનસીન તસવીર શેર કરી, જેમાં તે સ્કાઉટ ડ્રેસ પહેરેલા જોઈ શકાય છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમણે લખ્યું, “બોય સ્કાઉટ્સના તે સારા જૂના દિવસો… વિશેષ સ્કાર્ફ… બેજ… વિશેષ સલામ… તેના સ્થાપક બેડન પોવેલ અને તેમાંથી કેટલા પાઠ આજે પણ લાગુ કરવામાં આવે છે.”

બ્લોગ પર જૂની તસવીર પણ શેર કરી

ઇન્સ્ટાગ્રામ ઉપરાંત તેણે તેના બ્લોગ પર એક અન્ય તસવીર પણ શેર કરી છે, જેને તે તેના ચાહકો માટે નિયમિતપણે અપડેટ કરે છે. બીજી તસવીરમાં તે તેના ક્લાસના મિત્રો અને શિક્ષક સાથે ગ્રુપ ફોટો માટે પોઝ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

બિગ બીને અલ્હાબાદના દિવસો યાદ આવ્યા

તેમણે પોતાના બ્લોગમાં લખ્યું, ‘ઓહ માય ગોડ, તે બીએચએસ, અલ્હાબાદના દિવસો હતા.. અને ઓસ્ટ્રેલિયાના ચીફ ઓફ સ્કાઉટ્સના સૈનિકો અને મુલાકાતીઓ સાથે સ્કાઉટિંગનો અનુભવ અને તેણે સહી કરેલા ઓટોગ્રાફની સંખ્યા કેવી યાદ હતી.. ખુબ જ ઉલ્લેખનીય અને ગંભીર દેખાતા સ્કાઉટ્સની એ તસવીરો… મને ઓળખવો પણ મુશ્કલે છે. જોકે, મને હજી પણ અન્ય સ્કાઉ્ટસ યાદ છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, બિગ બી છેલ્લે પ્રભાસ સ્ટારર કલ્કી 2898 એડીમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને તેણે વૈશ્વિક સ્તરે રૂ. 1100 કરોડની કમાણી કરી છે. અભિનેતા હાલમાં તેના લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિની આગામી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે.

ગુજરાતમાં 3 વર્ષમાં 189 ઉદ્યોગો સામે પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદ નોંધાય..

રાજ્યમાં વધતી પ્રદૂષણની સમસ્યા ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે. ગત ઉનાળામાં જ ગરમીએ લગભગ એક દાયકાના રેકોર્ડ તોડ્યા હતા. પ્રદૂષણના વધતાં પ્રમાણ માટે ઘટતાં જતાં ગ્રીન કવર ઉપરાંત વાહનોની વધતી સંખ્યા અને નિયમની ઐસીતૈસી કરીને ધમધમતા ઉદ્યોગો પણ જવાબદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના 189 ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડની નોટિસ મળી છે.

સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(CPCB)ને ગુજરાતના ઉદ્યોગોની 2021-22માં 35, 2022-23માં 86 અને 2023-24માં 68 જેટલી ફરિયાદ મળી હતી. 2023-24માં જે રાજ્યમાંથી પ્રદૂષણ ફેલાવવામાંથી સીપીસીબીને સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ 87 સાથે મોખરે, ગુજરાત 68 સાથે બીજા, મહારાષ્ટ્ર 61 સાથે ત્રીજા, દિલ્હી 56 સાથે ચોથા, જ્યારે પશ્ચિમ બંગાળ 38 સાથે પાંચમા સ્થાને છે.  દેશમાંથી કુલ 688 ઉદ્યોગોની ફરિયાદ 2023-24માં સીપીસીબીને મળી હતી. એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રીમાંથી 2022-23માં 10 ફરિયાદ ગુજરાતમાંથી મળી હતી. જેમાંથી 6 ટેક્સ્ટાઇલ, 3 કાગળ, જ્યારે 1 સુગર ઇન્ડસ્ટ્રીની હતી. 2023-24માં 5 ફરિયાદ ટેક્સ્ટાઇલમાંથી મળી હતી. 2023-24માં કુલ 8 ફરિયાદ એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રીમાંથી સીપીસીબીને મળી છે. જેમાં ટેક્સ્ટાઇલમાંથી 7નો સમાવેશ થાય છે. છેલ્લા 3 વર્ષની સ્થિતિ જોવામાં આવે તો પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગો અંગેની ફરિયાદ 3 વર્ષમાં બમણી થઈ ગઈ છે.

2021-22માં કુલ 35 ફરિયાદ હતી અને તે હવે વધીને 68 થઈ છે. દેશની વાત કરવામાં આવે તો 2021-22માં 417, 2022-23માં 746 અને 2023-24માં 688 ફરિયાદ મળી છે. અનેક ઉદ્યોગો ફક્ત હવામાં જ નહીં પણ તેમનો ઔદ્યોગિક કચરો નદીમાં ઠાલવીને જળાશયમાં પણ પ્રદૂષણ ફેલાવે છે. આ પ્રકારે પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગો સામે માત્ર દંડ નહીં કડક પગલાં પણ લેવામાં આવે તે જરૂરી છે.

ઉલઝઃ પ્રાણ જાયે પર સમજ ન આયે…

આશરે 135 મિનિટની ‘ઉલઝ’ ટેન્શનભર્યા ક્લાઈમેક્સ તરફ જઈ રહી છે તે વખતે એક કેરેક્ટર અચાનક પલ્સ નામની પીપરમીંટ ખાવા માંડે છે ત્યારે એનો સહકાર્યકર કહે છેઃ ‘પ્રાણ જાયે પર પલ્સ ના જાયે.’ કસમથી સિનેમાઈત્હાસમાં આટલું વાહિયાત પ્રોડક્ટ પ્લેસમેન્ટ કમસે કમ મેં તો નથી જોયું. નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટરની ફિલ્મમાં આવો પીપરમીંટ વિશેનો આખ્ખો સીન જોઈને પ્રાણ ગળામાં આવીને અટકી ગયા.

હા, ‘ઉલઝ’ના ડિરેક્ટર સુધાંશુ સરિયાને 2021માં 38 મિનિટની શૉર્ટ ફિલ્મ નૉક નૉક નૉક માટે નેશનલ એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવેલા. હવે એમણે જકડી રાખતી જાસૂસી કથા રજૂ કરવાની ટ્રાય કરી છે. અમુક અંશે એ સફળ પણ થયા છે. ખાસ કરીને ઈન્ટરવલ સુધી. કમનસીબે વેબ સિરીઝ જેવા વિષય પરથી ફિલ્મ ઉતારવા જતાં એ ઉલઝી ગયા છેઃ વેબ સિરીઝમાં દર્શક પાસે ટાઈમ જ ટાઈમ હોય છે પાત્રો, મૂળ કથા, કથાના વિવિધ ફાંટા, વગેરે જાણવા-સમજવાનો.

ફિલ્મમાં જાહ્નવી કપૂર  બની છે તેજસ્વી ડિપ્લોમેટ સુહાના ભાટિયા. પપ્પા વનરાજ ભાટિયા (આદિલ હુસૈન) પણ બાહોશ ડિપ્લોમેટ છે. દાદાની મુત્સદ્દીગીરી વિશે તો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે. આવા પરિવારમાંથી આવતી સુહાનાની યુ.કે.માં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે નિમણૂક થાય છે. લંડનમાં મજાનું ઘર, એમ્બેસીની વિશાળ ઑફિસ, ચકચકિચત શોફર-ડ્રિવન કાર, બાહોશ સ્ટાફ… લંડનમાં સ્થિર થયાના ત્રણેક મહિના બાદ એક સાંજે એની મુલાકાત નકુલ (ગુલશન દેવૈયા) નામના યુવાન સાથે થાય છે. એના કહેવા મુજબ એ કુશળ શેફ છે. માંડ દસ-પંદર મિનિટમાં મીઠાબોલો નકુલ સુહાના પર છવાઈ જાય છે. ડ્રાઈવર સલીમ (રાજેશ તેલંગ)નું બૅકગ્રાઉન્ડ ચેક કરતી સુહાના લંડનની નાઈટ લાઈફ જેની સાથે માણવા નીકળી પડે છે એનું બૅકગ્રાઉન્ડ ચેક કરવાની તસદી લેતી નથી. અહીંથી સમસ્યા શરૂ થાય છે. નકુલ સુહાનાને કહે છે કે “એ તો કૉર્પોરેટ બ્લેકમેઈલર (અને બીજું ઘણું બધું) છે. હવે અમુકતમુક મહત્વની ઈન્ફર્મેશન લાવી આપ નહીંતર…” સુહાના બરાબર ફસાય છેઃ દેશની સલામતી, પોતાની, પપ્પાની આબરૂ, યુનોમાં એમનું પોસ્ટિંગ બધું દાવ પર લાગે છે. એની દેશદ્રોહીનો આરોપ લાગી શકે. કરવું શું?

ધડામ્… ઈન્ટરવલ. પૉપકોર્ન ચાવતાં આપણે વિચારીએ કે હવે મામલો જામશે, પણ નહીં. ઈન્ટરવલ પછી, હવે આ ગૂંચવાડામાંથી બને એટલી જલદી બહાર નીકળી જઈએ એવું વિચારીને લેખક-દિગ્દર્શક (પરવેઝ શેખ-સુધાંશુ) પોતાની સગવડ મુજબ જાતજાતની પરિસ્થિતિ નિર્માણ કરી ફટાફટ બધું આટોપી લે છે, જેમાં ઘણું બધું સામાન્ય પ્રેક્ષકના માથા પરથી પસાર થઈ જાય છે. ઈન્ટરનેટ પર સેંકડો મીમ્સ બન્યા છે એ ‘થ્રી ઈડિયટ્સ’નો ડાયલૉગ છેનેઃ “કેહના ક્યા ચાહતે હો?” બસ, એવું જ. આ જુઓઃ ઓલમોસ્ટ અંતમાં એક કેરેક્ટર બીજાને કહે છે કે “આ બધું શું છે એ તો તમે સમજી જ ગયા હશો?” ત્યારે પેલું કેરેક્ટર ચહેરા પર મૂંઝવણ સાથે ના પાડે છેઃ “કંઈ સમજાયું નહીં.” આવી જ હાલત પ્રેક્ષકની છે.

જાહ્નવી કપૂરની વાત કરીએ તો, એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી કેવી ન હોવી જોઈએ એ જોવું હોય તો એને ‘ઉલઝ’માં જોઈ લેવી. જો કે એના પાત્રાલેખનમાં પણ ઘણા લોચા છેઃ સ્વબળે યુવા ડેપ્યુટી હાઈ કમિશનર બનેલી સુહાનાને સ્ટાફવાળા નેપો-કિડ (લાગવગના જોરે મોટી પોસ્ટ પર બેસી ગયેલી)ના ટોણા સાંભળવા પડે છે. બાપા સાથે પણ એના પ્રોબ્લેમ છે. પપ્પાને એમ છે કે એની વય અને અનુભવ જોતાં આટલી મોટી પોસ્ટ માટે એ લાયક ન ગણાય. સુહાના આંસુ વહાવતાં પપ્પાને કહે છેઃ “તમે મારી પર વિશ્વાસ કરો.” પપ્પા કહે છેઃ “ભલે.” આગળ જતાં એ (ઈન્ડિયન ફોરેન સર્વિસના મોટા પદ પર હોવા છતાં) એવી અને એટલી બધી બેવકૂફી કરે છે કે આપણને થાય- પપ્પા સાચા હતાઃ પાપાની પરી આવા પદ માટે લાયક નહોતી. જાતને પુરવાર કરવાને બદલે સુહાના કોલ્ડસ્ટોરેજમાં ફસાયેલી ‘મિલી’ (2022માં આવેલી એની ફિલ્મ) જેટલી જ નિઃસહાય રહે છે.

જાહ્નવી ઉપરાંત ગુલશન દેવૈયાનું કાસ્ટિંગ પરફેક્ટ છે. આ ઉપરાંત મિયાંગ ચાંગ, જિતેન્દ્ર જોશી, રોશન મેથ્યુ, વિજય તેલંગ, આદિલ હુસૈન, જૈમિની પાઠક પણ સ-રસ.  સસ્પેન્સ જાસૂસી કથાના નામે એક સારાં વિષય-વાર્તાનો ગૂંચવાડો કેવી રીતે બનાવી દેવો એનું આદર્શ ઉદાહરણ ‘ઉલઝ’માં છે.