Home Blog Page 1606

SC-ST માટે બનાવી શકાશે સબ-કેટેગરીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે ચુકાદો આપ્યો છે. એ ચુકાદા મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં સબ-કેટેગરી બનાવી શકાય છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6-1ના મતે સંભળાવ્યો હતો. એની સુનાવણી CJI ડીવાય ચંદ્રચૂડ કરી રહ્યા હતા. તેમની સાથે છ જજોએ એના પર સહમતી દર્શાવી હતી, જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી એનાથી સહમત નહોતાં. કોર્ટે આ ચુકાદો આપતાં 2004માં આપવામાં આવેલા પાંચ જજોના ચુકાદાને ફેરવીતોળ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે ઉપવર્ગીકરણનો આધાર રાજ્યના યોગ્ય આંકડા પર આધારિત હોવો જોઈએ. આ મામલે રાજ્ય પોતાની મરજીથી કામ નહીં કરી શકે. જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું હતું કે વાસ્તવિકતાથી ઇનકાર ના કરી શકાય SC-STની અંદર એવી કેટેગરીઓ છે, જેમને સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે SC-STના સભ્ય પ્રણાલીગત ભેદભાવને કારણે સફળતા મેળવવામાં સક્ષમ નથી હોતા. આર્ટિકલ 14 જાતિના ઉપ વર્ગીકરણને મંજૂરી આપે છે. કોર્ટે એ તપાસવું જોઈએ કે શું વર્ગ સમરૂપ છે અને કોઈ ઉદ્દેશ માટે એકીકૃત નથી કરવામાં આવેલા વર્ગને આગળ વર્ગીકૃત કરી શકાય છે.

કોર્ટની બંધારણીય બેન્ચે 2004માં કહ્યું હતું કે માત્ર રાષ્ટ્રપતિ જ એ અધિસૂચિત કરી શકે છે કે બંધારણના આર્ટિકલ 341 અનુસાર કયો સમાજ અનામતનો લાભ પ્રાપ્ત કરી શકે છે. જોકે રાજ્યોને એનાથી છેડછાડ કરવાનો અધિકાર નથી.

 

 

 

 

 

 

 

 

 

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સ પહેલીવાર 82000, નિફ્ટી 25000ને પાર

મુંબઈ: શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 82,000ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ પહેલીવાર 25,000ની સપાટીને કૂદાવી જતાં 25078ની સપાટીને સ્પર્શી ગયો હતો. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ 82,129ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેરબજારમાં પ્રિ-ઓપનિંગ સેશન સાથે જ સેન્સેક્સમાં આજે 387 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો. જેની સાથે સેન્સેક્સ 82,129ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 121 પોઈન્ટના ઉછાળા સાથે 25,078ના લેવલને સ્પર્શ કર્યું હતું. નિફ્ટીએ પહેલીવાર 25,000ની સપાટી કૂદાવી છે.ઓગસ્ટ મહિનો આજથી શરૂ થયો છે અને મહિનાના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. શેરબજાર ખુલતાની સાથે જ 1,844 શેરો જબરદસ્ત વૃદ્ધિ સાથે લીલા નિશાન પર ટ્રેડ થવા લાગ્યા, જ્યારે 551 શેર એવા હતા જે ઘટાડા સાથે ખુલ્યા. આ સિવાય 134 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. મારુતિ સુઝુકી, હિન્દાલ્કો, જે.એસ.ડબલ્યુ. સ્ટીલ, કોલ ઈન્ડિયા અને ઓ.એન.જી.સી. નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળામાં હતા. બીજી તરફ હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ફોસિસ, સન ફાર્મા અને એશિયન પેઇન્ટ્સના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા.

મુંબઈ: જંગલમાં ખાધાં પીધા વગરની હાલતમાં સાંકળોથી બંધાયેલી વિદેશી મહિલા મળી

મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના જંગલમાંથી 50 વર્ષની મહિલા સાથે જોડાયેલો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જંગલમાં એક વિદેશી મહિલાને લોખંડની સાંકળથી ઝાડ સાથે બાંધેલી હાલતમાં જોવા મળી હતી, મહિલાને જોઈને લાગતું હતું કે તેણે ઘણા દિવસોથી કંઈ ખાધું ના હોય. એક અધિકારીએ આ માહિતી આપી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે અહીંથી લગભગ 450 કિલોમીટર દૂર સોનારલી ગામમાં શનિવારે સાંજે એક ભરવાડે તેની ચીસો સાંભળી. આ પછી, તેને સાંકળોથી બાંધેલી અને મુશ્કેલીમાં જોઈને ભરવાડે પોલીસને જાણ કરી. મહિલા કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતી.

પોલીસે શું કહ્યું?

પોલીસે આ કેસમાં જણાવ્યું હતું કે મહિલા જૂન મહિનામાં મુંબઈ આવી હતી. જોકે, તે અહીં શા માટે આવી તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

તપાસને ટાંકીને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા લલિતા કાયી 10 વર્ષ પહેલા યોગ અને દવાઓનું શીખવા માટે તમિલનાડુ આવી હતી, જ્યાં તેણે એક ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે ઘણા વર્ષો સુધી રહેતી હતી. આ દરમિયાન તેણે પોતાનું આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું કે તેના પતિ સાથેના અણબનાવ બાદ કાયી થોડો સમય ગોવામાં રહી અને જૂનમાં મુંબઈ પણ આવી.

સિંધુદુર્ગની ઓરોસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

“મહિલાને સાવંતવાડી (રાજ્યના કોંકણ પ્રદેશમાં) એક હોસ્પિટલમાં અને પછી સિંધુદુર્ગની ઓરોસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેણીની માનસિક અને સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને તેણીને ગોવા મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી,” તેમણે જણાવ્યું હતું ડોકટરો તેની સારવાર કરી રહ્યા છે.

અમેરિકન પાસપોર્ટની ફોટોકોપી સહિત ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે

આ કેસમાં પોલીસે મહિલાના અમેરિકન પાસપોર્ટની ફોટોકોપી તેમજ તમિલનાડુના સરનામા સાથેના આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજો કબજે કર્યા છે. અધિકારીએ જણાવ્યું કે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર મહિલા છેલ્લા 10 વર્ષથી ભારતમાં છે, પરંતુ તે મૂળ અમેરિકાની છે. અધિકારીએ વધુમાં કહ્યું કે, તે માનસિક સમસ્યાઓથી પીડિત છે અને તેની પાસેથી અનેક તબીબી દસ્તાવેજો મળી આવ્યા છે.

મહિલા તમિલનાડુમાં રહેતી હતી

પોલીસને મહિલાનું તમિલનાડુ સરનામું સાથેનું આધાર કાર્ડ અને તેના યુનાઇટેડ સ્ટેટ્સના પાસપોર્ટની ફોટોકોપી મળી આવી હતી. તેણીની ઓળખ લલિતા કાયી તરીકે થઈ છે. તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે. અધિકારીએ વધુમાં કહ્યું કે, અમે તેની રાષ્ટ્રીયતા જાણવા માટે આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છીએ. પોલીસ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસના પણ સંપર્કમાં છે.

મહાન કોણ?

હજારો વર્ષની મહાન સંસ્કૃતિ ધરાવતા ભારત દેશમાં જે સમયે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ધર્મ સંબધિત નવા વિચારોનો પ્રસાર કરી રહ્યા હતા તે સમયે ચીન પ્રાંતમાં એક સુધારકનો જન્મ થયો હતો. કુન્ગ ફુત્સુ અથવા કન્ફ્યુશિયસ એટલે કન્ફયુશિયસ ધર્મના સ્થાપક હતા. એક વખત ચીનના સમ્રાટે તત્વજ્ઞાની મહાત્મા કન્ફ્યુશિયસને પૂછ્યું, ‘આ જગતમાં સૌથી મહાન કોણ?’ કન્ફ્યુશિયસ કહે: ‘આપ… કારણ કે આપને સત્ય જાણવાની જિજ્ઞાસા છે.’ પછી સમ્રાટે બીજો પ્રશ્ન પૂછ્યોઃ ‘મારાથી મહાન કોણ? કન્ફ્યુશિયસ કહે, ‘હું, કારણ કે હું સત્યને ચાહું છું.’

સમ્રાટે આગળ પૂછ્યું કે, ‘તમારાથી મહાન કોણ?’ ત્યારે કન્ફ્યુશિયસે દૂર એક જગ્યાએ કૂવો ખોદી રહેલી વૃદ્ધા તરફ ઈશારો કરીને કહ્યું કે, ‘જુઓ, પેલી વૃદ્ધા મહાન છે, કારણ કે એ પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ બીજાના લાભ ખાતર પરિશ્રમ કરે છે.’

હવે જરા આ જૂની ને જાણીતી વ્યંગકથા જુઓઃ એક વડીલ પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા બેઠા હતા. ટ્રેન આવવાને વાર હતી એટલે સમય પસાર કરવા એ રામાયણ વાંચતા હતા. એમની બાજુમાં એક નવદંપતી બેઠેલાં. વડીલને રામાયણ વાંચતા જોઈ પતિ કહેઃ ‘અરે અંકલ, જરા અપડેટ થાઓ. રામાયણમાં શું વાંચવાનું?’

જવાબમાં વડીલે માત્ર સ્મિત કર્યું. ટ્રેન આવી. ભીડમાંથી માર્ગ કરી વડીલ ટ્રેનમાં ચડી ગયા. થોડી જ વારમાં ટ્રેન ઊપડી. બનવાકાળ ડબ્બામાં વડીલ ને પેલો અપડેટેડ યુવાન ભેગા થઈ ગયા. જો કે હવે યુવાન મજાકના મૂડમાં નહોતો. ઊલટું એ ટેન્શનમાં હતો, કેમ કે એ તો ડબ્બામાં જેમતેમ ઘૂસી ગયો, પણ પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ.

પરિસ્થિતિ પામી ગયેલા વડીલે કહ્યું, ‘ભાઈ, રામાયણ વાંચ્યું હોત તો તને ખબર હોત કે પુષ્પક (વિમાન)માં સીતાજી ચઢ્યાં પછી જ રામજી ચઢ્યા હતા.’ પેલો બિચારો શું બોલે?

રામાયણમાંથી મળતો આ બહુ મોટો બોધપાઠ છે. ભગવાન શ્રીરામ જ નહીં, પરંતુ દરેક મહાપુરુષોનાં જીવનમાં આ વાત સ્પષ્ટપણે જોવા મળે છેઃ હંમેશાં બીજાનો વિચાર કરવો. જેમ કન્ફ્યુશિયસે ગામ માટે કૂવો ખોદતી વૃદ્ધાને મહાનની પંક્તિમાં મૂકી હતી.

૧૯૭૧માં ઉનાળાની એક તપતી બપોરે નડિયાદમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નગરયાત્રા નીકળી હતી. તડકાથી રસ્તો ધખી રહ્યો હતો. કેટલાક સંતો નગરયાત્રામાં પગપાળા જોડાયેલા. એમાં એક સંતના પગમાં પગરખાં નહોતાં.

અચાનક તેમના નામની બૂમ પડી. પાછળ વળી એમણે જોયું તો પ્રમુખસ્વામી પોતાની મોજડી એ સંત તરફ ફેંકીને કહી રહ્યા હતા કે, ‘પહેરી લો, ઉઘાડા પગે ન રહેવું. પગ દાઝે તો આંખોનાં તેજ ઘટી જાય.’

સંતે મોજડી પહેરી લીધી. બે-ચાર મિનિટ પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો સ્વામીશ્રીએ પોતાની મોજડી આપી છે તેથી તરત કાઢી નાખી. એ જોઈ સ્વામીશ્રીએ કહ્યું, ‘પહેરી લો, હાથમાં પકડવા થોડી આપી છે?’

માત્ર ‘હું’ જ નહીં, પરંતુ જ્યારે ‘હું’ની સાથે આસપાસની વ્યક્તિનો વિચાર કરવામાં આવે ત્યારે જીવન ખરેખર મહાન બનતું હોય છે. સાચું પૂછો તો અનેક સમસ્યા માટે જવાબદાર આ ‘હું’ જ હોય છે. તમારી અંદર ‘હું’ આવે એટલે તમે સ્વાર્થી બની જાઓ અને દયા-લાગણીના ભાવ ધીરે ધીરે ઓછા થવા લાગે છે.

થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે આખો દિવસ આપણા જ વિચારો કરતા હોઈએ છીએ, પરંતુ ભગવાન શ્રીરામ કે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષો આપણને શીખવે છે કે પહેલાં બીજાનો વિચાર કરવો. પોતાનો વિચાર તો જીવ-પ્રાણી માત્ર કરે છે, પરંતુ જે બીજાનો વિચાર કરે છે તે જ મહાન છે. આપણા કારણે બીજાને તક્લીફ પડે એવું શું કામ થવા દેવું? આપણા અસ્તિત્વમાં આપણા સિવાય આપણી આસપાસના લોકોનો પણ ફાળો છે.

આપણે પણ મહાપુરુષોની જેમ આપણને સાથસહકાર આપનારાઓનો વિચાર કરીએ, એમનાં મોં પર સ્મિત લાવવાના પ્રયાસ કરીએ અને જીવન સુખકારી બનાવીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

૦૧ ઓગસ્ટ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 01/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પંચાંગ 01/08/2024

કેદારનાથમાં ફરી મોટી દુર્ઘટના, વાદળ ફાટ્યાં

ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ ભારે તારાજી સર્જાવાની આશંકા છે. બુધવારે રાત્રે વાદળ ફાટવાને કારણે સોનપ્રયાગમાં મંદાકિની નદીનું જળસ્તર અચાનક ઘણું વધી ગયું છે. લીંચોલીમાં વાદળ ફાટવાના સમાચાર મળ્યા બાદ એસડીઆરએફ, જિલ્લા પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ તંત્ર એલર્ટ મોડ પર છે. કેદારનાથ ધામમાં 150-200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેદારનાથ પદયાત્રી માર્ગ પર ભીમ બાલીના ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવાની સાથે સ્થળ પર ભૂસ્ખલન પણ થયું હતું. ભારે પથ્થરોના કાટમાળને કારણે લગભગ 30 મીટરનો વૉકિંગ પાથ ક્ષતિગ્રસ્ત થયો છે. તકેદારીના પગલારૂપે રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભીમ બલીમાં લગભગ 150 થી 200 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

હરિદ્વારમાં બુધવારે સાંજે ભારે વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું હતું. સૂકી નદીમાં પાણી ભરાઈ જતાં કંવારીયાઓના વાહનો ધોવાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કંઢાલ પોલીસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. વરસાદને કારણે ભૂપતવાલા, હરિદ્વાર, ન્યુ હરિદ્વાર, કંખલ, જ્વાલાપુરની ઘણી કોલોનીઓ અને બજારો ખરાબ હાલતમાં છે, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

પ્રાદેશિક હવામાન કેન્દ્રે આગામી 48 કલાક માટે ઉત્તરાખંડના સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ મંગળવાર રાતથી અમલી છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે દેહરાદૂન, ટિહરી, પૌરી, નૈનીતાલ, હરિદ્વાર, ઉધમ સિંહ નગર અને ચંપાવત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

300 થી વધુ બેંકો પર સાયબર એટેક, UPI-ATM સેવા ઠપ્પ

ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઈડર C-Edge Technologies પર સાયબર એટેક થયો છે. જેના કારણે દેશભરની લગભગ 300 નાની બેંકો અને નાણાકીય સંસ્થાઓનું બેંકિંગ સંબંધિત કામ ઠપ થઈ ગયું છે. ગ્રાહકો પણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકતા નથી. UPI દ્વારા રકમ ટ્રાન્સફર કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ આ મામલે માહિતી આપી છે. મીડિયા અહેવાલો અનુસાર, આ તકનીકી સમસ્યાઓ સહકારી બેંકો અને ગ્રામીણ પ્રાદેશિક બેંકોના ગ્રાહકોને અસર કરી નથી, જેઓ SBI અને TCSના સંયુક્ત સાહસ C-Edge ટેક્નોલોજી પર નિર્ભર છે. જો કે, અન્ય બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે.

C-Edge Technologies તેની સિસ્ટમમાં ભંગની જાણ થયા બાદ છેલ્લા બે દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટી પેમેન્ટ સિસ્ટમની સુરક્ષા માટે સી-એજ સિસ્ટમને અલગ કરવી પડી હતી. આ સાથે જરૂરી સાવચેતી પણ રાખવામાં આવી છે.

રેન્સમવેર શું છે?

રેન્સમવેર એ એક પ્રકારનો માલવેર છે, જે તમારા કમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે અને ઍક્સેસ મેળવે છે. તે તમારી બધી ફાઇલોને એન્ક્રિપ્ટ કરે છે. ડેટા અને એક્સેસ પાછા આપવાના બદલામાં ખંડણીની પણ માંગણી કરે છે.

Olympics 2024: દીપિકા કુમારી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં 2 મેડલ જીત્યા છે. આ બંને મેડલ સ્ટાર શૂટર મનુ ભાકરે શૂટિંગમાં જીત્યા છે. તેણે 10 મીટર એર પિસ્તોલની સિંગલ્સ મેચમાં ભારત માટે પ્રથમ બ્રોન્ઝ મેડલ જીત્યો અને પછી ચોથા દિવસે, સરબજોત સિંહ સાથે મળીને, તેણે મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. દીપિકા કુમારી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે.

ચોથા દિવસે, ભારતીય હોકી ટીમે પણ તેની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો અને બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી તેમના ગ્રુપમાં ટોચ પર રહી હતી. જોકે, બોક્સિંગમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તીરંદાજોનો દિવસ મિશ્ર રહ્યો હતો.

હવે આજે એટલે કે 31મી જુલાઈ (પાંચમો દિવસ) ભારતને એથ્લેટ્સ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે. આજના સમયપત્રક મુજબ ભારતીય ખેલાડીઓની આજે કોઈ મેડલ મેચ નથી. શૂટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બોક્સિંગ, તીરંદાજી અને ઘોડેસવારી માટે માત્ર ગ્રુપ-સ્ટેજ અથવા ક્વોલિફાઇંગ મેચો જ રમવાની છે. સૌ પ્રથમ શૂટિંગમાં 50 મીટર રાઇફલ થ્રો પોઝિશન મેન્સ ક્વોલિફિકેશન અને ટ્રેપ વિમેન્સ ક્વોલિફિકેશન મેચ બપોરે 12:30 વાગ્યે રમાશે.