Home Blog Page 1607

IPLમાં કેટલાક ખેલાડીઓ પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ ?

IPL એ ભારત સહિત વિશ્વભરના ખેલાડીઓને તેમની પ્રતિભા બતાવવાની તક આપી છે. વિશ્વ ક્રિકેટના ઘણા મોટા ખેલાડીઓ આ લીગમાં આવે છે અને તેમના પ્રદર્શનથી ચાહકોનું મનોરંજન કરે છે. આ સાથે તેઓ લાખો અને કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે. તેમ છતાં, કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે ઘણી વખત IPL ટીમો અને પ્રશંસકોને તેમના કાર્યોથી ઉશ્કેર્યા છે અને હવે આવા ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. ફ્રેન્ચાઈઝીએ ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સમક્ષ આ માંગણી કરી છે અને જો BCCI સહમત થાય તો કેટલાક ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લાગી શકે છે. હવે સવાલ એ છે કે આ પ્રતિબંધની માંગ શા માટે થઈ રહી છે?

મામલો એવો છે કે BCCI અને IPL ફ્રેન્ચાઈઝીના માલિકો વચ્ચે બુધવારે 31 જુલાઈએ મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ મીટિંગમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે અને IPLની આગામી સિઝન અંગે નિર્ણય લેવાનો છે, જેમાં મેગા ઓક્શન માટે સેલરી પર્સ, ખેલાડીઓની જાળવણીની સંખ્યા, રાઈટ ટુ મેચ અને ઈમ્પેક્ટ પ્લેયર નિયમો જેવા મુદ્દાઓ સૌથી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ફ્રેન્ચાઇઝી માલિકો બીસીસીઆઈ સાથે આવા વિદેશી ખેલાડીઓનો મુદ્દો પણ ઉઠાવી શકે છે, જેઓ હરાજીમાં વેચાય છે પરંતુ સીઝનની શરૂઆત પહેલા અચાનક તેમના નામ પાછા ખેંચી લે છે.

ફ્રેન્ચાઇઝીઓ પ્રતિબંધની માંગ કરી રહી છે

ક્રિકબઝના અહેવાલ મુજબ, ફ્રેન્ચાઇઝી માલિકો બોર્ડને આ મુદ્દે કડક પગલાં લેવાની અથવા નિયમો બનાવવાની માંગ કરી શકે છે, જેથી હરાજી પછી કોઈપણ ખેલાડીનું નામ પાછું ખેંચવાને કારણે ટીમોનું આયોજન બગડે નહીં. તાજેતરમાં, બીસીસીઆઈના સીઈઓ સાથેની મીટિંગમાં, કેટલાક ફ્રેન્ચાઇઝ માલિકોએ આવા ખેલાડીઓને આઈપીએલમાંથી પ્રતિબંધિત કરવાની માંગ પણ કરી હતી. હવે જો તમામ ફ્રેન્ચાઇઝી આ માંગને સમર્થન આપે છે અને BCCI તેની સાથે સંમત થાય છે તો કેટલાક ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે છે. બીસીસીઆઈએ પણ આ મુદ્દાને બેઠકના એજન્ડામાં સામેલ કરીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.

આ ખેલાડીઓ ખતરામાં છે

આઈપીએલના લાંબા ઈતિહાસમાં ઘણા વિદેશી ખેલાડીઓ અલગ-અલગ પ્રસંગોએ ટૂર્નામેન્ટમાંથી પોતાના નામ પાછા ખેંચી રહ્યા છે. કેટલાક કૌટુંબિક કારણોસર ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા છે, જ્યારે કેટલાક ખેલાડીઓ, હરાજીમાં વેચાયા પછી, વર્કલોડ મેનેજમેન્ટ અથવા માનસિક થાકને ટાંકીને ટુર્નામેન્ટની શરૂઆત પહેલાં તેમના નામ પાછા ખેંચી લે છે. ઈંગ્લેન્ડના જેસન રોય, એલેક્સ હેલ્સ અને ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન જેવા ખેલાડીઓ ઓછામાં ઓછા 2-3 વખત આવું કરી ચુક્યા છે. હવે જો BCCI ફ્રેન્ચાઇઝી સાથે સહમત થશે તો આ ખેલાડીઓ ફરી ક્યારેય IPLમાં રમતા જોવા નહીં મળે.

Paris Olympics 2024: ઈન્ડિયા હાઉસમાં નીતા અંબાણીએ કર્યુ ભારતીય ખેલાડીઓનું સન્માન

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆતમાં જ ભારતે પોતાનો ધ્વજ લહેરાવ્યોછે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય નીતા અંબાણીએ મંગળવારે પેરિસમાં ઈન્ડિયા હાઉસ ખાતે ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને તેના મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટ પાર્ટનર સરબજોત સિંહનું સન્માન કર્યું હતું. સરબજોત સિંહે તેની પ્રથમ ઓલિમ્પિકમાં એક મેડલને લક્ષ્યાંકિત કર્યો હતો.

નીતા અંબાણીએ મનુ ભાકર અને સરબજોત સિંહને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમમાં મેડલ માટે પણ અભિનંદન આપ્યા. હરિયાણાની મનુ ભાકરે રવિવારે 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ સાથે વર્તમાન ગેમ્સમાં દેશનો પ્રથમ મેડલ જીત્યો હતો. આ પછી, તેણે સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. તેમણે કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો રમતગમતમાં કોઈ હારનાર નથી, માત્ર વિજેતા અને શીખનારા છે.

હરિયાણાની જોડીએ પેરિસ ઓલિમ્પિકમાં અદ્ભૂત પ્રદર્શન કર્યુ છે. ઝજ્જરના મનુ ભાકર અને અંબાલાના સરબજોત સિંહે 10 મીટર મિક્સ્ડ શૂટિંગ પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.ભારતીય એર પિસ્તોલ શૂટર સરબજોત સિંહના કોચ અભિષેક રાણાએ કહ્યું કે મિશ્ર 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ વિજેતાએ નિરાશા પાછળ છોડી દીધી છે. તેણે મનુ ભાકર સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

 

નીતા અંબાણીએ ખેલાડીઓને કહ્યું કે તેમાંથી દરેકે ભારતને ગૌરવ અપાવ્યું છે અને તમામ ખેલાડીઓને તેમની આગળની સફરમાં સફળતાની શુભેચ્છા પાઠવી છે, જેમાં ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી જીતેલા બે બ્રોન્ઝ મેડલ છે. 10 મીટર એર પિસ્તોલમાં મેડલ, તેણે સરબજોત સિંહ સાથે બીજો બ્રોન્ઝ જીત્યો. આ મેડલ સાથે તે 124 વર્ષમાં બીજો મેડલ જીતનારી ભારતીય ઓલિમ્પિકની પ્રથમ ખેલાડી બની ગઈ છે.

ગાર્ડ ઓફ ઓનર દરમિયાન ઢોલના ધબકાર સાથે ઈન્ડિયા હાઉસમાં ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત ભારતીય પરંપરા સાથે હાજર રહેલા ખેલાડીઓમાં મેડલ વિજેતા શૂટર સરબજોત સિંહ, ઓપનિંગ સેરેમનીનો ધ્વજ ધારક શરથ કમલ,ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 ડબલ્સ ખેલાડી રોહન બોપન્ના, સુમિત નાગલ, ભારતીય ટુકડી 14 વર્ષના સૌથી યુવા સભ્ય ધિનિધિ દેશિંગુ, મનિકા બત્રા, ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીમરમિતા જિંદાલ અને અર્જુન બબુતા વગેરે સામેલ થયા હતાં.

 

પરિમલ નથવાણીએ PMને તેમના નવા પુસ્તકની ભેટ આપી

નવી દિલ્હીરાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ કરી. વડાપ્રધાને આ પુસ્તકને સ્વીકારવાની સાથે-સાથે PMએ પરિમલ નથવાણીના પરિવાર સાથે આનંદની પળો પણ વિતાવી. પરિમલ નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના’ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.વડાપ્રધાને ગીરના પ્રવાસન અંગે પરિમલ નથવાણીને પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની પરિમલ નથવાણીની પ્રતિબધ્ધતાને બિરદાવતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને ‘કોલ ઓફ ધ ગીર’ (ગીરના સાદ)નો પ્રત્યુત્તર આપ્યો છે.રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આ પ્રસંગે વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું. અગાઉ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે.”

મુંબઈ: વાર્તાલેખન મંડળી કાર્યક્રમમાં સર્જકોને મૂંઝવતા પ્રશ્નોની કરાઈ ચર્ચા

મુંબઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ, ‘લેખિની’-મુંબઈ અને બીસીસીએ- અંધેરીનાં સહિયોગથી અંધેરી ભવન્સ કૉલેજ ખાતે ‘વાર્તાલેખન મંડળી’નું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસનાં આ કાર્યક્રમમાં ટૂંકીવાર્તા લખતાં સર્જકો અને ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જકોની ગોઠડી જામી હતી. ટૂંકીવાર્તાના સાહિત્ય સ્વરૂપલક્ષી અને સર્જકોના પ્રશ્નોની ચર્ચા કરવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી, મહામંત્રી સમીર ભટ્ટ, માર્ગદર્શક અને વક્તા તરીકે બિંદુ ભટ્ટ, મહેન્દ્રસિંહ પરમાર, વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા હાજર રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી સેજલ શાહ, લેખિની સંસ્થાના પ્રમુખ પ્રીતિ જરીવાલા, બીસીસીએના લલિત શાહે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ તકે લેખિનીના પ્રમુખ પ્રીતિ જરીવાલાએ જણાવ્યું કે ‘મુંબઈની સ્પીરીટ હંમેશા નવ-વિચાર પ્રત્યે ઉમળકાભરી રહી છે, શીખવા, જાણવાની તત્પરતાને કારણે આવા કાર્યક્રમો સફળ થાય છે. મુંબઈના અને ગુજરાતના ઉત્તમ સર્જકો આ રીતે ભેગા થાય ત્યારે જે વિદ્યાકીય પ્રાપ્તિ થવાની છે તેનો સહુના મનમાં ખૂબ આનંદ છે અને આશા છે કે કલાકીય રસમીમાંસા પ્રત્યેનો દૃષ્ટોકોણ સ્પષ્ટ થશે.’ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી સેજલ શાહે જણાવ્યું હતું કે ‘જે સાહિત્ય સ્વરૂપ બહુ સહજ લાગે અને બધાને જ એમ થાય કે વાર્તા તો લખી જ શકાય પણ ત્યારે આ વાર્તા કેવી સરી જતી હોય છે તે અંગેની સ્વરૂપ સભાનતા માટે આ મંડળી અને ગોઠડી જરૂરી છે’.

પરિષદના મહામંત્રી સમીર ભટ્ટે એક પંક્તિ ‘કેવું પરોઢ ઉઘડે, શિશુનું બગાસું!’થી શરૂઆત કરતા કહ્યું કે આજે આ ક્ષણે ત્રણેય સંસ્થાઓ એક સંસ્થા બની એકબીજામાં ઓગળી રહી છે ત્યારે વાર્તાલેખનનું એક નવું પરોઢ ઉઘડી રહ્યું છે. જેમ કૂવો ગાળવા માટે પાણીકળા જોઈએ, તેમ આજે મહાનગરમાં ચાર પાણીકળા આવ્યા છે. હર્ષદભાઈએ જણાવ્યું કે ગુજરાતી પરિષદ એ ગોવર્ધનરામ ત્રિપાઠીનું સપનું હતું. આપણો સમાજ સંસ્કારાય અને સર્વેનું કલ્યાણ થાય. સાહિત્ય સંસ્થાનું કામ સર્જન, સર્જનકારોને પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિ કરવાનું છે, અમારું કામ તમારી સર્જકતાને સંકોરવાનું છે. આશા રાખું કે આજની બેઠક થકી અમને ચાર-પાંચ સારી વાર્તા મળે તોય અમે ધન્યતા અનુભવીશું.’

લેખિકા વર્ષાબહેન અડાલજાએ વાર્તાના સ્વરૂપ વિષે વાત કરતાં,’વાર્તાલેખનની કોઈ ફોર્મ્યુલા નથી હોતી. ટૂંકીવાર્તા કેટલી ટૂંકી કે કેટલી લાંબી હોવી જોઈએ તે ફૂટપટ્ટીથી ન મપાય. કોરો કાગળ પોતે જ સર્જક માટે એક ચેલેન્જ લઈને આવે છે. વાર્તાલેખનમાં યોગ્ય કથાવસ્તુ, મૂળ વિચાર, પાત્રાલેખન, સંવાદ અને સમસંવેદનાની ગૂંથણી થઈ જાય ત્યારે લાગે કે વાર્તા બની પણ ખરેખર તો અંત તરફ જતાં વાર્તાનું કેન્દ્રબિંદુ શોધવાનું કામ કઠીન છે.’

50 સિલેક્ટેડ વાર્તાઓ વિશે સઘન ચર્ચા કરવામાં આવી હતી. હિમાંશી શેલતનો પણ ઘણો સહયોગ રહ્યો હતો પરંતુ કોઈ કારણશર તે હાજર નહોતા રહી શક્યા. સર્જક બિંદુબહેને વાર્તાસર્જનમાં વાતાવરણનું મહત્વ સમજાવતા કહ્યું, ‘કોરો કાગળ એટલે મોઢું ફાડીને બેઠેલો વાઘ જાણે ! વાર્તા ભૂગોળ, સમય અને પાત્રો થકી રચાય છે. પાત્ર,એ એનાં સ્થળ-કાળ અને ભૂગોળનું ફરંજદ હોઈ શકે.તમારી આસપાસના કોઈપણ પરિવેશની સહાય લઈને વાર્તા લખી શકાય.’ જાણીતા વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારે પણ વક્તવ્ય આપ્યું હતું. પાત્રાલેખન વિશે વાત કરતા હર્ષદ ત્રિવેદીએ વાત કરી હતી.

 

વાર્તાની ગોઠડી માટે ત્રણ ગ્રૂપ- ધૂમકેતુ ટીમના માર્ગદર્શક બિંદુ ભટ્ટ, દ્વિરેફ ટીમના માર્ગદર્શક હર્ષદ ત્રિવેદી, જયંત ખત્રી ટીમના માર્ગદર્શક મહેન્દ્રસિંહ પરમાર હતા. આ નાના જૂથમાં વાર્તાના વિવિધ પાસા અંગે ચર્ચાઓ મુક્ત મને થઇ. બીજે દિવસે જાણીતાં સર્જક ઈલા આરબ મહેતાએ વાર્તામાં કથાવસ્તુનું મહત્વ વિશે વાત કરી હતી.કેટલાંક વાર્તાકારોએ પોતાની વાર્તા રજૂ કરી તેમાં ‘વહી ગયેલી સુગંધ’ – નેહા ગાંધી, ‘અવાજો’ – કિરણ બૂચ, ‘કોઈ પૂછે કે’ – બાદલ પંચાલ, ‘નથીંગ કમ્સ ફ્રોમ નથીંગ’ – તરુ કજરિયા.

લેખિનીના મંત્રી કામિની મહેતા,વર્ષા તન્ના, કોષાધ્યક્ષ શૈલા શાહ, ભાવના શાહ, કારોબારી સભ્ય વર્ષા ભુતા, મમતા પટેલ, ડિમ્પલ સોનીગ્રા, સક્રિય સભ્ય માના વ્યાસ આદિ લેખિની બહેનોએ રાખેલ આયોજન અંગેની ચોકસાઈ કાબિલે તારીફ હતી. ભાગ લેનારા વાર્તાકારોમાં દિલિપ રાવલ, સતીશ વ્યાસ, કિશોર પટેલ, બાદલ પંચાલ, મેધા ત્રિવેદી, સંજય પંડ્યા, નિરંજના જોશી, પ્રતિમા પંડ્યા, સમીરા પાત્રાવાલા, તરુ કજરિયા, દિના રાયચુરા, સ્મિતા શુક્લ, ડૉ સ્વાતિ સુચક, નેહા ગાંધી અને સુષ્મા શેઠ, કલ્પના દવે, મીનાક્ષી વખારિયા જેવા અનેક જાણીતાં નામો હતા, જેમના રસ અને સહભાગને કારણે વાર્તામંડળી સફળ રહી.

ખેડા જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી

15મી ઓગસ્ટ 2024ના રોડ ગુજરાત સહિત દેશમાં 78મો સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ સ્વાતંત્ર દિવસે દેશ ભક્તિના રંગમાં રગાવા રાજ્યમાં કેટલીક જગ્યા પર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે સ્વાતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કુલ ત્રિદિવસીય ઉજવણી હેઠળ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યા એટલે કે 14 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી પણ સહભાગ બનશે.

સ્વાતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમના સુચારું આયોજન હેતુ જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે એક બેઠક યોજાઈ. જિલ્લામાં 15મી ઓગસ્ટ 2024ના રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના મુખ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં ટેન્ડર, નાણાં, હિસાબ, ખરીદી, ખર્ચ તથા પ્રિન્ટીંગ સમિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિ, એટ હોમ કાર્યક્રમ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યવસ્થા સમિતિ, પરેડ તથા ધ્વજવંદન કાર્યક્રમ સમિતિ, રહેઠાણ તથા ભોજન પ્રબંધન સમિતિ, વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત સમિતિ, આમંત્રણ પત્રિકા તથા સ્વાગત સમિતિ, આરોગ્ય સમિતિ, પ્રચાર પ્રસાર સમિતિ, સફાઈ અને સુશોભન સમિતિ, વાહન વ્યવહાર સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, પાણી સમિતિ, પાર્કિંગ સમિતિ, અને શસ્ત્ર પ્રદર્શન સમિતિ સહિત કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓની કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મુખ્ય સંકલન સમિતિ હેઠળ કરવામાં આવશે.

15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્રતા પર્વ નિમિત્તે રાજ્ય સહિત દેશમાં અલગ-અલગ કેટલાક કાર્યક્રમો યોજાશે. તો આ વર્ષે 11મી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી ધ્વજવંદન કરશે. નોંધનીય છે કે આ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણી પૂર્વ પ્રધાનમંત્ર મનમોહન સિંહના રેકોર્ડ ધ્વજવંદન કરી તોડશે.

હાનિયાના મોતનો બદલો લેવો એ ઇરાનની ફરજઃ આયાતોલ્લા ખોમિની

તહેરાનઃ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીએ હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની હત્યા પર ઇઝરાયલથી બદલો લેવાના કસમ ખાધા છે. તેમણે કહ્યું હતું કે ઇરાનના પાટનગર તહેરાનમાં હવાઈ હુમલામાં હમાસના વડા હાનિયાના મોત પછી ઇઝરાયલે પોતાના માટે કઠોર સજાની તૈયારી કરી લીધી છે.ઇરાને કહ્યું છે કે હમાસના નેતા હાનિયાના મોત માટે ઇઝરાયલ જવાબદાર છે. આ હત્યાથી સંઘર્ષ સતત વધવાનું જોખમ છે, જ્યારે અમેરિકા અને અન્ય દેશ એક ક્ષેત્રીય યુદ્ધને અટકાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્ય મસ્જિદ પર લાલ ઝંડો

હમાસના પ્રમુખ હાનિયાની હત્યા પછી ઇરાનની કોમમાં જામકરન મસ્જિદના ગુંબજ પર લાલ ઝંડો લગાવવામાં આવ્યો છે. આ લાલ ઝંડો બદલો લેવાનું પ્રતીક છે. જે વધતા તણાવ અને ઇઝરાયલની વિરુદ્ધ સંભવિત જવાબી હુમલાનો સંકેત છે. હાનિયા નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના શપથગ્રહણ સમારોહ માટે ઇરાનમાં હતો.

આ હત્યાના થોડા સમય પહેલાં સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમિનીની સાથે તેની મુલાકાતના ફોટો પણ સામે આવ્યા હતા. ખોમિની મિડિયા તરફથી એક વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં હાનિયા તેમને મળી રહ્યો છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) તરફથી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું, જેમાં હાનિયાની હત્યાની નિંદા કરવામાં આવી હતી. ઇરાની સેનાએ હમાસ ચીફની હત્યાને અપરાધિક અને કાયરતાપૂર્ણ ગણાવી હતી.

હાનિયાની હત્યા ઇઝરાયલે ગાઝામાં પોતાની નિષ્ફળતાને છુપાવવા અને વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે કરી છે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

 

ગુજરાતની સહકારી બેંકો પર સાઇબર એટેક?

મળતી વિગતો અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે દાવા સાથે જણાવ્યુ કે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વહેવારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. જે બાબતે હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી.

વધુમાં કહ્યુ હતુ કે ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈએફટી, આરજીટીએસ, યુપીઆઈ, ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા 72 કલાકથી બંધ થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હેકર્સ દ્વારા મોટો સાઇબર એટેક કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બેંકોમાં સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કિંમતે સાયબર સુરક્ષા માટે સોફ્ટવેર સિસ્ટમ અને સર્વર ની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓના કુટુંબીજનો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનો ખુલાસો પણ સત્તાધીશોએ કરવો જોઈએ અને જવાબદારોને દંડવા જોઈએ જેથી ગ્રાહકોનો વિશ્વાસ બરકરાર રહે.

ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ગુજરાત સરકાર સત્વરે ખાતેદારોમાં હીતમાં જાહેરાત કરે કે આ પ્રકારે કોઇ પણ ખાતેદારોના રૂપિયા સુરક્ષિત છે.

કોંગ્રેસ કાર્યકરને હાઈકોર્ટે આપી રાહત..

અમદાવાદ: તારીખ 2 જુલાઈના રોજ કોંગ્રેસ કાર્યલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘર્ષણ બાદ બંને પક્ષ સહિત પોલીસને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે કોંગ્રેસ કાર્યકર્તા પ્રગતિ આહિર સહિતના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરવામાં આવી હતી. જે બાદ સેશન્સ કોર્ટ દ્વારા કોઈ પણ જાતની રાહત આપવામાં આવી ન હતી. ત્યારે  પ્રગતિ આહિરે હાઈકોર્ટ ના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પ્રગતિ આહિરનાં આગોતરા જામીનની અરજી મંજૂરી કરી હતી. સાથે 5 તારીખે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજરી જણાવ્યું હતું.

કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદો નોંધાવી હતી. બનાવના દિવસે રાત્રે જ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમાં કોંગ્રેસના શહેઝાદ ખાન પઠાણ અને પ્રગતિ આહીર સહિત ભાજપ અને કોંગ્રેસના 150થી 250ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે સંદર્ભે પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જેને કોર્ટે 23 જુલાઈના રોજ ફગાવી દીધી હતી. જેથી પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા હવે હાઈકોર્ટ પહોંચ્યા હતા.
કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આ કેસમાં હજુ તપાસ બાકી છે અને ચાર્જશીટ થઈ નથી. આરોપીનું પોલીસ ફરિયાદમાં પહેલેથી જ નામ છે. આરોપીએ સુલેહ શાંતિનો ભંગ કર્યો છે. આરોપીની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. CCTVમાં આરોપીનો સક્રિય રોલ છત્તો થાય છે. પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલાના કેસમાં 10 વર્ષની સજા થઈ શકે છે. આરોપી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇ શકે નહીં. કોર્ટે પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિકમાં પહોંચ્યા અનંત-રાધિકા

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં જ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. તેમના લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ હતી. લગ્ન બાદ હવે અનંત અને રાધિકા પરિવાર સાથે વિદેશ ચાલ્યા ગયા છે. નવદંપતીએ અંબાણી પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિક 2024ની મજા માણી હતી. આ દરમિયાન બંનેનું પેરિસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતની તસવીરો અને વીડિયો સમાચારોમાં છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં બંને પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં એન્ટ્રી કરી રહ્યા છે. બંનેની એન્ટ્રી દરમિયાન ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોએ અનંત સાથે ક્લિક કરેલી તસવીરો પણ જોવા મળી હતી. નવપરિણીત કપલનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે વાયરલ તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે. આ સિવાય તમે મુકેશ અંબાણીના જમાઈ અને ઈશાના પતિ આનંદ પરીમલને પણ જોઈ શકો છો.

નીતા અંબાણી જોવા મળ્યા ન હતા

જો કે આ ખાસ અવસર પર નીતા અંબાણી અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા ન હતા. પરંતુ તમને જણાવી દઈએ કે નીતા પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં પોતાના પતિ મુકેશ સાથે એફિલ રોવરની સામે પોઝ આપતી જોવા મળી હતી.

સુરત મનપા ગેમઝોનને લઈ સજાગ, આકરા નિયમોનું માલિકોને કરવું પડશે પાલન

રાજકોટ TRP ગેમઝોનમાંથી દાઝ્યા બાદ તંત્રમાં સજાગ થયું હતું. રાજ્યના ગેમઝોન પર તંત્રની લાલ આંખ જોવા મળી હતી. નિયમ ઉલ્લંઘનને લઈ ગેમઝોનના માલિકો સામે આકરા પગલા પણ લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત હવે આવી ઘટનાઓ ન બને એ માટે વિવિધ જરૂરી પગલાં પણ લેવાઈ રહ્યા છે. ત્યારે હવે સુરત પોલીસ પણ આ મામલે સખતાઈ અપનાવી રહી છે. હવે સુરતમાં ગેમઝોન શરૂ કરવા માટે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના જેવી દુર્ઘટના શહેરમાં ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલીવાર 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું છે. ગેમઝોન માલિકોએ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે.

રાજ્યનું મહાનગર ગણાતા સુરત શહેરની પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું જેનું કડક પાલન શહેરના તમામ ગેમ ઝોનના માલિકોને કરવાનો રહેશે. ભલે હાલમાં ગેમઝોનના માલિકો પાસે લાઇસન્સ હોય, છતાં પણ તેમણે નવેસરથી લાઇસન્સ લેવું પડશે. સાથે જ અલગ અલગ ગેમની અલગ પરમિશન પણ લેવી પડશે. દરેક ગેમનું ઇન્સ્પેક્શન, લાઇસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. ઇન્સ્પેક્શન થયા બાદ જ લાયસન્સ આપવામાં આવશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય લેવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. ગેમઝોન માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ લેવાનું રહેશે. દરેક ગેમને ગેમઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલાં પરવાનગી લેવી પડશે.

જાહેરનામામાં આપવામાં આવેલા નિયમોનું પાલન ન કરનાર ગેમઝોનના માલિકો સામે ફોજદારી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી સ્પષ્ટ છે કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના સુરતના કોઈ ગેમઝોનમાં ન બને એ માટે સુરત પોલીસ સતર્ક બની ગઈ છે.