Home Blog Page 161

અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર ઈરાનના નેતા મોજતબા ખોમિની

નવી દિલ્હીઃ શું ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે અટકવા જઈ રહ્યું છે? એક દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. હવે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખોમિનીએ અમેરિકા સાથે વાતચીત શરૂ કરવા અને સંભવિત સમજૂતી તરફ આગળ વધવા માટે સંમતિ આપી છે. હાલના સંઘર્ષ વચ્ચે આ પગલું સંભવિત રાજનૈતિક પહેલનું સંકેત માનવામાં આવી રહ્યું છે, એમ અહેવાલ કહે છે.

ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચર્ચા રવિવારથી શરૂ થઈ હતી અને તે આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે, જેને કારણે નજીકના ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમજૂતી થવાની આશા વધી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના મધ્ય-પૂર્વ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ તથા નજીકના સહયોગી જેરેડ કુશ્નર ઈરાની પ્રતિનિધિઓ સાથે થયેલી આ ચર્ચામાં સામેલ હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા તે વ્યક્તિ સાથે કામ કરી રહ્યું છે જેને હું ખૂબ માન આપું છું અને એક નેતા માનું છું તેમ જ તેમણે ઉમેર્યું હતું કે ઈરાનમાં હજુ પણ કેટલાક નેતાઓ બાકી છે.

થોડા જ દિવસોમાં સંભવિત સમજૂતીનો સંકેત

ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં મોટી સફળતા મળી શકે છે. તેમણે કહ્યું હતું કે વાતચીત પહેલેથી ચાલી રહી હતી, પરંતુ હવે તે વધુ ગંભીર બની છે. તેમણે જણાવ્યું હતું કે અમે લાંબા સમયથી ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આ વખતે તેઓ ખરેખર ગંભીર દેખાઈ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે વોશિંગ્ટન ચર્ચા આગળ વધારવા માટે પાંચ દિવસનો સમય આપી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે પાંચ દિવસનો સમય આપી રહ્યા છીએ, પછી જોઈએ કે વાતચીત ક્યાં સુધી પહોંચે છે. મને લાગે છે કે આ સમયમર્યાદાના અંતે બધાના માટે ખૂબ સારો કરાર થઈ શકે છે.

દસક્રોઇમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ

અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ ગામના એક ખેતરમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 1,35,57,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે SMCએ ચાવલજ ગામના ખેતરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 25,793 બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો ખાસ કરીને ચંડીગઢ અને પંજાબમાં નિર્મિત હોવાનું બહાર આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 92,90,900 રૂપિયા જેટલી થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં વપરાતા 6 વાહનો, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે લીધી છે.

આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ગાંધીનગરના ભીયારામ ચૌધરી, મહેમદાવાદના આનંદ શાહ અને ચાવલજના દિનેશ ઝાલાની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનનો મુખ્ય સપ્લાયર હરીશ જાટ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત દારૂ મંગાવનાર કનવારામ ચૌધરી, કાનારામ ચૌધરી તેમજ ટ્રકચાલક અને માલિક સહિત અન્ય 9 શખસો ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પેટ્રોલ-ડીઝલની અછતની વાત માત્ર અફવા: CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ઈરાન-અમેરિકા-ઇઝરાયલના યુદ્ધમાં રોજ નવી વાતો સામે આવી રહી છે. જેમાં છેલ્લાં બે દિવસથી દેશમાં ઈંધણની અછત થવાની વાતો વહેતી થઈ છે. સોમવારે સમગ્ર રાજ્યના પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. સાથે જ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની વાત કરી હતી. તેમ છતાં જાણ કે લોકોને વિશ્વાસ ન હોય તેમ આજે પણ લાંબી લાઈનો લગાવીને ઉભા છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે લોકોને અપીલ કરી છે કે અફવાથી દૂર રહે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ અછત નથી. લોકોએ ગભરાઈને સંગ્રહખોરી કરવાની કે પેટ્રોલ પંપો પર લાંબી કતારો લગાવવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

“વૈશ્વિક સ્તરે જે સંજોગો ઊભા થયા છે તેને કારણે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. નાગરિકોએ આવી પાયાવિહોણી વાતોથી દોરવવું જોઈએ નહીં. ઘણીવાર અફવાઓને કારણે લોકોમાં ‘પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી) વધે છે, જેનાથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થતી હોય છે.” મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આવી કોઈ ગંભીર સ્થિતિ ગુજરાતમાં નથી.
પુરવઠો અવિરત રહેશે: સરકારની બાજ નજર
ઇંધણના પુરવઠા અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે આ વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે. ગેસ સ્ટેશનો કે પેટ્રોલ પંપો પર ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠા શૃંખલા જાળવી રાખવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. “બધાને બધું મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે,” તેવા મક્કમ શબ્દોમાં મુખ્યમંત્રીએ જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ગુજરાત સરકાર કેન્દ્રીય મંત્રાલયો સાથે સતત સંપર્કમાં છે. જેથી કરીને રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાય નહીં તે માટે વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

ધર્મ પરિવર્તનની સાથે ખતમ થશે અનુસૂચિત જાતિનો દરજ્જોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિને અનુસૂચિત જાતિ (SC)નો સભ્ય માનવામાં આવી શકતો નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે અન્ય ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ થઈ જાય છે.

જસ્ટિસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજરિયાની બેન્ચે નિર્ણય આપ્યો હતો કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરેલી દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ થયેલા ઉલ્લંઘનનો દાવો કરી શકતી નથી. કોર્ટે કહ્યું હતું કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો સભ્ય બની શકતી નથી. અન્ય ધર્મમાં ધર્માંતરણ થતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ, કાયદો અથવા રાજ્ય વિધાનસભા હેઠળ મળતા કોઈ પણ કાનૂની લાભ, સુરક્ષા, આરક્ષણ અથવા હક એવી વ્યક્તિને આપવામાં આવી શકતા નથી જેને કલમ 3 હેઠળ અનુસૂચિત જાતિનો સભ્ય માનવામાં આવતો નથી. આ પ્રતિબંધ સંપૂર્ણ છે.

શું હતો આખો મામલો?

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના મે, 2025ના ચુકાદા સામે પાદરી ચિન્થડા આનંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આપ્યો હતો. આનંદે આરોપ લગાવ્યો હતો કે અક્કાલા રામીરેડ્ડી અને અન્ય લોકોએ તેમના સામે જાતિ આધારિત ભેદભાવ અને દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી, જેને આધારે પોલીસે FIR નોંધાવી હતી.

ત્યાર બાદ રામીરેડ્ડીએ કેસ રદ્દ કરવાની માગ સાથે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. જસ્ટિસ એન. હરિનાથે FIR રદ કરતાં જણાવ્યું હતું કે આનંદ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી ચૂક્યા હતા, તેથી તેઓ એસસી/એસટી અધિનિયમ હેઠળ સુરક્ષા માગવાનો હક રાખતા નથી.

કોર્ટે એ પણ કહ્યું હતું કે આનંદ પાસે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર હોવા છતાં તેમને કોઈ લાભ મળી શકશે નહીં, કારણ કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિનો દરજ્જો અમાન્ય બની જાય છે. ત્યાર બાદ આનંદે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

શીશ મહેલ વિવાદઃ કેજરીવાલના સરકારી નિવાસમાં લખલૂટ ખર્ચ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના તત્કાલીન સત્તાવાર નિવાસ 6માં કરાયેલા રિનોવેશનનું કામ રૂ. 33.66 કરોડમાં પૂર્ણ થયું હતું, જે અંદાજિત ખર્ચ કરતાં 342 ટકા વધુ હતું. આ ખુલાસો સોમવારે વિધાનસભામાં રજૂ કરાયેલા કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલમાં થયો હતો.

મુખ્ય મંત્રી રેખા ગુપ્તા દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા વર્ષ 2022ના CAG અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કુલ રૂ. 33.66 કરોડમાંથી રૂ. 18.88 કરોડ ‘મોંઘી, કલાત્મક અને સજાવટી’ વસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા હતા. ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા આ બંગલાને ભાજપે ‘શીશ મહલ’ કહીને કેજરીવાલ અને તેમની સરકાર પર રાજકીય હુમલા કર્યા હતા.

આ નિવાસસ્થાનમાં કેજરીવાલ 2015થી 2024 દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે રહ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વધારાના કામ માટે નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અંગે પણ વિચાર કરવામાં આવ્યો નહોતો. પીડબ્લ્યુડી. દ્વારા બંગલામાં વધારાના રૂમ બનાવવામાં આવ્યા તેમ જ ત્યાં આવેલા કેમ્પ ઓફિસ અને સ્ટાફ બ્લોકમાં કરાયેલા ફેરફારોમાં અનેક અનિયમિતતાઓ જોવા મળી હતી.

અહેવાલ મુજબ રૂ. 9.34 કરોડની વહીવટી મંજૂરી અને ખર્ચની સ્વીકૃતિ કામ પૂર્ણ થયા પછી બે મહિના કરતાં વધુ સમય બાદ આપવામાં આવી હતી, જેને કારણે પૂર્વ મંજૂરી વિના જ નાણાકીય જવાબદારી ઊભી થઈ ગઈ હતી. CAGના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે સ્ટાફ બ્લોક અને કેમ્પ ઓફિસના નિર્માણ માટે મંજૂર કરાયેલા રૂ. 19.87 કરોડમાંથી રકમ અન્ય કામોમાં વાપરી દેવામાં આવી હતી.

સ્ટાફ બ્લોકનું નિર્માણ થયું નહોતું અને તે રકમમાંથી સહાયકો માટે સાત ક્વાર્ટર્સ એવા સ્થળે બનાવવામાં આવ્યા, જે મૂળ પ્રોજેક્ટ સાથે સંબંધિત નહોતાં. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે કેમ્પ ઓફિસનું સ્વરૂપ સ્થાયી માળખાથી બદલીને અર્ધ-સ્થાયી માળખું (SPS) કરવામાં આવ્યું હતું. અંતે નાણાં ખતમ થતાં કેમ્પ ઓફિસનું માત્ર કાચું માળખું જ તૈયાર થઈ શક્યું અને જૂન, 2023માં પીડબ્લ્યુડી દ્વારા કામ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

 

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

 

 

સંસાર વિકટ છે એ સ્વીકારી લઈએ તોપણ સંસારને છોડવો પણ મુશ્કેલ છે. એની વ્યર્થતા સમજાયા પછી પણ સંસાર છૂટ્યો છૂટતો નથી. સાર નથી આ સંસારમાં, એમ કહેવું સહેલું છે પણ અસારતાનો અનુભવ કર્યા પછી પણ બહુ ઓછી વ્યક્તિઓ સંસારને એક્ઝાટકે છોડી શકે છે અને ઈશ્વરને રસ્તે વળી શકે છે.

માણસ મનનો મજબૂત હોય, અંદરથી પૂરેપૂરો શૂરવીર હોય, જેનામાં કાયરતાનું નામનિશાન ન હોય એ જ હરિનો મારગ લઈ શકે. કાયર માણસો મરતા પહેલાં લાખ વાર મરતા હોય છે. જે લોકો સંસાર છોડું કે ન છોડું, ઈશ્વરનો પંથ લઉં કે ન લઉં એની દ્વિધામાં ને એના વિકલ્પમાં અટવાતા હોય એવા ભીરુઓનું કામ નથી. માથું મૂકવાની તાકાત હોવી જોઈએ. એક વાર જેનું નામ લીધું તે લીધું, બધું જ છોડવું પડે, સુત, સંપત્તિ, પત્ની, જે બધું જ છોડે એને અઢળક અને મબલખ ઈશ્વર મળે.

સંસારનો રસ જેને ખારો લાગે એને જ પરમનો પ્રેમરસ મીઠો લાગે. સાગરમાંથી માછલી પકડવી સહેલી છે. કિનારા પર ઊભા રહીને જાળ ફેલાવીને માછલી પકડવી એ મોટી વાત નથી પણ જેણે મોતી લેવું હોય તેણે તો મરજીવા થઈને સમંદરમાં કૂદી પડવું જોઈએ. મરણનો ભય ન હોય. પીડાની પડી ન હોય. જે ભયમુક્ત અને ચિંતામુક્ત હોય એવા નરવિરલાને જ હરિનો મારગ મળે. તીરે ઊભા રહીને તમાશો જોવે એના હાથમાં કોડી પણ ન આવે. શંખલા, છીપલાંની વાત તો દૂર રહી.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ઇરાન, અમેરિકાની વાટાઘાટ ઇસ્લામાબાદમાં થવાની શક્યતા

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઓછો કરવા માટે પોતાને મુખ્ય મધ્યસ્થ તરીકે રજૂ કરવાની કોશિશ કરી રહ્યું છે.  પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીરે રવિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી અને હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને ચર્ચા માટે ઇસ્લામાબાદને સંભવિત સ્થળ તરીકે પ્રસ્તાવિત કર્યું છે, જ્યાં આ જ અઠવાડિયામાં ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ અને ઈરાનના પ્રતિનિધિઓ આમને-સામને મળી શકે છે, એમ અહેવાલ કહે છે.

એ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે પણ વાત કરી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે તે શાંતિ સ્થાપિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાન એકલું નથી. તુર્કી અને ઈજિપ્ત પણ તેની સાથે મળીને પરદાની પાછળ કૂટનીતિ (બેક-ચેનલ ડિપ્લોમસી) દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ જોડાયેલા છે. દેશો વચ્ચેનો આ સમન્વય પરિસ્થિતિ વધુ ખરાબ ન બને તે માટે એક મજબૂત કૂટનીતિનો રસ્તો માનવામાં આવી રહ્યો છે, એમ અહેવાલ કહે છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે ખૂબ સારી અને સકારાત્મક ચર્ચા બાદ તેણે ઈરાનના વીજ ઉત્પાદન કેન્દ્રોને નષ્ટ કરવાની પોતાની ધમકી હાલ માટે મુલતવી રાખી છે. જોકે વ્હાઇટ હાઉસે આ ચર્ચાઓ અંગે વધુ માહિતી આપવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે આવા સંવેદનશીલ મુદ્દાઓ પર મિડિયા મારફતે ચર્ચા કરવામાં આવતી નથી.

ઈરાનનું નિવેદન – પોતાના વલણમાં કોઈ ફેરફાર નથી

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ શરૂ થયા પછી તેણે અમેરિકા સાથે કોઈ સીધી ચર્ચા કરી નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મિત્ર દેશો મારફતે અમેરિકાની તરફથી ચર્ચાના સંદેશ મળ્યા છે અને તેમનો જવાબ પણ આપવામાં આવ્યો છે, પરંતુ ઈરાન પોતાના વલણ પર અડગ છે અને તેની શરતોમાં કોઈ ફેરફાર થયો નથી, ભલે તે હોર્મુઝ જળસંધિનો મુદ્દો હોય કે યુદ્ધ સમાપ્ત કરવાની શરતો.

‘રંગ દે બસંતી’ માં આમિર અને રાકેશે નવા રંગ ભર્યા!

એક સુધારો ફિલ્મ ‘રંગ દે બસંતી’ નો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો અને તેના કારણે જ તે સમયની એક સામાન્ય ક્રાઈમ થ્રિલર બનવાને બદલે એક ‘કલ્ટ ક્લાસિક’ દેશભક્તિની ફિલ્મનો દરજ્જો મળ્યો હતો. આમિર ખાન અને રાકેશ મહેરાએ ફિલ્મ માટે પોતાના કયા સુધારા સૂચવ્યા હતા તેની વાતો ઘણી રસપ્રદ છે.

ફિલ્મની મૂળ વાર્તા મુજબ પાત્રો ભ્રષ્ટ રક્ષામંત્રીની હત્યા કર્યા પછી નાસી છૂટવાનો પ્રયત્ન કરે છે અને પોલીસના હાથે અલગ-અલગ જગ્યાએ માર્યા જાય છે. જ્યારે આમિરે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તેમણે નિર્દેશકને કહ્યું કે, ‘આપણે આઝાદ, ભગતસિંહ અને અશફાકઉલ્લા ખાનના વિચારો પર ફિલ્મ બનાવી રહ્યા છીએ. એ ક્રાંતિકારીઓ ક્યારેય ભાગ્યા નહોતા. તેઓ તો હસતા મોઢે જેલમાં ગયા હતા અને ફાંસી સ્વીકારી હતી. જો આપણા પાત્રો હત્યા કરીને ભાગશે તો તેઓ ક્રાંતિકારી નહીં પણ સામાન્ય ગુનેગાર લાગશે.’ આમિરના આ તર્ક પછી રાકેશ મહેરાએ સ્ક્રિપ્ટ ફરીથી લખી અને રેડિયો સ્ટેશન વાળો ક્લાઈમેક્સ ઉમેર્યો. જ્યાં પાત્રો દુનિયા સામે પોતાનો ગુનો કબૂલે છે અને ભાગવાને બદલે શહીદી વહોરે છે.

આમિરને ‘ડીજે’ ના પાત્ર માટે લાંબા અને વિખરાયેલા વાળ રાખવાના હતા. આમિરને તે દેખાવ પસંદ આવ્યો નહીં. તે વારંવાર અરીસામાં જોઈને કહેતા, ‘રાકેશ, આ વાળ મને હીરો જેવા નથી દેખાડતા.’ પણ રાકેશે જીદ પકડી હતી કે ‘ડીજે’ એક લાપરવાહ યુવાન છે. તે વ્યવસ્થિત વાળ ન રાખી શકે. અંતે આમિરે નિર્દેશકના વિઝન પર ભરોસો મૂક્યો અને એ જ દેખાવ આઈકોનિક બની ગયો. ‘ખલીબલી’ ગીત પહેલા સ્ક્રિપ્ટમાં હતું જ નહીં. રાકેશ જણાવે છે કે એ. આર. રહેમાને એક એવી ધૂન બનાવી હતી જે સાંભળીને તેમને લાગ્યું કે આ તો ક્રાંતિકારીઓનો જશ્ન છે. તેમણે રાતોરાત સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને જેલમાં કેદીઓ વચ્ચે આ ગીત ફિલ્માવવાનું નક્કી કર્યું. આ ગીત માટે આમિર ખાને જે સ્ટેપ્સ કર્યા તે આજે પણ ફેમસ છે.

આમિર ખાન પોતાની શિસ્ત માટે જાણીતા છે. જ્યારે તેમણે ફિલ્મ સાઈન કરી ત્યારે કોન્ટ્રાક્ટમાં એક શરત મૂકી હતી કે જો શૂટિંગ નિર્ધારિત સમય મુજબ પૂરું નહીં થાય તો નિર્દેશકે તેમને કરોડો રૂપિયાનો દંડ ચૂકવવ પડશે. રાકેશ મહેરાએ આ શરત સ્વીકારી લીધી. કારણ કે તેમને પોતાની તૈયારી પર ભરોસો હતો. નવાઈની વાત એ છે કે આ શરતને કારણે આખી ટીમ એટલી સાવધાન રહી કે શૂટિંગ સમય કરતા વહેલું પૂરું થઈ ગયું હતું!

ફિલ્મનું નામ નક્કી કરવામાં પણ ઘણી મથામણ થઈ હતી. શરૂઆતમાં ફિલ્મનું નામ ‘આહુતિ’ રાખવાનું વિચારાયું હતું. ત્યારબાદ તેને ‘ધ યંગ ગન્સ ઓફ ઈન્ડિયા’ તરીકે પણ જોવામાં આવ્યું હતું. નિર્માતા આ ફિલ્મને અંગ્રેજીમાં પણ બનાવવા માંગતા હતા અને તેનું નામ ‘Paint It Yellow’ રાખવાનું વિચાર્યું હતું પણ પછીથી એ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. રાકેશ ઓમપ્રકાશ મહેરાની આત્મકથા ‘ધ સ્ટ્રેન્જર ઇન ધ મિરર’ માં ‘રંગ દે બસંતી’ ના નિર્માણ સમયના આવા ઘણા કિસ્સાઓ છે જે ખરેખર અજાણ્યા અને ચોંકાવનારા છે.

પંચાંગ 24/03/2026

૨૪ માર્ચ ૨૦૨૬