Home Blog Page 1610

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 150 લોકોના મોત, 91 લોકો ગુમ

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ છે અને ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે. ભૂસ્ખલનથી મકાનો અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે.અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને નદીઓ વહેતી થઈ છે. ગુમ થયેલા લોકોને શોધવા અને બચાવવા માટે તમામ સંભવિત સાધનો સાથે ઓપરેશન ચાલી રહ્યું છે.

નેવીની 60 ટીમ ચુરલમાલા પહોંચી

કેરળ પીઆરડી (પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ) એ જણાવ્યું કે એઝિમાલા નેવલ એકેડમીની 60 ટીમો બચાવ કામગીરી માટે ચુરલમાલા પહોંચી છે. લેફ્ટનન્ટ કમાન્ડન્ટ આશિર્વાદની આગેવાની હેઠળની એક ટીમ સ્થળ પર છે, જેમાં 45 ખલાસીઓ, પાંચ અધિકારીઓ, છ ફાયર ગાર્ડ અને એક ડૉક્ટરનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીએ પ્રવાસ રદ કર્યો હતો

ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધીનો વાયનાડ પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર આ બાબતની માહિતી આપી હતી. તેણે કહ્યું કે,’હું અને પ્રિયંકા ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને મળવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા વાયનાડ જઈ રહ્યા હતા. જો કે સતત વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અમને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે અમે ઉતરાણ કરી શકીશું નહીં. હું વાયનાડના લોકોને ખાતરી આપવા માંગુ છું કે અમે શક્ય તેટલી વહેલી તકે મુલાકાત લઈશું.’

કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું કામ ચાલુ

આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની બચાવ ટુકડીઓ પ્રતિકૂળ હવામાન વચ્ચે બચી ગયેલા લોકોને શોધવા માટે સાથે મળીને કામ કરી રહી છે. કાયકિંગ, કોરેકલ બોટિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવાસી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટીમો બચાવ કામગીરીમાં લાગી છે

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) અનુસાર, ફાયર અને રેસ્ક્યૂ ટીમ, સિવિલ ડિફેન્સ, NDRF અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. DSC સેન્ટર કન્નુરના લગભગ 200 ભારતીય સેનાના જવાનો અને કોઝિકોડની 122 TA બટાલિયન પણ સ્થળ પર હાજર છે. આ સાથે વાયુસેનાના બે હેલિકોપ્ટર, એક Mi-17 અને એક ALH પણ બચાવ કાર્યનું સંકલન કરી રહ્યા છે. વાયનાડની વિવિધ હોસ્પિટલમાં 120થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર, 116 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ વાયનાડ અને પડોશી જિલ્લાઓમાં ‘ઓરેન્જ’ એલર્ટ જારી કર્યું છે, જેમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આફત અને સતત વરસાદને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ, બુધવારના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. કાસરગોડ, કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, પલક્કડ, થ્રિસુર, ઇડુક્કી, એર્નાકુલમ, અલપ્પુઝા અને પથાનમથિટ્ટામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

પાનકી

ગુજરાતની પ્રખ્યાત ડિશ પાનકી કેળાના પાનમાં બનાવવામાં આવે છે. તેથી તેનું નામ ‘પાનકી’ છે. જે મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ગરમાગરમ જ સારી લાગે છે!

સામગ્રીઃ

  • ચોખાનો લોટ 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 કપ
  • જીરુ અધકચરુ વાટેલુ ½ ટી.સ્પૂન
  • ઘી ½ ટી.સ્પૂન
  • ભાવનગરી અથવા સાદા લીલાં મરચાં
  • કેળાના ડાર્ક લીલા પાન
  • તેલ પાનકી શેકવા માટે તેમજ મરચાં તળવા માટે

રીતઃ એક બાઉલમાં ચોખાનો લોટ અને દહીં લઈ મિક્સ કરવું. ત્યારબાદ ચોખાના લોટના માપ પ્રમાણે જ 1 કપ પાણી થોડું થોડું ઉમેરી જેરણીથી મિક્સ કરવું. ત્યારબાદ દહીં ½ કપ લીધું હોવાથી ફરીથી ½ કપ પાણી ઉમેરની મિક્સ કરી લો. આ ખીરું બહુ જાડુ કે બહુ પાતળુ ન હોવું જોઈએ. જરૂર લાગે તો થોડું પાણી વધુ ઉમેરી દેવું.

આ મિશ્રણમાં આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હીંગ, હળદર પાઉડર, અધકચરુ વાટેલુ જીરુ, સમારેલી કોથમીર, ½ ટી.સ્પૂન ઘી મેળવીને જેરણી વડે સરસ એકરસ મેળવી લો. આ ખીરું અડધા કલાક માટે ઢાંકીને રહેવા દો.

કેળાના પાનને ધોઈને કિચન ટોવેલ વડે હળવેથી લૂછીને કોરા કરી લો. આ પાનને ચોરસ કટ કરી લો અથવા ગોળ ડિશ મૂકીને ચપ્પૂ વડે ગોળાકાર કટ કરી લો. દરેક કટ કરેલા પાનની ડાર્ક કલરની બાજુ પર તેલ લગાડી લો.

તવાને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે તેની ઉપર તેલ ચોપડી લો. હવે ગેસની આંચ ધીમી કરી લો. કેળાનું કટ કરેલું પાન લઈ તેને તવા ઉપર મૂકો, તેલ લગાડેલો ભાગ ઉપર હોવો જોઈએ. જેની ઉપર એક અથવા બે કડછી ખીરું પાતળું ફેલાવી દો, ગોળ અથવા ચોરસ આકારમાં. તેની ઉપર કેળાનું બીજું પાન ઉંધું ગોઠવી દો. એટલે કે, તેલવાળો ભાગ અંદર ખીરાની ઉપર ઢંકાય તે રીતે.

ગેસની ધીમી આંચે 1-2 મિનિટ થવા દો. ત્યારબાદ સ્પેટુલા અથવા તવેથા વડે પાનને ઉથલાવીને ફરીથી 1-2 મિનિટ શેકી લો. પાનકી તૈયાર છે તે જોવા માટે ઉપરના પાનને હળવેથી ખોલી જુઓ. જો પાન સરળતાથી ખૂલી જાય, તેની ઉપર ખીરું ચોંટેલું ન હોય. તો પાનકી તૈયાર છે. જો ખીરું ચોંટેલું જણાય તો ફરી 1-2 મિનિટ રાખી મૂકો.

આ રીતે બાકીની પાનકી તૈયાર કરી લો. પીરસતી વખતે પ્લેટમાં પાનકી ગોઠવી, ઉપરનું પાન કાઢી લીધા બાદ પીરસો. આ પાનકી કોથમીર-ફુદીનાની તીખી લીલી ચટણી તેમજ તળેલા મરચાં સાથે સારી લાગે છે.

એકવાર પાનકી બનાવ્યા બાદ, કેળાનું ઉપરનું પાન કાઢી લીધા બાદ આ પાન ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.

૩૧ જુલાઈ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 31/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

નોટ આઉટ @ 85 ચંદ્રકાંતભાઈ ગોસાલીયા

ડ્રાઇવિંગ અને નવી-ટેકનોલોજીના આજીવન શોખની સાથે-સાથે, નાની ઉંમરથી વિમલતાઈના સંપર્ક, સહવાસ અને યોગ્ય-માર્ગદર્શનને કારણે જેમની પ્રખર આધ્યાત્મિક-રુચિ કેળવાઈ તેવા ચંદ્રકાંતભાઈ ગોસાલીયાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ચંદ્રકાંતભાઈનો જન્મ હૈદરાબાદ(સિંધ), કરાંચીની બાજુમાં. પિતાનો કરાંચી-બંદર પર ઈમ્પોર્ટનો ધંધો. પાંચ ભાઈ, બે બહેનનું કુટુંબ. સંયુક્ત-કુટુંબમાં રહ્યા છે. પાર્ટીશન પહેલાં પિતાએ કુટુંબને વતન (સાયલા, મોસાળ સુરેન્દ્રનગર) મોકલી આપ્યું. પાર્ટીશનના છ મહિના સુધી ઘરમાં કોઈને ખબર નહીં કે પિતા ક્યાં છે. માતા હોશિયાર, સંજોગો સામે ઝઝૂમ્યાં. 1949માં અમદાવાદ આવી પિતાએ ઓફિસ શરૂ કરી. ચંદ્રકાંતભાઈએ મેટ્રિક ન્યુ-સર્વોદય હાઈસ્કૂલમાંથી કર્યું. H.L.COMMERCE કોલેજમાં હતા અને પિતાની તબિયત બગડી. મોતિયાનું ઓપરેશન ફેલ ગયું, ચાર વર્ષ જોઈ ન શક્યા! બધી જવાબદારી ચંદ્રકાંતભાઈ ઉપર આવી પડી, એટલે બીકોમ થયા, સીએ કરવાનો વિચાર પડતો મુક્યો. કોલેજમાં રામકૃષ્ણ દેવને વાંચ્યા, વિમલતાઈને મળ્યા, સારો સંપર્ક થયો, યોગ્ય માર્ગદર્શન મળ્યું તેથી આધ્યાત્મિક-રુચિ વધવા માંડી. સારંગપુર, તળિયાની પોળનાં ચંદ્રિકાબેન સાથે સફળ લગ્ન-જીવનની શરૂઆત થઈ. પિતાના અવસાન પછી, 1962ના લાઇસન્સ-રાજમાં ધંધામાં લાગી ગયા. એજન્સી-બિઝનેસમાંથી બહાર નીકળી, ડીલરો સાથે સંબંધો વિકસાવી કામ વધાર્યું. સાબરમતી રોટરી-ક્લબમાં ઘણું સારું કામ કર્યું. ફેમિલીનાં આઠ બાળકોને ભણાવવા નવરંગપુરા શિફ્ટ થયા!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

વિમલતાઈની સલાહ: “જરૂર જેટલું જ કમાઓ. શરીર અને મન તંદુરસ્ત રાખો.” 55 વર્ષે નિવૃત્તિ સ્વીકારી. જોકે એક બે કલાક ઓફિસ જતા. આત્મજ્ઞાની પુરુષની નજીક રહેવા મોટા-ભાગે કોબા, શ્રીમદ્-રાજચંદ્ર-આશ્રમમાં રહે છે. તેમણે આશ્રમની ભોજનશાળા લાંબો સમય સંભાળી. સવારે 3:30 વાગ્યે ઊઠે, કસરત કરે, સવાસન કરે. પાંચ વાગ્યે દેવ-વંદન, સાત વાગે અભિષેક, પછી ચા- નાસ્તો. 9.૦૦-10:30 સ્વાધ્યાય, 11 વાગ્યે સાહેબજીની સીડી, 12:00 વાગે જમવાનું. થોડો આરામ. ચાર વાગે સ્વાધ્યાય, 6:00 વાગ્યે જમવાનું, 7:00 વાગે આરતી, આઠ વાગે દેવ-વંદન, પછી ભક્તિ!

શોખના વિષયો : 

ડ્રાઇવિંગનો ઘણો શોખ, હજુ પણ લહેરથી ગુજરાતમાં લાંબુ ફરવા નીકળી જાય! 65 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે! સ્વિમિંગ અને ફરવાનો પણ શોખ. ટેકનોલોજી વાપરવી ઘણી ગમે! આધ્યાત્મિક-રુચિ તો હવે જીવનનું મુખ્ય કામ!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી. કોરોનાના ત્રીજા વેવમાં ઝડપાયા ત્યાં સુધી તબિયત એકદમ સરસ હતી, કોઈ તકલીફ નહીં! હર્પીસ, હરનીયા, કોરોના પછી તબિયતની થોડી કાળજી લેવી પડે છે. હવે લાકડી રાખે છે. સમય સંજોગોને સ્વીકારવા રહ્યા!

યાદગાર પ્રસંગ: 

વિમલાતાઈ સાથે આબુ અને ડેલહાઉસીમાં રહેવાનો  દરેક પ્રસંગ યાદગાર! ડેલહાઉસીમાં એકવાર તેઓ જીપ લઈને ફરવા નીકળ્યા. આંધી-તોફાન સાથે ઘણો વરસાદ વરસ્યો. વિમલાતાઈની કૃપાથી એમની જીપ બિલકુલ સલામત! વિમલાતાઈ તો માતા-કાલીનો અવતાર! તેમને રામકૃષ્ણ પરમહંસ “ઠાકુર” હાજરાહજૂર હતા! આધ્યાત્મિક રિદ્ધિ-સિદ્ધિથી ભરપૂર વિમલાતાઈએ ધુળેટીના દિવસે દેહ-ત્યાગ કર્યો, તેના એક દિવસ પહેલાં ચંદ્રકાંતભાઈ શાંતિથી વિમલાતાઈને મળ્યા હતા!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી-ટેકનોલોજી વાપરવી ઘણી ગમે! કોમ્પ્યુટર-બિલિંગની શરૂઆત તેમણે કરાવી. નિવૃત્ત થયા પછી કોમ્પ્યુટર ચલાવતા શીખ્યા. એક વર્ષનો કોર્સ કર્યો! મોબાઇલ કુનેહથી વાપરી શકે. સમય બગડે છે એટલે હવે સોશિયલ-મીડિયાથી દૂર ભાગે છે. જે કરવાનું છે (આધ્યાત્મજ્ઞાન) તે તો જાતે જ કરવું પડે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

સત્યને માટે મરી ફીટતા લોકો ઘટી ગયા છે! જીવનમાં એકબીજાના સહારાની જરૂર પડે છે તે સ્વીકારો. ચંદ્રકાંતભાઈને બે દીકરી-જમાઈ છે. જમાઈ નહીં, પણ દીકરા જ છે! તેમનું ઘણું ધ્યાન રાખે છે. જે થાય છે તેનો સ્વીકાર કરો, સમતા ભાવ રાખો અને મૃત્યુનું ધ્યાન કરો!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને બે દીકરી, ત્રણ પૌત્ર-પૌત્રી, ત્રણ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે. સંયુક્ત કુટુંબ ઘણું મોટું છે. નાના પ્રસંગે પણ 50-60 માણસો ભેગાં થઈ જાય, જેમાં યુવાનો વધુ હોય. કુટુંબમાં અંદર-અંદર બોન્ડીંગ ઘણું સારું છે. કોઈપણ યુવાનને કોઈ જાતનું વ્યસન નથી.

આજના યુવાનોમાં શરીર માટેની અવેરનેસ ઓછી છે. મોબાઇલ લઈએ તો પણ મેન્યુઅલ જોઈ લઈએ છીએ. આ શરીર પણ સાધન જ છે, તેને કેવી રીતે રાખવું તે યુવાનોએ જાણવું જોઈએ! યુવાનો ખાવા-પીવામાં કોઈ કંટ્રોલ રાખતા નથી, અને તબિયતનો દાટ વાળી દીધો છે! ઘણા યુવાનો જીમમાં જાય પણ એથી વધુ કંઈ નહીં!

સંદેશો :  

HEALTH IS WEALTH! તંદુરસ્તી સિવાય બીજું બધું નકામું! યુવાનોએ દેખાડો કરવાનું છોડવું જોઈએ. બધાંને ઈમ્રેસ કરવા વારેવારે ગાડી-મોબાઈલ બદલવાનું બંધ કરવું જોઈએ!

 

પંચાંગ 31/07/2024

ભારતે ત્રીજી T20 માં શ્રીલંકાને હરાવી 3-0થી સિરીઝ જીતી

IND vs SL: ભારતે ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને હરાવ્યું અને શ્રેણી 3-0થી જીતી લીધી. બંને ટીમોએ પોતપોતાના દાવમાં 20 ઓવરમાં 137 રન બનાવ્યા હતા, જેના કારણે પરિણામ મેળવવા માટે સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો હતો. સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાને માત્ર 2 રન બનાવવા દીધા હતા. સુપર ઓવરના પહેલા જ બોલ પર ટીમ ઈન્ડિયાએ પોતાની જીત સુનિશ્ચિત કરી હતી. એક સમયે શ્રીલંકાને જીતવા માટે 30 બોલમાં 30 રન બનાવવાના હતા, પરંતુ ભારતની ડેથ બોલિંગે ફરી એકવાર તબાહી મચાવી દીધી.

ભારતે પ્રથમ રમતમાં 137 રન બનાવ્યા હતા, જેમાં શુભમન ગિલે 37 બોલમાં 39 રનની ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય રિયાન પરાગે 26 રન અને વોશિંગ્ટન સુંદરે 25 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અનુભવી સંજુ સેમસન આ મેચમાં કંઈ ખાસ બતાવી શક્યા ન હતા, જ્યારે યશસ્વી જયસ્વાલ પણ માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. લક્ષ્યનો પીછો કરવા માટે શ્રીલંકાની ટીમ ઉતરી ત્યારે પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 58 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી.

નિસાંકા આઉટ થયા બાદ કુસલ મેન્ડિસ અને કુસલ પરેરાએ કમાન સંભાળી ત્યારે શ્રીલંકન ટીમ માટે આ જીત સરળ બની ગઈ હતી. તેમની વચ્ચેની 52 રનની ભાગીદારીએ ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી પરંતુ 16મી ઓવરમાં રવિ બિશ્નોઈએ કુસલ મેન્ડિસની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની આશા જીવંત રાખી હતી. ત્યારપછીની ઓવરમાં વોશિંગ્ટન સુંદરે વાનિન્દુ હસરાંગા અને ચરિથ અસલંકાને સતત બે બોલમાં આઉટ કરીને બેવડો ફટકો આપ્યો હતો.

મુંબઈમાં ન થઈ શાહરુખની આંખની સારવાર, હવે જશે અમેરિકા

મુંબઈ: શાહરૂખ ખાનની તબિયત 21 મેના રોજ બગડી હતી. આઈપીએલ મેચ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા તે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં ગરમીના કારણે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને બાદમાં તેને રજા આપવામાં આવી હતી. હવે સમાચાર છે કે ફરી એકવાર તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં જવું પડશે.

‘બોલિવૂડ હંગામા’ના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનને આંખની સારવાર માટે અમેરિકા જવું પડી શકે છે. કારણ કે મુંબઈમાં સારવાર ઉપલબ્ધ નથી. રિપોર્ટ અનુસાર અભિનેતા 30 જુલાઈ, મંગળવારે UA જવા રવાના થઈ શકે છે. એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે,’શાહરૂખ ખાન સોમવારે, 29 જુલાઈના રોજ આંખની સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં ગયો હતો. પરંતુ અહીં વસ્તુઓ કામ કરી શકી નહીં, તેથી તેને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવશે. જો કે, કઈ આંખમાં એવું શું થયું છે કે તેમને ત્યાં સારવાર માટે જવું પડશે તે સૂત્રએ જણાવ્યું નથી.

શાહરૂખ ખાન IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન જોવા મળ્યા હતા. જ્યાં ફિનાલે પહેલા તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કારણ કે તે ડિહાઇડ્રેટેડ હતો. ત્યારબાદ તેની મિત્ર જૂહી ચાવલાએ તેની હેલ્થ અપડેટ શેર કરી.

શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેણે પાંચ વર્ષ પછી સ્ક્રીન પર કમબેક કર્યું છે. તેમની ત્રણ ફિલ્મો 2023માં રિલીઝ થઈ હતી – પઠાણ, જવાન અને ડાંકી. આ ત્રણેએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. હવે તે સુજોય ઘોષની ફિલ્મ ‘કિંગ’માં પુત્રી સુહાના ખાન સાથે જોવા મળશે, જેનું તે શૂટિંગ કરી રહ્યો છે. આમાં અભિષેક બચ્ચન વિલન હશે.

ખડગે કોંગ્રેસઅધ્યક્ષ બનવા સાથે બધા પદ થયાં હંગામીઃ અધીર રંજન

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં સજ્જડ હારનો સામનો કર્યા પછી કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ એકમના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ તેમણે કહ્યું છે કે જે દિવસે મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના અધ્યક્ષ બન્યા, ત્યારથી પાર્ટીના બંધારણના હિસાબે પાર્ટીના બાકીનાં પદો અસ્થાયી થઈ ગયાં છે.

તેમણે કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે પણ ખડગેએ કહ્યું હતું કે જો જરૂરી હશે તો મને પણ બહાર રાખવામાં આવશે. એનાથી હું પરેશાન થઈ ગયો હતો. જોકે હું હંગામી પાર્ટી અસ્થાયી અધ્યક્ષ હતો. જેથી મને AICCએ પશ્ચિમ બંગાળના કોંગ્રેસ નેતાઓની એક મીટિંગ બોલાવવા કહ્યું હતું. એ પાર્ટીની મીટિંગમાં પાર્ટી બે પ્રસ્તાવ પસાર કરવા ઇચ્છતી હતી. એ મીટિંગમાં ગુલામ અલી મીરે કહ્યું હતું કે ભૂતપૂર્વ અધ્યક્ષ પણ અહીં છે. એ સમયે મને માલૂમ થયું હતું કે હું પશ્ચિમ બંગાળનો ભૂતપૂર્વ અધ્યક્ષ બની ગયો છું.

અધીર રંજન ચૌધરી 1999થી લોકસભા સાંસદ હતા, પણ આ વખતની ચૂંટણીમાં તેમને TMCના યુસુફ પઠાણની વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ મહા સચિવ વેણુગોપાલે પહેલેથી જ કહ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વની કોઈ સમસ્યા થશે તો લોકો ઈમેઇલ કે મેસેજ દ્વારા તેમની વાત કહી શકશે.જોકે હાલ અધીર રંજન ચૌધરીની જગ્યાએ કોઈ નવા અધ્યક્ષનું એલાન નથી થયું. ચૂંટણી વખતે ચૌધરીને મમતા બેનરજીની વચ્ચે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. ત્યાર પછી કોંગ્રેસ અધ્યક્ષે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

 

 

 

મોટી દુર્ઘટનાના પીડિતો માટે યોજાશે કોંગ્રેસની ન્યાય યાત્રા..

વિપક્ષ નેતા રાહુલ ગાંધી થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યલયથી રાહુલ ગાંધી દ્વારા ન્યાય યાત્રના આયોજનની વાત કરવામાં આવી હતી. ત્યારે આજે આ ન્યાય યાત્રાના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સર્જાયેલ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાના ઉદેશ્ય સાથે કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવાની છે. આ ન્યાય યાત્રા બે તબક્કામાં યોજાવાની છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ન્યાય યાત્રાનું આયોજન કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે. પ્રથમ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થશે. આ ન્યાય યાત્રાનો રુટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે. કોંગ્રેસ આ યાત્રા દરમિયાન મોરબી ઝૂલતા પુલ બ્રિજ ઘટના અને રાજકોટ ગેમઝોનના પીડિતો સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાયયાત્રામાં દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવશે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.