Home Blog Page 1611

ઘરેલુ હિંસા સહન કરવી એ મહિલાની મરજી છે કે મજબૂરી ?

એક સપ્તાહ પહેલાં અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પત્નીથી ભૂલમાં શાકમાં વધારે મીઠું નંખાઈ ગયું. આ બાબતે પતિએ પત્નીને એટલી બધી મારી કે એ મરી જ ગઈ.

હા, આ બિલકુલ સત્ય હકીકત છે. પત્નીને આવા કારણસર મારી નાખવાની ઘટના કદાચ નવી હશે, પણ પતિ દ્વારા આચરાતી આવી હિંસા નવી વાત નથી. આવી રીતે તો કંઈ કેટલા વગર વાંક ગુનાએ મહિલાઓ પતિના હાથનો માર ખાતી હશે! વાત છે ઘરેલુ હિંસાની.

સવાલ એ થાય કે કોઈ સંબંધમાં પ્રેમની જગ્યા હિંસા લઈ લે તો મહિલા શા માટે સહન કરે છે, નજરઅંદાજ કરે છે, માફ કરે છે અને તે ચક્રવ્યૂહમાં કેમ ફસાયેલી રહે છે? ઘરેલુ હિંસા સહન કરવી એ મહિલાની મરજી છે કે મજબૂરી ?

એમ કહેવાય છે કે આજના યુગમાં પુરુષ-મહિલા સમોવડી છે છતા આજે પણ સમાજનો એક વરવો ચહેરો એવો પણ છે જ્યાં મહિલાઓ સતત ઘરેલુ હિંસા ભોગ બને છે. એક અંદાજ પ્રમાણે, ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે સરેરાશ 1 મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને છે.

*2024ના આંકડા જુન સુધીના છે.

વર્ષ 2023માં ગુજરાતમાંથી મહિલાઓ માટેની હેલ્પલાઈનને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં ૬૧ ટકા જ્યારે ૨૦૨૨ની સરખામણીએ ૨૨ ટકાનો વધારો થયો છે. 2024ના પ્રથમ છ મહિનાની વાત કરીએ તો રાજ્યમાં દર મહિને લગભગ 700 થી 800 કેસો નોંધાયા હતા. એટલે કે છ મહિનામાં સરેરાશ 4 હજાર કરતા વધારે ઘરેલુ હિંસાના આંકડા જોવા મળે છે. જે દર્શાવે છે કે, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, અને મહિલા સલામતી માટે વધુ પગલાં લેવાની જરૂર છે.

એક ઉદાહરણ જોઇએ. “લગ્નના 12 વર્ષ થયા પણ જીગ્નેશ માણસ ન બન્યો.” આ શબ્દો છે સંગીતાના (નામ બદલ્યું છે) સુરતના પોશ વિસ્તારમાં રહેતી સંગીતા ઉચ્ચ કંપનીમાં એચઆરના હોદ્દા પર કામ કરતી. સારો પગાર, બે સંતાનો, પતિ, લક્ઝરી લાઈફસ્ટાઈલ, પાર્ટી, વેકેશન, એન્જોય મેન્ટ કેટકેટલું હતું એની પાસે પણ બહારની દુનિયામાં. એની અંદર તો સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, “મારા પતિએ મને પહેલીવાર થપ્પડ મારી ત્યારે મેં મારી જાતને સમજાવી હતી કે તેઓ તણાવમાં છે, તે શાંત થઈ જશે. મને મારીને તરત જ મારા પગમાં પડીને માફી માંગવા લાગ્યા હતા.  મેં એમને માફ કરી દીધા હતા, મેં મારા માતા-પિતાને ત્યારે પણ હિંસા બાબતે કશું જણાવ્યું ન હતું.”

એ  કહે છે, ” હું એવું માનતી હતી કે અમારી વચ્ચે જે થઈ રહ્યું હતું એ મારાં માતા-પિતા જાણે છે એ વાતની ખબર મારા પતિને પડશે તો મને મારાં માતા-પિતાથી વધુ દૂર કરી દેશે, નારાજ થશે અને વધારે મારપીટ કરશે. લગ્નની શક્તિમાં ત્યારે મને બહુ વિશ્વાસ હતો. હું એ સમજતી ન હતી કે અમારાં લગ્નમાં પ્રેમ નહીં, પરંતુ ભય જ બચ્યો હતો. કોઈ સંબંધમાં એક વ્યક્તિ તમારા પર હાથ ઉઠાવે એનો અર્થ એ કે અણે તમારી ઇજ્જત કરવાનું છોડી દીધું છે. પહેલી થપ્પડ મારવામાં આવી ત્યારે જ હાથ પકડી લેવો જોઈતો હતો, પરંતુ આપણે સંબંધ નિભાવતા રહીએ છીએ, કારણ કે આપણે એ જ શીખ્યા છીએ. હું માનતી હતી કે હું બધું ઠીક કરી નાખીશ. પરંતુ એવુ ન બન્યું મારા પતિના મારના નિશાન રોજ હું મેકઅપ નિચે સંતાડતી. હવે મેં એને છોડી દીધો છે. એની માટે નફરત પણ નથી રહી, હું એને યાદ કરવા જ નથી માંગતી મારા બાળકો સાથે સુખી છું.”

મહિલા સહન કરશે તો એમના બાળકો પણ એવું જ શીખશે

અમદાવાદના જાણીતા પ્લેબેક સિંગર દેવાંશી શાહ ચિત્રલેખા.કોમને કહે છે,  હવે પરિવારમાં મહિલા અને પુરુષ બંને કામ કરે છે. મહિલાઓ તો ઘરમાં અને બહાર બંને જગ્યાએ કામ કરે છે, ઘણા કિસ્સામાં પતિ કરતા પણ ઘરનો વધારે ભાર મહિલા ઉપાડે છે.  હા, ઘર છે તો નાની મોટી રકઝક થાય એનું નિરાકરણ પણ આવે. પરંતુ પતિ જ્યારે હાથ ઉપાડે એ વાત કોઈપણ મહિલાઓ ક્યારેય સહન ન કરવી જોઈએ. જો મહિલા સહન કરશે તો એમના બાળકો પણ એવુ જ શીખશે. દીકરો હશે તો એમ સમજશે કે મારે પણ મોટા થઈને પપ્પાના જેમ જ કરવાનું અને દીકરી હોય તો એમ સમજી લેશે કે મારે મમ્મીની જેમ હંમેશા દબાઇને રહેવાનું.

 

શું કહે છે કાયદો

કાયદા વિશે વાત કરતા અમદાવાદની ક્રિમિનલ (ફોજદારી) કોર્ટના વકીલ પુષ્પા ચાવડા ચિત્રલેખા.કોમને કહે છે, ઘરેલુ હિંસાનો કાયદો 2005માં અસ્તિત્વમાં આવ્યો.આ કાયદો અમલમાં આવ્યો એ પહેલા પણ જો કોઈ હિંસા થઈ હોય એટલે કે ભૂતકાળમાં પણ ઘરેલું હિંસા બની હોય તો એને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. 125નો કાયદો હતો એ પત્ની, માતા અને પિતાને આવરી લેતો હતો પરંતુ હવે જે ડોમેસ્ટિક કાયદો છે એ દરેક સ્ત્રીને આવરી લે છે. એટલે કે સ્ત્રીની વ્યાખ્યા પહેલા માતા કે પત્ની પુરતી સિમિત હતી એમાં હવે તમામ સ્ત્રી આવી ગઈ એટલે કે પ્રેમ સંબંધ હોય અને એની સાથે રહ્યાં હોય એમને પણ  કાયદો લાગુ પડે છે. બીજું 125નો કાયદો જે હતો એ ભરણ પોષણને પોસતો હતો. પણ ડોમેસ્ટિકમાં સેક્શન 12માં મેજિસ્ટ્રેટને અરજી થાય અથવા તો પ્રોટેકશન ઓફિસરને અરજી થાય અને એ એનો અહેવાલ તૈયાર કરે.

જ્યારે સેક્શન 18માં રક્ષણાત્મક હુકમ કરી આપવામાં આવે છે. મહિલાને સાસરીમાંથી કાઢી મુકવામાં આવે તો સેક્શન 19 હેઠળ એને ઘરભાડું મળે અથવા વૈક્લ્પિક રહેવાની વ્યવસ્થા મળે આ જોગવાઈ હુકમ 125માં ન હતી. જ્યારે સ્ત્રી લગ્ન કરીને જાય એને સ્ત્રી ધન આપ્યું હોય અને પતિ કે એના કુટુંબ વાળા લઈ લે તો એ પાછો અપાવવા માટેનો હુકમ સેક્શન 19માં કરવામાં આવે છે. સેક્શન 20 નાણાકીય હુકમ આપે છે, 125ના કાયદાકીય હુકમ હતો એ રીતે જ એમાં પણ ભરણપોષણ આપવાનો હુકમ છે. કોઈ સ્ત્રીનું નાનું બાળક હોય એને સાસરી વાળા કે કોઈએ લઈ લીધું હોય ત્યારે સેક્શન 21 પ્રમાણે કસ્ટડી ઓર્ડર કરવામાં આવે છે. જેને સિવિલ કોર્ટની સત્તા પ્રાપ્ત થયેલી છે.

વધુમાં એ કહે છે જુના કાયદા પ્રમાણે તમને શારીરિક માનસિક ત્રાસ આપે તો એની વ્યાખ્યા એવી હતી કે માર્યુ હોવું જોઈએ અને તમે એની મેડિકલ ટ્રીટમેન્ટ લીધેલી હોવી જોઈએ. પરંતુ ડોમેસ્ટિકના કાયદામાં સેક્શન 22માં વળતળ હુકમ કરવામાં આવ્યો તો એમાં કહેવામાં આવ્યું છે કે કોઈ સ્ત્રીને ઘરમાં રોજ મહેણાં મારવામાં આવે કે એના શરીરને લઇને કોઈ પણ ટિપ્પણી કરવામાં આવે એ સ્ત્રીની લાગણીને ઠેસ પહોંચાડે છે. માટે એ ભાવનાત્મક હિંસા થઈ માટે એમાં પણ મહિલાને રક્ષણ મળે છે. ટુંકમાં 125 કરતાં ઘરેલુ હિંસાના કાયદામાં  સ્ત્રીની વ્યાખ્યા મોટી કરી છે.

125 હેઠળ ભરણપોષણ મળતું હોય અને આ કાયદા હેઠળ ભરણપોષણ જોઈએ તો કોર્ટ સંજોગોને હકીકતને ધ્યાનમાં રાખીને હુકમ કરી શકે છે એટલે પુરુષને બે જગ્યાએ ભરણ પોષણ આપવું પડે. ઘરેલુ હિંસાનો કાયદો કેન્દ્ર સરકારનો છે એટલે દેશના દરેક રાજ્યને લાગુ પડે છે.

પોતાનું જીવન જીવવાનો હક દરેક મહિલાને છે

અમદાવાદ નારી સંરક્ષણ ગૃહના નિવૃત સભ્ય અને ડીસન જન કલ્યાણ ફાઉન્ડેશનનના ટ્રસ્ટી નીતાબહેન પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે, પતિ હાથ ઉપાડે તો પત્નીએ સ્વબચાવ માટે કોઈ પણ પ્રકારના પગલા લેવા જોઈએ. જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ. હકીકતમાં તો મહિલા સમાજ, સગાસબંધી અને પરિવાર વિશે વિચારીને જ સહન કરે છે. એમને લાગે છે કે હું ફરિયાદ કરીશ તો મારા ઘરની આબરૂ જશે, કોઈ શું વિચારશે? પોતાનું જીવન જીવવાનો હક દરેક મહિલાને છે. પોતાના પર થતા અત્યાચાર સામે સો ટકા પગલા લેવા જોઈએ, 181 હેલ્પલાઈન છે, નારી અદાલત છે ઉપરાંત મહિલાઓને ઘણી બધી મદદ મળે છે, એનો ઉપયોગ કરવો જોઈએ.

 

ભૂતકાળમાં ઘરેલુ હિંસાને દર્શાવતી અનેક ફિલ્મો, વિડીયો પણ બન્યા છે. તાપસી પન્નુ ફેમ ફિલ્મ થપ્પડ પણ મહિલાના સ્વામાનની જ વાત કરે છે. આ ફિલ્મનો ઘણો વિરોધ પણ થયો હતો. કારણ કે સમાજના કહેવાતા ઉચ્ચ જ્ઞાનીઓનું માનવું એમ હતું કે એક થપ્પડને કારણે પત્નીએ છૂટાછેડા ન લેવા જોઈએ. એટલે કે જ્યાં સુધી પતિ પત્નીને માર મારીને મારી ન નાખે ત્યાં સુધી એને સહન જ કરવાનું. ખેર આવી વાત તો થયા જ કરે છે. પરંતુ અહીં સવાલ હજુ પણ એજ છે કે મહિલાઓ ક્યાં સુધી ઘરેલુ હિંસાનો શિકાર બનશે. કારણ કે સમાજને સુધરેલો કહેવા જઈએ છીએ તો આંકડાઓ સ્પષ્ટ કરે છે કે એ વાત પાયાવિહોણી છે. જો કે દરેક પુરુષ ખરાબ અને મહિલા બિચારી એવું નથી પરંતુ મારપીટના મામલે તો પુરુષો અત્યારે પણ મહિલાઓને પોતાની માલિકીની કોઈ વસ્તુ જ સમજે છે.

હેતલ રાવ

24 કલાકમાં 3 બાળકોને ભરખી ગયો ચાંદીપુરા વાયરસ..

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસે વધુ 3 બાળકોના જીવ લીધા છે. ત્યારે આ સાથે અત્યાર સુધીનું ચાંદીપુરાથી થનારા મોતનો આંકડો 56 સુધી પહોંચી ગયો છે. જ્યારે ચાંદીપુરા વાયરસના 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 131 શંકાસ્પદ કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. શંકાસ્પદ પૈકી 47 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 56 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે. રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ થયા છે. તેમજ 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજકોટમાં અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 47 પોઝીટીવ કેસ

ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 47 પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં સાબરકાંઠા-છ, અરવલ્લી-ત્રણ, મહીસાગર-એક, ખેડા-ચાર, મહેસાણા-ચાર, રાજકોટ-બે, સુરેન્દ્રનગર, અમદાવાદ કોર્પેોરેશન-ત્રણ, ગાંધીનગર-એક, પંચમહાલ-સાત, જામનગર-એક, મોરબી-એક, દાહોદ-બે, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કોર્પેરેશન, કચ્છ, સુરત કોર્પોરેશન, ભરૂચ અને પોરબંદરમાં એક-એક કેસો આવેલા છે.

સરકારી દાવા પ્રમાણે પોઝિટિવ અને શંકાસ્પદ કેસો મળ્યા છે તેની આસપાસના વિસ્તારોના 43,414 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે. 5.91 લાખ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે. જ્યારે 1.27 લાખ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. આ ઉપરાંત 24 હજારથી વધુ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને ચાર હજારથી વધુ શાળામાં સ્પ્રેઈંગ, 29 હજાર આંગણવાડીમાં પાવડર છંટકાવ કરાયો છે. રાજ્યમાં અત્યારે વાયરલ એન્કેફેલાઈટિસના 28 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 49 બાળ દર્દી સાજા થતાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં લુલુ મોલનો જમીનનો સોદો ઘોંચમાં?

અમદાવાદઃ UAE સ્થિત લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રા. લિ.એ અમદાવાદમાં જૂન, 2024માં 66,168 સ્ક્વેર મીટરનો કોમર્શિયલ પ્લોટનો AMC સાથે 519 કરોડ રૂપિયામાં કર્યો હતો. છે. હવે આ સોદામાં અવરોધ આવ્યો છે, કેમ કે AMC આ જમીનનું સંપૂર્ણ પઝેશન કંપનીને આપી શકે  એમ નથી, કેમ કે કોર્પોરેશન આ પ્લોટનો સંપૂર્ણ કબજો ધરાવતું નથી.

ચાંદખેડામાં આવેલો આ 66,168 સ્કવેર મીટરના આ પ્લોટમાંથી આશરે 10,672 સ્કવેર મીટરની જમીન ખેતીની જમીન હેઠળ છે, જેથી AMC આ પ્લોટનો સંપૂર્ણ કબજો ધરાવતી નથી. આ પ્લોટ હાલ બાલાજી અગોરા મોલની નજીક છે અને સરદાર પટેલ રિંગ રોડ, મોટેરા કોબા સર્કલ સ્થિત છે. કંપનીની યોજના અહીં એક મોટો મોલ બનાવવાની છે.

AMCએ 18 જૂને ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં જમીનના પાંચ પ્લોટના સોદા કર્યા હતા. તેમાં લુલુ ઈન્ટરનેશનલ સૌથી મોટી બિડર તરીકે વિજેતા નીવડી હતી અને ચાંદખેડાના પ્લોટ માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. આ પ્લોટનો બેઝ ભાવ 502.87 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો પ્લોટનું વેચાણ 519 કરોડમાં થયું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ પ્લોટ 99 વર્ષની લીઝ પર આપવાના બદલે તેનું વેચાણ કરવા માટે મંજૂરી આપી હતી. જૂનમાં થયેલી હરાજીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ મળીને 937 કરોડ રૂપિયા મળવાના હતા.

હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સિનિયર અધિકારીએ સ્વીકાર્યું છે કે મોટા ભાગના પ્લોટના વેચાણ માટે જે આવશ્યક ફોર્માલિટી પૂરી કરવાની હોય તે થઈ શકી નથી. ખાસ કરીને ચાંદખેડામાં લુલુ ગ્રુપને જે જમીન વેચવામાં આવી છે તેની માલિકીને લઈને અમુક સમસ્યા પેદા થઈ છે. આ સોદો તો થઈ ગયો છે, પરંતુ AMCએ પ્લોટનું પઝેશન હજુ ટ્રાન્સફર નથી કર્યું. 66,168 ચોરસ મીટરમાંથી 55,000 ચોરસ મીટર જમીન લુલુ ગ્રૂપને ટ્રાન્સફર કરવાના પ્રયાસ ચાલે છે. જૂન મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશને 22 પ્લોટ વેચાણ માટે મૂક્યા હતા તેમાંથી 6 પ્લોટ માટે ખરીદદાર મળ્યા હતા. હવે પઝેશનમાં વિલંબના કારણે આખા પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે.

સુરત મેટ્રોના ફેઝ-2નો બ્રિજ તૂટ્યો..

સુરતના મેટ્રોને લઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે. સુરતના મેટ્રો બ્રિજના બે ભાગ થવાની ઘટનાને પગલે હાલ ત્યાંનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે. મેટ્રોનો જે સ્પાન મુકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. આ બ્રિજની આ કામગીરી ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવી હતી.

વર્ષ 2022માં સુરત મેટ્રો લાઇન-2 કોરિડોરનું નિર્માણકાર્ય માટે સીએસ-6 પેકેજ હેઠળ મજૂરાથી સરોલી વચ્ચે 8.02 કિમીમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દિલીપ બિલ્ડકોન લિમિટેડને નિર્માણ માટે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર (એલઓ) જારી કર્યો હતો.મળતી માહિતી અનુસાર હવે આ તૂટેલા સ્પાનને રાત્રે ઉતારી લેવામાં આવશે.

મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે, ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે. સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

ગુજરાતને વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્રએ 4,369 કરોડ આપ્યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાતને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જ્યારે વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનેન્ટ ઓફ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળકેન્દ્રએ છેલ્લાં ત્રણેક વર્ષ ઉપરાંતના ગાળામાં ગુજરાત માટે કુલ રૂ. 218 કરોડ આપ્યા છે. જળશક્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રાજભૂષણ ચૌધરીએ ગત 29 જુલાઈ2024ના રોજ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં ગૃહમાં આ માહિતી આપી હતી.

જળશક્તિ રાજ્યમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં 2,855 જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમજ 3,305 પરંપરાગત જળાશયોનું નવસર્જન કરાયું છે તથા 6,009 પુનઃવપરાશ તથા રિચાર્જ માળખાની સ્થાપના કરવા ઉપરાંત વોટરશેડ વિકાસના 15,848 કામો પૂર્ણ કરાયા છે.પાણી એ રાજ્ય સરકારનો વિષય હોવાથી ટેકનિકલ અને નાણાકીય સહાયતા દ્વારા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને કેન્દ્ર સહાયરૂપ થાય છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) અને અમૃત 2.0 મિશન માટે રૂ. 77,650 કરોડના મંજૂર કરાયેલા પ્લાનમાંથી રૂ. 39,011 કરોડ જેટલી નોંધપાત્ર રકમ પાણી પૂરવઠા સેક્ટર માટે ફાળવાઈ છે. અત્યારસુધીમાં હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયે (MoHUA) આશરે રૂ. 1,13,358.44 કરોડનો ખર્ચ ધરાવતા 3,543 પાણી પૂરવઠા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. તદુપરાંત, અમૃત 2.0 હેઠળ MoHUA દ્વારા રૂ. 5432.21 કરોડના મૂલ્યના 2,713 જળાશય નવસર્જન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દેવાઈ છે.

કેરળના વાયનાડમાં ભારે તબાહી, 84ના મોત

કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મંગળવારે સવારે થયેલા મોટા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ સિવાય સેંકડો લોકો ફસાયેલા છે, તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઝડપી ગતિએ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને વિનાશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રાજ્યથી લઈને કેન્દ્ર સુધી તે એક્ટિવ મોડમાં હોવાનું જણાય છે. કેરળ સરકારે મંગળવાર અને બુધવાર માટે રાજ્યમાં સત્તાવાર શોક જાહેર કર્યો છે. વાયનાડ ભૂસ્ખલન ખૂબ જ ચોંકાવનારી ઘટના છે કારણ કે તેમાં ઘણા લોકોના મોત થયા છે. પુલ તૂટી પડ્યો છે અને પાણી હજુ પણ વહી રહ્યું છે. સ્થિતિ વણસી ગઈ છે. ભૂસ્ખલન સ્થળ પર અકલ્પનીય પરિસ્થિતિ છે. એક ગામ સાવ અલગ અને ધોવાઈ ગયું છે. કેરળ સરકારે રાહત કાર્ય શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકાર, એરફોર્સ, એનડીઆરએફ તમામ ત્યાં પહોંચી ગયા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે હાથ ધરવામાં આવે છે?

આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મલપ્પુરમના નીલામ્બુર વિસ્તારમાં વહેતી ચાલિયાર નદીમાં ઘણા લોકોના વહી જવાની આશંકા છે. આ દરમિયાન મુંડક્કાઈમાં અનેક મકાનો, દુકાનો અને વાહનો કાટમાળ નીચે દટાયા છે. સ્થળ તરફ જતો એક પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે બચાવમાં મુશ્કેલી પડી રહી છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ખાતરી આપી છે કે અસ્થાયી પુલ બનાવવા, હેલિકોપ્ટર દ્વારા લોકોને બહાર કાઢવા અને દુર્ઘટના સ્થળે જરૂરી વ્યવસ્થા કરવા માટે સેનાની મદદ લેવામાં આવશે.

વાયુસેનાના બે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે લેન્ડિંગમાં મુશ્કેલી પડી રહી છે. NDRFની વધારાની ટુકડીને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બચાવ કામગીરી માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે. સેનાની ચાર ટુકડી બચાવ સ્થળ પર પહોંચી ગઈ છે, જેમાં 225 સૈનિકોનો સમાવેશ થાય છે. ઘાયલોની મદદ માટે સેનાના એકમોમાં તબીબી કર્મચારીઓ પણ સામેલ છે.

વાયનાડના ગામોમાં કેટલું નુકસાન થયું?

ભૂસ્ખલનથી ગામડાઓમાં મોટા પાયે વિનાશના નિશાન જોવા મળ્યા છે. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોનું ચિત્ર બદલાઈ ગયું છે અને તેઓ અન્ય ભાગો સાથે સંપર્ક ગુમાવી ચૂક્યા છે. પૂરના પાણીમાં વહી ગયેલા વાહનો અનેક જગ્યાએ ઝાડની ડાળીઓમાં ફસાયેલા જોવા મળ્યા છે અને અહીં-ત્યાં ડૂબી ગયા છે. વહેતી નદીઓએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને રહેણાંક વિસ્તારોમાં વહી રહી છે, જેના કારણે વધુ વિનાશ થઈ રહ્યો છે.

પહાડો પરથી નીચે ઉતરી રહેલા મોટા પથ્થરો બચાવકર્મીઓના માર્ગમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. બચાવ કામગીરીમાં લાગેલા લોકો ભારે વરસાદ વચ્ચે મૃતદેહો અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળ્યા હતા. ભૂસ્ખલનની ઘટનાઓને કારણે મોટા પાયે વૃક્ષો ધરાશાયી થયા છે અને પૂરના પાણીને લીધે લીલાછમ વિસ્તારોનો નાશ થયો છે.

કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું, ‘અમે અમારા લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. અમને વિવિધ હોસ્પિટલોમાં મૃતદેહો મળ્યા છે. લગભગ 70 લોકો ઘાયલ પણ થયા છે. અમે ઘાયલોની યોગ્ય સારવારની ખાતરી આપી છે. NDRF અને નાગરિક સંરક્ષણ ટીમો ત્યાં હાજર છે; ટૂંક સમયમાં નેવીની ટીમ પણ ત્યાં પહોંચશે. આ વિસ્તારમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે.

ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી

વલ્લાથોલ નગર અને વડકાંચેરી વચ્ચે ભારે પાણી ભરાવાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમાંથી ટ્રેન નંબર 16305 એર્નાકુલમ-કન્નુર ઇન્ટરસિટી એક્સપ્રેસને થ્રિસુર ખાતે રોકી દેવામાં આવી છે. ટ્રેન નંબર 16791 તિરુનેલવેલી-પલક્કડ પલારુવી એક્સપ્રેસને અલુવા ખાતે રોકવામાં આવી હતી. ટ્રેન નંબર 16302 તિરુવનંતપુરમ-શોરાનુર વેનાડ એક્સપ્રેસને ચાલકુડી ખાતે રોકી દેવામાં આવી હતી. ટ્રેક પાણીથી ભરાઈ ગયો છે.

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ કેરળના સીએમ સાથે વાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન અંગે કેરળના સીએમ પી. વિજયન સાથે વાત કરી હતી. રાહત અને બચાવમાં શક્ય તમામ મદદની ખાતરી આપતાં પીએમએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેમને આશા છે કે કાટમાળ નીચે દટાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. તેમણે કેરળના સીએમ સાથે બચાવ કામગીરી અંગે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં વાયનાડ પણ જઈ શકે છે. જો કે હજુ સુધી કોંગ્રેસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

રેડ એલર્ટના કારણે હેલિકોપ્ટર ઉડી શકતા નથી

કેરળના મુખ્ય સચિવ ડૉ. વી. વેણુનું કહેવું છે કે સ્થિતિ હજુ પણ ઘણી ગંભીર છે. 70 થી વધુ મૃતદેહો અમારી હોસ્પિટલોમાં પહોંચ્યા છે. તપાસ અને પોસ્ટમોર્ટમ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અમને સમાચાર મળ્યા છે કે વધુ લોકો ગુમ છે અને મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. એક નાની ટીમ નદી પાર કરવામાં સફળ રહી છે, પરંતુ અમારે મદદ પૂરી પાડવા અને નદીની બીજી બાજુ બચાવ કામગીરી શરૂ કરવા માટે વધુ લોકોને મોકલવાની જરૂર છે. તેમણે કહ્યું કે આજે અને કાલે રેડ એલર્ટ છે, તેથી અમારા હેલિકોપ્ટર ઉડી શકતા નથી. NDRF પુરી તાકાત સાથે કાર્યરત છે. અમારી પાસે આર્મી બેકઅપ છે.

બનાસની ‘ડ્રોન દીદી’, દવાના છંટકાવથી 1 લાખની કરી કમાણી

ગાંધીનગર: ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામસ્વરૂપે આજે ગામડાની મહિલાઓ દેશભરની અન્ય મહિલાઓ માટે પ્રેરણાની અનોખી દૃષ્ટાંત બની છે. આજે આપણે વાત કરીએ બનાસની ડ્રોન દીદી આશાબેન ચૌધરીની, જેઓ ગામડામાં રહીને તેમના સપના સાકાર કરી રહ્યાં છે.

બનાસની ‘ડ્રોન દીદી’

ડ્રોનના ઉપયોગથી મહિલાઓને આર્થિક રીતે અગ્રેસર કરવા માટે વર્ષ 2023થી સરકારે ‘નમો ડ્રોન દીદી યોજના’ અમલમાં મુકી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરતા શીખવવાનો છે. ડ્રોન દીદી યોજના માટે, 10 થી 15 ગામોની સ્વસહાય જૂથની મહિલાઓને એકસાથે તાલીમ આપવામાં આવે છે, જેમાં ડ્રોન ચલાવવા માટેની 15 દિવસની તાલીમ પણ સામેલ છે. ગુજરાતમાં આવા જ એક ડ્રોન દીદી છે – આશાબેન ચૌધરી.બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી 31 વર્ષીય આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારથી સંબંધ ધરાવે છે. તેમણે મેકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે ડ્રોન દીદી કાર્યક્રમ અંતર્ગત તાલીમ મેળવીને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને આવક મેળવી રહ્યાં છે.

પહેલા ઇન્ટરવ્યૂ, પછી પૂણેમાં પરીક્ષા પાસ કરી

ડ્રોન ઉડાન ક્ષેત્રમાં સામેલ થવા અંગે આશાબેન જણાવે છે, “મને ડ્રોન વિશે કંઇ ખબર ન હતી પણ સખીમંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં હું સામેલ રહેતી એટલે મને ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી. તે કાર્યક્રમ અંતર્ગત 2023માં મેં પૂણેમાં 15 દિવસની તાલીમ લીધી હતી. તે પહેલા ઇફ્કોમાં અમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂણેમાં મેં પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ડ્રોનના ઉડ્ડયન તેમજ ડી.જી.સી.એ.ના નિયમો અંગેના પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા હતા. ત્યાંથી તાલીમ લીધા બાદ મેં બનાસકાંઠામાં ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું અને અત્યારે મારી પાસે કામ ખૂટતું જ નથી. ”ડ્રોનને ફિલ્ડમાં લઇ જવા ઇ વ્હિકલ, વીજળી માટે જનરેટર સેટ

આશાબેન પાસે મીડિયમ સાઇઝનું ડ્રોન છે. તેને ફિલ્ડમાં લઇ જવા માટે ઇ વ્હિકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વિજળીનો સપ્લાય ન મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે. આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, માત્ર છ મહિનામાં જ તેમને આ કામ દ્વારા એક લાખથી વધુની આવક થઇ છે.

સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ

ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓના છંટકાવ અંગેના ફાયદા વિશે આશાબેન જણાવે છે, “ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બન્નેની બચત થાય છે. તેમાં દવા અને પાણી બન્નેનું પ્રમાણ ઓછું રહે છે, પણ છંટકાવ યોગ્ય થાય છે. સાત મિનિટની અંદર ડ્રોન એક એકર વિસ્તારમાં છંટકાવ કરી શકે છે. વરિયાળી જેવા ઊંચા પાકોમાં ડ્રોનથી છંટકાવ એ ખૂબ જ સુલભ વિકલ્પ છે. ડ્રોનથી છંટકાવ કરાવ્યો હોય તેવા ખેડૂતોની આઇ ખેડૂત પર નોંધણી કરાવીએ છીએ જેથી તેમને રાજ્ય સરકાર તરફથી વળતર પણ મળે છે.”

 “હવે અમદાવાદ અને સુરેન્દ્રનગરથી પણ ઓર્ડર આવે છે”

આશાબેનના જણાવ્યા અનુસાર ડ્રોનને ઓપરેટ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. તેઓ ખેતરનો નક્શો ડ્રોનમાં ફીડ કરે છે અને કમ્પાસ કેલિબ્રેશન કરીને ડ્રોનને નિર્ધારિત વિસ્તારમાં ઓપરેટ કરે છે. તેમની આ કામગીરીથી આસપાસના ખેડૂતોમાં તેમની પ્રસિદ્ધિ દિવસે ને દિવસે વધી રહી છે અને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે હર્ષભેર જણાવ્યું, “મને તો હવે સુરેન્દ્રનગર અને અમદાવાદથી પણ સતત કોલ આવી રહ્યા છે.  આ કામ કરવામાં મને ખુબ આનંદ આવી રહ્યો છે અને આસપાસના લોકો બાળકીઓને મારું ઉદાહરણ આપે છે.”

“માત્ર સરકારી નોકરીથી જ સફળ નથી થવાતું..”

આશાબેન આશાપુરી સખીમંડળ ચલાવે છે અને સાથો-સાથ અન્ય ઘણા સખીમંડળોના માધ્યમથી આસપાસની મહિલાઓને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. તેઓ બે બાળકીઓના માતા છે અને તેમના પરિવાર તરફથી પણ તેમને આ કામગીરી માટે પૂરતો સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજ્યની અન્ય મહિલાઓને પ્રેરિત કરતા તેમણે કહ્યું કે, “માત્ર સરકારી નોકરી હોય તો જ સફળ થવાય એ જરૂરી નથી. સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે અને ઘણા નવા ક્ષેત્રો ખુલ્યા છે. હું મહિલાઓને કહીશ કે તેઓ સક્રિય રીતે આ યોજનાઓમાં ભાગીદાર બને. હું કામ પણ કરું છું અને મારા પરિવારને સારી રીતે સમય પણ આપી શકું છું.”ગુજરાતમાં 58 મહિલાઓને તાલીમ મળી

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં  પ્રારંભિક ધોરણે અંદાજીત 500થી 1000 ડ્રોન સ્વ સહાય જૂથોને આપવાનું  નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં IFFCO ,GSFC અને GNFC દ્રારા અનુક્રમે  18 ,20 અને 20 મળી કુલ  58 મહિલાઓને ડ્રોન તાલીમ આપીને ડ્રોન આપવામાં આવ્યા છે.

 

શું EPS સબસ્ક્રાઇબર્સને મળશે લઘુતમ 7500નું માસિક પેન્શન?

નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવનારા પેન્શનર્સને લઘુતમ માસિક પેન્શન રૂ. 7500 કરવા સહિતની માગોના સમર્થનમાં 31 જુલાઈએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે લાંબા સમયથી રેગ્યુલર પેન્શન ફંડમાં યોગદાન કરવા છતાં પેન્શનર્સને એટલું ઓછું પેન્શન મળે છે કે તેમનો જીવનનિર્વાહ કરવો પણ મુશ્કેલ બને છે. EPFના લઘુતમ પેન્શનમાંથી મહિનેદહાડે એક લિટર દૂધના પૈસા પણ નથી નીકળતા.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષથી દેશભરના 78 લાખ પેન્શનર્સ મિનિમમ પેન્શન વધારવાની માગ કરી રહ્યા છે, પણ સરકાર અત્યાર સુધી તેમની માગોને મુદ્દે આંખ આડા કાન કરતી આવી છે અને સરકાર તેમની માગને સતત નજરઅંદાજ કરી રહી છે.

EPS એટલે કે એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ-95 હેઠળ આવતા કર્મચારીઓની બેઝિક સેલરીનો 12 ટકા હિસ્સો પ્રોવિડન્ટ ફંડ એટલે કે FDમાં જાય છે, જ્યારે કંપનીના 12 ટકા હિસ્સામાંથી 8.33 ટકા EPSમાં જાય છે. આ સિવાય પેન્શન ફંડમાં સરકાર પોતાની તરફથી 1.16 ટકાનું યોગદાન કરે છે.

હાલ પેન્શનર્સને સરેરાશ માત્ર રૂ. 1450 માસિક પેન્શન મળે છે. પેન્શનર્સ મોંઘવારી ભથ્થાની સાથે મૂળ પેન્શન રૂ. 7500 માસિક કરવાની અને પેન્શનર્સના જીવનસાથી (પતિ કે પત્ની)ને મફત આરોગ્યની સુવિધા આપવા સહિતની માગ સરકાર પાસે કરવામાં આવી છે. વડા પ્રધાન, નરેન્દ્ર મોદીથી બે વાર અને નાણાપ્રધાન અને શ્રમપ્રધાન પાસે રજૂઆત કરવામાં આવી છતાં હજી સુધી નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જેને પગલે પેન્શનર્સમાં નિરાશા વધી છે. જેથી અમે અમારી સમસ્યા ઉકેલવા માટે રાજકીય પક્ષો પાસે ટેકો માગી રહ્યા છે. અમારો સંઘર્ષ જારી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

સંઘર્ષ સમિતિના રષ્ટ્રીય સચિવ રમેશ બહુગુણાએ કહ્યું હતું કે સમિતિની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક 29-30 જુલાઈએ દિલ્હીમાં થઈ રહી છે. એમાં પેન્શનર્સની માગ પર ચર્ચા છે અને આવતી કાલે પણ થશે. જો માગો પૂરી નહીં થાય તો 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટે જંતર-મંતર પર ધરણાં કરવામાં આવશે, જેમાં દેશભરના પેન્શનધારક સામેલ થશે.

 

 

 

 

 

 

 

 

લવ જેહાદ પર યુપી વિધાનસભામાં બિલ પાસ

લવ જેહાદ છોડો અથવા રામ નામ સત્ય માટે તૈયાર રહો… આ શબ્દો હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના. રાજ્યના વડા તેમની ચેતવણીને વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છે. સોમવારે યુપી એસેમ્બલીમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ (સુધારો) બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે મંગળવારે પસાર થયું હતું. યોગી સરકારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લવ જેહાદને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. લવ જેહાદ રોકવા માટે 2020માં યુપી પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન ઓર્ડિનન્સ પસાર કરવામાં આવ્યો હતો. 2021 માં, તેને વિધાનસભામાં પસાર કરીને ઔપચારિક રીતે કાનૂની દરજ્જો આપવામાં આવ્યો હતો. તે સમયે, આ કાયદા હેઠળ મહત્તમ 10 વર્ષની સજા અને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. નવા બિલમાં ગુનાનો વ્યાપ અને સજા બંને વધારવાનો પ્રસ્તાવ છે.

સુધારેલા કાયદામાં છેતરપિંડી અથવા બળજબરીથી ધર્મ પરિવર્તનના કેસોમાં કાયદો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યો છે અને વધુમાં વધુ આજીવન કેદ અથવા 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સુધારેલા વિધેયકમાં મહિલાને છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તનની લાલચ આપી તેની સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કરવા અને તેને હેરાન કરવાના દોષિતોને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ હતી.

પાંજરા પોળ વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી..

અમદાવાદ: પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ, અમદાવાદ સુધી બ્રીજ નિર્માણને લઈ AMC અને પાંજરાપોળ સ્થાનિકો સામે-સામે આવ્યા છે. ત્યારે આ વિવાદમાં આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજી દાખલ થઈ છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગ્રીન કવર લગભગ ખતમ થવા પર છે અને એ દિવસો દૂર નથી કે જ્યારે અમદાવાદ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની ગયું હશે.

હાઇકોર્ટે વૃક્ષછેદન, ટ્રાફિકની સમસ્યા, અકસ્માત, હેલ્મેટ સહિતના અન્ય મુદ્દાઓને પણ અરજીમાં આવરી લઈ જરૂરી સુધારો કરવા પણ અરજદારપક્ષને નિર્દેશ કર્યો હતો. આ વિસ્તારના 20 જેટલા સ્થાનિક રહીશો દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં સિનિયર ઍડ્વોકેટ મીહિર ઠાકોર દ્વારા એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા પાંજરાપોળ ક્રોસ રોડથી આઇઆઇએમ સુધી વઘુ એક ફલાયઓવર બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે પરંતુ વાસ્તવમાં આ બ્રિજની કોઈ જરૂરિયાત જ નથી. 275 મીટરના અંતરે એક બ્રિજ પહેલેથી જ છે, તેથી આ નવા ફલાયઓવરની કોઈ જરૂરિયાત નથી. બીજું, કે અમ્યુકો સત્તાવાળા દ્વારા આ સૂચિત ફલાયઓવરને લઈને આ વિસ્તારના વર્ષો જૂના અને પ્રાચીન વૃક્ષોને આડેધડ રીતે કાપવા જઈ રહ્યા છે. જેમાં ચારથી વઘુ મોટા અને જૂના વૃક્ષો કાપી પણ નાખ્યા છે, જેને લઈ સ્થાનિક રહીશોએ અને આ રોડ પરથી અવરજવર કરતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી પ્રસરી છે.

આ સમગ્ર રોડવાળો વિસ્તાર ગ્રીન કવર છે અને વર્ષો જૂના અને મોટા ઘટાદાર વૃક્ષોના ગ્રીન કવરથી એકદમ હરિયાળો છે અને અમ્યુકો વિકાસના ઓઠા હેઠળ વર્ષો જૂના વૃક્ષોના ગ્રીન કવર અને હરિયાળી ક્રાંતિનું નિકંદન કાઢવા માંગે છે, જે કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી. વાસ્તવમાં આ રોડ પર છેલ્લા દસ વર્ષમાં ટ્રાફિક ઘટ્યો છે, 2012ના વર્ષ કરતાં 2020માં આ રોડ પરનો ટ્રાફિક 15 ટકા સુધી ઘટ્યો છે. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો કે, સમગ્ર દેશમાં અમદાવાદમાં હરિયાળા વૃક્ષોનું ગ્રીન કવર સૌથી ઓછું છે. વર્ષ 2011માં 17.96 સ્કવેર કિલોમીટર ગ્રીન કવર હતું, જે ઘટીને અત્યારે માત્ર 9.41 સ્કવેર કિ.મી ગ્રીન કવર બચ્યું છે. આમ, 2011થી લઈ અત્યારસુધીમાં અમદાવાદ શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટ્યું છે, જે બહુ આઘાતજનક કહી શકાય. અમદાવાદની સરખામણીએ બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં ગ્રીન કવર વઘુ છે.