
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે, આદિવાસીઓના શિક્ષણ પર મૂક્યો ભાર
વડોદરા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. શહેરના એરપોર્ટથી “આદિવાસી અધિકાર બંધારણ પરિષદ”માં ભાગ લેવા માટે સીધા પહોંચી ગયા હતા. આ કાર્યક્રમમાં તેમણે ઘટતા જતા વન વિસ્તાર અને આદિવાસી સમુદાયોને મુખ્ય પ્રવાહમાં સામેલ ન કરવા બદલ સરકારની ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ સરકારને એવી શિક્ષણ પ્રણાલી વિકસાવવાની સલાહ આપી, જે આદિવાસી બાળકોની ભાગીદારી વધારે અને જંગલો પર આદિવાસી શાસન સુનિશ્ચિત કરે. તેમણે ભાર મૂક્યો હતો કે વિકાસ હેતુ માટે સંપાદિત જમીન પર આદિવાસી સમુદાયોનો નિયંત્રણ હોવો જોઈએ.
રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, બિરસા મુંડાજી સામે હાથ જોડે છે પણ પાવર આપવાનો કે ધન આપવાનો સમય આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. કોંગ્રેસે મનરેગા યોજના શરૂ કરી હતી. થોડા દિવસ પહેલા કેરળમાં મારી વાતચીત થઈ. આદિવાસીઓને, દલિતોને ફ્રીમાં આપવામાં આવે છે તે ક્યારે બંધ થશે?. મેં તેમને જવાબ આપ્યો કે, જે દિવસે અદાણી જેવા લોકોને ફ્રીમાં આપવાનું બંધ થશે એ દિવસે આદિવાસીઓને ફ્રીમાં મળતું બંધ થઈ જશે. મનરેગામાં ફ્રીમાં કંઈ નથી મળતું મજૂરી કરીને પૈસા આપવામાં આવે છે અને તેને ફ્રી કહેવામાં આવે છે. અદાણીજીના લાખો-કરોડ માફ કરવામાં આવે છે તે ફ્રી નહીં વિકાસ છે. ભાજપ કોની પ્રગતિ કરે છે? 90 ટકા પ્રજાની કે 500-1000 લોકોની. કોનો વિકાસ થઈ રહ્યો છે? ગરીબોનો ખેડૂતોનો? કે અબજપતિઓનો?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આજની મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી આજે સંવાદ કરવાના છે.
ધોળકાના ઈંગોલીમાં ક્રિકેટ રમતા બે જૂથ વચ્ચે બબાલમાં ફાયરિંગ
અમદાવાદ: ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારે નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. રજાના દિવસે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે તકરાર થઈ હતી. સામાન્ય બોલાચાલીએ હિંસકસ્વરૂપ ધારણ કરતા જાહેરમાં ફાયરિંગની ઘટના બની. જેના કારણે સમગ્ર પંથકમાં ભય માહોલ ફેલાયો હતો.
ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન કોઈ બાબતે તકરાર થતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ બબાલ એટલી વધી ગઈ કે ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના વ્યક્તિએ તેની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ધોળકા ડિવિઝનના Dy.S.P., ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર વહિદખાન પઠાણ પાસે રિવોલ્વરનું માન્ય લાયસન્સ છે કે નહીં? જો લાયસન્સ હોય, તો કાયદાનો ભંગ કરીને જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવા બદલ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જો હથિયાર ગેરકાયદે હોય, તો તે ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગેની પૂછપરછ કરાશે. હાલ ધોળકા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે, કોરોનાની જેમ તૈયાર રહેવું પડશે: PM મોદી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. દેશ સામે પડકારો ખૂબ વધી ગયા છે. વિશ્વભરના લોકો યુદ્ધ રોકવા માટે અપીલ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા ભારતનાં ઘણાં જહાજો સુરક્ષિત રીતે દેશમાં પરત આવ્યાં છે. સંકટના આ સમયમાં દેશે અગાઉથી કરેલી કેટલીક તૈયારીઓ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. છેલ્લાં 11 વર્ષમાં ઇથેનોલના ઉત્પાદન અને તેની બ્લેન્ડિંગ ક્ષમતા વધારવા માટે અભૂતપૂર્વ કામ થયું છે. એક દાયકા પહેલાં દેશમાં માત્ર એકથી 1.5 ટકા જેટલી ઇથેનોલ બ્લેન્ડિંગ ક્ષમતા હતી, જ્યારે હવે ભારત પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગના લક્ષ્યની નજીક પહોંચી ગયું છે. તેને કારણે દર વર્ષે અંદાજે સાડા ચાર કરોડ બેરલ જેટલું તેલ આયાત ઓછું કરવું પડે છે, એમ તેમણે જણાવ્યું હતું.
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે અને દેશે કોરોના કાળ જેવી તૈયારી રાખવી પડશે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ આજે 24મા દિવસે પહોંચી ગયું છે. આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ આ સંઘર્ષે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઊભું કર્યું છે. ભારતમાં પણ ગેસની અછત અનુભવાઈ રહી છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષોએ ભારતની વિદેશ નીતિ અને કેન્દ્ર સરકાર પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના જવાબ વડા પ્રધાન મોદીએ લોકસભામાં આપ્યા હતા.
લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. ઉપરાંત સમુદ્રમાં ચાલતા કોમર્શિયલ જહાજોમાં ભારતીય ક્રૂ સભ્યોની સંખ્યા પણ મોટી છે. તેથી ભારતની ચિંતાઓ સ્વાભાવિક રીતે વધુ છે. તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં ભારતની સંસદમાંથી એકમત અને એકજૂટ અવાજ વિશ્વ સુધી પહોંચવો જરૂરી છે. યુદ્ધ શરૂ થયા પછીથી જ પ્રભાવિત દેશોમાં જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે.
Speaking in the Lok Sabha. https://t.co/BIrR385m4O
— Narendra Modi (@narendramodi) March 23, 2026
ભારત માટે ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર જેવી ઘણી જરૂરી વસ્તુઓ મોટી માત્રામાં હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. યુદ્ધ બાદ ત્યાં જહાજોની અવરજવર ખૂબ પડકારજનક બની ગઈ છે. છતાં સરકારનો પ્રયત્ન રહ્યો છે કે પેટ્રોલ-ડીઝલ અને ગેસની સપ્લાય પર ઓછામાં ઓછી અસર પડે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન થાય — આ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
ખેડૂતોને રાહત, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબાવાઈ
ગાંધીનગર: ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો આગામી 27મી માર્ચ, 2026 સુધી નોંધણી કરાવી શકશે.
અગાઉ ઘઉંની ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બીજી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મુદત લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને સરકારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ 15 દિવસ માટે ખુલ્લી મૂકી છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંના પાક માટે આકર્ષક ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ટેકાનો ભાવ પ્રતિ 20 કિલો 517 રૂપિયા નક્કી કરાયા છે. બજાર ભાવ અને કુદરતી આફતો વચ્ચે ખેડૂતોને આર્થિક સુરક્ષા મળી રહેશે.
હાલમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આવા સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા લંબાવવામાં આવતા ખેડૂતોને મોટો આર્થિક ટેકો મળી રહેશે. ઉત્તર ગુજરાતમાં ઘઉંનું વ્યાપક વાવેતર થયું હોવાથી મહત્તમ ખેડૂતો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.
દુબઈથી ચાલતો હાઇટેક ઓનલાઇન જુગાર : પાંચની ધરપકડ
વડોદરા: શહેર નજીક આવેલા ભાયલીના એક ફ્લેટમાં દુબઈથી ચાલતા હાઈટેક ઓનલાઇન જુગારનો ધંધો પકડાયો છે. જિલ્લા પોલીસે આ કેસમાં એક યુવતી સહિત પાંચ શખ્સની ધરપકડ કરી. દુબઈના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ હેલ્પ લાઇનને ભાયલી ગામે સિધ્ધિ વિનાયક સોપાન ફ્લેટના એક ઘરમાં ગેરકાયદેસર પ્રવ્રુતિ થતી હોવાની માહિતી મળી હતી. પોલીસે ફ્લેટમાં દરોડો પાડી તપાસ કરતા ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેરકાનૂની ઓનલાઇન સટ્ટો રમાડાતો હોવાનું જણાવા મળ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા પાંચ શખ્સો હર્ષિત ઉર્ફે બ્રહ્મા જે મૂળ રાયપુર છત્તિસગઢનો રહેવાસી છે અને હાલ તે દુબઇમાં રહે છે. જેના કહેવા મુજબ નાગરિકોના બેંક ખાતા ખોલાવી તેના દ્વારા આપવામાં આવતી ગેમિંગ વેબસાઈટો તથા એપ્લિકેશન દ્વારા તીનપત્તી, રોલેટ, અંદર બહાર, રમી જેવી પ્રતિબંધિત જુગાર લગતી ગેમનું ટેલીગ્રામ દ્વારા પ્રમોશન કરી ગ્રાહકો બનાવી તેઓને તેની પાસે રહેલી માસ્ટર આઇ.ડી.થી ગ્રાહકોને આઇ.ડી.પાસવર્ડ આપી તેઓને આ પ્રતિબંધિત જુગારને લગતી ગેમો રમવા માટે એક્સેસ આપ્યું હતું.
પકડાયેલા આરોપીઓમાં દર્શન દિલીપ, જોકિમ મેકવાન, શેખર પ્રદિપ, ધ્રુતિ મેકવાન તેમજ મોહમ્મદ આરિફ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓના કબ્જામાંથી ઓનલાઇન સટ્ટા રમાડવાની સાધન સામગ્રી મળી આવી. જેમાં 2 લેપટોપ તથા 16 મોબાઇલ મળી કુલ રૂ.1.51 લાખનો કુલ મુદ્દામાલ અને સ્કીન શોટના ડોક્યુમેન્ટ તથા બે પાસપોર્ટ, અલગ અલગ બેંકના 12 ડેબિટ/ક્રેડિટ કાર્ડ, જીઓ કંપનીના 2 વાઇફાઇ બોક્ષ, અલગ અલગ ચાર્જર તથા 9 એક્સટેન્સન મળી આવેલ. કુલ રૂ.1.81 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના આલમગઢ ગામે તળાવમાં નહાવા પડેલા બે યુવક ડુબ્યા
વડોદરા: રવિવારે જિલ્લામાં ડૂબવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. વાઘોડિયાના આલમગઢ તળાવમાં નહાવા પડેલા ચાર મિત્રોમાંથી બે યુવકો લાપતા થયા. જ્યારે શિનોર પાસે નર્મદા નદીમાં એક પરિક્રમા માટે આવેલો યુવક ડુબ્યો હોવાની ઘટના બની. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયની શોધખોળ તેજ કરવામાં આવી. તળાવમાં કાદવ હોવાથી મૃતદેહો અંદર ફસાઈ ગયા હોવાની શક્યતા છે. જેને કારણે શોધખોળમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે 22મી માર્ચેં ચાર યુવકો તળાવમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. જોકે, બે યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે બે યુવકો ડૂબ્યા હતા. સાંજ સુધી બંનેની કોઈ ભાળ ન મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. ફાયર ટીમ દ્વારા બોટ અને ડાઈવર્સની મદદથી તળાવમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બીજી ઘટના શિનોર તાલુકામાં બની. જ્યાં નર્મદા પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં ડૂબ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક નર્મદા મૈયાના દર્શન કરવા અને સ્નાન કરવા ગયો હતો. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આજે ફરીથી વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બંને સ્થળોએ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે. જ્યારે ગ્રામ્ય પોલીસ પણ આ બંને મામલે તપાસ કરી રહી છે.


નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, “રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી.”


