Home Blog Page 1621

ડ્રગ્સ કેસ મામલે મમતા કુલકર્ણીનેે લઈ કોર્ટે આપ્યો નિર્ણય, શું હતો સમગ્ર મામલો?

મુંબઈ: અભિનેત્રી મમતા કુલકર્ણીને ડ્રગ સંબંધિત કેસમાં મોટી રાહત મળી છે. હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે સંપૂર્ણ પુરાવાના અભાવે કુલકર્ણી વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરી દીધી છે. અભિનેત્રી મમતાએ અરજી કરી હતી અને કહ્યું હતું કે તેને ડ્રગ્સ કૌભાંડમાં ફસાવવામાં આવી રહી છે. તેમની અરજી પર સુનાવણી કર્યા પછી બોમ્બે હાઈકોર્ટે નવો નિર્ણય લીધો છે અને કુલકર્ણીને ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર કરી છે કારણ કે એફઆઈઆરમાં તેમની વિરુદ્ધ કરવામાં આવેલા આરોપો સિવાય તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

મમતા કુલકર્ણીને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે
હાઈકોર્ટે મમતા કુલકર્ણી સામે ચાલી રહેલા 2000 કરોડ રૂપિયાના ડ્રગ સ્મગલિંગ કેસને રદ કરી દીધો છે. અભિનેત્રી પર તેના પતિ વિકી ગોસ્વામી સાથે ડ્રગ્સ સ્મગલિંગનો આરોપ હતો. કોર્ટે કહ્યું કે મમતા વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. આ કારણોસર આ કેસ બંધ છે. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશમુખની ખંડપીઠે કુલકર્ણી સામેના ડ્રગ્સ કેસને રદ કર્યો છે.

મમતા કુલકર્ણી ડ્રગ્સના કેસમાં નિર્દોષ જાહેર
તમને જણાવી દઈએ કે અભિનેત્રી મમતા કુલકર્ણીએ પતિ સાથે કેન્યા શિફ્ટ થતા પહેલા 50 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીનો પતિ વિકી ગોસ્વામી ડ્રગ માફિયા છે જે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ નિયંત્રિત પદાર્થ એફેડ્રિનના ઉત્પાદન અને પ્રાપ્તિ પાછળ કથિત માસ્ટરમાઇન્ડ તરીકે ફસાયેલ છે. આ કેસમાં અભિનેત્રીના વકીલે વર્ષ 2018માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. અભિનેત્રીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને તે આ કેસમાં નિર્દોષ છે. અભિનેત્રીએ તેની સામેનો કેસ રદ કરવાની પણ માંગ કરી હતી.

શું હતો સમગ્ર મામલો?

સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલી અભિનેત્રી મમતા કુલકર્ણી 2016 ના ડ્રગ સ્મગલિંગ કેસમાં આરોપીઓમાંની એક હતી જેમાં 2000 કરોડ રૂપિયાનું એફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસ મામલે તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

મમતા કુલકર્ણીએ રાજ કુમાર અને નાના પાટેકરની 1992માં આવેલી ફિલ્મ ‘તિરંગા’થી ડેબ્યૂ કર્યું હતું. મમતાએ 1990ના દાયકામાં ‘કરણ અર્જુન’, ‘ક્રાંતિવીર’, ‘વક્ત હમારા હૈ’, ‘સબસે બડા ખિલાડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાયા..

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સારા વરસાદને પગલે તમામ જળાશયોમાં પાણીની આવક નોંધાય રહી છે. જેમાં સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.86%, કચ્છના 20 જળાશયોમાં 50.8% પાણી છે તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 50.34% પાણી તો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમ 53.67 ટકા પાણીથી ભરાયો છે. અહીં નોંધનીય છે વાત છે કે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, અને 132 ડેમોમાં હજુ પણ 70% કરતાં ઓછા પાણીનો સંગ્રહ છે.

 ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનો રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયોમાં પાણી ભારે માત્રમાં આવક નોંધાય છે. જેમાં દેવભૂમિ દ્રારકામાં વરસાદની તોફાની બેટિંગ નોંધાય હતી. ભારે વરસાદના પગલે જિલ્લાના તમામ 14 ડેમો ઓવરફલો થયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર ડેમ છે, તેમાં પણ પાણીની આવકમાં 50 ટકા કરતા વધારેનો સંગ્રહ કરવામાં આવ્યો છે, રાજકોટની આસપાસના નાના ગામડાઓમાં રહેલ ચેકડેમો પણ છલકાઈ ગયા છે.

તો બીજી બાજું ગુજરાતી જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સરદાર સરોવર ડેમાં હાલ 55 ટકાથી ઉપર જળસંગ્રહ નોંધવામાં આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતનો મહત્વનો મધર ઈન્ડિયા ડેમ પણ સંપૂર્ણ ભરાય ગયો છે. તો વડોદરાના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે,નવસારીની પૂર્ણા નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે.

ચાંદીપુરા વાયરસ અપડેટ: એક સપ્તાહમાં બમણાં શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસનો આંકડો વધી રહ્યો છે. ત્યારે બીજી બાજું ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાયરસથી થનારા મૃત્યુઆંક 48 સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગત સપ્તાહ 19 જુલાઈના રોજ ચાંદીપુરાથી થનારા મૃત્યુનો આંક 20 હતો. ત્યારે એક સપ્તાહમાં શંકાસ્પદ વાયરસનાથી મૃત્યુઆંક બમણો થઈ ચૂક્યો છે.

ચાંદીપુરા વાયરસને લઈ મળતી માહિતી અનુસાર હાલ રાજ્યમાં ચાંદપુરા વાયરસના શંકાસ્પદ કેસની સંખ્યા 127 સુધી પહોંચી છે. જેમાં પંચમહાલના 15, સાબરકાંઠામાં 12, અમદાવાદ કોર્પોરેશનના 12, અરવલ્લી-મહેસાણાના 7, ગાંધીનગર ગ્રામ્ય-ખેડા-જામનગર-વડોદરાના 6, રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-બનાસકાંઠાના 5, રાજકોટ કોર્પોરેશનના 4,  ગાંધીનગર કોર્પોરેશન-દાહોદ-કચ્છ-ભરૂચના 3, મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશનના 2, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-અમદાવાદ ગ્રામ્ય-જામનગરના 1 કેસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 39 કેસ છે. જ્યારે અન્ય બાળદર્દીઓના રીપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠામાંથી સૌથી વઘુ 6 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાના 127 કેસ પૈકી પંચમહાલમાંથી 6, અમદાવાદ કોર્પોરેશનમાંથી પાંચના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 42 દર્દી દાખલ છે અને 37ને રજા અપાઇ છે.

તો બીજી બાજું ચાંદીપુરાના વકરતા કેસો સામે તંત્ર પણ હરકતમાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારના ઘરોમાં મળીને કુલ 42,637 ઘરમાં સર્વેલન્સની કામગીરી જ્યારે કુલ 5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે. જેમાં દક્ષિણ ઝોનના બે અને પશ્ચિમ ઝોન 1 કેસનો સમાવેશ થાય છે. 11 માંથી 3 પોઝિટિવ અને 8 નેગેટિવ આવ્યા છે.

ગુલકંદ – ૨૭ જુલાઈ, ૨૦૨૪

ઈન્સ્ટન્ટ ખીચું – ખાટ્ટો લોટ

ખાટ્ટો લોટ વાનગી ઝટપટ બની જતી પૌષ્ટિક, સ્વાદિષ્ટ, વિસરાતી જતી ગુજરાતી પારંપરિક વાનગી છે. જેનો સ્વાદ ખીચું જેવો જ લાગે છે! પૂરી રસોઈ બનાવવાનો જો કોઈવાર કંટાળો આવ્યો હોય તો આ એક વાનગી પૂરી રસોઈનો સ્વાદ આપી દે તેમજ પૌષ્ટિક પણ છે. વળી, તેના માટે ઘરમાં ઉપલબ્ધ ચોખા, ઘઉં, ચણા, જુવાર, મગ કે મકાઈનો એમ કોઈપણ લોટ તમે વાપરી શકો છો!

સામગ્રીઃ

  • ઘઉં અથવા ચણાનો લોટ 1 કપ
  • જીરુ 1 ટી.સ્પૂન
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • કળીપત્તાના પાન 8-10
  • શીંગતેલ વઘાર માટે 1 ટે.સ્પૂન તેમજ વાનગી સાથે પીરસવા માટે
  • ખાટી છાશ 2 કપ
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • કોથમીર સમારેલી 1 ટે.સ્પૂન
  • ખાંડ 1 ટી.સ્પૂન (optional)
  • મેથિયો સંભારો 1 ટે.સ્પૂન

રીતઃ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવી લીધા બાદ તેમાં હીંગ તેમજ કળી પત્તાના પાન ઉમેરીને આદુ-મરચાંની પેસ્ટ 1 મિનિટ માટે સાંતળીને અડધો કપ પાણી રેડી દો. ત્યારબાદ તેમાં છાશ  ઉમેરીને 1 મિનિટ ગરમ કરીને તેમાં તરત થોડો થોડો લોટ ઉમેરીને તવેથા વડે મિક્સ કરતા રહો. લોટ ઉમેરાય જાય પછી પણ તવેથા વડે એકસરખું મિશ્રણ હલાવતા રહેવું. જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય.

મિશ્રણ ઘટ્ટ થયા બાદ ગેસ બંધ કરીને ઉતારી લો.

પ્લેટમાં 1-2 ચમચા જેટલું મિશ્રણ રેડી તેની ઉપર 1 ટે.સ્પૂન શીંગ તેલ રેડી, મેથિયો મસાલો ભભરાવીને ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો. ગરમાગરમ ખાટો લોટ જમવામાં પીરસો.

૨૭ જુલાઈ, ૨૦૨૪

સાચી સંપત્તિ માણસને નમ્ર બનાવે છે

ફક્ત પૈસો આછકલાઈ લાવે છે,

સાચી સંપત્તિ માણસને નમ્ર બનાવે છે

આરતીનો જન્મ અને ઉછેર વડોદરામાં સાધન-સંપન્ન પરિવારમાં થયો હતો. એણે શ્રીમંત પરિવારનાં સંતાનો ભણતાં હોય એવી પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમ શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. સમૃદ્ધિ હોવા છતાં આરતીના ઘરમાં સાદગી અને નમ્રતાનું વાતાવરણ હતું. તેને કારમાં શાળાએ લઈ જવાને બદલે સાઇકલ આપવામાં આવી હતી. તેના મિત્રો રજાઓ વિદેશમાં ગાળતા, જ્યારે તેના કુટુંબે નક્કી કર્યું હતું કે તેઓ પહેલાં આખું ભારત ફરી લેશે અને પછી વિદેશ જશે. આથી તેઓ વૅકેશનમાં ભારતનાં અલગ અલગ સ્થળોએ પ્રવાસે જતા. તેનાં માતાપિતાએ પણ તેને સમજાવ્યું હતું, આપણે દર વર્ષે ચોક્કસપણે વિદેશ જઈ શકીએ છીએ, પરંતુ ભારતભ્રમણ કરીશું તો આપણી પોતાની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકશું અને તેના પ્રત્યે આદરની ભાવના નિર્માણ થશે. આપણો સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્ય દુનિયામાં અજોડ છે.

આટલું સમજાવ્યું હોવા છતાં આરતી પોતાના સહાધ્યાયીઓ સાથે સરખામણી કરતી. તેને પણ કારમાં સ્કૂલે જવું, વિદેશમાં વૅકેશન માણવું, શાનદાર બર્થડે પાર્ટીઓ કરવી, વગેરે બધાની ઈચ્છા થતી. કાળક્રમે તેનામાં એક પ્રકારે લઘુતાગ્રંથિ જન્મી.

ઘરમાં ભણતર માટે પ્રોત્સાહક વાતાવરણ હોવાને લીધે આરતીએ સ્નાતક પરીક્ષા પાસ કરી અને મૅનેજમેન્ટનું શિક્ષણ લીધું. પછીથી અનુસ્નાતક અભ્યાસ માટે એ વિદેશની વિદ્યાપીઠમાં ગઈ. પાછા આવ્યા બાદ મુંબઈમાં જગવિખ્યાત બહુરાષ્ટ્રીય કંપનીમાં તેને ઉંચા પગારે કામ પણ મળી ગયું. જો કે, આ તબક્કે તેની લઘુતાગ્રંથિ તેના વ્યવહારમાં દેખાવા લાગી. એણે વૈભવી જીવન જીવવાનું શરૂ કર્યું અને ઑફિસની નજીક ઉચ્ચભ્રૂ વિસ્તારમાં ઘર ભાડે રાખ્યું. સાથે જ મોટી કાર ખરીદી અને શૉફર રાખ્યો. એણે મોંઘી હોટેલોમાં જમવા જવાનો જાણે ક્રમ બનાવી લીધો અને કપડાંની ખરીદી હંમેશાં ડિઝાઇનરો પાસેથી જ કરવાનું રાખ્યું. રજા મળે ત્યારે એ વડોદરા જતી અને ક્યારેક બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરતી.

આ આરતી અમારી પાસે કન્સલ્ટેશન માટે આવી ત્યારે અમે જોયું કે એમ તો એણે ચાદર પ્રમાણે સોડ તાણી હતી, પરંતુ જો નકામા ખર્ચ ઓછા કરી દે તો ઘણી બચત અને રોકાણ કરી શકે છે. તેની ઉંમર એ વખતે 29-30ની હશે. એ સમયે સંપત્તિસર્જન માટે તેની પાસે પુષ્કળ અવકાશ હતો. અમે તેની ખર્ચાળ રહેણીકરણી તરફ ધ્યાન દોર્યું તો એણે કબૂલ્યું કે પોતાના હાથમાં પૈસા આવવા લાગ્યા ત્યારે એણે શાળાના સમયે મિત્રોની સરખામણીમાંથી જન્મેલી ભાવનાને કારણે રોકટોક વગર ખર્ચ કરવાનું શરૂ કર્યું. એણે એક દિવસ મને કહ્યું, મારા પરિવારે શ્રીમંતાઈ હોવા છતાં બાળપણમાં મને જેનાથી વંચિત રાખી એ બધું જ ભૌતિક સુખ ભોગવી લેવાની મારી ઈચ્છા છે.

વાતવાતમાં જાણવા મળ્યું કે આરતીએ ઑફિસમાં કેટલાક સહયોગીઓને નાણાં ઉછીનાં આપ્યાં હતાં અને એ પાછાં લેવા તરફ ક્યારેય ધ્યાન આપ્યું નહતું. પોતે પૈસેટકે સુખી છે એવું બધાને બતાવવાની તેની માનસિકતા હતી. એણે આ રીતે પોતાનો અહમ્ સંતોષ્યો હતો. આ જ માનસિકતાને લીધે તેના જીવનમાં સંપત્તિસર્જન થઈ શકતું ન હતું.

ઉંચા પગારને કારણે તેનામાં ગુમાન આવી ગયું હતું. અમારાં સંપર્કમાં આવ્યા બાદ એણે પોતાના જીવનમાં પરિવર્તન આણ્યું અને હવે એણે ઘણી બચત અને રોકાણ કરી લીધાં છે.

આરતીના ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે મનમાં સુષુપ્ત રહેલી લાગણીઓ કઈ રીતે મનુષ્યના વર્તનમાં ડોકાય છે અને નાણાકીય જીવનમાં કઈ રીતે ગરબડ સર્જે છે. સંપત્તિને પચાવી લેવાનું ખરેખર અઘરું હોય છે. આથી તેના વિશેની યોગ્ય સમજ વિકસે એ આવશ્યક છે.

અહીં ધનવાન અને કુલીન એ બન્ને શબ્દો વચ્ચેનો તફાવત યાદ આવે છે. અંગ્રેજીમાં ઉક્તિ છે – “Money talks, wealth whispers.” અર્થાત્ ફક્ત પૈસો આછકલાઈ લાવે છે, સાચી સંપત્તિ માણસને નમ્ર બનાવે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

કુમારની ‘લવ સ્ટોરી’ માં નિર્દેશકનું નામ ના અપાયું

રાહુલ રવૈલે રાજ કપૂરના સહાયક નિર્દેશક તરીકે કામ શરૂ કર્યું હતું. રાહુલે સ્વતંત્ર નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ રિશી કપૂર અને રાજેન્દ્રકુમાર સાથે ‘ગુનેગાર’ (૧૯૭૫) બનાવી હતી. એ પછી રાજ કપૂરે ફિલ્મ ‘બીવી ઓ બીવી’ (૧૯૮૧) નું નિર્દેશન સોંપ્યું હતું. એ સાથે રાજેન્દ્રકુમારે પોતાના પુત્ર કુમાર ગૌરવને હીરો તરીકે ચમકાવવા ફિલ્મ ‘લવ સ્ટોરી’ (૧૯૮૧) માટે નિર્દેશક તરીકે પસંદ કર્યા હતા. પરંતુ રાહુલ રવૈલે એ ફિલ્મનું નિર્દેશન પોતે કર્યું હોવા છતાં એમાં પોતાનું જ નહીં બીજા કોઈ વ્યક્તિનું પણ નિર્દેશક તરીકે નામ મૂકવા દીધું ન હતું.

રાહુલ રવૈલે એક મુલાકાતમાં એનું કારણ આપતા જણાવ્યું હતું કે ‘લવ સ્ટોરી’ નું શુટિંગ પૂરું થઈ ગયું હતું અને મિકસીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ફિલ્મ ‘ત્રિશૂલ’ (૧૯૭૮) નું સંજીવકુમાર અને વહીદા રહેમાનનું ગીત જોઈ રાજેન્દ્રકુમારે રાહુલ રવૈલને કહ્યું કે ‘લવ સ્ટોરી’ માં એવું જ મારું અને વિદ્યા સિંહાનું ગીત ઉમેરી દો. રાહુલ રવૈલે કહ્યું કે ફિલ્મમાં આમ પણ તમારી ભૂમિકા વધુ હતી એ નાની કરી રહ્યો છું. કેમકે લોકો તમારા પુત્ર કુમારને જોવા માટે આવશે. આ બાબત રાજેન્દ્રકુમારને પસંદ ના આવી અને એમણે ડાયરેક્ટર એસોસિએશનમાં ફરિયાદ કરી દીધી. રાહુલ રવૈલનું કહેવું છે કે એમાં રાજેન્દ્રકુમારના જ મળતિયા સભ્યો હતા.

રાહુલ રવૈલે પોતાનો નિર્ણય જણાવી દીધો કે ફિલ્મમાં મારું નામ આપશો નહીં. ત્યારે એમણે કહ્યું કે હું બીજાનું નામ આપી દઇશ. આ મુદ્દે રાહુલ રવૈલે ના પાડી દીધી. એમણે એસોસિએશનમાં પોતાના પક્ષમાં કહ્યું કે હજુ નિર્દેશનના પૈસા પણ મળ્યા નથી. ત્યાં સુધીમાં પચીસ હજાર રૂપિયા મળ્યા હતા. એસોસિએશને બીજા એટલા જ આપવા રાજેન્દ્રકુમારને કહ્યું. રાહુલ રવૈલે એ પૈસા દાનમાં આપવાનું નક્કી કરી લીધું. તે ફિલ્મ માટે નામ કે પૈસા કશું લેવા માગતા ન હતા. રાજેન્દ્રકુમારે દલીલ કરી કે મારા પૈસા તું કેવી રીતે દાનમાં આપી શકે? ત્યારે રાહુલે કહ્યું કે એ પૈસા એના છે. કોઈને પણ આપી શકે છે. અને રાહુલે ફિલ્મો સાથે સંકળાયેલી એક સોસાયટીને એ પચીસ હજાર રૂપિયા દાનમાં આપી દીધા. રાહુલ રવૈલ આ બાબતે રાજ કપૂર પાસે સલાહ લેવા ગયા હતા. એમણે રાહુલને એનું દિલ કહે એ પ્રમાણે કરવા કહ્યું. રાહુલે પોતાના નિર્ણય મુજબ અમલ કરવા કોર્ટનું શરણું લીધું અને એવો ઓર્ડર મેળવ્યો કે નિર્માતા રાજેન્દ્રકુમાર ‘લવ સ્ટોરી’ ના નિર્દેશક તરીકે બીજા કોઈનું નામ આપી શકશે નહીં.

ફિલ્મ ‘લવ સ્ટોરી’ રજૂ થઈને ખૂબ સફળ રહી હોવા છતાં રાહુલ રવૈલને બીજી કોઈ ફિલ્મ મળી ન હતી. કેમકે એમાં નિર્દેશક તરીકે એમનું નામ ન હતું. ટાઇટલમાં ફકત ‘એ ફિલ્મ બાય રાજેન્દ્રકુમાર’ લખાયું હતું. તેથી એવો ભ્રમ ઊભો થયો હતો કે નિર્દેશન રાજેન્દ્રકુમારે કર્યું હશે. પરંતુ ધર્મેન્દ્રને ખબર હતી કે રાહુલ જ નિર્દેશક હતા. એમણે પોતાના પુત્ર સની દેઓલને લોન્ચ કરવા ફિલ્મ ‘બેતાબ’ (૧૯૮૩) નું નિર્દેશન એમની પાસે કરાવ્યું અને ફિલ્મ એટલી ભારે સફળતા મેળવી ગઈ કે પછી રાહુલ રવૈલે પાછું વળીને જોવું પડ્યું નથી. રાહુલે નિર્દેશક તરીકે સૌથી વધુ ફિલ્મો સની દેઓલ સાથે જ કરી હતી.

પંચાંગ 27/07/2024

SISDSS દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી..

ગાંધીનગર: નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (SISDSS) એ આજે ​​કારગિલ દિવસના 25 વર્ષની ઉજવણી કરી. 1999માં કારગિલમાં થયેલા યુદ્ધ બહાદુર સૌનિકોએ આપેલા બલિદાનને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત દેશભક્તિની ભાવનાથી ભરપૂર પ્રસ્તુતિ સાથે થઈ. RSSના યુવા વિદ્યાર્થીઓ અને SISDSS ના સ્નાતકોએ આપણા સૈનિકોની બહાદુરી અને બલિદાન પર આધારિત પોસ્ટર બનાવવાના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમની કલાત્મક અભિવ્યક્તિઓ આપણા સશસ્ત્ર દળો માટે તેમના ઊંડા આદર અને કૃતજ્ઞતાને પ્રતિબિંબિત કરે છે.

ભારતીય સેના પ્રત્યે તેમની હૃદયપૂર્વકની કૃતજ્ઞતા દર્શાવવા માટે,  વિદ્યાર્થીઓએ આપણી સરહદોની રક્ષા કરતા સૈનિકોને 100 થી વધુ પત્રો પણ લખ્યા હતા. આ પત્ર લખવાના કાર્યથી વિદ્યાર્થીઓને સૈનિકોની હિંમત અને સમર્પણ માટે તેમની કદર વ્યક્ત કરવાની તક મળી, સાથે જ રાષ્ટ્રીય ગૌરવ અને સહાનુભૂતિની ભાવના પણ ઉત્તેજીત થઈ. નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં કારગિલ દિવસની ઉજવણી માત્ર આપણા નાયકોને શ્રદ્ધાંજલિ તરીકે જ નહીં પરંતુ આપણા દેશના ભાવિ રક્ષકોમાં ફરજ અને દેશભક્તિની ભાવના કેળવવાની તક પણ છે. આપણે તેમના બલિદાનને ક્યારેય ન ભૂલીએ અને તે આપણને શાંતિ અને એકતાના ભાવિ તરફ કામ કરવાની પ્રેરણા આપે.

યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના મહાનુભાવો, સેવા નિવૃત્ત સૈનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ આપણા સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે એકસાથે લાવ્યા હતા. વિશેષ અતિથિઓમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કલ્પેશ વાન્દ્રા, આંતરિક સુરક્ષા અને સ્માર્ટ પોલીસિંગ (SISSP)ના નિયામક, મેજર જનરલ દીપક મહેરા, KC, AVSM, VSM (નિવૃત્ત) જેઓ કારગિલ યુદ્ધના નિવૃત્ત સૈનિકો પૈકીના એક છે, સામેલ હતા. જનરલ મહેરાએ યુદ્ધના તેમના અંગત અનુભવો દરેક સાથે શેર કરીને આ પ્રસંગને શોભાવ્યો હતો. પ્રો વાઇસ ચાન્સેલર દ્વારા કાર્યક્રમનું સમાપન થયું હતું.