Home Blog Page 1625

જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત થશે સુધારો!

અમદાવાદઃ જો તમે હવે નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલી વિગતો સુધારવા માટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની કચેરીએ જાઓ ત્યારે ખાતરી કરજો કે તમે આપેલી વિગતોની જોડણી ખોટી નથી. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જે મુજબ હવે જન્મ કે મૃત્યુના પ્રમાણપત્રમાં ફક્ત એક વખત સુધારો કરી શકાશે અને ત્યારબાદ તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામા આવેલા નિર્દેશનો મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ દ્વારા અમલ શરુ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં જ નામમાં સુધારો કરવાની અરજીઓમાં બે ગણો વધારો થયો છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ સુધારા-વધારા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50,000થી વધુ અરજીઓ મળી છે. આવી અરજીઓની સંખ્યા સતત વધી રહી હોવાના કારણે AMCને આરોગ્ય ભવનમાં રજિસ્ટ્રાર ઓફિસમાં નવી પ્રતિબંધિત નીતિઓની નોટિસ મૂકવાની ફરજ પડી છે. આ અંગે AMCના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવે જન્મના પ્રમાણ પત્રમાં બાળકનું નામ, માતા-પિતાની વિગતો અથવા તો અન્ય કોઈ વિગતોમાં સુધારા-વધારા ફક્ત એક જ વખત થઈ શકશે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીના કહ્યા પ્રમાણેઃ જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નકકી કરવુ પડશે કે તેને ચોકકસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે.તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવુ છે. ઘણા કેસમાં માતા કે પિતાના નામમા સુધારો કરવા અરજી કરવામા આવતી હોય છે. જયારે કેટલાક કીસ્સામા સરનામુ બદલવા જેવો સુધારો કરવા માટે પણ અરજી કરવામા આવતી હોય છે. આ પ્રકારના તમામ સુધારા માટે એક કોલમ અરજી કરનારે નકકી કરવી પડશે. યોગ્ય પુરાવા રજુ કરાયા બાદ તે પુરાવાની ખરાઈ કર્યા બાદ માત્ર એક જ વખત જન્મના સર્ટિફિકેટમાં સુધારો થઈ શકશે.

રજિસ્ટ્રાર ઓફિસના એક અધિકારીએ આ સમજ આપતા કહ્યું કે,  અમે અવલોકન કર્યું હતું કે એક જ અરજદાર દ્વારા સુધારો કરાવવા માટે એકથી વધુ અરજીઓ કરવામાં આવી હતી. નામ બદલવામાં હાલમાં ઓછા પ્રતિબંધો હોવાના કારણે અમારી પાસે નામની પાછળ ‘કુમારી’ કે પછી ‘કુમાર’ જેવા સન્માનજનક શબ્દો ઉમેરવા કે પછી દૂર કરવા માટે અથવા તો ગુજરાતી કે અંગ્રેજી સ્પેલિંગમાં સુધારો કરવા માટેની અરજીઓનું પૂર આવ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ સુધારો જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ 1969નો છે, જેમાં 2007 અને 2009માં ફેરફાર કરવામાં આવ્યા હતા. 2009માં જારી કરાયેલા રાજ્ય સરકારના પરિપત્રમાં શરૂઆતમાં નામમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2016માં આ જોગવાઈને રદ કરવામાં આવી હતી, જેમાં જોડણીમાં સુધારાને અને સન્માનજનક શબ્દોને દૂર કરવા સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો.

AMCના અવલોકન પ્રમાણે  ફેરફારની વિનંતીઓમાં તાજેતરનો વધારો અંશતઃ બાળકોને આપવામાં આવેલા આધાર કાર્ડને કારણે છે. જ્યારે જન્મ પ્રમાણપત્રમાં સામાન્ય રીતે માત્ર બાળકનું નામ હોય છે, ત્યારે આધાર કાર્ડમાં બાળકના પિતાનું નામ અને અટક સહિતનું સંપૂર્ણ નામ જરૂરી છે, જેના કારણે બંને દસ્તાવેજોમાં નામ એકસમાન છે તેની ખાતરી કરવા માટે સુધારાની અરજીઓમાં વધારો થાય છે.

દારૂ કૌભાંડ: કેજરીવાલ, સિસોદિયા અને કવિતાને ફટકો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી નથી થઈ રહી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. હવે સુનાવણી 8 ઓગસ્ટે થશે. કેજરીવાલનો દેખાવ તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયો હતો. સીબીઆઈએ તિહાર જેલમાંથી જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

મનીષ સિસોદિયા અને કે કવિતાની ન્યાયિક કસ્ટડીમાં પણ વધારો થયો

સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી અને કે. કવિતાની પણ 31 જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ 12 જુલાઈના રોજ, કોર્ટે સીબીઆઈ દ્વારા તપાસ કરી રહેલી એક્સાઈઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી.

કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી તે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કેસોના સંબંધમાં હાજર થયો હતો. બીજી બાજુ, દિલ્હી હાઈકોર્ટે 17 જુલાઈના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં એક્સાઈઝ પોલિસી બાબત સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવ્યો હતો.

કેજરીવાલે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. સીબીઆઈએ કહ્યું કે કાયદા હેઠળ સંપૂર્ણ પુરાવા ઉપલબ્ધ થયા બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર પણ આદેશ અનામત રાખ્યો છે.

મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ VS અનિલ દેશમુખ, શું છે સમગ્ર મામલો?

મુંબઈ: મહારાષ્ટ્ર નવો વિવાદ સર્જાયો છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી પર પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જો કોઈ તેમને પડકારશે તો તેઓ તેમના આરોપોના પુરાવા રજૂ કરશે. તેણે બીજેપી નેતાને પણ પડકાર ફેંક્યો અને કહ્યું કે તેની પાસે જે પણ વીડિયો છે, તે તેને સાર્વજનિક કરવા જોઈએ.

 

જ્યારે તેમના હાથમાં પેન ડ્રાઈવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દેશમુખે કહ્યું કે તેમાં ફડણવીસ સામેના તેમના આરોપોના પુરાવા છે. તેમણે કહ્યું,’જો મને ચેલેન્જ આપવામાં આવશે તો હું મારી પાસેનો વીડિયો રિલીઝ કરીશ. હું પુરાવા વગર બોલતો નથી.’

શું છે મામલો?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા દેશમુખે આરોપ લગાવ્યો હતો કે 2021માં ફડણવીસ (તે સમયે વિપક્ષમાં) દ્વારા મોકલવામાં આવેલ એક વ્યક્તિ તેમને મળ્યો હતો અને તેણે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે,તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને કેબિનેટ મંત્રીઓ તથા તત્કાલીન નાણામંત્રી અજિત પવાર અને તત્કાલીન પરિવહન મંત્રી અનિલ પરબને ફસાવે એવા અનેક સોગંદનામાં હતાં. ભૂતપૂર્વ પ્રધાને દાવો કર્યો હતો કે તે વ્યક્તિએ તેમને કહ્યું હતું કે તેણે પોતાને મુકદ્દમાથી બચાવવા માટે આ સોગંદનામા પર સહી કરવી જોઈએ, પરંતુ તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.

ફડણવીસે શું આપી ચેતવણી?
આ અંગે દેવેન્દ્ર ફડણવીસે દેશમુખને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વિભાજન પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના કેટલાક નેતાઓએ મને તેમના વિશે કેટલીક ઓડિયો ટેપ આપી હતી, જેમાં તેઓ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સચિન વાજે વિશે વાત કરી રહ્યા છે. જો મારા પર ખોટા આરોપો લગાવવામાં આવશે તો મારી પાસે આ પુરાવાને સાર્વજનિક કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.’

બીજેપી નેતાએ કહ્યું હતું કે દેશમુખ જે કેસમાં પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપવાનો આરોપ છે તે કેસમાં નિર્દોષ છૂટ્યા નથી, તે ફક્ત જામીન પર બહાર છે.

અનિલ દેશમુખનો પલટવાર
ભાજપના નેતા ફડણવીસની ચેતવણી બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા દેશમુખે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું, ‘ગઈકાલે મેં દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યો હતો કે ત્રણ વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકાર દ્વારા મારા પર દબાણ કર્યું હતું અને મને તે સમયે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અજિત પવાર પર ખોટા આરોપો લગાવવાનું કહ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ પર મેં જે આરોપો લગાવ્યા છે તેનું વિડિયો રેકોર્ડિંગ મારી પાસે છે કે તેણે મને ખોટી રીતે ફસાવી દીધો. જો કોઈ મને પડકારશે તો હું તેનો પર્દાફાશ કરીશ.

તેમણે આગળ ઉમેર્યુ કે,’ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમની પાસે મારી કેટલીક વીડિયો ક્લિપ્સ છે, જેમાં મેં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરી છે. હું તેમને અપીલ કરું છું કે તેમની પાસે મારો જે પણ વીડિયો છે, તેઓ તેને સાર્વજનિક કરે.’

CM ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિની અંગેની સમીક્ષા કરી

રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક શહેરો નદી બની ગયા છે. ત્યારે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે જાયજો મેળવ્યો હતો.જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી. જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકશાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતું. આવનારા દિવસોમાં વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

આગોતરા આયોજન માટે પણ સૂચનો કર્યા

મુખ્યમંત્રીએ સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ સૂચનો કર્યા હતા. વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મેળવી હતી. માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.

રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હોલ’ અને ‘અશોક હોલ’ના નામ બદલાયા

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલવામાં આવ્યું છે. હવેથી દરબાર હોલ ‘ગણતંત્ર મંડપ’ અને અશોક હોલ ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નામ બદલવા પર ખુશી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. તાજેતરના સમયમાં ઘણી મોટી ઇમારતો અને રસ્તાઓના નામ પણ બદલવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન, રાષ્ટ્રનું પ્રતીક અને લોકોની અમૂલ્ય ધરોહર છે. તેને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન  ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નીતિઓનું પ્રતિબિંબિત વાતાવરણ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલ, ‘દરબાર હોલ’ અને ‘અશોકા હોલ’નું નામ બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ કરીને ખુશ છે.

 

‘દરબાર હોલ’માં રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવા મહત્વના સમારંભો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરબાર શબ્દ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને મેળાવડા સાથે સંકળાયેલો છે, જ્યાં તેઓ તેમના કાર્યોનું આયોજન કરતા હતા. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. પ્રજાસત્તાકની વિભાવના પ્રાચીન સમયથી ભારતીય સમાજમાં ઊંડે ઊંડે જડેલી છે, તેથી દરબાર હોલનું નામ ‘ગણતંત્ર મંડપ’ એકદમ યોગ્ય છે.

અશોક હોલ અશોક મંડપ બન્યો

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “અશોકા હોલ” મૂળ રૂપે એક બોલરૂમ હતો. ‘અશોક’ શબ્દનો અર્થ એવો થાય છે કે જે ‘સર્વ દુ:ખથી મુક્ત’ અથવા ‘કોઈપણ દુ:ખથી મુક્ત’ છે. ઉપરાંત, ‘અશોક’ એ સમ્રાટ અશોકનો ઉલ્લેખ કરે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનું પ્રતીક છે. ભારતના પ્રજાસત્તાકનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથના અશોકના સિંહના વડા છે. આ શબ્દ અશોક વૃક્ષનો પણ ઉલ્લેખ કરે છે જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કલા અને સંસ્કૃતિમાં ઊંડું મહત્વ છે. ‘અશોક હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ કરવાથી ભાષામાં એકરૂપતા આવશે અને ‘અશોક’ શબ્દ સાથે સંકળાયેલા મૂળ મૂલ્યોને જાળવી રાખવાની સાથે જ અંગ્રેજીકરણના નિશાન દૂર થશે.”

 

જાણો ગુજરાતમાં ક્યાં કેટલા પાણીનો જળસંગ્રહ છે..

રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને પગેલ કેટલાક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે, તો ગુજરાતના કેટલાક જળાશયોમાં નવા નિરના આગમન પણ થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બોરસદમાં તો આભ ફાટ્યું હતું. ધોધમાર 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી પાણી જ પાણી થઈ ગયું હતું. બીજી તરફ ભારે પવનના કારણે ગીરનાર અને પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરાઈ છે.

 રાજ્યમાં ભારે વરસાદના પગલે મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે. જેમાં 46 જેટલા જળાશયો સંપૂર્ણ છલકાય ભરયા હોવાનું નોંધવામાં આવ્યું છે. પાણીની વધું આવક હોવાથી  આ જળશયોને હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે. તો બીજી બાજું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.06 ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતના કુલ 206 જળાશયોમાં 42.96 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં 51,708 ક્યુસેક, ઉકાઈમાં 33,168 ક્યુસેક અને હિરણ-2માં 15,789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં 13,530 ક્યુસેક, ભાદર-2માં 13,172 ક્યુસેક, વેણુ-2માં 12,943 ક્યુસેક અને સરદાર સરોવરમાં 11,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 26 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 26 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા, કચ્છના 20માં 49.23, દક્ષિણ ગુજરાતના 13માં 46.16 ટકા,મધ્ય ગુજરાતના 17માં 35.17, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં હાલ સુધીમાં સિઝનનો એવરેજ 53.25 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 73.46 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 75.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.07 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 29.34 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32.37 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

BJP, JDSના વિધાનસભ્યોએ કર્યું અનોખું વિરોધ-પ્રદર્શન, જાણો…

બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપ અને JDSના વિધાનસભ્યોએ પૂરી રાત વિધાનસભાની અંદર ધરણાં કર્યાં હતા. એક વિધાનસભ્યનો ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે, જેમાં તેઓ હાથમાં ધાબળો અને તકિયો લેતા હાથમાં જોવા મળ્યા હતા. ભાજપ વિધાનસભ્ય MUDA પર ચર્ચાની માગ કરી રહ્યા છે.

ભાજપનો આરોપ છે કે મૌસુર શહેરી વિકાસ ઓથોરિટી (મુડા- MUDA) દ્વારા જમીન ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચાર થયો છે અને એના પર તેઓ ચર્ચા ઇચ્છે છે. તેમની યોજના છે કે જ્યાં સુધી ચર્ચા નહીં થાય, ત્યાં સુધી તેઓ દિવસ-રાત વિધાનસભામાં ધરણાં કરશે. કેટલાક વિધાનસભ્યોએ તો વિધાનસભાની અંદર જ ભોજન કર્યું હતું. બંને પક્ષોના વિધાનનસભ્યોએ પૂરી રાત કર્ણાટક વિધાનસભામાં અંદર ધરણાં કર્યાં હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો એક આ એલોટમેન્ટમાં CMનાં પત્નીને પણ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે સત્તારૂઢ કોંગ્રેસ સરકાર વિધાનસભામાં ચાલી રહેલા મોન્સુન સત્રમાં રૂ. 180 કરોડના વાલ્મીકિ નિગમમાં ગેરકાયદે મની ટ્રાન્સફર મામલાને ટાળી રહી છે.

રાતભર ચાલેલાં આ ધરણામાં ભાજપ અને JDSના બધા વિધાનસભ્ય અને MLC નાઇટ ડ્રેસ પહેલીને અને ગાદી-તકિયા લઈને સંસદમાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સિદ્ધારમૈયા સરકારની વિરુદ્ધ વિરોધ જારી રાખવા માટે વિધાનસભા હોલની અંદરગાલીચા પર તેઓ સૂઈ ગયા હતા.

Bengaluru : BJP leaders and workers stage a protest against Karnataka Chief Minister Siddaramaiah over an alleged MUDA (Mysore Urban Development Authority) scam in Bengaluru on Friday, July 12, 2024. (Photo: IANS)ભાજપ અને JDSના સોસિયલ મિડિયા હેન્ડલ પરથી વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વિધાનસભ્યો વિધાનસભાના હોલમાં બેઠા હતા, ત્યાં તેઓ સૂઈ ગયા હતા. કેટલાક લોકો ત્યાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અહીં તેમણે ખાણીપીણીની વ્યવસ્થા પણ કરી હતી. અહીં તેમણે સિદ્ધારમૈયા સરકારની નિંદા કરતું ગીત ગાયું હતું અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતા આર અશોકે કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન ચાલતું રહેશે. અમે ત્યાં સુધી રાત આખી વિરોધ પ્રદર્શન જારી રાખીશું. જ્યાં સુધી કોંગ્રેસ તેના શાસનમાં કૌભાંડો પર ચર્ચા નહીં કરે, ત્યાં સુધી વિરોધ થતો રહેશે.

 

કબીરના મતે સાચા સંતનો સંગ એટલે…

સંત મિલે સુખ ઉપજૈ , દુષ્ટ મિલે દુઃખ હોય,

સેવા કીજૈ સંતકી, જનમ કૃતારથ હોય.

 

સંત, નદી અને તરુવરનો સ્વભાવ જ પરોપકારી છે. તેમનું અસ્તિત્વ સૌને માટે સુખકારક છે. આવા સાચા સંતની સેવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે મોક્ષદાયી હોય છે. ગુરુરૂપી સંતને પ્રસન્ન કરી તેની કૃપા પામવાથી જન્મ ધન્ય થઈ જાય છે. આનાથી વિપરીત જ્યારે દુર્જનનો પનારો પડે છે ત્યારે દુઃખ, કલેશ, ગ્લાનિ ઊપજે છે, હાનિ થાય છે.

બસી કુસંગ ચાહત કુશળ, યહી બડો અફસોસ કહીને રહીમજીએ રાવણ અને સમુદ્રનો દાખલો આપ્યો છે. રાવણ દરિયા મધ્યે લંકામાં વસ્યો.

દરિયાએ કુસંગમાં રહીને રામને સેતુબંધ માટે રસ્તો આપવા ઈન્કાર કર્યો. રામના ક્રોધનો ભોગ બનવાનો પ્રસંગ આવ્યો અને રામના સત્સંગે સમુદ્રને સાચી સમજણ આપી. સત્સંગનું મહત્ત્વ ઘટી રહ્યું છે, કારણ કે ઇન્દ્રિયોને બહેકાવતું સસ્તું મનોરંજન ઉપલબ્ધ થયું છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

રાજકોટ અગ્નિકાંડના આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ..

રાજકોટ અગ્નિકાંડને આજે બે માસ પૂર્ણ થઈ ચૂક્યા છે. રાજકોટના TRP ગેમઝોનમાં એક જ ઝાટકે બાળકો સહિત 27 નિદોર્ષના જીવન બળી ખાખ થઈ ચૂક્યા હતા. ત્યારે આજે ગુનાની તપાસ કરતી SITએ તમામ 15 આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસમાં 365 જેટલા સાક્ષી અને સાહેદો છે. જેમાંથી ૩૦થી વધુના રૂબરૂ કન્ફેસેન લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી. ગેમ ઝોન બનાવવામાં મોટાપાયે પ્લાસ્ટીકના ફોમ શીટ, લાકડા સહિતના જવલનશીલ મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે  ઉપયોગ થયો હતો. આ પ્રકારના જવલનશીલ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ૩ થી ૪ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ગેમઝોનમાંથી પેટ્રોલ-ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.

 આ અગાઉ અગ્નિકાંડની લઈ SIT એ હાઈકોર્ટને રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં અલગ-અલગ સરકારી વિભાગોની ભૂમિકાની તપાસ ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સીટ કરી રહી છે. આ તપાસમાં કેટલાક વિભાગોની ભૂલ પણ સામે આવી હતી. ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવા માટે ભાજપના કોર્પોરેટર નીતીન રામાણીએ ભલામણ કર્યાનું અગાઉ બહાર આવ્યું હતું. રામાણીએ પણ આ બાબતનો એકરાર કર્યો હતો. આ કેસમાં ચાર પીઆઈને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવાયા છે. આ બાબતે પણ તપાસ પણ શરૂ છે. અગ્નિકાંડના તમામ 15 આરોપીઓ સામે 12 કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ કરતી સીટે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.

જે 15 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરાયું છે તેમાં ધવલ ઠકકર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નિતીન લોઢા, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહેશ રાઠોડ, મનસુખ સાગઠીયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદિપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વીગોરા, ભીખાભાઈ ઠેબા અને ઈલેશ ખેરનો સમાવેશ થાય છે.

સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ‘ફિર આયી હસીન દિલરૂબા’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: હવે જ્યારે રાની (તાપસી પન્નુ) અને રિશુ (વિક્રાંત મેસી) ફરી એક થઈ ગયા છે, ત્યારે ‘ફિર આયી હસીન દિલરૂબા’ સાથે તેમની અંશાત સફર ફરી શરૂ થાય છે. કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલ અને સહ-નિર્મિત અને જયપ્રદ દેસાઈ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનો ઉદ્દેશ્ય તાપસી અને વિક્રાંતના પાત્રોના જીવનને વધુ ઊંડાણપૂર્વક બતાવવાનો છે. બંનેની આ લવસ્ટોરી ઘણી જ અજીબ હશે.

Netflix પર લોકપ્રિય રોમાંસ પલ્પી થ્રિલર હસીન દિલરૂબાના ચાહકો આતુરતાથી સિક્વલની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રિલીઝ થયેલા ફિલ્મના ટિઝર ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે, અને એમાંય હવે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે જોઈને ચાહકોને મોજ પડી જશે. ટ્વિસ્ટ અને સસ્પેન્સથી ભરેલું આ ટ્રેલર તમને વધુ ઉત્સાહિત અને રોમાંચિત કરશે.

ટ્રેલરમાં જોવા મળે છે વાર્તા
તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં રાની અને રિશુની ઝલક જોવા મળે છે જે તેમના મુશ્કેલ ભૂતકાળને પાછળ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં વળી પાછાં તેઓ નવી મુશ્કેલીઓના જાળમાં ફસાઈ જતા જોવા મળે છે. માંડ માંડ એવું લાગે કે શાંત જીવન જીવનની દિશા તરફ છે ત્યાં એક નવા ચહેરાની એન્ટ્રી થાય છે. એ વ્યકિત છે અભિમન્યુ. અભિમન્યુના પાત્રમાં સન્ની કૌશલ જોવા મળે છે. ઓફિસર મૃત્યુંજય,જેને મોન્ટુ ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જિમી શેરગીલ દ્વારા ભજવવામાં આવે છે તે એક નવો ટોચનો કોપ છે જેઓ તેમના જૂઠાણાંના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કટિબદ્ધ છે અને આગમાં ઘી ઉમેરે છે. આ કપલ હવે સાથે રહેવાની તેમની જૂની, ટ્વિસ્ટેડ રીતો તરફ વળે છે કારણ કે પોલીસ ફરીથી તેમની પાછળ આવી રહી છે, જેથી તેઓ આ ખતરનાક વાતાવરણમાં કોના પર વિશ્વાસ કરી શકે તે અંગે શંકા છોડી દે છે. પ્રેમ માટે કોઈ ક્યાં સુધી જઈ શકે છે તે હજી પણ એક પ્રશ્ન છે જેના વિશે દરેક વ્યક્તિ વિચારે છે અને ટ્રેલરમાં રહસ્ય રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

 

ફિલ્મ સંબંધિત માહિતી
‘ફિર આયી હસીન દિલરૂબા’ નેટફ્લિક્સ પર 9 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન જયપ્રદ દેસાઈએ કર્યુ છે. તેની વાર્તા કનિકા ધિલ્લોને લખી છે. ‘ફિર આયી હસીન દિલરૂબા’નું નિર્માણ આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કનિકા ધિલ્લોન અને શિવ ચનાના દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં ‘હસીન દિલરૂબા’ નામથી રિલીઝ થયો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.