Home Blog Page 1639

શાહિદ કપૂરે સોલો હીરો તરીકે શરૂઆત કરી 

શાહિદ કપૂરને સૌથી પહેલાં બે હીરોવાળી ફિલ્મ મળી હતી. પણ તે સોલો હીરો તરીકે જ શરૂઆત કરવા માગતો હોવાથી રાહ જોઈ હતી. શાહિદે શરૂઆતમાં જાહેરાતો અને મ્યુઝિક વિડીયો કર્યા હતા. તેનો એક વિડીયો ‘આંખોં મેં તેરા હી ચહેરા’ નિર્માતા રમેશ તોરાનીએ જોયો હતો. એનું કામ જોઈ મળવા માટે એને સંદેશ મોકલ્યો હતો. એક મહિના પછી શાહિદ એમને મળ્યો હતો. તોરાનીએ એના કામના વખાણ કર્યા હતા અને હજુ એકદમ યુવાન હોવાથી આગળ જતાં હીરો તરીકે તક મળશે એવી આશા વ્યક્ત કરી હતી. શાહિદે એમને કામ આપવા વિનંતી કરી હતી. ત્યારે તોરાની પાસે એને માટે કોઈ કામ ન હતું. તોરાનીએ ફોન નંબર આપી એને મળતા રહેવા જણાવ્યું હતું.

શાહિદ જાહેરાત અને મ્યુઝિક વિડીયોમાં કામ કરવા સાથે બે-ત્રણ મહિને એમને ફોન કરતો રહેતો હતો. આ વાતને એક વર્ષ ઉપર થઈ ગયું હતું. ત્યારે શાહિદને નિર્દેશક એન. ચંદ્રાની ફિલ્મ ‘સ્ટાઈલ’ (2001) ની ઓફર આવી. એન. ચંદ્રા એ ફિલ્મ નવોદિતો સાથે બનાવવા માગતા હતા. શાહિદે આ બાબતે રમેશ તોરાનીની સલાહ લેવા એમને જણાવી ત્યારે એમણે એન. ચંદ્રા સારા અને જાણીતા નિર્દેશક હોવાથી કામ કરવાનું યોગ્ય હોવાનું જણાવ્યું. કેમકે એન. ચંદ્રા ઘણી ફિલ્મો બનાવી ચૂક્યા હતા.

થોડા દિવસ પછી શાહિદ રમેશ તોરાનીને મળ્યો અને કહ્યું કે એણે ફિલ્મ ‘સ્ટાઈલ’ છોડી દીધી છે. કેમકે એમાં બે હીરો છે. તોરાનીએ ફરી એને માટે કોઈ ફિલ્મ હશે તો જણાવશે એવું આશ્વાસન આપ્યું. દરમ્યાનમાં રમેશ તોરાનીની સંગીત કંપની ‘ટિપ્સ’ માટે પણ મ્યુઝિક વિડીયો બનાવતા કેન ઘોષ ફિલ્મનું નિર્દેશન કરવા માટે મળ્યા. એમણે તોરાનીને કેટલીક ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી. એમાં મોટી સ્ટારકાસ્ટ સાથે બનાવી શકાય એવી વાર્તા હતી. ત્યારે તોરાનીએ એમ કહીને ના પાડી કે બધી જ ચીલાચાલુ વાર્તાવાળી ફિલ્મ બને એમ છે. એવી ફિલ્મ બનાવવી નથી. છેલ્લે કેન ઘોષે ‘ઈશ્ક વિશ્ક’ (૨૦૦૩) ની વાર્તા સંભળાવી. તોરાનીને એમાં રસ પડ્યો અને એની સ્ક્રિપ્ટ તૈયાર કરવા જણાવ્યું. એ વાર્તા નવોદિત માટેની હતી.

કેન ઘોષે જ્યારે સંપૂર્ણ સ્ક્રિપ્ટ અને સ્ક્રિનપ્લે તૈયાર કરાવી દીધો ત્યારે તોરાનીએ એને બનાવવા માટે મંજુરી આપી દીધી. રમેશ તોરાનીએ હીરો તરીકે શાહિદ કપૂરને જ સાઇન કર્યો. શાહિદનો નિર્દોષ ચહેરો એમને ‘રાજીવ’ ના પાત્ર માટે યોગ્ય લાગ્યો હતો. અને નવોદિત હીરોઈન તરીકે અમૃતાની પસંદગી કરી હતી. અસલમાં એક કોફીની જાહેરાતમાં એમણે અમૃતા રાવને જોઈ હતી. આ રીતે શાહિદે સોલો હીરો તરીકે અને એ પણ સફળતા સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. શાહિદને ‘ઈશ્ક વિશ્ક’ માટે ફિલ્મફેરનો ‘શ્રેષ્ઠ નવોદિત પુરુષ’ નો એવોર્ડ પણ મળ્યો હતો.

 

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, રાજ્યમાં 122 તાલુકા નોંધાયો વરસાદ

હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદની તોફાનિ બેટિંગ જોવા મળી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મેઘારાજાનું રૌદ્રા સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં ભારે વરસાદના કારણે જન જીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ, કેશોદમાં પોણા નવ ઈંચ, વંથલીમાં 7 ઈંચ, કલ્યાણપુરમાં અને ઉમરગામમાં સાડા 6 ઈંચ, ખંભાળિયામાં 5 ઈંચ તેમજ રાણાવાવમાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યમાં આજેની વાત કરીએ તો, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં સવા ત્રણ ઈંચ, તાલાલા અને પાટણ-વેરાવળમાં અઢી ઈંચ તેમજ વંથલી અને જૂનાગઢમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો છે. ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી છુટા છવાયા સ્થળોએ ધીમી ગતિએ વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગ અનુસાર, આજે સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહેશે. જેના પગલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, અમરેલી, સુરત, નર્મદા, વલસાડમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37.42 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 54.58 ટકા, કચ્છમાં 50.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23.03 ટકા વરસાદ નોંધાયો છે.

ગેરકાયદે ખનન મામલે કોંગ્રેસી MLA સુરેન્દ્ર પંવારની ધરપકડ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) હરિયાણાના સોનીપતના કોંગ્રેસી વિધાનસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ કરી છે. તેમના પર યમુનાનગર ક્ષેત્રમાં મોટા પાયે ગેરકાયદે ખનન કરવાનો આરોપ છે. આ મામલો યમુનાનગર ક્ષેત્રમાં સિન્ડિકેટ દ્વારા આશરે રૂ. 400-500 કરોડના ગેરકાયદે ખનનથી સંબંધિત છે.

EDએ હરિયાણાના ધારાસભ્ય અને તેમના સહયોગીના ઘરે દરોડા પાડી પૂછપરછ માટે ધરપકડ કરી હતી.  અગાઉ જાન્યુઆરીમાં EDએ સોનીપતમાં સુરેન્દ્ર પંવાર MLA દિલબાગ સિંહ અને તેના સહયોગીઓને ત્યાં 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED આ મામલે પહેલાં દિલબાગ સિંહ અને કુલવિંદર સિંહની ધરપકડ કરી ચૂકી છે.

આ મની લોન્ડરિંગનો કેસ હરિયાણા પોલીસની અનેક FIR બાદ પ્રકાશમાં આવ્યો છે. એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યમુનાનગર અને તેની આસપાસના જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભાડા કરાર સમાપ્ત થવા પર અને કોર્ટનો આદેશ હોવા છતાં પથ્થર, કાંકરી અને રેતીની કથિત રીતે ગેરકાયદે ખનન ચાલુ રાખતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

જુલાઈ, 2022માં પંવારે પોતાના પરિવારની સુરક્ષા પર જોખમો સહિત વ્યક્તિગત કારણોનો હવાલો આપતાં વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને રાજીનામું સોંપ્યું હતું. ત્યાર બાદ રાજીનામું પરત લેતાં નિવેદન આપ્યું હતું કે મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, પરંતુ તમે મને આશ્વાસન આપ્યું છે કે અમે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરીશું. આથી હું મારું રાજીનામું પરત લઈ રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.

International Moon Day: શા માટે ઉજવાય છે ચંદ્ર દિવસ?

મુંબઈ: આજે એટલે કે 20મી જુલાઈને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ (International Moon Day)તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં, આ દિવસ ચંદ્ર પર માનવજાતના પ્રથમ પગલાંની યાદમાં ઉજવવામાં આવે છે. અમેરિકન અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિને પ્રથમ વખત 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્ર પર પગ મૂક્યો હતો. આ લોકોને યુએસ સ્પેસ એજન્સી એપોલો 11 ચંદ્ર મિશન હેઠળ ત્યાં મોકલવામાં આવ્યા હતા.

આ દિવસની ઉજવણીની જાહેરાત 9 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કરવામાં આવી હતી. આ દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે.

ઈતિહાસ શું છે?

1961માં રાષ્ટ્રપતિ જ્હોન એફ.કેનેડીએ દાયકાના અંત પહેલા ચંદ્ર પર માણસને ઉતારવાનું સાહસિક લક્ષ્ય નક્કી કર્યું. નાસાના એપોલો પ્રોગ્રામનો જન્મ થયો હતો, અને વર્ષોના સઘન સંશોધન, વિકાસ અને પરીક્ષણ પછી એપોલો 11 મિશન 16 જુલાઈ, 1969ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ચાર દિવસ પછી આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન ચંદ્રની સપાટી પર પગ મૂકનારા પ્રથમ માનવ બન્યા. આ દરમિયાન તેમણે કરેલી જાહેરાત ખૂબ જ પ્રખ્યાત છે. તેમણે કહ્યું કે તે માણસ માટે એક નાનું પગલું છે, માનવજાત માટે એક વિશાળ છલાંગ છે.

એપોલો 11 મિશનએ અવકાશ સંશોધનના ભાવિ માટે માર્ગ મોકળો કર્યો, નવી પેઢીઓને STEM ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા અને ટેકનોલોજી, દવા અને પર્યાવરણીય વિજ્ઞાનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી. અંતમાં એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ એ માનવ સિદ્ધિઓ અને વૈજ્ઞાનિક પ્રગતિની ઉજવણી છે.

પોરબંદરમાં 26 ઈંચ રેકોર્ડ બ્રેક વરસાદ, રેલવે ટ્રેક ધોવાયો

પોરબંદર: જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં આવેલા ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પોરબંદર જિપોરબંદરમાં આજે પણ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ યથાવત રહ્યું છે. માણાવદર અને કેશોદ તાલુકાના 20થી વધુ ગામો પાણીની કારણે સંપર્ક વિહોણા બન્યા છે. છેલ્લા 36 કલાકમાં 26 ઇંચ વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિગતો મુજબ પોરબંદર જિલ્લામાં 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે પ્રાથમિક શાળા સહિતના શેલ્ટર હાઉસમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવી છે. આ તરફ વરસાદની આગાહી અને આજના વરસાદથી ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના પગલે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નીચાવાળા એરિયામાં સલામતીના ભાગરુપે કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પોરબંદરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોના જનજીવનને અસર પહોંચી છે. ભારે વરસાદના કરાણે આવેલા પૂરમાં પોરબંદર જામનગરને જોડતો રેલવે ટ્રેક ધોવાયો છે. જેને પગલે રેલવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી.રાજ્યમાં એક સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં શહેરમાં અનેક જગ્યાએ હજુ પણ પાણી ભરાયેલા છે. પાણીના કારણે પોરબંદરના ઓલવેધર પોર્ટમાં જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તા પર પાણી ભરાતા સુભાષનગર જવાના રસ્તા બંધ થયા.

સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

VIDEO: વડોદરામાં શાળાની દિવાલ ધરાશાયી થતાં બાળકો પટકાયા

વડોદરા: શુક્રવારે વડોદરાની શ્રી નારાયણ વિ્દ્યાલયમાં એકાએક વર્ગખંડની બાજુના ભાગની લોબી તેમજ દિવાલનો ભાગ તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે, જેનો વીડિયો સામે આવ્યો છે. દિવાલ ધરાશાયી થતા 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા, જેમાંથી 1 વિદ્યાર્થીને ઈજા થઈ હતી.

 

વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી શ્રી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દિવાલનો ભાગ તૂટી પડતા 1 વિદ્યાર્થીને ઈજા થઈ હતી. ધોરણ-7નો વર્ગ ચાલતો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો શાળાનું મકાન જર્જરિત હતું તો તે માટે કોઈ પગલાં કેમ લેવામાં આવ્યા ન હતા. ચિંતાની વાત એ હતી કે શાળા ચાલુ હતી તે દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી. જો કે રીસેસ ટાઈમ પર આ ઘટના બની એટલા માટે મોટો અકસ્માત થતા બચી ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક ક્લાસરૂમનો એક સાઈડનો ભાગ ધરાશાયી થયો અને બાળકો નીચે પટકાયા હતા.આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી હતી અને ફાયર વિભાગે પણ ઘટના સ્થળે જઈ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી.

ગુલકંદ – ૨૦ જુલાઈ, ૨૦૨૪

ખંભાતના ખરખરીયા ભજીયા અને કઢી

જુદા જુદા શહેરની વાનગી પણ બહુ જ જુદા પ્રકાર તેમજ સ્વાદવાળી જોવા મળે છે! જે તે જગ્યાની વાનગી ખાવા માટે જો ત્યાં ન પહોંચાતું હોય, તો ઘરે જ આ વાનગી બનાવી શકાય છે! ખરું ને?

સામગ્રીઃ

  • ધોયેલા અળવીના મોટા પાન 2-3
  • ચણાનો લોટ ½ કપ
  • ચોખાનો લોટ ¼ કપ
  • હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અજમો 1 ટી.સ્પૂન
  • તેલ તળવા માટે
  • ભાવનગરી મરચાં 4-5
  • કાંદા 2

કઢી માટેઃ

  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ખાટું દહીં 3 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન,

કઢીના વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • સૂકા ધાણા ½ ટી.સ્પૂન
  • સૂકું લાલ મરચું 1
  • કળી પત્તાના પાન 4-5
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લીલા મરચાં 1-2
  • આદુ ઝીણું સમારેલું 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન

રીતઃ એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે લઈ 2 ટે.સ્પૂન જેટલું પાણી મેળવીને જેરણી વડે એકસરખું હલાવીને ગઠ્ઠા વગરનું મિશ્રણ તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં સૂકા ધાણા, લાલ મરચું બે ટુકડા કરેલું, કળી પત્તાના પાન મેળવીને હીંગનો વઘાર કરો. હવે તેમાં લીલા મરચાં સમારેલાં અને ખમણેલું આદુ મેળવીને 2 મિનિટ બાદ કઢી માટે તૈયાર કરેલું દહીં અને લોટનું મિશ્રણ તેમાં રેડી દો. અને ચમચા વડે હલાવતાં રહો. જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. ભજીયા સાથે કઢી ઘટ્ટ સારી લાગશે. ગેસ બંધ કરીને કઢી ઢાંકી દો.

અળવીના પાન ધોઈને પાણી નિતારી લેવા. હવે તેમાંથી જાડી નસો ચપ્પૂ વડે કાઢી લઈ. પાનને વચ્ચેથી કટ કરવું. હવે પાનની બંને બાજુએ રહેલી નસ ઉપર કાપો પાડીને ચોરસ જેવા ટુકડા, જોઈતી સાઈઝ પ્રમાણે તેમાંથી કટ કરી લેવા.

બીજા એક બાઉલમાં ચોખા તેમજ ચણાનો લોટ લઈ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો તેમજ ચપટી હીંગ મેળવીને અડધો કપ પાણી ઉમેરીને ગઠ્ઠા વગરનું એકસરખું મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ તેમાં થોડું વધુ પાણી ઉમેરીને ભજીયાના ખીરા જેવું ખીરું બનાવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની ધીમી મધ્યમ આંચ કરી લો. અળવીના એક-એક પાનને લઈ ભજીયાના ખીરામાં આગળ-પાછળ બંને બાજુએ ખીરુ લાગે તેમ ડુબાડીને તેલમાં તળવા માટે નાખો. મોટી કઢાઈ હોય તો પણ 3-4 પાન જ નાખવા. આ પાન નાખતાંવેંત ફૂલશે. તો ઝારા વડે તેને ઉપરથી હળવેથી દબાવતા રહેવું અને ત્યારબાદ ઉથલાવતા રહેવું. (આમ કરવાથી આ ભજીયા વધુ ક્રિસ્પી થશે) આ રીતે ત્રણથી ચાર વખત ઉથલાવીને સોનેરી રંગના થવા આવે એટલે ઉતારી લેવા.

બધાં ભજીયા તળાય જાય એટલે ભાવનગરી મરચાં ધોઈને સૂકવીને તેમાં ઉભો કાપો પાડીને ગરમ તેલમાં તળી લો.

આ ભજીયા તૈયાર થાય એટલે તળેલા ભાવનગરી મરચાં, કઢી તેમજ સમારેલા કાંદા સાથે પીરસવા.

૨૦ જુલાઈ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 20/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.