Home Blog Page 164

ઈરાનનો યુ-ટર્ન, અમેરિકા-ઈઝરાયેલ સિવાય બધા માટે હોર્મુઝ ખુલ્લું, તેલ સંકટ વચ્ચે મોટી રાહત

ડોનાલ્ડ ટ્રમ્પની 48 કલાકની ચેતવણી બાદ ઈરાને જાહેરાત કરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર અમેરિકા અને ઈઝરાયેલ જેવા દુશ્મન દેશો માટે જ બંધ રહેશે. ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ જણાવ્યું કે જો જહાજો સુરક્ષા નિયમોનું પાલન કરે અને દુશ્મન દેશો સાથે સંકળાયેલા ન હોય, તો તેમને પસાર થવામાં કોઈ અવરોધ નહીં આવે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ શરત મૂકી છે કે અમેરિકા અને ઈઝરાયેલે તેમના હુમલા રોકવા પડશે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. રવિવાર, 22 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (IMO) માં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને સંપૂર્ણપણે ઠપ્પ કરવા માંગતું નથી. મૌસવીના જણાવ્યા અનુસાર, “જો કોઈ જહાજ ઈરાનના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે અને તેનો સંબંધ અમેરિકા કે ઈઝરાયેલ સાથે નથી, તો તેને પસાર થવા દેવામાં આવશે.

વિવાદની પૃષ્ઠભૂમિ અને આર્થિક અસર

આ વિવાદની શરૂઆત 28 ફેબ્રુઆરી થી થઈ હતી, જ્યારે ઈરાને આ માર્ગ બંધ કરવાની જાહેરાત કરીને અમેરિકા અને ઈઝરાયેલ સુધી તેલનો પુરવઠો રોકવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વનો આશરે 20% તેલ અને ગેસ આ જ સાંકડા માર્ગમાંથી પસાર થાય છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વિશ્વભરમાં ઉર્જા સંકટ સર્જાઈ શકે છે.

ટ્રમ્પનું અલ્ટીમેટમ અને ઈરાનની શરતો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો 48 કલાકમાં હોર્મુઝનો રસ્તો નહીં ખુલે, તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડ અને વીજ મથકોને નિશાન બનાવશે. આ ધમકીના જવાબમાં ઈરાને વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાની તૈયારી બતાવી છે પરંતુ કેટલીક શરતો મૂકી છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પરના તમામ સૈન્ય હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે. ખાડી વિસ્તારમાં સુરક્ષા માટે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું પડશે. ઈરાન નાવિકોની સુરક્ષા માટે UN સાથે સહયોગ કરવા તૈયાર છે.

બીજી તરફ, અમેરિકાએ આ વિસ્તારમાં જહાજોને સુરક્ષા આપવા માટે એક આંતરરાષ્ટ્રીય નૌકાદળ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાટો (NATO) દેશોએ ઈરાન વિરુદ્ધ સીધી સૈન્ય કાર્યવાહીમાં જોડાવા માટે ખચકાટ અનુભવ્યો છે. હવે સમગ્ર વિશ્વની નજર 48 કલાકની ડેડલાઇન પૂરી થવા પર છે. જો ટ્રમ્પ પ્રશાસન ઈરાનની આ દરખાસ્ત સ્વીકારે છે, તો તણાવ ઓછો થઈ શકે છે, અન્યથા મધ્ય પૂર્વમાં એક મોટું યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.

ઈરાને F-15 ફાઈટર જેટ તોડી પાડ્યાનો કર્યો દાવો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે સીમાઓ વટાવી રહ્યો છે. રવિવાર, 22 માર્ચ 2026 ના રોજ ઈરાની સેનાએ હોર્મુઝ આઈલેન્ડના વ્યૂહાત્મક વિસ્તારમાં ઉડી રહેલા એક વિદેશી ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. ઈરાનના જણાવ્યા અનુસાર, આ F-15 જેટ તેમના દક્ષિણી આકાશમાં અનધિકૃત રીતે પ્રવેશ્યું હતું, જેના જવાબમાં જમીન પરથી મિસાઈલ છોડીને તેને ફૂંકી મારવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી અમેરિકા કે ઈઝરાયેલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અત્યાર સુધીનું લશ્કરી નુકસાન (તથ્યો અને આંકડા):

ઈરાન સાથેના આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલને ટેકનિકલ અને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે:

હવાઈ નુકસાન

કુલ 28 વિમાનો પ્રભાવિત થયા છે. જેમાં અમેરિકાના 16 એરક્રાફ્ટ સામેલ છે, જેમાંથી 12 અત્યંત મોંઘા MQ-9 રીપર ડ્રોન છે. એક ડ્રોનની કિંમત આશરે 56.5 મિલિયન ડોલર છે.

F-35 સ્ટીલ્થ ફાઈટર

19 માર્ચે ઈરાને વિશ્વના સૌથી આધુનિક F-35 જેટને નિશાન બનાવ્યું હતું. અમેરિકાએ સ્વીકાર્યું છે કે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, પરંતુ કારણ સ્પષ્ટ કર્યું નથી.

ડિફેન્સ સિસ્ટમ પર હુમલો

ઈરાને અમેરિકાની THAAD (Terminal High Altitude Area Defense) સિસ્ટમ સાથે જોડાયેલા AN/TPY-2 રડારને નુકસાન પહોંચાડ્યું છે. આ રડારની કિંમત 300 થી 500 મિલિયન ડોલરની વચ્ચે હોય છે. કતારના અલ ઉદીદ એરબેઝ પરનું 1.1 બિલિયન ડોલરનું રડાર પણ ક્ષતિગ્રસ્ત થયું છે.

યુદ્ધનો આર્થિક બોજ

આ યુદ્ધ અમેરિકા માટે અત્યંત ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. પ્રથમ ૬ દિવસમાં જ અમેરિકાએ 11 થી 12 બિલિયન ડોલર ખર્ચી નાખ્યા છે. અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ટોમહોક (Tomahawk) મિસાઈલ છોડવામાં આવી છે, જેમાં એક મિસાઈલની કિંમત 3.5 મિલિયન ડોલર છે. વધુમાં, અમેરિકાના યુદ્ધ જહાજ USS જેરાલ્ડ આર ફોર્ડમાં લાગેલી આગને બુઝાવવામાં 30 કલાકનો સમય લાગ્યો હતો, જેના કારણે તેની ઓપરેશનલ ક્ષમતા પર અસર પડી છે. હોર્મુઝની સામુદ્રધુની પાસે બનેલી આ ઘટનાએ વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના પુરવઠા અને સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે. જો ઈરાનનો આ દાવો સાચો સાબિત થાય છે, તો તે અમેરિકન વાયુસેના માટે મોટો આંચકો ગણાશે.

 

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા PM મોદીના નામે ઐતિહાસિક સિદ્ધિ

પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે સંયુક્ત રીતે 8,931 દિવસ પૂરા કરીને ઇતિહાસ રચ્યો છે. 7 ઓક્ટોબર 2001થી શરૂ થયેલી તેમની આ અવિરત સફર આજે પણ ચાલુ છે. આ સાથે જ તેઓ ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ (100 Million) ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજનેતા પણ બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિને દેશભક્તિ અને અતૂટ જનસેવાનું પરિણામ ગણાવ્યું છે.

New Delhi: Prime Minister Narendra Modi delivers his remarks via video conferencing during the centenary celebrations of the Arya Vaidya Sala Charitable Hospital in Kerala on Wednesday, January 28, 2026. (Photo: IANS/PMO)

રેકોર્ડબ્રેક સફર

ગુજરાતના CM થી દેશના PM સુધીના 8,931 દિવસ, નરેન્દ્ર મોદી બન્યા ભારતના સૌથી લાંબા સમયના શાસક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નામે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાવી છે. તેઓ ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા સરકારના વડા તરીકે સેવા આપનાર નેતા બન્યા છે. તેમની આ સફરના મુખ્ય પડાવો નીચે મુજબ છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે (2001 – 2014)

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓ 21 મે 2014 સુધી આ પદ પર રહ્યા, એટલે કે 13 વર્ષથી વધુ સમય સુધી તેમણે ગુજરાતનું નેતૃત્વ કર્યું. તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી પણ છે.

ભારતના વડાપ્રધાન તરીકે (2014 – વર્તમાન)

26 મે 2014 ના રોજ તેમણે પ્રથમવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ 2019 અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી જીત મેળવીને તેઓ એનડીએ (NDA) સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમની પાસે વડાપ્રધાન બનતા પહેલા કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો સૌથી લાંબો અનુભવ હતો.

ડિજિટલ દુનિયાના ‘કિંગ’

વર્ષ 2026ની શરૂઆતમાં પીએમ મોદીએ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

101 મિલિયન (10 કરોડથી વધુ) ફોલોઅર્સ સાથે તેઓ વિશ્વના પ્રથમ રાજનેતા બન્યા છે.

X (ટ્વિટર)

106 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

છેલ્લા 10 વર્ષોમાં તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશ્વના તમામ નેતાઓ કરતા સૌથી વધુ એક્ટિવ રહ્યું છે.

દિગ્ગજ નેતાઓની અભિનંદન વર્ષા

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, પીએમ મોદીની આ સફર પારદર્શિતા અને નિરંતર જનસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ એક દુર્લભ વિરાસત છે. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે નોંધ્યું કે, છેલ્લા 24 વર્ષથી એક પણ રજા લીધા વિના સતત કામ કરવું એ પીએમ મોદીના સમર્પણની પરાકાષ્ઠા છે. ગરીબ કલ્યાણ યોજનાઓ અને વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત ઓળખ એ તેમની મહેનતનું જ પરિણામ છે.

કતારમાં સૈન્ય હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું, 6 જવાનોના મોત

કતાર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશના દરિયાઈ ક્ષેત્રમાં એક સૈન્ય હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે દુર્ઘટનાનો શિકાર બન્યું છે. હેલિકોપ્ટરમાં કુલ 7 સભ્યો સવાર હતા, જેમાંથી 6 ના મૃતદેહ મળી આવ્યા છે. કતારના ગૃહ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા લાપતા વ્યક્તિને શોધવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા ‘X’ પર સ્પષ્ટતા કરી છે કે આ હેલિકોપ્ટર નિયમિત ડ્યુટી પર હતું અને તેમાં સર્જાયેલી યાંત્રિક ખામી જ અકસ્માતનું કારણ બની છે.

ભયાનક ક્ષેત્રીય તણાવ અને હુમલા

જોકે આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હોવાનું કહેવાય છે, પરંતુ આ ઘટના એવા સમયે બની છે જ્યારે સમગ્ર ખાડી વિસ્તાર યુદ્ધની જવાળાઓમાં સળગી રહ્યો છે. ઈરાન-અમેરિકા સંઘર્ષ: ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદથી કતાર પર સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા છે.

ગેસ સુવિધાઓ પર હુમલો

20 માર્ચના રોજ ઈરાને કતારની લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) નિકાસ સુવિધાઓ પર અભૂતપૂર્વ હુમલો કર્યો હતો. કતારના ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે આ હુમલાથી QatarEnergy ને અબજો ડોલરનું નુકસાન થશે અને ગેસ નિકાસ ક્ષમતા ખોરવાઈ જશે.

મુસ્લિમ દેશો વચ્ચે અવિશ્વાસ

ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ ભાવુક નિવેદન આપતા કહ્યું કે, મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે રમઝાનના પવિત્ર મહિનામાં એક ભાઈ સમાન મુસ્લિમ દેશ (ઈરાન) અમારા પર આ રીતે હુમલો કરશે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મધ્ય પૂર્વમાં હવે રાજકીય અને ધાર્મિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. હાલમાં કતારના અધિકારીઓ આ હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે શું આ ખરેખર ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ ગુપ્ત હુમલાનું પરિણામ. દુર્ઘટનાગ્રસ્ત સૈનિકોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાથી કતારની સૈન્ય તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.

સાચો સંચાલક: ‘હું’ થી ‘અમે’ સુધીની યાત્રા

મહાભારતના ઉદ્યોગપર્વમાં વર્ણવાયેલો એક પ્રસંગ આજના મેનેજમેન્ટશાસ્ત્ર માટે જીવંત માર્ગદર્શિકા સમાન છે. જ્યારે કૃષ્ણ પાંડવો તરફથી શાંતિદૂત બની હસ્તિનાપુર જવા તૈયાર થાય છે, ત્યારે તેઓ પોતાની બુદ્ધિ અને પ્રભાવ હોવા છતાં એકલાં નિર્ણય લેતા નથી. તેઓ યુધિષ્ઠિરની ધીરજ, ભીમના તામસી સ્વભાવ, અર્જુનના સંકલ્પ અને નકુલ-સહદેવની સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રેરિત વિચારોને ધ્યાનથી સાંભળે છે. આ માત્ર રાજનીતિ નહોતી, પરંતુ ટીમના મનોબળ, ભાવનાત્મક સ્થિતિ અને સામૂહિક ઈચ્છાશક્તિને સમજવાની પ્રક્રિયા હતી.

આજના કોર્પોરેટ વિશ્વમાં ઘણી સંસ્થાઓ ‘વિઝનરી લીડર’ના ખ્યાલને એટલો મહિમા આપે છે કે ટીમનો અવાજ ધીમે ધીમે મૂંગો બની જાય છે. પરંતુ ઇતિહાસ સાબિત કરે છે કે એકલવાયું નેતૃત્વ ટૂંકા ગાળે ચમકે છે, પરંતુ લાંબા ગાળે થાકી જાય છે. Inclusive leadershipનો અર્થ માત્ર મતો એકત્ર કરવો નથી, પરંતુ ‘સાયકોલોજિકલ સેફ્ટી’નું નિર્માણ કરવું છે—જ્યાં જુનિયર કર્મચારી પણ નિર્ભયતાથી અસહમત થઈ શકે.

ગૂગલ જેવી વૈશ્વિક કંપનીઓએ પણ સાબિત કર્યું છે કે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોમાં વિશ્વાસ અને ખુલ્લો સંવાદ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. જ્યારે પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં ફાઈનાન્સ, ટેક્નિકલ અને કસ્ટમર-ફેસિંગ ટીમોને શરૂઆતથી જ જોડવામાં આવે છે, ત્યારે જોખમ વહેંચાય છે અને માલિકીભાવ વધે છે.

માનવ વર્તનમાં પણ આ સત્ય છે. પરિવાર કે સમાજમાં જ્યાં માત્ર એક જ અવાજ હુકમ કરે છે, ત્યાં સંબંધો ઔપચારિક બની જાય છે; જ્યારે ચર્ચા અને સંવાદ થાય છે, ત્યાં સંબંધો જીવંત રહે છે. નવી દિશા એ છે કે ટીમનો વિચાર માત્ર લોકશાહી મૂલ્ય નથી, પરંતુ જોખમ વ્યવસ્થાપન, નવીનતા અને સંસ્થાગત ટકાઉપણું માટેની અસરકારક વ્યૂહરચના છે.

આજના યુગમાં—જ્યાં અનિશ્ચિતતા, જટિલતા અને ઝડપ એકસાથે વધી રહી છે—સામૂહિક બુદ્ધિ (collective intelligence) જ સંસ્થાને સ્થિર રાખે છે. સાચો સંચાલક એ છે, જે ‘હું નક્કી કરું’થી ‘અમે વિચારીને નક્કી કરીએ’ સુધીની યાત્રા કરે; કારણ કે એક વ્યક્તિ દિશા બતાવી શકે, પરંતુ ટીમ જ ગંતવ્ય સુધી પહોંચાડી શકે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 22/03/2026

૨૨ માર્ચ ૨૦૨૬

ઈરાને ઈઝરાયેલના પરમાણુ શહેર ડિમોનાને બનાવ્યું નિશાન

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ હવે સીધો પરમાણુ ઠેકાણાઓ સુધી પહોંચી ગયો છે, જે અત્યંત જોખમી બાબત છે. શનિવારે ઈરાને ઈઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા ડિમોના (Dimona) શહેર પર ભયાનક બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ નેગેવ રેગિસ્તાન વિસ્તારમાં એક ઈમારત પર સીધી પડી હતી. આ એ જ શહેર છે જ્યાં ઈઝરાયેલનું અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ પરમાણુ સંશોધન કેન્દ્ર આવેલું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં ઈરાની મિસાઈલ આકાશમાંથી આગના ગોળાની જેમ પડતી અને પ્રચંડ વિસ્ફોટ કરતી જોવા મળે છે. આ હુમલાએ ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમને પણ પડકાર ફેંક્યો છે.

ઈઝરાયેલની ઈમરજન્સી મેડિકલ સર્વિસ, મેગન ડેવિડ એડમ (MDA) ના અહેવાલ મુજબ, આ હુમલામાં અત્યાર સુધીમાં આશરે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના લોકો મિસાઈલના છરરા વાગવાથી અથવા હુમલાના સાયરન વાગ્યા બાદ બંકરો તરફ ભાગતી વખતે પડી જવાથી ઈજાગ્રસ્ત થયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે એક ૧૦ વર્ષના બાળકને મિસાઈલના છરરા વાગતા તેની હાલત મધ્યમથી ગંભીર હોવાનું જણાવાયું છે. ડિમોનાની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર માટે તબીબોની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. હુમલા બાદ સમગ્ર નેગેવ વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો છે.

ઈરાનના સરકારી ટીવીએ ગર્વભેર આ હુમલાની જવાબદારી સ્વીકારતા તેને નતાન્ઝ (Natanz) પરમાણુ સંકુલ પર થયેલા ઈઝરાયેલી હુમલાનો ‘કરારો જવાબ’ ગણાવ્યો છે. અગાઉ, અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનના નતાન્ઝ પર એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં પ્લાન્ટની કેટલીક ઈમારતોને નુકસાન થયું હતું. જોકે ઈરાને દાવો કર્યો હતો કે ત્યાં કોઈ રેડિયોધર્મી રિસાવ થયો નથી. પરંતુ હવે ઈરાને સીધું ઈઝરાયેલના પરમાણુ શહેર પર નિશાન સાધ્યું હોવાથી વિશ્વભરના નિષ્ણાતો રેડિયેશનના ખતરાને લઈને ચિંતિત બન્યા છે. પરમાણુ મથકોને નિશાન બનાવવાની આ પ્રથા યુદ્ધને એક નવા અને વિનાશકારી સ્તર પર લઈ જઈ રહી છે, જ્યાં એક નાની ભૂલ પણ લાખો લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે.

ભિખારી પાકિસ્તાનની નવી બડાશ, …તો અમે ભારત પર બોમ્બ ફેંકીશું

કહેવાય છે કે ‘ઘરમાં નથી દાણા અને અમ્મા ચાલી દળવા’ આ કહેવત અત્યારે પાકિસ્તાન પર બરાબર બેસે છે. એક તરફ પાકિસ્તાન દુનિયા પાસે લોન માટે કરગરી રહ્યું છે અને બીજી તરફ તેના પૂર્વ રાજદ્વારીઓ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક ઈન્ટરવ્યુમાં પોતાની ખ્યાલી દુનિયાનું પ્રદર્શન કરતા કહ્યું કે, જો ભવિષ્યમાં અમેરિકા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાની કોશિશ કરે અથવા હુમલો કરે, તો પાકિસ્તાને વિચાર્યા વગર ભારત પર તૂટી પડવું જોઈએ. બાસિતે અત્યંત બિનજવાબદાર રીતે કહ્યું કે, “અમેરિકા તો અમારી મિસાઈલ રેન્જમાં નથી, એટલે આપણે સીધો ભારત પર હુમલો કરી દેવો જોઈએ.”

બાસિતે પોતાના નિવેદનમાં આગળ વધતા મુંબઈ અને દિલ્હી જેવા ભારતીય મહાનગરો પર હુમલો કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા કે ઈઝરાયેલ સુધી પહોંચવું પાકિસ્તાન માટે શક્ય નથી, તેથી ભારત પર હુમલો કરવો એ જ એકમાત્ર રસ્તો છે. આ નિવેદન પાકિસ્તાનની એ માનસિકતા દર્શાવે છે જેમાં તેઓ હંમેશા ભારતને સોફ્ટ ટાર્ગેટ માને છે. જોકે, બાસિત કદાચ એ ભૂલી ગયા છે કે ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને કેવો કારમો પરાજય મળ્યો હતો. ૧૯૭૧માં ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સામે કરેલું આત્મસમર્પણ ઈતિહાસના પાનાઓમાં આજે પણ અંકિત છે.

અબ્દુલ બાસિતને અત્યારે અમેરિકાના હુમલાનો ડર કેમ સતાવી રહ્યો છે, તેની પાછળનું કારણ અમેરિકાની ગુપ્તચર વડા તુલસી ગબ્બાર્ડનો રિપોર્ટ છે. તુલસી ગબ્બાર્ડે તાજેતરમાં જ અમેરિકી સેનેટમાં રજૂ કરેલા રિપોર્ટમાં પાકિસ્તાનને અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા ચિંતાનો વિષય છે અને પાકિસ્તાન અત્યંત ઝડપથી એડવાન્સ મિસાઈલ ડિલિવરી સિસ્ટમ વિકસાવી રહ્યું છે. આ રિપોર્ટ બાદ પાકિસ્તાની શાસકોમાં ફફડાટ ફેલાયો છે કે ક્યાંક અમેરિકા તેમના પરમાણુ હથિયારો છીનવી ન લે અથવા તેના પર સર્જિકલ સ્ટ્રાઈક ન કરી દે.

ભારતીય સંરક્ષણ નિષ્ણાતો બાસિતના આ નિવેદનને માત્ર હતાશા ગણાવી રહ્યા છે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેની સૈન્ય તાકાત પાકિસ્તાન કરતા અનેકગણી વધારે છે. પાકિસ્તાન જ્યારે આંતરિક વિખવાદ, આતંકવાદ અને આર્થિક પતનનો સામનો કરી રહ્યું છે, ત્યારે આવા ઉશ્કેરણીજનક નિવેદનો માત્ર જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. અબ્દુલ બાસિતે ભલે મુંબઈ-દિલ્હી પર હુમલાની વાતો કરી હોય, પણ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન આજે એક કિલો લોટ માટે લાઈનોમાં ઉભું છે. ભારત પર હુમલો કરવાની વાત તો દૂર, પાકિસ્તાન અત્યારે પોતાની સરહદો સાચવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે.

છેલ્લા એક મહિનાથી મિડલ ઈસ્ટમાં વોર, 3,400 થી વધુ લોકોના મોત

અમેરિકાના પ્રખ્યાત માનવાધિકાર જૂથ HRANA (Human Rights Activists News Agency) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ આંકડાઓ હોસ્પિટલો, નાગરિક સમાજ નેટવર્ક અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સના આધારે એકત્રિત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૩,૪૬૧ મૃતકોમાંથી ૧,૫૫૧ લોકો એવા હતા જેમને યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ નહોતો, એટલે કે તેઓ સામાન્ય નાગરિકો હતા. આ યુદ્ધની સૌથી દુખદ બાબત એ છે કે તેમાં ૨૩૬ માસૂમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે આધુનિક હથિયારોના ઉપયોગ વચ્ચે સામાન્ય જનતા કેવી રીતે પીસાઈ રહી છે. જોકે, હજુ સુધી આ આંકડાઓની સત્તાવાર સરકારી પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ જમીની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.

ઈરાન આ યુદ્ધમાં સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસન્ટ સોસાયટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧,૯૦૦ લોકોના મોત થયા છે અને ૨૦,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડાઓમાં શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકી હુમલામાં નાશ પામેલા ઈરાની યુદ્ધજહાજ પર સવાર ૧૦૪ સૈનિકોનો સમાવેશ થાય છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ઈરાની સૈન્ય મથકો અને મિસાઈલ સ્ટોરેજ પર સતત થતા હુમલાઓને કારણે મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

બીજી તરફ લેબનાનમાં પણ સ્થિતિ અત્યંત વિસ્ફોટક છે. ૨ માર્ચ ૨૦૨૬થી ઈઝરાયેલ દ્વારા લેબનાન પર કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં ૧,૨૩૮ લોકો માર્યા ગયા છે, જેમાં ૧૨૪ બાળકો સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યુદ્ધમાં હિઝબુલ્લાહના ૪૦૦ થી વધુ લડાયક સભ્યો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. લેબનાની સેનાએ પણ પોતાના આઠ જવાનો ગુમાવ્યા હોવાની પુષ્ટિ કરી છે, જેમના મોત દક્ષિણ લેબનાનમાં થયેલા હુમલામાં થયા હતા. લેબનાનને યુદ્ધના બીજા મોરચા તરીકે ઉપયોગ કરવાના ઈરાનના નિર્ણયને કારણે ત્યાંની સામાન્ય જનતા પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે.

યુદ્ધની આ જ્વાળાઓ માત્ર ઈરાન કે લેબનાન પૂરતી સીમિત નથી, પરંતુ પાડોશી દેશ ઈરાકમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઈરાકના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, સંકટ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ત્યાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં સામાન્ય નાગરિકો ઉપરાંત ઈરાન સમર્થિત શિયા પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસના સભ્યો, અમેરિકાના સાથી ગણાતા કુર્દ પેશમર્ગા લડવૈયાઓ અને ઈરાકી સેનાના સૈનિકોનો સમાવેશ થાય છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો આ સૈન્ય સંઘર્ષ હવે એક મોટા માનવીય સંકટમાં ફેરવાઈ રહ્યો છે, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે.