Home Blog Page 1658

એકાઉન્ટમાં પૈસા નહીં હોય તોપણ થશે UPIથી પેમેન્ટ, જાણો…

નવી દિલ્હીઃ હવે તમારા ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, તોપણ તમે દિલ ખોલીને ખર્ચ કરી શકશો. હા, હવે તમારું UPI બિલકુલ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરશે. એનો અર્થ છે કે UPIની કેડિટ લાઇન આવી રહી છે. હાલ એ સુવિધા એક્સિસ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ડિયન બેન્ક અને PNBના ગ્રાહકોને મળશે. ત્યાર પછી એનું વિસ્તરણ કરવામાં આવશે.

રિઝર્વ બેન્કે UPIથી ક્રેડિટ લાઇનને મંજૂરી આપી દીધી છે. NPCI UPI દ્વારા નવી સિસ્ટમ લાવી છે. એને પગલે UPI હવે ક્રેડિટ કાર્ડની જેમ કામ કરશે. ક્રેડિટ લાઇનમાં નક્કી લિમિટ સુધીની લોન લઈ શકાશે. એના હેઠળ તમે જેટલો ખર્ચ કરશો એના પર વ્યાજ લાગશે. જોકે એની ચુકવણી નિશ્ચિત સમય પર કરવાની રહેશે. ક્રેડિટ લાઇન યુઝ કરવા પર કોઈ વધારાની ફી નહીં લાગે. હાલ એનો ઉપયોગ માત્ર શોપિંગ માટે કરી શકાશે. આ UPIનું નવું ફીચર છે. એમાં કોઈ નવી પ્રક્રિયાને ફોલો કરવાની જરૂર નહીં હોય.

શું છે ક્રેડિટ લાઇનની સુવિધા?

UPIની ક્રેડિટ લાઇનની સુવિધા પ્રી-અપ્રુવ્ડ લોન જેવી એક સુવિધા છે. એમાં ગ્રાહકોના UPI ખાતા બેન્ક ખાતાઓથી લિન્ક હોય છે. સિબિલ સ્કોરને આધારે ક્રેડિટ લાઇન મળે છે. એમાં ક્રેડિટ કાર્ડની જેમ અમુક રકમની મર્યાદા હશે. ક્રેડિટ લાઇન માટે બેન્કમાં અરજી કરવાની રહેશે. મંજૂરી મળ્યા પછી UPIથી પેમેન્ટ મળશે. આ સુવિધા હેઠળ અકાઉન્ટમાં પૈસા નહીં હોવા પર પણ પેમેન્ટ કરી શકાશે.

આ સુવિધાનો સૌથી મોટો લાભ એ છે કે ગ્રાહકોએ હવે અલગ-અલગ કાર્ડ નહીં રાખવા પડે. ગ્રાહકો UPI દ્વારા પેમેન્ટ કરી શકશે. જોકે ગ્રાહકને ક્રેડિટ લાઇનમાં મંજૂરી મળ્યા પછી એનો ઉપયોગ કરી શકાશે.

 

ઝારખંડના CM હેમંત સોરેન સુનિતા કેજરીવાલને મળ્યા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ હેમંત સોરેન પહેલીવાર સુનિતા કેજરીવાલને મળ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને હેમંત સોરેનની પત્ની કલ્પના પણ હાજર હતી. બંને નેતાઓની મુલાકાત અંગે સંજય સિંહે કહ્યું કે હેમંત સોરેને અરવિંદ કેજરીવાલના પરિવાર માટે સમર્થન વ્યક્ત કર્યું.

તેમણે કહ્યું કે હેમંત સોરેને છેલ્લા 5 મહિના જેલમાં વિતાવ્યા તેનું કારણ વડાપ્રધાન અને ભાજપની દૂષિત રાજનીતિ હતી. તેમણે આમ આદમી પાર્ટી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તેની નિંદા કરી અને અમને સમર્થન આપવાની ખાતરી આપી. અરવિંદ કેજરીવાલ પણ વડાપ્રધાન અને ભાજપની બદલાની રાજનીતિનો શિકાર છે, જેમાંથી વિપક્ષને જેલમાં ધકેલી દેવાની અને પ્રચાર કરતા રોકવાની રાજનીતિનો ભોગ હેમંત સોરેન બન્યા હતા.

સંજય સિંહે કહ્યું- કેજરીવાલને કોઈપણ પુરાવા વગર જેલમાં રાખવામાં આવ્યા હતા

AAP સાંસદે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલને કોઈપણ પુરાવા વગર જેલમાં રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે ED કેસમાં વચગાળાના જામીન આપ્યા તો હવે CBI પર કેસ કરીને તેને જેલમાં રાખવામાં આવ્યો છે. હેમંત સોરેન અને સુનીતા કેજરીવાલ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ જમીન કૌભાંડ કેસમાં જેલ જવું પડ્યું હતું. જોકે, ધરપકડ પહેલા જ તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લગભગ પાંચ મહિના જેલમાં રહ્યા બાદ ઝારખંડ હાઈકોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ હેમંત સોરેન ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.

સુપ્રીમ કોર્ટમાંથી જામીન, કેજરીવાલ ફરી બહાર ન આવ્યા

બીજી તરફ, EDએ શુક્રવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ તેઓ જેલમાં રહેશે કારણ કે CBIએ તેમની સંબંધિત કેસમાં ધરપકડ કરી છે. કેજરીવાલની પણ CBI દ્વારા 26 જૂને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસ 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે, જે હવે રદ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ..

રાજ્યમાં સિઝનનો એવરેજ 28.12 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં હાલ સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 37.55 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કચ્છમાં કુલ 34.91 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.88 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 18.48 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 18.72 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 ત્યારે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘ રાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વલસાડ અને ગણદેવીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં આજે સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વલસાડના રોડ રસ્તા પર પાણી પાણી થયા હતા. વરસાદી પાણીના ભરાવાના કારણે કેટલીક જગ્યા પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો શહેર અનેક રસ્તાઓ બંધ થયા છે. તેમજ પારડીના પલસાણામાં પુલ પર એક કાર ફસાઈ હતી. જેને JCBની મદદથી સ્થાનિકોએ બહાર કાઢી હતી. ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે લગભગ તામમ જળાશયોમાં નવા નીરના આગમન થયા હતા. નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળ સ્તરમાં સતત વધારો થયો છે. ચીખલી ગામનો કોઝવે પણ ઓવરફ્લો થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થયો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેને લઇને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેથી મધુબન ડેમના ચાર દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યાં છે. ડેમમાં પાણીની14,216 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ડેમમાંથી 7288 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. તો બીજી બાજું તાપી જિલ્લાની નદી અને ડેમોમાં પાણી આવક નોંધાય રહી છે. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મીંઢોળા નદી છલકાતા પશુપાલકોને રાહત થઈ છે. ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.

 

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રશિયામાં જીતી પ્રતિયોગિતા

નવી દિલ્હી: દેશના સુપ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં આયોજીત ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડન સેન્ડ માસ્ટર પુરસ્કાર જીત્યોછે. આ ખાસ અવસર પર સુદર્શન પટનાયકનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમને પુરસ્કાર મળતો આપણે જોઈ શકીએ છીએ. જે દરમિયાન તેઓ ખુબ જ ખુશ દેખાય રહ્યા છે. આ પ્રતિયોગિતામાં સુદર્શન પટનાયકે મહાપ્રભુ જગન્નાથના રથ અને તેમના ભક્ત બલરામ દાસની 12 ફૂટ ઊંચી રેતની મૂર્તિ બનાવી છે. સુદર્શ પટનાયકે તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયો સાથે કેપ્શનમાં નમસ્કાર!, મહાપ્રભુ જગન્નાથ લખ્યું છે.

રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ટરનેશનલ ગોલ્ડન સેન્ડ માસ્ટર ચેમ્પિયનશિપનું આયોજન 4 થી 12 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનની થીમ ઈતિહાસ, પૌરાણિક કથાઓ અને પરીની વાર્તાઓ હતી. જેમાં દુનિયાભરમાંથી 21 માસ્ટર સેન્ડ આર્ટિસ્ટે ભાગ લીધો હતો. ભારતમાંથી સુદર્શન પટનાયક એકમાત્ર પ્રતિયોગી હતા. આ પહેલાં આ ચેમ્પિયનશીપનું આયોજન વર્ષ 2018માં કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે સુદર્શન પટનાયકે ચેમ્પિયનશીપ જીતીને ભારતનું નામ રોશન કરી દીધું છે.

અનંત અંબાણીના લગ્નમાં સ્ટાર્સથી ઝળહળી ઉઠી સાંજ

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ શાહી લગ્નમાં બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. ચાલો એક નજર કરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓના લૂકસ પર…

 

…તો થયું હોત પરફેક્ટ લૅન્ડિંગ

ઈન્ડિયન એરફોર્સનો નિવૃત્ત કૅપ્ટન વીર મ્હાત્રે (અક્ષયકુમાર) મુંબઈની એક સસ્તી, પણ સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસતી રેસ્ટોરાંમાં ઢોસો ખાતાં ખાતાં સામે બેઠેલા વેન્ચર કેપિટલિસ્ટ (પ્રકાશ બેલાવડી)ને કહે છે કે “આ જ ઢોસો તમે ફાઈવસ્ટાર હોટેલમાં ખાવા જશો તો તમારી પાસેથી બસ્સો રૂપિયા લઈ લેશે ને સ્વાદમાં કશોયે ભલીવાર નહીં હોય તમને જાણીને નવાઈ લાગશે કે ફાઈવસ્ટાર હોટેલના શેફ પણ અહીં જ ઢોસો ખાવા આવે છે”. ઝડપી મિટિંગ બાદ પેલા વેન્ચર કેપિટલિસ્ટ વિદાય લે છે ને વેઈટર ટેબલ ક્લીન કરવા આવે છે ત્યારે કેપ્ટન વીર એને પેલા વેન્ચર કેપિટલિસ્ટની પ્લેટ લઈ જતાં રોકે છે કેમ કે એમાં હજુ અડધો ઢોસો બચ્યો છે. વીર મ્હાત્રે એ એંઠો, છાંડેલો ઢોસો ખાઈને પછી જ પ્લેટ ક્લીન કરવા કહે છે. વાહ! ગજ્જબનું ડિટેલિંગ ભાઈ!

આ અને આવા અનેક, પરાણે ખેંચાયેલા સીન, ફ્લેશબેકમાં એક ફ્લેશબેક ને એ ફ્લેશબેકમાંયે ફ્લેશબેક, કોઈ પણ જાતની રિલીફ ન આપતાં ગીતો, વગેરે જોતાં એમ લાગે કે ડિરેક્ટર સુધા કોન્ગારાનો એડિટિંગ ડિપાર્ટમેન્ટ કદાચ હડતાળ પર હશે.

તમિળ રાઈટર-ડિરેક્ટર સુધા કોન્ગારા પ્રસાદે 2020માં તમિળ સુપરસ્ટાર સૂર્યાને લઈને ‘સૂરારાઈ પોત્તરુ’ બનાવેલી, જે પેન્ડેમિકના લીધે સીધી ઓટીટી પર (એમેઝોન પ્રાઈમ પર) રિલીઝ થયેલી. 2003માં અપાર સંઘર્ષ બાદ સસ્તાં વિમાનભાડાંની દેશની પહેલી એરલાઈન ‘એર ડેક્કન’ શરૂ કરનારા કૅપ્ટન જી.આર. ગોપીનાથની ઓટોબાયોગ્રાફિકલ બુક ‘સિમ્પ્લી ફ્લાઈ’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી ‘સૂરારાઈ પોત્તરુ’ની હિંદી રિમેક છે ‘સિરફિરા’, જે મિશન મંગલ, મિશન સેનિટરી પેડ, મિશન હોકી (ગોલ્ડ), મિશન બેલબોટમ, મિશન રામસેતુ અને છેલ્લે મિશન રાનીગંજ બાદ અક્ષયકુમારનું આ નવું મિશન છેઃ લો કોસ્ટ એરલાઈન.

મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં વસતા કેપ્ટન વીર મ્હાત્રેનું સસ્તી, સૌને પરવડે એવી ઉડિપી હોટેલ આકાશમાં શરૂ કરવાનું સપનું છે. એક એવી એરલાઈન જેનાં ભાડાં દેશની આમ જનતાને પરવડે. આ માટે એ બધું દાવ પર લગાવી દે છે. કેપ્ટન ગોપીનાથ મૂળ કર્ણાટકના અને મૂળ ફિલ્મમાં પણ દક્ષિણ ભારતીય પૃષ્ઠભૂ હતી. હિંદી આવૃત્તિ માટે મહારાષ્ટ્રિયન પૃષ્ઠભૂ રાખવામાં આવી છે.

‘સિરફિરા’ની મુશ્કેલી છે પળે પળે આવી જતો મેલોડ્રામા. તમે એક પ્રેરણાદાયી સત્યકથા નહીં, પણ એક ટિપિકલ હિંદી ફિલ્મ જોઈ રહ્યા છો એવું પળે પળે તમને યાદ કરાવવામાં આવે છે. અહીં એક સંઘર્ષપુરુષ નથી, પણ હીરો છે, જે ખેડૂત છે, અલગારી યુવાન છે, એ પાઈલટ છે, એ પ્લેન રિપેર કરે છે, એને હિસાબકિતાબ આવડે છે, એ પ્રેમી છે, પતિ છે, નવજાત શિશુનો પિતા છે. એ બધું જ છે. સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે ડિરેક્ટર પર હીરો સવાર થયો હશે.

વીર મ્હાત્રેની પત્ની રાણીની ભૂમિકામાં રાધિકા માદન છે. એ બેકર છે, બેકરી-કમ-રેસ્ટોરાં ચલાવે છે. મૂળ ફિલ્મની જે તાકાત હતી (પતિ-પત્નીના સંબંધ) એ અહીં કમજોર કડી બનીને રહી ગયા છે. જો કે રાધિકાએ કામ સારું કર્યું છે. તો ભારતીય એરલાઈન ઈન્ડસ્ટ્રીના માંધાતા, ખંધા પરેશ ગોસ્વામી (પરેશ રાવલ)નું પાત્ર ‘જેટ એરવેઝ’ના નરેશ ગોયલ પર આધારિત છે. અને ફિલ્મમાં બેસ્ટ સીન વીર મ્હાત્રે અને પરેશ ગોસ્વામીના છેઃ પરેશની એરલાઈનના બિઝનેસ ક્લાસમાં બન્નેની પહેલી મુલાકાતથી લઈને ડગલે ને પગલે થતી એમની ટક્કર. પરેશભાઈ, રાબેતા મુજબ, એમની ઠંડી ક્રૂરતાથી છવાઈ જાય છે. મૂળ તમિળ ફિલ્મમાં પણ આ રોલ એમણે જ ભજવેલો. વીર મ્હાત્રેના મામા સસરાની ભૂમિકામાં રંગભૂમિના ઉત્તમ અદાકાર જય ઉપાધ્યાયને જોઈને આનંદાશ્ચર્ય થયું.

એકાદ-બે સીનમાં વિજય માલ્યાનું પાત્ર પણ દેખા દે છે. રેકોર્ડ સ્ટ્રેઈટ કરવા માટે કહેવું જોઈએ કે કેપ્ટન ગોપીનાથ પાંચેક વર્ષ જ ‘એર ડેક્કન’ ચલાવી શક્યા હતા. 2008માં એમણે વિજય માલ્યાની ‘કિંગફિશર’ સાથે ભળી જવાની ફરજ પડી હતી. પછી ‘એર ડેક્કન’નું અને ‘કિંગફિશર’નું શું થયું એ આપણે જાણીએ છીએ. જો કે આ બધું ‘સિરફિરા’માં બતાવવામાં આવ્યું નથી. 1990ના દાયકાથી શરૂ થયેલી ફિલ્મ 2003માં ડેક્કનની ઉડાન બાદ પૂરી થાય છે.

ટૂંકમાં એટલું જ કહેવાનું કે 155 મિનિટ લાંબી ફિલ્મનું જો એડિટિંગ ચુસ્ત થયું હોત, પેટ-કમર પરની વધારાની ચરબી જેવા, નાટકીયવેડાથી ખદબદતા સીન (દાખલા તરીકે કેપ્ટન વીર મ્હાત્રેના પિતાના મૃત્યુની કથાવાળો સીન) તથા ગીતો ઓછાં કરી સંઘર્ષકથા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો ફિલ્મ સેફ, પરફેક્ટ લેન્ડિંગ જેવી હોત.

‘ખિલાડી’ની સાત ફિલ્મો ફ્લોપથી ફિલ્મમેકર્સને રૂ. 800 કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ બોલિવુડના ‘ખેલાડી’ના આજકાલ માઠા દિવસો ચાલી રહ્યા છે. અક્ષયકુમાર પાછલા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મમાં છે. જેને લીધે તેના ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નજર અક્ષયની આવનારી ફિલ્મ ‘સરફિરા’ પર લાગેલી છે.

વર્ષ 2020ના કોરોના કાળ પછી અક્ષયકુમારની ફિલ્મો ઓડિયન્સ માટે તરસી ગઈ છે. ગયા વર્ષે આવેલી ‘OMG 2’ને છોડી દઈએ તો ત્રણ વર્ષમાં અક્ષયકુમારની સાત ફિલ્મો ફ્લોપ થઈ ચૂકી છે, જેમાં ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘રક્ષા બંધન’, ‘સેલ્ફી’, ‘મિશન’, ‘રાનીગંજ’, ‘રામ સેતુ’ અને ‘બડે મિયાં છોટે મિયાં’. અક્ષયની આ ફ્લોપ ફિલ્મોથી એના ફિલ્મમેકર્સને આશરે રૂ. 800 કરોડનું નુકસાન થયું છે, એમ એક અહેવાલ કહે છે. હાલમાં આવેલા સમાચાર મુજબ વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસમાં ક્રાઇસિસમાં છે. જનતાએ એને અક્ષયની મોટા બજેટવાળી ફ્લોપ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’થી જોડવાનું શરૂ કર્યું છે.

વર્ષ 2020માં કોરોના વાઇરસ અને લોકડાઉનની ઠીક પહેલાં 2019માં અક્ષયની ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘હાઉસફુલ 4’ અને ’ગુડ ન્યૂઝ.’એમાંથી ત્રણ ફિલ્મો રૂ. 200 કરોડના આંકડા સુધી પહોંચી હતી, જ્યારે એક ફિલ્મે રૂ. 150 કરોડથી વધુનું નેટ કલેક્શનન્સ કર્યું હતું.

જોકે અક્ષયના ખાતામાં હજી પણ કેટલાય મોટા પ્રોજેક્ટસ છે, જેમાં ‘હેરાફેરી 3’, ‘જોલી એલએલબી 3’ અને ‘વેલકમ 3’, પણ આ બધી ફિલ્મોનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ‘સરફિરા’ની સફળતા પર નિર્ભર કરશએ. ‘બડે મિયાં છોટે મિયા’ આ વર્ષે રિલીઝ થઈ હતી અને રૂ. 300 કરોડમાં બનેલી આ ફિલ્મ રૂ. 100 કરોડ પણ નથી કમાઈ શકી. આવામાં ‘સરફિરા’ પર અક્ષયની કેરિયરનો મોટો દાવ લાગેલો છે.

 

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને લઈને મોટો નિર્ણય લીધો

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા સરકારે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની સત્તા વધારી દીધી છે. સરકારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ની કલમ 55 હેઠળ સુધારા કર્યા છે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નર પાસે પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સહિતની ઘણી સત્તાઓ હશે. મોદી સરકારના આ નિર્ણય પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. ચાલો સમજીએ કે આ સુધારાથી શું બદલાશે અને શું દિલ્હીની જેમ જમ્મુ અને કાશ્મીરમાં પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે સંઘર્ષ થશે.

રાજ્યપાલને નવી સત્તા આપ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં દિલ્હી જેવી વ્યવસ્થા થઈ શકે છે. દિલ્હીમાં પણ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લઈને કેજરીવાલ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે એલજી વચ્ચે તણાવ છે. હાલમાં, કેન્દ્ર સરકારના વટહુકમ પછી, દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો અંતિમ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર પર રહેલો છે.

સુધારા બાદ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પાસે આ સત્તાઓ છે

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમાં સુધારા પછી લેફ્ટનન્ટ ગવર્નરને નાણા વિભાગની સંમતિ વિના પોલીસ, જાહેર વ્યવસ્થા, અખિલ ભારતીય સેવા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો સાથે સંબંધિત દરખાસ્તો પર નિર્ણય લેવાનો અધિકાર હશે. સુધારા બાદ જેલ, ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અંગેની દરખાસ્તો મુખ્ય સચિવ મારફત ગૃહ વિભાગના વહીવટી સચિવ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરવામાં આવશે. વહીવટી સચિવો અને અખિલ ભારતીય સેવા અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત તમામ દરખાસ્તો લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ મૂકવામાં આવશે.

ચાર ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી સૌપ્રથમ મહિલા કાઓરી ઇચો

પેરિસઃ પેરિસમાં 26 જુલાઈથી ઓલિમ્પિકનો પ્રારંભ થવાનો છે, ત્યારે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી સફળ એથ્લીટ રેસલર કાઓરી ઇચો છે, જે ક્યારેય હારી નથી. કાઓરી ઇચોએ 2004 એથેન્સ ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યું હતું. 20 વર્ષની વયે તેણે સતત ચાર મેચ જીતીને 63 કિલોગ્રામમાં ગોલ્ડ જીત્યો હતો. એ પછી 2008 બીજિંગ અને 2012 લંડન ઓલિમ્પિકમાં પણ ઇચોએ આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં ઇચોએ 58 કિલોગ્રામમાં રશિયાની વેલેરિયા કોબ્લોવાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે આ કેટેગરીમાં ભારતની સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.કાઓરી ઇચોને નામે વર્લ્ડ રેકોર્ડ પણ છે. તે સતત ચાર ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત મેડલ જીતવાળી વિશ્વની પહેલી મહિલા એથ્લીટ છે. તે ઓલિમ્પિક કેરિયરમાં એક પણ મુકાબલો હારી નથી. રેસલિંગમાં એક પણ મેચ હારવા પર ગોલ્ડની આશા પૂરી થઈ જાય છે. ઇચોને 2003થી 2016ની વચ્ચે એક પણ રેસલિંગ મેચમાં હાર નથી મળી. તે 10 વાર વર્લ્ડ ચેમ્પિયન પણ રહી છે. 2006 એશિયન ગેમ્સમાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ નહોતો લીધો.

જાપાનની ઇચોને જાપાનના પીપલ્ડ ઓનર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એ જાપાનનો સૌથી મોટા એવોર્ડમાં સામેલ છે. કાઓરીની બહેન ચિહારુ ઇચો પણ ઓલિમ્પિક મેડલિસ્ટ છે. 48 કિલોગ્રામ કેટેગરીમાં તેણે 2004 અને 2008માં સિલ્વર જીત્યો હતો. 

એશિયાટિક સિંહો પર રહેશે AIની નજર!

ગુજરાત સિંહનો માટે વખણાય છે. 2018માં આકસ્મીક રીતે સિંહના મૃત્યુ થવાના કેટલાક અહેવાલ વહેતા થયા હતા. જેના આધારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશન હાથ ધરી હતી. જે મુદ્દે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. હાઈકોર્ટે ગત સુનાવણીમાં રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવે જે સિંહોના આકસ્મિક મૃત્યુના કારણો અને તેને અટકાવવાના ઉપાયો શોધીને એક SOP બનાવવાનો હુકમ કર્યો હતો.

હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં 5 સભ્યો વન વિભાગના અને 5 સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે. રેલવે ટ્રેક ઉપર સિંહોના મૃત્યુને અટકાવવા SOP, મીટર ગેજને બ્રોડગેજમાં ફેરવવા માટે યોગ્યતા જોવી અને જે અકસ્માતોમાં સિંહોના મૃત્યુ થયા છે તેની તપાસ કરવી. SOPની અંદર ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત સિંહોના કોરિડોરમાં અંડરપાસ બનાવવાની વાત છે. રેલવે ટ્રેક કે તેની આજુબાજુમાં દેખાય તો તુરંત પગલાં લેવા માટેનું મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ સિંહોને બચાવવા માટે કરવામાં આવશે. રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. સમયાંતરે રિવ્યૂ મિટિંગ યોજવામાં આવશે, સિંહોના હોટસ્પોટ વિસ્તારોમાં ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, સિંહોના ટ્રેકરને વોકીટોકી, મોબાઇલ વગેરે સાધનો આપવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગનો એક કર્મચારી ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસે ઉપસ્થિત રહેશે. સિંહોની વિગતો વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવશે.

હાઈ લેવલ કમિટી ઉપરાંત શેત્રુંજી, રાજુલા, ગીર અને સાવરકુંડલા માટે એક જોઈન્ટ કમિટી બનાવવામાં આવી છે. જે દર મહિનાના પહેલા અઠવાડિયે મિટિંગ કરશે. બીજી ડિવિઝનલ ઝોન કમિટી બનાવવામાં આવી છે. જેમાં ટ્રેનની સ્પીડ ઘટાડવા અને લાયન ટ્રેકર સિંહ ઉપર વોચ રાખશે. દર મહિનાના પહેલા અઠવાડિયામાં તેની મિટિંગ મળશે. ત્રીજી સર્કલ લેવલની કમિટી બનાવવામાં આવી છે, જે દર ત્રણ મહિને મિટિંગ યોજશે અને ત્યારબાદ યોગ્ય પરિણામ મળતા વર્ષમાં બે વખત મિટિંગ યોજશે. આ કમિટીઓમાં રેલવે અને વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેલ છે. સિંહો ઉપર નજર રાખવા તેઓ કેમેરા લગાવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જેથી કોર્ટે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વન વિભાગ હવે પોતાની જવાબદારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ઢોળી દેશે. રેલવેની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, અમરેલીથી ખીજડીયા વચ્ચે નેરોગેજને બ્રોડગેજ કરવાની કામગીરી હાથ ધરાશે. આ વિસ્તાર વન વિભાગમાં આવતો ન હોવાથી તેમાં વન વિભાગની મંજૂરી લેવાની જરૂર નથી. તે ગીર અભયારણ્યથી 44 કિલોમીટર દૂર છે.