Home Blog Page 166

ગુજરાતમાં ચૂંટણી ટાણે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે તેના આખરી તબક્કામાં પહોંચી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીએમ મોદી 31 મી તારીખે ગુજરાતની મુલાકાત લેશે, જે છેલ્લા ત્રણ મહિનામાં તેમની સતત ત્રીજી મુલાકાત હશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમો પૂર્ણ કરી સીધા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકની મુલાકાતે જશે. અહીં નાણી ગામે તૈયાર કરવામાં આવેલી નવી એરસ્ટ્રીપના નિરીક્ષણ બાદ પીએમ મોદી એક વિશાળ જનસભાને સંબોધિત કરશે, જેની સીધી અસર આગામી ચૂંટણીઓના પરિણામો પર પડી શકે છે.

પીએમ મોદીના કાર્યક્રમની વિગતો મુજબ, તેઓ ગાંધીનગરના કોબા નજીક આવેલા સુપ્રસિદ્ધ મહાવીર જૈન મંદિરના એક વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં પણ સહભાગી થશે. ત્યારબાદ તેમનું ધ્યાન સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ પર કેન્દ્રિત રહેશે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના દુઃખદ અવસાન બાદ ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે, અને સાથે જ રાજ્યમાં નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પીએમ મોદીની આ મુલાકાત બાદ તુરંત જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એરસ્ટ્રીપની સુવિધા મળવી એ સુરક્ષા અને વિકાસ બંને દ્રષ્ટિએ મહત્વનું છે, અને પીએમ મોદી પોતે આ પ્રોજેક્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ભાજપ સંગઠન દ્વારા આ જનસભામાં મોટી મેદની ઉમટી પડે તે માટે અત્યારથી જ આયોજન શરૂ કરી દેવાયું છે. પીએમ મોદીના આ પ્રવાસને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી રહી છે. પીએમ મોદી ગુજરાતની જનતાને કયા નવા પ્રોજેક્ટ્સની ભેટ આપે છે અને ચૂંટણી લક્ષી કયા મુદ્દાઓ પર ભાર મૂકે છે તેના પર સૌની નજર ટકેલી છે.

ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા-ઇઝરાયેલની સ્ટ્રાઈક, ભારે બોમ્બમારો

નવી દિલ્હીઃ ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી છે. પરમાણુ કેન્દ્ર પર ભારે બોમ્બમારો થયો હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ હુમલા બાદ કોઈ પણ પ્રકારનું રેડિયોએક્ટિવ પદાર્થનું લીકેજ થયું નથી. આ સાઇટ તહેરાનથી આશરે 220 કિલોમીટર દૂર સ્થિત છે અને અગાઉ પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવી ચૂકી છે, જેમાં 2025ના ઈરાન-ઇઝરાયેલ જંગ અને અમેરિકાના જૂના હુમલાઓનો સમાવેશ થાય છે.

આ વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં વધુ નુકસાન થયું નથી. ઈરાન સરકારે આ હુમલાને અમેરિકા અને ઇઝરાયેલની જૂની વ્યૂહરચના ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ ઈરાન પર સૈન્ય દબાણ બનાવવા માટે આવા “કાયરતાપૂર્ણ” હુમલા કરવામાં આવી રહ્યા છે.

જોકે નતાન્ઝ પરમાણુ કેન્દ્રને પહેલી વાર નિશાન બનાવાયું નથી. અગાઉ પણ અહીં અનેક હુમલાઓ થઈ ચૂક્યા છે. ઈરાનની એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશને આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમના જણાવ્યાનુસાર આ આંતરરાષ્ટ્રીય કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે અને પરમાણુ હથિયારોના પ્રસારને રોકતી સંધિના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું નથી.

આ તરફ  ઈરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે ઈરાને ફરી એક વખત ત્યાં મિસાઈલ હુમલો કર્યો, જેને કારણે ભારે આગ લાગી હતી. એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન સાથે સીઝફાયરના પક્ષમાં નથી. તેમના મુજબ જો કોઈ એક પક્ષ સંપૂર્ણ રીતે ઝૂકી રહ્યો હોય, તો તેને નિષ્પક્ષ સ્થિતિ કહી શકાય નહીં.  એ ઉપરાંત શનિવારે બ્રિટને પણ મોટું એલાન કરીને અમેરિકાને પોતાના સૈન્ય બેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા તેમને મોટી આર્થિક મદદ આપે છે, પરંતુ જ્યારે અમેરિકાને તેમની જરૂર પડે છે ત્યારે તેઓ પાછળ હટી જાય છે.

સધર્ન ગુજરાત ચેમ્બરની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફટ કમિટી દ્વારા એકિઝબિશન

અમદાવાદ: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફટ કમિટી દ્વારા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં ચાર દિવસીય આર્ટ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્ટ એકિઝબિશન તા. ૧૯થી રર માર્ચ, ર૦ર૬ દરમિયાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટ (ગુજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ ઓફ) ખાતે આરંભ થયો છે. આ એક્ઝિબિશન બપોરે 12 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લું રહેશે.આ કાર્યક્રમમાં જાણીતા આર્ટ કયુરેટર અનુજ અંબાલાલ અને વિવેક દેસાઈ તેમજ સુરતના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સૌરભ દેસાઈએ આ એકિઝબિશનમાં મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી છે.

સધર્ન ગુજરાત ચેમ્બરની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડિક્રાફટ કમિટીના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ જણાવ્યું હતું કે, સુરતના કલાકારો સમગ્ર ગુજરાતમાં પણ પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે હેતુથી અમદાવાદ ખાતે આર્ટ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકિઝબિશન કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે, જ્યાં કલા રસિકોને વિવિધ કલાકૃતિઓને નજીકથી નિહાળવાનો અવસર મળશે.

આ આર્ટ એકિઝબિશનમાં કુલ ૧૯ પ્રતિભાશાળી કલાકારો તેમની વિવિધ પ્રકારની 50થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. ચિત્રકલા, સર્જનાત્મક અભિવ્યક્તિ અને કલાના વિવિધ પ્રકારો સાથે જોડાયેલી આ કૃતિઓ કલા રસિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુલાકાતીઓને અલગ–અલગ શૈલી અને વિષયવસ્તુ ધરાવતા આર્ટ વકર્સને નજીકથી નિહાળવાની તેમજ કલાકારોની સર્જનાત્મકતાને સમજવાની ઉત્તમ તક મળશે.

ચેમ્બર દ્વારા સુરતના કલા પ્રેમીઓ, કલાકારો તેમજ અમદાવાદના નાગરિકોને આ આર્ટ એકિઝબિશનની મુલાકાત લઈને કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં જોવા મળશે ઓડિશાના વાઇબ્રન્ટ કલ્ચર, વાનગીઓ, ક્રાફટ અને ટુરિઝમ

અમદાવાદ: બેંગલુરુ અને ગુવાહાટી ખાતે અગાઉની આવૃત્તિઓની સફળતા બાદ, ઓડિશા સરકારનો પ્રવાસન વિભાગ, અમદાવાદમાં તેના મુખ્ય સાંસ્કૃતિક અને પર્યટન પ્રદર્શન ઓડિશા પરબ લાવી રહ્યો છે. આ પહેલ ઓડિશાના અનુભવ-આધારિત પર્યટન, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ક્રિએટિવ પરંપરાઓને સમગ્ર ભારતમાં પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાના હેતુથી વ્યાપક રાષ્ટ્રીય પહોંચનો એક ભાગ છે.ભારતના સૌથી જીવંત સાંસ્કૃતિક રાજ્યોમાંનું એક ગણાતું ઓડિશા એક એવી ભૂમિ છે, જ્યાં પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ કલા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય જોવા મળે છે. પોતાની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ અને લોક સંસ્કૃતિથી લઈને સુંદર હસ્તકલા, હાથવણાટ અને અનોખા ભોજન વારસા સુધી, ઓડિશા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ગૌરવનું દર્શન કરાવે છે.

પશ્ચિમ ભારતમાં ઓડિશાની ભાવના લાવવા માટે, પ્રવાસન વિભાગ, ઓડિયા ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગના સહયોગથી અને હાથશાળ, કાપડ અને હસ્તકલા વિભાગ, ORMAS, ADISHA અને મિશન શક્તિની સક્રિય ભાગીદારી સાથે, અમદાવાદ ખાતે 21 થી 23 માર્ચ 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રણ દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શન ઓડિશા પરબનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંગે પ્રવતી પરિદા (માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓફ ઓડિશા) એ માહિતી આપી હતી.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઓડિશાની જીવંત પરંપરાઓ, કલાત્મક અભિવ્યક્તિઓ અને પ્રવાસન સંભાવનાનો એક અનોખો અનુભવ રજૂ કરવાનો છે, જેમાં સંસ્કૃતિ, ભોજન, હસ્તકલા, હાથવણાટ અને ડેસ્ટિનેશન શો કેસને એક છત નીચે એકસાથે લાવવામાં આવશે.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઓડિશાના નિષ્ણાત કલાકારો દ્વારા કરવામાં આવતું લાઈવ પ્રદર્શન હશે, જ્યાં મુલાકાતીઓ પરંપરાગત કલાને નજર સામે બનતી જોઈ શકશે. અહીં ખાસ સ્ટોલ્સ પર ઓડિશાના પ્રખ્યાત કાપડ અને હસ્તકલાની વસ્તુઓ, જેમ કે હાથવણાટનું કાપડ અને GI-ટેગ ધરાવતી વસ્તુઓ જોવા મળશે. મુલાકાતીઓને કલાકારો સાથે વાતચીત કરવાની અને દરેક કલા પાછળ રહેલો વારસો અને તેની ખાસ પદ્ધતિઓ વિશે જાણવાની તક પણ મળશે
ભોજનનો વિભાગ પણ એટલો જ આકર્ષક હશે, જેમાં ખાસ ફૂડ સ્ટોલ્સ અને વાનગીઓના લાઈવ પ્રદર્શન દ્વારા ઓડિશાની વિવિધતા પીરસવામાં આવશે. મુલાકાતીઓ ઓડિશાના દરિયાકાંઠાના, આદિવાસી અને પરંપરાગત ભોજનનો અસલી સ્વાદ માણી શકશે. આ સાથે જ ઓડિશાની પ્રખ્યાત મીઠાઈ ‘છેના પોડા’નો લ્હાવો પણ લઈ શકાશે.“અમદાવાદમાં યોજાનાર ‘ઓડિશા પરબ’માં શાસ્ત્રીય, લોક અને આદિવાસી નૃત્યોનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે, જે ઓડિશાની વાર્તાલાપ શૈલી અને શૌર્યની પરંપરાઓને રજૂ કરશે. ઓડિસી, ગોટીપુઆ, સંબલપુરી નૃત્ય, પાઈકા અખાડા, ઘુમુરા, ઢેમસા, છાઉ અને ઘુડુકી જેવી અદભૂત કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અનોખી ઝલક જોવા મળશે.

સાંસ્કૃતિક પ્રદર્શનો ઉપરાંત, આ કાર્યક્રમ ઓડિશાની પર્યટન ક્ષમતાને ઉજાગર કરશે, મુલાકાતીઓને વારસો અને આધ્યાત્મિકતાથી લઈને વન્યજીવન, દરિયાકિનારા અને ઇકો-ટુરિઝમ સ્થળો સુધીના રાજ્યના વિવિધ પ્રવાસ અનુભવોનો પરિચય કરાવશે.પ્રવાસન જોડાણોને મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમના ભાગ રૂપે, પ્રવાસન આઉટરીચ ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રવાસ વેપાર હિસ્સેદારો સાથે જોડાણ સહિત વિશેષ પહેલનું પણ આયોજન કરવામાં આવશે.

માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ કરતાં વધુ કલ્પના કરાયેલ, ઓડિશા પરબ, અમદાવાદ સાંસ્કૃતિક વિનિમય, સંવાદ અને ઉજવણી માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, ઓડિશા અને ગુજરાત વચ્ચે જોડાણોને મજબૂત બનાવે છે જ્યારે ઓડિશાને સંસ્કૃતિ, હસ્તકલા, ભોજન અને પર્યટન માટે એક જીવંત સ્થળ તરીકે પ્રોત્સાહન આપે છે.

ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર નાગરિકતા છીનવી લેશેઃ CM મમતાનો આરોપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું છે કે આવનારી ચૂંટણી પછી NRC અને જનગણનાને નામે લોકોની નાગરિકતા છીનવાઈ શકે છે, એમ તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરતી વખતે તેમણે આ દાવો કર્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટણી પહેલાં જ ‘અનૌપચારિક રાષ્ટ્રપતિ શાસન’ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે.

NRC અને જનગણના અંગે આરોપ

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચૂંટણી બાદ NRC અને જનગણના પ્રક્રિયા દ્વારા લોકોની નાગરિકતા સમાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. તેમણે લોકોને આવા કોઈ પણ પ્રયાસ સામે સાવચેત રહેવાની અપીલ કરી હતી.

‘અનૌપચારિક રાષ્ટ્રપતિ શાસન’નો દાવો

મુખ્ય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચની કાર્યવાહી કારણે રાજ્યમાં અસરકારક રીતે ‘અનૌપચારિક રાષ્ટ્રપતિ શાસન’ લાગુ થઈ ગયું છે. તેમના જણાવ્યા મુજબ ચૂંટણી પહેલાં રાજકીય માહોલને પ્રભાવિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યાં છે.

ચૂંટણી ષડયંત્રનો આરોપ

તૃણમૂલ પ્રમુખે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ સાથે મળીને પરિસીમા (Delimitation) કરવાની યોજના બનાવી રહી છે, જેથી આવનારી ચૂંટણીમાં ભાજપને લાભ મળી શકે.

અધિકારીઓની બદલી મુદ્દે પ્રશ્ન

તેમણે આરોપ મૂક્યો હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે રાજ્યના અધિકારીઓની બદલીના આદેશ આપી રહ્યો છે, જેથી ચૂંટણી પહેલાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય. તેમણે કહ્યું હતું કે આથી નાણાં અને હથિયારોની તસ્કરી વધવાની શક્યતા છે.

SIR અને નામ કાઢી નાખવાના મુદ્દા

મુખ્ય મંત્રીએ દાવો કર્યો હતો કે SIR પ્રક્રિયા દરમિયાન એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અંદાજે 60 લાખ કેસમાંથી 22 લાખનો નિકાલ થઈ ગયો છે અને લગભગ 10 લાખ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે, જેમની ફરી તપાસ કરવાની જરૂર છે.

રિવરફ્રન્ટ ખાતે ‘મિલેટ મહોત્સવ-2026’નો પ્રારંભ

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો આજથી પ્રારંભ થયો. કાર્યક્રમની શરૂઆત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિડિયો સંદેશથી કરવામાં આવી. સૌને મિલેટ મહોત્સવના પ્રારંભની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોને ‘અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું, ‘મિલેટ’ એ માત્ર આહાર નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તે શરીર માટે અત્યંત ગુણકારી અને પચવામાં હળવા હોય છે. દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં ૧૭ મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં જીતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં ૧૭ મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

“રાજ્યમાં ૭૦૦થી વધુ મિલેટ સ્ટોલ્સ અને પ્રદર્શનો દ્વારા ખેડૂતોને સીધું માર્કેટ પૂરું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે”, તેમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ વર્ષ ઉજવણીની શરૂઆત કરાવી મિલેટ્સને ભારત પૂરતું સીમિત ન રાખી, દેશ-વિદેશ સુધી પહોંચાડ્યું છે. G20ના સમિટમાં પણ વિદેશના પ્રતિનિધિઓને મિલેટ્સની વાનગી પીરસવામાં આવી હતી.” મિલેટ મહોત્સવની સફળતા વિશે વાત કરતાં તેમણે કહ્યું, “ગયા વર્ષે પાંચ લાખથી પણ વધુ લોકોએ મિલેટ મહોત્સવ અને સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.”

આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, કૃષિ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

ગાંધીનગર: રાજ્યના અનેક જિલ્લામાં વરસેલા ફૂંકાયેલા ભારે પવન અને કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. આ મામલે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે.કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું હોવાની વિગતો સરકાર સુધી પહોંચી છે.

ખેડૂતોની ચિંતાને ધ્યાને રાખીને કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “અમે તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. કયા જિલ્લામાં કેટલું નુક્સાન થયું છે, તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે.”

તંત્ર દ્વારા નુકસાનીનો આખરી સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે. કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર ખેડૂતોની પડખે છે અને નિયમ મુજબ યોગ્ય વળતર આપવા માટે કટિબદ્ધ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કેબિનેટમાં આ અંગે ચર્ચા કરી આખરી નિર્ણય લેવામાં આવશે.

સરકારના નિર્ણયનો ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે કર્યો વિરોધ

નવી દિલ્હીઃ એરલાઇન કંપનીઓ ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60 ટકા બેઠકો પસંદ કરવા માટે કોઈ ફી ન લેવા અંગે સરકારના નિર્ણય પર આકરો વિરોધ નોંધાવ્યો છે. એરલાઇન્સનું કહેવું છે કે આ પગલાથી તેમની આવક પર અસર પડશે અને નુકસાનની ભરપાઈ કરવા માટે તેમને હવાઈ ભાડું વધારવું પડી શકે છે. આ ત્રણેય એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સે (FIAએ) નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ નિર્ણય પાછો ખેંચવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે DGCAને સૂચના આપવામાં આવી છે કે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60 ટકા બેઠકો મુસાફરોને મફતમાં પસંદ કરવાની સુવિધા આપવામાં આવે, કારણ કે છેલ્લા સમયમાં એરલાઇન્સ સીટ પસંદગી સહિત વિવિધ સેવાઓ માટે વધારે ચાર્જ વસૂલતી હોવાથી ચિંતા વધી રહી હતી. નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિન્હાને લખેલા પત્રમાં FIAએ જણાવ્યું કે સરકારના આ નિર્દેશથી વિમાનન ક્ષેત્ર પર અનિચ્છનીય અને નકારાત્મક અસર પડશે.FIAએ કહ્યું હતું કે આ નિર્ણયથી એરલાઇન્સને મોટું આર્થિક નુકસાન થશે, જેને કારણે આવકમાં થયેલા ઘટાડાની ભરપાઈ માટે હવાઈ ભાડું વધારવું પડશે. પરિણામે, સીટ પસંદ કરનારા મુસાફરો જ નહીં, પરંતુ સીટ પસંદગી ન કરનારા મુસાફરોને પણ વધુ ભાડું ચૂકવવું પડશે.

 સીટ પસંદગી ફી એરલાઇન્સની આવકનો મહત્વનો ભાગ

FIAના જણાવ્યા મુજબ સીટ પસંદગી માટે લેવામાં આવતી ફી એરલાઇન્સની યોગ્ય આવકનો મહત્વનો હિસ્સો છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે. AERAના નિયમો મુજબ એરપોર્ટોને પોતાની સંપૂર્ણ કિંમત વસૂલવાની સાથે નક્કી નફો કમાવવાની મંજૂરી છે.

ગ્રુપે જણાવ્યું કે એરલાઇન્સ બહુ ઓછા નફા પર કામ કરે છે અને ઈંધણ, જાળવણી, એરપોર્ટ ચાર્જ જેવા વધતા ઓપરેશનલ ખર્ચ પૂરા કરવા માટે વધારાની આવકના સ્ત્રોત પર નિર્ભર રહે છે. આવી આવક પર પ્રતિબંધ મૂકવાથી તેમની વેપારી સ્વતંત્રતા ઘટે છે અને બજાર આધારિત ભાવ વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે.

 હાલમાં સીટ પસંદગી માટે કેટલો ચાર્જ લેવાય છે

સામાન્ય રીતે એરલાઇન્સ સીટ પસંદ કરવા માટે મુસાફરો પાસેથી રૂ. 200થી રૂ. 2100 સુધી ચાર્જ વસૂલે છે. આ ચાર્જ સીટની સ્થિતિ પર આધારિત હોય છે — જેમ કે આગળની સીટ કે વધારે પગ જગ્યા (એક્સ્ટ્રા લેગરૂમ) ધરાવતી સીટ. FIAએ વધુમાં જણાવ્યું કે પ્રથમ નજરે મુસાફરોને મફત સીટ પસંદગી લાભદાયક લાગશે, પરંતુ અંતે તેનું પરિણામ વિપરીત નીવડી શકે છે. હવાઈ ભાડું વધવાથી મુસાફરોના વિકલ્પો ઘટશે અને હવાઈ મુસાફરી સામાન્ય લોકોની પહોંચથી બહાર થઈ શકે છે.

UCC મુદ્દે ઈદના દિવસે અમદાવાદમાં વિરોધ-પ્રદર્શન

અમદાવાદ: UCC બિલનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો છે. આ બિલ ગમે ત્યારે ગુજરાત વિધાનસભામાંથી પસાર થઈ શકે છે. ત્યારે આજે ઈદ-ઉલ-ફિત્રના તહેવારના દિવસે જ AIMIM પાર્ટીના કાર્યકર્તાઓએ શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધકર્તા એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે.AIMIMના કાર્યકર્તાઓ હાથમાં બેનર્સ અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. દેખાવકારોએ  ‘UCC હટાવો, દેશ બચાવો’, ‘UCC રદ કરો’ અને ‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’ જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે આ બિલ સામાજિક માળખાને નુકસાન પહોંચાડશે અને તે લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે.

આ દેખાવો કરવા માટે પોલીસની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી. પરિણામે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મસ્જિદની બહાર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત હતો. દેખાવો શરૂ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ દેખાવકારોની અટકાયત કરી હતી. ઈદનો તહેવાર હોવાથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાંચ રાજ્યોમાં ચૂંટણી: શું યુવા મતદાતાઓ બનશે કિંગમેકર?

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે યુવા મતદાતાઓ રાજકીય સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે. આસામ, કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં 18થી 29 વર્ષના મતદાતાઓનો હિસ્સો અંદાજે 20થી 30 ટકા સુધી છે. તેથી રાજકીય પક્ષો આ વર્ગને પોતાના પક્ષમાં લાવવા માટે ખાસ વ્યૂહરચના બનાવી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી TMC શુક્રવારે જાહેર કરેલા ઘોષણાપત્રમાં યુવાનોને કેન્દ્રમાં રાખીને અનેક વચનો આપ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો પણ પોતાના ચૂંટણીપ્રચારમાં યુવાનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો યુવાનોની મતદાન ટકાવારી વધુ રહેશે તો ઘણી બેઠકો પર અણધાર્યાં પરિણામો જોવા મળી શકે છે.

આંકડાઓ મુજબ આ ચૂંટણીમાં યુવા મતદાતાઓની સંખ્યા ખૂબ અસરકારક છે. આસામમાં 18–29 વર્ષની વયના મતદાતાઓ 30 ટકાથી વધુ છે અને રાજ્યમાં કુલ મતદાતાઓ લગભગ 2.49 કરોડ છે. કેરળમાં લગભગ 2.69 કરોડ મતદાતાઓમાંથી આશરે 20 ટકા યુવા છે. પુડુચેરીમાં લગભગ 23 ટકા યુવા મતદાતાઓ છે. પશ્ચિમ બંગાળમાં 6.4 કરોડથી વધુ મતદાતાઓમાંથી લગભગ 27 ટકા યુવા છે. જ્યારે તામિલનાડુમાં લગભગ 5.6 કરોડ મતદાતાઓમાંથી આશરે 22 ટકા યુવાનો છે.

યુવા મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે

આ આંકડાઓ દર્શાવે છે કે ખાસ કરીને શહેરી અને શિક્ષિત વિસ્તારોમાં અનેક બેઠકો પર યુવા મતદાતાઓ નિર્ણાયક બની શકે છે. ચૂંટણી પ્રત્યે યુવાનોમાં રાજકીય જાગૃતિ પણ વધી છે અને તેઓ પ્રગતિશીલ ઉમેદવાર તથા પક્ષોના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે. ઘણા વખત ‘નોટા’માં વધુ મત પડતા હોવું એ પણ સૂચવે છે કે યુવાનોને પોતાની પસંદનો ઉમેદવાર કે પક્ષ મળ્યો નથી.

આસામમાં ભાજપ વિકાસ અને રોજગાર જેવા મુદ્દાઓ દ્વારા યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વવાળો વિરોધ પક્ષ પણ યુવા મતબેંક પર નજર રાખી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળું UDG યુવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી રહ્યું છે અને વામ મોરચો એલડીએફના પ્રચારનું કેન્દ્ર પણ યુવાનો છે. પુડુચેરીમાં ભાજપ ગઠબંધન યુવાનો સુધી પહોંચવા માટે ખાસ અભિયાન ચલાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ યુવાનો માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહ્યો છે, જ્યારે તામિલનાડુમાં ડીએમકેની યુવા વિંગ ખૂબ સક્રિય માનવામાં આવે છે. રોજગાર, શિક્ષણ, સ્ટાર્ટઅપ અને ડિજિટલ તકો જેવા મુદ્દાઓ આ ચૂંટણીમાં યુવાનો માટે સૌથી મહત્વપૂર્ણ બની રહ્યા છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 23 એપ્રિલે 152 બેઠકો પર અને બીજા તબક્કામાં 29 એપ્રિલે 142 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં મુખ્ય મુકાબલો સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માનવામાં આવે છે. બંને પક્ષોએ મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ સિવાય પશ્ચિમ બંગાળમાં વામપંથી પક્ષો અને કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં છે, જ્યારે કેટલીક બેઠકો પર નાના પક્ષોનો પણ પ્રભાવ જોવા મળી શકે છે.