Home Blog Page 1664

આપો ‘આપ’ કેમ આપી દીધું દિનેશ કાછડીયાએ રાજીનામું

સુરતના રાજકારણ ફરી એક વખત ખળભડાટ જોવા મળી રહી છે. સુરતમાં ઉત્તર વિધાનસભામાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જ્યારે આજે તેમણે આમ આદમ પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે.

આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડીયાએ જણાવ્યું છે કે, હું દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત. રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું. મળતી માહિતી અનુસાર દિનેશ કાછડીયા આગળ કઈ પાર્ટી સાથે જોડાશે તેનું કોઈ નિર્ણય કર્યો નથી

 

પાકિસ્તાનમાં સાઉદી એરલાઇન્સના વિમાનમાં લાગી આગ

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ઉતરતી વખતે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ SV792માં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં સમસ્યાના કારણે ટાયરમાં આગ લાગી હતી. આગ લાગવા છતાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં તમામ 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર હાજર હતા.

ઇમરજન્સી દરવાજા દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા

જોકે, ટાયર ફાટ્યાની માહિતી મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. તમામ મુસાફરોને ઈમરજન્સી દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી અને ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. તે જ સમયે, આ ઘટના બની રહી છે.

ICAI CA 2024 ફાઈનલ અને ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર

નવી દિલ્હી: ICAI દ્વારા સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષા 2024ના પરિણામો એકસાથે આજે જાહેર કરવામાં આવ્યા. તેની સાથે જ દેશભરમાંથી આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની આતુરતાનો અંત આવ્યો છે. ICAI દ્વારા જાહેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઈનલની મે-2024ના રોજ લેવાયેલી પરીક્ષામાંથી ગ્રૂપ 1માં 20,479 અને ગ્રૂપ 2માં 21,408 અને બંને ગ્રૂપમાં 7,122 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પાસ થયા છે. સીએ ઈન્ટરમીડિયેટ મે-2024ની પરીક્ષાના ગ્રૂપ-1માં 31,978 અને ગ્રૂપ-2માં 13,008 વિદ્યાર્થીઓ પાસ થયા છે. બંને ગ્રૂપમાં 11,041 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પાસ જાહેર કરાયા છે. ICAI દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર CA ફાઈનલ 2024ની પરીક્ષામાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા (રોલ નંબર 1,25,642) 500 (83.33%) માર્ક્સ સાથે ટોપર્સ રહ્યો છે. તેના પછી દિલ્હીની વર્ષા અરોડા 480 (80.00%) માર્ક્સ સાથે બીજા અને મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ મનરાલ તથા ગિલમન સલીમ અંસારી બંને 477 (79.5%) સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. આ જ રીતે સીએ ઈન્ટરમીડિયએટ 2024ની પરીક્ષામાં ભિંવાડીના કુશાગ્ર રોયે 538 (89.67%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે. તેના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ 526 (87.67%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ 519 (86.50%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.

ચેમ્પિયન ટ્રોફીઃ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પણ ટીમ ઇન્ડિયાની એ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન જવાની સંભાવના નથી. જેથી ભારતની મેચો માટે બે જગ્યા પસંદ કરવામાં આવી છે. જોકે એ જગ્યાની અંતિમ પસંદગી બાકી છે. ICC એને લઈને છેલ્લો નિર્ણય લેશે.

ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી છે. PCBએ એના માટે ડ્રાફ્ટ શિડ્યુઅલ બનાવીને ICCને સોંપી દીધો છે. ત્યાર બાદ ICC તરફથી એ ટુર્નામેન્ટમાં સામેલ થનારા દેશોના ક્રિકેટ બોર્ડની સલાહ લેવામાં આવી રહી છે. PCB અનુસાર ભારતની બધી મેચ લાહોરમાં કરાવાની હતી, પણ હવે શિડ્યુલમાં ફેરફાર થશે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટ માટે ત્રણ સ્થળો પસંદ કર્યાં છે. એમાં લાહોર, રાવલપિંડી અને કરાચી સામેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન 19 ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી ચાલશે.

એક અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ અંગે ICC સાથે વાત કરશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. ટીમ ઇન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજવામાં આવે એવી શક્યતા છે. એવું પણ બની શકે કે ટીમ ઇન્ડિયા તેની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં રમે અને બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાય. આ પહેલાં એશિયા કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ગ્રુપ Aમાં છે. આ સાથે ન્યુ ઝીલેન્ડ અને બંગલાદેશ પણ આ ગ્રુપમાં છે. ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.

 

 

સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગઈ

ભચાઉ: હત્યાના પ્રયાસ કરવાના ગુનામાં નીતા ચૌધરીને મળેલા જામીન મંગળવારે સવારે સેશન્સ કોર્ટે રદ કરી તેને કસ્ટડીમાં લેવા પોલીસને હુકમ કર્યો હતો. જો કે, કોર્ટનો હુકમ આવ્યો ત્યારે નીતા ચૌધરી કોર્ટમાં હાજર નહોતી. તેની જગ્યાએ તેના વકીલ હાજર રહ્યા હતા. જેથી આદિપુરમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી નીતાના ઘેર ભચાઉ પોલીસ પહોંચી ત્યારે ત્યાં પણ તાળું જોવા મળ્યું હતું. આથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નીતા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. પોલીસે તેના સાસરીમાં તપાસ કરી હતી, પરંતુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ ન હતી. નીતાનો મોબાઈલ ફોન ગુના સંદર્ભે પોલીસના કબજામાં છે.પૂર્વ કચ્છના દારૂના સૌથી મોટા વોન્ટેડ બુટલેગર  સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપી પોલીસ કર્મચારી નીતા ચૌધરી સરેન્ડર થવાના બદલે ભૂગર્ભમાં ઉતરી જતાં પૂર્વ કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે.  નીતાને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાનું સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દીધું છે. પરંતુ પોલીસ ખાતાની પૂર્વ કર્મચારી અને અનુભવી નીતા પોલીસને થાપ આપી હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.

પથ્થરમારા કેસમાં કોંગ્રેસ કાર્યકરોના જામીન નામંજૂર

અમદાવાદ: 1લી જુલાઈ, 2024ના રોજ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે 2જી જુલાઈના રોજ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય (રાજીવ ગાંધી ભવન) સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.

આ પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાને જામીન મળ્યા નથી, તેમણે જેલમાં રહેવું પડશે. આ મામલાની ફરિયાદ નવા કાયદા મુજબ કરવામાં આવી છે. આ આરોપીઓની જમીન અરજી તેમના એડવોકેટ ગુલાબખાન પઠાણ દ્વારા અમદાવાદ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી. જેની ઉપર 10 જુલાઈ, 2024 સુનાવણી હાથ ધરાઇ હતી. તેમાં અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક આરોપીઓ વિદ્યાર્થી છે, કેટલાક સારી નોકરી ધરાવે છે અને કેટલાક વૃદ્ધ છે. FIR વધારી ચઢાવીને લખવામાં આવી છે. પથ્થરમારાની આગલી રાત્રે કેટલાક લોકો કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર શાહી લગાવી ગયા હતા એટલે પોલીસને આવો બનાવ બનશે તેવી શક્યતાની ખબર હતી. ભાજપ કાર્યકરો આવવાના હોવાથી કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયા હતા. પોલીસ આ બનાવ બનતા રોકી શકતી હતી. બધા કાર્યકરો અમદાવાદના રહેવાસી હોવાથી કાનૂની કાર્યવાહીમાં સહયોગ આપશે.

તો સામે પક્ષે સરકારી વકીલે આરોપીઓને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે આરોપીઓએ અસમાજિક પ્રવૃત્તિ કરી છે. તેમને જામીન ના આપીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળીને આજે ચુકાદો આપતાં અરજદારોના જામીન નકારી કાઢ્યા છે. આ આરોપીઓ ઉપર રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી રચવી ,સરકારી કર્મચારીને હાનિ પહોંચાડવી, લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. હવે આરોપીઓ જમીન માટે હાઈકોર્ટ જઈ શકે છે.ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એ.સી.પી.,કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલાં અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી.

અનંત-રાધિકાના લગ્નમાં વિકી કૌશલ બન્યો ડાન્સ ટીચર

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.લગ્નના વિવિધ ફંક્શનો શરૂ થઈ ગયા છે. જેમાં બૉલિવૂડની જાણીતી હસ્તીઓ પણ સામેલ થઈ રહી છે. ફંક્શન અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે જ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અનંત-રાધિકાનો ગ્લેમર સંગીત રાત્રિનો એક વીડિયો સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિકી કૌશલ, એટલી અને દિશા પટણી ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા પર સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

વિકી કૌશલે એટલી અને દિશા પટણી સાથે ડાન્સ કર્યો

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સાથેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ‘જવાન’ના નિર્દેશક એટલી અને વિકી કૌશલ આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં ‘કલ્કી 2898 AD’ એક્ટ્રેસ દિશા પટણી અને સારા અલી ખાન પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટર વિકી હૂક સ્ટેપ શીખવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે જાણે અનંતના સંગીત ફંક્શનમાં વિકી કૌશલ ડાન્સ ટીચર બની ગયો હોય.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન

અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી 12 જુલાઈએ એક શુભ લગ્ન સમારોહ સાથે શરૂ થશે. કપલના ભવ્ય લગ્ન સમારોહ 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. 13મી જુલાઈ એ શુભ આશીર્વાદનો દિવસ હશે અને તેનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક હશે. 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે.

અનંત અંબાણીના લગ્નમાં દેશ-વિદેશની હસ્તીઓ સામેલ થઈ શકે છે. નેતા- અભિનેતાઓને લગ્ન માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ વિશે

અનંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર છે. અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પૌત્ર છે. રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા વિરેન મર્ચન્ટની પુત્રી છે.

હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સની અફવા પર આ શું બોલી ગઈ નતાશા?

મુંબઈ: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજકાલ ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયા અને હાર્દિક પંડ્યાની જીત પર ચૂપ રહેવાને કારણે અભિનેત્રીને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહ્યો છે. વિડિયો શેર કરતી વખતે અભિનેત્રી નતાશાએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે, જેણે ટ્રોલર્સને ચૂપ કરાવી દીધા છે. ડિવોર્સની અફવાઓ વચ્ચે નતાશા સ્ટેનકોવિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

નતાશા સ્ટેનકોવિકે ટ્રોલર્સને જવાબ આપ્યો

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે ‘જ્યારે આપણે કોઈ વ્યક્તિનો અચાનક બદલાયેલો ચહેરો જોઈએ છીએ, ત્યારે તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે તેનો ન્યાય કરવા માટે ઉતાવળ કરીએ છીએ.’ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચેનતાશાનો આ વીડિયો જે તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @instantbollywood183

હાર્દિક સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશાએ આ વાત કહી

આ વીડિયોમાં નતાશા કોફી પીતી જોઈ શકાય છે. આ સમય દરમિયાન તેના મનમાં જે પણ વિચારો આવે છે, તે આ વીડિયોમાં શેર કરે છે. તેણી કહે છે,’આપણે ન્યાય કરવા માટે કેટલા ઝડપી છીએ? જો આપણે એવું કામ કરીએ જેની અપેક્ષા ન રાખી શકાય તો લોકો આપણને ગેરસમજ કરવામાં મોડું કરતા નથી. આવી સ્થિતિમાં જ્યારે કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે શું ચાલી રહ્યું છે અને તેઓ તમને ટ્રોલ પણ કરવા લાગે છે, ત્યારે ખરાબ લાગે છે… આવી સ્થિતિમાં લોકોના મનમાં કોઈ સહાનુભૂતિ નથી. શું ખોટું અને શું સાચું એ વિચાર્યા વિના આપણે સીધો જ નિર્ણય લેવાનું શરૂ કરીએ છીએ.’

હાર્દિક પંડ્યા-નતાશાના છૂટાછેડાની અફવા

ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ડાન્સરનતાશા સ્ટેનકોવિકે 31 મે, 2020 ના રોજ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા. તેઓએ ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ખ્રિસ્તી બંને રીતિ રિવાજો સાથે બીજી વાર લગ્ન કર્યા. જોકે, આ વર્ષે મે મહિનામાં છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી જ્યારે ચાહકોએ જોયું કે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘પંડ્યા’ શબ્દ હટાવી દીધો હતો. તે જ સમયે નતાશા IPL 2024 ની મેચોમાં હાજરી ન આપવાને કારણે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળોને વેગ મળ્યો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ PM મોદી જ અટકાવી શકેઃ અમેરિકા

વોશિંગ્ટનઃ PM મોદી રાષ્ટ્રપતિ પુતિનને મળવા જ્યારે રશિયા ગયા હતા, ત્યારે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે અમેરિકાએ એ પણ કહ્યું હતું કે અમેરિકા PM મોદીનાં નિવેદનો પર નજર રાખશે, પરંતુ હવે અમેરિકા ભારતની શક્તિ ઓળખી ચૂક્યું છે. અમેરિકાએ કબૂલ્યું છે કે યુક્રેન અને રશિયાના યુદ્ધને માત્ર ભારત જ અટકાવી શકે છે. ભારત યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

અમેરિકાએ ગઈ કાલે નિવેદન જારી કરીને કહ્યું છે કે રશિયાની સાથે ભારતની પાસે એ ક્ષમતા છે, જેને પગલે એ વ્લાદિમિર પુતિનને યુદ્ધ પૂરું કરવા માટે મનાવી શકે છે. અમેરિકાનું આ નિવેદન મોદીની બે દિવસીય રશિયા યાત્રા બાદ આવ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન પિયરેએ કહ્યું હતું કે અમારું માનવું છે કે રશિયાની સાથે ભારતના સંબંધ રાષ્ટ્રપતિ પુતિનથી યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાના આગ્રહ કરવાની ક્ષમતા આપે છે, પણ એને પૂરું કરવાનું કામ રાષ્ટ્રપતિ પુતિનનું કામ છે. પુતિને જ યુદ્ધ શરૂ કર્યું હતું અને એ જ પૂરું કરી શકે છે.

PM મોદીએ પુતિનને ગળે લગાવ્યા, ત્યારે ઝેલેન્સ્કીએ આકરી ટીકા કરી હતી. તેમણે એને શાંતિના પ્રયાસોને મોટો ઝટકો ગણાવ્યો હતો. તેમણે પુતિનને હત્યારા ગણાવ્યા હતા. જ્યારે PM મોદી પુતિન સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે રશિયાની મિસાઇલો યુક્રેન પર હુમલા કરી રહી હતી. રશિયા કિવમાં બાળકોની હોસ્પિટલમાં નિશાન બનાવી રહી હતી. મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી., ત્યારે સોમવારે સવારે રશિયાની મિસાઇલો યુક્રેનનાં શહેરો પર હુમલો કર્યો હતો.PM મોદીએ પુતિન સાથે મુલાકાત દરમ્યાન યુક્રેનમાં 29 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને એમાં માર્યા ગયેલા લોકોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બાળકોના મોતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

 

રાજ્યના 47 તાલુકામાં નોંધાયો વરસાદ..

રાજ્યમાં મેઘરાજા જમાવટ લીધી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ વિસ્તારમાં સહિત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં રાજ્યમાં સિઝનનો એવરેજ 25.46 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 35.44 ટકા વરસાદ, કચ્છમાં કુલ 34.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.25 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.78 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.39 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં નોંધ પાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બોટાદમાં 47 MM, દસાડામાં 40 MM, ટંકારામાં 29 MM, બોડેલીમાં 18 MM, લીલીયા અને પાટણ-વેરાવળમાં 15 MM,તેમજ ભાણવડ અને માળિયા હાટીનામાં 14-14 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ 11,12 અને 13 જુલાઇએ દક્ષિણ ગુજરાતના અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર,  અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય છે. ઓઝત નદીનું પાણી વધતા ગામના ખેતરમાં પાણી ઘુસી ગયા હતા.  હજુ થોડા દિવસ પહેલા ઘેડ પંથકમાં પ્રસરેલા પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા હતા એવામાં ફરી પાણી ઘૂસી જતા સ્થાનિકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.