Home Blog Page 1666

અદાણી પોર્ટ્સના જમીન મામલે હાઇકોર્ટના આદેશ સામે ‘સુપ્રીમ’ સ્ટે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પરત લેવાની વિરુદ્ધ અદાણી પોર્ટ્સ અને SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની અરજી પર સુનાવણી માટે સહમત થઈ છે. કોર્ટે અદાણી પોર્ટ્સથી 108 હેક્ટર જમીન પરત લેવાનો નિર્દેશ આપતાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ જારી કરી કરીને જવાબ માગ્યો છે.

અદાણી પોર્ટ્સને કચ્છમાં 108 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરી હતી, જેમાં જમીનની ફાળવણીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જનહિત અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગોચર ભૂમિના નુકસાનનો હવાલો આપવામાં આવ્યો હતો. ફાળવણી કરવાના નિર્દેશ એ જમીનનો આપવામાં આવ્યો હતો, જે 20 વર્ષ પહેલાં અદાણી જૂથને ફાળવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે હાઇકોર્ટેને સૂચિત કરી હતી કે એ લગભગ 108 હેક્ટર ગોચરની જમીન પરત લેશે, જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટની પાસે અદાણી જૂથની એક કંપનીને આપવામાં આવી હતી. સરકારનો આ નિર્ણય નવીનલ ગામના રહેવાસીઓ દ્વારા અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિ.ને 231 એકર ગોચર જમીન ફાળવણી કરવાના નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ કર્યાના 13 વર્ષ પછી આવ્યો છે.

જોકે તેમણે હાઇકોર્ટે કહ્યું હતું કે અદાણી પોર્ટ્સને જે જમીનની ફાળવણી કરવામાં આવી છે, એ ગોચરની જમીન છે. તેમણે તેમની અરજીમાં તર્ક આપ્યો હતો કે ગામ ગોચરની ભૂમિની અછતનો સામનો કરી રહ્યું છે. રહેવાસીઓ અનુસાર 276 એકર ભૂમિમાંથી 231 એકર જમીન અદાણી પોટ્સને ફાળવણી થયા પછી ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી છે.

 

સુરત બિલ્ડિંગ ધરાશાયી મામલે વિપક્ષની પીડિતોને સહાયની માગ

ગાંધીનગર: સુરતના સચિન પાલી ગામ ખાતે બનેલી ઇમારત ધરાશાયી દુર્ઘટનામાં ગરીબ અને શ્રમજીવી પરિવારના વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. થોડા વર્ષો પહેલાં જ નિર્માણ પામેલી 5 માળની બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઈને તૂટી પડતાં બિલ્ડિંગમાં રહેતાં 7 નાગરિકોના મૃત્યુ થયા છે. મૃતકના પરિવારજનો કે ઘાયલ થનારને રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સહાય ચૂકવવા અંગે જાહેરાત કરી નથી. વિપક્ષ નેતા દ્વારા સરકાર જાહેરાત કરે તેવી માગ સાથેનો પત્ર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો છે.વિપક્ષ નેતા અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે, “થોડા વર્ષ પહેલાં બનેલી બિલ્ડિંગ એકાએક ધરાશાયી થાય તે ચિંતાનો વિષય છે. આ બિલ્ડિંગના વપરાશ સહિતની જરૂરી પરવાનગીઓ કોના દ્વારા કઈ કક્ષાએથી અપાઈ તે તપાસ થવી જરૂરી છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સમયસર પગલાંઓ ના લેવાના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન અટકાવવાના કારણે બનતી દુર્ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે છે અને પરિવાર નોંધારા બની જાય છે. ઉપરોક્ત ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવાજનો અને ઈજાગ્રસ્તો ગરીબ અને મધ્યમ વર્ગના છે. ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવાજનોને અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.”

રાજકોટ અગ્નિકાંડના પીડિત પરીવારોની CMને ન્યાયની અરજી

ગાંધીનગર: રાજકોટમાં બનેલ માનવ સર્જીત અગ્નિકાંડના પીડિતો આજે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ ન્યાય માટે રજૂઆત કરી છે. આ મુલાકાત દરમિયાન રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પીડિત પરિવારજનોને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે અને મંજૂરી આપનાર અધિકારી સામે પણ ગુનો નોંધવાની માગ પરિવારજનોએ કરી છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો છે. ત્યારે પીડિત પરિવારો પોતાના પ્રિયજનને ન્યાય મળવાની આશાએ બેઠા છે. આ અગાઉ 100 પાનાનો SITએ રિપોર્ટ હાઈકોર્ટને સુપરત કર્યો છે. જેમાં રાજકોટના ચાર સરકારી વિભાગોની સંડોવણી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માગ પીડિત પરિવારોએ કરી છે. આ અગ્નિકાંડમાં  27 લોકોના જીવ હોમાયા હતા. ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને જવાબદાર લોકો સામે પગલા ભર્યાં છે. જો કે હજુ પણ મોટાં માથાઓને બચાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સરકાર સામે થઈ રહ્યા છે.

બજેટમાં પેન્શનમાં બદલાવ લાવવાની તૈયારીમાં સરકાર?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સતત સાતમી વાર બજેટ રજૂ કરવાના છે. NDA સરકારનું પહેલું પૂર્ણ બજેટ 23 જુલાઈએ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બજેટથી લોકોને ખાસ્સી અપેક્ષા છે અને એમાં એક નેશનલ પેમેન્ટ સ્કીમ એટલે કે NPS હેઠળ મળનારી વધારાની ટેક્સ છૂટનો વ્યાપ વધારવાની અપેક્ષા સામેલ છે. સરકારે FY2015-16માં NPSમાં રૂ. 50,000 સુધીના વધારાના ટેક્સ ડિડક્શનની મંજૂરી આપી હતી. નાણાપ્રધાન આ લિમિટ વધારવાની જાહેરાત કરે એવી શક્યતા છે.

બજેટમાં નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતાવાળા પેન્શન સુધારા પર પેનલના મુસદ્દાનો રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ રિપોર્ટ નાણાં મંત્રાની પાસે છે અને એમાં જૂની અને નવી પેન્શન યોજનાઓની વચ્ચે વિવાદ ઉકેલવા માટે ભલામણો સામેલ હોવાની સંભાવના છે.

સરકારી કર્મચારીઓના સંબંધમાં નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શનના મુદ્દાને જોતાં અને અન્ય વાતોની સાથે-સાથે એ તપાસ કરવા માટે નાણાં સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે કે શું NPSમાં ફેરફાર કરવો જોઈએ?

રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકારોએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પર પરત ફરવાના નિર્ણય વિશે કેન્દ્ર સરરકાર –PFRDAને સૂચિત કરી દીધી છે. જોકે પંજાબ સરકાર કેન્દ્ર સરકારને એ સૂચિત કરી છે કે એ NPSમાં કર્મચારીઓ અને સરકારી યોગદાનની ચુકવણી કરવાનું જારી રાખશે.

નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લાં 10 વર્ષમાં મોંઘવારીની અસરને જોઈએ તો સેક્શન 80Cની લિમિટ વધારવાની જરૂર છે. સરકારે સેક્શન 80 ની લિમિટ રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવી જોઈએ.

 

 

 

 

 

 

 

 

 

વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં સાયક્લોનિલ સર્ક્યુલેશ સક્રિય થયુ છે. તેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા અરવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહી

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી ઓરેન્જ એલર્ટ સાથે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,બોટાદ તથા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામા ઓરેન્જ એલર્ટ છે. તેમજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તથા દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિબાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં મેઘ જમાવટનું જોર યથાવત રહેશે. તેમજ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.

ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા અમદાવદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે. ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશ અને શિયર ઝોન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભરે વરસાદની આગાહી છે.

મારી ઓસ્ટ્રિયાની મુલાકાત ઐતિહાસિક અને ખાસ : PM મોદી

રશિયાની મુલાકાત બાદ પીએમ મોદી વિયેના પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિયેનાના ચાન્સેલર પોતે તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. આ મુલાકાત દ્વારા તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેની ભાગીદારી અને સંબંધોને મજબૂત કરવાનો છે. પીએમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાન, ટેક્નોલોજી, શિક્ષણ અને કળા સંબંધિત ક્ષેત્રોમાં સમર્થન અને સહકાર વધારવાનો છે. આ સિવાય તેમણે વિયેનામાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ કર્યા હતા. વિયેનાના ચાન્સેલર નેમારને મળ્યા બાદ પીએમએ કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલા વિવાદને લઈને બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ. PM એ સ્પષ્ટ કર્યું કે આ યુદ્ધનો સમય નથી અને બંને નેતાઓ યુદ્ધ રોકવાના પ્રયાસો ચાલુ રાખવા સંમત થયા છે.

ઐતિહાસિક અને વિશેષ પ્રવાસ

તેમના ભાષણ દરમિયાન, વડા પ્રધાને વિયેનામાં તેમના અદ્ભુત સ્વાગત માટે વિયેના સરકારનો આભાર અને આભાર વ્યક્ત કર્યો હતો. 41 વર્ષ પછી કોઈ ભારતીય નેતાની મુલાકાત પર PM એ કહ્યું, “મારી આ મુલાકાત ઐતિહાસિક અને ખાસ પણ છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમારા પરસ્પર સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે. આજે મેં અને ચાન્સેલર નેમારે ખૂબ જ ફળદાયી વાતચીત કરી હતી, અમે અમારા પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી શક્યતાઓ ઓળખી છે. અમે નક્કી કર્યું છે કે સંબંધોને વ્યૂહાત્મક દિશામાં આગળ લઈ જવામાં આવશે.

દિલ્હી લિકર કૌભાંડઃ EDએ દાખલ કરી ચાર્જશીટ

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસમાં EDએ 38 લોકોને આરોપી બનાવ્યા છે.એ સાથે EDની ચાર્જશીટમાં CM અરવિંદ કેજરીવાલને આરોપી નંબર 37 બનાવવામાં આવ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) આરોપી નંબર 38 છે.

આ ચાર્જશીટ મુજબ કેજરીવાલ કિંગપિન અને ષડયંત્રકાર છે. ગોવા ચૂંટણી લાંચના પૈસાનો ઉપયોગની તેમને માહિતી હતી અને તેઓ એમાં સામેલ હતા. આ ચાર્જશીટમાં કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણના વોટ્સએપની વિગતવાર માહિતી આપવામાં આવી છે.આરોપ છે કે કવિતાના PAએ વિનોદ દ્વારા રૂ. 25.5 કરોડ ગોવા ચૂંટણી દ્વારા આમ આદમી પાર્ટીને પહોંચાડ્યા હતા. ચેટથી એ સ્પષ્ટ છે કે વિનોદ ચૌહાણના કેજરીવાલ સાથે સારા સંબંધ હતા.આ ચાર્જશીટમાં EDએ પ્રોસીડ ઓફ ક્રાઇમનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી વિનોદ ચૌહાણના મોબાઇલથી હવાલા નોટ નંબરના ઘણા સ્ક્રીન શોટ જપ્ત થયા છે. ઇન્કમ ટેક્સે પણ પહેલાં જપ્ત કર્યા હતા. આ સ્ક્રીન શોર્ટ દર્શાવે છે કે કેવી રીતે વિનોદ ચૌહાણ પ્રોસીડ ઓફ ક્રાઇમ એટલે કે અપરાધથી આવેલા દિલ્હીથી ગોવા હવાલા દ્વારા ટ્રાન્સફર કરી રહ્યો હતો. આ નાણાંનો ઉપયોગ આપ પાર્ટી દ્વારા ગોવા ચૂંટણીમાં કરવામાં આવવાનો હતો.

EDએ 232 પાનાંની ચાર્જશીટમાં CM કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દારૂના વેપારીથી સાઠગાંઠ દ્વારા નીતિને તેમના પક્ષમાં બનાવીને પાર્ટીના નેતાઓને લાભ પહોંચાડવાનો હતો.

ચાર્જશીટ મુજબ CM કેજરીવાલને અપરાધની આવક વિશે માહિતી હતી અને તેઓ એમાં સામેલ હતા. એ પૈસા ગોવા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેજરીવાલ રાષ્ટ્રીય સંયોજક છે, એટલે સંપૂર્ણ જવાબદારી કેજરીવાલની છે.

દિલ્હી લિકર કેસ શો છે?

દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021એ નવી લિકર પોલિસી લાગુ કરી હતી. એના માટે 32 ઝોન રાજધાનીમાં બનાવવામાં આવ્યા હતા. દરેક ઝોનમાં 27 દુકાનો ખોલવાની હતી. કુલ 849 દુકાનો ખોલવામાં આવનાર હતી. દિલ્હી સરકાર નવી લિકર પોલિસીમાં બધી 100 ટકા દુકાનોને ખાનગી કરી દીધી હતી. સરકારનું કહેવું હતું કે આવું કરવાથી સરકારને રૂ. 3500 કરોડનો લાભ થયો.  તેમણે કહ્યું હતું કે L-1 લાઇસન્સ માટે ઠેકેદારે પહેલાં રૂ. 25 લાખ ચૂકવતા હતા, પણ નવી નીતિમાં તેમણે રૂ. પાંચ કરોડ આપવા પડતા હતા. જોકે આ નીતિથી સરકાર અને જનતાને-બંનેને નુકસાન થવાનો આરોપ છે.

 

 

 

 

 

 

ગૌતમ ગંભીર બાદ હવે ઝહીર ખાન બનશે બોલિંગ કોચ?

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો છે, BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે તેના નામની જાહેરાત કરી હતી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે તેની કોચિંગ ટીમમાં બીજું કોણ જોડાશે? એવા અહેવાલો છે કે ગૌતમ ગંભીરની કોચિંગ ટીમમાં નવા બેટિંગ કોચ અને બોલિંગ કોચનો ઉમેરો થવા જઈ રહ્યો છે. આ પદો માટે ઘણા મોટા ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે. મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડ કપ જીતાડનાર ફાસ્ટ બોલર ઝહીર ખાન બોલિંગ કોચ બનવાની રેસમાં છે.

ઝહીર ખાન બનશે ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ?

ANIના અહેવાલ મુજબ ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનવાની રેસમાં છે. માત્ર ઝહીર જ નહીં પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજી પણ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ બનવાના દાવેદાર છે. જો કે, આ પદ માટે અન્ય એક દાવેદાર છે અને તે છે ભૂતપૂર્વ ઝડપી બોલર વિનય કુમાર.

ઝહીર ખાન કોચ બનશે તો મોટો ફાયદો થશે

જો ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બને છે તો તેનાથી રોહિત અને કંપનીને ઘણો ફાયદો થશે. કારણ કે ઝહીર ખાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લાંબો અનુભવ છે. તે દુનિયાના ખૂણે ખૂણે ક્રિકેટ રમ્યો છે. ઉપરાંત, તે ટીમ સિસ્ટમને સારી રીતે જાણે છે. તે ટીમ અને ખેલાડીઓને મેનેજ કરવાનું કામ સારી રીતે સમજે છે. ઝહીર ખાને ટીમ ઈન્ડિયા માટે 200 વનડેમાં 282 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે. IPLમાં પણ તેણે 100 મેચમાં 102 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ આગામી 2 વર્ષમાં 5 ICC ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને બે ટેસ્ટ ચેમ્પિયનશિપ સામેલ છે.

સિરામિક કુકવેર શા માટે સારાં છે?

કહેવાય છે, દરેક ઘરનું હૃદય રસોડું હોય છે. કારણ કે, રસોડું આપણા રોજીંદા જીવન સાથે સંકડાયેલું છે! આથી જ રસોડું અને તેની સાથે જોડાયેલી દરેકે દરેક વસ્તુ મહત્વ રાખે છે. જેમાં રસોઈ કરવા માટે વપરાતાં વાસણનું પણ બહુ જ અગત્યનું સ્થાન છે. વાસણને જ કારણે રસોઈ બનાવવી સરળ રહે છે. તેમાં જરૂર પ્રમાણેના વાસણ ખરેખર, રસોઈને બહુ જ સહેલી બનાવે છે. તમે વિચારી જુઓ રાંધતી વખતે જોઈએ તે પ્રમાણેના વાસણ ઉપલબ્ધ ના હોય તો રસોઈ કરવામાં કેટલી ઝંઝટ થઈ જાય છે. કંટાળી જવાય છે ને?

આ જ બાબતને લઈને રસોઈ કરવા માટે વધુ ને વધુ સગવડ થાય તેવા ટકાઉ વાસણ જે આરોગ્યને કોઈ નુકસાન ન કરે તે માટે સંશોધનો થતાં રહે છે. જેમાં આધુનિક સિરામિક કુકવેર આવી ગયા છે. જે દેખાવમાં આકર્ષક હોવાને કારણે રસોડાંની શોભા વધારી દે છે. આ કુકવેરમાં મેટલ બેઝ સામાન્ય રીતે સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણોની સપાટી પર સિરામિક કોટિંગના અનેક સ્તરોનું રહે છે. કોટીંગનું આ સ્તર આ કુકવેરની કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારે છે. ઉપરાંત આધુનિક રસોડાની શોભામાં મૂલ્યવાન વધારો કરે છે.

સિરામિક કુકવેર વાપરવાના ફાયદા પણ જાણી લઈએ:

  • એકંદર આરોગ્ય માટે સલામત: સિરામિક કોટિંગ બિન-ઝેરી છે અને PFOA અને PFAS જેવા હાનિકારક રસાયણોથી મુક્ત છે. વધુમાં, સિરામિક કુકવેર બિન-પ્રતિક્રિયાશીલ છે, જે ખોરાક સાથે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થતી અટકાવે છે.
  • સિરામિક કુકવેર ટકાઉ છેઃ અદ્યતન સિરામિક કોટિંગ્સ દૈનિક ઉપયોગ કર્યા બાદ પણ સ્ક્રેચ-પ્રતિરોધક બની રહે છે. જેથી એમાં કરેલો ખર્ચ લાંબા ગાળા માટે ફાયદાકારક બની રહે છે.
  • ખોરાક તવા પર ચોંટતો નથીઃ સિરામિક કુકવેરની નોન-સ્ટીક સપાટીને કારણે રસોઈ બનાવવામાં ઓછા તેલની જરૂર પડે છે. જે તંદુરસ્તી માટે ફાયદાકારક છે. વધુમાં, ખોરાકના કણો તવા પર ચોંટતા નથી, જે કારણે સફાઈ ઝડપી અને સરળ રહે છે.
  • દરેક પ્રકારની રસોઈ તેમજ સ્ટોવ ટોપ્સ માટે અનુકૂળઃ સિરામિક કુકવેર દરેક પ્રકારના ગેસ સ્ટવ પર બંધબેસે છે. આ વાસણો દરેક પ્રકારની રસોઈ માટે ઉપર્યુક્ત છે. તેના પર ક્રિસ્પી ડોસાથી લઈને વિવિધ પ્રકારના શાક તેમજ કરી બની શકે છે.

સિરામિક કુકવેર નિયમિત કુકવેરથી કઈ રીતે અલગ છે

પરંપરાગત વાસણોમાં ઘણીવાર એવી ધાતુના વાસણ પણ હોય છે. જેમાં કાટ લાગી શકે છે અથવા ઓક્સિડાઇઝ થવાના શક્યતા રહે છે. તેમાં  PFOA અને PFAS જેવા હાનિકારક રસાયણો પણ હોઈ શકે છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે સિરામિક કુકવેર બિન-ઝેરી, બિન-પ્રતિક્રિયાશીલ છે. તેમજ સ્ક્રેચ અને ડાઘનો પ્રતિકાર કરવા માટે બનાવવામાં આવેલ છે. જેથી તે તંદુરસ્ત અને ટકાઉ પણ છે. ઉપરાંત રસોડાની સુંદરતામાં વધારો પણ કરે છે.

તારક મહેતા ફેમ ગુરુચરણ સિંહે જણાવી આપવીતી

મુંબઈ: એપ્રિલ 2024માં જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ફેમ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ગુમ થયા ત્યારે સમગ્ર જગ્યાએ તેમની ચર્ચા થઈ હતી. ચાહકો અને પરિવારજનોને આઘાત લાગ્યો હતો અને પિતાએ પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિશે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, તેના પચીસેક દિવસ પછી ગુરુચરણ સિંહ પોતે ઘરે પાછા ફર્યા હતાં અને કહ્યું કે થોડું કામ બાકી છે તે પૂર્ણ થયા પછી બધું તે વિગતવાર જણાવશે. હવે પહેલીવાર ગુરુચરણ સિંહે તેમના ગુમ થવા અંગે ખુલ્લેઆમ વાત કરી છે અને જણાવ્યું છે કે તેઓ ક્યાં ગયા હતા અને શા માટે?

ઘણા લોકોએ દાવો કર્યો હતો કે ગુરુચરણ સિંહનું ગુમ થવું એક પબ્લિસિટી સ્ટંટ હતો. અભિનેતાએ આનો પણ જવાબ આપ્યો. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીના પાલમથી મુંબઈ જવાના હતા અને તેમની ફ્લાઈટ હતી. તે દિલ્હી એરપોર્ટ માટે ઘરેથી નીકળયા હતા, પરંતુ મુંબઈની ફ્લાઈટ પકડી ન હતી અને ગુમ થઈ ગયા હતા. તેણે પોતાનો ફોન પણ ઘરે મૂકી દીધો હતો.

પરત ફર્યા બાદ ગુરુચરણ સિંહે પોલીસને જણાવ્યું કે તે કેટલીક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા અને આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા હતા. હવે ગુરુચરણ મુંબઈમાં છે અને તેમના ગુમ થવાની વાત કરી છે. તેણે ‘બોમ્બે ટાઈમ્સ’ને કહ્યું, ‘મહામારી બાદ ઘણી એવી વસ્તુઓ થઈ છે જેણે મને અસર કરી છે. હું મુંબઈ છોડીને 2020 માં દિલ્હી પાછો ગયો કારણ કે મારા પિતાની સર્જરી થઈ રહી હતી. તે પછી મેં મારા પોતાના દમ પર ઘણા વ્યવસાયો શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી એક પણ શરૂ થયો નહીં. કાં તો કામ યોગ્ય રીતે થયું ન હતું અથવા તો મેં જેમની સાથે હાથ મિલાવ્યો તે લોકો ગાયબ થઈ ગયા. અમારો પ્રોપર્ટીનો વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને તેના માટે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે. તેથી આ બધાને કારણે મારી આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી અને હું ખૂબ જ પરેશાન થઈ ગયો.’

ગુરુચરણ સિંહે વધુમાં કહ્યું, ‘મારા માતા-પિતાને કારણે હું હંમેશા આધ્યાત્મિક રહ્યો છું અને જીવનના આ તબક્કે જ્યારે હું હતાશ અનુભવતો હતો, ત્યારે હું ભગવાન તરફ વળ્યો હતો. હું આધ્યાત્મિક યાત્રા પર ગયો હતો અને પાછા આવવાની કોઈ યોજના નહોતી. પરંતુ ભગવાને મને એક સંકેત આપ્યો અને તેણે મને ઘરે પાછા ફરવા દબાણ કર્યું. ઘણા લોકો એવું વિચારે છે કે મેં પબ્લિસિટી સ્ટંટ માટે ગાયબ થવાની યોજના બનાવી હતી, પરંતુ તે સાચું નથી. જો મારે પબ્લિસિટી જોઈતી હોય તો મેં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે ઈન્ટરવ્યુ આપ્યા હોત, જેના માટે મને લાંબા સમયથી મારા લેણાં મળ્યા નથી. હું આ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શક્યો હોત પરંતુ મેં ન કર્યું.’

ગુરુચરણ અહીં જ ન અટક્યા અને આગળ કહ્યું, ‘ઘરે પાછા આવ્યા પછી પણ મેં કોઈ ઈન્ટરવ્યુ આપ્યો નથી. પરંતુ હવે હું બોલી રહ્યો છું કારણ કે હું કેટલીક બાબતોને સાફ કરવા માંગુ છું જે લોકો મારા વિશે કહી રહ્યા છે. હું ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી સહકાર માંગું છું. હું પાછો આવ્યો છું અને કામ કરવા માંગુ છું. હું મારી બધી લોન ચૂકવવા માંગુ છું, અને તે ફક્ત કામ દ્વારા જ થઈ શકે છે. હું સખત મહેનત કરવા તૈયાર છું. મને સમજાયું કે હું જીવનમાં મારી અન્ય જવાબદારીઓ નિભાવતી વખતે પણ મારી આધ્યાત્મિક યાત્રા ચાલુ રાખી શકું છું. ગુરુચરણ સિંહે 2013માં ‘તારક મહેતા’ છોડી દીધી હતી, પરંતુ 2014માં પરત ફર્યા હતાં. જોકે, વર્ષ 2020માં તેણે એક્ટિંગથી દૂરી બનાવી લીધી હતી.