Home Blog Page 1669

શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

અમદાવાદ: વરસાદના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જમાલપુર શાક માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં સરેરાશ ૪૦ થી ૫૦%નો વધારો થઈ ગયો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ હચમચી ગયું છે. લોકોના ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું શાકભાજી એટલે કે ટામેટા, કોબીજ, ફ્લાવર, લીંબુ, મરચાં, ગવાર, ચોળી, ભીંડા, કોથમીર, આદું, લીલાં કાંદા, સુકું લસણ સહિતના શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે માલ ન આવતા ભાવ વધ્યા હોવાનું હોલસેલ વેપારીઓનું કહેવું છે.

અમદાવાદના શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું કે, ગત અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયે રીંગણ, ફૂલાવર, વાલોર, ટામેટા, ચોળી, દૂધી, વટાણા વગેરેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કાકડી, ગુવાર, સરગવો, પરવર, ટીંડોળા, તુરિયા, ગલકા, રવૈયા વગેરેના ભાવમાં પણ વાધારો જોવા મળ્યો છે.છેલ્લાં કેટલાક દિવસથી વરસાદનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધી રહ્યું છે. જેની સીધી અસર શાકભાજી, ડેરી પ્રોડક્ટ, ફળફળાદિ, ફૂલો તેમજ અન્ય વસ્તુઓ ઉપર પણ પડી રહી છે. ત્યારે અમદાવાદના APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જે શાકભાજી ૬૦થી ૭૦ રૂપિયા કિલો હતા. તેના હાલ ૧૨૦ થી ૧૪૦ રૂપિયા કિલો ચૂકવવા પડે છે. જો બજારમાં હજુ માલ નહીં આવે તો સામાન્ય લોકોએ શાકભાજી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારની લાલ આંખ, જાણો કોને-કોને કર્યા સસ્પેન્ડ!

ગાંધીનગર: ગુજરાતમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે ફેબ્રુઆરી મહિનામાં ખેડા જિલ્લામાં થયેલી પુરવઠા વિભાગની રેડની માહિતી લીક કરી હતી. ગત 25મી ફેબ્રુઆરીના રોજ નડિયાદમાંથી લાભાર્થીઓનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. મોટાપાયે ગેરરીતિ થતી હોવાની બાતમીને આધારે પડાયેલા રાજ્ય પુરવઠા વિભાગના દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી. કૌભાંડી કાઉન્સિલર સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલામાં ચંદ્રૈશ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાલમાં રાજ્ય સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરવાની મુહિમ ચલાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ પર પગલાં લેવામાં આવી રહ્યાં છે.  હાલમાં સસ્પેન્ડ કરાયેલા કેટલાંક અધિકારીઓ વિશે વાત કરીએ તો,

રાજકોટ અગ્નિકાંડ મામલે 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે RMCએ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સહિત રોહિત વિગોરા અને ઠેબાની એમ ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ અધિકારી પર ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આગની ઘટના બાદ ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરી ન હોવાનું સામે આવ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચની SITએ ઇલેશ ખેરની ધરપકડ કરી હતી. 

રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત બે સિનિયર PIને પણ સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2000 કરોડના જમીન કૌભાંડમાં તત્કાલિન ક્લેક્ટર સસ્પેન્ડ

અંદાજે 2000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં સરકારે વલસાડ જિલ્લા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા. જે તે સમયે સુરત કલેક્ટરની જવાબદારી સંભાળતા આયુષ ઓકે કૌભાંડ કર્યું હોવાના આરોપ બાદ સરકારે આ કાર્યવાહી કરી હતી.

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે અપ્રમાણસર મિલકતનો આરોપ

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા 11.64 કરોડ રૂપિયાના અપ્રમાણસર મિલકતોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. લાંગાએ પોતાના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરીને સાણંદની રાઈસ મિલ, બોપલમાં જમીન અને મકાનોમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. આથી હાલમાં તેમના સામે કાર્યવાહી ચાલી રહી છે.

સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રારની કરાઈ હકાલપટ્ટી

ગત 28મી જૂનના રોજ સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરાઈ હતી. તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવાયો હતો. મનોજ લોખંડે પર પહેલા લાંચ લેવાનો કેસ થયો હતો. ત્યાર બાદ હોદ્દાનો દૂરપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ થઈ છે.

સુરતના કામરેજમાં PI સસ્પેન્ડ કરાયા હતા

સુરતના કામરેજ પોલીસ મથકના PI ઓમદેવસિંહ જાડેજા સસ્પેન્ડ કરાયા હતા.  રાજ્ય પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે અંત્રોલી ગામથી કેમિકલ ચોરીનું કૌભાડ ઝડપી પાડ્યું હતું. તપાસમાં PI ઓમદેવસિંહ જાડેજાની બેદરકારી કરી હોવાનું સામે આવ્યુ હતુ.

AMCના એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ કરાયા

ACBએ અપ્રમાણસર મિલકતના કેસમાં AMCના ઇન્દ્રપુરી વોર્ડમાં વોર્ડ ઇન્સ્પેક્ટર પર કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરયા હતા. ACB દ્વારા સુનિલકુમાર રાણા સામે અપ્રમાણસર મિલકત અંતર્ગત કેસ નોંધીને તપાસ હાથ ધરી.

લગ્ન કે સિંગલ? નિર્ણય લેવાનો હક મહિલાઓને છે?

‘મમ્મી, તું ફરી પાછી એ જ વાત કરીને મને હેરાન ન કર, મેં તને કેટલી વખત કહ્યું કે મારે લગ્ન નથી જ કરવા, કોઈ પણ ભોગે કે સંજોગે હું લગ્ન નહીં જ કરું…’ માતા કામિનીબહેનની સાથે મહિનામાં લગભગ બે વખત તો સારિકાની આ રીતે માથાકૂટ થતી જ.

માતાની અભિલાષા છે દીકરીના લગ્ન અને દીકરીની ઈચ્છા છે માતા-પિતા અને પરિવાર સાથે સુખેથી રહેવું. 28 વર્ષીય સારિકાની વાત માનવા કોઈ તૈયાર જ નથી. ઉચ્ચ અભ્યાસ કરી સારી કંપનીમાં સીઇઓ તરીકે કામ કરી રહી છે. પરંતુ એના માતા-પિતા,ભાઈ-ભાભી એના જટ લગ્ન કરવા ઇચ્છે છે. સારિકાએ ઘણી વખત સ્પષ્ટ કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા. પરિવાર એની પાસે કારણ માંગે છે ત્યારે સારિકા કહે છે, કારણ વગર લગ્ન નથી કરવા. જરૂરી નથી દરેક યુવતિઓએ લગ્નગ્રંથીમાં બંધાવું જ પડે. સામે પરિવાર એને સમાજ, કુટુંબ-કબીલાની બલિહારી આપે છે. પરંતુ સારિકા વાત માનવા તૈયાર જ નથી. ઘણીવાર તો એને સ્વચ્છંદી પણ કહેવામાં આવે છે.

પ્રશ્ન એ થાય કે શું ખરેખર સારિકા એની જગ્યાએ ખોટી છે ? દરેક યુવતીએ લગ્ન કરવા જ જોઈએ? કોઈ યુવતી કે લગ્ન કરી પછી વિધવા થયેલી મહિલા કે પછી કોઈ કારણોસર લગ્ન પછી છૂટાછેડા થયા હોય એવી મહિલા માટે લગ્નનું ટેગ ફરજિયાત છે?

સિંગલ હોવાને લઈને હજુ પણ ઘણી ગેરમાન્યતાઓ છે

ભારતમાં પરંપરાગત રીતે છોકરીનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે તે એક સારી પત્ની અને માતા બને અને લગ્ન એમના જીવનનો મહત્વપૂર્ણ ધ્યેય હોય. જોકે હવે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની સ્વતંત્રતા માટે એકલા ચાલવાનો માર્ગ અપનાવીને સિંગલ રહેવાનો વિકલ્પ પસંદ કરી રહી છે. ફેસબુક જેવા સોશિયલ માધ્યમ પર સ્ટેટસ સિંગલ નામનું મહિલાઓનું એક ગ્રુપ પણ છે. જેના ફાઉન્ડર અને લેખિકા શ્રીમઈ પીયુ કુંડુએ પોતાના વિચારો રજૂ કરતા એક લંચ દરમિયાન કહ્યું હતું કે, “આપણે પોતાને વિધવા, છૂટાછેડા લેનાર અથવા અપરિણિત કહેવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે પોતાને ગર્વથી ‘સિંગલ’ કહેવાનું શરૂ કરવું જોઈએ.” પરંતુ જે સમાજમાં લગ્ન એ પરંપરા, પારિવારિક સંબંધ અને જીવનનું મહત્વપૂર્ણ કામ માનવામાં આવે છે ત્યાં સિંગલ હોવાને લઈને હજુ પણ ઘણી ગેરમાન્યતાઓ છે.

સમાજ સિંગલ મહિલાને જોવા ટેવાયેલો નથી

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંગીતા પટેલ ચિત્રલેખા.કોમને કહે છે “ આપણે ત્યાં પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે. જેમાં સ્ત્રીની સામાજિક સાંસ્કૃતિક ભૂમિકાના પહેલેથી જ નક્કી છે. દીકરી પરિવારમાં પોતાની માતાને રોલ મોડેલ તરીકે જૂએ છે. એ માતા જે એના પપ્પાનું ધ્યાન રાખે છે, અન્ય બાળકોને સાચવે છે, સંયુક્ત પરિવાર હોય તો સાસુ-સસરા પ્રત્યેની જવાબદારી નિભાવે છે. હવે જ્યારે આ દીકરીને સિંગલ રહેવાનું આવે ત્યારે એની માટે એ પડકારરૂપ છે માટે પહેલા તો એને એ માટે પોતાની જાત સાથે જ સંઘર્ષ કરવો પડે છે. બીજી એક નક્કર હકીકત એ પણ છે કે આપણો સમાજ સિંગલ મહિલાને જોવા ટેવાયેલો નથી, સ્ત્રીની ભૂમિકાને માતા, બહેન, દીકરી કે પછી પત્નીના રોલમાં ફીટ કરી દેવામાં આવી છે. જો કોઈ મહિલા ત્યક્તા કે વિધવા હોય તો પરિવાર એની ઉપર બીજા લગ્ન કરી લેવાનું દબાણ કરે છે. હકીકતમાં તો એની જવાબદારી માંથી છુટવા માંગતા હોય છે.”

સામાન્ય રીતે સિંગલ એટલે એને કઇ કામ ન હોય એમ માની લેવામાં આવે છે. પરંતુ સિંગલ મહિલા માતા-પિતા અને પરિવારની જવાબદારી પણ નિભાવતી હોય છે. સૌથી મોટી સમસ્યાની વાત કરીએ તો સિંગલ મહિલા રાત્રે એકલી ઘરે આવે તો એના માટે સો સવાલ ઉભા થઈ જાય છે. એના ડ્રેસિંગથી લઈને ચરિત્ર સુધીની દરેક વાત પર આંગળી ચીંધવામાં આવે છે. એટલું જ નહીં સિંગલ મહિલા ગમે એટલી ઉચ્ચ અભ્યાસુ કે સારી હોય છતા પણ એકલી રહેતી મહિલાઓને ઘર મેળવવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સિંગલ રહેવું એમાં કશું જ ખોટુ નથી

માતા-પિતા અને પરિવાર સાથે જીવનને એન્જોય કરતા અર્પિતા ડેવિડભાઈ ક્રિશ્ચિયન ચિત્રલેખા.કોમને કહે છે, “દરેકની પોતાની પ્રકૃતિને વિચારધારા હોય છે કે કેટલું જતું કરી શકે અને કેટલું સ્વીકારી શકે. લગ્નજીવન પછીની જવાબદારીમાં પણ ઘણું એડજેસ્ટમેન્ટ હોય છે. એટલે જો સ્વીકારવાની ભાવના હોય તો આરામથી લગ્નની મજા માણી શકાય. પરંતુ અમુક વસ્તુ કે વ્યક્તિ કે એન્વાયરમેન્ટ આવું જ જોઈએ એટલે કે સ્વીકાર કરવાની ક્ષમતા જ ન હોય તો લગ્નજીવનમાં મતભેદો રહ્યા જ કરવાના. દરેકનું પોતાનું અલગ અસ્તિત્વ છે. જો કોઈ પોતાની સ્વતંત્રતા સાથે જીવવા માંગતા હોય ને સિંગલ રહેવું હોય તો મારા મતે એમાં કશું જ ખોટુ નથી. સમાજે આ વાત સ્વીકારવી જોઈએ.”

એવા સવાલ જે દરેક સિંગલ મહિલાને પૂછવામાં આવે છે

સમાજનું વલણ હજુ રૂઢિચુસ્ત છે. એકલી રહેતી મહિલાને જજ કરવામાં આવે છે. સિંગલ મહિલા તરીકે ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડે છે. મોટા શહેરોમાં જ્યારે ભાડાનું ઘર શોધી રહ્યા હોય ત્યારે હાઉસિંગ સોસાયટીના સભ્યો વ્યસન, સેક્સ્યુઅલ અને વર્જિનિટી વિશે મહિલાઓને સવાલો કરે છે. આ એવા સવાલ છે જે સામાન્ય રીતે દરેક સિંગલ મહિલાઓને પૂછવામાં આવે છે.

ભારતમાં દસ કરોડ સિંગલ મહિલા છે

જોકે નવાઈની વાત તો એ છે કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ  7.14 કરોડ ‘સિંગલ વુમન’ છે. આ સંખ્યા બ્રિટન અથવા ફ્રાંસની કુલ વસ્તી કરતાં પણ વધુ છે. આ સંખ્યા વર્ષ 2001ના આંકડા 5.12 કરોડ કરતાં 39 ટકા વધુ હતી. વર્તમાન સમયની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે આ આંકડો 10 કરોડને આંબી ગયો હશે.

કેટલીક મહિલાઓ પોતાના પતિથી અલગ થઈને કે છૂટાછેડા લઈને રહેતી હોય, જ્યારે અન્ય એવી મહિલાઓ પણ હોય જે વિધવા છે અને ફરી લગ્ન કરવા જ નથી ઇચ્છતી અથવા  જેમણે લગ્ન કર્યા જ નથી એવી મહિલાઓ પણ હોય છે. પરંતુ આપણા ત્યાં ગ્રામીણમાં એકલી મહિલાને એમનો પરિવાર હંમેશાં બોજ માને છે, અપરણિતને ઘણા ઓછા અધિકાર મળે છે અને વિધવાઓને તો વૃંદાવન અને વારાણસી જેવા સ્થળોએ મોકલી આવે છે. પણ હવે એ વાત સ્વીકારવાની જરૂર છે કે સમાજ ભલે પિતૃસત્તાક હોય પરંતુ લગ્ન કરવા કે પછી સિંગલ રહેવું એ નિર્ણય લેવાનો પૂરેપૂરો હક મહિલાઓને છે.

હેતલ રાવ

MS યુનિવર્સિટીમાં મેસ ફીનો વિદ્યાર્થીઓએ ઉઘરાણું કરી કર્યો વિરોધ

વડોદરાઃ રાજ્યની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું વહીવટી તંત્રની વિરુદ્ધ રૂ. એક-એક ભેગા કરવાનું કેમ્પેન અસરદાર સાબિત થયું છે. વિદ્યાર્થી યુનિયને રૂપિયા લેવાનું ત્યારે શરૂ કર્યું, જ્યારે ત્રીજી જુલાઈએ યુનિવર્સિટી વહીવટી તંત્રની સતર્કતા અને સુરક્ષા અધિકારીએ 200 અજાણ્યા વિદ્યાર્થીઓની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો, કુલપતિ દ્વારા કરવામાં આવેલી FIRમાં વિદ્યાર્થીઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓએ કુલપતિ નિવાસસ્થાનના દરવાજા સહિત કુલ રૂ. 2000નું નુકસાન કર્યું છે.

વિદ્યાર્થી યુનિયનના અધ્યક્ષ જયેશ પ્રજાપતિએ કહ્યું હતું કે વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે વર્ષના પ્રારંભથી જ બધા વિદ્યાર્થીઓ રૂ. 24,000ની ચુકવણી કરવામાં આવશે. આ ચુકવણીનો નિયમ એવો છે કે તમે મેસમાં જમો કે ના જમો, પણ તમારે ફી પ્રારંભમાં દેવી ફરજિયાત છે. આ પહેલાં પણ યુનિવર્સિટીના વહીવટી તંત્રએ આ પ્રકારનો આદેશ જારી કર્યો હતો.

જયેશે કહ્યું હતું કે આ આંદોલન વિશે જણાવ્યું હતું કે યુનિવર્સિટી વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓને સાંભળવાની તક જ ના આપી. એટલે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું અને કુલપતિના નિવાસસ્થાને ઘેરાવ કર્યો હતો. કુલપતિએ જે વિદ્યાર્થીઓ પર FIR નોંધી છે, એ બધા અપરાધી નથી.

વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી FIRમાં કહેવામાં આવ્યું છે કે કુલપતિનિવાસસ્થાનની બહાર બધા વિદ્યાર્થીઓ ગેરકાયદે ઇરાદાથી ગેરકાનૂની મીટિંગ કરતા હતા અને એ દરમ્યાન ત્યાં હાજર વિદ્યાર્થીઓએ રૂ. 2000નું નુકસાન કર્યું હતું, જેથી અમે ઉઘરાણું કર્યું હતું, એમ તેણે જણાવ્યું હતું.

 

 

સેન્સેક્સ,નિફ્ટીમાં તેજીઃ રોકાણકારોની સંપત્તિમાં 1.50 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે ઘરેલુ શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. નિફ્ટી અને સેન્સેક્સ સિવાય બેન્ક નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.54 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી.

બજારમાં ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં સોથી વધુ તેજી થઈ હતી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન્સ અને એનર્જી શેરોમાં રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરી હતી. BSE સેન્સેક્સ 391 પોઇન્ટ વધી 80,352ના સ્તરે અને નિફ્ટી 113 પોઇન્ટની તેજી સાથે 24,433ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 143 પોઇન્ટની તેજી સાથે 52,569ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 189 પોઇન્ટ વધી 57,078ના સ્તરે બંધ થયો હતો. ગઈ કાલે બજારમાં FII ચોખ્ખા લેવાલ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો પણ ચોખ્ખા લેવાલ રહ્યા હતા. FIIએ રૂ. 61 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે DIIએ રૂ. 2866.8 કરોડ શેર ખરીદ્યા હતા.

અમેરિકી બજારોમાં મિશ્ર ટ્રેન્ડ હતો. ડાઉ જોન્સ નરમ બંધ આવ્યો હતો, જ્યારે નેસ્ડેકમાં તેજી થઈ હતી, જ્યારે મુખ્ય એશિયન માર્કેટમાં લેવાલીનું વલણ જોવા મળ્યું હતું. બજારની નજર આ સપ્તાહે આવનારા મોંઘવારીના આંકડા પર છે. આ સિવાય અમેરિકામાં અર્નિંગ સીઝનનો પ્રારંભ થશે.

BSE પર કુલ 4026 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાંથી 2017 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1916 શેરોમાં ઘટાડો થયો હતો. 93 શેરો સપાટ બંધ રહ્યા હતા. 331 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 24 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

 

 

 

અદાણી ગ્રુપ દ્વારા ‘દેશ કા ગીત એટ ઓલિમ્પિક્સ’ કેમ્પેઈન લૉન્ચ કરાયું

અમદાવાદ: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરે તે પહેલાં જીત મેળવવાના જુસ્સા સાથે દરેક ખેલાડી હાલમાં સખ્ત પરિશ્રમ કરી રહ્યો છે. ત્યારે પેરિસ ઓલિમ્પિકના ઓફિસિયલ સ્પોન્સર્સ અદાણી ગૃપએ ‘દેશ કા ગીત એટ ઓલિમ્પિક્સ’ થીમ પર એક ખાસ કેમ્પેઈન લૉન્ચ કર્યું છે. જેમાં દેશના દરેક ચેમ્પિયન ખેલાડીનો હોંસલો વધારવા માટે તેને સમર્થન આપવા માટેની લોકોને અપીલ કરવામાં આવી છે. ઓલિમ્પિકમાં જ્યારે કોઈપણ ખેલાડી પ્રથમ ક્રમે આવે છે ત્યારે તેના દેશનું રાષ્ટ્રગીત ત્યાં વગાડવામાં આવે છે. આથી દરેક ખેલાડી હાલ જીત મેળવવા અને જીતના જશ્નમાં રાષ્ટ્રગીત સાંભળવા માટે કલાકો મહેનત કરી રહ્યા છે અને આ મહેનત પાછળ તેમણે પોતના વર્ષો આપ્યા છે.

આ ફિલ્મમાં ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ રમત-ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતવા અને વિશ્વના સૌથી મોટાં રમતોત્સવમાં દેશનું નામ રોશન કરવાનું છે.

ભારતમાં સ્પોર્ટસની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં યથાશક્તિ યોગદાન આપી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની ખેલાડીઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનું કામ પણ અદાણી ગ્રુપ કરી રહ્યું છે.2016થી અદાણી ગ્રુપ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમને સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું કે અમને આશા છે કે ભારતીય ખેલાડીઓને પેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે.

રશિયા ભારતના સુખ-દુઃખનું સાથી છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા છે. આ દરમિયાન, તેમણે ભારતીય સમુદાયના પ્રેમ અને સ્નેહ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાને કહ્યું કે હું એકલો નથી આવ્યો, હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુગંધ અને 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. તે ખૂબ જ આનંદદાયક છે કે ત્રીજી વખત સરકારમાં આવ્યા પછી, ભારતીય સમુદાય સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે. આજે 9મી જુલાઈ છે, મને શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે. આજથી બરાબર એક મહિના પહેલા મેં ભારતના પીએમ તરીકે શપથ લીધા હતા. એ જ દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે મારી ત્રીજી ટર્મમાં હું ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે કામ કરીશ.

વડાપ્રધાને કહ્યું કે સરકારના ઘણા લક્ષ્યાંકોમાં 3 નંબરનો આંકડો આવે તે પણ એક સંયોગ છે. ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. સરકારનું લક્ષ્ય ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવા અને 3 કરોડ લાખપતિ દીદીઓ બનાવવાનું છે.

ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી વિશ્વસનીય મોડલ છે

તેમણે કહ્યું કે તમે બધા જાણો છો કે ભારત આજે જે પણ લક્ષ્ય નક્કી કરે છે, તે સફળ રહે છે. આજે ભારત એ એવો દેશ છે જેણે ચંદ્રયાનને ચંદ્ર પર મોકલ્યું છે જ્યાં વિશ્વનો અન્ય કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારત વિશ્વને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી વિશ્વસનીય મોડલ આપી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશ દ્વારા જે વિકાસ થયો છે તે જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે. જ્યારે વિશ્વના લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે ‘ભારત બદલાઈ રહ્યું છે’ તેઓ સ્પષ્ટપણે ભારતના કાયાકલ્પને, ભારતના પુનઃનિર્માણને જોઈ શકે છે. ભારત બદલાઈ રહ્યું છે કારણ કે દેશ તેના 140 કરોડ નાગરિકોની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે. 140 કરોડ ભારતીયો હવે વિકસિત દેશ બનવાના સપના જોઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ ભારતીયો દરેક ક્ષેત્રમાં આગળ આવવાની તૈયારીમાં વ્યસ્ત છે. તમે બધાએ જોયું હશે કે, અમે માત્ર અમારી અર્થવ્યવસ્થાને કોવિડ કટોકટીમાંથી બહાર કાઢી નથી, પરંતુ ભારતે તેની અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવી છે. તેણે કહ્યું કે પડકારને પડકારવો એ મારા ડીએનએમાં છે.

2014 પહેલા આપણે નિરાશામાં ડૂબી ગયા હતા – પીએમ મોદી

તેમણે કહ્યું કે ભારતમાં પરિવર્તન માત્ર સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે નથી, પરંતુ આ પરિવર્તન દેશના દરેક નાગરિક અને દરેક યુવાનોના આત્મવિશ્વાસમાં પણ દેખાઈ રહ્યું છે. 2014 પહેલા આપણે નિરાશામાં ડૂબેલા હતા, પરંતુ આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. તમે પણ તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ઉજવણી કરી હશે. વર્લ્ડ કપ જીતવાની વાસ્તવિક વાર્તા પણ વિજયની સફર છે. આજનો યુવા અને આજનો યુવા ભારત છેલ્લા બોલ અને છેલ્લી ક્ષણ સુધી હાર માનતો નથી. જેઓ હાર સ્વીકારવા તૈયાર નથી તેમના પગને જ જીત ચુંબન કરે છે.

અનંત-રાધિકાની હલ્દી સેરેમનીમાં અનન્યા પાંડેએ ઓરી સાથે કરી ખૂબ મસ્તી

મુંબઈ: હાલમાં વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને લઈને ભારે હરખ છે. અનંત તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈના રોજ લગ્ન કરવાના છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં જ તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી.

અંબાણી પરિવારમાં દરેક ફંકશનને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન શાનદાર કેવી રીતે ન હોય? જામનગર અને ગ્રીસમાં પ્રિ-વેડિંગ પાર્ટીઓ બાદ હવે બંનેના લગ્નની વિધિ મુંબઈમાં થઈ રહી છે. સંગીત પાર્ટી પછી, અનંત અને રાધિકાએ 8મી જુલાઈએ તેમની હલ્દી સેરેમની કરી હતી. અનન્યા પાંડે સહિત અનેક સેલિબ્રિટીઓએ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

અનંત અને રાધિકાની હલ્દી સેરેમની એન્ટીલિયામાં સેલિબ્રેટ કરવામાં આવી હતી. તે હલ્દી સેરેમની ઓછી અને હોળી પાર્ટી વધારે હતી. તમામ સેલિબ્રિટીઓ યલો આઉટફિટ પહેરીને ફંક્શનમાં પહોંચી હતી અને અંદર ગયા બાદ તેઓએ પોત-પોતાના કપડા બદલ્યા હતા અને ખૂબ જ મસ્તી કરી હતી. આ પાર્ટીના અનન્યાના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. એક ફોટામાં તે ઓરી, શનાયા અને ખુશી સહિતના મિત્રો સાથે હલ્દીથી તરબોળ જોવા મળે છે.

અન્ય એક તસવીરમાં અનન્યા પાંડે તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર સાથે પોઝ આપી રહી છે. આમાં અનન્યા શનાયાના ગળા પર હાથ મૂકીને ફની રીતે ફોટો ક્લિક કરાવી રહી છે. તે પીળા રંગના કુર્તા અને સફેદ લેગિંગ્સમાં જોવા મળી રહી છે. આ ફોટો સાથે અનન્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “અને મારી બહેન શનાયા સાથે બધું પીળું હતું.”

તે જાણીતું છે કે અનન્યા પાંડેએ તેની બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન સાથે અનંત અને રાધિકાની હલ્દીમાં હાજરી આપી હતી, પરંતુ શેર કરેલી અંદરની તસવીરોમાં સારા ક્યાંય દેખાતી નથી. શનાયા તેની તમામ તસવીરોમાં જોવા મળી રહી છે. તે અનારકલી સૂટ પહેરીને ફંક્શનમાં આવી હતી.

રશિયામાં PM મોદી, પુતિનની મિત્રતાથી ઝેલેન્સ્કી લાલઘૂમ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી રશિયાની મુલાકાતે ગયા તો યુક્રેન ભડકી ગયું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોદીની મોસ્કો પ્રવાસની આકરી ટીકા કરતાં એને શાંતિના પ્રયાસો માટે મોટો આંચકો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે PM મોદી પુતિનની સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારેરશિયાની મિસાઇલો યુક્રેન પર હુમલો કરી રહી હતી. રશિયા કિવમાં બાળકોની હોસ્પિટલોને નિશાન બનાવી રહી હતી. મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સોમવારે સવારે રશિયાની મિસાઇલોએ યુક્રેનનાં શહેરો પર હુમલો કર્યો હતો, જેમાં કમસે કમ 37 લોકો માર્યા ગયા હતા અને 170 અન્ય ઘાયલ થયા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સ્કીએ PM મોદીની આકરી ટીકા કરી હતી અને પુતિનને હત્યારા બતાવ્યા હતા. તેમણે X પોસ્ટમાં કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતાને મોસ્કોમાં વિશ્વના સૌથી ખૂની અપરાધીને ગળે લગાડતાં જોઈને નિરાશા થઈ હતી. આ શાંતિના પ્રયાસો માટે એક ઝટકો છે.

બીજી બાજુ, ભારતે ક્યારેય યુદ્ધને ટેકો નથી આપ્યો. વ્લાદિમિર પુતિને PM મોદીની સાથે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ એકમેકની પ્રશંસા કરી હતી. PM મોદીએ વ્લાદિમિર પુતિનને કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો છે, કેમ કે યુદ્ધના મેદાનમાં સમસ્યાનું સમાધાન ના શોધી શકાય. ભારતે હંમેશાં ક્ષેત્રીય અખંડિત અને સંપ્રભુતા સહિત સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવાના પક્ષમાં રહ્યું છે.

હિટ એન્ડ રન કેસ : શિવસેના નેતાના પુત્રની આખરે ધરપકડ

મુંબઈ પોલીસે મુંબઈના વર્લી હિટ એન્ડ રન અકસ્માત કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરી છે. મિહિર શાહની માતા અને બહેનની પણ પોલીસે અટકાયત કરી છે. ઘટના બાદથી આરોપી ફરાર હતો. મિહિરને પકડવા માટે મુંબઈ પોલીસે પાંચ ટીમ બનાવી હતી.

વાસ્તવમાં, સત્તાધારી શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહ પર તેની ઝડપે આવતી BMW કારથી એક મહિલાને કચડી નાખવાનો આરોપ છે. 24 વર્ષીય મિહિરે રવિવારે (7 જુલાઈ) સવારે વર્લીના એટ્રિયા મોલ પાસે તેના સફેદ BMW સાથે સ્કૂટરને ટક્કર મારી હતી.

પ્રદીપ નાખ્વા (50) સ્કૂટર ચલાવી રહ્યા હતા અને તેમની પત્ની કાવેરી (45) પાછળ બેઠી હતી. અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત કારને પોલીસે અકસ્માત સ્થળથી લગભગ 10 કિમી દૂર રીકવર કરી હતી. મિહિર જુહુમાં એક પાર્ટીમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે મિહિર શાહની ધરપકડ કરી છે.

આ પહેલા સોમવારે આરોપી મિહિર શાહ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આરોપીઓને પકડવા માટે પાંચ ટીમો બનાવી હતી. અગાઉ આ કેસમાં આરોપીના પિતા રાજેશ શાહ અને તેના ડ્રાઈવર રાજેન્દ્ર સિંહ બિદાવતની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સોમવારે (8મી જુલાઈ) બંનેને મુંબઈની શિવડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જામીન મળી ગયા હતા.