Home Blog Page 1679

મુંબઈ: કાંદિવલીમાં બાળકો માટે ભગવદ્ ગીતાના વર્કશોપનું આયોજન

મુંબઈ: કાંદિવલી એજયુકેશન સોસાઈટી (કેઈએસ) ના સહયોગમાં મીટ ઈન્ડિયા, ગુજરાતી ભાષા ભવન હેઠળનું પરિવર્તન પુસ્તકાલય અને મસ્તી કી પાઠશાળાના સંયુકત ઉપક્રમે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવદ ગીતાના છ દિવસીય વર્કશોપમાં 8 થી 14 વર્ષના બાળકોને જીવનના શીખવવામાં આવ્યા હતાં.

નાની ઉમંરથી જ બાળકોને ભગવદ ગીતા આધારિત જીવન ઘડતરના પાઠ શીખવવાના ઉદ્દેશ સાથે ગત સપ્તાહમાં કાંદિવલી ખાતે કેઇએસ ઈન્ટરનેશનલ સ્કુલમાં લેસન્સ ફ્રોમ ધી ભગવદ ગીતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેઈએસની શ્રી ટી.પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સના પ્રિન્સિપાલ તેમજ કેઈએસનાં એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ એડવાઈઝર ડૉ. સંગીતા શ્રીવાસ્તવે બાળકોને સમજાય એવી સરળ શૈલીમાં એક ખાસ કોર્સ ડિઝાઈન કર્યો છે. આ કાર્યશાળામાં 45 બાળકોએ ભાગ લીધો હતો.

આ વર્કશોપમાં ગીતાના મહત્વના સિધ્ધાંતો જેવા કે – હંમેશા ખુશ કેવી રીતે રહી શકાય, ફરજ અને જવાબદારી વચ્ચે શું ફરક છે?, મન મિત્ર અથવા શત્રુ બંને બની શકે છે, કર્મના ફળ સાથે આસકિત કે મોહ ન રાખવા, ઈચ્છાઓ, લોભ અને ગુસ્સો એ ત્રણે નર્કના દરવાજા છે, આપણી અંદર જ દૈવિક તેમ જ આસુરિક તત્વ રહેલા છે, દરેક પ્રત્યે સમદ્રષ્ટિ રાખવી, સત્વ-રજસ-તમસ ગુણો, સાત્વિક ખોરાકનું મહત્વ, ભગવાન આપણા હ્રદયમાં વસે છે, જેવા ભગવદ ગીતાનાં મહત્વના સંદેશાઓને વિવિધ દાખલા-વાર્તા-પ્રસંગો દ્રારા રસપ્રદ બનાવીને બાળકોને ગીતાજીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું.

આ વર્કશોપના છેલ્લે દિવસે તમામ સહભાગી બાળકોએ પોતે આ કાર્યશાળામાં ગીતાજી વિષે પોતે શું શીખ્યા એ તેમ જ પોતાને ગમતા આર્ટવર્ક, ગદ્ય, પદ્ય, ડાન્સ દ્વારા તેમના વાલીઓ સમક્ષ પ્રસ્તુતિ કરી હતી. દરેક બાળકને આયોજકો દ્વારા પાર્ટિસીપેશન સર્ટિફિકેટ, એક ડાયરી, બુકમાર્ક આપવામાં આવ્યા હતા. ‘સંયુક્ત યોગ’ ના સ્થાપક અને ગીતા શીખવતા શિક્ષક રૂચિ ગુલાટી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે બાળકો સાથે આ કાર્યશાળામાં શીખેલા બોધપાઠ વિષે આગવી શૈલીમાં ચર્ચા અને સવાલ-જવાબ કર્યા હતા. તેમણે દરેક બાળકને ગીતાજીનાં શ્લોકોની અર્થ સાથેની એક-એક પ્રત ભેટ આપી હતી. કેઈએસનાં પ્રેસિડન્ટ મહેશ શાહે પણ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી.

મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનના સ્વયં સેવકો પૂર્ણા મોદીએ કાર્યક્રમના આયોજનમાં સ્વાગતથી લઈ વિવિધ કામગીરી મારફત મહત્વની ભૂમિકા ભજવી હતી, આ ઉપરાંત મીટ ઈન્ડિયા-પરિવર્તન પુસ્તકાલય-મસ્તી કી પાઠશાળાના સભ્યો ધવલ શાહ, જયના શર્મા, દિશા મહેતા, સંજના રાઠોડ, જશ રાવલ અને ચિરાગ રાઠોડે પણ કાર્યશાળામાં વોલ્યુન્ટિયર્સની ભૂમિકા ભજવી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

ડૉ. સંગીતા શ્રીવાસ્તવ છેલ્લા 35 વર્ષથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે ત્રણ વર્ષ ગીતાનો અભ્યાસ કર્યા બાદ બાળકો માટે ગીતાની કાર્યશાળાઓ, યુવાનો અને પ્રોફેશનલ્સ માટે અસંખ્ય કોર્સિસ તૈયાર કર્યા છે. આમાં ચાર થી આઠ કલાકના પ્રોગ્રામ આઠ થી પંદર વર્ષના બાળકો માટે, સોળ થી ઓગણીસ વર્ષના ટીનેજર્સ માટે, વીસ થી ત્રીસ વર્ષના યુવાનો-પ્રોફેશનલ્સ માટે તેમ જ જેને પણ ગીતા સમજવામાં રુચિ હોય તેવા લોકો માટે વિવિધ કોર્સિસનો સમાવેશ થાય છે. આ પૂર્વે તેમણે આવા અનેક વધુ વર્કશોપ (ઓનલાઈન અને ઓફલાઈન) યોજયા છે.

આસામમાં પૂરથી 21 લાખ લોકો અસરગ્રસ્તઃ 62નાં મોત

દિબ્રુગઢઃ આસામમાં પૂરથી સતત સ્થિતિ બગડી રહી છે. ગઈ કાલે છ વધુ લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં પૂરથી 21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. રાજ્યની મોટી નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે, એમ એક સત્તાવાર બુલેટિનમાં માહિતી આપવામાં આવી હતી.

 આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના દૈનિક પૂર રિપોર્ટ અનુસાર જીવ ગુમાવનારા છ લોકોમાંથી ચાર લોકો ગોલાઘાટના રહેવાસી હતા, જ્યારે દિબ્રુઘાટ અને ચરાઇદેવમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.  આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવઝોડાથી મૃતકોની સંખ્યા 62 થઈ ગઈ છે.

રાજ્યમાં પૂરથી 29 જિલ્લાના કુલ 21,13,204 લોકો અસરગ્રસ્ત છે, જ્યારે 57,081 હેક્ટર કૃષિ ભૂમિ જળમગ્ન છે. સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી સામેલ છે, જ્યાં 6,48,806 લોકો અસર પામ્યા છે. કછારમાં 1,45,926, બારપેટામાં 1,31,041 અને ગોલાઘાટમાં 1,08,594 લોકોને અસર થઈ છે. હાલમાં 39,338 અસરગ્રસ્ત લોકો 698 રાહત શિબિરોમાં શરણ લીધું છે. વિવિધ એજન્સીઓએ નૌકાઓનો ઉપયોગ કરીને 1000થી વધુ લોકો અને 635 પ્રાણીઓને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

રાજ્યના CM હિમંત બિશ્વ સરમા પૂરની સ્થિતિની સમીક્ષા કરશે. આ પૂરમાં કુલ 2800 ગામ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર, સેના, અર્ધસૈનિક દળો, SDRFની બચાવ ટીમો અનેક જગ્યાએ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. વહીવટી તંત્રએ પ્રભાવિત લોકોને જીવનજરૂરીની ખાદ્ય સામગ્રીની વહેંચણી કરી હતી.આસામમાં વર્ષ 2013-2022 દરમિયાન રાજ્યમાં ભારે પૂરને કારણે થયેલા વિનાશને કારણે 838 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 2021માં 181 લોકોના મોત થયા છે. અવારનવાર આવતા પૂરને કારણે ત્યાંના લોકોનું જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે અને ખેતીની જમીનને પણ ઘણું નુકસાન થયું છે. આ વર્ષે પણ લોકોની આજીવિકા જોખમમાં છે.

 

 

OPINION: AI રોજગારી વધારશે કે ઘટાડશે ?

વર્તમાન સમયમાં આપણી ઘણી સમસ્યાનું સમાધાન AI એટલે કે, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સરળતાથી આપી દે છે, પરંતુ કહે છે ને કે જે ટેકનોલોજીનો ફાયદો છે એના નુકસાન પણ હોઇ શકે છે. સવાલ એ પણ પૂછાઇ રહ્યો છે કે, શું  AIના વધતા જતા ઉપયોગથી રોજગારી સામે ખતરો છે? માણસ જે કામ કરે છે એ જો મશીન કરવા માંડશે તો પછી માણસ શું કરશે?

એ વાત સાચી કે AI ના ઉપયોગથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધી છે. અનેક ક્ષેત્રોમાં એના ઉપયોગથી ઘણો લાભ મળ્યો છે, પણ સામે ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં રોજગારી સામે જોખમ ઉભું થઈ રહ્યું છે. AIના વધતા ઉપયોગથી રોજગારીમાં વધારો થશે કે ઘટાડો? AIનો ઉપયોગ પણ થાય અને રોજગારીનું સર્જન પણ થાય એવો કોઇ રસ્તો ખરો? જો હા, તો તે કયો રસ્તો છે?

આ વખતે ઓપિનિયમ વિભાગમાં જાણીએ કે, આ ક્ષેત્રને નજીકથી જાણતા નિષ્ણાતો શું કહે છે આ મુદ્દે…

 

અમિત સલૂજા, ફાઉન્ડર, DIGIxlt

AI થી રોજગારીનું સ્તર વધી રહ્યું છે. હાલ અમારી કંપની મેન્યુફેક્ચરીંગ કંપનીમાં AIના ઉપયોગને લઈ કન્સલ્ટિંગ આપે છે. સામાન્ય રીતે AI મેન્યુફેક્ચરીંગ કંપનીમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદ રૂપ થાય છે. કંપનીના જૂના ડેટા એનાલિસિસ કરી, નવુ ઉત્પાદન વધુ સારી ક્ષમતા અને ઓછા સમયમાં AIની મદદથી થઇ શકે છે. આ સાથે સાથે ભવિષ્યમાં મશીનરીમાં થનારી ખામીનું અનુમાન વર્તમાનમાં લગાવી, ખામીનું નિવારણ પણ લાવી શકાય છે. જ્યારે AIના કાર્ય સમજી તેના પર અમલીકરણ કરવા માટે AI એક્સપર્ટની જરૂર પડતી હોય છે. જેથી કહી શકાય કે AIના કારણે રોજગારી છીનવાઈ નથી, પરંતુ ચોક્કસ પ્રકારની રોજગારી વધી શકે છે.

 

દીપક ભટ્ટ, ફાઉન્ડર & CEO, ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણા દેશમાં આગામી પાંચથી સાત વર્ષ કોઈ મોટો ફેરફાર જોવા મળવાની શક્યતા નથી. જ્યારે ટેક્નોલોજીને વ્યાવસાયિક રીતે સમજી અને અમલમાં મૂકવા માટે મોટી સંખ્યામાં સોફ્ટવેર એન્જિનિયર અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની જરૂર છે, જે કર્મચારીઓને તાલીમ આપી શકે. AI પોતે વિચારી શકતો નથી, તે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ આદેશ પર કાર્ય કરે છે અને તેનો અલ્ગોરિધમ તે પ્રમાણે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. મારા રિસર્ચ મુજબ ડિઝાઇન, ઓડિયો-વિડિઓ, સોશિયલ મીડિયા, શિક્ષણ, હાઈવે ટોલ ટેક્સ, હેલ્થકેર સેક્ટર, ઓનલાઇન ફૂડ સપ્લાય કંપની, શોપિંગ મોલ, પોલીસ વિભાગ દ્વારા સમાજની સુરક્ષા, કંપનીની સપ્લાય ચેઇન અને પ્રોડક્ટનું એન્ડ-ટુ-એન્ડ મેનેજમેન્ટ, પબ્લિકેશન, અને મીડિયા જેવા ક્ષેત્રોમાં કર્મચારીઓ અને કંપનીઓને વિશેષ લાભ થશે. સૌથી વધુ પ્રભાવિત થતું ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ છે, જ્યાં AI પર આધારિત ઓટોમેશન હ્યુમન લેબરને અપ્રતિમ દરે બદલી રહ્યું છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના, ખાસ કરીને એસેમ્બલી લાઇન અને રૂટિન પ્રોડક્શન કાર્યોમાં, મોટા પાયે નોકરીના નુકસાન તરફ દોરી શકે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતાં પહેલાં આપણે લોકોની વિચારધારા સાથે કામ કરવું પડશે.

 

સમીર પચૌરી, ફાઉન્ડર અને CEO, અપના કનેક્ટ

રોજગાર ઉત્પન્ન કરવા માટે AI જેટલું સારું કોઈપણ ટુલ નથી. ઉદાહરણ તરીકે, જ્યારે આપણા જીવન કમ્પ્યુટર આવ્યા હતા, ત્યારે પણ કેટલાક લોકોને લાગ્યું હતું કે કમ્પ્યુટર રોજગારી છીનવી લેશે. પરંતુ જ્યારે કમ્પ્યુટર રોજગારી છીનવી ન હતી,પણ વધારે ઉત્પન્ન કરી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ટેકનોલોજી છે, જેના માધ્યમથી કંપનીની ઉત્પાદકતા વધશે. માઈક્રોસોફ્ટ કંપનીએ 2025 સુધીમાં 20 લાખ ભારતીયોને લોકોને AI ટ્રેનિગ આપવાની જાહેરાત કરી છે. લગભગ તમામ ધંધાદારીઓને AI માટે એક- બે જગ્યા ફાળવવી પડશે. AI નો ઉપયોગ કરવા માટે પણ આપણે લોકોની જરૂર પડશે. AI નાનાથી મોટા ધંધાદારીઓનું કામ સરળ કરવા માટે છે, મુશ્કેલી વધારવા માટે નથી.

 

સંદીપ મુદલિયાર, વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ HR, એનાલિટિક્સ સોલ્યુશન્સ

લોકોનું માનવું એવું છે કે ટૂંકા સમયમાં AI લોકોની રોજગારી છીનવી લેશે, પણ અમારું માનવું એવું છે કે લાંબા સમય ગાળામાં રોજગારી અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ બનશે. ટ્રાન્જેક્શન એક્ટિવીટી સરળતાથી કરવામાં AI મદદરૂપ બનશે. આ નવી ટેકનોલોજીને શીખી અને ટેકનોલોજીની મદદથી કાર્યક્ષેત્રમાં કઈ રીતે આગળ વધવાની તક શોધવી જોઈએ? જ્યારે વાત થાય રોજગારીની તો AIની સારસંભાળ, ઉત્પાદન અને ઉપયોગ માટે નવા લોકોની જરૂર પડશે. જેથી આપણ કહી શકીએ કે AIની મદદથી બેથી ચાર નવી રોજગારી ઉત્પન્ન થાય છે. AIની મદદથી રિપિટેટીવ ટાસ્ક તો સરળ બનશે આ સાથે AIની મદદ કર્મચારીઓની રોજગારનું સ્તર નેક્સ્ટ લેવલ સુધી જઈ શકશે. કન્સલ્ટિંગ, એડવાઇઝરી જેવા સેક્ટરમાં AI મદદથી રોજગારીનુ સ્તર ઉંચુ આવશે. આ ઉપરાંત કંપનીનું અર્નિંગ પોટેન્શિયલ પણ વધી જશે.

 

ડૉ. ફાલ્ગુની વસાવડા, પ્રોફેસર, MICA

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મદદથી રોજગારી વધી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કામ કરવા માટે નવી સ્કીલ ડેવલપ કરવી પડે, AI દ્વારા એકત્ર કરવામાં આવતા ડેટાનું વિશ્લેષણ કરવા માટે પણ માણસની જરૂર પડશે. જ્યારે AI રિપેટીટેવ ટાસ્ક કરી લેશે, પરંતુ AI ને ચલાવવા માટે તો માણસની જરૂર પડશે. જ્યારે વાત AI રોજગારી ઉત્પાદન કરવાની વાત થાય પ્રોમ્પ્ટ એન્જીનીયરીંગ, ઈનસાડ માઈનિંગ, AI એક્સપર્ટ જોવી જગ્યા પર નવી રોજગારી ઉત્પાદન થશે.

 

(તેજસ રાજપરા- અમદાવાદ)

રથયાત્રાનો રૂટ કેટલો બદલાયો ?

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદમાં ભાવિકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, ત્યારે વાત કરીએ રથયાત્રાના રૂટ વિશે. પહેલા અને હાલના રૂટમાં ફેરફાર થયો છે.

 ચિત્રલેખા.કોમ સાથે રથયાત્રાના રૂટ વિષે વાત કરતા ઈતિહાસકાર ડો. રિઝવાન કાદરી કહે છે કે, “રથયાત્રાની શરૂઆતના વર્ષોમાં મંદિરના સાધુ-સંતો, ભજન-મંડળીઓ, નિશાન, ગજરાજો અને બેન્ડ રથયાત્રામાં જોડાતા હતા પરંતુ પાછળથી અખાડાઓ અને ટ્રકો પણ તેમાં જોડાઈ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. સમયની સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા અને રથયાત્રાની પરીક્રમાના માર્ગ બદલાતા રહ્યા છે.”

પહેલાનો માર્ગ..

1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી. ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. ત્યાર પછી રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર,  માધુપુરા,  દિલ્હી દરવાજા,  શાહપુર દરવાજા,  દિલ્હી ચકલા, કૃષ્ણ સિનેમાં હાલનું  ઘી કાંટા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. વર્તમાન સમયમાં રતનપોળમાં જઈએ ત્યારે એટલી ભીડ હોય છે કે એ માનવું પણ અકલ્પ્ય લાગે કે એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી.

અત્યારનો માર્ગ..

વર્તમાન સમયની વાત કરીએ તો રથયાત્રાના માર્ગમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. હવે સવારના સાત વાગે મંદિરેથી રથયાત્રાની શરૂઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ,  જોર્ડન રોડ,  દિલ્હી ચકલા,  હલીમની ખડકી, શાહપુર દરવાજા,  શાહપુર ચકલા, રંગીલા ચોકી,  ઘીકાંટા રોડ,  પાનકોરનાકા,  ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.

નોંધનીય છે કે રથયાત્રાના રૂટ બદલાયો છે પરંતુ રથને હાંકનાર ખલાસી ભાઈઓની પરંપરા આજે પણ અકબંધ છે. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નરસિંહદાસજીના ભક્તો હતા એમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.

અનંત-રાધિકાના સંગીત ફંકશનમાં પર્ફોમ કરવાનો કેટલો ચાર્જ લેશે જસ્ટિન બીબર?

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન એક મોટી ઈવેન્ટ છે, જેમાં ઘણા ફંક્શન હશે. અંબાણી પરિવાર પહેલાથી જ અનંત-રાધિકા માટે બે પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરી ચૂક્યો છે. પહેલા જામનગર અને પછી ઈટાલીમાં યોજાયેલા પ્રી-વેડિંગમાં માત્ર બોલિવૂડના ઘણા સ્ટાર્સે જ ભાગ લીધો ન હતો, પરંતુ ઘણા ઈન્ટરનેશનલ સ્ટાર્સે પણ પોતાના રંગ જમાવ્યા હતા. હવે અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવારે ‘મામેરુ’ વિધિ સાથે તેમના નાના પુત્રના લગ્નનો આરંભ કરી દીધો છે.રિહાન્નાથી લઈને શકીરા સુધીના દરેકે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોર્મન્સ આપ્યું છે અને હવે ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે.

જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીત સમારોહમાં પરફોર્મ કરશે

આ સંબંધમાં આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે મુંબઈ પહોંચ્યો હતો. તે અનંત-રાધિકાના લગ્ન પહેલા સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે, જે એન્ટિલિયામાં 5 જુલાઈએ એટલે કે આજે યોજાશે. ગુરુવારે સવારે જસ્ટિન મુંબઈના એક એરપોર્ટ પર ઉતર્યો હતો. ગાયકના કાફલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીબર 7 વર્ષ પછી ભારત આવ્યો છે. અગાઉ, તેઓ 2022 માં એક કોન્સર્ટ કરવાના હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે આ કોન્સર્ટ રદ કરવામાં આવ્યો હતો.

જસ્ટિન બીબરને મળશે આટલી મોટી ફી

હવે ચર્ચા છે કે જસ્ટિન અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે. આવી સ્થિતિમાં ઘણા લોકો એ પણ જાણવા માંગે છે કે આંતરરાષ્ટ્રીય સિંગર આ પ્રદર્શન માટે કેટલો ચાર્જ વસુલશે. ઇન્સ્ટન્ટ બૉલીવુડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે ખુલાસો કર્યો છે કે જસ્ટિન અનંત-રાધિકાના સંગીત સમારોહમાં પરફોર્મ કરવા માટે લગભગ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. તે અનંત-રાધિકાના સંગીત સમારોહમાં ટોચના કલાકાર હશે.

રિહાન્ના-શકીરાએ પણ પરફોર્મ કર્યું છે

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં માત્ર જસ્ટિન બીબર જ નહીં પરંતુ ઘણી ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝ પરફોર્મ કરવા જઈ રહી છે. આ ભવ્ય લગ્નમાં એડેલ, ડ્રેક અને લાના ડેલ રેલ જેવી હસ્તીઓ પરફોર્મ કરશે તેવી ચર્ચા છે. આ પહેલા અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં રિહાન્ના અને શકીરા જેવી ઈન્ટરનેશનલ સેલિબ્રિટીએ પર્ફોર્મન્સ આપ્યું હતું. અનંત-રાધિકાના લગ્નની વાત કરીએ તો બંને 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ પછી 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ યોજવામાં આવશે અને 14 જુલાઈના રોજ કપલના ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

 

હાઇકોર્ટે CM કેજરીવાલ મામલે CBIને ફટકારી નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આબકારી નીતિ મામલે CM કેજરીવાલ દ્વારા દાખલ જામીન અરજી પર CBIને નોટિસ જારી કરી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આ મામલે CBIથી જવાબ માગ્યો હતો અને આ મામલે આગામી સુનાવણી 17 જુલાઈ નક્કી કરી છે.

કોર્ટે એ તથ્ય પર ધ્યાન દોર્યું હતું કે કેજરીવાલે પહેલા ટ્રાયલ કોર્ટમાં જવાને બદલે સીધા હાઇકોર્ટથી જામીન માટે સંપર્ક કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાએ નીચલી કોર્ટમાં જવાને બદલે સીધા હાઇ કોર્ટમાં ધા નાખી હતી. આ દલીલ પર પછી વિચાર કરવામાં આવશે. CBI એક સપ્તાહમાં જવાબ દાખલ કરશે.CBIએ કેજરીવાલને 26 જૂને ત્યારે ધરપકડ કરી હતી, જ્યારે દિલ્હીના CM ED દ્વારા મની લોન્ડરિંગના એક કેસમાં ન્યાયિક હિરાસતમાં હતા. કેજરીવાલને ED કેસમાં નીચલી કોર્ટે 20 જૂને જામીન આપ્યા હતા. જોકે એ પછી 25 જૂને હાઇકોર્ટે એના પર સ્ટે આપ્યો હતો. ત્યાર બાદ તેમની 26 જૂને CBIએ ધરપકડ કરી હતી અને 29 જૂન સુધી CBI હિરાસતમાં મોકલી દીધા હતા.

CBI દ્વારા હિરાસતની મુદ્દત વધારવાની માગ નહીં કરવામાં આવતાં 29 જૂને તેમને 12 જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા હતા. ત્યાર બાદ કેજરીવાલે ત્રીજી જુલાઈએ CBI મામલે જામીન માટે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. CMની CBI દ્વારા તેમની ધરપકડને અને તેમને એજન્સીની હિરાસતમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારનારી અરજી પણ હાઇકોર્ટમાં હજી પેન્ડિંગ છે. વરિષ્ઠ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ મામલાની સુનાવણી કરવાનું હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં છે.

લાંચ લેવાનો આરોપ

CM કેજરીવાલ અને અન્ય આપ નેતાઓ પર આરોપ છે કે તેમણે લિકર નીતિ બનાવવામાં વેપારીઓ અને નેતાઓના એક ગ્રુપ પાસેથી રૂ. 100 કરોડની લાંચ લીધી છે.

 

 

આ ગામના લોકો મોબાઈલમાં નહીં, પણ ભગવદ્ ભક્તિમાં છે લીન!

કોઈ આપણને કહે કે, આજનો દિવસ તમારે મોબાઈલનો વપરાશ નથી કરવાનો. તમે માનશો?

એક દિવસ તમારા ઘરમાં કે ઓફિસમાં વીજળી ના હોય તો તમને ચાલશે? બધાં કામ અટકવાને લીધે મૂડ ખરાબ થાય છે ને?

પરંતુ ઉત્તર પ્રદેશમાં વૃંદાવન પાસે એક ગામ છે. જ્યાં લાઈટ, પંખા તો નથી જ, મોબાઈલ પણ કોઈના હાથમાં જોવા ના મળે! કારણ, કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે!

તો શું ગામના લોકો બોર થતાં હશે?  તેઓ કોઈ પણ ભૌતિક સુવિધા વગર ખુશ રહેતા હશે?

નવાઈની વાત એ છે કે, ગામના લોકો ઘણાં જ ખુશ રહે છે અને બહુ જ સુખી જીવન જીવે છે!

આ નોખું-અનોખું ગામ છે ‘ટટિયા’ ગામ! આ ગામના લોકો કોઈ પણ ભૌતિક સુખ-સુવિધા વગર પણ બહુ જ મસ્ત જીંદગી જીવી રહ્યાં છે. અહીં ઘરોમાં લાઈટ કે ઈલેક્ટ્રીક પંખા તો જોવા નથી જ મળતાં. જૂના જમાનામાં જે રીતે ઘરની અંદરની બાજુએ છાપરાની નીચે કાપડના પડદા રાખવામાં આવતા. જેને છેડે રસ્સી લાગી હોય અને નીચે ઉભા રહી રસ્સીનો બીજો છેડો ખેંચીને પડદા હલાવીને હવા મેળવવામાં આવતી હતી. તેવા જૂના વખતના પંખા અહીં જોવા મળે છે.

રાત્રે સુદ્ધાં વીજળીના બલ્બ નથી હોતાં. ત્યાં દીવા તથા ફાનસ જોવા મળે છે! મોબાઈલનો તો અહીં પ્રતિબંધ છે! નવાઈની વાત એ છે કે, પાણી ભરવા માટે પણ કૂવા પર જવું પડે છે. અહીંના લોકો આખો દિવસ પૂજા પાઠમાં વ્યસ્ત રહે છે અને સ્ત્રીઓ આખો દિવસ માથું ઢાંકેલું રાખે છે.

કહેવાય છે કે, વૃંદાવનના સાતમા આચાર્ય લલિત કિશોરી દેવજીએ નિધિવન છોડ્યું અને ત્યારબાદ આ જગ્યાએ આવીને ધ્યાન કરવા બેસી ગયા. આ જગ્યા આખું જંગલ હતું. તેથી શિકારી જનાવરોથી આચાર્યને બચાવવા માટે ભક્તોએ આસપાસ વાંસના બાંબુ ગોઠવીને ઉપર છાપરું બનાવી દીધું હતું.

વાંસના બાંબુને અહીંના લોકો ટટિયા (Tatiya) કહે છે. એટલે આ જગ્યાનું નામ ‘ટટિયા’ ગામ પડ્યું.

આ ગામમાં લોકો દિવસ-રાત ભજન કીર્તનમાં રચ્યા પચ્યા રહે છે, ડગલે ને પગલે ભક્તિમાં લીન સાધુ સંત જોવા મળે છે. અહીં ભગવાનની આરતી નથી થતી. પરંતુ રાધા રાણી અને કૃષ્ણ ભગવાનના ગીતો ગવાય છે. અહીં લીમડા, કદંબ, પીપળાના ઘણાં વૃક્ષો છે. જેના પાંદડાં પર પણ રાધા નામ લખેલું જોવા મળે છે. આ ગામના સાધુ-સંત દક્ષિણા નથી લેતા. એમને માટે ગામના ઘરોમાંથી ભોજન મોકલવામાં આવે છે.

આધુનિક ટેક્નોલોજીના જમાનામાં આ આદર્શ ગામ આધ્યાત્મિકતા અને ભક્તિભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

અનંત અંબાણીના બા કોકિલા બહેને હોસ્ટ કરી ગરબા નાઈટ, જુઓ એક ઝલક

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાના બની જશે. લગ્ન પહેલા જરૂરી વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ વિધિઓ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે જ આયોજિત કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યો સંબંધીઓ અને ખાસ મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આગલા દિવસે મામેરુ ફંક્શન બાદ જ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઈવેન્ટનું આયોજન અનંત અંબાણીના દાદી કોકિલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. તેની ઝલક હવે સામે આવી છે, જેમાં રંગારંગ કાર્યક્રમની ઝલક જોવા મળશે.

શણગાર દિલ જીતે લેવો

જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તમે અંદરના ફ્લોરલ ડેકોરેશનની ઝલક જોઈ શકો છો. આખો હોલ રાધા-કૃષ્ણની મૂર્તિઓથી શણગારવામાં આવ્યો છે. ગુજરાતી વાઇબ સાથેના આ શણગારને ગુલાબી અને સફેદ રંગનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. વીડિયોમાં દેખાતી સુંદર સજાવટ તમારું દિલ જીતી લેશે. આટલું જ નહીં અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગરબા પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

સામે આવેલા બીજા વીડિયોમાં તમે વીર પહાડિયાને સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈ શકો છો. એટલું જ નહીં, ઘણા મહેમાનો સ્ટેજની સામે જ ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં કોકિલાબેન અંબાણી દૂર ઉભેલાની ઝલક પણ દેખાઈ રહી છે. ગરબાના બીટ પર લોકોને મંત્રમુગ્ધ કરનાર સિંગર પૃથ્વી ગોહિલ પણ મસ્તી કરતો જોવા મળે છે. પૃથ્વી ગોહિલે ભૂતકાળમાં અંબાણી પરિવારની ઘટનાઓ પણ નિહાળી છે.

લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે

સમૂહ લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ અંબાણી પરિવારમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે ‘મામેરુ’ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે ગુરુવારે ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક વ્યક્તિ થીમ પ્રમાણે પોશાક પહેરેલા જોવા મળ્યા હતા. બધાએ ગુજરાતી સ્ટાઈલના ઘાઘરા-ચોલી અને કુર્તા-પાયજામા પહેર્યા હતા. હવે આ ફંક્શનની એકથી વધુ તસવીરો વાયરલ થઈ રહી છે. બસ, હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બહુ દૂર નથી, 12 જુલાઈના રોજ બંને સાત ફેરા લેશે અને લગ્ન કર્યા બાદ તેઓ પતિ-પત્ની બની જશે.

કીર સ્ટાર્મર બ્રિટનના વડા પ્રધાન બને એવી શક્યતા

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે- દેશની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારે હાર સ્વીકાર કરી લીધી હતી અને ઘોષણા કરી હતી કે લેબર પાર્ટી જીતી ગઈ છે. તેમણે કીર સ્ટાર્મરને તેમની જીત પર શુભેચ્છા પાઠવવા માટે ફોન કર્યો હતો. સુનકે ઉત્તરી ઇંગ્લેન્ડમાં પોતાના ચૂંટણી ક્ષેત્ર રિચમંડ અને નોર્થ હેલર્ટનથી જીત હાંસલ કરતાં કહ્યું હતું કે બ્રિટિશ લોકોએ આજે રાત્રે એક ગંભીર નિર્ણય સંભળાવ્યો હતો.

બ્રિટનના પાછલાં 50 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર થઈ રહ્યું છે, જ્યારે કોઈ 60 વર્ષીય વ્યક્તિ દેશના વડા પ્રધાન બનશે. 61 વર્ષીય કીર સ્ટાર્મર જો બ્રિટનના વડા પ્રધાન બનશે તો બ્રિટિશ વડા પ્રધાન તરીકે તેઓ સૌથી વડીલ વ્યક્તિ હશે. કીર સ્ટાર્મરને આ ઉપલબ્ધિ સંસદમાં સૌપ્રથમ વાર ચૂંટાઈ જવાના માત્ર નવ વર્ષ પછી મળવાની છે.

બ્રિટિશ વડા પ્રધાન પોતાના ચૂંટણી ક્ષેત્રમાં 47.5 ટકા મતો મળ્યા હતા. લેબર પાર્ટીની જીત સ્વીકાર કરતાં સુનકે માફી માગતાં કહ્યું હતું કે તેઓ હાર માટે જવાબદાર છે.

બ્રિટનની આ વખતની ચૂંટણીમાં બ્રિટન સિવાયના અન્ય દેશોના મૂળના ૧૪ ટકા સાંસદો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ વખતની સંસદ બ્રિટનની વૈવિધ્યતા દર્શાવશે. બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં અન્ય દેશોના મૂળના લોકોના પ્રતિનિધિત્વમાં સૌથી મોટો ઉછાળો નોંધાશે. ૪૦ વર્ષમાં અન્ય દેશોના મૂળના સાંસદોની સંખ્યા ઝીરોથી વધીને સાત થઈ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૫ મૂળ ભારતીય સાંસદો ચૂંટાયા હતા. જેમાંથી ઘણા પહેલી વખત ચૂંટણી લડ્યા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ આલોક શર્મા અને લેબર પાર્ટીના વીરેન્દ્ર શર્મા સૌથી હાઇ-પ્રોફાઇલ બ્રિટિશ ભારતીય છે, જે આ વખતે ચૂંટણી લડવાના નથી. વીરેન્દ્ર શર્માના મતવિસ્તારમાં મોટી સંખ્યામાં પંજાબી મતદારો છે.

 

૦૫ જુલાઈ, ૨૦૨૪