Home Blog Page 1682

હાઈકોર્ટ TRP મામલે સત્ય શોધક કમિટીનો રિપોર્ટ તપાસ્યા બાદ ઓર્ડર આપશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં આજે TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ગત 25મી મેના રોજ સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેમાં 28 લોકોનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે કોર્ટે આજે સરકારી અધિકારીઓનો ઉધડો લીધો. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે TRP ગેમ ઝોનને અગાઉ ડિમોલિશન નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કોર્ટે પૂછ્યું કે સરકારની આ રજૂઆત અંગે ઓફિસરોને ખબર હતી?

ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક શાળાઓ તેમજ પ્લેગ્રુપ બંધ કરાવવામાં આવ્યા છે. જેના પર પ્રતિક્રિયા આપતા કોર્ટે કહ્યું કે શાળાઓ બંધ કરવી તો કોઈ ઉપાય નથી, તેમને નિયમો પાળતા કરો. બીજી તરફ ફાયર વિભાગના સ્ટ્રક્ચર વિશે થયેલી ચર્ચામાં કોર્ટે પૂછ્યં કે, રાજ્યમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ શું પૂરતા પ્રમાણમાં છે? તેમનું ક્વોલિફિકેશન શું હોય છે? હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે કોર્ટમાં કહ્યું કે કેટલાંક ફાયર ઓફિસરો પાસે પૂરતી લાયકાત પણ નથી હોતી. ફાયર ઓફિસરોની ખાલી જગ્યા ભરવી પણ એટલી જ જરૂરી છે.સત્ય શોધક કમિટી દ્વારા સીલ બંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જોયા બાદ કોર્ટ ઓર્ડર કરશે. આ મામલે હવે આગામી 25મી જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મુંબઈ: કૉલેજમાં ફાટેલાં જીન્સના પ્રતિબંધનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવાયો

મુંબઈની એક કોલેજે હિજાબ પર પ્રતિબંધ લગાવ્યાના થોડા દિવસો બાદ નવો આદેશ જારી કર્યો છે. હવે કેમ્પસમાં જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોલેજે કહ્યું કે કેમ્પસમાં ફાટેલા જીન્સ, ટી-શર્ટ અને શરીરના અંગો દર્શાવતા કપડાં પહેરવા પર પ્રતિબંધ રહેશે. ચેમ્બુર ટ્રોમ્બે એજ્યુકેશન સોસાયટીના એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજના વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓએ “ઔપચારિક અને શિષ્ટ” પોશાક પહેરીને કેમ્પસમાં આવવું જોઈએ.

કોલેજે ગેટ પર નોટિસ લગાવી છે કે, “વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ઔપચારિક અને યોગ્ય પોશાક પહેરવો જોઈએ. તેઓ હાફ શર્ટ અથવા ફુલ શર્ટ અને ટ્રાઉઝર પહેરી શકે છે. છોકરીઓ ભારતીય અને વેસ્ટર્ન વસ્ત્રો પહેરી શકે છે. વિદ્યાર્થીઓએ ધર્મ અથવા સાંસ્કૃતિક અસમાનતાને પ્રતિબિંબિત કરતો કોઈ ડ્રેસ પહેરવો જોઈએ નહીં. જીન્સ, ટી-શર્ટ અને ખુલ્લા કપડાં પહેરવાની અનુમતિ નથી.

ચેમ્બુર સ્થિત એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજમાં જીન્સ અને ટી-શર્ટ પરના પ્રતિબંધની બુધવારે રાજ્યની વિધાનસભામાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે ટીકા કરી હતી. તેમણે રાજ્ય સરકાર કોલેજના ‘તાલિબાન ફતવા’ સામે પગલાં લેવાની માંગ કરી હતી. સરનાઈકે પૂછ્યું, લગભગ 70-80% યુવાનો જીન્સ અને ટી-શર્ટ પહેરે છે.

શું તમે સ્વિમિંગ કોમ્પિટિશન માટે સ્વિમસૂટ અને ટી-શર્ટ્સ અને શોર્ટ્સ પર પ્રતિબંધ મૂકશો?” ગયા વર્ષે, આ જ કોલેજે તેના કેમ્પસમાં હિજાબ અને બુરખા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ પ્રતિબંધ લોકશાહીમાં વિદ્યાર્થીઓના અધિકારની વિરુદ્ધ છે.

જો તે અન્ય કોલેજોમાં પણ ફેલાઈ જશે, તો તે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જશે. 27 જૂને કોલેજ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘ડ્રેસ કોડ અને અન્ય નિયમો’ શીર્ષકવાળી નોટિસ અનુસાર ફાટેલા જીન્સ, ટી-શર્ટ, ખુલ્લા કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ઔપચારિક અને સાધારણ પોશાક પહેરવો જોઈએ. તેઓ હાફ-શર્ટ અથવા ફુલ-શર્ટ અને ટ્રાઉઝર પહેરી શકે છે. છોકરીઓ કોઈપણ ભારતીય કે પશ્ચિમી ડ્રેસ પહેરી શકે છે.

મુકેશ અંબાણી અચાનક રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા

અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દરમિયાન એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ગુરુવારે દિલ્હી પહોંચ્યા અને રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા અને થોડા સમય પછી તેમના નિવાસસ્થાન 10 જનપથથી નીકળી ગયા. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી તેમના પુત્રના લગ્નનું કાર્ડ આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે 12 જુલાઈના રોજ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં બુધવારથી લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ભારત અને વિદેશમાંથી પણ મહેમાનો આવતા રહે છે. માનવામાં આવી રહ્યું છે કે આ જોતા મુકેશ અંબાણી રાહુલ ગાંધીને લગ્નનું કાર્ડ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે કાર્ડ વિતરણની પ્રક્રિયા ચાલુ છે. અહેવાલો અનુસાર, પુત્ર અનંતના લગ્નનું આમંત્રણ આપવા માટે મુકેશ અંબાણી અચાનક સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરે પહોંચી ગયા હતા, હવે 12મી જુલાઈએ લગ્ન, 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ રિસેપ્શન યોજાશે. આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા નામો પણ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ લગ્નમાં ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો પરફોર્મ કરવાના છે. અંબાણી પરિવારની મેનેજમેન્ટ ટીમ તેમની સાથે વાતચીત કરી રહી છે.

હવે PM મોદી પણ ટીમ ઈન્ડિયાનો ભાગ

બાર્બાડોસથી T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાએ ગુરુવારે (4 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમને ટીમ ઈન્ડિયાની ખાસ જર્સી આપવામાં આવી હતી, જેના પર નમો અને નંબર 1 લખેલું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટરો તેમજ આઉટગોઇંગ હેડ કોચ રાહુલ દ્રવિડ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સહિતના ટોચના અધિકારીઓને તેમના સત્તાવાર નિવાસસ્થાને હોસ્ટ કર્યા હતા.

આ પહેલા ભારતીય ટીમ બાર્બાડોસથી 16 કલાકની નોન સ્ટોપ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યા બાદ પીએમ મોદી તેમના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. પીએમ મોદીને મળવા જતા પહેલા, મેન ઇન બ્લુએ કસ્ટમાઇઝ્ડ ઇન્ડિયાની જર્સી પહેરી હતી, જેના પર ચેમ્પિયન લખેલું હતું. પીએમ મોદીએ યુએસએ અને કેરેબિયનમાં વર્લ્ડ કપના હીરોના અનુભવો વિશે જાણ્યું. ભારતે શનિવારે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું.

રાજ્યના 63 તાલુકામાં વરસાદ, દાંતામાં જળબંબાકાર

રાજ્યમાં મેઘરાજ  બરાબર બેટિંગ કરી રહ્યા છે. હાલ સુધીમાં લગભગ 20 ટકા જેટલો ગુજરાતમાં વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આગામી દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે નજર કરીએ વાઈઝ વરસાદની પરિસ્થીતી પર તો સૌરાષ્ટ્ર હાલ સુધીમાં 29.15 ટકા, જ્યારે કચ્છમાં 25.59 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 20.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.71 ટકા, ત્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 12.95 ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હેવ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. દાંતામાં તો આજે આભ ફાટ્યા જેવી પરિસ્થીતી સર્જાય હતી. ચાર કલાકમાં જ 8 ઈંચ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા. જેને પગલે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તો પાલનપુરમાં પણ બે ઈંચ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી બાજું સુરત જિલ્લા સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે કડીમાં 24 કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી.

આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભિલોડા વિસ્તારકમાં સતત બે દિવસથી વરસાદ નોંધાય રહ્યો છે. ભારે વરસાદના પગલે નાદરી નદીમાં પાણીની આવક થઈ છે. નદી પરના ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. જ્યારે દાંતામાં ભારે વરસાદના પગલે પર્વત માળામાં ધોધ અને ઝરણાં જીવંત થયા હતા. ધોધ અને ઝરણાં જીવંત થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

T20 વર્લ્ડ ચેમ્પિયન્સ ટીમ ઇન્ડિયા સાથે PM મોદીએ કરી ગુફ્તેગૂ

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીત્યા પછી ટીમ ઇન્ડિયા પરત ફરી ચૂકી છે. દિલ્હી એરપોર્ટ પર રોહિત શર્માની આગેવાનીવાળી વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિલ્હીમાં ભારતીય ટીમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદીથી ઇન્ડિયા ટીમની મુલાકાતનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં બધા ક્રિકેટરોએ તેમની સાથે ગુફ્તેગૂ કરી હતી. વડા પ્રધાને વિશ્વવિજેતા ટીમને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ક્રિકેટરોની પ્રશંસા કરી હતી.

PM મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા રવાના થશે. આ કાર્યક્રમનું આયોજન અહીં વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ક્રિકેટપ્રેમી માટે સારા સમાચાર એ છે કે વાનખેડે સ્ટેડિયમમાં સૌ માટે એન્ટ્રી ફ્રી હશે, પરંતુ એ વહેલો તે પહેલાંને ધોરણે હશે. એક વાર બધી સીટો ભરાઈ જાય પછી દરવાજા બંધ થઈ જશે. ટીમ ઇન્ડિયા માટે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે સાતથી 7:30 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ખેલાડીઓ પોતાના અનુભવો પણ વર્ણવશે. જોકે એ પહેલાં મુંબઈમાં સાંજે પાંચ કલાકે નરીમન પોઇન્ટ સ્થિત NCPAથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં ક્રિકેટરોની વિકટરી પરેડ આયોજિત કરવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો કપ જીત્યો હતો. આ રીતે 17 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેથી, 2007માં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઈમાં જે પરેડ યોજાઈ હતી, તે આ વખતે પણ એવી જ હશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ T20 વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આ અમારા માટે ખુશીની વાત છે. ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતવો એક મોટી ઉપલબ્ધિ છે.

 

 

 

 

 

 

15 કિલો ચોકલેટમાંથી ભગવાનના ત્રણ રથ તૈયાર કરાયા

અમદાવાદ: અષાઢી બીજના દિવસે શહેરના જગન્નાથ મંદિરની 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રા પહેલાં દરેક ધર્મ, સમાજ અને સામાજિક સંસ્થાના લોકો મંદિરની મુલાકાત લઈ પોતાની ભાવભક્તિ અને કૃતિભક્તિ ભગવાનને ચરણે ધરે છે. અમદાવાદના શિલ્પાબહેન ભટ્ટ છેલ્લા પાંચ વર્ષથી ચોકલેટના રથ બનાવી ભગવાન જગન્નાથને અર્પણ કરે છે. શિલ્પાબહેન આશુતોષ ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે, ભગવાનનો કોઈપણ ઉત્સવ અને પ્રસંગ આવે એટલે ચોકલેટમાં કારીગરી કરી ચીજવસ્તુઓ બનાવવા પ્રયત્ન કરુ છું. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં સતત પાંચ ચોકલેટની કૃતિઓ બનાવી અર્પણ કરુ છું. આ વર્ષે 15 કિલોગ્રામ ચોકલેટમાંથી ત્રણ રથ તૈયાર કર્યા. મિલ્ક, ડાર્ક ચોકલેટ, એડિબલ કલર્સ સાથે ચાર દિવસમાં રથ તૈયાર કર્યા. હાલમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી ચોકલેટના રથમાં બિરાજમાન છે. શિલ્પાબહેન ચોકલેટના આ રથ ભગવાન જગન્નાથના મંદિરને અર્પણ કરશે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

જગન્નાથ મંદિરને ચોકલેટના રથ અર્પણ થશેભગવાન જગન્નાથ માટે ચોકલેટના રથ

હાથરસ દુર્ઘટના કેસઃ પોલીસે 24 લોકોની કરી ધરપકડ

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં ધક્કામુક્કી મામલે પોલીસે અત્યાર સુધી કાર્યવાહી કરતાં 24 લોકોની ધરપકડ કરી છે, જેમનાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. એની સાથે અન્ય આરોપી સેવાદારોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. જોકે મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર હજી પણ ફરાર છે. એની તપાસ માટે કેટલાય જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ મામલે તપાસ માટે પોલીસે સાત ટીમોની રચના કરી છે. એ સાથે 100થી વધુ લોકોના CDR શોધવામાં આવી રહ્યા છે. એક દિવસ પહેલાં જ CM યોગી આદિત્યનાથ કહ્યું હતું કે આ મામલે સખત કાર્યવાહી કરવામાં આવશે. બુધવારે મોડી રાત્રે અલાહાબાદ હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ બ્રજેશ કુમાર શ્રીવાસ્તવ દ્વિતીયની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ આ કેસની તપાસ કરશે. આ પંચ બે મહિનામાં તપાસ કરીને રિપોર્ટ સરકારને સોંપશે.

નિર્ભયા કેસમાં આરોપીઓનો વકીલ બાબાનો કેસ લડશે

દિલ્હીમાં ચર્ચિત નિર્ભયા મામલાના વકીલ એપી સિંહ હાથરસ મામલે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનો કેસ લડશે. આ મામલે એપી સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે આ દુર્ઘટના થઈ, ત્યારે તો બાબા કાર્યક્રમ સ્થળથી ચાલ્યા ગયા હતા અને અનુયાયી એ સમજાવવા માટે અસફળ રહ્યા હતા કે આ ઘટનાનું કારણ શું હતું. તેમણે આ પૂરી ઘટનાનું ઠીકરું અસામાજિક તત્ત્વો પર ફોડ્યું હતું.

આ પહેલાં ભોલે બાબાનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ કેસની તપાસ માટે પોલીસ અને વહીવટી તંત્રની મદદ કરવા માટે તૈયાર છે.

 

 

 

 

 

 

 

 

 

 

અનંત-રાધિકા વેડિંગ: મામેરાની વિધિમાં નીતા અંબાણીએ મા પર વરસાવ્યો પ્રેમ

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નના ફંક્શનો શરૂ થઈ ગયા છે. મામેરાના રિવાજ સાથે અંબાણી પરિવારે લગ્નની વિધિનો આરંભ કરી દીધો છે. સોશિયલ મીડિયા પર સમારોહની તસવીરો અને વીડિયોથી છવાઈ ગઈ છે. આ સમારોહ બુધવારે (3 જુલાઈ)ના રોજ અનંત અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં યોજાયો હતો.

સોશિયલ મીડિયા પર સામે આવેલી ક્લિપમાં વરરાજાની માતા નીતા અંબાણી તેની માતા પૂર્ણિમા દલાલ સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કરતી જોવા મળે છે. તે માતાના કપાળ પર તિલક લગાવીને તેમના આશીર્વાદ લેતી જોવા મળે છે. તે તેમને મીઠાઈ પણ ખવડાવી રહી છે. નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંનેનું ખાસ બોન્ડ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં નીતા ઉપરાંત મુકેશ અંબાણી, તેમની દીકરી ઈશા અંબાણી અને વહુ શ્લોકા મહેતા પણ જોવા મળી રહ્યા છે.

નીતા અંબાણી તેની માતા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા

નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનું ખાસ બોન્ડ અનંત-રાધિકાની ‘મામેરુ’ સેરેમનીમાં જોવા મળે છે. બંનેનો આ ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

અનંત અને રાધિકાની મામેરુ સેરેમનીમાં જ્હાન્વી કપૂર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. તે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ફંકશનમાં જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના લગ્ન સમારોહ 13 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. મહેમાનોને ત્રણ દિવસની ઉજવણીની વિગતો સાથેનું પરંપરાગત લાલ કાર્ડ ‘સેવ ધ ડેટ’ આમંત્રણો મળવા લાગ્યા છે.

અનંત-રાધિકાના લગ્ન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની મુખ્ય વિધિ 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે. ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત હશે.14મી જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન રહેશે. વેડિંગ રિસેપ્શન પાર્ટીનો ડ્રેસ કોડ ભારતીય ચીક રહશે. આ તમામ ફંક્શન BKCના Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે.

સુધારાની સરહદ હોય ખરી?

મુકેશ અંબાણી, ગૌતમ અદાણી કે તાતા-બિરલા કે મિત્તલ-ગોએન્કા…આ અને એમના જેવા અનેક માંધાતા ઉદ્યોગપતિ વચ્ચે એક સમાનતા શું છે?

એ જ કે એમણે અવારનવાર એક ટીકાનો ભોગ બનવું પડતું હોય છે. આ ટીકા એટલે…‘આને હજી કેટલું કમાવું છે? સંતોષ જેવો શબ્દ જ નથી એના જોડણીકોશમાં?’

અથવા, ‘આ ક્યારે રિટાયર થશે? 78ના થયા, પણ હજુ કામ કર્યા જ કરે છે.’

આવી ટીકા ટિપ્પણી કરનારા એ ભૂલી જાય છે કે દેશના આર્થિક સામાજિક વિકાસ, નોકરીની તકો, વગેરે માટે ઉદ્યોગપતિઓનું વધારે કમાવવું, વિસ્તરણ, વૈવિધ્યકરણ બહુ જ મહત્વનાં છે.

-પણ આપણો વિષય એ નથી. એક પ્રેરણાદાયી દષ્ટાંતકથાથી વિષય સમજીએઃ એક ગામમાં કુશળ શિલ્પકાર રહેતો. પથ્થરોમાંથી સુંદર મૂર્તિ ઘડવામાં એનો જોટો ન જડે. વખત જતાં શિલ્પકારનો પુત્ર પણ પિતાના પગલે શિલ્પી બન્યો. જો કે બનતું એવું કે એ કોઈ પણ મૂર્તિ બનાવે તો પિતા એમાં ખામી કાઢે. આના લીધે પુત્રને સતત અસંતોષ રહેતો. અંતે તેણે એક યુક્તિ કરી. એણે એક મૂર્તિ બનાવી અને એ લઈને પિતા પાસે ગયોઃ ‘પિતાજી, આજે સવારે મને જમીનમાંથી આ મૂર્તિ મળી. સુંદર છે નહીં?’

પિતાએ મૂર્તિનાં ખૂબ વખાણ કરતાં કહ્યું: ‘બેટા, તારે આવી મૂર્તિ બનાવતાં શીખવાનું છે.’

દીકરાએ કહ્યું, ‘આ મારી જ બનાવેલી મૂર્તિ છે.’

પિતાએ કહ્યું: ‘બેટા, તારી પ્રગતિ અટકી ગઈ, કારણ કે તું તારા કાર્યથી સંતુષ્ટ થઈ ગયો.’

ખરેખર પ્રગતિના પંથમાં જોઈ કોઈ સ્પીડબ્રેકર હોય તો એ છે સંતોષ. ગયા શનિવારે આપણી ટીમ ક્રિકેટટીમ રસાકસીથી વર્લ્ડ કપ જીતી લાવી. જો આ કપથી ટીમ સંતોષ માની લે તો? એક સમયે ભારત વતી રમતા ક્રિકેટર સચીન તેંડુલકરે કહેલું કે ‘જે દિવસે હું એમ માનીશ કે વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર હું જ છું તે દિવસે મારી કારકિર્દીનો અંત આવી જશે.’

સચીન માત્ર આવું બોલ્યા નથી, પણ એનો અમલ કર્યો છે. એ જ્યારે રમતા ત્યારે એક પત્રકારે સફ્ળતાનું રહસ્ય પૂછ્યું. ઉત્તરમાં એમણે કહેલું કે, ‘હું રોજ સવારે છ વાગ્યે પ્રૅક્ટિસ કરવા મેદાન પર પહોંચી જાઉં છું.’

પત્રકારે પ્રતિપ્રશ્ન કર્યોઃ ‘ધારો કે આગલા દિવસે તમે સૅન્ચુરી ફ્ટકારી હોય તો?’

સચીન કહેઃ ‘તો પણ સવારે ત્રણ કલાક પાંચસો બૉલ રમવાના એટલે રમવાના.’

વ્યક્તિગત અનુભવોની સાથે જ્યારે માનવજાતના ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આ જ હકીકત નજરે ચડે છે. એક સમયે જંગલમાં લાકડાં સળગાવીને રસોઈ તો બનતી જ હતી. ઘાસના ઝૂંપડામાં ઊંઘ તો આવતી જ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાડાંમાં પણ જઈ શકાતું હતું, પરંતુ મનુષ્ય ત્યાં અટક્યો નહીં. આથી જ આજે બહુમાળી ઈમારતો, જાતજાતની વાનગીઓ અને ટ્રેનથી લઈને પ્લેન સુધીની વ્યવસ્થા છે, ચૅટ જીપીટી છે. અને વિજ્ઞાન ભવિષ્યમાં હજુ ઊંચી ઉડાન ભરવાનું છે એ નિર્વિવાદ હકીકત છે.

અમેરિકામાં રૉલ્સરોયસ કંપની પોતાની પ્રથમ કાર રજૂ કરી રહી હતી ત્યારે એની જાહેરાતમાં લખવામાં આવ્યું કેઃ

‘આ ગાડી પ્રતિ કલાકના 60 માઈલની ગતિએ દોડતી હશે ત્યારે તેમાંથી એકમાત્ર અવાજ સંભળાતો હશે ગાડીમાં બેસનારની કાંડાઘડિયાળની ટિકટિકનો.’

જે જમાનામાં ગાડી સ્ટાર્ટ કરતાં એન્જિનના અવાજથી આખો વિસ્તાર ખળભળી ઊઠે તે જમાનામાં આ ગાડી આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. કાર ઉત્પાદકનું કહેવું હતું કે અમારી કાર જરાયે અવાજ નહીં કરે. પરંતુ કાર ઉત્પાદકોને, ઍડવર્ટાઈઝમાં ઘડિયાળનો અવાજ સંભળાતો હશે એ વાક્ય ગમ્યું નહીં. તેમણે નક્કી કર્યુ કે એન્જિન સ્ટાર્ટ કરતાં ઘડિયાળનો અવાજ પણ સંભળાવો ન જોઈએ. આવા દીર્ઘદ્રષ્ટા અસંતુષ્ટો થકી જ આજે એ કારની કીર્તિ દુનિયામાં પ્રસરી છે.

આવા દીર્ઘદ્રષ્ટાને જોઈને જ કદાચ કહેવત પડી હશેઃ સુધારાને કોઈ સરહદ નથી અને પ્રગતિને કોઈ પૂર્ણવિરામ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)