Home Blog Page 1684

PM મોદી મણિપુર હિંસા પર પહેલીવાર બોલ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર તેમના ભાષણમાં ઘણા મહિનાઓથી હિંસાથી પીડિત મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે લોકોએ મણિપુરના મુદ્દે આગમાં બળતણ ન ઉમેરવું જોઈએ. 18મી લોકસભાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસા અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે.

ગઈકાલે લોકસભામાં પીએમ મોદીના સંબોધન દરમિયાન, મણિપુર હિંસા પર નિવેદનની માંગ સાથે વિપક્ષ દ્વારા સતત હંગામો થયો હતો. પરંતુ બુધવારે રાજ્યસભામાં પીએમ મોદીએ મણિપુરની સ્થિતિ પર કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો કરી રહી છે. મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનાઓ સતત ઘટી રહી છે.

મણિપુરમાં શાળાઓ અને કોલેજો ખુલી રહી છેઃ પીએમ મોદી

તેમણે કહ્યું કે મણિપુરમાં પણ શાળાઓ અને કોલેજો સામાન્ય રીતે ખુલી રહી છે. જે રીતે દેશના અન્ય રાજ્યોમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી, તેવી જ રીતે અહીં પણ પરીક્ષાઓ લેવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક સાથે વાત કરીને શાંતિ પુનઃસ્થાપિત કરવા અને સુમેળભર્યો માર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના નાના જૂથો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા શાંતિ પુનઃસ્થાપનના કામનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ગૃહમંત્રી પોતે મણિપુર ગયા છે અને ઘણા દિવસો સુધી રોકાયા છે. અધિકારીઓ પણ ત્યાં સતત મુલાકાત લઈ રહ્યા છે. સમસ્યાના ઉકેલ માટે અમારી તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મણિપુર પણ પૂરથી પીડિત છે. ત્યાં ફસાયેલા લોકોને રાહત આપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્યો મદદ પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આજે જ NDRFની 2 ટીમો મણિપુર મોકલવામાં આવી છે.

ભાજપ કોંગ્રેસનું ઘર્ષણ પહોંચ્યું પોલીસના ચોપડે, બે ફરિયાદ નોંધાઈ

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પહેલી વાર વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી સંસદમાં નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે વિશ્વ હિન્દુ પરિષદની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીના પડધા ગુજરાતમાં પડતા જોવા મળ્યા. જ્યાં અમદાવાદ સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યલય ખાતે ભાજપ અને કોગ્રેસ સામ સામે આવ્યા હતા. જેને લઈ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

 અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસનાં 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ તરફી નોંધાયેલ ફરિયાદમાં શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, NSUI ના સંજય સોલંકીનું નામ સામેલ છે. અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગત રોજ બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે હવે કુલ 2 પોલીસ ફરિયાદ થઈ છે. માહિતી મુજબ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ પણ બંને પક્ષનાં 150 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે સરકાર તરફે ફરિયાદ લેવામાં આવી છે અને કેટલાક લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.

શુ છે આખો મામલો?

વાત એમ છે કે, પેહલી જુલાઈના રોજ સંસદમાં વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીને ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે હિન્દુઓની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરી હતી. ટિપ્પણી કર્યા બાદ તારીખ બીજી જુલાઈના રોજ રાહુલ ગાંધી ભવન ખાતે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા પોસ્ટોરો લગાડવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જે બાદ કોંગ્રેસ નેતા અને ભાજપના નેતાના નિવેદનો આવ્યા અને ફરી એક વખત કોંગ્રેસ કાર્યલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે પથ્થરમારો થયો. લગભગ એક કલાક ઘર્ષણ થયા બાદો પોલીસે સ્થિતી કંટ્રોલમાં લીધી જે બાદ આજે બંને પક્ષોએ એક બીજા પર નામ જોગ ફરિયાદ નોંધાવી છે.

IIT-GN અને AITએ સાથે મળી ડબલ ડિગ્રી માસ્ટર્સ પ્રોગ્રામ શરૂ કર્યો

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-GN) અને એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (AIT), થાઇલેન્ડે સાથે મળીને ડબલ ડિગ્રી માસ્ટર્સ પ્રોગ્રામ (DDMP) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જોડાણથી વિદ્યાર્થીઓને બે અલગ-અલગ માસ્ટર ડિગ્રી મેળવવાની તક મળે છે, એક IIT-GNમાંથી અને બીજી AITમાંથી. ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામમાં ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો-નેનો મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, રિમોટ સેન્સિંગ એન્ડ જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (GIS), જીઓટેકનિકલ અને અર્થ રિસોર્સિસ એન્જિનિયરિંગ, વોટર એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, અને સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન સહિતની અદ્યતન શાખાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને પ્રથમ અને ચોથા સેમેસ્ટર થાઈલેન્ડમાં AIT ખાતે અને બીજા અને ત્રીજા સેમેસ્ટર ભારતમાં IIT-GN ખાતે ભણવાની અને સાથે વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસનો અનુભવ કરવાની તક મળશે. તેમને બંને સંસ્થાઓના નિષ્ણાંત ફેકલ્ટી અને શિક્ષણવિદો પાસેથી શીખવાની, ઈન્ટરડિસિપ્લિનરી રિસર્ચ ડોમેન્સને એક્સપ્લોર કરવાની અને સાથે જ વિશ્વ-સ્તરની પ્રયોગશાળાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરવાની તક મળશે.વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા બાદ પ્રોફેશનલ્સ બને તેની ખાતરી કરવા માટે, IIT-GN અને AIT સમગ્ર એશિયામાં ઔદ્યોગિક જૂથો, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, NGO અને સરકારી એજન્સીઓ સાથે નેટવર્કિંગની વ્યાપક તકો પણ તેમને પ્રદાન કરશે. પ્લેસમેન્ટ અને જોબ ફેરમાં સામેલ થવાથી સ્નાતક થયા પછી કારકિર્દીની પ્રગતિ માટેની ઉત્તમ તકો તેમને પ્રાપ્ત થશે. બંને સંસ્થાઓ કેમ્પસમાં રહેઠાણની સુવિધાઓ પૂરી પાડશે અને વિદ્યાર્થીઓને ઈ-વિઝા પ્રક્રિયામાં પણ મદદ કરશે. IIT-GN અને વિદ્યાર્થીઓના નાણાકીય બોજને ઘટાડવા માટે બિલ્ટ-ઇન સ્કોલરશીપ અને અન્ય નાણાકીય સહાય પણ ઓફર કરે છે.

ઑગસ્ટ 2024 ઇન્ટેક માટે એડમિશન ઓપન થઈ રહ્યું છે. અરજીની અંતિમ તારીખ 15 જુલાઈ, 2024 છે. વધુ માહિતી અને અરજી કરવા માટેની વેબસાઈટ છે–  https://sdp.ait.ac.th/admissions

શાંતિ પોલીટેકનીક ફાઉન્ડેશનના 12મા સ્થાપના દિવસની ઉજવણી..

અમદાવાદ સ્થિત “શાંતિ પોલીટેકનીક ફાઉન્ડેશનના” 12મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગારમેન્ટ કટીંગ, સ્ટિચિંગ, મશીન ઓપરેટિંગ જેવી રોજગારલક્ષી તાલીમને સફળતા પૂર્વક પૂર્ણ કરનાર  45 જેટલી તાલીમાર્થી યુવતીઓ અને મહિલાઓને સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા. યુવાઓ  અને મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેય સાથે “શાંતિ પોલિટેકનીક ફાઉન્ડેશન” દ્વારા  છેલ્લા 11 વર્ષમાં અમદાવાદની આસપાસના લગભગ 90 ગામોની ત્રણ હજાર યુવતીઓ અને યુવકોને નિશુલ્ક રોજગાર અને વ્યવસાયલક્ષી સફળ તાલીમ આપી પગભર બનાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે ચિરીપાલ પોલિ ફિલ્મસના મેનેજીંગ ડિરેક્ટર “જયપ્રકાશ ચિરીપાલ” ઉપસ્થિત રહ્યાં હતા. સફળ તાલીમાર્થીઓને અભિનંદન આપતા જયપ્રકાશ ચિરીપાલે કહ્યું કે “આવનાર સમયમાં કમ્પ્યુટર, ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી, સ્પિનિંગ વગેરેને લગતા નવા અને નિશુલ્ક કોર્ષ શરૂ કરી વધુ માં વધુ લોકોને તાલીમ આપી આર્થિક રીતે પગભર બનાવવાનો સંસ્થાનો ધ્યેય છે.”  શાંતિ પોલિટેકનીક ફાઉન્ડેશનના ડાયરેક્ટર અરુણ કૌશલ, સંસ્થાના પ્રિન્સિપાલ લાજરશ પરમાર, અન્ય અતિથિઓ, તાલીમાર્થીઓ અને તેમના વાલીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

અદાણી પોર્ટ્સે પ્રથમ ત્રિમાસિકમાં કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ નોંધાવ્યો

મુંદ્રાઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) કામગીરીમાં સતત નવાં સીમાચિહ્નો હાંસલ કરી રહી છે. APSEZ એ જૂન 2024માં કાર્ગો વોલ્યુમમાં ફરી એક વાર નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 51.2 MMT હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહન હાંસલ કર્યું છે, જે તેના અગાઉના રેકોર્ડ કરતાં 7.3 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ 47.7 MMT હતું, જે નાણાકીય વર્ષ 2023–24ના Q3માં હાંસલ કરવામાં આવ્યું હતું.

કંપનીએ આ સિદ્ધિ ઉપરાંત કન્ટેનર ટ્રેન હેન્ડલિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જૂન 2024માં 1594 કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરી, જેમાં કુલ 1,68,000 કન્ટેનર મુવમેન્ટ થયા હતા. આ રેકોર્ડ અગાઉના રેકોર્ડને વટાવી ગયો હતો, જ્યારે માર્ચ ,2024 1573 કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરી અને 1,62,000 કન્ટેનર મુવમેન્ટનો બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે APSEZની વાર્ષિક કાર્ગો વોલ્યુમ ક્ષમતા 12 ટકા વધીને 37 મિલિયન મેટ્રિક ટન (MMT) સુધી પહોંચી ગઈ છે. આ કામગીરી અંતર્ગત કન્ટેનરના જથ્થામાં વાર્ષિક 33 ટકાનો વધારો તેમ જ પ્રવાહી અને ગેસ કાર્ગોમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.

અદાણી ગ્રુપના પોર્ટ બિઝનેસના વોલ્યુમમાં વાર્ષિક 24 ટકાનો વધારો થયો છે, જેમાં દસ સ્થાનિક બંદરોએ તેમના અત્યાર સુધીના સૌથી વધુ કાર્ગો વોલ્યુમોના રેકોર્ડ કર્યા છે. 30 જૂન, 2024એ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીએ કુલ 109 MMT કાર્ગો વોલ્યુમ નોંધાવ્યું હતું,  જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.5 ટકાનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં 18 ટકા અને પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 11 ટકાના વધારાને કારણે થઈ હતી.

લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં APSEZ એ ત્રિમાસિક રેલ વોલ્યુમમાં 19 ટકાનો વધારો જોયો હતો, જે 1,56,590 TEUs સુધી પહોંચ્યો હતો, અને GPWIS વોલ્યુમમાં કુલ 5.56 MMT 28 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો. કટ્ટુપલ્લી બંદરે તેના અત્યાર સુધીના સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 1.36 MMTનું સંચાલન કર્યું છે.

એપ્રિલ, 2024માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 420 MMT સંભાળ્યું હતું, જે વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ, 2024માં 38 MMT કરતાં વધુ માસિક વોલ્યુમ જોવા મળ્યું હતું.

એક અહેવાલ પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં APSEZનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે $ 37 બિલિયન સુધી પહોંચ્યું હતું. તે બીજિંગ-શાંઘાઈ હાઇ સ્પીડ રેલવે કંપનીને પણ વટાવી ગયું હતું. વધતા કાર્ગો વોલ્યુમના આ સીમાચિહ્નરૂપ આંક કંપનીના S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં ઉપરની દિશા સૂચવે છે.

APSEZ એ 31 માર્ચ, 2024 (FY24)ના વર્ષમાં ભારતના કુલ કાર્ગોના 27 ટકા અને કન્ટેનર કાર્ગોના 44 ટકાનું સંચાલન કર્યું હતું. અદાણી પોર્ટ્સે નાણાકીય વર્ષ 2024માં ભારતના તમામ કાર્ગો વોલ્યુમના ચોથા ભાગ કરતાં વધુનું સંચાલન કર્યું હતું. કંપનીના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને જોતા જાણીતી બ્રોકિગ ફર્મ્સે કંપનીના શેરોના ભાવમાં ઉછાળો થવાની સંભાવનાઓ જોઈ રહ્યા છે.

 

ગુજરાત ભાજપની કારોબારી બેઠકમાં 1300થી વધુ લોકો હાજરી આપશે

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી બાદ 4 જુલાઇથી બે દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક સાળંગપુર ધામ- બોટાદ ખાતે યોજાનાર છે. ત્યારે આ બેઠકમાં પર સમગ્ર ગુજરાતની નજર છે. આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થઇ શકે છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પહેલા જ તેમની મુદત પુરી થઇ ગઇ હતી ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક પૂર્વે પ્રદેશ કારોબારીમાં કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે તેવી શકયતા દર્શાવાય છે. આ સિવાય લોકસભાની ચુંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવે તેવી શકયતા છે.ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે વિસ્તૃત માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે મીડિયાને સમગ્ર માહિતી આપી હતી. આ કારોબારી બેઠકમા કેન્દ્રીયનેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. કારોબારી બેઠકમા પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓની હાજરી અપેક્ષિત છે. 1300થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારી બેઠકમા ભાગ લેવાના છે. સૌરાષ્ટ્રાના સાળંગપુર ધામ- બોટાદ ખાતે પુરુષોતમ મંદિરમાં ગુરુવારે બપોરે 3 વાગ્યાથી ભાજપની કારોબારી શરૂ થશે. જે બીજા દિવસે 5 જુલાઈ સુધી ચાલશે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં હાજર રહેશે.

પુતિને હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે સત્સંગ કાર્યક્રમ દરમિયાન નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ ઘટનાએ માત્ર રાજ્ય અને દેશના લોકોને જ નહીં પરંતુ વિદેશના લોકોને પણ આંચકો આપ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શોક સંદેશ મોકલ્યો છે. તેણે લખ્યું, હું દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

 

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના લગભગ 1 વાગે ફુલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન થઈ હતી. નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો, વૃદ્ધો અને મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ બાબા ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પોલીસ હજુ તેને શોધી રહી છે. દરમિયાન બુધવારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ પહોંચી ઘાયલોને મળ્યા હતા.

કેવી રીતે બની ઘટના?

નારાયણ હરિ સાકર ઉર્ફે ભોલે બાબાના સત્સંગનું આયોજન દર મંગળવારે અલગ-અલગ સ્થળોએ કરવામાં આવે છે. બાબાનો નિયમ છે કે સત્સંગ પૂરો કર્યા પછી તેઓ સ્ટેજની બહાર નીકળતા નથી. આ કારણોસર તેમના વાહનોનો કાફલો સ્ટેજ સુધી જ પહોંચે છે. લોકો દર્શન કરવા બાબાના વાહનો પાછળ દોડ્યા. ભક્તોને કાબૂમાં લેવા માટે સેવાદારે પાણીનો છંટકાવ કર્યો, જેના કારણે માટી લપસણી થઈ ગઈ. ભક્તો બાબાના દર્શન માટે એટલા ઉન્મત્ત હતા કે તેઓ જમીન પર પડેલા લોકોને કચડીને વાહન તરફ જવા લાગ્યા. થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ.

ICC : હાર્દિક પંડ્યા બન્યો વિશ્વનો નંબર 1 T20 ઓલરાઉન્ડર

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વધુ એક મોટું કારનામું કર્યું છે. આ ખેલાડી વિશ્વનો નંબર 1 T20 ઓલરાઉન્ડર બની ગયો છે. ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી, જેમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો. પંડ્યાએ મોહમ્મદ નબી અને વેનેન્દુ હસરંગાને હરાવીને રેન્કિંગમાં એક સ્થાન મેળવ્યું છે. પંડ્યા પહેલા ત્રીજા સ્થાને હતો અને T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે.

T20 વર્લ્ડ કપમાં પંડ્યાનો દબદબો

T20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. આ ખેલાડીએ 8 મેચમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 150થી વધુ હતો. આ દરમિયાન તેના બેટમાંથી અડધી સદી પણ આવી હતી. આ સિવાય બોલિંગમાં તેણે 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોટી વાત એ છે કે આ ખેલાડીએ હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કર્યા જે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો હતા.

ભારતીય ટીમ આવતીકાલે PM મોદી સાથે કરશે મુલાકાત

ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાંથી ટાઈટલ જીતીને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. BCCIએ ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ મોકલી છે. ખેલાડીઓ તેમના વતન પરત ફરશે એટલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ટીમ ઈન્ડિયાને મળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને યુઝવેન્દ્ર ચહલ સહિતની આખી ટીમ ચક્રવાતી તોફાન બેરીલને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. જેના કારણે ખેલાડીઓને પરત ફરવામાં વિલંબ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે બાર્બાડોસથી દિલ્હી પહોંચી રહી છે. બીસીસીઆઈએ ખેલાડીઓને લાવવા માટે એર ઈન્ડિયાનું બોઈંગ 777 વિમાન મોકલ્યું હતું. ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી શકે છે. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તેઓ મુંબઈ જવા રવાના થશે.

મુંબઈમાં ટીમ ઈન્ડિયાની ખુલ્લી બસમાં રોડ શો કરશે

ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મુંબઈ જવા રવાના થશે. અહીં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લગભગ 1 કિલોમીટર સુધી ખુલ્લી બસમાં વિજય પરેડમાં ભાગ લેશે. આ પરેડ નરીમાન પોઈન્ટ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે થશે. આ પછી ભારતીય ખેલાડીઓને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદીને મળી શકે છે. આ પછી નાસ્તો પીરસવામાં આવશે. આ બેઠક બાદ ભારતીય ખેલાડીઓ મુંબઈ જવા રવાના થશે. અહીં વિજય પરેડ થશે. આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઈનામની રકમ આપશે. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો પણ એરપોર્ટ પર પહોંચી શકે છે.

મુંબઈમાં 2007ની ઐતિહાસિક ક્ષણનું પુનરાવર્તન થશે

ટીમ ઈન્ડિયાએ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ ખિતાબ જીત્યો હતો. આ પછી ધોની સહિત તમામ ખેલાડીઓએ ટ્રોફી સાથે મુંબઈમાં ખુલ્લી બસમાં મુસાફરી કરી હતી. હવે ફરી આવું થવાનું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સહિત તમામ ખેલાડીઓ તેનો ભાગ બનશે.

બિહારમાં છેલ્લા 15 દિવસમાં પૂલ તૂટવાની સાતમી ઘટના

પટનાઃ બિહારમાં પૂલ પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. બિહારમાં ચોમાસું બેસવાની સાથે ત્રણ પૂલોએ 12 કલાકની અંદર જળ સમાધિ લીધી હતી. થોડા દિવસ પહેલાં અહીં પૂલ ગંડક નદીમાં સમાયો હતો. બુધવારે સિવાનના મહારાજગંજમાં એક જ દિવસમાં અચાનક ત્રણ પૂલો તૂટ્યા હતા. ગંડક નદી પર બનેલા બે પૂલ અને ધમહી નદી પર બનેલો એક પૂલ તૂટી ગયો હતો. ગંડકી નદી પર બનેલા પૂલનો એક હિસ્સો બુધવારે સવારે તૂટી પડ્યો હતો. આ છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં બનેલી આવી સાતમી ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગંડકી નદી પરના પૂલનો એક હિસ્સો તૂટ્યો તો વિભાગ દ્વારા વધુપડતી માટી દૂર કરવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. જોકે આ પૂલ તૂટવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ કે નથી કોઈ ઇજાગ્રસ્ત થયું.

વરિયા પંચાયત અને તેવથા પંચાયતની વચ્ચે ધમહી નદીનો પૂલ તૂટ્યો હતો. 22 જૂને આ ગંડક નદીની નહેર પર વહેલી સવારે પટેઢા બજાર અને રામગઢા પંચાયતની વચ્ચે બનેલો પૂલ પત્તાંના મહેલની જેમ તૂટી ગયો હતો.  બીજી બાજુ. સીતામઢીમાં દુર્ગા મંદિરની સમીપ બાંકે નદીમાં બનેલો પૂલ પાણીના તેજ વહેણને કાણે તૂટી ગયો હતો. છેલ્લા 13 દિવસોમાં 10 પૂલ ક્ષતિગ્રસ્ત થયા છે. 18 જૂને અરરિયામાં નિર્માણાધીન પૂલ તૂટ્યો હતો.  રાજ્યમાં ચોમાસું બેસવાની સાથે એક પછી એક પૂલ કે પૂલનો થોડો હિસ્સો ધરાશાયી થઈ રહ્યા છે. સતત પૂલ તૂટવાની ઘટનાઓને લઈને વિપક્ષ સરકાર પર હુમલો કરી રહી છે, જ્યારે બીજી બાજુ, સરકારે પૂલો તૂટવાની તપાસ કરાવવા માટે એક સમિતિની રચના કરી છે.