Home Blog Page 1685

તસવીરો: નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર

મુંબઈ: અનંત-રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવાર દ્વારા ગરીબ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું. અંબાણી પરિવારે મુંબઈથી લગભગ 100 કિમી દૂર આવેલા પાલઘર વિસ્તારમાંથી આવતા 50થી વધુ વંચિત યુગલો માટે ‘સમુહ લગ્ન’નું આયોજન કર્યું હતું. લગ્ન સમારંભ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો અને તેમાં યુગલોના પરિવારો સહિતના લગભગ 800 લોકોએ હાજરી આપી હતી. અંબાણી પરિવારે ભારતીય સાર્થક કરતા સૂત્ર “માનવ સેવા હી માધવ સેવા” – “માનવતાની સેવા એ ભગવાનની સેવા છે.” ની ભાવના દર્શાવી હતી.નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પરિવારના સભ્યો સાથે ખાસ આ સમારોહમાં હાજરી આપી હતી અને શુભ પ્રસંગે  યુગલોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપી હતી.આ લગ્ન સમરાહોમાં દરેક યુગલને મંગળસૂત્ર, વીંટી અને નથ સહિતના સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. તેઓને અંગૂઠાની વીંટી અને પાયલ જેવા ચાંદીના ઘરેણાં પણ આપ્યા હતા. આ ઉપરાંત, દરેક કન્યાને તેના ‘સ્ત્રીધન’ તરીકે રૂ. 1.01 લાખ (એક લાખ એક હજાર)નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.  દરેક દંપતીને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘરવખરીની વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારની 36 આવશ્યક વસ્તુઓ અને વાસણો, ગેસ સ્ટવ, મિક્સર અને પંખો, તેમજ ગાદલું અને ગાદલા.

અનંત અંબાણી 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 29 જૂને એન્ટિલિયામાં અંબાણીના ઘરે ખાનગી પૂજા સમારોહ સાથે લગ્નની ઉજવણીની શરૂઆત થઈ હતી. દંપતીના લગ્નની ઉજવણી એક ભવ્ય પ્રસંગ હતો, જે ભવ્ય અને વિસ્તૃત કાર્યક્રમો માટે અંબાણી પરિવારની પ્રતિષ્ઠા દર્શાવે છે. આ શાહી લગ્નમાં ભારત અને વિદેશમાંથી ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

(તસવીરો : દીપક ધૂરી)

હેમંત સોરેન ફરી બની શકે છે ઝારખંડના મુખ્યમંત્રી

શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકારી અધ્યક્ષ જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે, ત્યારથી સતત એવી અટકળો ચાલી રહી છે કે તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. હવે આ રહસ્ય લગભગ ખુલી ગયું છે. વાસ્તવમાં, બુધવારે રાજ્યમાં ભારતીય વિધાન દળના ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવા પર સર્વસંમતિ સધાઈ હતી. હેમંત સોરેન ફરીથી રાજ્યની સત્તા સંભાળી શકે છે.

 

જેલમાંથી બહાર આવ્યા બાદ હેમંત સોરેનના નેતૃત્વમાં આ પહેલી ઔપચારિક બેઠક છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં ફરજીયાત હાજર રહેવા જણાવાયું હતું. હાલમાં, ઝારખંડના રાજ્યપાલ રાજ્યની બહાર છે, તેથી રાજ્યપાલ રાંચી પહોંચે ત્યાં સુધી તમામ ધારાસભ્યો સીએમ આવાસમાં રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલ મોડી સાંજ સુધીમાં રાંચી પહોંચી જશે, ત્યારબાદ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેમને સંકલન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

વેકેશનમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓની સંખ્યામાં વધારો

ગાંધીનગર: દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ હોય છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં, એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે.

Photo Courtesy : Gujarat Tourism

Photo Courtesy : Gujarat Tourism

આ પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો પણ સમાવેશ થાય છે.

ક્રમ પ્રવાસન સ્થળ એપ્રિલ-23 એપ્રિલ-24 મે-23 મે-24
1 SoU અને આકર્ષણો 1,58,605 1,76,942 1,85,989 2,66,835
2 અટલ બ્રિજ 2,09,218 1,84,924 2,64,956 2,41,581
3 રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક  14,965 38,538 14,718 16,548
4 કાંકરિયા તળાવ 5,17,438 5,34,639 6,64,400 5,75,987
5 પાવાગઢ મંદિર 6,47,712 6,78,508 5,23,307 5,33,281
6 અંબાજી મંદિર 5,18,64 9,47,714 6,48,890 9,27,423
7 સાયન્સ સિટી 79,984 87,010 1,27,568 1,08,408
8 વડનગર 31,247 41,302 33,341 35,152
9 સોમનાથ મંદિર 7,62,558 5,64,676 10,18,113 9,24,585
10 દ્વારકા મંદિર 6,58,403 5,27,378 6,57,606 11,03,110
11 ગીર-દેવળીયા સફારી 68,580 55,998 1,16,011 1,06,935
12 અમદાવાદ મેટ્રો 15,63,501 23,06,591 20,05,374 25,47,534
કુલ 52,30,675 61,44,220 62,60,273 73,87,379

Photo Courtesy : Gujarat Tourism

અમદાવાદ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન

‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન વિભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

રાજ્યમાં એક દિવસમાં 88 તાલુકામાં નોંધાયો વરસાદ..

રાજ્યમાં 26 જુનથી મેઘરાજા એન્ટ્રી કરી છે. વરસાદની શરૂઆતથી જ રાજ્યમાં તમામ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે 3 જુલાયના રોજ સવારે 06 કલાક સુધીમાં 24 કલાક દરમિયાન રાજ્યના 88 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 07 તાલુકાઓ એવા છે કે જેમાં 03 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામા 270 મિ.મી એટલે કે  10.8 ઇંચ, મહેસાણામાં 98 મિ.મી એટલે કે 3.92 ઇંચ અને બેચરાજીમાં 96 મિ.મી એટલે કે 3.84 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 92 મિ.મી એટલે કે 3.68 ઇંચ, વાવ તાલુકામાં 79 મિ.મી  એટલે કે 3.16 ઇંચ, સુઈગામ તાલુકામાં 77 મિ.મી એટલે કે 3.08 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોડાસા તાલુકામાં 72 મિ.મી, વઘઈ તાલુકામાં 65 મિ.મી, વાંસદા તાલુકા 62 મિ.મી, સિદ્ધપુર તાલુકામાં 61 મિ.મી, બાલાસિનોર તાલુકામાં 61 મિ.મી, થરાદ તાલુકામાં 60 મિ.મી, ડોલવન તાલુકામાં 56 મિ.મી, ફતેહપુરા તાલુકામાં 52 મિ.મી, ઊંઝા તાલુકામાં 49 મિ.મી મળીને કુલ 9 તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઓલપાડ, ચાણસમા, સરસ્વતી તાલુકામાં 47 મિ.મી, નવસારી તાલુકામાં 46 મિ.મી, અને ખેરગામ, જલાલપોર, ડાંગ-આહવા તાલુકામાં 45 મિ.મી, હિંમતનગર અને પાટણ તાલુકામાં 43 મિ.મી, જોટાણા અને કપડવંજ તાલુકામાં 42 મિ.મી, લુણાવાડા તાલુકામાં 41 મિ.મી, દેત્રોજ- રામપુરા તાલુકામાં 40 મિ.મી, સંજેલી તાલુકામાં 40 મિ.મી અને તલોદ તાલુકામાં 39 મિ.મી  મળીને કુલ 15 તાલુકાઓમાં  દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલોદ, વાલોદ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ સીટી, કઠલાલ, મળીને કુલ 9 તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે સાણંદ, મેઘરાજ, દસાડા, વાપી, વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મા, બારડોલી, વિજાપુર, માંડલ, ધરમપુર, પાલીતાણા, ભિલોડા, અંકલેશ્વર, કપરાડા, દાંતા, ધાનેરા, પારડી, કામરેજ, ધનસુરા, દહેગામ, વિરમગામ, વડગામ, હારીજ, માણસા, રાધનપુર, અંજાર, વાલીયા, વસો, અને મહુધા મળીને કુલ 30 તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

 

‘તેઓ મેદાન છોડીને ભાગી ગયા…’ વિપક્ષના વોકઆઉટ પર બોલ્યા PM

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પહેલા સંસદ સત્રમાં ગઈ કાલે PM મોદીએ લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. આજે તેમણે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તેમણે રાજ્યસભાથી વિપક્ષના વોકઆઉટ પર કહ્યું હતું કે જે લોકો જૂઠ ફેલાવી રહ્યા છે તો સત્ય સાંભળી નથી શકતા, મેદાન છોડીને ભાગી ગયા છે. તેમના નિશાન પર કોંગ્રસના રાહુલ ગાંધી હતા.

વિપક્ષના વોકઆઉટ પર સભાપતિ ધનખડેએ ટીકા કરતાં કહ્યું હતું કે એનાથી દેશના 140 કરોડ લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ અમારું અને તમારું અપમાન નથી, પણ સંસદનું અપમાન છે. બંધારણનું આ અપમાન, આટલસી મોટી મજાક, હું આશા કરું છું કે તેઓ આત્મમંથન કરશે.

છેલ્લાં 10 વર્ષ તો માત્ર એપેટાઇઝર, મેન કોર્સ હવે શરૂ થશેઃ PM

રાજ્યસભામાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રીજી વાર તક મળવી એ ઐતિહાસિક છે. સાંસદોએ સંસદની ગરિમા વધારી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે 60 વર્ષ પછી એવું થયું છે કે 10 વર્ષ સત્તામાં રહ્યા પછી પણ સરકારે વાપસી કરી છે. આ ચૂંટણી 10 વર્ષની સિદ્ધિઓ પર મહોર લગાવે છે આ કોઈ સામાન્ય વાત નથી. વારવાર ઢોલ પીટવામાં આવે છે કે એક તૃતીયાંશ સરકાર- એનાથી મોટું સત્યા કયું હોઈ શકે કે અમારાં 10 વર્ષ થયાં છે અને 20 વર્ષ બાકી છે. .  છેલ્લાં 10 વર્ષ તો માત્ર એપેટાઇઝર હતાં, મેન કોર્સ હવે શરૂ થશે, એમ PM મોદીએ કહ્યું હતું.

કેટલાક લોકો જાણીબૂજીને જનતા દ્વારા આપેલા નિર્ણયને પણ ઝાંખો પાડી રહ્યા છે. કેટલાક લોકો જનતાના જનાદેશને સંમજી નથી શક્યા અને જેમને સમજમાં આવ્યું છે એ લોકો હંગામો કરી રહ્યા છે. હું છેલ્લા બે દિવસથી જોઈ રહ્યો છું કે પરાજય પણ સ્વીકાર થઈ રહ્યો છે અને દબાયેલા મને વિજય પણ સ્વીકાર થઈ રહ્યો છે.

આવનારા પાંચ વર્ષ ગરીબી સામેની લડાઈમાં નિર્ણાયક વર્ષ છે. ગરીબી સામેની લડાઈમાં આ દેશનો વિજય થશે, હું 10 વર્ષના અનુભવના આધારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું. જ્યારે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, ત્યારે તેની અસર જીવનના દરેક ક્ષેત્ર પર પડશે. વિસ્તરણ અને વિકાસની ઘણી તકો ઉપલબ્ધ થવાની છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

સરસપુરમાં જ કેમ ભરાય છે મોસાળુ ?

અમદાવાદ: 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાવિકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે. તો વળી ભગવાન જગન્નાથજીના મોસાળાની ચર્ચાઓ પણ થતી રહે છે. ત્યારે એ જાણવું રસપ્રદ છે કે ભગવાનનું મોસાળુ સરસપુરમાં જ કેમ ભરાય છે?

..માટે સરસપુર ભગવાનનું મોસાળ ગણાય છે!

146 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા. એ રથયાત્રામાં સાધુ-સંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુ-સંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું. ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે.

હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે. એટલુ જ નહીં આગામી 20 વર્ષ સુધીના મોસાળાનું પણ બુકિંગ થઈ ગયું છે. સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખોની સંખ્યામાં આવેલા રથયાત્રિકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે.

મામેરુ ભરાવાનું ધાર્મિક મહત્વ પણ છે

સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાવાનું પરંપરાગત અને ધાર્મિક મહત્વ પણ છે. ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલી કથા અનુસાર, ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન તેઓ પોતાના મામેરામાં જાય છે. ભગવાના માતા રેલાડીજીનો નિવાસસ્થાન સરસપુરમાં છે અને તેઓ ત્યાં જતાં એમની માતાનો આશીર્વાદ મેળવે છે. આ પ્રમાણે, સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ એક પરંપરાગત, ધાર્મિક અને સામાજિક પ્રસંગ છે. જે અનેક ભક્તોને એક સાથે લાવીને પરંપરા અને સંસ્કૃતિનું જતન કરે છે.સરસપુર વિસ્તારની 17 પોળોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન પ્રસાદી બનાવવામાં આવી રહી છે. સરસપુરની વાસણ શેરીના બાલા ભગત મંદિરમાં બુંદી, ફૂલવડી અને મોહનથાળ જેવી વાનગીઓ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહી છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળમાં હજારો ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેની માટે સરસપુરવાસીઓ કેટલાંય દિવસોથી કામે લાગેલા હોય છે.

સંચાલકોની જવાબદારી પર ખુલશે પ્રિ-સ્કૂલો..

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી અને રાજ્યના તમામ એકમો પર ચેકિંગના ધમધમાટ ચાલ્યા હતા. જેમાં કેટલીક શાળાને સીલ કરવામાં આવી હતી. તો કેટલીક બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ગેમ ઝોન, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રિ-સ્કૂલો સહિતની મિલકતોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી. 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી પત્ર આપવાનો રહેશે. ફાયર સેફ્ટી કે સર્ટિફિકેટ ન હોય તેમને સર્ટિફિકેટ મેળવવા માટે 30 દિવસનો સમય અપાશે અને સર્ટિ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે. જ્યારે બાંધકામ નિયમિત કરાયેલું ન હોય તેમને બાંધકામ નિયમિત કરાવવા માટે 3 માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 150 કરતા વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રિ-સ્કૂલો સીલ કરવા અંગેની કાર્યવાહીને લઈને સ્કૂલ સંચાલકો તથા વાલી મંડળોના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે શરતી ઉપયોગની પરવાનગી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતોને પગલે મ્યુનિ. કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઝોનલ કચેરી ખાતેથી સીલ ખોલવાની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રિ-સ્કૂલો માન્ય બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ધરાવતા નથી. જેથી તેઓ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી કે રિન્યુ કરાવી શકે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકે તેને લઈને ફક્ત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કોમ્પ્લાયન્સની કાર્યવાહી હાથ ધરવા 30 દિવસની મુદત આપવામાં આવી છે. સ્કૂલો કે પ્રિ-સ્કૂલોએ આવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લીધા બાદ જ ઉપયોગ શરૂ કરવા માટે સંચાલકો પાસેથી નિયત નોટરાઈઝ બાંહેધરી રજૂ કરાવી ફાયર સેફ્ટી અન્વયેના જરૂરી પ્રોવિઝન કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા અન્વયે આદેશાનુસાર સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે.

 

હાથરસ પહોંચ્યા CM યોગી, પીડિતો સાથે કરશે મુલાકાત

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સિંકદરારાઉ વિસ્તારમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ધક્કામુક્કી થવાથી કમસે કમ 121 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના પછી CM યોગી આદિત્યનાથે તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય સેવાદાર અને આયોજકોની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જોકે સૌથી મોટી વાત એ છે કે FIRમાં બાબાનું નામ નથી. આ દુર્ઘટના પછી સત્સંગ કરવાવળા બાબા-ભોલેબાબા ઉર્ફે સીરજપાલ ગાયબ છે.

હાથરસમાં બનેલી દુખદ ઘટનાની સમીક્ષા કરવા CM યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા છે. અહીં તેઓ હોસ્પિટલમાં પીડિતો સાથે મુલાકાત કરશે. તેમણે આ દુર્ઘટના અંગે 24 કલાકમાં રિપોર્ટ માગ્યો છે.

મંગળવારે મોડી રાત્રે સિકંદરારાઉ પોલીસ  સ્ટેશનમાં મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય સેવાદારોની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (બિન ઇરાદાથી હત્યા), 110 (બિન ઇરાદાથી હત્યાનો પ્રયાસ), 126 (2) (ખોટી રીતે અટકાવવા), 223 (લોકસેવક દ્વારા જારી આદેશની અવગણના), 238 (પુરાવાને નષ્ટ કરવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ક્રાર્યક્રમમાં માત્ર 80,000ની મંજૂરી લેવામાં આવી હતી, પણ આશરે 2.5 લાખ લોકોથી વધુ લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ ઘટના પછી બાબા ફરાર છે. તેમની શોધખોળમાં કેટલીય ટીમો લાગેલી છે.

કોણ છે ભોલે બાબા?

નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા UP પોલીસનો ભૂતપૂર્વ કર્મચારી છે, જેણે 18 વર્ષ સુધી સ્થાનિક જાસૂસૂ એકમ (LIU)ની સાથે કામ કર્યું છે. 1990માં એટામાં તહેનાતી દરમ્યાન તે આધ્યાત્મિકતા બાજુ વળ્યો હતો અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તે તેની શાનો-શૌકત માટે મશહૂર, એટા-કાસગંજ અને વ્રજ વિસ્તાર અને કેટલાક અન્ય વિસ્તારોમાં નીચલા મધ્યમ વર્ગ અને ગરીબોની વચ્ચે બહુ મોટો પ્રશંસક છે.  તેઓ હાલ ફરાર છે.

 

કાંદાના ચટપટા પરોઠા

વરસાદના દિવસોમાં બહાર જવાનો મોટે ભાગે કંટાળો આવતો હોય! વળી શાક સરખા ના મળતા હોય! તો ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી વડે, પૂરણ ભરવાની ઝંઝટ વગર ઝટપટ બની જાય છે કાંદાના સ્વાદિષ્ટ પરોઠા!

સામગ્રીઃ

  • મોટી સાઈઝના કાંદા 3-4 (લીલા કાંદા પણ પાન સહિત લઈ શકાય)
  • ઘઉંનો લોટ 2 કપ
  • લીલા મરચાં 3-4
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • અજમો 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 3 ટી.સ્પૂન
  • તેલ
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન

રીતઃ કાંદાને એકદમ ઝીણાં સમારી લો. તેમાં મીઠું સ્વાદ પ્રમાણે લઈને આમચૂર પાઉડર, ચાટ મસાલો, સફેદ તલ, અજમો, જીરુ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ચાટ મસાલો, ઝીણાં સમારેલા લીલા મરચાં તેમજ સમારેલી કોથમીર ઉમેરીને મેળવી લો. આ મિશ્રણને 10-15 મિનિટ રહેવા દો. જેથી તેમાંથી પાણી છૂટશે.  ત્યારબાદ તેમાં લોટ ઉમેરીને મિક્સ કરી લો. જો જરૂર લાગે તો 1-1 ચમચી જેટલું પાણી ઉમેરીને રોટલીના લોટ કરતાં કઠણ લોટ બાંધી લો.

ત્યારબાદ તેલનું મોણ આપીને તરત પરોઠા વણી લો. કારણ કે, લોટ રાખી મૂકવાથી તેમાંથી પાણી છૂટશે અને લોટ નરમ થશે.

લોટમાંથી લૂવો લઈ તેની ઉપર ઝીણાં સમારેલાં મરચાંના 4-5 ટુકડા તેમજ તલ ભભરાવીને હાથેથી પ્રેશ કરીને લોટમાં રોળવીને પરોઠા વણી લો.

તવો ગેસ ઉપર ગરમ કરી લો. તેની ઉપર તવેથા વડે 1 ચમચી જેટલું તેલ લગાડી લો. હવે ગેસની મધ્યમ આંચ કરીને આ પરોઠા શેકી લો. પરોઠાને તવેથા વડે હળવા પ્રેશ કરીને એકસરખા શેકવા. ફરતે તેલ અથવા ઘી ચોપડી શકાય.

તૈયાર પરોઠા ટોમેટો-કેચ-અપ, લીલી ચટણી અથવા અથાણાં સાથે પીરસી શકાય છે.

૦૩ જુલાઈ, ૨૦૨૪