Home Blog Page 1688

રતન સમી આંખનું જતન કઈ રીતે કરશો?

આંખની વાત કરીએ ત્યારે આંખને દૃષ્ટિના હોય તો કેટલી વસ્તુઓ તમે ગુમાવો છો એની વાત કરવી પડે.

(1) ભણેલા હો તોપણ વાંચી કે લખી શકતા નથી.

(2) Laptop/ Mobile ઉપર કામ ના થાય.

(3) T.V/ Movies/ Web Series જોઈ ના શકાય.

(4) કુદરતના સૌંદર્ય તે મેઘધનુષ હોય કે મનોહારી વાદળીઓના રંગ, ઊગતા અને આથમતા સૂર્યનાં દર્શન, વહેતી નદી, ખળખળ કરતા ઝરણાનો ધોધ, સાગરના મોજાનું સૌંદર્ય – કશું જ જોવાય નહીં.

(5) બાળકનું હાસ્ય, વડીલોની વેદના સાંભળીને અનુભવ થાય પણ દર્શન ના થાય.

(6) મુગ્ધાનું શરમાવું, પત્નીનો ગુસ્સો —આંખ ન હોય તો ખબર ના પડે.

કેટલી કેટલી વસ્તુઓ ગણાવું. આ બધું જ તમે શા માટે ગુમાવો છો તેની ખબર છે કારણ કે તમે તમારી આંખના રતનનું જતન નથી કર્યું.

આંખના રતનનું જતન કેવી રીતે કરશો

1. સિગારેટ અને તમાકુના ગુટકાનું નિકોટીન તમારી આંખને જોવાની શક્તિ આપનાર ઓપ્ટીક Nerve (જે આંખના પડદાને મગજ સાથે જોડે છે)નો પહેલા નંબરનો શત્રુ છે. આંખ અકાળે ગુમાવવી ના હોય તો તમાકુ તાત્કાલિક બંધ કરી દો. એ જ પ્રમાણે પ્રમાણભાન વગર આલ્કોહૉલ પણ તમારી આંખને નુકસાન કરે છે તે પણ બને તો તદ્દન બંધ કરી દો.

2. આંખને બહારના વાતાવરણની અસર થાય અને તે સુકાઈ જાય નહીં માટે કુદરતે આંખને ઢાંકણ (EyeLids) આપ્યા છે અને તેને એક મિનિટમાં ૧૪થી ૨૦ વખત પટપટાવવા (Blinking) ની ક્રિયા પણ આપી છે. આંખની અંદર સતત પ્રવાહી નીકળ્યા કરે તેવી વ્યવસ્થા પણ છે. માટે જ આંખમાં કાંઈ પડે કે જાય જેવાં કે ધૂળ, ધુમાડો, બેક્ટિરિયા, રજ, વાયરસ ત્યારે આંખને ચોળશો નહીં. બે મિનિટ આંખ બંધ રાખશો. પાણીના લીધે આંખનો કચરો સામાન્ય હશે તો નીકળી જશે. આંખમાં ખૂંચવાનું ચાલુ રહે તો ડૉક્ટર પાસે તાત્કાલિક જઈને સારવાર કરાવશો.

3. જ્યારે જ્યારે બહારથી ઘેર આવો ત્યારે આંખો ઉપર પાણી છાંટશો. બ્રશ કરો ત્યારે, નાસ્તો કર્યા પછી કે જમ્યા પછી પણ મોં સાફ કરો ત્યારે આંખ ઉપર પાણી છાંટવાનું ભૂલતા નહીં. કદાચ આંખ ઉપર પાણી છાંટવામાં મૅકઅપ બગડતો હોય તો પ્લાસ્ટિકના ‘આઈ ગ્લાસ’ની મદદથી આંખને પાણીથી સાફ કરશો.

4. જ્યારે બહાર જાઓ ત્યારે અને ખાસ કરીને તડકામાં બહાર જાઓ ત્યારે કાળા ગોગલ્સ પહેરશો જેથી આંખનું UV Rays (અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી રક્ષણ થાય અને આંખની આજુબાજુ કરચલી અને કૂંડાળાં ના પડે.

5. આંખના પડદા (Retina) ના કોષને તંદુરસ્ત રાખવા તેને પૂરતા પ્રમાણમાં લોહી મળે માટે હૃદય અને ફેફસાં તેમજ રક્તવાહિનીઓની ક્ષમતા વધે માટે નિયમિત ચાલવું, દોડવું તરવું, સાઈકલ ચલાવવી, પગથિયાં ચડઊતર કરવાં, દોરડાં કૂદવાની ક્રિયા જેવી કોઈ પણ કસરત તમને ગમતી હોય તે કરવી જોઈએ.

6. લોહી બરોબર પહોંચતું હોય પણ લોહીની જ ક્વૉલિટી બરાબર ના હોય એટલે કે લોહી ઓછું હોય (Anaemia) ત્યારે પણ આંખની શક્તિ ઓછી થઈ જશે. તમારે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને આયર્ન મળે તેવું આયોજન કરવું જોઈએ જેથી એનિમિયા થાય નહીં.

7. ખોરાકમાં બીટા કેરોટીન તમને ગાજર, પપૈયુ, કોળું, ટેટી, તરબૂચ, કેરી, પીચ, રાયણ, કેળા, ગુંદાં વગેરેમાંથી મળે. આ બીટા કેરોટીન તમારા શરીરમાં વિટામિન ‘એ’ માં રૂપાંતર પામે અને વિટામિન ‘એ’ આંખને શક્તિ આપવા માટે ખાસ જરૂરનું છે.

8. જો તમે રોજ 50થી 60 ગ્રામ, પ્રોટીન મળે તેવું ખોરાકનું આયોજન કરશો એટલે કે દૂધ, દહીં, પનીર, અનાજ—કઠોળ, સોયાબીન, ઈંડા,  ફીશ, મીટમાંથી જે લઈ શકતા હો તે ખોરાક લેશો તો આંખના કોષ મજબૂત રહેશે.

9. આંખની સતત એકીટસે જોવાની ટેવ કે વાંચવામાં, લખવામાં, ટી.વી./ Laptop/ Mobile (Instagram Reels, YouTube)  જોવામાં, P.C પર કામ કરવામાં, ભરવા—ગૂંથવામાં કે ગમે તે કામમાં હોય તો તે આંખને નુકસાન કરશે.

10. જેને ARMD અથવા એજ રીલેટેડ મેક્યુલર ડીજનરેશન તરીકે ઓળખાય છે તે આંખની દૃષ્ટિ ગુમાવવાનો રોગ મોટી ઉંમરના લોકોને એજીંગ પ્રોસેસમાં એક ભાગરૂપે થાય છે. એક સફેદ કાગળ ઉપર સ્કેચ પેનથી જાડી કાળી લીટી દોરી અને રોજ તેને એક વાર જોજો. જ્યારે આ લીટી આખી દેખાવાને બદલે ટુકડા ટુકડા થઈ ગયા હોય તેમ દેખાય ત્યારે ARMDની શરૂઆત થઈ એમ માની તરત Opthalmologistની  સલાહ લેશો.

11. ગ્લુકોમા એટલે કે ઝામર થાય તે વખતે જો આંખનું પ્રેશર વધી જાય તો દૃષ્ટિ જવાનો મોટો ભય છે. આવે વખતે વિલંબ વગર ડૉક્ટરની સલાહ લઈ પ્રેશર માટેની દવાઓ ચાલુ કરાવી સલાહભરેલું છે.

ડાયાબિટીસના દર્દીઓએ Blood Sugar કાબૂમાં રાખવું સલાહભર્યું છે જેથી Diabetic Retinopathy તકલીફ થાય નહીં.

B.P.ના દર્દીઓએ પણ આ જ રીતે બી.પી.ને કાબૂમાં રાખવા બધા જ પ્રયત્ન કરવા જોઈએ જેથી ઓચિંતો અંધાપો આવે નહીં.

આટલી બધી વાતો જાણ્યા પછી તમે જો જેની કોઈ પણ કિંમત થઈ શકે નહીં તેવા અમૂલ્ય આંખના રતનનું જતન તમે ના કરો તો આજીવન અંધકારની ઊંડી ખાઈમાં પડ્યા સિવાય તમારો બીજો કોઈ આરો નથી.

આંખની કસરત

(1) જમણા હાથની દર્શનિકા આંગળી એટલે કે પોઇન્ટીંગ ફીંગર તમારી આંખના લેવલે 10 ઈંચ જેટલી દૂર રાખો. બંને આંખોથી આ આંગળીના ટેરવાને 10 સેકન્ડ માટે જુઓ. ત્યાર પછી તમારી નજર જેટલે દૂર જાય તે રીતે દૂરની વસ્તુને 10 સેકન્ડ માટે જુઓ. ફરી પાછા આંગળીના ટેરવાને જુઓ. આ પ્રમાણે નજીક દૂર જોવાની ક્રિયા ત્રણથી પાંચ મિનિટ કરો.

(2) તમારી ડોક ડાબી બાજુ વાળી તમારી આંખોથી દૂરની વસ્તુઓ (મકાનો, ઝાડ વગેરે) જુઓ. ધીરે ધીરે તમારી ડોક ડાબીથી જમણી બાજુ વાળો અને તે વખતે સતત દૂરની જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓ જોતા રહો. આ પ્રમાણેની ડાબી બાજુ જોવાની ક્રિયા ત્રણથી પાંચ મિનિટ કરો.

(3) પામીંગ : બંને હાથની આંગળી ક્રોસ કરી અને હથેળીનો ભાગ આંખો ઉપર આવે તે રીતે રાખો. આ ક્રિયા ખુરશીમાં બેસીને કરો અને તમારી બંને કોણી તમારી આગળના ટેબલ ઉપર ટેકવો. બંને હથેળીનું સાધારણ દબાણ આંખ ઉપર આવે તે રીતે બેસો—આંખો બંધ રાખવાની છે. આંખની આગળ મનથી કલ્પના કરી લીલો કે નીલો રંગ દેખાય તેમ કરો. આ રીતે ત્રણ મિનિટ માટે બેસો. જ્યારે આંખ થાકે ત્યારે આ કસરત કરો.

 

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)

કોહલી બાદ રોહિત શર્માએ પણ કરી નિવૃત્તીની જાહેરાત

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું અને તેની સાથે જ તેના દિગ્ગજ કેપ્ટન રોહિત શર્માએ પણ નિવૃત્તિની જાહેરાત કરી. સાઉથ આફ્રિકા સામે ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માએ બધાની સામે એલાન કર્યું કે તે હવે ટીમ ઈન્ડિયાના T20 ફોર્મેટમાં નહીં રમે. રોહિત પહેલા અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પણ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

T20 વર્લ્ડ કપથી ડેબ્યૂ, વર્લ્ડ કપમાંથી જ નિવૃત્તિ

રોહિતે 2007 T20 વર્લ્ડ કપમાં જ આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ઈવેન્ટમાં જ ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેના 9મા T20 વર્લ્ડ કપમાં રોહિતે 17 વર્ષમાં બીજી વખત ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું અને આ ટૂર્નામેન્ટની ફાઈનલ સાથે ફોર્મેટને કાયમ માટે અલવિદા કહી દીધું. ટીમ ઈન્ડિયાની ખિતાબ જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ આ જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે આ તેની છેલ્લી T20 મેચ હતી અને આનાથી સારો સમય અને સંન્યાસ લેવાનો કોઈ રસ્તો ન હોઈ શકે. ભારતીય કેપ્ટને કહ્યું કે તે આ ટૂર્નામેન્ટ જીતવા માટે ખૂબ જ ઉત્સુક હતો અને અંતે તે છેલ્લા 10 વર્ષથી જે અડચણ પર અટવાયેલો હતો તેને પાર કરવામાં તે સફળ થયો.

આ વર્લ્ડ કપમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું

રોહિતે પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને ન માત્ર ચેમ્પિયન બનાવ્યું, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગથી તેમાં મહત્વની ભૂમિકા પણ ભજવી. ટૂર્નામેન્ટની ફાઇનલમાં તે માત્ર 9 રન બનાવીને આઉટ થયો હોવા છતાં, ભારતીય કેપ્ટને અગાઉ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અને તે પહેલા સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. રોહિતે સમગ્ર વિશ્વ કપની 8 ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ 257 રન બનાવ્યા, જેમાં 3 અડધી સદી સામેલ છે.

સૌથી વધુ રન અને સિક્સર સાથે કારકિર્દીનો અંત

આ ફોર્મેટમાં રોહિતની સફર શાનદાર રહી. તેણે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન, સૌથી વધુ સદી અને સૌથી વધુ સિક્સર સાથે બેટ્સમેન તરીકે તેની કારકિર્દીનો અંત કર્યો. રોહિતે પણ ભારત માટે સૌથી વધુ 159 મેચ રમી અને 32 ની એવરેજથી રેકોર્ડ 4231 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 140.89 હતો, જેમાં 5 સદી અને રેકોર્ડ 305 છગ્ગાનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, વિરાટ કોહલી પછી રોહિત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 1220 રન સાથે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. ફાઈનલ જીતવાની સાથે તેણે T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે રેકોર્ડ 50 જીત પણ નોંધાવી હતી.

રોહિતની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

કુલ T20 મેચઃ 159
રન બનાવ્યા: 4231
સરેરાશ: 32.05
સ્ટ્રાઈક રેટ: 140.89
સદી: 5
ફિફ્ટી : 32
છગ્ગા: 205
ચોગ્ગા: 383

વિરાટ કોહલીએ કરી સંન્યાસની જાહેરાત

ભારતે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની મહત્વની ઈનિંગ રમી હતી, પરંતુ મેચ બાદ યોજાયેલા પ્રેઝન્ટેશનમાં કોહલીએ જાહેરાત કરી હતી કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે. કોહલીએ કહ્યું કે તે પોતાના કરિયરમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવા માંગતો હતો અને આ છેલ્લી વખત તેણે ભારત માટે ટી20 મેચ રમી હતી. તેણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

‘આ મારો છેલ્લો વર્લ્ડ કપ…’

મેચ બાદ ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું, આ મારો છેલ્લો વર્લ્ડ કપ હતો. આ બધું જ અમે હાંસલ કરવા ઈચ્છતા હતા. એક દિવસ તમને લાગે છે કે તમે રન નથી બનાવી રહ્યા અને પછી એવું થાય છે. ભગવાન જે પણ કરે છે, તે સારું જ કરે છે. જો અમે હારી ગયા હોત તો પણ હું મારી નિવૃત્તિની જાહેરાત કરવાનો હતો.

રોહિત શર્માના વખાણ કર્યા

વિરાટ કોહલીએ તેની મેચ પછીની પ્રેઝન્ટેશનમાં કહ્યું, રોહિત શર્મા 9 T20 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે અને આ મારો છઠ્ઠો વર્લ્ડ કપ હતો. રોહિત ટીમમાં તે વ્યક્તિ છે જે આ જીતનો સૌથી વધુ હકદાર છે. હું ખૂબ જ ખુશ છું. આટલી મોટી જીત પછી લાગણીઓ વ્યક્ત કરવા માટે મારો આત્મવિશ્વાસ છેલ્લી કેટલીક મેચોમાં ઊંચો હતો, પરંતુ ક્રિઝ પર ગયા પછી મને સારું લાગ્યું ન હતું.

વિરાટ કોહલીની છેલ્લી ઇનિંગ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ પહેલા વિરાટ કોહલી 7 ઇનિંગ્સમાં માત્ર 75 રન જ બનાવી શક્યો હતો. પરંતુ તેને આટલી મોટી મેચનો ખેલાડી કહેવામાં આવતો નથી. કોહલીએ વર્લ્ડ કપની અંતિમ મેચમાં અને તેની કારકિર્દીની અંતિમ મેચમાં પણ 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

પંચાંગ 30/06/2024

ભારતે જીતી લીધો વર્લ્ડકપ, આફ્રિકાને હરાવ્યું

ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઇતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 140 કરોડ ભારતીયોને ઉજવણી કરવાની સુવર્ણ તક મળી. દેશભરમાં હાલ દિવાળી જેવો માહોલ છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી કોઈએ વર્લ્ડ કપ (T20 માં) જીત્યો છે.

ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ ચાર્જ સંભાળ્યો અને 5માં નંબર પર બેટિંગ કરવા આવેલા અક્ષર પટેલ સાથે 72 રનની ભાગીદારી કરી. આ પછી કોહલીએ 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ ફિફ્ટી હતી. કોહલીએ 59 બોલમાં કુલ 76 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં શિવમ દુબેએ 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. બીજી તરફ આફ્રિકા તરફથી સ્પિનર ​​કેશવ મહારાજ અને ઝડપી બોલર એનરિક નોર્સિયાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે માર્કો જાન્સેન અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.

FINAL : ભારતે આફ્રિકાને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 176 રન કર્યા હતા અને આફ્રિકાને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની શરૂઆત વિસ્ફોટક રહી હતી પરંતું ત્યારપછી 3 વિકેટ પડી જતા ભારત થોડી વાર માટે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પરંતુ પછી અક્ષર પટેલ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ પણ આજે ભારત માટે મહત્વપુર્ણ બેટિંગ કરી હતી અને 76 રન ફટકાર્યા હતા.

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 9 રન ફટકાર્યા હતા. તો રિષભ પંત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને 0 રને આઉટ થયો હતો. તો સુર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને માત્ર 3 રને પેવેલિયન પરત ફર્યો હતો. તો વિરાટ કોહલી અને અક્ષર પટેલને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરતા 31 બોલમાં 47 રન ફટકાર્યા હતા.

AI કાર્યક્ષમતા વધારવા ડિજિટલ સંવાદનું આયોજન કરાયું

ડિજિટલને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ સંસ્થા રેડી(ReDi – રિસપોન્સીબલી ડિજિટલ) એ શનિવારે ડિજિટલ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AI અને ડિજિટલ ઇનોવેશનના ભાવિ અંગે ચર્ચા કરવા એક મંચ પર નિષ્ણાતો એકસાથે આવ્યા હતા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના સહયોગથી આયોજિત રાઉન્ડ ટેબલ ઇવેન્ટમાં AI હબ તરીકે અમદાવાદની સંભવિતતા, ડિજિટલ ઇનોવેશન અંગે વ્યૂહરચના, AI ટેલેન્ટ અને રોકાણ અને AI બિઝનેસ, સમાજ સેવાઓ, ડિઝાઇન, જાહેરાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્થતંત્ર અને વિકસીત જોબ લેન્ડસ્કેપ જેવા વિવિધ ક્ષેત્રોમાં જવાબદારીપૂર્વક સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ્સ, કોમ્યુનિકેશન એક્સપર્ટ, મીડિયા પ્રતિનિધિ, બ્રાન્ડ એક્સપર્ટસ, માર્કેટિંગ વ્યવસાયિકો અને શિક્ષકો સહિત સહભાગીઓ શામેલ થયા હતા અને AIની વ્યાપક અસરો પર ચર્ચા અને વિશ્લેષણ કર્યું હતું. કોન્ફરન્સને સંબોધતા રેડીના સહ સ્થાપકે જણાવ્યું હતું કે, AI પાસે જબરદસ્ત પરિવર્તનકારી ક્ષમતા છે. AI કાર્યક્ષમતા વધારવા, ડેટા-આધારિત નિર્ણયો અને સામગ્રી નિર્માણમાં સહાય કરે છે, જે એક નિર્વિવાદિત અને રીઅલ ટાઇમ સિન્ટિમેન્ટ વિશ્લેષણ છે. AIથી નોકરી પર ખતરો આવી શકે છે તેવું લોકો માને છે. જો કે હું માનુ છું કે AIથી કોઇની નોકરી નહીં જાય, બલ્કે જેઓ AIનો ઉપયોગ કરે છે તેઓને નોકરી પ્રાપ્ત થશે. AI શીખવું અને તેને સ્વિકારવું તે મહત્વપૂર્ણ છે.

સહભાગીઓએ પારદર્શિતા અને નૈતિક વિચારણાઓને સંબોધિત કરી AIની કેટલીક એપ્લિકેશનોમાં માનવીય સ્પર્શના નુકસાનને પ્રકાશિત કર્યું. તેઓએ નવીનતા અને ઝડપી ગતિની નોંધ લીધી અને સ્વીકાર્યું કે AIની અસર દરેક જગ્યાએ અનુભવાઇ રહી છે. જોકે તેઓએ AIનો ઉપયોગ કરવામાં વધુ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ફાયદાઓ અને ગેરફાયદાઓ અંગે માહિતગાર કર્યા. સાથે જ AI પર નિર્માણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને તેની સાથે સંબંધિત વ્યાપક અસર અને સ્વીકૃતિ મુદ્દાઓની ચર્ચા કરી.

રાઉન્ડ ટેબલના સહભાગીઓએ મેન્યુફેક્ચરિંગ, મીડિયા અને હેલ્થકેરમાં એડવાન્સમેન્ટમાં AIની રીઅલ ટાઇમ એપ્લિકેશન્સ સાથેના તેમના અનુભવો શેર કર્યા, અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં AIનો જવાબદાર ઉપયોગ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

નિષ્ણાતોએ એ પણ નોધ્યું કે AIએ નવી તકનીક નથી, પરંતુ જનરેટિવ AI દ્વારા તેને વધુ અદ્યતન અને સુલભ બનાવાયું છે. AIની એકંદરે અસ્પષ્ટ અસર હોવા છતાં નવીનતાની ઝડપી ગતિને કારણે AIના ટૂંકા ચક્રને અપનાવવા તેઓ સહમત થયા. પ્રતિભાની અછત એક પડકાર છે, પરંતુ AIમાં રોકાણ કરનારાઓને નોંધપાત્ર લાભ થવાની અપેક્ષા છે. રેડી (ReDi)ના સહ-સ્થાપક કુમાર મનીષ અને મિહિર ગજરાવાલાએ પણ સંવાદમાં ભાગ લીધો હતો.

T20 વર્લ્ડ કપ 2024: ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા સામસામે છે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન, બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારત અને આફ્રિકા બંને એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી ગયા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી છે અને તેની પાસે ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાની તક છે. જ્યારે ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપ ઈતિહાસની પ્રથમ સિઝન જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો.

ભારતીય ટીમ ત્રીજી વખત ફાઈનલ રમવા ઉતરી

હવે 17 વર્ષ બાદ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાની તક છે. આ વખતે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 68 રને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. સૌ પ્રથમ ફાઈનલ પ્રથમ સિઝન એટલે કે 2007માં રમાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ પણ જીત્યું હતું. 7 વર્ષ પછી એટલે કે 2014ની સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ત્રીજી ફાઈનલ છે.

ભારત અને આફ્રિકા વચ્ચે ટક્કર

કુલ ODI મેચ: 91, ભારત જીત્યું: 40, દક્ષિણ આફ્રિકા જીત્યું: 51, પરિણામ નથી: 3
કુલ T20 મેચ: 26, ભારત જીત્યું: 14, દક્ષિણ આફ્રિકા જીત્યું: 11, પરિણામ: 1
કુલ ટેસ્ટ મેચ: 44, ભારત જીત્યું: 16, દક્ષિણ આફ્રિકા જીત્યું: 18, ડ્રો: 10

T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને સામને

  • કુલ T20 મેચઃ 6
  • ભારત જીત્યું: 4
  • દક્ષિણ આફ્રિકા જીત્યું: 2

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકાની ટીમ

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્કિયા અને તબરેઝ શમ્સી.

હઠીસિંહ આર્ટ ગેલેરીમાં ‘સપ્તરંગ’ કેન્વાસ પેઈન્ટિંગ એક્ઝિબિશન

અમદાવાદ: શહેરમાં આવેલા સપ્તરંગ આર્ટ સ્ટુડિયો દ્વારા હઠીસિંઘ વિઝ્યુલસ આર્ટ સેન્ટર ખાતે કેન્વાસ પેન્ટિંગનું ખાસ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમાં 5 વર્ષથી લઈને 45 વર્ષના આર્ટિસ્ટ દ્વારા તેમની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. 28મી જૂનથી લઈને 30મી જૂન સુધી આ એક્ઝિબિશન યોજાવાનું છે. સાંજે 4થી 6 વાગ્યા સુધી આ આર્ટ એક્ઝિબિશન ઓપન ફોર ઓલ છે.

કાર્યક્રમના ઉદ્ઘાટનમાં વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સેલ ઈન્સપેક્ટર મંજુલા પારડવા, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા અને અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા.

આ બધાં જ કલાકારો અલગ-અલગ ફિલ્ડમાંથી આવેલા છે. કોઈ વિદ્યાર્થી છે, કોઈ ફાઈન આર્ટ સ્ટુડન્ટ છે તો કોઈ વર્કિંગ વુમન છે. છેલ્લાં પાંચ મહિનાથી તેઓ આ એક્ઝિબિશન માટે તૈયારીઓ કરી રહ્યા હતા. અહીં તમને મડ મિરર વર્ક, એન્બોઝ પેઈન્ટિંગ, કેન્વાસ પેઈન્ટિંગ, મોર્ડન આર્ટ, પોઈટ્રેટ જેવાં અલગ-અલગ પ્રકારના આર્ટ ફોમ જોવા મળશે. ક્રિનલ શાહ દ્વારા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સપ્તરંગ આર્ટ સ્ટુડિયો ચલાવવામાં આવે છે. જેમાં 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વ્યક્તિઓ શીખવા માટે આવતા હોય છે.

પુત્રના લગ્ન પહેલા મુકેશ અંબાણી કરાવશે આ લોકોના લગ્ન

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 15 દિવસ પછી બંનેના લગ્ન થશે, જેની તૈયારીમાં આખો અંબાણી પરિવાર વ્યસ્ત છે. નીતા અંબાણીથી લઈને મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યો લગ્નને ભવ્ય બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યા. આ દરમિયાન પુત્રના લગ્ન પહેલા અંબાણી પરિવાર મહારાષ્ટ્રના પાલઘરમાં નીચલા અને ગરીબ વર્ગના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ અંગે અંબાણી પરિવાર દ્વારા એક કાર્ડ પણ જારી કરવામાં આવ્યું છે.

અંબાણી પરિવાર આ ઉમદા કાર્ય કરશે

વાસ્તવમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ભાગ રૂપે, અંબાણી પરિવારે 2 જુલાઈએ પાલઘરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં 4:30 વાગ્યે વંચિત લોકોના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્ન સાથે સંબંધિત એક કાર્ડ પણ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ સમારોહનો ભાગ બનશે અને વર-કન્યાને આશીર્વાદ આપશે.

આ દિવસે અનંત-રાધિકાના લગ્ન થશે
નોંધનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જેની શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્નથી થશે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે જો ડ્રેસ કોડની વાત કરીએ તો આ શાનદાર શાહી લગ્ન માટે ‘ઇન્ડિયન ફોર્મલ’ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે.