જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ માણસની ધીરજ અને સહનશક્તિ ઘટતી જાય છે. એ ઉપરાંત મન વધુ આળું બનતું જાય છે. કોઈ જરાક કંઈ કહે તો સીધો સામે પ્રહાર કરવાની વૃત્તિ આવી રહી છે. કોઈ વખાણ કરે તો પણ શંકા થાય કે ક્યાંક વ્યંગ તો નથી ને? તેનો અર્થ એ કે માણસનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. આત્મવિશ્વાસ વિના જીવન શક્ય જ નથી. જો સામાન્ય વાતમાં પણ ભૂલો દેખાય કે અન્ય નકારાત્મક અર્થ દેખાય, તો પોતાની જગ્યાનું વાસ્તુ તપાસવું જરૂરી છે, કારણ કે આવી નકારાત્મકતા વ્યક્તિનું પોતાનું જ નુકસાન કરે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે આપેલા ઈમેઈલ પર પૂછો.
સવાલ: મને ક્યારેક જીવનલક્ષી પ્રયોગો કરવાની ટેવ છે. એક વાર મેં બધાને કારણ વિના “હેપી બર્થડે” લખ્યું, તો છેલ્લા બે વર્ષથી જે લોકો કંઈ જ બોલતા નહોતા, એમના પણ મેસેજ આવ્યા કે “આ શું હતું?” ત્યારબાદ મેં એમ જ એક વખાણ કરતો મેસેજ કર્યો, ત્યારે પણ આવું જ થયું. તો સવાલ ઉદ્ભવે છે કે શું લોકોને આપણી ભૂલોમાં જ રસ છે? આટલા સમયથી જે માહિતી આપતા મેસેજ જાય છે તેનું કંઈ નથી?
જવાબ: સ્વીકારવું એ શ્રેષ્ઠ ઘટના છે. લોકો તમને સ્વીકારી લીધા હોય એટલે એ દરરોજ વખાણ નથી કરતા. એમને વિશ્વાસ હોય છે કે તમે સારું જ બોલશો. એટલે વખાણ ન કરે, પરંતુ જ્યારે તમે કંઈક એવું કરો કે જેની અપેક્ષા ન હોય, ત્યારે તેઓ પૂછે — એ સ્વાભાવિક છે. એક સારી વાત એ છે કે લોકો તમને ધ્યાનથી સાંભળે છે. જો સાંભળતા ન હોય, તો સવાલ જ ન ઉદ્ભવે. તમે ખુશ થવાનું બદલે દુઃખી થાઓ છો. તમે જે કરો છો તે કરતા રહો. બધા જાણે છે કે તમે એમને ટાર્ગેટ કરીને નથી બોલતા — એ અગત્યનું છે.
સવાલ: તમે વાસ્તુના નિષ્ણાત છો, એવું સાંભળ્યું છે. તો મારા એક સવાલનો જવાબ આપો — છોકરો ભણતો ન હોય તો વાસ્તુમાં કયા ફેરફાર કરીએ?
જવાબ: સંતાન અભ્યાસ ન કરે એ માટે અનેક કારણો હોઈ શકે છે. તેના માટે એક આખું પુસ્તક લખાય એટલી વિગત છે.
તમારું બાળક પશ્ચિમના રૂમમાં પશ્ચિમમુખી બેસીને અભ્યાસ કરે છે, જેના કારણે તેને વાંચેલું યાદ નથી રહેતું. ઉપરાંત, તમારી પૂર્વ દિશાની દીવાલ કોમન દીવાલ છે. ગભરાઈને ઘર બદલવાની કે તોડફોડ કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય વાસ્તુમાં તોડફોડનો નિષેધ છે.
તમારા ઘરના ઈશાન ખૂણાના રૂમમાં બાળકને પૂર્વમુખી બેસાડી અભ્યાસ કરાવો — ચોક્કસ ફાયદો થશે. ઉપરાંત, પૂર્વની દીવાલ પર લેમન યેલો (લીંબુ જેવો પીળો) રંગ કરાવો. બાળકને વહેલું ઉઠવાની ટેવ પાડો અને સૂતા પહેલા ટીવી જોવાનું બંધ કરાવો. આ બદલાવથી ચોક્કસ લાભ મળશે.
સૂચન:જે કામ પશ્ચિમ તરફ મુખ રાખીને કરવામાં આવે છે તેમાં ઇચ્છિત પરિણામ મળતા નથી અને અટકાવાની લાગણી થાય છે. તેથી આવી વ્યવસ્થા ટાળવી જોઈએ.
ગાંધીનગર: તમે સુપરમેન, સ્પાઇડરમેન કે બેટમેન જેવા પાવરફુલ કેરેક્ટર્સને હંમેશા ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર દુનિયા બચાવતા જોયા હશે. સિનેમાના આ હીરો પાસે તો કાલ્પનિક શક્તિઓ છે, પરંતુ શું તમે જાણો છો આપણા પાટનગરમાં એક એવા ‘રિયલ લાઈફ હીરો’ છે, જેમની પાસે કોઈ સુપરપાવર નથી. છતાં તેઓ એક આખી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે!હા, તમે બરાબર વાંચ્યું! અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના “સ્પેરો મેન” તરીકે જાણીતા સમીરભાઈ રામીની.જ્યારે આધુનિક કોંક્રિટના જંગલો અને મોબાઈલ ટાવરોના રેડિયેશનમાં ચકલીઓનો મધુર કલરવ ખોવાઈ રહ્યો છે. ત્યારે સમીરભાઈએ પોતાના ‘હેપ્પી ચકલી ઘર’ અભિયાન દ્વારા આ નાનકડા પક્ષીઓને ફરીથી આપણા આંગણામાં લાવવાનું બીડું ઝડપ્યું છે. ૨૦ માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે, પ્રકૃતિના આ સાચા સંરક્ષકની અનોખી સફર વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયી છે.બાળપણની યાદોથી ‘સ્પેરો મેન’ સુધીની સફર
હેપ્પી હેલ્થ ક્લબના પ્રેરક સમીરભાઈ રામીનો પ્રકૃતિ અને અબોલ પક્ષીઓ પ્રત્યેનો આ લગાવ કંઈ આજકાલનો નથી. ગામડાની ધૂળની ડમરીઓ અને ઘરના મોભારે ચકલીઓના માળા જોતાં-જોતાં ઉછરેલા સમીરભાઈને જ્યારે શહેરીકરણ વચ્ચે ચકલીઓની ઘટતી સંખ્યા દેખાઈ, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. આ જ સંવેદનામાંથી વર્ષ ૨૦૧૬માં જન્મ થયો એક નાનકડી પહેલનો, જે આજે એક વટવૃક્ષ બની ગઈ છે. જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે તેમની સાથે આશરે ૧૫ જેટલાં સ્વયંસેવકો જોડાયેલા હતા અને આજે તેની સંખ્યા ૭૦ એ પહોંચી છે.હેપ્પી ચકલી ઘરની વિશેષતા એ છે કે, સામાન્ય માળા કરતાં અલગ, મજબૂત બનાવટ અને સુરક્ષિત પ્રવેશદ્વાર ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા માળા છે.વર્ષ ૨૦૨૪માં ૬,૦૦૦ અને ૨૦૨૫માં ૧૦,૦૦૦થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણ જતનનો એક નવતર પ્રયોગ સમીરભાઈ કરી ચૂક્યા છે. જ્યારે આ વર્ષે તેઓએ આશરે ૧૨૦૦૦ ચકલી ઘર તૈયાર કર્યા છે.આ સિવાય નવી પેઢીને પ્રેરણા આપવા તેઓ શાળાઓમાં જઈને બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ, નકામા ખોખામાંથી ચકલી ઘર બનાવવાની તાલીમ પણ આપે છે. સમીરભાઈ કહે છે કે, “ચકલી લુપ્ત નથી થઇ પરંતુ તે માત્ર આપણાંથી દૂર થઇ ગઈ છે. ચકલી આપણી આસપાસ જ છે, ચકલી ઘર યોગ્ય રીતે લગાડીએ અને નજીકમાં તેના માટે ચણ-પાણીની વ્યવસ્થા કરીએ તો ચકલી જરૂર આવે છે.તેઓ માત્ર ચકલી ઘર જ નહીં, પણ વૃક્ષારોપણ, પક્ષી રેસ્ક્યુ, રકતદાન, પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા અને વ્યસનમુક્તિ જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે.
ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી સાથે આ હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે. વ્રત ઉપવાસના આ મહિનામાં આ સાથે નવરાત્રિ પણ શરૂ થાય છે. આ એ જ મહિનો છે જ્યારે અલૂણાં વ્રત કરાય છે. અલૂણાં એટલે કે મીઠા (નમક) વગરનો આહાર લેવો. એ વિશે આપણામાંથી ઘણાને માહિતી હશે જ, પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે કે આખા વર્ષમાં ફક્ત આ ચૈત્ર મહિનામાં જ નમકની પરેજી શા માટે રાખવામાં આવે છે? આ જ મહિનામાં ઘણા લોકો લીમડાનાં પાનનો રસ પણ પીવે છે. કહેવાય છે કે આ દિવસોમાં લીમડાનાં પાનનો રસ પીવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે. આ વાતમાં કેટલું તથ્ય છે?
ખરેખર જોવા જઈએ તો આપણી ભારતીય પરંપરા કોઈ આધુનિક વિજ્ઞાનથી લગીરે ઊતરતી નથી. જો કે આ હકીકત આપણે ત્યારે જ જાણી શકીએ જ્યારે આપણે આ બધી પરેજી તેમ જ આહારવિજ્ઞાનને જાણવાનો પ્રયત્ન કરીએ.
માર્ચ મહિનાથી લઈને એપ્રિલ સુધીનો સમયગાળો કે જે વખતે ચૈત્રી નવરાત્રિ કે અલૂણાં વ્રત આવે છે, એને અગર ઉનાળાની શરૂઆત સાથે એકરૂપ કરવામાં આવે તો સાયન્ટિફિક રીતે જાણી શકાય કે ઓછું નમક એ શરીરમાં આ સમયે ઉત્પ્ન્ન થતી વધુપડતી ગરમી તેમ જ ડિહાઈડ્રેશન સામે રક્ષણ આપે છે. વધુપડતું નમક શરીરનું તાપમાન વધારી શકે છે, જેને કારણે હીટ સ્ટ્રોકના ચાન્સ પણ વધે છે.
આ સમયે મીઠાનો નિયંત્રિત ઉપયોગ શરીરને ડિટોક્સિફાય (શરીરમાંથી હાનિકારક તત્ત્વોનો નિકાલ) કરવામાં મદદ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જે લોહી કે લીવરમાંથી હાનિકારક ટોક્સિન્સને દૂર કરીને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. આ એવો સમય છે કે જ્યારે ગરમીની શરૂઆત થતી હોવાને કારણે પિત્ત, ઍસિડિટી જેવી તકલીફો વધે છે. આથી જ આપણી પરંપરા મુજબ ઓછા મીઠાયુક્ત હળવો તેમ જ સાત્ત્વિક હોવાની સાથે ઠંડક પ્રદાન કરે એવો આહાર આ સીઝનમાં આયુર્વેદ દ્વારા સૂચવવામાં આવ્યો છે.
મીઠાનો ઉપયોગ ગરમીમાં ઓછો કરવાનાં મુખ્ય કારણોમાં સૌપ્રથમ તો છે ગરમી સામે રક્ષણ મેળવવું એટલે કે હીટ મૅનેજમેન્ટ. નમક શરીરમાં પ્રવાહી તથા ગરમી જાળવી રાખવાનું કામ કરે છે. આથી જ એનું પ્રમાણ ઘટાડવાથી હીટ સ્ટ્રોકની શક્યતા અને શરીરની અંદરના તાપમાનને વધતાં અટકાવી શકાશે. મીઠાનો નિયંત્રિત ઉપયોગ પાચન પણ સુધારી શકશે. ગરમીને કારણે પાણી ઓછું લેવાય તો આ સમયગાળા દરમિયાન પાચનને લગતી સમસ્યા પણ વધે છે. આથી જ ચૈત્ર માસમાં સાત્ત્વિક આહારને મહત્ત્વ આપવામાં છે, જેના દ્વારા બૉડી ડિટોક્સ થઈ શકે છે તેમ જ પાચન પણ સુધરે છે. સિંધવ નમક અથવા રૉક સૉલ્ટના નિયંત્રિત ઉપયોગથી કિડની પર પણ ઓછો ભાર લાગે છે.
ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ-એપ્રિલના સમય દરમિયાન લીમડાનાં પાનનો રસ સવારના સમયે ભૂખ્યા પેટે પીવાથી શરીરને અનેક ફાયદા મળી શકે છે. લીમડાનાં કૂણાં પાંદડાં અને એનાં નાનાં સફેદ રંગનાં ફૂલમાંથી રસ બનાવવામાં આવે છે. આ એક પારંપરિક આયુર્વેદિક આદત છે, જે શરીરમાં રહેલાં ઝેરી-હાનિકારક તત્ત્વોનો નિકાલ કરીને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરનું તાપમાન ઘટાડે છે, જેથી ઠંડક પ્રદાન થાય છે. આ રસ આપણા શરીરમાંથી કફ, પિત્ત દોષ જેવી પાચનને લગતી સમસ્યા દૂર કરી શકે છે, ત્વચા ચોખ્ખી કરે છે તથા આ બદલાતી ઋતુમાં લીવરને એનું કાર્ય કરવામાં સહાય કરે છે. આ પ્રકારના રસનું સેવન ચૈત્ર માસની શરૂઆતથી લઈને લગભગ 10થી 15 દિવસ સુધી રોજ કરવાથી વર્ષ દરમિયાન હેલ્થ સારી રહે છે. સવારના સમયે આ રસ લીધા બાદ એક કલાક સુધી કાંઈ ખાવું નહીં. એની મદદથી સીઝનલ ઈન્ફેક્શન તેમ જ એલર્જી સામે રક્ષણ મળે છે અને મેટાબોલિઝમ સુધરે છે. આ કડવો, પણ ગુણકારી રસ લોહીના શુદ્ધીકરણમાં પણ ફાળો આપે છે. એટલે જ નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ સારી રાખવા માટે કડવાશયુક્ત આયુર્વેદિક ઉપાય તરીકે લીમડાનો રસ અજમાવી શકાય.
ગરમીની શરૂઆતમાં શરીરને ઠંડું રાખવા માટે પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું. મધ્યાહ્ન પહેલાં નાળિયેરપાણીમાં તુલસીનાં બીજ નાખીને લઈ શકાય. બપોરના જમવામાં દહીં કે છાશનો ઉપયોગ ચોક્કસ કરવો, જેમાં તાજાં શેકાયેલાં જીરુંનો ભૂકો ઉમેરવો, જે આપણને ઠંડક તો આપે જ છે, સાથે સાથે પાચનમાં મદદ કરે છે. સાંજના સમયે અથવા રાત્રે જમવાની સાથે કેળાં લઈ શકાય, કારણ કે કેળાં પણ પેટને લગતી સમસ્યા નિવારનાર તેમ જ ઠંડક પ્રદાન કરનાર છે. સોડિયમ તેમ જ પોટેશિયમ જેવાં સત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં હોવાથી કેળાં શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવા પણ ઉપયોગી છે. ગરમીમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન થવાના ચાન્સ વધુ રહે છે. તો આ સીઝનમાં નમકનો ઉપયોગ ઘટાડવો જરૂરી છે એટલું જ જરૂરી ઠંડક આપે એવાં ખાદ્યો કે પ્રવાહીનો નિયમિત ઉપયોગ કરવો, સાથે સાથે લીમડાનાં પાનના રસનું સેવન અચૂક કરવું.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
છેવટે ગુડી પાડવા અને ઉગાડી જેવા સપરમા દિવસોમાં ભારતીય સિનેમાઈતિહાસનો ભાગ બીજો, ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ રિલીઝ થઈ ગયો. છેલ્લા બે દિવસથી ફિલ્મ ચર્ચા એ રીતે થઈ રહી છે, જાણે આ એક મહત્વનો રાષ્ટ્રીય મુદ્દો હોય. ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયાના જે બાશિંદા પહેલા પાર્ટ વિશે કંઈ પણ બોલવાથી દૂર રહેલા એ, ક્યાંક દેશદ્રોહી ઠેરવી ન દેવામાં આવે એવા ડરથી, સેકન્ડ પાર્ટ વિશે ઊછળી ઊછળીને બોલી રહ્યા છે.
એક સમય હતો, જ્યારે ક્રિટિક્સ માટે ફિલ્મ સારી અથવા ખરાબ હતી. હવે આમાં પ્રોપગેન્ડા નામનું રેટિંગ ઉમેરાયું છે. અલે ભાઈ, તમને ફિલ્મ ગમે તો વખાણો, ન ગમે તો શું કામ ન ગમી એ લખો. ફિન્નિશ. ફિલ્મ જો સત્ય ઘટના આધારિત હોય તો લખો કે અમુક ફૅક્ટ્સ સાથે ચેડાં થયાં છે અથવા અમુકમાં અતિશયોક્તિ છે અથવા અમુક એ ઘટના દેખાડવામાં આવી છે જે બની જ નથી. સિમ્પલ. પ્રોપગેન્ડા ફિલ્મ એટલે શું? કેમ ભલા, દેશ-દુનિયાને હચમચાવી દેનારી ઘટનાઓ, સાંપ્રત વિષયો, જિઓપોલિટલ સિનારિયો પર ફિલ્મ જ નહીં બનાવવાની?
તો, રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, રાકેશ બેદી, આર. માધવન, સારા અર્જુન અભિનિત, આદિત્ય ધર દિગ્દર્શત સેકન્ડ પાર્ટની વાર્તાનો સાર કંઈ આવો છેઃ રેહમાન ડકેત (અક્ષય ખન્ના)ના મોત બાદ, હમઝા અલી મઝારી (રણવીરસિંહ), અથવા જસકીરતસિંહ રંગી હવે પાકિસ્તાનની અંધારી આલમ અને ત્યાંના રાજકારણમાં શિખરે પહોંચે છે. જો કે, હમઝાની મહત્વકાંક્ષા આ બધાથી ઘણી આગળ છે.
અગાઉના ભાગ કરતાં ૧૫ મિનિટ વધુ, ત્રણ કલાક ને ઓગણપચાસ મિનિટના રનટાઈમવાળી ફિલ્મની શરૂઆત દિમાગ હલાવી દે એવા ઍક્શન સીન્સથી થાય છે, જે આગળ જતાં ભયાનક રક્તપાતમાં ફેરવાય છે. ઈન્ટરવલ પહેલાં ફિલ્મ પ્રેક્ષક પર એવી મજબૂત પકડ જમાવે છે કે પલક ઝપકાવવાનો ટાઈમ પણ મળતો નથી, પરંતુ ઈન્ટરવલ બાદ ફિલ્મ આમતેમ ફંટાય છે. આ હું “પૂરા હોશોહવાસ”માં કહું છું. છતાં ‘ધુરંધર પાર્ટ ટુ’ જોવી જ જોઈએ એવી ફિલ્મ છે.
જો કે અહીં જરા જુદી વાત કરવી છે. જ્યારે કોઈ ઍક્શન ફિલ્મમાં બૉમ્બધડાકા થતા હોય, આગના-ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે જતા હોય અથવા અમુક ચોક્કસ દેશ કે વિસ્તારનું આબેહૂબ ચિત્રણ થયું હોય ત્યારે લાગે કે આ તો કમ્પ્યુટરની કમાલ હશે, પણ ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીની વાત જરા અલગ છે. બન્ને પાર્ટનું પ્રોડક્શન-ડિઝાઈનિંગ કમાલનું છે. હમણાં ઍક્શન ડાયરેક્ટર એજાઝ ગુલાબે કેટલીક એવી વાતો શૅર કરી, જે જાણીને આપણને થાય, “મારું બેટું… આવું સૅટિંગ?”
જેમ કે, ફિલ્મમાં કરાચીનો ખતરનાક ગલીઓવાળો લ્યારી વિસ્તાર બતાવવામાં આવ્યો છે એ બેંગકોક છે. થાઈલેન્ડના આ શહેરની ગલીઓનું એવી રીતે ડિઝાઈનિંગ કરવામાં આવ્યું કે એ આબેહૂબ કરાચી લાગે. વિચાર કરો, શૂટિંગ થાય છે થાઈલેન્ડમાં અને આપણને લાગે છે કે આપણે પાકિસ્તાનની ગલીઓમાં રખડી રહ્યા છીએ. લોકેશન મેનેજરને ૧૦૦ તોપોની સલામી આપવી પડે.
પાકિસ્તાનનાં લોકેશન્સ બતાવવા સર્જકોઓ લુધિયાણા, અમૃતસર, ચંડીગઢ અને પતિયાલાનો ઉપયોગ કર્યો છે. પંજાબનાં આ શહેરોમાં પાકિસ્તાન જેવું વાતાવરણ મળી રહેતું હોવાથી મોટા ભાગના એક્સટિરિયર શૉટ્સ (બહારી દશ્યો) અહીં ઝડપવામાં આવ્યા.
આટલું જ નહીં, થોડું કામ મુંબઈમાં પણ થયું છે. જેમ કે, રહેમાન ડકૈત (અક્ષય ખન્ના) બ્રિજ પર સરન્ડર કરે છે એ સીન. આનું શૂટિંગ મુંબઈની પાદરે આવેલા એક પૂલ પર શૂટ થયું. અને, જો તમને ફિલ્મમાં હિંસા વધુ લાગી હોય તો એનું કારણ પણ મળી ગયું છે. એજાઝે ખુલાસો કર્યો કે પાંચસો લિટરથી વધુ નકલી લોહી વાપરવામાં આવ્યું છે.
પાંચસો લિટર લોહી? ભાઈ, આટલામાં તો આખા મુંબઈનો બ્લડ ડોનેશન કૅમ્પ ભરાઈ જાય, પણ ઍક્શનને રિયલ બતાવવા આટલી ખૂનામરકી તો કરવી જ પડે…
-અને હવે હમઝા પોતે ગેંગ-લીડર બની ગયો છે એટલે એણે પોલીસ અને દુશ્મન ગેંગ બંને સાથે લડવાનું છે. મતલબ કે, ઍક્શનનો ડોઝ ડબલ છે. એટલે પહેલા ભાગમાં પાંચસો લિટર લોહી વાપરવામાં આવ્યું તો બીજા ભાગમાં મેકર્સે ટૉમેટો કૅચઅપનું કારખાનું જ ખાલી કરી કાઢ્યું હશે.
આજના આધુનિક યુગમાં આપણે સફળતાને ડિગ્રી, ટેકનોલોજી અને આર્થિક આંકડાથી માપીએ છીએ. સવારથી સાંજ સુધી આપણે આપણી બુદ્ધિશક્તિ અને કાર્યકૌશલ્યને ધારદાર બનાવવાની મથામણ કરીએ છીએ, પણ શું માત્ર મગજ ચલાવવાથી જ જીવનમાં સર્વોચ્ચ શિખરો સર કરી શકાય? કદાચ નહીં. ઈતિહાસ સાક્ષી છે કે દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતા કે સફળ ઉદ્યોગપતિઓ માત્ર બુદ્ધિમતાના કારણે જ નહીં, પરંતુ લોકોનાં હૃદય જીતવાની કળાને કારણે મહાન બન્યા છે. જ્યારે આપણે સંબંધોના તાણાવાણા અને માનવીય સંવેદનાઓને સફળ મેનેજમેન્ટમાં ઉમેરીએ છીએ ત્યારે એક સામાન્ય કાર્ય અસામાન્ય સિદ્ધિમાં પરિવર્તિત થાય છે.
થોડા સમય પહેલાં અમેરિકાની કાર્નેગી યુનિવર્સિટીના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતાના વિષયનો અભ્યાસ કરવા 10 હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી. મુલાકાતોનું તારણ એ નીકળ્યું કે માણસની સફળતાનો આધાર જ તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નરીય કળા-કૌશલ્ય ઉપર છે. તે પછીના ક્રમે આવે છે તેના લોક– સંપર્કો પર, સંબંધો પર.
સંચાલન, વ્યવસ્થાપન કે પ્રબંધનનાક્ષેત્રમાં આગળ વધી રહેલા સંચાલકો, વ્યવસ્થાપકોને કદાચ આ તારણ ઘડીક આંચકો આપી જાય એવું છે. માણસ એ બુદ્ધિશાળી પ્રાણી છે. ભગવાને આપેલા બુદ્ધિશક્તિ જ તે પૃથ્વી પરનાં અન્ય પ્રાણીઓ કરતાં અલગ સાબિત થયો છે. વિશ્વના માનવઈતિહાસ સામે નજર કરીએ ત્યારે જણાય છે કે માનવજીવનને લગતાં તમામ ક્ષેત્રોમાં પોતાના બુદ્ધિબળ માણસ અનેકવિધ સંશોધનો કરી ખૂબ પ્રગતિ સાધી છે. પોતાની સંચાલન-વ્યવસ્થાપન શક્તિથી માણસે ઘણો વિકાસ પણ કર્યો છે.
ગામડાની છાપરાંવાળી પ્રાથમિક શાળાથી લઈ વિરાટ વિશ્વવિદ્યાલયોનું, નાની લુહારી કોઢથી મહાકાય કારખાનાં અને રિફાઈનરીઓનું, શેરીના પાનના ગલ્લાથી લઈ વિરાટકાય શૉપિંગમૉલનું સંચાલન કરવું તે આજે માણસ માટે ડાબા હાયની રમત છે. સાથે સાથે ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં અનુભવી અધ્યાપકો દ્વારા પીરસાતું સંચાલન કે પ્રબંધનનું જ્ઞાન જે તે વ્યક્તિની સંચાલનકળાને વધુ ધારદાર બનાવી રહ્યું છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં એક સાચી, પરંતુ કડવી વાસ્તવિક્તા સંચાલકોએ સ્વીકારવી પડી છે કે ધંધા-વ્યાપારમાં યંત્ર અને નાણાંના પ્રબંધન કરતાં માનવ-પ્રબંધનનું, હ્યમુન મૅનેજમેન્ટનું મહત્ત્વ વિશેષ છે.
એક વાર એક વિશાળ બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનના પ્રમુખે કહેલું ‘હું કાંઈ વાહનો કે વ્હાઈટ ગુડ્સ બનાવતો નથી. હું તો માણસો તૈયાર કરું છું, કારણ કે માણસો આ બધી વસ્તુઓ બનાવે છે. કૉર્પોરેશનના સંચાલકની આ નિખાલસ કબૂલાત જ જણાવે છે કે પ્રબંધનમાં માનવનું અસ્તિત્વ મહત્ત્વનું છે. મહાપુરુષોનાં જીવનમાં ડોકિયું કરીએ તો તેમણે આ વાસ્તવિકતાને ક્યારેય વિસારી નથી.
અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટે કહ્યું છે કે, સફ્ળતાના સૂત્રમાં મહત્ત્વનું તત્ત્વ જો કોઈ હોય તો તે માણસ સાથે કઈ રીતે રહેવું, એની સાથે કાર્ય કેવી રીતે એ છે.
સંચાલનની સાચી સફળતા માનવીની સારસંભાળમાં છે. એક ચિંતકે કહ્યું છે એમ, ‘નોબડી કૅર્સ હાઉ મચ યુ નો, અન્ટિલ ધે નો હાઉ મચ યુ કૅર અર્થાત્ તમે કેટલી દરકાર કરો છો એની જાણ ન થાય ત્યાં સુધી તમે કેટલા જ્ઞાની છો એની કોઈને પડી નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો પ્રભાવ હવે દેશનાં ઔદ્યોગિક શહેરો સુધી પહોંચ્યો છે. ગુજરાતના સુરતમાં ગેસ સપ્લાય પ્રભાવિત થતાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ગામ તરફ પરત જવા મજબૂર બન્યા છે. સ્થાનિક સ્તરે LPG ગેસની અછતને કારણે નાના ઉદ્યોગો અને ફેક્ટરીઓ પર પણ ગંભીર અસર પડી છે. ગેસની અછતને કારણે ઘણી ફેક્ટરીઓ તાત્કાલિક બંધ થવા લાગી છે, જેને કારણે મજૂરો સામે રોજગાર અને રોજી-રોટીનું સંકટ ઊભું થયું છે.
શહેરના પ્રવાસી મજૂર સચિને જણાવ્યું હતું કે અમે ગામ જઈ રહ્યા છીએ કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગેસ મળી નથી રહ્યો. અમારી કંપનીઓ પણ બંધ થઈ રહી છે. હવે શું કરીએ? ભૂખ્યા મરવાની સ્થિતિ છે, તેથી ગામ પરત જઈ રહ્યા છીએ. અમારી પાસે પૈસા પણ નથી. ગેસ મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અહીં કોઈ મદદ કરતું નથી. ગેસ સપ્લાય ફરી શરૂ થશે ત્યારે જ પાછા આવીશું. ઘણા લોકો પાછા જઈ રહ્યા છે. સચિને વધુમાં કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી મુશ્કેલી વધારે વધી ગઈ છે. ગેસ 500 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યો છે અને એટલા પૈસા પણ નથી, તેથી ગામ જવાનું નક્કી કર્યું છે.
બીજી તરફ પ્રવાસી મજૂર સીમા દેવીએ જણાવ્યું હતું કે ગેસની સમસ્યાને કારણે હું મારા ગામ પરત જઈ રહી છું. અમારા ખાતાં બંધ થઈ રહ્યા છે અને પૈસા પણ નથી. જે મજૂરી કરીએ છીએ અને 500-1000 રૂપિયા કમાઈએ છીએ, તે પણ મળતા નથી અને ગેસ પણ નથી મળી રહ્યો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગેસ ઉપલબ્ધ નથી.
ગેસ સંકટને કારણે સુરતમાં મજૂરોના સ્થળાંતરની સ્થિતિ સર્જાઈ છે, જે માત્ર સ્થાનિક ઉદ્યોગો માટે જ નહીં પરંતુ સમગ્ર પરિસ્થિતિ માટે ચિંતાજનક છે. આ ઘટના દર્શાવે છે કે વૈશ્વિક ભૂ-રાજકીય તણાવનો પ્રભાવ હવે સામાન્ય લોકોના જીવન પર પણ ગંભીર રીતે પડી રહ્યો છે.
રાયપુરઃ છત્તીસગઢ સરકારે ગુરુવારે વિધાનસભામાં ‘છત્તીસગઢ ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક, 2026’ પસાર કર્યું હતું. આ વિધેયકમાં જબરદસ્તી, લાલચ, છેતરપિંડી અથવા ખોટી માહિતી આપી ધર્મ પરિવર્તન કરાવવાના તેમ જ સામૂહિક ધર્માંતરણના કેસોમાં આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપમુખ્ય મંત્રી વિજય શર્માએ વિધાનસભામાં આ વિધેયક રજૂ કર્યું હતું.
આ વિધેયક અનુસાર ગેરકાયદે ધર્માંતરણ કરાવનારાઓ માટે આકરી સજાની જોગવાઈ છે. સામૂહિક ધર્માંતરણના કેસોમાં આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે, જ્યારે સગીરો, મહિલાઓ, માનસિક રીતે નબળા લોકો તેમ જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સાથે જોડાયેલા કેસોમાં 20 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં વિધેયક પર ચર્ચા ચાલુ રહી. ઉપ મુખ્ય મંત્રીએ વિધેયક રજૂ કરવાની મંજૂરી માગતા કોંગ્રેસે તેને પ્રવર સમિતિ પાસે મોકલવાની માગ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષે આ માગ નામંજૂર કરતાં કોંગ્રેસ સભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. પ્રસ્તાવિત કાયદો હાલના ‘છત્તીસગઢ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 1968’ને બદલી દેશે, જે રાજ્ય રચના સમયે મધ્ય પ્રદેશમાંથી અપનાવવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદામાં માત્ર ધર્માંતરણ પછી જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જ જોગવાઈ છે અને જબરદસ્તી ધર્માંતરણને જામીનપાત્ર તથા તુલનાત્મક રીતે હળવી સજા ધરાવતો ગુનો માનવામાં આવ્યો છે.
નવા વિધેયકમાં બળજબરી, અયોગ્ય પ્રભાવ, લાલચ, ખોટા નિવેદન, કપટપૂર્ણ રીતો અથવા લગ્ન દ્વારા કરાયેલા ગેરકાયદે ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મિડિયા અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કરાયેલા ધર્માંતરણને પણ કાયદાની અંદર લાવવામાં આવ્યા છે. નવા કાયદા હેઠળ તમામ ગુનાઓ સંજ્ઞેય અને બિનજામીનપાત્ર રહેશે. પોતાના મૂળ ધર્મમાં પરત ફરવું ધર્માંતરણ ગણાશે નહીં.
આ વિધેયક મુજબ ‘લાલચ’માં પૈસા, ભેટ, નોકરી, મફત શિક્ષણ અથવા આરોગ્ય સેવા, સારા જીવનનો વાયદો અથવા લગ્નનો સમાવેશ થાય છે.
30 દિવસમાં વાંધો નોંધાવી શકાશે
પ્રસ્તાવિત ધર્માંતરણની માહિતી સાત દિવસની અંદર જાહેર કરવામાં આવશે અને 30 દિવસની અંદર લોકો આપત્તિ નોંધાવી શકશે. તપાસ બાદ અંતિમ આદેશ આપવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઓછામાં ઓછા 7 વર્ષની સજા (જે 10 વર્ષ સુધી વધી શકે) અને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનો દંડ રહેશે. ગંભીર કેસોમાં 10થી 20 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સામૂહિક ધર્માંતરણના કેસોમાં 10 વર્ષથી આજીવન કેદ તથા 25 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
વિધેયકમાં પીડિતોને 10 લાખ રૂપિયા સુધી વળતર આપવાની અને કેસોની સુનાવણી માટે વિશેષ અદાલતો રચવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
અમદાવાદ: ઇઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ‘સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો ચાલુ રહે તે જોવાની છે.’ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘રાંધણ ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાયોરીટી ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે જોવાની છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મૂક્યો. સરકાર ગેસ પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે.’
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી.
`છક થઈ ગયાને?’ હવે તમે કહેશો, પાસપોર્ટ એટલે શું વાંચવાનું પુસ્તક છે? જોકે હું મારો પાસપોર્ટ વચ્ચે વચ્ચે વાંચું છું. એકાદ સુવિચારની ડાયરી હોય તે રીતે. હમણાં પણ હું આ લખવા પૂર્વે મારો પાસપોર્ટ વાંચતી હતી અને દોઢ કલાક કઈ રીતે વીતી ગયો તેનો ખ્યાલ જ નહીં રહ્યો. કોઈ પણ પુસ્તક વાંચતી વખતે મારી આદત છે હાથમાં પેન રાખીને જે પણ મહત્ત્વનું જણાય તે અંડરલાઈન કરવાનું. જોકે આ પાસપોર્ટ નામે પુસ્તક થોડું એટિટ્યુડવાળું છે, કાયમ પોતાના રુઆબમાં. તેની પર આપણે ક્યાંય અંડરલાઈન નહીં કરી શકીએ કે તેનાં કોઈ પણ પાનાં પર કોઈ પણ આંચકો અથવા ડાઘ લગાવી નહીં શકીએ કે તેની પર પાણી શાહી દૂધ ચા ધોળાવા નહીં દઈ શકીએ. આથી આપણે અન્ય પુસ્તકો વાંચતી વખતે સૂઈને વાંચીએ તેવું તેનું નથી. એક શાંત ખૂણામાં પદ્માસનમાં બેસીને ધીમેથી હું પાસપોર્ટ નામે પુસ્તકનું વાંચન કરતી હોઉં છું. હમણાં સુધી કેટલા પાસપોર્ટ થયા તે મેં ગણતરી કર્યું નથી, જેથી આ મારો પચ્ચીસમો પાસપોર્ટ છે એવું હું ખાતરીપૂર્વક કહી શકું એમ નથી. જોકે તેનાથી મારા પાસપોર્ટની સંખ્યા વધુ જ હશે. વારુ, તો `પાસપોર્ટ વાંચન’ એકાદ પઠન જેવો મારો કાર્યક્રમ હોય છે. તે પાસપોર્ટ પરના દરેક વિઝા અને ઈમિગ્રેશનના સ્ટેમ્પ મને ટ્રાન્સમાં લઈ જાય છે.
એકાદ મેડિટેશન જેવો અનુભવ. પાસપોર્ટ પરનો તે સિક્કો `ટાઈમ ટ્રાવેલ’ કરાવે છે અને પછી આપણે ખરા અર્થમાં `અરાઉન્ડ ધ વર્લ્ડ’ની તે યાદોમાં પોતાના પ્રવાસની સેર કરી આવીએ છીએ. અહીં આપણને `ચલો ચલો’ કહેનારો ટુર મેનેજર નથી હોતો કે `લેટ્સ ગો’ કહીને આપણી પાછળ ભણભણ કરતા તે દેશનો લોકલ ગાઈડ, તેથી આપણે પોતાના મનગમતા ઠેકાણે ગમે તેટલો સમય વિતાવી શકીએ છીએ. તેની પર અમુક સિક્કા બિલકુલ કોઈ યાદ આવવા દેતા નથી. બુદ્ધિને ગમે તેટલો તાણ અપાય છતાં ઢિમ્મ. કાંઈ એટલે કાંઈ યાદ નથી. જોકે પછી મોડર્ન ટેકનોલોજી શા માટે છે? `તું શેર તો મૈ સવ્વાશેર’ કહીને હું મારો મોબાઈલ કેમેરા ખોલું છું અને તે સ્ટેમ્પ પર ડેટ નાખું છું, પછી મારી તે યાદ ન આવનારી ચેલેન્જને તે દિવસના ફોટોની જોડ મળે છે અને તે ડેસ્ટિનેશનની યાદોમાં હું મન મૂકીને વિહાર કરવા લાગું છું. હાથમાં મોબાઈલ આવે એટલે આપણે બધું જ ભૂલી જઈએ છીએ એ વસ્તુસ્થિતિ છે આજના જમાનાની, પરંતુ તે મોબાઈલને પણ ભુલાવે છે આ પાસપોર્ટ નામે પુસ્તક. તમને પણ જ્યારે થોડો સમય મળે ત્યારે આ વાંચનની શરૂઆત કરો! તમારી સ્મરણશક્તિને થોડી વાચા આપો અને તે યાદોના મહાસાગરમાં ડૂબી જાઓ. અગાઉના જમાનામાં (એટલે હવે તેવું જ કહેવું પડશે) આપણા પ્રવાસનું, પર્યટનનું ફોટો આલબમ રહેતું હતું, જે આપણા ઘરના લિવિંગ રૂમમાં ટીપોય પર, એટલે કે, જેને હવે `કોફી ટેબલ’ કહેવાય છે તેની પર રખાતું હતું અને આવતાજતા આપણે તે જોતાં રહેતાં. તે બેસુમાર ખુશી આપતું. તે જ મજા મને મારો પાસપોર્ટ આપે છે.
પાસપોર્ટ આપણને એવી અનંત ખુશીની પળોની યાદ કરી આપે છે. આપણો પહેલોવહેલો પાસપોર્ટ રજિસ્ટર એડી પોસ્ટથી ઘરે આવ્યો તે દિવસ યાદ આવે છે? હવે બાળકો જન્મતાં જ તેમના પાસપોર્ટ માટે અરજી કરવામાં આવે છે. આથી પાસપોર્ટ તેમને માટે `એક જરૂરી બાબત’ બની ગઈ છે. એટલો જ તે સંબંધ છે, પરંતુ આજે જેમની ઉંમર ચાળીસીની આગળ છે તે દરેકને પહેલો પાસપોર્ટ હાથમાં આવ્યો ત્યારની ખુશીનો અનુભવ હશે અને તેમના મનના ખૂણામાં તે ક્યાંક છુપાયેલી હશે. અગાઉ રેશનકાર્ડ આપણા ભારતીય હોવાનું પ્રમાણપત્ર અથવા પ્રૂફ તરીકે, હવે યુનિક આઈડી નંબર સાથેનું આધારકાર્ડ, ઈલેકશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવી બાબતોએ પણ આપણા ભારતીયત્વ પર ખાતરીની છાપ છોડી છે. જોકે આ બધાનો સરતાજ હોય તેમ પાસપોર્ટ રાજસિંહાસન પર બિરાજમાન થઈ ગયો છે. તેના વિના આપણે આપણી ભારતની સરહદ પાર કરી જ નહીં શકીએ.
આજે આપણે બધા જ કામ નિમિત્તે, પર્યટન માટે, આપણા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્ઝને મળવા માટે દુનિયાભરમાં સંચાર કરીએ છીએ અને ધારો કે હમણાં નહીં તો પણઆ ગ્લોબલાઈઝ્ડ દુનિયામાં વિદેશ પ્રવાસની તક ગમે ત્યારે આવી શકે છે. તે સમયે `તરસ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે’ દરેકે પાસપોર્ટ કઢાવી રાખવાનું જરૂરી છે. આપણે ભારતીય હોવાનો આ મજબૂત પુરાવો જેની પાસે નહીં હોય તે વ્યક્તિ એકાદ સારી તક ગુમાવી બેસશે અથવા છેલ્લી ઘડીએ પાસપોર્ટ કઢાવવા માટે વધુ પૈસા ભરવા પડશે. સો `ચાલો… બેગ ભરો… નીકળી પડો.’ એવું કહેવાને બદલે `ઊઠો! પહેલા પાસપોર્ટ કઢાવો’ એવું કહેવું પડશે. પાસપોર્ટ એટલે એક એવી બાબત છે જે આપણને ભવિષ્ય તરફ મોટી આશાથી જોવાનું શીખવે છે. સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ! એટલે કે, પાસપોર્ટ વર્તમાનમાં આપણા હાથમાં હોય તો ભૂતકાળની આપણને યાદ કરાવી આપે છે અને ભવિષ્યકાળ તરફ મોટી આશા સાથે જોવાનું શીખવે છે. મારો પહેલો પાસપોર્ટ કોરો કરકરતો, એકેય વિઝાનો સિક્કો નહીં લાગવાને કારણે રદબાતલ કરાયો. તે સમયે ત્રણ કે પાંચ વર્ષની પાસપોર્ટની વેલિડિટી હતી, પણ પહેલો પાસપોર્ટ કઢાવ્યા પછી તેટલાં વર્ષ મને ક્યાંય વિદેશ પ્રવાસની તક જ મળી નહીં. તે કોરો જ રહીને વેડફાઈ ગયો. જોકે મેં જીદ છોડી નહીં. તુરંત બીજો પાસપોર્ટ કઢાવ્યો અને આ પાસપોર્ટ વેડફાઈ નહીં જવા દઉં એવા `પ્રણ’ લઈને પહેલોવહેલો વિદેશપ્રવાસ થાઈલેન્ડમાં કર્યો. થાઈલેન્ડમાં પગલાંના ગુણ સારા હતા એવું કહેવામાં વાંધો નથી, કારણ કે તે પછી પગમાં જાણે ભીંગરી લાગી હોય તેમ મારો પાસપોર્ટ એકથી અન્ય દેશ, ખંડો પછીખંડો પાર કરવા લાગ્યો. આજકાલ બહુ બહુ તોએક કે બે પાસપોર્ટ, એટલે કે, જે જૂના પાસપોર્ટ પર વેલિડ વિઝા હોય એમ બે પાસપોર્ટ લઈને આપણે પ્રવાસ કરીએ છીએ, પરંતુ અગાઉ તમારા જેટલા પાસપોર્ટ રહેતા તે બધા જોડે લઈને પ્રવાસ કરવો પડતો હતો. ઈમિગે્રશનની લાઈનમાં આવા પાસપોર્ટ લઈને પ્રવાસીઓ ઊભા રહેતા હતા. એક વાર તો એક પ્રવાસીનો અમે તેની પરવાનગી લઈને અમે ફોટો પણ કાઢ્યો, કારણ કે તેના હાથમાં વીસ પાસપોર્ટસ હતા. ફ્રિક્વન્ટ ટ્રાવેલર, ફોરેન રિટર્ન્ડ શબ્દોનું તે સમયે બહુ વજન હતું.
પહેલા મહાયુદ્ધ પૂર્વે દુનિયાના અનેક દેશોમાં પાસપોર્ટ વિઝા વગેરેની સખતાઈ નહોતી. પાસપોર્ટ નામે પ્રકાર જ નહોતો. તે સમયે ક્યાંક ક્યાંક `પરમિશન લેટર્સ’ રહેતા હતા. એટલે કે, ઈસવી સન ચૌદસોના સુમારે ઈન્ગ્લેન્ડનો રાજા પાંચમો હેન્રી પોતાના રાજદૂતોને અથવા વેપારીઓને `સેફ કંડક્ટ’ પત્ર આપતો, જેના દ્વારા તે એક દેશમાંથી અન્ય દેશમાં સુરક્ષિત અને સુલભ રીતે પ્રવાસ કરતા. આ જાણે આજના પાસપોર્ટનું પહેલું સ્વરૂપ. પાસપોર્ટ નામ રીતસર `પાસ’ અને `પોર્ટ’ આ બે અંગે્રજી શબ્દો મળીને બનેલો શબ્દ છે. અગાઉ બધા જ પ્રવાસ સમુદ્રમાર્ગે થતા હતા. તે સમયે અલગ અલગ દેશમાંથી અંદર-બહાર કરવા માટે સંબંધિત દેશના રાજા પાસેથી સ્પેશિયલ પરમિશન લેટર જરૂરી હતો. તેનું જ રૂપાંતર `પાસ ધ પોર્ટ’ એટલે કે, પાસપોર્ટ થઈ ગયું. તે સમયે લોકો એક દેશમાંથી અન્ય દેશમાં મોકળાશથી પ્રવાસ કરતા. ઈટાલીથી અમેરિકા, આફ્રિકાથી ઈન્ગ્લેન્ડ એમ અત્યંત મોટે પાયે લોકોએઆ જ સમયગાળામાં સ્થળાંતર કર્યું હતું. યુદ્ધ પછી જોકે પરિસ્થિતિ બદલાઈ ગઈ, દુનિયાના દેશ સાવધાન થઈ ગયા. દેશોની સીમાઓ સખત બની. ટૂંકમાં કોને પ્રવેશ આપવાનો અને કોને નહીં તે બાબતે ચર્ચા શરૂ થઈ.
આપણા પુરાણમાં, ઈતિહાસમાં, બાઈબલમાં, પર્શિયન સમ્રાટોની વાર્તાઓમાં `પરમિશન લેટર્સ’ અલગ અલગ સ્વરૂપમાં હતા જ. જોકે પહેલા મહાયુદ્ધ પછી 1920માં `લીગ ઓફ નેશન્સ’ (હમણાંના યુનાઈટેડ નેશન્સનું પહેલું સ્વરૂપ)એ એકત્ર આવીને પેરિસમાં એક પરિષદમાં `પાસપોર્ટ’ સંકલ્પનાને આખી દુનિયા માટે એકસમાન સ્વરૂપ આપવામાં આવ્યું અને એક ભૂરા રંગની નાની પુસ્તિકાનો જન્મ થયો, જેમાં સંબંધિત વ્યક્તિનું નામ, જન્મતારીખ, ફોટો, નાગરિકત્વ વગેરે બાબતો હશે એ વાત પર મંજૂરીની મહોર લાગી અને પાસપોર્ટ આખી દુનિયા માટે એક મહત્ત્વની બાબત બની ગયો.
આજે પાસપોર્ટ દરેક વ્યક્તિ માટે અને દરેક ઘર માટે એક મહત્ત્વની બાબત અને સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. જોકે પાસપોર્ટ દરેક દેશની સ્ટ્રેન્ગ્ધ પણ દર્શાવે છે. સૌથી શક્તિશાળી પાવરફુલ પાસપોર્ટ કયા દેશનો છે એવું પૂછશો તો આપણી આંખો સામે તુરંત યુએસએનું નામ આવે છે, પરંતુ તેવું નથી. બધાથી સ્ટ્રોંગ પાસપોર્ટ એટલે કે જે દેશનો પાસપોર્ટ વિઝા વિના વધુમાં વધુ દેશોની મુલાકાત અપાવી શકે તે છે. તો આ પાવરગેમનો વિનર છે એક નાનો દેશ અને તે છે સિંગાપોર. તમે સિંગાપોર પાસપોર્ટ ધારક હોય તો 193 દેશની મુલાકાત લઈ શકો છો અને તે કોઈ પણ દેશના વિઝા તમને કઢાવવા પડતા નથી. બીજા નંબરે વધુ બે નાના દેશ જાપાન અને કોરિયા આવે છે. આ દેશોના પાસપોર્ટ ધારક વિઝા વિના 190 દેશોની મુલાકાત લઈ શકે છે. આ પછી જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ એમ ઘણી બધી યુરોપિયન ક્નટ્રીઝ ત્રીજા ક્રમે છે, જે દેશોના નાગરિક 186થી 188 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. ઈન્ગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા પાંચમા ક્રમે છે, જ્યાંના નાગરિકો 183-184 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બારમા સ્થાને આવે છે. તેમના પાસપોર્ટ ધારક 180 દેશની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. આપણા ભારતનો નંબર આ યાદીમાં 85મો આવે છે અને આપણે સામાન્ય રીતે 57 દેશની વિઝા વિના મુલાકાત લઈ શકીએ છીએ. આ નંબર્સ વધારવા માટે અને આપણો પાસપોર્ટ મજબૂત બનાવવા માટે દરેક દેશ કાર્યરત હોય છે. આપણા સન્માનનીય વડા પ્રધાનના પ્રયાસ પણ તે દિશામાં ચાલી રહ્યા છે એવું આપણને વારંવાર જણાય છે.દરેક દેશ અને દરેક વ્યક્તિ માટે પાસપોર્ટ મહત્ત્વપૂર્ણ છે. આથી પ્રવાસમાં આપણા પોતાના કરતાં પાસપોર્ટની વધુ કાળજી લેવી પડે છે. આપણે પોતાને જ ચેતવી રાખવાના `પાસપોર્ટ ગુમ નહીં થવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં.’ પાસપોર્ટ કાયમ આપણા શરીર પર હોવો જોઈએ સ્લિમ પાસપોર્ટ સ્લિમ પાઉચમાં અથવા આપણા હેન્ડપર્સમાં.તે ભૂલેચૂકે પણ ચેક-ઈન બેગેજમાં નહીં રાખવો જોઈએ.તે ક્યારેય એરપોર્ટ પર ખુલ્લો, વિમાનની સીટ પર પોકેટમાં નહીં રાખવો જોઈએ. તે પાસપોર્ટનાં બધાં પાનાંની ડિજિટલ કોપી સ્કેન કરીને તમારા મોબાઈલમાં, ઈમેઈલમાં, ગૂગલ ડ્રાઈવ અથવા ડ્રોપબોક્સમાં સેવ કરેલી હોવી જોઈએ. ભૂલેચૂકે પણ પાસપોર્ટ ગુમ થયો તો ઈન્ડિયન એમ્બેસીને બતાવવા અને ઈમરજન્સી સર્ટિફિકેટ મેળવવા માટે, પોલીસ સ્ટેશનમાં તે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા આ કોપી ઉપયોગી બને છે. પ્રવાસમાં નીકળતી વખતેજે પાસપોર્ટ આગામી છ મહિના માટે વેલિડ છે અને જેની પર તમે જઈ રહ્યા હોય તે દેશના વિઝા હોય તે જ પાસપોર્ટ લઈને નીકળવું. અનેક પ્રવાસી જૂના પાસપોર્ટ લઈને એરપોર્ટ પર પહોંચે છે અને પછી આર્થિક માનસિક પસ્તાવાનો શિકાર બને છે. અગાઉ કહ્યું તેમ પાસપોર્ટ પર કશું પણ લખવાનું અલાઉડ નથી. તેને સ્ટેપલ પિન મારવાથી પણ તમારો પાસપોર્ટ રદબાતલ થઈ શકે છે. પાસપોર્ટ નાના બાળકોથી દૂર રાખવો. બાળકોએ પાસપોર્ટ ફાડી નાખ્યો હોય તેવી ઘટનાઓ અમે અનુભવી છે.અને હા, એક વાર પાસપોર્ટ અથવા વિઝા હાથમાં આવે એટલે તેની પરનું પોતાનું નામ અને બધી માહિતી બરોબર છે ને? તે આપણે પોતે તપાસ કરી લેવું જોઈએ! જો કશું પણ મિસમેચ હોય તો ત્યાં જ સુધારણા કરાવી શકાય છે. અન્યથા એરપોર્ટ પરથી પાછા આવવાનો વારો આવે છે. અર્થાત આટલો બધો ઉપદ્રવ સહન કરવા કરતાં પાસપોર્ટની કાળજી લેવાનું વધુ આસાન છે.
મારો પાસપોર્ટ મારા માટે બહુ મહત્ત્વનો છે. તેને કારણે મેં દુનિયા જોઈ છે, અનુભવી છે, મારો દુનિયા સાથે સંબંધ જોડાયો છે. મારો પાસપોર્ટ એટલે જાણે મારી યાદોની જાત્રા જ છે. તેનાં દરેક પાનાં મારું સપનું છે. જોકે તે છતાં આજના વૈશ્વિક ઘટનાક્રમ પર નજર ફેરવીએ ત્યારે મન થોડું અસ્વસ્થ થઈ જાય છે. રશિયા- યુક્રેન સંઘર્ષ હોય,મધ્ય પૂર્વમાં તણાવ હોય કે મહાસત્તાઓમાં આર્થિક અને સામર્થ્યની સ્પર્ધા હોય… દુનિયા સતત બદલાઈ રહી છે, નકશા તે જ હોય તો પણ તેમની રેખા પાછળની વાસ્તવિકતા રોજ નવેસરથી રંગાય છે. સમાચારોનાં મથાળાં થકી ક્યારેય આ સીમારેખા બોલ્ડ થાય છે,તો ક્યારેક નિર્બંધ, ક્યારેક ક્યારેક નિર્વાસિતોની વાર્તાઓ સામે આવે છે. જોકે આ જ ક્ષણે, કબાટમાં રાખેલો મારો જૂનો પાસપોર્ટ હાથમાં આવે ત્યારે જૂની યાદોથી ભાવનાઓ મનમાં ઊભરાઈ આવે છે. આ નાના પુસ્તકમાં રાજકારણ નથી હોતું, તેમાં હોય છે યાદો… પહેલી વાર પડેલીવિઝાની છાપ, એરપોર્ટ પરનો પહેલો ઉત્સાહ, અનોખા દેશમાં મળેલું પોતીકાપણાનું સ્મિત, આવી બધી ખુશીની યાદો આપણા મન આસપાસ ઘેરો ઘાલે છે. એક પાના પર પેરિસનો સિક્કો હોય છે, બીજા પર ટોકિયોનું આગમન,તો ક્યાંક એકાદ અણધાર્યા ઠેકાણાની નોંધ… પાસપોર્ટના દરેક સિક્કા એટલે મને સીમાઓની પાર જોડાયેલી માણસાઈની સાક્ષી લાગે છે. આજે દુનિયા અસ્થિરતાના વળાંકે ઊભી છે. આમ છતાં પ્રવાસ આપણને શીખવે છે કે માણસોના મનોમનના સંબંધ આ નકશા પર દેખાતી સીમારેખાની પારના હોય છે. પાસપોર્ટ જોતી વખતે જણાય છે કે આપણે ફક્ત દેશ ભટક્યા નથી, પરંતુ સંસ્કૃતિ, ભાષા. સ્વાદ અને ભાવનાઓની અસંખ્ય છટાઓનો અનુભવ આ પ્રવાસ દરમિયાન લીધો છે.આથી જ અખબારમાં ભૂ-રાજકીય પડકારો તરફ જોતી વખતે ભય કરતાં આશાની જ્યોતનું જતન કરીએ,કારણ કે દુનિયા બદલાય છે, સમીકરણો બદલાય છે,પરંતુ પ્રવાસ થકી જતન થયેલી માણસાઈ અને યાદોકાયમ આપણી જોડે રહે છે. પાસપોર્ટનાં દરેક પાનાંમાંથીતે શાંતિથી, પણ મક્કમ રીતે આપણને કહે છેકે દુનિયા હજુ પણ ફરવા, અનુભવવા અને આપણને જોડવા માટે તૈયાર છે.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
ફિલ્મ ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે. હવે, AIMIM નેતા વારિસ પઠાણનું એક નિવેદન સામે આવ્યું છે.
‘ધુરંધર 2’ 19 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તેના પહેલા દિવસે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા હતા, જે ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની હતી. સેકનિલ્કના મતે, “ધુરંધર 2” એ તેના પહેલા દિવસે ₹102.55 કરોડની કમાણી કરી છે. ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને પ્રચાર ફિલ્મ કહે છે. AIMIM નેતા વારિસ પઠાણે પણ આ બાબતે નિવેદન બહાર પાડ્યું છે.
ફિલ્મના દિગ્દર્શક પર કટાક્ષ
AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું કે તેમણે આ ફિલ્મ જોઈ નથી અને ફિલ્મ ફક્ત જ્ઞાન અને મનોરંજન માટે હોવી જોઈએ.
ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, “મેં આ ફિલ્મ જોઈ નથી. પરંતુ મારું માનવું છે કે જ્યારે પણ તમે કોઈ ફિલ્મ બનાવો છો, ત્યારે તે જ્ઞાન અને મનોરંજન માટે હોય છે. પરંતુ આ દેશમાં કેટલાક લોકો એવા છે જે ફક્ત થોડા પૈસા કમાવવા માટે આવી પ્રચાર ફિલ્મો બનાવે છે. આવી ફિલ્મો વાતાવરણ બગાડવા માટે બનાવવામાં આવે છે.”
ફિલ્મ ‘ધુરંધર 2’ ની વાર્તા શું છે?
હમઝા ઉર્ફે જસકીરત સિંહ રંગીની વાર્તા એક લોહિયાળ અને રહસ્યમય સફરમાંથી આગળ વધે છે. તેના હેતુઓ પણ દર્શકો સમક્ષ પ્રગટ થાય છે.આ વખતે, ‘ધુરંધર 2’ બડે સાહેબના પાત્રને ઉજાગર કરે છે. આ પાત્ર વિશે જાણીને ઘણા લોકો આશ્ચર્યચકિત થશે. રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન અને સારા અર્જુન સહિત અન્ય ઉત્કૃષ્ટ કલાકારોએ પોતાની ભૂમિકાઓ પ્રશંસનીય રીતે ભજવી છે.