Home Blog Page 1691

ભરેલા મરચાના ભજીયા

વરસતા વરસાદમાં ચટપટા ભરેલા મરચાના ભજીયા ખાવાની ખરેખર મઝા પડી જાય! જો કે, મરચાંનું નામ લેતાં જ તીખાશ ધ્યાનમાં આવી જાય! પરંતુ આ ભાવનગરી મરચાં તીખા નથી હોતાં! છતાં મરચાંની તીખાશ ઓછી કરવાનો પણ ઉપાય અહીં આપ્યો છે! તો બનાવી લો મરચાના ભજીયા!

સામગ્રીઃ

  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • ભાવનગરી મરચાં 15
  • લસણની કળી 20
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • બાફેલા બટેટા 2
  • ચણાનો લોટ 2 કપ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • તેલ તળવા માટે
  • મિક્સ ફરસાણ ½  કપ
  • ચણાના લોટના ગાંઠીયા 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • સાકર 1 ટી.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન

રીતઃ મિક્સીમાં લસણની કળીઓ વાટી લો. લસણનું પેસ્ટ કાઢીને તેમાં આખા ધાણા તેમજ વરિયાળી અને સાકર અધકચરી પીસી લો. ત્યારબાદ તેમાં મિક્સ ફરસાણ ઉમેરી તેને મિક્સરના પલ્સ મોડમાં અધકચરું વાટી લો જેથી ફરસાણમાંથી તેલ પણ છૂટું ના થાય અને ક્રન્ચી રહે. ત્યારબાદ એક બાઉલમાં મિશ્રણ કાઢીને તેમાં મરી પાઉડર, લીંબુનો રસ, હીંગ, સમારેલી કોથમીર, મરચાં પાઉડર, હળદર તેમજ ધાણાજીરૂ પાઉડર, લસણનું પેસ્ટ મેળવી દો.

લીલા ભાવનગરી મરચાંને ધોઈને તેમાં ચપ્પૂ વડે લાંબો ચીરો પાડીને તેમાંથી બીયાં કાઢી લો.

એક વાસણમાં મરચાં ડૂબે તેટલું પાણી ઉકાળીને 1 ચમચી જેટલું મીઠું તેમજ 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને મરચાં 15 મિનિટ માટે ઢાંકીને ડૂબાડી રાખો. જેથી મરચાં થોડા નરમ થાય, તેમાંની તીખાશ ઓછી થાય અને તેમાં લીંબુ તેમજ નમકનો સ્વાદ પણ આવી જાય. મરચાં બહાર કાઢી લીધા બાદ સ્ટીલની ચાળણીમાં ઉભાં રાખી દો. જેથી પાણી નિતરી જાય. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો મસાલો ભરી લો. મસાલાને અંગૂઠા વડે અંદર દાબીને ભરી લેવો.

એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં 2 ટે.સ્પૂન ચોખાનો લોટ, હીંગ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરીને ભજીયાનું ખીરું તૈયાર  કરી લો. ખીરું મધ્યમ ઘટ્ટ હોવું જોઈએ. ખીરુ તૈયાર થાય એટલે 2 મિનિટ સુધી તેને ફેંટી લો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી દો. ભજીયા તળતી વખતે ખીરામાં ચપટી ખાવાનો સોડા નાખી, તેની ઉપર 3-4 ટીપાં લીંબુનો રસ રેડી ઉપરથી 1 ચમચી ગરમ તેલ રેડીને ફરીથી ચમચી વડે એકસરખું મિક્સ કરી લો.

મસાલો ભરેલા મરચાંને ડીચાંથી પકડીને ખીરામાં ડૂબાડીને ઉભાં કરો. જેથી તેની ઉપર વધારાનું ખીરું નીકળી જાય. તરત જ મરચાંને તેલમાં તળવા માટે હળવેથી નાખો. ગેસની આંચ ધીમી મધ્યમ રાખીને મરચાં તળી લો.

તૈયાર મરચાંને ખજૂરની ગળી ચટણી સાથે પીરસો.

૨૯ જૂન, ૨૦૨૪

અબ્બાસ-મુસ્તાનની જોડી ગુજરાતી ફિલ્મથી બની

અબ્બાસ- મુસ્તાન ફિલ્મ સંપાદક તરીકે કામ કરતા હતા પણ એક ગુજરાતી ફિલ્મ નિર્માતાએ નિર્દેશન કરવાની શરત સાથે કામ આપ્યા પછી એમની નિર્દેશક તરીકે જોડી બની ગઈ હતી. એ પછી હિન્દી ફિલ્મના નિર્દેશક બનવા સંઘર્ષ કરવો પડ્યો હતો. અબ્બાસ- મુસ્તાનના પિતાનો ફર્નિચર ભાડે આપવાનો ધંધો હતો. એમણે પુત્રોને એ કામમાં જોડાવાનું કહ્યું હતું. પણ બંને સવારે ૯ થી ૫ ની દુકાનમાં બેસવાની નોકરી કરવા માગતા ન હતા. બંનેએ નક્કી કર્યું હતું કે કોઈ સર્જનાત્મક કામ કરવું. તેમના એક નજીકના કાકા ફિલ્મોમાં એડિટર હતા. એમને પોતાની વાત કરી. કેમકે બંને ભાઈઓને ફિલ્મો જોવાનો ગાંડો શોખ હતો.

વેકેશનમાં તેઓ દરરોજ થિયેટરમાં જઈને ત્રણ- ચાર ફિલ્મો જોતા હતા. એમના કાકાએ કહ્યું કે તમે એડિટિંગ માટે આવશો તો રોજના બે રૂપિયા આપીશ. એમણે કામ શીખવતી વખતે જીવનમાં ઉપયોગી થાય એવી સલાહ આપી હતી કે કોઈપણ ફિલ્મમાં સંપાદન બહુ મહત્વનું કામ છે. જે નિર્દેશકને ફિલ્મ સંપાદનની સમજ છે તે સારી ફિલ્મ બનાવી શકે છે. આમપણ ત્યારે ઘર ચલાવવા રૂપિયાની જરૂર હતી. બંને પોતાની ઘરની જવાબદારી પણ નિભાવવાના આશય સાથે કામે લાગી ગયા. એમને ત્રણ ફિલ્મ સ્ટુડિયોમાં કામે જવાનું થતું હતું અને પૈસા બચાવવા બસમાં જવાને બદલે ચાલીને જતા હતા. હુસેનભાઈ સાથે અબ્બાસ- મસ્તાન કામ કરતા હતા ત્યારે તે નિર્માતા ગોવિંદ પટેલની ફિલ્મોનું સંપાદન કરતા હતા.

ગોવિંદભાઈએ અલગ- અલગ સંપાદનનું કામ કરતા અબ્બાસ અને મુસ્તાનની કામ પ્રત્યેની લગન જોઈ હતી. એક દિવસ એ અબ્બાસ- મુસ્તાનને બહાર જમવા લઈ જઈને દિલની વાત કહી. એમણે કહ્યું કે એ ઈચ્છે છે કે તમે એક ફિલ્મનું નિર્દેશન કરો. કેમકે એમણે બંનેને અલગ રીતે ફિલ્મોના ભૂતિયા નિર્દેશક તરીકે કામ કરતા જોયા હતા. એમનું નામ અપાયું ન હતું એવી ફિલ્મો ગોલ્ડન જ્યુબીલી રહી હતી. એટલે એમની પહેલી શરત એ હતી કે બંનેએ સાથે નિર્દેશન કરવાનું. બંનેએ અગાઉ ભવિષ્ય માટે એવું નક્કી કર્યું હતું કે એક ભાઈ વાર્તા તૈયાર કરી સંભળાવશે અને બીજો ભાઈ નિર્દેશન કરશે.

ગોવિંદ પટેલે એમના પર વિશ્વાસ મૂકીને ફિલ્મ આપી. એમની જોડીએ નરેશ કનોડિયા- સ્નેહલતાની જોડી સાથે પહેલી ગુજરાતી ફિલ્મ ‘સાજણ તારા સંભારણા’ (૧૯૮૫) નું નિર્દેશન કર્યું. એ ફિલ્મએ ગોલ્ડન જ્યુબીલી મનાવી. આ જોડી સાથેની એમની બીજી ફિલ્મ ‘મોતી વેરાણા ચોકમાં’ (૧૯૮૭) માં પણ એટલી જ સફળ રહી. ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય નિર્દેશક બન્યા પછી એમને થયું કે તેઓ મુંબઇમાં હિન્દી ફિલ્મ બનાવવા આવ્યા છે. અને એ માટે પ્રયત્ન શરૂ કરી દીધા.

(અબ્બાસ- મુસ્તાનને નિર્દેશક તરીકેની પહેલી હિન્દી ફિલ્મ ‘અગ્નિકાલ’ માટે બે વર્ષ કેમ સંઘર્ષ કરવો પડ્યો? એની વાત આગામી લેખમાં વાંચશો.)

રાશિ ભવિષ્ય 29/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 29/06/2024

મહારાષ્ટ્રના બજેટમાં જાહેરાતઃ મહિલાઓને મહિને 1500 રૂપિયાનું ભથ્થું

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે 2024-25ના રાજ્યના બજેટમાં 21 થી 60 વર્ષની વયજૂથની લાયક મહિલાઓને 1,500 રૂપિયા માસિક ભથ્થાની નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી હતી. ફાઇનાન્સ પોર્ટફોલિયો ધરાવતા પવારે વિધાનસભામાં તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે “મુખ્યમંત્રી મારી લડકી બહુન યોજના” યોજના ઓક્ટોબરમાં રાજ્યની ચૂંટણીના ચાર મહિના પહેલા જુલાઈથી લાગુ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આ યોજના માટે વાર્ષિક બજેટમાં રૂ. 46,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. અન્ય કલ્યાણકારી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે પાંચ જણના પાત્ર પરિવારને ‘મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના’ હેઠળ દર વર્ષે ત્રણ મફત એલપીજી સિલિન્ડર મળશે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવાર કહે છે, “અમે મહારાષ્ટ્રમાં કપાસ અને સોયાબીનના પાક માટે તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયા બોનસ આપીશું. અમે દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર 5 રૂપિયા બોનસ પણ આપીશું.” 1 જુલાઈ, 2024 પછી, સરકારે પ્રાણીઓના હુમલાથી મૃત્યુના કિસ્સામાં નાણાકીય સહાયમાં વધારો કર્યો છે, હવે પરિવારના સભ્યોને પહેલા 20 લાખ રૂપિયાના બદલે 25 લાખ રૂપિયા મળશે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવારે વિધાનસભામાં કહ્યું, “અમે મહારાષ્ટ્ર સરકારની સીએમ અન્ના છાત્ર યોજના હેઠળ તમામ પરિવારોને દર વર્ષે 3 મફત સિલિન્ડર આપીશું.” મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવારે રાજ્યની વિધાનસભામાં જાહેરાત કરી છે કે અમે મુખ્યમંત્રી મારી લડકી બહેન (સીએમ મારી પ્રિય બહેન)ની ઘોષણા કરી રહ્યા છીએ. આ અંતર્ગત તમામ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. આ યોજના જુલાઈ 2024 થી લાગુ કરવામાં આવશે.

મુંબઈ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની જાહેરાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બજેટમાં જાહેરાત કરી છે કે મુંબઈ ક્ષેત્રમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવશે. મુંબઈ ક્ષેત્ર માટે ડીઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા કરવામાં આવી રહ્યો છે, જેનાથી ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો અસરકારક ઘટાડો થયો છે. મુંબઈ ક્ષેત્રમાં પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવી રહ્યો છે, જેનાથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 65 પૈસાનો ઘટાડો થશે.

આશા ભોસલેની બાયોગ્રાફી લૉન્ચ, સોનુ નિગમે પગ ધોઈ કર્યા વંદન

મુંબઈ: પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેની બાયોગ્રાફી ‘સ્વરસ્વામીની આશા’ શુક્રવારે એટલે કે આજે લોન્ચ કરવામાં આવી હતી. આ બુક લોન્ચિંગ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન જેકી શ્રોફ આશા તાઈને મળતાની સાથે જ તેના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. જેકી શ્રોફે આ ખાસ અવસર પર આશા ભોસલે ફ્લાવર પોટ પણ ભેટમાં આપ્યો હતો. સિંગર સોનુ નિગમ પણ આ ઈવેન્ટનો ભાગ હતો. સોનુ નિગમ કપાળ પર તિલક કરીને પીળા કુર્તામાં સજ્જ હતાં. આ પ્રસંગે સિંગર સોનુ નિગમ પણ આશા ભોસલેના પગ ધોતા અને તેમનું સન્માન કરતા જોવા મળ્યા હતા.

 

સોનુ નિગમ અને આશા ભોસલેની એક હૃદયસ્પર્શી તસવીર હવે વાયરલ થઈ રહી છે, જેમાં સોનુ નિગમ આશાતાઈના પગ પાણી અને ગુલાબની પાંખડીઓથી ધોતા જોવા મળે છે. તેમણે આશાને તેમના ‘ગુરુ’ પણ કહ્યા અને કહ્યું કે તેમણે આશાના માર્ગદર્શન હેઠળ સંગીતનો પાયો નાખ્યો હતો. બીજી તરફ જેકી શ્રોફ આશાને મળતાની સાથે જ તેના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.

સ્ટાર તરફથી પ્રેમ અને આદર મળ્યા બાદ આશા ભોસલેએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સોનુ અને જેકી ઉપરાંત પંડિત હૃદયનાથ મંગેશકર, ભારતી મંગેશકર, અશોક સરાફ, સુરેશ વાડકર, સુદેશ ભોસલે, શ્રુતિ ભોસલે અને હરીશ ભીમાણી અને મોહન ભાગવત પણ હાજર હતા.

પુસ્તક વિમોચન પ્રસંગે સોનુ નિગમે કહ્યું, ‘મા દેવી ને વંદન, હું બિલકુલ કહેવા માંગતો ન હતો. પરંતુ, જો મને કહેવામાં આવ્યું હોય, તો હું કહીશ કે આજે શીખવાના ઘણા સાધનો છે. પરંતુ, જ્યારે શીખવા જેવું કંઈ નહોતું ત્યારે લતાજી અને આશાજી ત્યાં હતા. તેણે આખી દુનિયાને ગાવાનું શીખવ્યું છે. જેઓ તમારી પાસેથી શીખી શકે છે તેમના માટે આભાર. જેઓ શીખી રહ્યા છે તેમનો આભાર. જેઓ તમારી પાસેથી શીખ્યા અને સમજ્યા કે તેઓ તમારી જેમ શીખી શકતા નથી તેમનો પણ આભાર. હું સનાતન ધર્મ વતી તમારું સન્માન કરવા માંગુ છું. આ પછી સોનુ નિગમે આશા ભોસલેના પગ ધોઈને તેમનું સન્માન કર્યું હતું.

પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે મંગેશકર પરિવારનું સંગીત દેશભક્તિની સાથે સાથે ભક્તિનો સંદેશ આપે છે. આશાભોસલે પર લખાયેલા પુસ્તક ‘સ્વરસ્વામિની આશા’ના વિમોચન પ્રસંગે ભાગવતે કહ્યું કે સંગીતનો હેતુ માત્ર મનોરંજન નથી, પરંતુ તેની અસર સમાજ માટે પણ ફાયદાકારક હોવી જોઈએ.

પુસ્તકમાં 90 લેખકોની કૃતિઓ છે, જેમાં આ યુવા બહુમુખી ગાયકના કેટલાક દુર્લભ ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે. મોહન ભાગવતે કહ્યું, ‘મંગેશકર પરિવારને હું મળ્યો તે પહેલા જ મને તેમના માટે માન હતું. તેમનું સંગીત એવું છે કે તે માત્ર સંગીત જ નહીં, પણ ભક્તિ અને દેશભક્તિનો પણ ઉપદેશ આપે છે. આ પ્રસંગે આશાભોસલેએ હિન્દુત્વ વિચારક વીડી સાવરકર સાથેના તેમના જોડાણને યાદ કર્યું. આ કાર્યક્રમમાં તેમના ભાઈ સંગીત નિર્દેશક હૃદયનાથ મંગેશકર પણ હાજર હતા.

દર ચોમાસામાં દિલ્હી જળબંબોળ કેમ થાય છે?

નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીમાં મુસીબતો બેટેલિયનમાં આવી છે. એક બાજુ દિલ્હી એરપોર્ટ પર છત  પડી હતી, જેના નીચે 8-10 કારો દબઈ ગઈ હતી. બીજી બાજુ, દિલ્હીમાં 88 વર્ષ પછી જૂનમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. દિલ્હીમાં 228.1 મિમી વરસાદ નોંધાયો છે. આ વરસાદે દિલ્હી સરકારના વરસાદના પાણીથી નીપટવાના દાવાઓની પોલ ખોલી દીધી છે.

દેશમાં દર ચોમાસે મોટા ભાગનાં શહેરોમાં ચોમાસાએ નીંભર વહીવટી તંત્રના દાવાઓ પોકળ સાબિત થાય છે. દરેક વર્ષે ચોમાસાની સીઝનમાં કેટલાક કલાકોના વરસાદમાં દિલ્હી ડૂબી જાય છે. દિલ્હીને દરિયો બનવાનું કારણ ડ્રેનેજ સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી અને યોગ્ય રીતે દેખરેખ નહીં કરવાનું પણ હોય છે. પ્રતિ વર્ષ સિવેજ સિસ્ટમ જામ થઈ જાય છે. સિવર મેનહોલ પ્રતિ વર્ષ વરસાદમાં ઓવરફ્લો થઈ જાય છે. એક આકલન મુજબ દિલ્હીનું ઇન્ફ્રા 50 મિમીથી વધુ વરસાદ નથી ખમી શકતું.

દિલ્હીમાં જળભરાવનું એક કારણ અહીંના રસ્તાઓની ડિઝાઇન પણ છે. અનેક મેઇન રસ્તાઓ અને નાળાઓના ઢાળમાં ગરબડ છે. આ સિવાય નીચલા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ ખરાબ થવાને કારણે રસ્તા પર સંપૂર્ણ રીતે પાણી ભરાઈ જાય છે. આ સિવાય સફાઈ કર્મચારીઓ પણ એક રીતે કચરો છોડી દેશ , જે વરસાદ આવવા પર નાળાઓની અંદર વહી જાય છે.હાલ તો દિલ્હીમાં ઉપરાજ્યપાલ વીકે સકસેનાએ અધિકારીઓને જળભરાવની સમસ્યા હલ કરવા માટે એક ઇમર્જન્સી કન્ટ્રોલ રૂમ બનાવવાનો નિર્દેશ આપતાં તમામ અધિકારીઓની રજા રદ કરી દીધી છે.

 

 

 

કચ્છના ભુજથી મળ્યો ખજાનો..

ભુજના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ચાલતી હતી. જ્યાં હાલમાં હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે. તો ભુજની હાલની હોમગાર્ડ યુનિટ કચેરી અને જૂની મામલતદાર કચેરી થી વર્ષો જૂનો ખડાનો મળી આવ્યો છે. જુના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.

હાલની હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો કિંમતી ખજાનો મળી આવ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જુનો પટારો નીકળ્યો હતો. પટારાની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણિક ચાંદીની વસ્તુઓ મળી આવી છે. રાજશાહી સમયના ચાંદીના આભુષણો તથા અન્ય એન્ટીક વસ્તુઓ મળી આવી છે. જેમાં હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મૂકાયેલી હતી. હોમગાર્ડના અધિકારીની સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી છે.

શું ખજાનો મળવાનો મામલો? 

ભુજના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ચાલતી હતી. જ્યાં હાલમાં હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે. અહીં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફીસમાં એક જૂનો પટારો રાખેલો હતો, જેનો ટેબલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતું આ પટારામાં શુ છે તે કોઈ ખબર ન હતી. પરંતું જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા તાળા પર ધ્યાન ગયું હતુ. જેથી તેમને કંઈક અંદર હોવાનુ જણાયું હતું. તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનીલ જાદવને જાણ કરી હતી. પ્રાંત અધિકારીએ ગંભીરતા અને સતર્કતા દાખવી તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયણને મોકલાવ્યા હતા તપાસ કરતાં ભૂકંપ સમયે તત્કાલીન જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ જમા કરાઇ હતી તે અહીં સંગ્રહ કરાઇ હતી. તાત્કાલિક આ સ્થળને સીલ મારી દેવાયું હતું. ભૂકંપ સમયે આ વસ્તુઓ જમા કરાઈ હતી જે હવે મળી આવી છે. ઉલ્લેખનીય છે કે,જે તે વખતે ભૂકંપ સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરાયું છે.

રાજ્યમાં છ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં આગામી છ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે.  સૌરાષ્ટ્રના આઠ અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ  અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇકલોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદ  પડે એવી શક્યતા છે.

રાજ્યમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યના  નવસારી, વલસાડ અને દમણ દાદરા નગરહવેલીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે એ સાથે મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી જ છે. તેમના જણાવ્યાનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં 30 જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.