Home Blog Page 1695

દેશમાં 10 ટકા શહેરોમાં જ પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ

નવી દિલ્હીઃ દિલ્હી, બેંગલુરુ જેવાં મોટાં શહેરોમાં આ વખતે પાણીની ખૂબ ખેંચ વર્તાઈ હતી. આ વખતે દેશમાં ઉનાળો પણ આકરો રહ્યો હતો. ક્યાંક-ક્યાંક 50 ડિગ્રી કે એની ઉપર તાપમાન પહોંચ્યું હતું. દેશમાં પીવાના સ્વચ્છ પાણીની બહુ ખેંચ છે. કેરળ અને દેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું જલદી બેઠું હતું, પરંતુ વરસાદી પાણીના સંગ્રહની કોઈ નક્કર વ્યવસ્થા ના હોવાને કારણે કરોડો લોકોને પીવાના સ્વચ્છ પાણીની ખેંચ વર્તાઈ હતી.

દેશમાં આશરે 6.3 કરોડ લોકોને સ્વચ્છ પીવાનું પાણી નથી મળી રહ્યું. આવી સ્થિતિમાં ડાયેરિયા, કોલેરા, ટાઇફોઇડ અને પાણીજન્ય બીમારીઓ ફેલાવવાનું જોખમ વધુ રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાવવામાં આવેલા પહેલા નેશનલ લેવલ ટેપ વોટર સર્વેમાં 485 શહેરોમાં માત્ર 10 ટકા શહેરોમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહ્યું છે.

દેશમાં કેટલાય લોકોએ નળના પાણીની ગુણવત્તા વિશે ફરિયાદ કરી હતી. આ સ્રવેમાં દેશના 322થી વધુ જિલ્લાઓમાં 22,000થી વધુ ઘરોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં 61 ટકા પુરુષો અને 39 ટકા મહિલાઓ હતી. આ સર્વેનાં પરિણામોમાં માલૂમ પડ્યું હતું કે દેશમાં માત્ર ચાર ટકા ઘરોને જ નળથી સીધું પીવા લાયક પાણી મળે છે. બાકીનાં ઘરોમાં પાણી સ્વચ્છ કરવા માટે અલગ-અલગ રીતો અપનાવે છે અથવા પાણી ખરીદવામાં આવે છે.

દેશમાં પીવાના સ્વચ્છ પાણી માટે 60 ટકા ઘરોમાં વિવિધ રીતો અપનાવે છે. દેશમાં  27 ટકા લોકો વોટર પ્યોરિફાયર, 33 ટકા લોકો RO, 20 ટકા લોકો પાણી ઉકાળીને અને સાત ટકા લોકો ક્લોરિન, પટકડી નાખીને પાણીને સ્વચ્છ કરે છે. જ્યારે બાકીના લોકો અલગ-અલગ નુસખા અપનાવે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે દેશમાં સ્વચ્છ પાણી બહુ જરૂરી છે, કેમ કે એનાથી પ્રતિ વર્ષ પાણીજન્ય બીમારીઓથી થનારાં આશરે ચાર લાખ લોકોનાં મોતને અટકાવી શકાય એમ છે. વિશ્વમાં આશરે 220 કરોડ લોકોને સ્વચ્છ પાણી નથી મળતું અને પ્રતિ વર્ષ 10 લાખથી વધુ લોકોનાં મોત સ્વચ્છ પાણી અને શૌચાલયની સુવિધા ના મળવાને કારણે થાય છે.  

 

શાળા પ્રવેશોત્સવ 2024: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને,  છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવ મહત્વપૂર્ણ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની 21મી કડીના બીજા દિવસે છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રીએ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ છોટાઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નં-૧ ની મુલાકાત લઇ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ 9 તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ઉમંગ ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે જણાવ્યું હતું કે “રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે.” વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા તેમણે કહ્યું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે.

CM ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત શિક્ષકોને સરકારી  શાળાઓના  શિક્ષણનું સ્તર  શ્રેષ્ઠ  બને,  દરેક  પરિવારનો  બાળક શિક્ષણ મેળવી સુસંસ્કારી બને એવું લક્ષ્ય રાખીને શિક્ષક તરીકે સેવાદાયિત્વ નિભાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત CM વર્ગખંડોમાં જઇને વાંચન-લેખન, ગણન કૌશલ્ય, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની  ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. તેમણે  સ્માર્ટ  વર્ગ  ખંડ  સહિત શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા  પર્યાવરણનું  નિરીક્ષણ  કર્યું  હતું  અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે આ શાળાના શિક્ષણની ગુણવત્તા સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો.

અક્ષય કુમારને લગ્નની કંકોતરી આપવા પહોંચ્યા વરરાજા અનંત અંબાણી

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીના લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે અંબાણી પરિવારના સભ્યો તેમના ખાસ મહેમાનોને કંકોતરી આપવામાં વ્યસ્ત છે. તાજેતરમાં, મુકેશ અંબાણી પોતે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા હતા. જ્યારે નીતા અંબાણી બાબા વિશ્વનાથને તેમના પુત્રના લગ્ન માટે પહેલું આમંત્રણ આપવા ગયા હતા. તો બીજી બાજુ વરરાજા પોતે એટલે કે અનંત અંબાણી પણ મહેમાનોને આમંત્રણ આપવામાં લાગી ગયા છે.

અનંત અંબાણી અક્ષયને લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યા
હાલમાં જ અનંત અંબાણી બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનને તેમના લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યા હતા અને હવે તેઓ બોલિવૂડના અન્ય સુપરસ્ટારના ઘરે પહોંચ્યા છે. અનંત અંબાણી વ્યક્તિગત રીતે સુપરસ્ટાર અક્ષય કુમારના ઘરે તેમને તેમના લગ્નમાં આમંત્રણ આપવા ગયા હતા. બુધવારે રાત્રે અનંત અક્ષય કુમારના જુહુના ઘરે તેની રોલ્સ રોયસમાં દેખાયા હતાં.

અનંત અંબાણી સુરક્ષા સાથે અક્ષય કુમારના ઘરે પહોંચ્યા

આ દરમિયાન અનંત અંબાણી કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતાં. ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી પાપારાઝી એકાઉન્ટ વૂમપ્લા દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, અનંતને અક્ષયના ઘરની બહાર જોઈ શકાય છે, જ્યાં તે બધાને શુભેચ્છા પણ પાઠવે છે. આ દરમિયાન તેણે ફ્લોરલ પ્રિન્ટનો કુર્તો પહેર્યો હતો. અક્ષય જ નહીં, અનંત અંબાણી પોતે અજય દેવગન-કાજોલને પણ તેમના લગ્નની કંકોતરી આપી ભાવભર્યુ આમંત્રણ આપવા ગયા હતાં. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, તેથી અંબાણી પરિવાર આ લગ્નની તૈયારીમાં જોરશોરથી વ્યસ્ત છે.

રાધિકા-અનંતના લગ્નનું કાર્ડ ચર્ચામાં
આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્નનું કાર્ડ પણ ચર્ચામાં છે. તાજેતરમાં કપલના લગ્નના કાર્ડનો વીડિયો સામે આવ્યો છે, જે એકદમ અદભૂત છે. અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ અલમારીના આકારમાં બનાવવામાં આવ્યું છે, જેવું એ કાર્ડ ખોલીએ તો સૌથી પહેલા ભગવાનના દર્શન થાય છે. કાર્ડ ખોલવા પર એક ચાંદીનું મંદિર દેખાય છે, તેની આસપાસ ભગવાનની મૂર્તિઓ છે. કાર્ડમાં અલગ-અલગ ભગવાન ઉપરાંત લગ્નની ઉજવણીની વિગતો લખેલી છે. એમ્બ્રોઇડરી કરેલો રૂમાલ અને અનંત અને રાધિકાના નામના આદ્યાક્ષરો સાથેનો દુપટ્ટો પણ તેમાં રાખવામાં આવ્યો છે.

ચોમાસાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત તૈયાર..

રાજ્યમાં સંપૂર્ણ પણે ચોમાસુ જામી ચૂક્યું છે. તો બીજી બાજું હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ માટે સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદ સ્થિત NDRFના હેડક્વાટર્સથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી રહી છે. આજે વધુ 1 ટીમ અમરેલી ખાતે મોકલાઈ છે. આ અગાઉ 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી છે. આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી હતી. એટલે અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લામાં 8 ટીમો તૈનાત રાખવામાં આવી છે.

રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી શક્યતા છે. કેટલાક દરિયાકાંઠના જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ થઇ ગયું છે અને ભારે વરસાદની સ્થિતિમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બની ગયું છે અને વડોદરાના જરોદ NDRFની ટીમોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના જરોદ NDRFની કુલ 8 ટીમને રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં તૈનાથ કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છમાં NDRFની ટેમો તૈનાત હતી જ્યારે હવે અમરેલીમાં પણ એક ટીમ તૈનત કરવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ 8 NDRFની ટીમે કાર્યરત છે.

ચૂંટણી બાદ બંગાળમાં ભાજપ કાર્યાલય તોડી પડાયું

મુખ્યમંત્રી મમતા બેનર્જીની સૂચના બાદ, પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. આ અંતર્ગત કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. કોલકાતાના ગોરાગાચા, તરતાલામાં જ્યાં ભાજપ કાર્યાલય તોડી પાડવામાં આવ્યું હતું તે સ્થળે પોલીસ પહોંચી ત્યારે તેઓ ભાજપના કાર્યકરો સાથે બોલાચાલીમાં ઉતરી ગયા હતા.

ફૂટપાથ પરની દુકાનો પણ દૂર કરવામાં આવી હતી

પશ્ચિમ બંગાળ પોલીસે છેલ્લા બે દિવસમાં ફૂટપાથ પર સ્થાપિત હજારો દુકાનોને હટાવી દીધી છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે (27 જૂન 2024) ફૂટપાથ પર અતિક્રમણ કરનારા લોકો સામે વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે.

રાષ્ટ્રપતિના ભાષણ પર મલ્લિકાર્જુન ખડગેએ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, મોદી સરકાર દ્વારા લખવામાં આવેલ રાષ્ટ્રપતિના અભિભાષણને સાંભળીને એવું લાગી રહ્યું હતું, મોદીજી જનાદેશને નકારવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. જનાદેશ તેમની વિરુદ્ધ હતો, કારણ કે દેશની જનતાએ તેમના “400 પાર” ના સૂત્રને નકારી કાઢ્યું હતું અને ભાજપને 272ના આંકડાથી દૂર રાખ્યો હતો.

FILE PICTURE

“મોદીજી આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેઓ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે કંઈ બદલાયું નથી, પરંતુ સત્ય એ છે કે દેશની જનતાએ બદલાવ માંગ્યો હતો. હું રાજ્યસભામાં મારા ભાષણમાં વિગતવાર પ્રતિસાદ આપીશ, પરંતુ પ્રથમ દૃષ્ટિએ હું કેટલીક બાબતો કહેવા માંગુ છું.

1 NEET કૌભાંડમાં કોઈ કવર અપ કરવામાં આવશે નહીં.

છેલ્લા 5 વર્ષમાં NTA દ્વારા લેવામાં આવેલી 66 ભરતી પરીક્ષાઓમાંથી ઓછામાં ઓછી 12 પરીક્ષાઓમાં પેપર લીક અને છેડછાડ થઈ છે. જેનાથી 75 લાખથી વધુ યુવાનોને અસર થઈ છે. મોદી સરકાર પોતાની જવાબદારીમાંથી માત્ર એટલું કહીને ભાગી શકે નહીં કે “પક્ષીય રાજકારણથી ઉપર ઊઠવું જોઈએ”. યુવાનો ન્યાયની માંગ કરી રહ્યા છે. આની જવાબદારી મોદી સરકારના શિક્ષણ મંત્રીએ લેવી પડશે. દેશનો દરેક બીજો યુવા બેરોજગાર છે અને બેરોજગારી દૂર કરવા માટે કોઈ નક્કર નીતિ ભાષણમાં જાહેર કરવામાં આવી નથી. માત્ર વાત કરીને સમસ્યાનું નિરાકરણ નહીં આવે, આ માટે નિર્ણાયક પગલાં લેવા પડશે.

  1. સમગ્ર ભાષણમાં દેશની સામે 5 મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ એક વખત પણ કરવામાં આવ્યો નથી.

પ્રથમ, બેકબ્રેકિંગ ફુગાવો

રોજબરોજની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ દિવસ દરમિયાન બમણા અને રાત્રે ચાર ગણા થઈ ગયા છે. ખાદ્ય ફુગાવો 4 મહિનાથી 8.5 ટકાથી વધુ રહ્યો છે. લોટ, કઠોળ, ટામેટાં, ડુંગળી, દૂધ – દરેક વસ્તુના ભાવ આસમાને છે. દેશમાં ઘરેલું બચત 50 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. પરંતુ આખા ભાષણમાંથી “ફૂગાવો” શબ્દ ગાયબ છે.

બીજું, મણિપુરમાં હિંસા

મણિપુરમાં 13 મહિનાથી સતત ચાલી રહેલી હિંસામાં 221 લોકોએ જીવ ગુમાવ્યા છે, 50,000 લોકો હજુ પણ બેઘર છે. હિંસાની આગ હવે જીરીબામ જેવા શાંતિપૂર્ણ જિલ્લાઓમાં ફેલાઈ ગઈ છે. જ્યારે ઈમ્ફાલ ખીણ અને અન્ય વિસ્તારોમાં છેડતી અને અપહરણની ઘટનાઓમાં વધારો થયો છે. પરંતુ ભાજપના મુખ્યમંત્રી હજુ પણ સત્તા પર છે. શાંતિ માટે કોઈ નક્કર પહેલ કરવામાં આવી નથી.

ત્રીજું, ભયાનક રેલ અકસ્માતો અને ટ્રેનોમાં મુસાફરોની દુર્દશા.

મોદી સરકારે રાષ્ટ્રપતિના લેખિત ભાષણમાં પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી પણ સરકારે કોઈ પાઠ ન શીખ્યો. બહુચર્ચિત “કવચ” સુરક્ષા હાલમાં ફક્ત 2% ટ્રેક પર છે, જ્યારે NCRB 2017 અને 2021 વચ્ચે ટ્રેન અકસ્માતોથી સંબંધિત 1,00,000થી વધુ મૃત્યુનો અંદાજ મૂકે છે.

ચોથું, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા

મોદી સરકારે આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 2,262 આતંકવાદી હુમલા થયા છે, જેમાં 363 નાગરિકો માર્યા ગયા છે અને 596 જવાનો શહીદ થયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાશ્મીરી પંડિતો પર અવાર-નવાર હુમલાઓ થઈ રહ્યા છે, પરંતુ વડાપ્રધાન ‘નવા કાશ્મીર’નું ખોટું ગીત ગાતા રહ્યા છે.

પાંચમું, ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચાર.

ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીજીના ભાષણોએ ઘણી વખત એ હકીકતની પુષ્ટિ કરી હતી કે ભાજપ/RSSની વિચારસરણી માત્ર સમાજમાં ભાગલા પાડવાની છે. ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આસામ અને ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં મોદી સરકાર આવ્યા બાદ મોબ લિંચિંગ, ટોળાશાહી, સાંપ્રદાયિક હિંસા અને ગરીબોના ઘરોમાં ગેરકાયદેસર બુલડોઝિંગની ઘટનાઓ વધી છે. પરંતુ સત્તાધારી પક્ષો સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠા છે.

એકંદરે, મોદીજી મહામહિમ રાષ્ટ્રપતિને જૂઠું બોલીને તાળીઓ ચોરવાનો સસ્તો પ્રયાસ કરી રહ્યા છે, જેને ભારતની જનતાએ 2024ની ચૂંટણીમાં નકારી કાઢી છે.

BSE સેન્સેક્સ 79,000, જ્યારે નિફ્ટી 24,000ને પાર

અમદાવાદઃ જૂન એક્સપાયરીના દિવસે ઘરેલુ શેરબજારોમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ થયા હતા. નિફ્ટી સૌપ્રથમ વાર 24,000ને પાર થયો હતો, જ્યારે સેન્સેક્સ 79,000ને પાર પહોંચવામાં સફળ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 1.81 લાખ કરોડનો વધારો થયો હતો. આ સાથે મિડકેપ શેરોમાં તેજી થઈ હતી, જ્યારે સ્મોલ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

વૈશ્વિક સંકેતો પ્રતિકૂળ હતા અને એશિયન બજારોમાં પણ વેચવાલી થઈ હતી. જોકે આ પહેલાં બુધવારે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 569 પોઇન્ટ ઊછળી 79,243ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 176 પોઇન્ટ તૂટીને 24,044ના મથાળે બંધ થયો હતો. નિફ્ટીએ ઇન્ટ્રા-ડેમાં 24,087.45ની ઓલટાઇમ ઊંચી સપાટી સર કરી હતી.  IT, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે લેવાલી થઈ હતી. જોકે બેકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) ગઈ કાલે ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 3535.4 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ એટલે કે DII ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 5103.7 કરોડના શેરો ખરીદ્યા હતા.

BSE પર કુલ 4008 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1529 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2366 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો ને 113 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 300 શેરોએ 5 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 26 શેરોએ 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

 

 

 

 

 

LK અડવાણીને એઈમ્સમાંથી રજા આપવામાં આવી

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે મોડી રાત્રે તેમની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સના યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે લાલ કૃષ્ણ અડવાણી એમ્સના ખાનગી વોર્ડમાંથી તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. 96 વર્ષીય પૂર્વ નાયબ વડાપ્રધાનને બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર છે. યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીનમાં નિષ્ણાત ડોકટરોની એક વિશેષ ટીમ તેની સંભાળ રાખી રહી હતી. અડવાણીને ઉંમર સંબંધિત અને પેશાબ સંબંધિત બીમારીઓને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીને મળ્યા હતા

તાજેતરમાં, 7 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં રેકોર્ડ ત્રીજી વખત સરકાર રચવાનો દાવો કરતાં પહેલાં લાલ કૃષ્ણ અડવાણીને તેમના દિલ્હીના નિવાસસ્થાને મળ્યા હતા. પીએમ મોદીની આ બેઠક એનડીએ સંસદીય દળના નેતા અને લોકસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટાયા પછી તરત જ થઈ હતી.

અડવાણીને ભારત રત્ન આપવામાં આવ્યો છે

ભાજપના વરિષ્ઠ નેતાને આ વર્ષે 30 માર્ચે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત રત્નથી સન્માનિત થવાની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “હું ભારત રત્નને સન્માન સાથે સ્વીકારું છું. આ માત્ર મારું જ નથી, તે વિચારો અને સિદ્ધાંતોનું સન્માન છે જેનું અમે જીવનભર પાલન કર્યું છે.”

લાલકૃષ્ણ અડવાણીની ગણતરી ભાજપના મોટા નેતાઓમાં થાય છે. રામમંદિર આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીએ મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ એવા નેતાઓમાંના એક છે જેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)નો પાયો નાખ્યો હતો. અડવાણીએ તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શરૂ કરી હતી અને ત્રણ વખત ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

અમદાવાદની ઐતિહાસિક ઓળખ છે આ કિલ્લો..

ઐતિહાસિક શહેર અમદાવાદનું નામ મુઝફ્ફરી રાજવંશના અહમદશાહ પરથી પડ્યું. ઇ.સ. 1411માં કર્ણાવતીને કબજે કર્યા બાદ અહમદશાહ સલતનતની નવી રાજધાની સાબરમતી નદીના કાંઠે સ્થાપવામાં આવી. શહેર અને કિલ્લાને અણહિલવાડ પાટણની જેમ જ તૈયાર કરાયું. કિલ્લાની બહાર શહેર વિકસતા અહમદશાહના પૌત્ર મહમૂદ બેગડાએ બીજા કિલ્લાની રચના કરી. મિરત- એ-અહમદીમાં વર્ણન મુજબ કિલ્લાની બહાર 10 કિલોમીટરના વિસ્તારની ફરતે દીવાલ કરવામાં આવી હતી. નગરની આ દીવાલને 12 દરવાજા અને 189 બુરજો, અંદાજે 6000 કાંગરા હતા.

ભદ્રના આ કિલ્લાને જીતવા માટે મરાઠા, પેશ્વા, ગાયક્વાડના શાસને ભેગા મળી મુગલોને હંફાવ્યા હતા. 1817માં અંગ્રેજોએ અમદાવાદ પર કંટ્રોલ કર્યા પછી બ્રિટિશ રાજ દરમિયાન ભદ્રના કિલ્લાનો કેદખાના તરીકે ઉપયોગ થતો હતો. એ પછી આઝમ સરાઇમાં આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ અને શહેરની નાગરિક અદાલત, સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવી હતી. આઝાદી પછી સ્વતંત્રતા દિવસે અને પ્રજાસત્તાક દિને અહીં ધ્વજ વંદન કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. એમાંય અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તરીકે વિશ્વમાં નામના મળી. ભદ્રના કિલ્લા અને આસપાસની ઐતિહાસિક ધરોહરને સરકારના જુદા જુદા  વિભાગો દ્વારા વધુ આકર્ષક બનાવવાના સતત પ્રયાસ થઇ રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ગુજરાત રાજ્યમાં 4 દિવસ વરસાદની આાગહી

ગુજરાત રાજ્યમાં પાંચ સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 જુન સુરત તથા નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 29 જૂને ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ અને તાપી તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુરૂવારે (27-06-24)પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તથા જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ તથા કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમાં દરિયાઈ વિસ્તારમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ 27 જૂન ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા જામનગર, પોરબંદર, જુનાગઢ તથા અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.