Home Blog Page 1701

આતુરતાનો અંત…કંગનાની ઈમરજન્સી ફિલ્મ આ તારીખે થશે રિલીઝ

મુંબઈ: કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીની છેલ્લા વર્ષથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આખરે ફાઈનલ રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.

મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ “ઈમરજન્સી” શરૂઆતમાં 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તે થિયેટરોમાં આવી શકી ન હતી. બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ 7 મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી અને તે 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત થઈ હતી. પરંતુ કંગના રનૌતની ચૂંટણી યાત્રાને કારણે તે પણ મોકૂફ રાખવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતની જીત બાદ આખરે ઈમરજન્સી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. 25 જૂને અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગનાએ ચાહકોને ખુશખબર આપી છે. તેણે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે અને જણાવ્યું છે કે ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવી રહી છે. પોસ્ટરમાં અભિનેત્રી ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આ દિવસે ઈમરજન્સી થશે રિલીઝ00

આ પોસ્ટર સાથે કંગના રનૌતે જણાવ્યું કે આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત. કંગના રનૌતની ઈમરજન્સી 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ. ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ એપિસોડની વિસ્ફોટક ગાથા.”

મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ઈમરજન્સીમાં કંગના રનૌત માત્ર મુખ્ય ભૂમિકામાં જ નથી જોવામાં આવી, પરંતુ તેણે આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દિવંગત અભિનેતા સતીશ કૌશિક, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં 1975માં ભારતની સૌથી કાળી અધ્યાય ઈમરજન્સીની ગાથા કહેવામાં આવશે.

મધ્યપ્રદેશ સરકારનો ઐતિહાસિક નિર્ણય

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 52 વર્ષ બાદ મંગળવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી અને મંત્રીઓનો આવકવેરો રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી ચૂકવતી હતી. આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 52 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને મુખ્યમંત્રી યાદવે પલટી નાખી છે. વર્ષ 2024-25નું બજેટ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં કરાયેલી જોગવાઈઓ માટે સંમતિ આપવામાં આવી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે મંત્રીઓનો આવકવેરો રાજ્ય સરકાર નહીં પરંતુ મંત્રીઓ પોતે ભરશે. કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મંગળવારે આ બેઠક અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી સામાન્ય વહીવટીતંત્ર આવકવેરો ચૂકવતો હતો.

સરકારના કરોડો રૂપિયાની બચત થશે

તમને જણાવી દઈએ કે રાજ્યમાં મંત્રીઓની સંપત્તિ 18.54 કરોડ રૂપિયા છે, તેમ છતાં રાજ્ય સરકાર તેમનો આવકવેરો ચૂકવી રહી છે. મધ્યપ્રદેશ સહિત દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં મંત્રીઓનો આવકવેરો રાજ્ય સરકાર ચૂકવે છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. કેબિનેટ બેઠક બાદ નિર્ણય વિશે માહિતી આપતાં સીએમ યાદવે કહ્યું કે કેબિનેટ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની પ્રગતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોહન યાદવે કહ્યું કે હવે અમારા તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો જાતે જ ભરશે.

કેબિનેટ બેઠકમાં અન્ય કયા નિર્ણયો લેવામાં આવ્યા

આ ઉપરાંત, મોહન યાદવ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મધ્યપ્રદેશના તમામ વિકાસ બ્લોકમાં સ્થાપિત માટી પરીક્ષણ પ્રયોગશાળાઓ કૃષિ સ્નાતકો અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતી સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. સરકાર દરેક ડેવલપમેન્ટ બ્લોકમાં 45-45 સેમ્પલના પરીક્ષણ માટે ફંડ આપશે. આ પછી ઓપરેટરો જાતે માટી પરીક્ષણ કરશે અને રકમ મેળવશે.

BRTS બસ ડેપોમાં લાગી આગ, ત્રણ ઇલેક્ટ્રીક બસ સળગી

અમદાવાદ: રાજ્યમાં ચોમાસું ધીમા પગલે પ્રસરી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં દુર્ઘટના સામે આવી છે. શહેરમાં ઈલેક્ટ્રીક બી આર ટી બસને આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ ઝાડેશ્વર ખાતે આવેલા ડેપોમાં મૂકેલી બસમાં આગ લાગી હતી. એક EV માં લાગેલી આગ પ્રસરી હતી. જેના કારણે બાકીની બે બસમાં આગ ચાંપી ગઈ હતી. આ આગમાં કુલ ત્રણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

લોકસભા ચૂંટણી પછી દેશભરમાં જનતા પર મોંઘવારીનો માર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પછી દેશભરમાં  મોંઘવારી ઝડપથી વધી છે. સામાન્ય જનતાની રસોઈથી માંડીને બજેટ બધું બગડી રહ્યું છે. દૂધ-દહી, દાળની કિંમતોમાં વધારા પછી શાકભાજીની કિંમતોમાં 40 ટકાથી 70 ટકાની વચ્ચે વધારો જોવા મળ્યો છે.

દેશમાં દૂધ અને દહીંની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે બટેટા, ડુંગળી અને ટામેટાંની કિંમતોમાં ખાસ્સો વધારો થયો છે. ટામેટાંની કિંમત જે રૂ. 30 ચાલતી હતી, એ હવે વધીને રૂ. 80એ પહોંચી છે. કોથમીરની કિંમતો થોડા દિવસ પહેલાં રૂ. 100 પ્રતિ કિલો મળતી હતી, જે હવે વધીને રૂ. 400 થઈ છે.  એક મહિના પહેલાં અડદ દાળના રૂ. 180 પ્રતિ કિલો હતા, જે હવે વધીને રૂ. 230 પ્રતિ કિલોએ પહોંચ્યા છે.  આ વધતી મોંઘવારીને જોતાં લોકો કહી રહ્યા છે કે ચિકનથી મોંઘી દાળ મળી રહી છે.

દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું મોંઘવારીમાં જીવન દોહ્યલું બની ગયું છે. બજારમાં દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાને કારણે સરકાર માટે ચિંતાનું કારણ છે. દેશમાં સરકારે લોકસભા ચૂંટણી પછી CNGની કિંમતોમાં પણ વધારો કર્યો હતો, જેનાથી મોંઘવારીમાં ઓર વધારો થવાની વકી છે. CNGના વધેલા દરો સામાન્ય લોકોના ખિસ્સાને સીધાં અસર કરશે.

દેશમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો થયો છે અને તે 15 મહિનામાં સૌથી વધુ સપાટીએ પહોંચી ગયો છે. મે, 2024માં જથ્થાબંધ મોંઘવારી દર 2.61 ટકા પર આવી ગયો છે, જ્યારે અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ 2024માં જથ્થાબંધ મોંઘવારી દર 1.26 ટકા હતો.

 

 

 

 

 

 

 

 

મુંબઈ: વિધાનસભા ચૂંટણી પહેલા વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવાની માંગ

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના ઘણા નેતાઓ મંગળવારે પાર્ટીના હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. મહારાષ્ટ્રમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે. પાર્ટીના નેતાઓ આ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વિશે ચર્ચા કરી શકે છે. આ બેઠકમાં વર્તમાન મુંબઈ પ્રદેશ અધ્યક્ષની નારાજગીનો મુદ્દો પણ પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ મુકવામાં આવી શકે છે.

રાહુલ ગાંધી અને ખડગે સાથે દિલ્હીમાં મુલાકાત
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતાઓ મંગળવારે સાંજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, બાલાસાહેબ થોરાત, વિજય વડેટ્ટીવાર, રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્યો ચંદ્રકાંત હંડોર, નસીમ ખાન, ચરણ સિંહ સપરા ઉપરાંત કોંગ્રેસના ઘણા પૂર્વ મંત્રીઓ અને મોટા નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.

મુંબઈ પ્રદેશ પ્રમુખ વર્ષા ગાયકવાડ સાથે નારાજગીનો મુદ્દો
આ બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વિધાનસભાની ચૂંટણી પર આધારિત રહેશે. બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ વર્તમાન મુંબઈ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડ પ્રત્યેની તેમની નારાજગી અંગે પણ માહિતી આપી શકે છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ હાઈકમાન્ડને ઉત્તર મધ્ય મુંબઈના વર્તમાન લોકસભા સાંસદ અને મુંબઈ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડને મુંબઈ પ્રદેશ અધ્યક્ષ પદેથી દૂર કરવા વિનંતી કરી છે.

16 નેતાઓએ વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવાની માંગ કરી હતી
કોંગ્રેસના ઘણા નેતાઓનું માનવું છે કે હાલમાં તેઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. આ સંબંધમાં કોંગ્રેસના 16 જેટલા નેતાઓએ વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવાની વિનંતી કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ગાયકવાડની કાર્યશૈલી પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓ માને છે કે વર્ષા ગાયકવાડ કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં કચાસ રાખે છે અને NEET જેવા મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી ન હતી.

અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિ, રાજકોટ બંધની જુઓ તસવીરો

રાજકોટ: TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાશે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહિ હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાળવા માંગ કરવામાં આવી રહી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે.

અફઘાનિસ્તાન બંગલાદેશને હરાવીને સેમી ફાઇનલમાં: રચ્યો ઇતિહાસ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને ઇતિહાસ રચતાં T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. બંગલાદેશને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ આઠ રનોથી હરાવીને અફઘાનિસ્તાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. અફઘાનિસ્તાનની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમી ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થયું છે. અફઘાનિસ્તાને સૌપ્રથમ વાર T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યું છે.

ICC મેન્સ ટી20 વર્લ્ડકપ 2024માં સુપર આઠ તબક્કાની છેલ્લી મેચમાં બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બંગલાદેશને આઠ રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 27મીએ અફઘાનિસ્તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

બંગલાદેશને આ મેચ જીતવા માટે 116  (DLS)નો ટાર્ગેટ હતો, પરંતુ નવીન ઉલ હકે સતત 2 વિકેટ લઈને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને 4 વિકેટ લઈને બંગલાદેશની કમર તોડી નાખી હતી.

બંગલાદેશની ટીમ બહાર

સેમી ફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 12.1 ઓવરમાં 116 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટે 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર ​​રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. શરૂઆતની ભાગીદારી તૂટ્યા બાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈ (10), ગુલબદ્દીન નાયબ (4) અને મોહમ્મદ નબી (1)એ બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.

ભારે વરસાદ આગાહી વચ્ચે રાજ્યમાં સાત NDRF ટીમ તૈનાત..

રાજ્યમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે. પરંતુ વહેલું ચોમાસું આવ્યા બાદ પણ સાનુકુળ પરિસ્થીતી ન હોવાથી ચોમાસું રોકાય ગયું હતું. બે સપ્તાહની રાહ બાદ આખરે ચોમાસું આગળ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈ કાલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ત્રણ દરિયાકાંઠાના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતના દેવ ભૂમિ દ્વારકા, જામનગર, અને વલસાડ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત રોજના દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો.

ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઇ છે.

રાજ્યમાં ભારે વરસાદના પગલે આગામચેતીના ભાગ રૂપે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. હાલ સુધીમાં ગુજરાતમાં 3 NDRF ટીમ તૈનાત હતી. જેમાં વધુ 4 ટીમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક-એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

ખુદ અનંત અંબાણી આ અભિનેતાને લગ્નનું આમંત્રણ આપવા ગયા

મુંબઈ: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે, જેના માટે અંબાણી પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. જ્યાં ગઈકાલે નીતા અંબાણી સૌથી પહેલા કાશી પહોંચ્યા અને તેમના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ બાબા વિશ્વનાથના ચરણોમાં મૂક્યું. તો હવે અનંત અંબાણીએ પણ પોતાના ખાસ મિત્રો અને મહેમાનોને કાર્ડ વહેંચવાનું શરૂ કરી દીધું છે.

અનંત લગ્નનું કાર્ડ લઈને અજયના ઘરે પહોંચ્યો

હાલમાં જ અનંત અંબાણી બોલિવૂડ એક્ટર અજય દેવગનના ઘરે તેમના લગ્નનું કાર્ડ આપવા ગયા હતા. અજય દેવગનના ઘરે શિવશક્તિમાંથી બહાર આવતા અનંતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનંત હંમેશની જેમ કડક સુરક્ષા વચ્ચે અજયના ઘરની બહાર નીકળતા જોવા મળે છે. અનંતનો આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો છે.

અનંત-રાધિકાના લગ્નની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે

ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જેની શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્નથી થશે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે જો ડ્રેસ કોડની વાત કરીએ તો આ શાનદાર શાહી લગ્ન માટે ‘ઇન્ડિયન ફોર્મલ’ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે મંગલ ઉત્સવ એટલે કે 14મી જુલાઈના રિસેપ્શનના દિવસે ડ્રેસ કોડ ‘ઈન્ડિયન ચિંક’ રાખવામાં આવ્યો છે. લગ્ન પહેલા, હાલમાં જ અનંત-રાધિકા માટે ઈટાલીમાં ક્રુઝ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો હજુ પણ સામે આવી રહ્યા છે.

અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિ, રાજકોટ સજ્જડ બંધ

રાજકોટ: એક મહિના પહેલા રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી ભિષણ આગની દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવાની માગણી સાથે કોંગ્રેસે આપેલા બંધના એલાન ને આજે રાજકોટના લોકોએ પૂરું સમર્થન આપી ધંધા – રોજગાર બંધ રાખ્યા હતા. વર્ષો બાદ કોંગ્રેસે આપેલા બંધના એલાનને રાજકોટમાં સફળતા મળી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ , ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અતુલ રાજાણી સહિતના આગેવાનો રાજકોટની બજારમાં આજે સવારે ફર્યા હતા અને વેપારીઓનો આભાર માન્યો હતો. રાજકોટની મુખ્ય એવી ધર્મેન્દ્રરોડ, પરાબજાર, યાજ્ઞિક રોડ, સદર બજાર, ગરેડીયા કૂવા રોડ સહિતની બજારો સવારથી બંધ રહી હતી. બંધનું એલાન બપોરે બે વાગ્યા સુધી જ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ સેવાદળના રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી કાર્યકરો રાજકોટ આવ્યા છે અને વેપારીઓને માનવતાનો આ મુદ્દો હોવાથી, બંધ પાળવા અપીલ કરી હતી.

આજે રાજકોટમાં બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો સ્કૂલ બંધ કરાવવા નીકળ્યા ત્યારે કેટલાક કાર્યકરો સાથે માથાકૂટ થઈ હતી. કેટલાક કાર્યકરોની અટક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આજે સવારે બંધના એલાનને ટેકો આપવા બદલ રાજકોટના લોકો અને વેપારીઓનો આભાર માન્યો હતો. અને જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ લડત ચાલુ રાખશે તેવુ જણાવી પદાધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.

દેવેન્દ્ર જાની, રાજકોટ

તસવીરો, નીશુ કાચા