Home Blog Page 1703

ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે: હર્ષ સંઘવી

અમદાવાદ: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ મુદ્દે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, “ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલાં ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને આદેશ આપ્યા હતા.” હર્ષ સંઘવીએ હાકલ કરી કે, સંતો-મહંતો નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપવો. “ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે”, એમ તેમણે ઉમેર્યું હતું. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું, “ડ્રગ્સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા અને નાર્કોટેરેરિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધો રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે.”રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પત્રકારોને સંબોધન કરતા કહ્યું, “નાર્કોટિક્સ એકટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગતૃતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારનું ગૃહ વિભાગ કેફી દ્રવ્યોના દુષણને ડામવા કટિબદ્ધ છે. જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ.”

ગુજરાત ATSના વડા દીપેન ભદ્રન તેમજ અમદાવાદ શહરે પોલીસ કમિશનર જી.એસ.મલિક અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ પ્રસંગે પ્રેઝન્ટેશન આપી, પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પોલીસ મહાનિર્દેશક-લૉ અને ઓર્ડર ડૉ. શમશેરસિંહ, અધિક પોલીસ મહાનિર્દેશક આર. બી. બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ અને રેલવે રાજકુમાર પાંડિયન તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારત-બંગલાદેશ સંધિમાં બંગાળ સામેલ નહીં: મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM અને TMC સુપ્રીમો મમતા બેનરજીએ વડા પ્રધાન મોદી અને બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાની વચ્ચે વાતચીતમાં સામેલ થવા માટે તેમને આમંત્રિત નહીં કરવા માટે કેન્દ્રની ટીકા કરી કરી છે. તેમણે કેન્દ્ર અને બંગલાદેશ વચ્ચે જળ વહેંચણીની વાતચીત પર વાંધો ઉઠાવ્યો છે. કોલકાતા અને ઢાકાની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો પર વધુ પ્રકાશ ફેંકતાં CM બેનરજીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે વિચારવિમર્શ કર્યા વગર આ પ્રકારની એકતરફી ચર્ચા-વિચારણા ના તો સ્વીકાર્ય છે અને ના ઇચ્છનીય છે.  

હાલમાં જ વડા પ્રધાન મોદી અને બંગલાદેશના વડા પ્રધાન શેખ હસીનાની વચ્ચે થયેલી દ્વિપક્ષી બેઠકમાં બંને નેતાઓએ તીસ્તા નદીના સંરક્ષણ અને વહીવટ તથા 1996ની ગંગા જળ સંધિના નવીનીકરણ પર ચર્ચા કરી હતી. આ બેઠક પછી પત્રકારોને સંબોધિત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તીસ્તા નદીના સંરક્ષણ અને વહીવટ પર ચર્ચા માટે એક ટેક્નિકલ ટીમ ટૂંક સમયમાં બંગલાદેશની મુલાકાત લેશે.

 આ સમજૂતી અનુસાર ભારત તીસ્તા નદીના વહીવટ અને સંરક્ષણ માટે એક મોટું જળાશય અને એનાથી સંબંધિત પાયાના માળખાનું નિર્માણ કાર્ય કરવાવાળું છે. એનાથી મમતા બેનરજી નારાજ છે. તેઓ લાંબા સમયથી જળ વહેંચણીનો વિરોધ કરી રહ્યાં છે અને ફરક્કા બેરાજ પર રાજ્યમાં પૂરનો આરોપ લગાવી રહ્યાં છે.CM મમતાએ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે આ પ્રકારની સમજૂતીથી પશ્ચિમ બંગાળના લોકો સૌથી વધુ પીડિત થશે. મને માલૂમ પડ્યું છે કે કેન્દ્ર સરકાર બંગલાદેશની ફરક્કા સંધિને નવીનીકરણ કરવાની પ્રક્રિયામાં છે, જે 2026માં પૂરી થઈ રહી છે.

 

 

 

 

 

 

 

NEET UG પરીક્ષાને લઈ હોબાળો યથાવત્, ગોધરાથી પાંચની અટકાયત

NEET UG 2024 પરીક્ષાના પરિણામને લઈને વિવાદના વંટોળ છવાયા છે. ત્યારે આજે નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં 25 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિહારથી 13, ઝારખંડથી 5, ગોધરાથી 5 અને લાતુરથી 2 આરોપી ઝડપાયા છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ પર CBIએ કબજો લઈ લીધો છે.

ત્યારે આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં આઠમી મે રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ  પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.  આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓની એક ટીમ તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી. ત્યારે બીજી ટીમ ગોધરા પહોંચી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ‘એનટીએએ પાંચમી મે 2024ના રોજ ઓએમઆર મોદમાં નીટ પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં ગેરરિતીના આક્ષેપ બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની ઉંડી તપાસ માટે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો છે.’ ઉલ્લેખનીય છે કે ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલમાં પ્રવેશ માટે યોજાતી નીટની મહત્ત્વની પરીક્ષામાં પાસ કરવા માટે દશ લાખ લેતા હોવાનો પર્દાફાશ થયો હતો. જે અંગે 8 મે, 2024ના રોજ શાળાના જ શિક્ષક અને સેન્ટરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ સહિત 3 સામે જિલ્લા શિક્ષણાધિકારીએ તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં એક ફેક્ટરીમાં ધડાકોઃ બેનાં મોત, ચાર ઘાયલ

અમદાવાદઃ શહેરના ઓઢવ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. અહીં અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ગોદામમાં બોઇલરમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયાં છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ફેક્ટરીના માલિકનું પણ ઘટનાસ્થળે મોત થયું છે.

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. અરિહંત એસ્ટેટમાં આવેલી ફેકટરીમાં બ્લાસ્ટ થયો છે. જ્યારે બ્લાસ્ટની ઘટનાને પગલે ફાયરની ગાડીઓ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ દુર્ઘટનામાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. અરિહંત એસ્ટેટ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું અને તેમાં પ્લાસ્ટિક કોટિંગનું કામ કરવામાં આવતું હતું. જ્યાં બોઇલર ફાટતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.

આ વિસ્તારમાં આસપાસના લોકોનું કહેવું હતું કે બપોરના સમયે અચાનક જ આ ઘટના બની હતી. હાલ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ઘટના મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે કે, આખરે કેવી રીતે આ ઘટના બની હતી. પોલીસની ટીમ પણ આ દુર્ઘટના કેવી રીતે બની એની તપાસ કરી રહી છે.

 

 

 

 

 

 

 

જિયોમાર્ટ ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા પ્લેટફોર્મ આપશે

મુંબઈરિલાયન્સ રિટેલની ઈ-માર્કેટપ્લેસ પાંખ જિયોમાર્ટે દેશના કારીગર વર્ગ તથા પરંપરાગત વણકરો સહિત નાના-પાયાના વિક્રેતાઓના સશક્તિકરણ તેમજ તેઓની વૃદ્ધિને સુગમ બનાવવાની પોતાની પરિકલ્પનાને સાકાર કરવા ઝારખંડના રાજ્ય સરકાર એમ્પોરિયમ, JASCOLAMPF તેમજ ઝારખંડના સરકારી સાહસ JHARCRAFT સાથે હાથ મિલાવવાની ઘોષણા કરી છે. આ સંયુક્ત પહેલ એ ઝારખંડના કારીગરવર્ગના ઉત્થાન માટે પરિવર્તન લાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ સહકાર દ્વારા ગુમલા, સરાઈકેલા અને પલામાઉ જેવા ઝારખંડના નગરો તેમજ શહેરોના અસંખ્ય કારીગરોને જિયોમાર્ટ માર્કેટપ્લેસ દ્વારા યોગ્ય મંચ પૂરો પડાશે. આ કારીગરોને તેમની હસ્તકલાની બેનમૂન કૃતિઓને દર્શાવવા, દેશભરના ગ્રાહકો સુધી પહોંચવા તેમજ તેમના વ્યાપારને વિસ્તારવા માટે આ પ્લેટફોર્મ દ્વારા ઓફર કરાતી સુવિધાઓ પ્રાપ્ત થશે.આ સહકાર થકી, જિયોમાર્ટના કરોડો ગ્રાહકોને હવે સુપ્રસિદ્ધ લાકડાની પ્રોડક્ટ્સ, વાંસની પ્રોડક્ટ્સ, ઢોકરા કલાકૃતિઓ, ટેરાકોટાની વસ્તુઓ, લાખની બંગડીઓ, સુતરાઉ હસ્તકલા, એપ્લિક કારીગરી, ઝરદોશી વર્ક, તેસાર હાથવણાટની સાડીઓ, પુરુષોના શર્ટ, અનસ્ટીચ ડ્રેસ મટિરિયલ્સ, હસ્તકલાની બેગ, ચાદરો, ચિત્રો અને ગૃહ સુશોભનની ચીજો તથા હસ્તનિર્મિત માનવ કલાની અન્ય ઘણી વેરાઈટી જેવી GI-ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ શોધવા તથા ખરીદવાની તક પ્રાપ્ત થશે. આનાથી સ્વદેશી કલાકારીગરી સાથે નિકટતાનો નાતો રચવા ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ના અભિગમને સાર્થક પણ કરી શકાશે, કે જે ભારતના વડાપ્રધાનની પરિકલ્પના, આત્મનિર્ભર ભારતને ચરિતાર્થ કરે છે.

આ પ્રસંગે ઝારખંડ સ્ટેટ કો-ઓપરેટિવ લાખ માર્કેટિંગ એન્ડ પ્રોક્યોરમેન્ટ ફેડરેશન લિ.ના (JASCOLAMPFમેનેજિંગ ડાયરેક્ટર રાકેશકુમાર સિંઘે જણાવ્યું કે, ઝારખંડના આ કલાકારોહસ્તકળાના વણકરો તથા કારીગરો પાસે પેઢી દર પેઢી પ્રાપ્ત થયેલા કૌશલ્યનો અમૂલ્ય વારસો છે. જે આ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર પ્રસ્તુત કરે છે. આ જોડાણથી સ્થાનિક કારીગરો અને વણકરોને પ્રોત્સાહન તો મળશે જસાથે-સાથે તેનાથી સમય જતાં ઝારખંડમાં અન્ય MSME ઉત્પાદકોને પણ પોતાના લાભો પૂરા પાડશે.ઝારખંડ સિલ્ક ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના (JHARCRAFT) ડેપ્યૂટી જનરલ મેનેજર, અશ્વિની સહાયે જણાવ્યું કે, ઘરઆંગણાની પ્રોડક્ટ્સની ખાસ જરૂરિયાતોને સમજે તેવા જિયોમાર્ટ જેવા સ્વદેશી પ્લેટફોર્મને લોંચ કરવાનો અમને આનંદ છે. અમારા માટેઆ લોંચ ઝારખંડના તમામ વૈવિધ્યપૂર્ણ કલા સ્વરૂપો વડે જિયોમાર્ટ બજારસ્થળને સમૃદ્ધ બનાવવાની અમારી વચનબદ્ધતાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છેઅને આ રીતે કારીગરોને લાભ થશે અને ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ જળવાઈ રહેશે.” જિયોમાર્ટની 2022માં સ્થાપના થઈ ત્યારથી તેણે રાષ્ટ્રભરના 20 હજારથી વધુ કારીગરો અને વણકરોનું સશક્તિકરણ કર્યું છે.

GCAS પોર્ટલની ખામીને લઈ ABVP મેદાને ઉતર્યું..

રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી રહ્યા છે. ત્યારે આ પોર્ટલને લઈ ABVPના કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે. ત્યારે GCAS પોર્ટલ નિષ્ફળ હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે.

રાજ્યમાં ABVPએ GCAS પોર્ટલનો વિરોધ કર્યો હતો. રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને ‘શિક્ષણમંત્રી હાય હાય’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ABVP કાર્યકર્તાઓનો વિરોધ ઉગ્રા બનતા પોલીસ તંત્રને એક્શન લેવાની ફરજ પડી હતી. ઉગ્રા આંદોલનની સ્થિતીને થાડે પાડવા જતા પોલીસ અને ABVPના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક કાર્યકરને ઈજા પહોંચી હતી તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતાં 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

GCAS પોર્ટલનો વિરોધ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી 15 વિશ્વ વિદ્યાલયોમાં સ્નાતક અને અનુસ્નાતકક્ષાના પ્રવેશ માટે GCAS મારફત એડમિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પરંતુ એમાં અમુક ખામીઓ રહેલી છે. જેમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન, LLBમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ ન થવી, સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના તેમજ પૂરક પરીક્ષાનાં પરિણામો બાકી છે ત્યારે PGના વિદ્યાર્થીઓ માટે પ્રવેશપ્રક્રિયા આ તમામ બાબતોને લઈને ABVPએ વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિભાગો બંધ કરાવવામાં આવ્યા હતા. બાદમાં કાર્યકરોએ પૂતળા દહન કર્યું હતું. જોકે, આ દરમિયાન પરીક્ષા વિભાગ પણ બંધ કરાવવામાં આવતાં રાજકોટ શહેર ઉપરાંત બહારગામથી આવેલા વિદ્યાર્થીઓને કલાક સુધી હેરાનગતિ ભોગવવી પડી હતી. તો વડોદરામાં ABVPના કાર્યકરોએ ફતેગંજ સર્કલથી યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી રેલી કાઢી હતી અને હેડ ઓફિસ પહોંચીને અચાનક જ GCAS પોર્ટલની અર્થી કાઢી હતી, જેથી પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને કાર્યકરો પાસેથી અર્થી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમયે પોલીસ સાથેના ઘર્ષણમાં એક કાર્યકરને માથામાં ઇજા થઇ હતી અને એક કાર્યકર બેભાન થઇ ગયો હતો. જેથી બંનેને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઇ જવાયા હતા.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

આજે 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થયું છે. સંસદની શરૂઆત જ તોફાની રહી હતી અને વિપક્ષે બંધારણમાં કટોકટીની વાત કરી હતી. આ સાથે વિપક્ષી નેતાઓએ પણ પ્રોટેમ સ્પીકરની નિમણૂકનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ ખોટી વાત છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

મોદી મનોવૈજ્ઞાનિક રીતે બેક ફૂટ પર

રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ સરકારના પ્રથમ પંદર દિવસમાં ઘણી ખામીઓ સામે આવી છે. રાયબરેલીના સાંસદે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી માનસિક રીતે બેકફૂટ પર રહીને પોતાની સરકારને બચાવવામાં વ્યસ્ત છે. તેમણે વધુમાં કહ્યું કે “ભારતનો મજબૂત વિરોધ” લોકોનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે અને વડાપ્રધાનને જવાબદારી વિના છટકી જવા દેશે નહીં.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી તેમની સરકાર બચાવવામાં વ્યસ્ત છે અને તેમને બીજું કંઈ સમજાતું નથી. આ સાથે રાહુલે એનડીએ સરકારના પ્રથમ 15 દિવસની ખામીઓ પણ ગણાવી હતી, જેમાં…

  • ભયાનક ટ્રેન અકસ્માત
  • કાશ્મીરમાં આતંકવાદી હુમલા
  • ટ્રેનોમાં મુસાફરોની દુર્દશા
  • NEET કૌભાંડ
  • NEET PG રદ
  • UGC NET પેપર લીક
  • દૂધ, કઠોળ, ગેસ, ટોલ અને મોંઘા
  • આગમાં સળગતું જંગલ
  • જળ સંકટ
  • ગરમીના મોજામાં વ્યવસ્થાના અભાવે મોત

પીએમ મોદી પર નિશાન સાધ્યું

કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા બંધારણ પરના હુમલાઓને સ્વીકારશે નહીં. રાહુલે કહ્યું કે ભારતનો મજબૂત વિપક્ષ તેનું દબાણ ચાલુ રાખશે, લોકોનો અવાજ ઉઠાવશે અને વડાપ્રધાનને જવાબદારી વિના છટકી જવા દેશે નહીં.

મોદી 3.0 માં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી

18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં સોમવારે સાંસદોએ શપથ લીધા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. 18મી લોકસભાના પ્રથમ સત્રની પ્રથમ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના મંત્રી પરિષદના સભ્યો તેમજ અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ ગૃહના સભ્યો તરીકે શપથ લીધા હતા. કાર્યકારી સ્પીકર (પ્રોટેમ સ્પીકર) ભર્તૃહરિ મહતાબે ગૃહની કાર્યવાહી શરૂ કરી અને સભ્યોને શપથ લેવડાવ્યા.

 

તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યા છે. PM મોદી અને તેમના મંત્રીમંડળે 9 જૂને શપથ લીધા હતા. વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટાયા છે. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ નરેન્દ્ર મોદીએ ગૃહના નેતા તરીકે સૌપ્રથમ શપથ લીધા હતા.

આ દરમિયાન શાસક પક્ષના સભ્યોએ ‘મોદી મોદી’ અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. જ્યારે વડા પ્રધાન શપથ લઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સભ્યો બંધારણની નકલો લઈને પોતપોતાની જગ્યાએ ઊભા હતા. ગૃહમંત્રી અમિત શાહ શપથ લેવા આવ્યા ત્યારે પણ વિપક્ષના સભ્યોએ હાથમાં બંધારણની નકલ પકડી રાખી હતી. જો કે આ દરમિયાન તેઓ પોતપોતાની જગ્યાએ બેઠા હતા.

ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, મહતાબે રાષ્ટ્રપતિ ભવનમાં ગૃહના સભ્ય અને કાર્યકારી અધ્યક્ષ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન મોદી પછી, ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ સભ્યો રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેએ સભ્યો તરીકે શપથ લીધા. બંને સભ્યો આગામી બે દિવસ સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં કાર્યકારી અધ્યક્ષ મહતાબને મદદ કરશે.

કોંગ્રેસે પ્રોટેમ સ્પીકરની ચૂંટણી સામે વાંધો વ્યક્ત કર્યો હતો

સિંહ અને કુલસ્તે સાથે કોંગ્રેસના સભ્યો કે સુરેશ, ડીએમકેના ટીઆર બાલુ અને તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયને પણ અધ્યક્ષની પેનલમાં પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ શપથ લીધા નથી. કોંગ્રેસે પ્રોટેમ સ્પીકર તરીકે મહતાબની ચૂંટણી સામે વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષી પાર્ટીનું કહેવું છે કે તેના આઠ વખતના સભ્ય સુરેશને આ પદની ચૂંટણી માટે અવગણવામાં આવ્યા છે.

EDII અને Infibeam Avenues Ltd.એ AI ક્ષેત્રે કર્યા MOU

ગાંધીનગર: ભારતની અગ્રણી લિસ્ટેડ ફિનટેક કંપની ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે તેની બીજી મોટી પહેલની જાહેરાત કરી છે. કંપનીએ ભારતમાં AIને અપનાવવા અને વૃદ્ધિને વિસ્તારવા તેમજ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે. પ્રતિષ્ઠિત આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) સાથે કંપનીએ એક સમજૂતી કરાર (MoU) કર્યા છે, જેનો ઉદ્દેશ્ય એન્ટરપ્રાઇઝ, સ્ટાર્ટ-અપ્સ અને MSME વચ્ચે AIને પ્રોત્સાહન આપવાનો છે.

EDIIએ 1983માં અમદાવાદમાં સ્થપાયેલી એક સ્વાયત્ત અને બિન-નફાકારી સંસ્થા છે. તે ઉદ્યોગ સાહસિક શિક્ષણ, સંશોધન, તાલીમ, સ્ટાર્ટઅપ્સ, MSME વૃદ્ધિ, ઇન્ક્યુબેશન, ઇનોવેશન અને સંસ્થા નિર્માણ માટે માન્ય રાષ્ટ્રીય સંસાધન સંસ્થા છે. તે IDBI બેંક લિમિટેડ, IFCI લિમિટેડ, ICICI બેંક લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી અગ્રણી નાણાંકીય સંસ્થાઓ અને ગુજરાત સરકાર સ્પોન્સર્ડ છે.

એમ..યુ.ના ભાગરૂપે ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) કેમ્પસમાં સફળતાપૂર્વક તેનું એડવાન્સ્ડ વીડિયો એઆઈ ડેવલપર પ્લેટફોર્મ  THEIAને અમલમાં મૂક્યું છે અને તેનો ઉપયોગ કર્યો છે. આ પ્લેટફોર્મ EDIIના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોને THEIA પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેમની પોતાની AI પ્રોડક્ટ્સ વિકસાવવા માટે અદ્યતન ટૂલ્સ પ્રદાન કરશે. જેનાથી વ્યવસાય કાર્યક્ષમતા અને ક્ષમતાઓમાં વધારો થશે.

EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાને આશા છે કે ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડ સાથેનો આ સહયોગ સંસ્થાના નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. “ઈડીઆઈઆઈ ખાતે THEIA પ્લેટફોર્મ અને AI ફેસિલિટી મેનેજર જેવી અદ્યતન AI ટેક્નોલોજીસને ઇન્ટિગ્રેટ કરીને તે અમારા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઈને ડિજિટલ-ફર્સ્ટ વિશ્વમાં વિકાસ માટે જરૂરી સાધનોથી સજ્જ કરશે. આ ભાગીદારી માત્ર EDII પર શીખવાના અનુભવને જ નહીં પણ ટકાઉ વૃદ્ધિ અને વ્યવસાય શ્રેષ્ઠતા માટે AIનો લાભ લેવા માટે સાહસિકોને સશક્ત બનાવે છે. EDII અને ઇન્ફિબીમ એવન્યુઝ લિમિટેડ એવા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે જ્યાં AI અને ડિજિટલ સોલ્યુશન્સ ઉદ્યોગસાહસિક સફળતા માટે અભિન્ન છે. ઇન્ફિબીમે તેની તાજેતરમાં વિકસાવાયેલી AI ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોડક્ટ ‘AI Facility Manager’ EDII કેમ્પસમાં મૂકી છે. પ્રારંભિક તબક્કામાં ‘AI Facility Manager’ કેમ્પસ સીસીટીવીના વિઝ્યુઅલ ડેટા સાથે વિવિધ ડેટાસેટ્સનું જોડાણ કરશે. અધિકૃત અને અનધિકૃત એન્ટ્રીઓ અથવા એક્ઝિટની દેખરેખની સુવિધા આપશે. આગળ જતાં ‘AI Facility Manager’ સંસ્થાના કેમ્પસમાં સિક્યોરિટી મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, ઓક્યુપન્સી કે સ્પેસ મોનિટરીંગ, વર્કફોર્સ કમ્પ્લાયન્સ, એનર્જી મેનેજમેન્ટ, કન્સીર્જ સર્વિસીઝ, કોસ્ટ મેનેજમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટનો સમાવેશ કરવા માટે વિસ્તરણ કરશે. MoU મુજબ AI સોફ્ટવેર સોલ્યુશન્સ અને અન્ય ટેક્નોલોજીકલ ઇનોવેશનના વિકાસને EDII અને ઇન્ફિબીમ દ્વારા સહયોગથી ઓળખવામાં આવેલા ચોક્કસ યુઝ કેસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સહયોગ ઇન્ફિબીમને એકમાત્ર અને એક્સક્લુઝિવ ટેક્નોલોજી પાર્ટનર તરીકે નિયુક્ત કરે છે, જે ઓપન-સોર્સ AI મોડલ્સ, સોફ્ટવેર ઇન્ટિગ્રેશન અને અમલીકરણ, તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સને અનુરૂપ AIસંચાલિત સોલ્યુશન્સ વિકસાવવામાં ટેક્નોલોજીકલ સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતા પ્રદાન કરવા માટે જવાબદાર છે. આ સહયોગ AI ટેક્નોલોજીને આગળ વધારવા અને આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

બજેટ-2024 સિનિયર સિટિઝન્સને રેલવેભાડામાં મળતી છૂટ ક્યારે?

નવી દિલ્હીઃ મોદી સરકાર 3.0નું પહેલું બજેટ જુલાઈના ત્રીજા સપ્તાહમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. નવા બજેટથી લોકોને અપેક્ષા હોય છે. આ વખતે સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેન ભાડામાં મળનારી ફરૂ શરૂ કે એવી વકી છે. સિનિયર સિટિઝનને રેલવે ભાડામાં મળનારી છૂટ લાખ્ખો લોકો પર અસર કરે છે. સિનિયર સિટિઝન્સ માટે ભારતીય રેલ એક કિફાયતી ટ્રાવેલ વિકલ્પ છે.

માર્ચ, 2020માં કોરોનાના રોગચાળાના સમયે રેલવેએ વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર નાગરિકોને મળનારી છૂટ બંધ કરી દીધી હતી. આ પહેલાં ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ટિકિટ ભાડામાં વરિષ્ઠ મહિલા યાત્રીઓને 50 ટકા, જ્યારે વરિષ્ઠ પુરુષ અને ટ્રાન્સજેન્ડર નાગરિકોને 40 ટકા છૂટ મળતી હતી. આ છૂટ બંધ થયા પછી વરિષ્ઠ નારિકોને પણ સામાન્ય યાત્રીઓને જેમ પૂરું ભાડું આપવું પડે છે. રેલવેના નિયમો મુજબ 60 વર્ષથી વધુના પુરુષ અને ટ્રાન્સજેન્ડર્સ અને 58 વર્ષના મહિલા યાત્રીઓની ગણતરી સિનિયર સિટિઝનમાં કરવામાં આવે છે.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને જ્યારે વરિષ્ઠ નાગરિકોના ભાડામાં મળનારી છૂટ વિશે પૂછવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે રેલવે પહેલેથી જ બધા યાત્રીઓને રેલ ભાડામાં 55 ટકાની છૂટ આપી રહી છે.  રેલવેએ નાણાકીય વર્ષ 2022-23માં 15 કરોડ વરિષ્ઠ નાગરિકોથી આશરે રૂ. 2242 કરોડની મબલક કમાણી કરી હતી.

હવે સવાલ એ છે કે શું આ વખતે બજેટ 2024માં વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં મળનારી છૂટ ફરીથી શરૂ કરવામાં આવશે? કેમ કે આ નિર્ણય માત્ર નીતિઓનો મામલો નથી, પણ સામાજિક મૂલ્યો અને પ્રાથમિકતાનો મામલો છે.