ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલી ગરમી વચ્ચે આજે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અમદાવાદમાં સાચી ઠરી છે. બપોર પછી શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં અંદાજે ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવને ધૂળની ડમરીઓ ઉડાડતા વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. આ મિની વાવાઝોડાને કારણે એસ.જી. હાઈવે, પ્રહલાદનગર અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા હજારો અમદાવાદીઓ આ અચાનક આવેલી આફતમાં અટવાઈ પડ્યા હતા.
વાવાઝોડાની આ તીવ્રતાએ શહેરના ગ્રીન કવરને પણ નુકસાન પહોંચાડ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના જણાવ્યા મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૬ જેટલા તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં જ ૯ વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે. સદનસીબે, કોર્પોરેશનની ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવીને રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત મળી હતી. આ માવઠાને કારણે વેજલપુર, સરખેજ અને મકરબા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાં તો ઘટાડો થયો છે, પરંતુ ખેડૂતો અને ખુલ્લામાં વેપાર કરતા લોકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે.
આ કુદરતી આફત વચ્ચે બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામે એક મોટી હોનારત ટળી હતી. ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે મેલડી માતાજીના મંદિરે ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો, જે વાવાઝોડામાં ઉખડીને સીધો હાઈવોલ્ટેજ વીજ લાઈન પર જઈ પડ્યો હતો. સામાન્ય રીતે ૧૧ KV ની લાઈન પર લોખંડ કે ભીના કપડાનો મંડપ પડવાથી મોટો બ્લાસ્ટ થઈ શકે છે, પરંતુ આ લાઈન આધુનિક ઇન્સ્યુલેટેડ હોવાને કારણે કોઈ કરંટ ઉતર્યો ન હતો અને સેંકડો શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા હતા. જોકે, બાવળાના મેળામાં પવનને કારણે સ્ટોલ અને મંડપોને નુકસાન થયું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.
હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અત્યંત મહત્વનું ‘નાઉકાસ્ટ’ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ સહિત સુરેન્દ્રનગરમાં ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી કલાકોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. તંત્ર દ્વારા માછીમારો અને ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ હજુ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને પવનની ગતિ તેજ રહી શકે છે, તેથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં દુનિયા સમક્ષ પોતાની વાત મૂકી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાન પર લાદવામાં આવેલા તેલના પ્રતિબંધો હટાવશે અથવા ત્યાં અમેરિકી સેના તૈનાત કરશે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં નકારો ભણ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ હાલમાં ક્યાંય પણ પોતાની સેના મોકલી રહ્યા નથી. ટ્રમ્પે રમૂજી અંદાજમાં ઉમેર્યું હતું કે જો તેઓ આવું કંઈક કરી પણ રહ્યા હોત, તો તેઓ કોઈને અગાઉથી જાણ ન કરત. તેમના મતે લોકો માત્ર અટકળો લગાવતા હોય છે, જ્યારે વાસ્તવિકતા અને રણનીતિ કંઈક અલગ જ હોય છે.
આ સંવાદ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની આર્થિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરવાની એક પણ તક છોડી ન હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે કેવી રીતે તેમના શાસનકાળમાં અમેરિકી શેરબજાર એટલે કે વોલ સ્ટ્રીટે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તેમણે ડો જોન્સ ઇન્ડેક્સ 50,000 ને પાર કરવાની વાત કરી હતી, ત્યારે લોકો તેને અશક્ય માનતા હતા. પરંતુ તેમની નીતિઓને કારણે આ આંકડો માત્ર એક વર્ષમાં જ હાંસલ કરી લેવાયો છે. તેવી જ રીતે એસએન્ડપી ઇન્ડેક્સનું 7,000 ના સ્તરને વટાવવું એ પણ તેમના મતે એક ઐતિહાસિક વિજય છે. ટ્રમ્પનું માનવું છે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોય અને તેલના ભાવ નિયંત્રણમાં હોય, ત્યારે જ આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નિર્ણયો લેવાની શક્તિ મળે છે.
ઈરાનના મુદ્દે આકરા પ્રહારો કરતા ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનનું નેતૃત્વ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું છે. તેમણે ઈરાનને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને મધ્ય પૂર્વ માટે મોટો ખતરો ગણાવ્યો હતો. જોકે, આ બાબતે તેમણે અમેરિકાની ભૂમિકા અંગે એક નવો વળાંક આપતા કહ્યું કે અમેરિકા ક્યાં સુધી એકલા હાથે બીજાની રક્ષા કરશે? તેમણે ખાસ કરીને જાપાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ રસ્તાઓ પરથી જાપાનના તેલનો 90% હિસ્સો પસાર થાય છે, જેની સુરક્ષા હાલમાં અમેરિકા કરી રહ્યું છે. હવે જાપાન જેવા સમૃદ્ધ દેશોએ આગળ આવીને પોતાની ઉર્જા સુરક્ષાની જવાબદારી જાતે સંભાળવી જોઈએ.
આટલું જ નહીં, ટ્રમ્પે બ્રિટન અને નાટો (NATO) ના દેશો પર પણ કટાક્ષ કરવાનું ચૂક્યા ન હતા. તેમણે કહ્યું કે નાટો મદદ કરવા ઈચ્છે છે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. બ્રિટન દ્વારા વિમાનવાહક જહાજો મોકલવાની ચર્ચા પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે બ્રિટનની જરૂર યુદ્ધ પહેલા હતી, યુદ્ધ જીતી ગયા પછી નહીં. આ નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ અમેરિકાને વૈશ્વિક ‘પોલીસમેન’ ની ભૂમિકામાંથી બહાર કાઢીને અન્ય દેશોને આત્મનિર્ભર બનાવવા માંગે છે. દરમિયાન, એવી પણ માહિતી સામે આવી છે કે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને ઈરાનના તેલ અને ઉર્જા ક્ષેત્રો પર હુમલો ન કરવાની સલાહ આપવામાં આવી હતી, જેથી વૈશ્વિક સપ્લાય ચેઈનને અસર ન થાય. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાન અને અન્ય સાથી દેશોની શું પ્રતિક્રિયા રહે છે.
કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના જંગમાં જીત મેળવવા માટે કોંગ્રેસ પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા મડાગાંઠ અને આંતરિક ખેંચતાણ બાદ આખરે ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસ હાઈકમાન્ડે 37 ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી આપી દીધી છે. અગાઉ પ્રથમ તબક્કામાં પક્ષે ૫૫ નામોની જાહેરાત કરી હતી, અને હવે આ બીજી યાદી સાથે કોંગ્રેસે રાજ્યના મહત્વના મતક્ષેત્રોમાં પોતાના મજબૂત ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને કન્નૂર બેઠક પર સાંસદ કે. સુધાકરન દ્વારા ટિકિટની વહેંચણીને લઈને ઉઠાવવામાં આવેલા વિરોધ બાદ પક્ષમાં જે હલચલ મચી હતી, તેનો અંત આવતા નેતાઓએ રાહતનો શ્વાસ લીધો છે.
આ નવી યાદીમાં પક્ષે અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો, ઉડુમાથી કન્નન નીલકાંતન, ત્રિકારીપુરથી સંદીપ વરિયર અને કાલિયાસેરીથી રાજીવ કપરેચેરીને ટિકિટ આપવામાં આવી છે. કન્નૂર જેવી પ્રતિષ્ઠિત બેઠક પર એડવોકેટ ટી.ઓ. મોહનને જવાબદારી સોંપાઈ છે, જ્યારે મટ્ટાનુરથી ચંદ્રન થિલેનકારી મેદાનમાં ઉતરશે. તે જ રીતે, પટ્ટામ્બીથી ટી.પી. શાજી, શોરનૂરથી પી. હરિગોવિંદન અને કુન્નમકુલમથી અજય મોહનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મધ્ય અને દક્ષિણ કેરળની બેઠકો પર પણ કોંગ્રેસે મજબૂત પકડ જાળવવા માટે કોચ્ચિથી મોહમ્મદ શિયાસ અને તિરુવનંતપુરમથી દીપક જોય જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.
અમદાવાદ: ભારતના સ્વર્ગ કાશ્મીરમાં નેવુંના દાયકામાં એક ચોક્કસ જાતિને નિશાન બનાવવામાં આવી. અત્યાચાર થયા અને કત્લેઆમ પણ થઇ, અચાનક જ પોતાનું ઘર એમ જ છોડી પહેરે કપડે ઘણાં લોકો ભારતના જુદા જુદા રાજ્યો, શહેરોમાં વિસ્થાપિત થયા. વિસ્થાપિત થયેલા આ હજારો લોકો હાલ પોતાના ભણતર, બુધ્ધિ, મહેનત અને કલા કૌશલ્યથી દેશ-વિદેશમાં કામ કરી રહ્યા છે. આ છે હજારો કાશ્મિરી પંડિતોના પરિવારોની કથા. ભારતના આ પ્રાંત અને લોકો પર અસંખ્ય ફિલ્મો બની છે. પરંતુ તાજેતરમાં કાશ્મીરી બોલીમાં એક હ્રદય દ્વાવક ફિલ્મ બટ્ટ કોચ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં કાશ્મીર છોડી ગયેલા પરિવારોની છે, જે નેવુંના દાયકામાં યાતનાઓ વેઠ્યા બાદ અન્ય શહેરોમાં રહી રહ્યા છે. આ પરિવારો સતત પોતાના વતન, સંસ્કૃતિ જોવા જાણવાની ઇચ્છા રાખી રહ્યા છે. વતનના વિરહમાં ઘણાં મૃત્યુ પણ પામ્યા. અનેક મુશ્કેલીઓ પછી એક વખત પરિવારને પોતાના વતનના ગલી-મહોલ્લાને માણવાનો મોકો મળે છે. ત્યારે કાશ્મીરી પંડિત પરિવારો અને એમના મુસ્લિમ મિત્રો વચ્ચે લાગણી સભર દ્રશ્યો સર્જાય છે. કાશ્મીરી ભાષાની આ ફિલ્મ અમદાવાદમાં રજૂ થઇ ત્યારે થિયેટરમાં બેઠેલા કાશ્મીરી સહિતના તમામ લોકો આંખોમાં આંસુ સાથે ભાવુક થઇ ગયા.
કાશ્મીરી ભાષાની ફિલ્મ ‘બટ્ટ કોચ’ એટલે કે પંડિતોની ગલી અમદાવાદમાં રજૂ થઇ ત્યારે મુખ્ય કલાકાર એમ.કે રૈના પણ ઉપસ્થિત હતા. તારે જમી પર..જેવી યાદગામ ફિલ્મમાં કામ કરી ચૂકેલા કલાકાર, ડાયરેક્ટર અને સાંસ્કૃતિક કાર્યકર્તા એમ. કે. રૈના અત્યારે અમદાવાદમાં છે. થીયેટર એન્ડ મીડિયા સેન્ટરમાં રંગમંચના સ્વર્ગસ્થ કલાકાર રાજુ બારોટની યાદમાં ‘ઓલ એબાઉટ ફેસ્ટ- 2026 ‘( ALL ABOUT NATAK 2026 21 TO 29 MARCH) યોજાઇ રહ્યો છે. જે બિયોન્ડ ધી પ્રોસેનિયમ એટલે કે પારંપરિક મંચની સીમાઓની બહાર ગુજરાતી રંગભૂમિનો ઉત્સવ ઉજવાશે. જેનું સંચાલન નિદર્શન એમ. કે રૈના દ્વારા કરવામાં આવશે.
ભારતની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તૈયાર થયેલા કલાકાર, દિગદર્શક અને સંસ્ક઼તિના લડવૈયા એમ.કે રૈનાની ચિત્રલેખા.કોમસાથેની એક મુલાકાત…
મહારાજ કૃષ્ણ રૈનાની જન્મથી એન.એસ.ડી સુધીની સફર..?
મારો જન્મ શ્રીનગરમાં થયો અને સ્નાતક સુધીનો અભ્યાસ કાશ્મીરમાં જ કર્યો. સ્કૂલ ઘરની એકદમ નજીક હતી શાળાના સમયથી જ મને નાટકોમાં ભાગ લેવાનો ખૂબ જ શોખ હતો. એક વિદ્વાન પ્રિન્સિપાલ દ્વારા લખેલું કાશ્મીરી ભાષાનું નાટક આખાય રાજ્યમાં ખૂબ જ મશહુર થયું. આ નાટકનું સંગીત અને કલાના કારણે મને ખૂબ જ પ્રસિધ્ધિ મળી. આ સાથે હું શાસ્ત્રીય સંગીત પણ શીખતો હતો. પિતાજી દાંતના તબીબ હતા. એમને મદદ કરતો સાથે સાયન્સના વિષયોમાં અભ્યાસ કર્યો. વિશ્વ નાટ્ય દિવસ દ્વારા ભજવેલા નાટકોથી પ્રભાવિત થઇ મારા સિનિયર્સે કહ્યું કે મહારાજ કૃષ્ણ રૈનાને એન.એસ.ડીમાં તાલીમ માટે મોકલવા જોઇએ. સાંભળ્યું હતું પણ મને કંઇ એન.એસ.ડી વિશે બહુ ખબર નહોતી. પણ પિતાજીની પરવાનગી પછી એન.એસ.ડી દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો. એ જમાનામાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં વહેલી સવારથી જ ખૂબ જ તનતોડ મહેનત કરાવતા હતા. એન.એસ.ડીની તાલીમ લઇ બહાર આવ્યા પછી ફ્રીલાન્સિંગ શરૂ કર્યું હતું.
એન.એસ.ડીમાં તૈયાર થયા પછી રંગમંચ અને ફિલ્મો તરફની કારકિર્દી.. ?
કેરિયરની શરઆતમાં જ આઇકોનિક ફિલ્મ 27 DOWNમાં કામ કરવાની તક મળી.. એ પછી સમાંતર સિનેમાની એક મુવમેન્ટ ચાલુ થઇ એમાં કામ કર્યું. એમાં કેતન મહેતા પણ હતા. પછી રોજી-રોટી આવક માટે ટ્રેઇનિંગ પ્રોગ્રામ વર્કશોપ પણ ચાલુ કર્યાં. એ પછી ઉત્તર પ્રદેશ, બિહાર જેવા અનેક રાજ્યમાં એસાઇનમેન્ટ મળવા લાગી. નાની લો બજેટ ફિલ્મો જે ટૂંકા સમયમાં પતી જાય એને પ્રોજેક્ટની જેમ કરુ. કારણ એ જલ્દી પતે એટલે સાથે નાટકો સ્ટેજને પણ સમય આપી શકાય. મોટા-મોટા દિગ્ગજો ગોવિંદ નિહલાની, મૃણાલ સેન, કેતન મહેતા સાથે પણ કામ કર્યું. તારે જમીં પર…નૂર, આયેશા એ સાથે રાષ્ટ્રિય આંતર રાષ્ટ્રિય ફિલ્મો કરી. જેમાં અનેક એવોર્ડ્સ પણ મળ્યા. યુક્રેનની એક ફિલ્મ કરનાર પાસે પૈસા નહોતા, એના માટે તો તદન મફત કામ કર્યું. આ સાથે થીયેટર ચાલુ જ હતું.
કેટલી ભાષાઓમાં નાટક કર્યા?
મારે દિલ્હીની બહાર પણ નાટક કરવા પડ્યા. અત્યાર સુધીમાં 12 ભાષામાં નાટક કર્યા છે. ગુજરાતીમાં નાટકો કરીશ એટલે એ તેરમી ભાષા થશે. લદાખી, કાશ્મીરી, ડોગરી, પંજાબી, હિંદી, અંગ્રેજી, બંગલા, તેલુગુ, મલયાલમ, મણીપુરી, ગુજરાતીમાં નાટક કરવાની તક મળી. ગોવર્ધન પંચાલ અમારા ટીચર હોવાના કારણે મેં સંસ્કૃત નાટકો પણ કર્યા. આ સાથે દરેક રાજ્ય પ્રદેશની લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો સાથે રહ્યા. ભાંડ, ભવાઇ કરતા હોય એવા કલાકારો સાથે કામ કર્યું.
કાશ્મિરની ખરાબ હાલત ક્યારે વધારે મહેસૂસ થઇ?
માતાની બીમારી અને જ્યારે માતાને બ્રેઇન હેમ્રેજ થયું, ત્યારે કાશ્મીર એ વેળાની પરિસ્થિતિમાં ખૂબ જ હેરાન પરેશાન થયા. કારણ શુટ એટ સાઇટના ઓર્ડર હતા, મારી માતાના અગ્નિ સંસ્કાર કરવા જવા માટે માંડ-માંડ પરવાનગી મળી. મારી પાછળ બંદુક ભરાવી દીધી, પરંતુ ઓફિસર સારા હતા જેના કારણે પરવાનગી આપી મળી, ગાડી પણ આપી. આ તમામ વિધી દરમિયાન રસ્તામાં બોમ્બ પણ ફૂટ્યો. આપણી સંસ્કૃતિનો કમાલ જુઓ અમારા ત્યાં પંડિતોના દાહ સંસ્કાર વખતે મુસ્લિમ હાજર હોય અને તમામ વિધિ કરાવે. અમારી સાથે એક મુસ્લિમ હતા. એ પંડિતોની અગ્ની સંસ્કારની વિધિ અમારા કરતા પણ વધારે સારી જાણતા હતા. બીજી તરફ મારો પરિવાર દિલ્હીમાં રહેતો હતો. થોડા સમય પછી પિતાજીનો પણ દેહાંત થયો. 90ના દાયકાની કાશ્મીરની ખરાબ પરિસ્થિતિ અને સ્થળાંતરો પછી જાણે કે કાશ્મીરનો નાતો જાણે તુટી જ ગયો..
એ પછી કાશ્મીર ક્યારે ગયા?
સામાજિક ક્રાંતિના વિચાર તો સતત આવ્યા જ કરે.. એક દિવસ અચાનક જ કાશ્મીર લેન્ડ થઇ ગયો. એટલે એક ટ્રેઇનિગ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. એના પર છેલ્લાં 25 વર્ષોથી કામ કરુ છું. કાશ્મીર અવાન નવાર જઉં છું, 500થી વધારે બાળકોને થીયેટરમાં તૈયાર કર્યા છે. આ શાંતિથી કરેલા કામને કારણે આ બાળકો પોતાના ગામ કસ્બામાં થીયેટર કરી રહ્યા છે. ભવાઇ જેવી ભાંડ પ્રથાને જાગૃત કરવાના પ્રયાસ કર્યા, જેથી લોક સંસ્કૃતિ જીવીત રહે.
કલમ 370 બાબતે શું કહેશો?
મને કંઇ સમજાતું નથી… હજારો વર્ષોથી ઉભી રહેલી સંસ્કૃતિને યુનિયન ટેરેટરી બનાવવી પડી. મંદિરો ઉભા છે, મસ્જિદો ઉભી છે તો વર્ષો જૂની સંસ્કૃતિ યનિયન ટેરેટરી કેમ? મારી દ્રષ્ટિએ અત્યારે કંઇ ખાસ ફર્ક પડ્યો નથી. આ આખીય ઉંડાણપૂર્વકની રાજકીય બાબતો છે. સંવેદનશીલ રાજકીય છે.
કાશ્મીર ફાઇલ્સ અને બટ્ટ કોચ વિશે શું કહેશો?
કાશ્મીર ફાઇલ્સ બહુ જ મોટા બજેટની ફિલ્મ હતી. એ મને પસંદ નહોતી આવી. કારણ મારું કાશ્મીર આવું નથી. ચોક્કસ કહી શકાય કે અત્યાચારો થયા છે, ઘટનાઓ પણ ઘટી છે. જ્યારે બટ્ટ કોચ ઓછા બજેટની ફિલ્મ છે. સંવેદનશીલ સ્ક્રિપ્ટ સાથેની આ ફિલ્મ જમ્મુ અને મટ્ટન વિસ્તારમાં શુટ કરી હતી. છેલ્લા કેટલાય સમયથી કાશ્મીર સાથે જોડાયેલો છું. એટલે કેટલીક વાસ્તવિકતાઓ મને ખબર છે. દેશ વિવિધતાથી ભરેલો સુંદર છે, જેમાં એકતા રહેવી જોઇએ.
યુવા પેઢીને શું સંદેશ?
આપણો દેશ શ્રેષ્ઠ દેશ છે. એના લોકો, પ્રદેશ, સંસ્કૃતિને જાણો. મ્યુઝિક ઇન્ટ્ર્યુમેન્ટ, દંતકથાઓ અને આદિવાસી સંસ્કૃતિમાં પણ કેટલી બધી વૈવિધ્યતા છે, એને સમજવી જોઇએ. મારી પાસે શરુઆતમાં એટલા પૈસા નહોતા પણ હું થેલો લઇને નીકળી પડ્યો. અત્યારે દરેક શહેર રાજ્યમાં મારા મિત્રો છે. વિપરિત પરિસ્થિતિઓમાં રહેતી કેટલીક મહિલાઓને તૈયાર કરી, જેમણે અસંખ્ય કામો કર્યા અને રાજકીય ક્ષેત્રે પણે પોતાનું નામ આગળ કર્યું.
અમદાવાદના રંગમંચ સાથેના કાર્યક્રમ વિશે..
મન્વિતાના પિતાજી હસમુખ બારડીને હું જાણતો હતો. એકવાર ગુજરાતના પ્રવાસ વખતે મન્વિતા સાથેની મુલાકાતવેળાએ એની વાતો વિચારોનું આદાન પ્રદાન થયું. એક નાટક પર વર્કશોપ અને ફિસ્ટિવલ ઉજવવાનું નક્કી કર્યું. અમદાવાદનો ડિઝાઇન કરેલો ‘ઓલ એબાઉટ નાટક’ ફેસ્ટિવલ રાજુ બારોટને સમર્પિત કર્યો.
કાશ્મીરની ગલીઓની યાદો સંવેદનાને લઇને તમામ સંસ્ક઼તિને અપનાવી ફરતાં આ કલાકાર અત્યારે અમદાવાદના આંગણે છે. અહીં હસમુખ બારાડીની ધરોહર ટી.એમ.સી ખાતે ડાયરેક્ટર મન્વિતા બરાડી સાથે મળી એમ.કે. રૈના ગુજરાતી રંગભૂમિના મહોત્સવનું સંકલન કરશે.
મુંબઈમાં ગુડી પાડવા 2026 ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. નૌવારી સાડી અને કુર્તા-પાયજામા પહેરેલા લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો. ઢોલ, નરાગા સાથે રંગબેરંગી પોશાકમાં સૌએ ઉત્સવનું વાતાવરણ ઉભુ કર્યુ હતું.
ગુડી પાડવા એ મરાઠી નવું વર્ષ છે, જે મહારાષ્ટ્રના મુખ્ય તહેવારોમાંનો એક છે. આજે મુંબઈમાં ગુડી પાડવાની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી. મુંબઈના ગિરગાંવ, માહિમ અને મલાડના રસ્તાઓ પર લોકો વહેલી સવારથી જ જોવા મળ્યા હતા. તેઓએ આનંદ અને ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરી.
મુંબઈગરાઓ પરંપરાગત પોશાકમાં બહાર આવ્યા હતા. મહિલાઓ નૌવારી સાડીઓ અને પરંપરાગત ઘરેણાંમાં સજેલી જોવા મળી હતી, જ્યારે પુરુષો કુર્તા-પાયજામા અને કેસરી પાઘડીમાં ઉત્સવમાં જોડાયા હતા.
ગુડી પાડવા દરમિયાન શોભાયાત્રા પણ નિકળે છે. આ વર્ષે ગુડી પાડવાનો તહેવાર મુંબઈની દેવીઓ પર કેન્દ્રિત હતો. આ થીમને અનુસરીને, પરંપરાગત પોશાકમાં મહિલાઓ શેરીઓમાં જોવા મળી હતી. કેટલીક સિંહ આકારની પાલખી પર આવી હતી, જ્યારે અન્યએ સ્કૂટર પર સવારી કરી હતી. તેઓએ રાણી લક્ષ્મી બાઈથી લઈને દેવી દુર્ગા સુધીની શક્તિશાળી મહિલાઓનો દેખાવ અપનાવ્યો હતો, જે પ્રેરણાદાયક હતો.
ગિરગાંવની શેરીઓમાં એક રંગબેરંગી શોભાયાત્રા નીકળી, જ્યાં લોકો ઢોલ અને ઝાંઝના તાલ પર નાચતા હતા, સાથે ફ્લોટ્સ પણ હતા. સહભાગીઓએ વિજય, સમૃદ્ધિ અને ખુશીના પ્રતીક તરીકે ઢીંગલીઓ, રંગબેરંગી કપડાં, લીમડાના પાન અને કળશને શણગાર્યા હતા.
નવી દિલ્હીઃ CBI એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ગુરુવારે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) અને તેમના વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી રૂ. 2929 કરોડની કથિત છેતરપિંડીની ફરિયાદને આધારે નોંધાયેલા કેસ સંબંધિત છે, એવી માહિતી અધિકારીઓએ આપી હતી. અંબાણી સવારે આ મામલે પૂછપરછ માટે એજન્સીના મુખ્યાલય પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ એજન્સીએ બેંક દ્વારા કંપનીને આપવામાં આવેલી લોનના કથિત દુરુપયોગ અને અન્ય ગેરરીતિઓના આરોપોની તપાસ શરૂ કરી છે.
અનિલ અંબાણીના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે અનિલ અંબાણી 19 અને 20 માર્ચ 2026એ દિલ્હીમાં CBI સમક્ષ હાજર રહેશે, જ્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા RCom સંબંધિત કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધાયેલી FIR મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે અંબાણીનું હાજર થવું તમામ તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહકાર આપવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.શું છે અનિલ અંબાણી છેતરપિંડી કેસ?
અધિકારીઓએ જણાવ્યું હતું કે CBI એ SBI સાથે કથિત રીતે રૂ. 2929.05 કરોડની છેતરપિંડીના આરોપ હેઠળ ગયા વર્ષે ઓગસ્ટમાં અંબાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. SBIની ફરિયાદ હવે FIRનો ભાગ બની છે. ફરિયાદ મુજબ કંપની પર વિવિધ ધિરાણકર્તાઓના રૂ. 40,000 કરોડથી વધુ બાકી છે, જેને કારણે જાહેર ક્ષેત્રની બેંકને રૂ. 2929.05 કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આ આંકડા વર્ષ 2018ના છે.
CBIએ અંબાણી અને RCom વિરુદ્ધ આપરાધિક કાવતરું, છેતરપિંડી અને આપરાધિક વિશ્વાસઘાતના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે. CBIના પ્રવક્તાએ ગયા વર્ષે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે આરોપ છે કે આરોપીએ કાવતરા હેઠળ ખોટી માહિતી રજૂ કરીને SBI પાસેથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ માટે લોન સુવિધાઓ મંજૂર કરાવી હતી. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે અનિલ ડી. અંબાણી તમામ આરોપોને નકારી રહ્યા છે અને કાનૂની રીતે પોતાનો બચાવ કરશે.