Home Blog Page 1710

બંગલાદેશના કયા ક્રિકેટરે બનાવ્યો સૌથી અણગમતો રેકોર્ડ, જાણો…

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં ક્રિકેટર કોઈ પણ રેકોર્ડ બનાવે છે તો કોઈ રેકોર્ડ તોડે પણ છે, પણ ક્યારેક અણગમતા રેકોર્ડ પણ બની જાય, જેને કોઈ પણ ક્રિકેટર પોતાને નામે નહીં કરવા ઇચ્છે. બંગલાદેશના ક્રિકેટર સાથે કંઈ એવું થયું, જે પહેલાં ક્યારેય નથી થયું. બંગલાદેશનો મહમુદુલ્લા વિશ્વનો સૌથી અનલકી ક્રિકેટર બન્યો છે, કેમ કે તેને નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે…

T20 વર્લ્ડ કપની સુપર આઠમાં બંગલાદેશને ઓસ્ટ્રેલિયે વરસાદના વિઘ્નવાળી મેચમાં 28 રને હરાવી દીધો છે. આ મેચમાં બંગલાદેશની ઇનિંગ્સ દરમ્યાન મહમુદુલ્લા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સનો શિકાર થયો હતો. પેટ કમિન્સે હેટ્રિક વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. આ હેટ્રિક વિકેટમાં મહમુદુલ્લાની વિકેટ પણ સામેલ છે.

મહમુદુલ્લા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છઠ્ઠી વાર હેટ્રિક વિકેટ દરમ્યાન આઉટ થયો હતો. આવો અણગમતો રેકોર્ડ સૌપ્રથમ વાર કોઈ ક્રિકેટરને નામે ક્રિકેટ વિશ્વમાં જોડાયો છે. બીજી બાજુ T20Iમાં એ બંગલાદેશની વિરુદ્ધ સાતમી હેટ્રિક હતી, જે કોઈ પણ ટીમની વિરુદ્ધ સૌથી વધુ અધિક છે. સાત હેટ્રિકમાંથી બંગલાદેશી બેટ્સમેન મહમુદુલ્લા ત્રણ વાર હેટ્રિક દરમ્યાન આઉટ થયો હતો. મહમુદુલ્લા હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છ હેટ્રિકમાં સામેલ થઈ ચૂક્યો છે. –ત્રણ વાર T20Iમાં, બે વાર વનડેમાં અને એક વાર ટેસ્ટમાં.

ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચમાં મહમુદુલ્લા માત્ર બે રન બનાવીને પેટ કમિન્સના બોલમાં બોલ્ડ થયો હતો. આ મેચમાં કમિન્સે ચાર ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સુપર આઠમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી મેચ હતી.

 

 

 

 

 

 

 

ન્યૂઝ એન્કર્સ, વર્ચ્યુઅલ ટીચર્સ પછી હવે ચૂંટણીમાં AI ઉમેદવાર

લંડનઃ વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નિકનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. હોલિવુડ ફિલ્મોની કલ્પનાથી આગળ નીકળીને AI ટેક્નિકનો ઉપયોગ હવે અમારા જીવનનો હિસ્સો બની ગઈ છે. ન્યૂઝ એન્કરથી માંડીને વર્ચ્યુઅલ ટીચર્સ સુધી AIની મદદ લેવામાં આવે છે. હવે આ ટેક્નિક હરણફાળ ભરી રહી છે.

વાસ્તવમાં સૌપ્રથમ વાર એક AI ઉમેદવાર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. વળી, એ કોઈ પંચાયત કે બ્લોકમાં નહીં, પરંતુ દેશની સંસદની ચૂંટણીમાં એ વર્ચ્યુઅલ ઉમેદવાર પોતાનો દાવો ઠોકવાની તૈયારીમાં છે.

AI ઉમેદવારનો ચૂંટણી લડવાનો દાવો બ્રિટનમાં થયો છે. ચોથી જુલાઈએ દેશની સંસદ માટે મતદાન કરવામાં આવશે. વાસ્તવમાં બ્રિટનની ચૂંટણી પર વિશ્વઆખાની નજર છે. વડા પ્રધાન ઋષિ સુનકે PMપદથી રાજીનામું આપ્યું છે અને દેશમાં સામાન્ય ચૂંટણી જાહેર કરી છે. અહીં ચૂંટણી માટે પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, જેમાં એક AI ઉમેદવાર AI સ્ટીવે પણ પોતાનું નામાંકન ભર્યું છે. જેથી ચૂંટણી અલગ જ ચર્ચાનો વિષય બની છે.

બ્રિટનની ચૂંટણીમાં AI ઉમેદવારને ઉતારવાનો આઇડિયા એક બિઝનેસમેન સ્ટીવ એન્ડાકોટનો છે. 59 વર્ષીય એન્ડાકોર્ટે નામાંકન પત્રમાં પોતાનું નામ AI સ્ટીવ લખ્યું છે અને ફોટાની જગ્યાએ એક જનરેટેડ ફોટો લગાવ્યો છે. એ AI જનરેટેડ એટલે કે AI સ્ટીવની જગ્યાએ ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આ રીતે સ્ટીવ ચૂંટણી લડવાવાળો વિશ્વનો પહેલો AI ઉમેદવાર બની ગયો છે.

 

 

 

 

 

 

 

 

હમારી ચાર…વિવાદાસ્પદ ફિલ્મનો મહિનો!

હિંદી સિનેમાના ઈતિહાસમાં કદાચ આ પહેલો એવો બનાવ હશે, જ્યારે એક જ સમયે એક નહીં, બે નહીં, પણ ચાર- ચાર ફિલ્મોએ વિવાદ જગાવ્યો. આ ફિલ્મો છેઃ ‘મહારાજ’, ‘હમારે બારહ’, ‘શાદી કા ડિરેક્ટર કરણ જોહર’ અને ‘જેએનયુ’. નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે કોર્ટમાં જઈને બબલુસિંહ દિગ્દર્શિત ‘શાદી કા ડિરેક્ટર કરણ જોહર’ની રિલીઝ અટકાવી. તો ‘યશરાજ ફિલ્મ્સ’ની ‘મહારાજ’ સામે અમુક પુષ્ટિમાર્ગી વૈષ્ણવોએ વાંધો ઉઠાવ્યો છે.

1861ના મુંબઈમાં 28 વર્ષી કપોળ વૈષ્ણવ કરસનદાસ મૂળજી નામના સુધારાવાદી, તેજસ્વી પત્રકારે પોતાના સામયિક ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રવર્તમાન અમુક કુરીતિઓ, અંધશ્રદ્ધા વિશે લેખ લખેલા. તે વખતે, ધર્મગુરુ જદુનાથ મહારાજે એક લેખને કેન્દ્રમાં રાખી કરસનદાસ તથા ‘સત્યપ્રકાશ’ છાપનાર મુદ્રક નાનાભાઈ રુસ્તમજી રાણિના પર મુંબઈ હાઈ કોર્ટમાં પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો કરેલો, જે ‘મહારાજ લાયબલ કેસ’ (અથવા ‘મહારાજ બદનક્ષી કેસ’) તરીકે ઓળખાયો. બ્રિટિશ જજે 1862ના એપ્રિલમાં કેસનો ચુકાદો આપ્યો, જેમાં કરસનદાસને નિર્દોષ જાહેર કર્યા. તેમને કેસ લડવાનો આશરે તેર હજાર રૂપિયા ખર્ચ થયેલો, એમાંથી 11,500 જદુનાથ મહારાજ પાસેથી મળે એવો હુકમ કર્યો. અમુક મહારાજોને દંડ પણ કરેલા.

આશરે 162 વર્ષ પહેલાં થયેલા આ કોર્ટ-કેસ પર પત્રકાર-લેખક સૌરભ શાહે ‘સત્યપ્રકાશ’ના અંકો મેળવીને, જદુનાથ મહારાજની પાંચમી પેઢીના વંશજ બાલકૃષ્ણલાલજી મહારાજને મળીને, સઘન રીસર્ચ બાદ નવલકથા લખીઃ ‘મહારાજ’. નવલકથાને 2017માં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું પારિતોષિક એનાયત થયેલું. આ જ પુસ્તક પરથી સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મ બનાવી છે, જે 14 જૂને નેટફ્લિક્સ ઉપર રજૂ થવાની હતી, પણ વચ્ચે કોર્ટકેસમાં રિલીઝ અટવાઈ અને છેલ્લા સમાચાર પ્રમાણે હવે હાઇકોર્ટે એના પરથી સ્ટે હટાવી લીધો છે અને રિલીઝનો માર્ગ મોકળો થયો છે. ‘મહારાજ’માં આમિર ખાનના બેટા જુનેદ ખાને પત્રકાર કરસનદાસની ભૂમિકા ભજવી છે, જ્યારે જયદીપ અહલાવત બન્યો છે મહારાજ. નવાઈ એ વાતની છે કે 1862માં જે ઘટના ઘટી, જેના વિશે કોર્ટ-કેસ થયો એ વિષય પર બનેલી ફિલ્મ સામે વાંધો કેવી રીતે ઉઠાવી શકાય? બીજી ગમ્મત એ કે વાંધો ઉઠાવનારા અનેક લોકોએ ‘મહારાજ’ પુસ્તક વાંચ્યું જ નથી. એ તો છોડો, વિવાદ શું એનીયે ગતામગમ નથી. એક સજ્જને એવું નિવેદન કર્યું કે “મહારાજની રિલીઝ પર માત્ર ગુજરાતનાં થિએટરો જ નહીં, બલકે દેશભરનાં થિએટર પર પ્રતિબંધ મુકાવો જોઈએ”. ભલાદમી, આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થવાની જ નથી, આ તો ઓટીટી પર રિલીઝ થવાની છે.

મારી વાત કરું તો, નવલકથા ‘મહારાજ’ મેં વાંચી છે, એના પરથી જેનું મંચન થયું એ ગુજરાતી નાટક પણ જોયું છે. એટલું કહી શકાય કે નવલકથા કે નાટક વૈષ્ણવસંપ્રદાય કે સનાતન હિંદુ ધર્મ વિરુદ્ધ નથી.

બીજી ફિલ્મ છેઃ કમલ ચંદ્ર દિગ્દર્શિત ‘હમારે બારહ’, જેના કેન્દ્રમાં છે મુસ્લિમસમાજની પિતૃસત્તાત્મક વ્યવસ્થા. પુરુષોની તુલનામાં સ્ત્રીને ઓછી આઝાદી તથા રૉકેટઝડપે વધતી વસતી તથા એના લીધે ઉદભવતી સમસ્યા. આમાં ઈસ્લામિક માન્યતાની ખોટી રજૂઆત થઈ છે એવી ફરિયાદના આધારે કોર્ટે રિલીઝ પર બ્રેક લગાવી હતી, પણ એ હવે રિલીઝ થઈ ગઈ છે.

તો વિનય શર્માની ‘જેએનયુ- જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ પણ રિલીઝ થઈ છે. દેશની પ્રખ્યાત, પણ વિવાદાસ્પદ યુનિવર્સિટીમાં સૌરભ શર્મા (સિદ્ધાર્થ બોડકે) ઍડમિશન મેળવે છે. થોડા સમયમાં એ જુએ છે કે કૅમ્પસ પર અમુક ડાબેરી, નક્સલ વિચારસરણીવાળા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાડે છે. સૌરભ દેશવિરોધી લાગતા આવા વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. અત્યંત ટૂંકી દષ્ટિથી બનેલી આ ફિલ્મમાં કશો ભલીવાર નથી. ન્યુબૉર્ન બેબી પણ કહી શકે કે આ ફિલ્મ પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પર આધારિત છે. મુશ્કેલી એ છે કે આટલી પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાં બનેલા છૂટાછવાયા પ્રસંગો પર કૅમેરા ગોઠવીને એના ભવ્ય ભૂતકાળને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. આમાં બેસ્ટ છેઃ વિજય રાઝ અને રવિ કિશન. બન્ને પોલીસ અધિકારી છે, જેમને યુનિવર્સિટીમાં બનેલી અમુક ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. બન્ને વચ્ચેનો સંવાદ 150 મિનિટની આ ફિલ્મની હાઈલાઈટ બની છે. એવી જ રીતે પીયૂષ મિશ્રાની ટૂંકી ભૂમિકા અને એનું સોંગ પ્રભાવી છે.

જે લોકો નિયમિત બદામનું સેવન કરે છે એ આ ફિલ્મ જોઈને એનાં પાત્રોનો ઓળખી પાડશે. જો કે કોર્ટે સ્ટુડન્ટમાંથી રાજકારણી બનેલા કન્હૈયા કુમાર, ઍક્ટિવિસ્ટ ઉમર ખાલિદ, પત્રકાર રવિશ કુમાર, ન્યુઝ ચેનલ ‘એનડીટીવી’ તથા અમુક રાજકીય નેતા, સંસદસભ્યના રેફરન્સ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે. વિનય શર્માએ ડિરેક્ટ કરેલી ‘જેએનયુ’ સરેરાશથી યે ઊતરતી કક્ષાની ફિલ્મ છે.

સ્વીમર્સે કરી જળયોગથી વિશ્વ યોગ દિવસની ઉજવણી

21 મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરના જીમખાના સેકટર ૧૯ ના સ્વીમર્સ દ્વારા જળયોગથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂનની અનોખી ઉજવણી ગાંધીનગર સેકટર – ૧૯ જીમખાનાના ૩૦ જેટલા  સ્વીમર્સે સ્વીમીંગ કોચ રાકેશ ભટ્ટ (મામા)ના માર્ગદર્શનમાં સ્વીમીંગપુલમાં જળયોગ દ્વારા કરી હતી. આ પુલમાં નિયમિત અને સ્વીમીંગ માટે આવતા વરીષ્ઠ સ્વીમર ઉદય વૈશ્નવે તાડાસન,પદ્માસન વગેરે આસનો પાણીની સપાટી પર રહીને કર્યા હતા.

ઉલ્લેખનીય છે આજે વિશ્વભરમાં જુદા-જુદા ક્ષેત્રના લોકો ભિન્ન-ભિન્ન રીતે યોગ દિવસની ઉજવણી કરે છે ત્યારે આ સ્વીમર્સ દ્ધારા કરવામાં આવેલી યોગ દિવસની ઉજવણી અનોખી હતી. ઉલ્લેખનીય છે કે ‘વિશ્વ યોગ દિવસે જમીન ઉપર યોગ કરીને ઉજવણી કરવાની સાથે હવે પાણીમાં પણ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે પાણીમાં યોગ કરવામાં ખૂબ સાવચેતી રાખવી પડતી હોય છે. ત્યારે આ સ્વીમર્સે જળયોગ દ્ધારા અનેક પ્રકારના યોગ કર્યા.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી..

શાંતિ બિઝનેસ સ્કૂલે સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારીના મહત્વ પર ભાર મૂકતા એક ઉત્સાહપૂર્ણ યોગ સત્ર સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. સંતુલિત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા આ ઇવેન્ટમાં અધ્યાપકો અને સ્ટાફની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી.

યોગ વિજ્ઞાનમાં પીએચડી સ્કોલર ઝીલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો ઉદ્દેશ્ય તણાવ દૂર કરવા, શારીરિક તંદુરસ્તી વધારવા અને કર્મચારીઓમાં વિવિધ આસનો , મુદ્રાઓ,અને પ્રાણાયામ દ્વારા યોગના મહત્વ પર ભાર મૂકવાનો હતો.

શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ યોગને દિનચર્યામાં સમાવવાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે “આજના ઝડપી વિશ્વમાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે. યોગ એ એક શક્તિશાળી માધ્યમ છે જે આપણા શરીરને માત્ર મજબૂત જ નહીં પરંતુ આપણા મનને પણ તેજ બનાવે છે. શાંતિ બિઝનેસ સ્કૂલમાં, અમે માનીએ છીએ કે શિક્ષણમાં પાઠ્યપુસ્તકો ઉપરાંત બીજુ ઘણું બધું છે; તેમાં અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની એકંદર સુખાકારીનું સંવર્ધન પણ શામેલ છે.”

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણીમાં  સ્ટ્રેચિંગ, ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ અને મેડિટેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે તમામ ફિટનેસ સ્તરોને અનુરૂપ છે. યોગના ફાયદા અને સ્વસ્થ જીવનશૈલી જાળવવાના મહત્વ વિશે સંક્ષિપ્ત સેમિનાર યોજાયો હતો. વિષયોમાં તણાવ વ્યવસ્થાપન, ઉત્પાદકતા પર નિયમિત કસરતની અસર અને સંતુલિત આહાર માટે આહારની ટીપ્સનો સમાવેશ થાય છે. સહભાગીઓને યોગ પ્રશિક્ષક સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી, અને વ્યક્તિગત સ્વાસ્થ્ય અને ફિટનેસ સંબંધિત તેમના પ્રશ્નોને સંબોધિત કરવામાં આવ્યા હતા.

પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે યોગી સરકાર લાવશે નવો કડક કાયદો

નવી દિલ્હીઃ મેડિકલ પરીક્ષ NEET UGમાં ગરબડને લઈને ચાલી રહેલી બબાલની વચ્ચે UPની યોગી સરકારે જાહેર કર્યું છે કે કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે એક સખત કાયદો બનાવવામાં આવી રહ્યો છે. આ કાયદાના દાયરામાં પેપર લીક કરાવવાળા અને સાલ્વર ગેંગના લોકો હશે.

પેપર લીક કરાવનારા સામે હવે સરકારે કાયદા હેઠળ આવા લોકોની વિરુદ્ધ રૂ. એક કરોડ અથવા એનાથી વધુ ભારે દંડ લગાવશે અને જેલ મોકલવાની કાર્યવાહી કરશે. આ ઉપરાંત તેમના ઘર પર બુલડોઝર પણ ચાલશે. કાયદામાં એને લઈને જોગવાઈ કરવામાં આવી રહી છે.

UP સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને ગરબડ રોકવા માટે એક નીતિની પણ ઘોષણા કરી છે. સરકાર એવી વ્યવસ્થા કરવા જઈ રહી છે કે દરેક પાળીમાં બે કે એનાથી વધુ પેપર સેટ જરૂર રહેશે. બધાની પ્રિન્ટિંગ કરાવવાની જવાબદારી અલગ-અલગ એજન્સીને સોંપવામાં આવશે. પેપર કોડિંગને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. બધા ક્વેશ્ચન પેપરમાં ખાનગી કોડ હશે. બધા પાનાં પર ખાનગી સુરક્ષા ચિહન હશે- એટલે કે યુનિક બારકોડ, QR કોડ, યુનિક સિરિયલ નંબર રહેશે. એને લાવવા-લઈ જવાના બોક્સ ટેમ્પર પ્રૂફ મલ્ટિ લેયર પેકેજિંગ રહેશે.

પ્રોફેસરોને પ્રશ્ન પત્રોને તૈયાર કરવા માટે ઘણો સમય આપવામાં આવશે, એટલે કે પેપરોમાં કોઈ પણ પ્રકારની ખામી રોકવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા નિયંત્રક નિયમિત રૂપે નિરીક્ષણ કરશે. ત્યાં મોબાઇલ કે સ્માર્ટ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. આ કામમાં લાગેલા લોકોને બહારના લોકોથી મળવાની મનાઈ રહેશે.

 

કોણ છે એ વ્યક્તિ જેના ચરણ સ્પર્શ કર્યા અમિતાભ બચ્ચને

મુંબઈ: પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની અભિનીત ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ મુંબઈમાં આગામી ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. આ ઉપરાંત કલ્કિ 2898 એડીની ટીમ પણ આ ઇવેન્ટમાં હાજર હતી. આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે, પરંતુ સૌથી વધુ જે વીડિયોની ચર્ચા થઈ હતી તે એક એવો વીડિયો હતો જેણે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, તમે અત્યાર સુધી અન્ય સ્ટાર્સને અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરતા અને તેમના આશીર્વાદ લેતા જોયા હશે. પરંતુ, કલ્કિ 2898 એડીની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં બિગ બીએ પોતે એક વ્યક્તિના પગ સ્પર્શ કર્યા હતા. ઈવેન્ટમાંથી બિગ બીનો આ વીડિયો સામે આવ્યા બાદ, દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે ભીડમાં અમિતાભ બચ્ચને જેના પગને સ્પર્શ કર્યા તે કોણ છે. તો ચાલો તમને આ સામાન્ય દેખાતા ખાસ વ્યક્તિ વિશે જણાવીએ.

કલ્કિ 2898 એડીની પ્રી-રિલિઝ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચને કોના પગને સ્પર્શ કર્યો હતો?

કલ્કી 2898 એડીની પ્રી-રિલિઝ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચને જેના પગને સ્પર્શ કર્યો તેમનું નામ અશ્વિની દત્ત છે. નવાઈની વાત એ છે કે અમિતાભ બચ્ચન પોતે અશ્વિની દત્ત કરતાં 8 વર્ષ મોટા છે, છતાં જ્યારે અશ્વિની સ્ટેજ પર આવ્યા ત્યારે બિગ બીએ તેના પગને સ્પર્શ કર્યો હતો. આવી સ્થિતિમાં અશ્વિની દત્તે પણ અમિતાભ બચ્ચનને પગ સ્પર્શ કરીને માન આપ્યું હતું.

કોણ છે અશ્વિની દત્ત?

અશ્વિની દત્તની વાત કરીએ તો તે સાઉથ સિનેમાના જાણીતા નિર્માતા છે. તેઓ ‘કલ્કી 2898 એડી’ના નિર્માતા અને વૈજયંતી ફિલ્મ્સના માલિક પણ છે. અશ્વિની દત્તે 1974માં વૈજયંતિ ફિલ્મ્સની સ્થાપના કરી હતી અને આ બેનર હેઠળ તેણે છેલ્લા ચાર દાયકામાં ટોલીવુડની કેટલીક સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હવે વૈજયંતિ ફિલ્મ્સની સંપૂર્ણ કમાન અશ્વિની દત્તની પુત્રીઓ પ્રિયંકા દત્ત અને સ્વપ્ના દત્ત સંભાળે છે. આ ફિલ્મના દિગ્દર્શક નાગ અશ્વિન છે, જેની સાથે અશ્વિની દત્તની પુત્રી પ્રિયંકા દત્તના લગ્ન થયા છે.

ટોલીવુડની ઘણી પ્રતિષ્ઠિત ફિલ્મોનું નિર્માણ કર્યું
અશ્વિની દત્તે તેની કારકિર્દીમાં ANR, NTR, ચિરંજીવી, વેંકટેશ, કૃષ્ણમ રાજુ, કૃષ્ણા, શોભન બાબુ, નાગાર્જુન, બાલકૃષ્ણ, અલ્લુ અર્જુન, મહેશ બાબુ, રામ ચરણ અને જુનિયર NTR અભિનીત બ્લોકબસ્ટર ફિલ્મોને સમર્થન આપ્યું હતું. ચિરંજીવી અને શ્રીદેવી અભિનીત ‘જગડેકા વીરુડુ અથિલોકા સુંદરી’ (1990) ની ગણતરી વૈજયંતી ફિલ્મ્સ દ્વારા નિર્મિત શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. આ પણ અશ્વિનીની પોતાની મનપસંદ ફિલ્મોમાંથી એક છે.

અમિતાભ બચ્ચને અશ્વિની દત્તના વખાણ કર્યા હતા
કલ્કી 2898 એડીના પ્રી-રિલિઝ ઇવેન્ટમાં હાજરી આપવાના તેમના કારણ વિશે વાત કરતી વખતે અમિતાભ બચ્ચને પણ અશ્વિની દત્તની પ્રશંસા કરી હતી. અશ્વિની દત્તના વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે – ‘સૌથી સરળ અને નમ્ર વ્યક્તિ જેને હું આજ સુધી મળ્યો છું. જ્યારે પણ તમે સેટ પર હોવ ત્યારે તે સેટ પર પહોંચનાર સૌથી પહેલા હોય છે. તે પોતે તમને રિસીવ કરવા એરપોર્ટ પર આવે છે. જ્યારે પણ આપણે એવું કંઈક કરીએ છીએ જે તેમને લાગે છે કે તે ન કરવું જોઈએ કારણ કે તેનાથી તમને નુકસાન થશે, ત્યારે તેઓ આ સ્ટંટ કરવાની ના પાડી દે છે. અથવા તેઓ પૂછે છે કે તમે સાવચેતી લીધી છે કે નહીં. દરેક જણ તેના જેવું વિચારી શકતું નથી.’

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
આ સિવાય તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું – ‘હું પ્રમોશનલ ઈવેન્ટ્સથી દૂર રહું છું, તેથી હું ફિલ્મોના પ્રમોશનમાં ભાગ્યે જ ભાગ લઉં છું. પરંતુ, સૌથી નમ્ર પ્રોડક્શન ટીમ માટે અને એ પણ એવી ટીન જેની હેડ પુત્રીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ હકીકત વ્યક્તિગત પસંદગીથી આગળ છે. નિર્માતા અને દિગ્દર્શકના વિઝનનો એક ભાગ બનવા માટે તેમની આશ્ચર્યજનક રીતે અલગ વિચારસરણીનો એક ભાગ બનવા માટે,મેં ન તો તેના વિશે વિચાર્યું હતું કે ન તો તેની નજીક આવ્યો હતો.

અમદાવાદમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી..

અમદાવાદ: હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે વ્રત 21 જૂન શુક્રવારે કરવામાં આવશે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે.

જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ હોય છે. વટ સાવિત્રી વ્રત અને ઉત્સવો, તહેવારો વખતે ઘટાદાર વડના વૃક્ષ નીચે મહિલાઓ વિશેષ પૂજા અર્ચના કરે છે.

વહેલી સવારથી જ અમદાવાદ શહેરના મંદિરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ વટ સાવિત્રી વ્રતની પૂજા કરતી જોવા મળી. મંદિરની સાથે માર્ગો પર આવેલા વિશાળ વડની પણ પૂજા થઈ. નવ વસ્ત્ર, પુષ્પ, પૂજા સામગ્રી અને સુતરની આંટી સાથે પ્રદક્ષિણા કરી વટ સાવિત્રી વ્રતે હજારોની સંખ્યામાં મહિલાઓએ વડનું પૂજન કર્યુ. 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવાનો ઠરાવ અપનાવવામાં આવ્યો ત્યારથી દર વર્ષે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની (Yoga Day 2023) ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂન 2024 ના રોજ પૂરા ઉત્સાહ સાથે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોએ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

આયુષ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ યોગ અને ધ્યાન સત્ર હાથ ધરવામાં આવ્યું હતું. આ યોગ સત્રમાં વિવિધ આસનો (સ્ટ્રેચિંગ, સ્ટેન્ડિંગ, સિટિંગ, પ્રોન, સુપિન અને શ્વાસ લેવાની કસરત વગેરે) અને ધ્યાનનો સમાવેશ થાય છે.

એર માર્શલ નર્મદેશ્વર તિવારી, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વાયુ સેવા મેડલ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને રિચા તિવારી, AFFWA પ્રમુખ (પ્રાદેશિક) એ મુખ્ય મથક SWAC ખાતેના સત્રમાં હાજરી આપી હતી. AOC-in-C એ સહભાગીઓને આરોગ્ય અને સુખાકારી માટે તેમના રોજિંદા સમયપત્રકમાં યોગનો સમાવેશ કરવા માટે આગ્રહ કર્યો.

સુરતના ઐતિહાસિક કિલ્લામાં સી.આર.પાટીલની હાજરીમાં યોગ દિનની ઉજવણી

સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.

આ અવસરે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)