Home Blog Page 1713

ગપસપ, બાળકોને ભવિષ્યના નિર્ણય લેવામાં મદદરૂપ?

દરેક બાળકના માતા-પિતા મોટે ભાગે પોતાના બાળકોની મિત્રતા સારી છે કે નહીં તે ચકાસતાં હોય છે. કેમ કે, બાળકો પર તેમની આસપાસના વાતાવરણ, મિત્રતાની ઘણી જ ઉંડી છાપ લાંબા ગાળા માટે રહી જાય છે!

તો આવી જ બાબતોને લગતા વર્તમાનમાં અનેક અભ્યાસ થઈ રહ્યાં છે. મનોવિજ્ઞાન એટલું વિકસિત થઈ રહ્યું છે કે, બાળકોના વિકાસને લગતા દરેક પાસાંને લઈને જરૂરી અભ્યાસો થઈ રહ્યાં છે.આવા જ એક અભ્યાસ મુજબ, બાળકો તેમના મિત્રો સાથે ભેગા મળીને આપસમાં ગપ્પાં મારતા હોય છે. આપસની આ ગપસપ તેમને ભવિષ્યના મહત્વના નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે એવું તારણ નીકળ્યું છે!

ગપસપથી બાળકો તેમના માટે વિશ્વાસુ મિત્રને ઓળખી શકે છે. જો કે, વાતચીત સાચી હોય તો! જો આ જ ગપસપ ખોટી હોય, તેમાંની વાતો જો અફવા માત્ર હોય તો સામે છેતરાવાના જોખમ પણ ઉભા થઈ શકે છે!

બાળકો સતત શીખતા અને વિકાસ કરતા હોય છે. શરૂઆતના વર્ષોમાં તેમને મળતાં અનુભવો તેમના સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર મહત્વની અસર કરે છે. તાજો અભ્યાસ એ બાબત પર પ્રકાશ ફેંકે છે કે, કઈ રીતે રમતના મેદાન પરની સામાન્ય અફવાઓ સુદ્ધાં બાળકની તેમના સાથીદાર વિશેની ધારણાને પ્રભાવિત કરે છે.

‘રોયલ સોસાયટી ઓપન સાયન્સ’માં પ્રકાશિત અધ્યયનમાં, લેખકોએ લખ્યું છે કે, ‘નકારાત્મક ગપસપના આધાર પરથી બાળકો તેમનો આગામી વ્યવહાર શીખી શકે છે. તેઓ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધીને તે અનુસાર વર્તણૂંક કરી શકે છે. જેથી ભવિષ્યમાં કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે પનારો પડે તો તેને કારણે થતી હાનિકારક પરિસ્થિતિઓને ટાળી શકાય. એવી કોઈ વ્યક્તિ જે ખોટા ઈરાદાવાળી હોઈ શકે અને જે બાળકનું શોષણ અથવા નુકસાન કરી શકે છે.’

સંશોધકોને તપાસમાં જાણવા મળ્યું કે, કઈ રીતે બાળકો ગપસપની દુનિયામાં વિચરે છે. તેમણે જોયું કે, બાળકો અનેક સ્ત્રોતો દ્વારા મળતી સકારાત્મક અફવાઓને સહેલાઈથી સ્વીકારી લે છે. પરંતુ એની સામે અધ્યયનમાં બીજી ચિંતાજનક બાબત એ સામે આવી કે, કોઈ એક પણ નકારાત્મક અફવા તેમના માનસપટ પર એટલી ઉંડી છાપ છોડે છે કે, લક્ષિત સહાધ્યાયી સાથે મિત્રતા બનાવતા તેઓ બહુ જ સાવધ બની જાય છે.

આ એકતરફી વિશ્વાસ પાછળના કારણો હજુ અસ્પષ્ટ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, આ કુદરતી સંરક્ષણ તંત્ર કહીએ અથવા કહીએ કે, સ્વયંસ્ફુરણા હોઈ શકે છે. જે બાળકને એવી વ્યક્તિથી મિત્રતા કરતા બચાવે છે, જેનો તેમના ઉપર કદાચ સારો પ્રભાવ નથી રહ્યો.

જાપાનના સંશોધકોએ 7 વર્ષની વયજૂથના બાળકોને સારા, ખરાબ કે તટસ્થ ગપસપ સાથેના કઠપૂતળીના અમુક વિડિયો બતાવ્યા. તેમાં હકારાત્મક ગપસપ સાથેની કઠપૂતળીઓને બાળકોએ વધુ પુરસ્કૃત કરી. જ્યારે ફક્ત એક જ ખોટી અફવાએ તેનું મૂલ્યાંકન ઘટાડ્યું. અભ્યાસ સૂચવે છે કે, બાળકો સર્વસંમતિ તેમજ ન્યાયીપણાને વધુ મૂલ્ય આપે છે. સારા કાર્યોને પુરસ્કૃત કરે છે. જ્યારે નકારાત્મકતાને ઝડપથી સજા કરે છે.

અભ્યાસનું આ એક બહુ જ આશ્ચર્યજનક તારણ છે કે, બાળકો બહુવિધ બાતમીદારો તરફથી મળતી હકારાત્મક બાતમીને તરત સ્વીકારી લે છે. પરંતુ કોઈ એ જ વાત કોઈ એક તરફથી મળતી હોય તો તેને નથી સ્વીકારતા. જ્યારે, નકારાત્મક ગપસપ પર સ્ત્રોતોની સંખ્યાને ધ્યાનમાં ન લેતા, કોઈ એક તરફથી પણ મળતી નકારાત્મક બાતમીને તેઓ સાચી માનીને તેના પર પૂરો આધાર રાખી લે છે.

એક શબ્દનો સક્સેસ-મંત્રઃ સાતત્ય

બુધવાર, 19 જૂનના અખબારમાં એક સમાચાર વાંચવામાં આવ્યા કે મુંબઈની પ્રતિષ્ઠિત ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ ‘વીજેટીઆઈ’ના એક વિદ્યાર્થીને ‘ગૂગલ’ કંપનીએ ત્રણ મહિનાની ઈન્ટર્નિશપ અથવા ટ્રેનિંગની ઓફર કરી. આ માટે કંપની એને મહિનાના 5,90,000 રૂપિયા આપશે, ત્રણ મહિનાના 17,70,000 રૂપિયા. ઈન્ટર્નશિપ અથવા પ્રશિક્ષણ વિદ્યાર્થીએ પેરિસમાં લેવાનું રહેશે.

હવે જરા વિચાર કરીએ કે આવી તોતિંગ અને પ્રતિષ્ઠિત કંપનીની ઈન્ટર્નશિપની ઓફર શું એ વિદ્યાર્થીને રાતોરાત મળી ગઈ હશે? કેટલાં વર્ષની મહેનત, તપસ્યા આ પાછળ હશે?

વિશ્વવિખ્યાત કંપની ‘માઈક્રોસોફ્ટ’ના સ્થાપક બિલ ગેટ્સ એક વાર અમેરિકાની કોઈ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરી રહ્યા હતા. પોતાના અનુભવનો નિચોડ રજૂ કરતાં એમણે કહ્યું કે ‘તમે શાળા કે કૉલેજ કે યુનિવર્સિટીમાંથી બહાર નીકળશો એટલે તરત વર્ષે ૬૦,૦૦૦ ડૉલર કમાવાનું શરૂ કરી શકવાના નથી કે પછી કોઈ મોટી કંપનીના ઉચ્ચ હોદ્દેદાર બની ગાડીમાં ફરવાલાયક બની જવાના નથી. ત્યાં સુધી પહોંચવા માટે તમારે તેને લાયક બનવું પડશે.’

બિલ ગેટ્સના કહેવાનો અર્થ એ હતો કે વિદ્યાર્થીઓએ સાતત્યપૂર્ણ પરિશ્રમ કરવો પડશે, જે તેમણે પોતે કર્યો હતો. એમણે આગળ કહ્યું કે, ‘જીવન એ શાળાનાં સત્રોની જેમ મહિનાઓમાં વહેંચાયેલું હોતું નથી તેમ જ એમાં તમને સમર વેકેશન પણ મળતું નથી.’

આજના ઝડપી જમાનામાં કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ વધવું હોય, ઊંચ્ચ પદ પર પહોંચવું હોય તો સાતત્યપૂર્ણ કામ કરવું અતિ આવશ્યક છે. સાતત્ય એટલે સતત કે વારંવાર કરવામાં આવતી ક્રિયા. સાતત્યને અંગ્રેજીમાં કન્ટિન્યુઈટી કહે છે. સાતત્યને તમે નિયમિતતા પણ કહી શકો. જે કામ તમે સતત કરો અથવા સાતત્યપૂર્ણ કરો તો એ કામ સિદ્ધ થાય જ છે.

બિહારના માઉન્ટ મેન તરીકે પ્રખ્યાત દશરથ માંઝીનો કિસ્સો આપણે જાણીએ છીએ. એમણે એકલા હાથે પહાડ કાપીને 110 મીટર લાંબો રસ્તો બનાવેલો. 1960માં એમણે આ ભગીરથ કાર્યનો આરંભ કર્યો. રોજ સવારે એ હથોડી છીણી લઈને નીકળી પડતા. 1982માં એમનું કામ પૂર્ણ કરીને જ જંપ્યા. 2007માં 73 વર્ષની વયે એમનું અવસાન થયું… આપણી ગરવીલી ગુજરાતીમાં પેલી કહેવત છેનેઃ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય.

વિદ્યાનગરના એક સમયના પ્રસિદ્ધ પ્રોફ્સર અને ગણિતના મહાવિદ્વાનને તેમની સફ્ળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું: ‘રોજની ૧૮ કલાક મહેનત, ૨૦ વર્ષ સુધી નો સન્ડે, નો હોલિડે, નો વેકેશન.’

હવે, ધારો કે, રૉકેટના લૉન્ચિંગ વખતે જરૂરી પ્રમાણમાં એને સતત ઈંધણ ન મળે તો? તો તે હેઠું પડે. કાર કે બાઈકના એન્જિનને સતત મળતાં પેટ્રોલમાં ઍર કે કચરો આવી જાય તો? ડચકાં ખાય. જેમ એમાં ઈંધણનો સતત પ્રવાહ વહેતો રહેવો જોઈએ તેવી જ રીતે જીવનમાં પણ સફ્ળતા પામવા માટે સાતત્યતા રૂપી ઈંધણ જોઈએ.

 

ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત ગ્રંથમાં આ વાતને સમજાવતાં કહે છે: ‘પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી બીજા દિવસે અથવા ત્રીજા દિવસે તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તો તેમ કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં; કાં જે, આગલા દિવસનું જળ આગલા દિવસે સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલા દિવસે સુકાઈ જાય. જો આંગળી જેવી નાની જ, પણ સતત પાણીની સેર (ધાર) વહેતી હોય તો ધરો પાણીથી ભરાઈ જાય.’

રમત કે બિઝનેસ, વિજ્ઞાન કે કલા, કોઈપણ ક્ષેત્ર હોય, અરે, અધ્યાત્મ ક્ષેત્ર કેમ ન હોય? તેમાં પણ સાતત્ય વિના ચાલે તેમ નથી. બી.એ.પી.એસ. સંસ્થાની કીર્તિમાં સમયે સમયે યશકલગી ઉમેરતા રહેનાર પ્રમુખસ્વામી મહારાજે વર્ષો સુધી ક્યારેય હોલિડે કે વેકેશન પાડ્યું નહોતું. અનેકવિધ બીમારીમાં પણ સતત કાર્યશીલ તેઓશ્રી 85 વર્ષે દિલ્હી-અક્ષરધામ તથા 91 વર્ષે સચિત્ત-આનંદ વૉટર-શોનું જેવાં વિશ્વવિખ્યાત સર્જન કરી શકતા, કારણ વર્ષો સુધીનો એકધારો પુરુષાર્થ.

જેમ સૂર્ય-ચંદ્ર-નક્ષત્રો તેમની દિનચર્યા અતૂટ નિયમિત રાખે છે, તેથી જ બ્રહ્માંડોની સ્થિતિ,પરિસ્થિતિ સમતોલ રહે છે અને જીવપ્રાણીમાત્રનું જીવન સરળ ને સહજ રીતે ગતિમાન છે તેમ વ્યક્તિ પણ તેની દિનચર્યા અતૂટ નિયમિત રાખે તો જ તેનું અને તેના પરિવારનું જીવન સરળ, સહજ અને સુખી બની રહે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

મિર્ઝાપુર 3નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

છેલ્લા બે વર્ષથી ચાહકો ‘મિર્ઝાપુર સિઝન 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ શોનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં ‘બાબુ જી’ (કુલભૂષણ ખરબંદા) ના અવાજે કહ્યું હતું કે ‘સિંહ હજી ઘાયલ છે, પરંતુ ચોક્કસ પાછો આવશે’. હવે આ સિરીઝનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ‘મિર્ઝાપુર’ સિરીઝ તેની રાજનીતિ, ડ્રામા અને રક્તપાત માટે જાણીતી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ જોવા મળશે.

મિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ

ટ્રેલરની શરૂઆત નેતાજી તેમના ભાષણની પ્રેક્ટિસ કરતા થાય છે. તેમનું કહેવું છે કે નિર્દોષ જાન અને સંપત્તિના નુકસાનને કારણે તેમનું હૃદય કોરોનાથી ભરાઈ ગયું છે. આ પછી આવે છે ગુડ્ડુ પંડિત (અલી ફઝલ), જે મિર્ઝાપુર પર રાજ કરવા તૈયાર છે. હાથમાં મોટો હથોડો લઈને ગુડ્ડુએ ચાર રસ્તા પર સ્થાપિત કાલિન ભૈયા (પંકજ ત્રિપાઠી)ની પ્રતિમાને તોડી નાખી છે. કાલિન ભૈયાની મેહરૂ બીના ત્રિપાઠી (રસિકા દુગ્ગલ) હવે ગુડ્ડુ સાથે છે. તેથી ગોલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી) કંઈક મોટું કરવાનું વિચારી રહી છે.

‘મિર્ઝાપુર 3’ એક્સેલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન બેનર હેઠળ બનાવવામાં આવી છે. તેના નિર્દેશક ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે. આ શોમાં પ્રશંસકોના મનપસંદ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલાંગ, શીબા ચઢ્ઢા, મેઘના ચા મલિક અને મન ચાહડ જેવા તેજસ્વી કલાકારો હતા. આવવાના છે. આ દસ એપિસોડની શ્રેણી 5 જુલાઈ, 2024થી પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

NEET પેપર લીક કેસઃ દિલ્હીથી પટના સુધી રાજકારણમાં ગરમાવો

પટનાઃ સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મામલે લાલ આંખ કર્યા પછી પ્રતિ દિન નવા ખુલાસા થઈ રહ્યા છે. NEET પેપર લીક મામલે દિલ્હીથી માંડીને પટના સુધી રાજકારણમાં ગરમાવો છે.  NEET પેપર લીકના આરોપી સિકંદર યાદવેંદુએ NHAIના ગેસ્ટ હાઉસનો રૂમ બુક કરાવ્યો હતો, જ્યાં અનુરાગ યાદવ, શિવનંદન કુમાર, અભિષેક કુમાર અને પીયૂષ રાજે પાંચ મેએ થનારી પરીક્ષાથી ઠીક એક દિવસ પહેલાં ચોથી મેની પરીક્ષા સંદર્ભે સવાલો આપ્યા હતા અને આ લોકોએ ગોખેલા જવાબ આગલા દિવસે પરીક્ષામાં આપ્યા હતા. આ બધાએ પોલીસને આપેલા નિવેદનમાં એ કબૂલ કર્યું છે કે પરીક્ષામાં એ જ સવાલ પૂછવામાં આવ્યા હતા, જે તેમણે તૈયાર કર્યા હતા. 

NEET પેપર લીક મામલામાં બિહારના ડેપ્યુટી CM વિજય સિંહાએ મોટો દાવો કર્યો છે કે ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવના PS પ્રીતમે NEET પેપર લીકના માસ્ટર માઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં NEET અને મંત્રી NH કનેક્શન પર કહ્યું હતું કે આ મામલે વિભાગ દ્વારા તપાસ મેં કરાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલી મેએ તેજસ્વીના PS પ્રીતમ કુમારે RCD કર્મચારી પ્રદીપને સિકંદર કુમાર માટે રાજ્ય સરકારના પથ નિર્માણ (NH)ના નિરીક્ષણ ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. 

બીજી બાજુ, NEET પેપર લીકના હંગામા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ કરી હતી અને કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત કરી રહી છે. PM મોદી પેપર લીક અટકાવી નથી શકતા. દેશમાં પેપર લીક બંધ થવું જોઈએ. તેમણે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની જાહેરાત પણ કરી હતી.

 

 

 

 

 

 

 

 

પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેવિડ જ્હોન્સને આત્મહત્યા કરી લીધી છે, તેણે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો, ત્યારબાદ તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડેવિડ જોનસન ડિપ્રેશનથી પીડિત હતા. ડેવિડ જોન્સનનો જન્મ 1971માં થયો હતો, તેઓ 52 વર્ષના હતા, તેઓ બેંગલુરુમાં રહેતા હતા. તેની એક ક્રિકેટ એકેડમી પણ હતી.

ડેવિડ જ્હોન્સનની કારકિર્દી

ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. તે મેચમાં તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો અને તેનો પહેલો શિકાર માઈકલ સ્લેટર બન્યો હતો. આ પછી, તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ડરબન ટેસ્ટમાં તક મળી, જ્યાં તેણે બે વિકેટ ઝડપી.

માત્ર 2 મહિનામાં કરિયર ખતમ થઈ ગઈ

ડેવિડ જોન્સનને માત્ર બે ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. તેણે 10 ઓક્ટોબર, 1996ના રોજ તેની શરૂઆત કરી હતી અને તે જ વર્ષે ડિસેમ્બરમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો અને તે ક્યારેય પાછો આવ્યો નહીં. ડેવિડ જોન્સન કર્ણાટક તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો. તે 39 મેચમાં 125 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિવાય તેણે 33 લિસ્ટ A મેચમાં 41 વિકેટ લીધી હતી. જોન્સને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સદી ફટકારી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 101 રન હતો.

ખુલ્લાં બોરવેલ બંધ કરવાની શિક્ષકની સરાહનીય કામગીરી

ગાંધીનગર: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ સહભાગી થઇ રહ્યા છે અને આ માટે રાજ્ય સરકાર તેમનું સન્માન પણ કરે છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના CRC કોરડિનેટર દીપક સુથારને સન્માનિત કર્યા છે.રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકોને સેવાકીય કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારોમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવા જણાવવામાં આવ્યું હતું.  ભૂતકાળમાં ખુલ્લા બોરવેલમાં નાના બાળકો પડી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવા કહેવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત કલસ્ટરના CRC દીપક સુથારે આ કલસ્ટરમાં આવેલ ૧૩ શાળાઓના ૨૧૨૯ વિદ્યાર્થીઓ, ૭૫ શિક્ષકો તેમજ વાલીઓને આ અભિયાનમાં જોડ્યા. દીપકભાઈએ પોતે જુદા-જુદા ગામમાં રૂબરૂ જઈને ૧૨ જેટલાં બોરને કોથળા કે લોખંડના ઢાંકણાંથી બંધ કર્યા. જેમાં તેમણે જરાવત ગામમાં 2, પથાવત ગામમાં 1, વાઘાવત ગામમાં 1, ક્લેસર ગામમાં 1, ઉમાજીની મુવાડી 1, સમડાવાળી મુવાડી 1, આંબડીયાની મુવાડી 1, ગોકળપુરા 2, ઉમેદપુરા 1 અને રણછોડપુરા ગામમાં 1 બોરવેલને બંધ કરવાની કામગીરી કરી છે.

આ સેવાકીય કાર્ય બદલ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષક દીપક સુથારને સન્માનિત કર્યા. સાથે જ વધુને વધુ નાગરિકોને પોતાના ક્લસ્ટરમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાના અભિયાનમાં જોડાવવા વિનંતી પણ કરી.

રાજકોટ અગ્નિકાંડને લઈ SIT ક્યારે સોંપાશે રિપોર્ટ?

રાજકોટમાં TRP ગોમ ઝોન લાશ્રાતગૃહ ફરવાય ગયો હતો. જેમાં 27 માસૂમ લોકોનો જીવ હોમાય ગયો હતો. રાજકોટમાં માનવ સર્જીત અગ્નિંકાંડ બાજ રાજ્ય સરકારની આંખ ઉઘડી છે. જે બાદ રાજ્યના તમામ જિલ્લામાં તપાસના ધમધમાટ ચાલ્યા. જ્યાર બીજી બાજું અગ્નિકાંડના આરોપીઓને લઈને SITની રચના કરવામાં આવી. જે અગ્નિકાંડ દરેક પાસા તપાસી તેમાં નાનાથી મોટા અધિકારીઓની સંડોવણી પર તપાસ કરી રહી હતી. જ્યારે તપાસમાં અવાર નવાર નવા નવા ખુલાસા પણ થયા હતા. ત્યારે હાલ પણ કેટલાક અધિકારીઓ SITની શંકાના દાયરામાં છે.

રાજકોટ અગ્નિકાંડને લઈ એક મહિનો વિતવા આવ્યો અને હાલ પર તપાસની ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત SITના રિપોર્ટને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર SIT આજે રાજ્ય સરકારને સોંપવાની હતી. આ રીપોર્ટ SIT આજે સુપ્રત નહીં કરે, કેમ કે હાલ પણ કેટલીક મોટા અધિકારીઓ છે. જે SITના શંકાની દાયરામાં છે. જેને લઈ પછ પરછ થવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે SIT 3-4 ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી પણ કરી શકે છે. આજે SIT રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરવાના હતા. આ રિપોર્ટને લઈ SIT વડા સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં ગતરોજ મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. SIR દ્વારા હાલ સુધીમાં 100 પાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શું એક્શન લેવા જોઈએ થી લઈ આગળની શું રણનિતી રાખવી જોઈએ?  જેવા કેટલાક મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે.

રાજકોટમાં ગત 25મી મેના રોજ TRP ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગેમ ઝોનમાં ફાયર NOC કે ફાયર સેફ્ટીના હોવાને કારણે આગ લાગવાના સમય પર કોઈ પણ બચાવ કામગીર થઈ ન હતી. આ ઉપરાંત ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ કાર્યરત હતું, જેનો એક તણખો 27 લોકોને ભભૂખી ગયો. જ્યારે આગમાં ઘીનું કામ કરતી ત્યારં જ્વલનશીલ પદાર્થ પડ્યા હતા. જેને લઈ આગા પ્રસરી હતી. આ ઉપરાંત આ આગ લાગવા પાછડ કેટલાક સરકારી અધિકારીઓનો ભાગ હોવાનું પણ બહાર આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:“ સ્વયં અને સમાજ માટે યોગ “

વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “સ્વયં અને સમાજ માટે યોગ“ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો કાર્યક્રમ સૌપ્રથમ વખત ભારત-પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને BSFના સહ આયોજનમાં આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા સુધી શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, આરોગ્ય અને પોલીસ વિભાગો સહીતના તમામ વિભાગો યોગમય બનશે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગોટલીયા ગાર્ડન, સિંધુભવન, અમદાવાદ ખાતે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા દિલ્હી ખાતે, કેન્દ્રીય જલશકિત મંત્રી સી.આર.પાટીલ સુરત ખાતે અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી યોગસાધનામાં જોડાશે.

મંત્રી એ ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ ૨૧મી જૂને યોજાનારા ૧૦મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સવા કરોડ લોકોની સહભાગીતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે

ગુજરાતના નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો,સાંસદશ્રીઓ,ધારાસભ્ય શ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.

તેમણે કહ્યું કે, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

‘કલ્કી 2898 એડી’ની પ્રમોશનલ ઈવેન્ટમાં સામેલ થયા અમિતાભ બચ્ચન

મુંબઈ: અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ સ્ટારર ફિલ્મ’કલ્કી 2898 એડી’ (kalki 2898 AD)ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જોકે નવાઈની વાત એ છે કે આ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચન પણ સામેલ થયા હતાં. જ્યારે કે બીગ બી પ્રમોશનલ ઈવેન્ટમાં જવાનું ટાળતાં હોય છે. કોન્ફરન્સમાં પ્રભાસ, કમલ હાસન, બેબી બમ્બ સાથે દીપિકા પાદુકોણ અને રાણા દગ્ગુબતી સામેલ થયાં હતાં. ફિલ્મમાં અમિતાભ અશ્વત્થામાના રોલમાં છે જ્યારે પ્રભાસ ભૈરવના રોલમાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કમલ હાસનની ઝલક પણ જોવા મળી હતી. નિર્માતાઓને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું છે. મેગાસ્ટારર આ ફિલ્મ 27 જુને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

 

 

(તમામ તસવીર: માનસ સોમપુરા)

બજેટ-2024: સરકાર IT છૂટની મર્યાદા વધારીને પાંચ લાખ કરશે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન જુલાઈના બીજા પખવાડિયામાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે. આ બજેટથી કરદાતાઓને બહુ મોટી અપેક્ષા છે. સરકાર મધ્યમ વર્ગને ટેક્સમાં કંઈક રાહત આપે એવી શક્યતા છે. નાણાપ્રધાન ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદાને રૂ. ત્રણ લાખથી વધારીને રૂ. પાંચ લાખ સુધી કરે એવી સંભાવના છે, એમ કેટલાક સિનિયર સરકારી અધિકારીઓએ માહિતી આપી હતી.

આ રાહત નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આવકવેરા રિટર્ન ભરવાવાળા કરદાતાઓને મળશે.

નવી ટેક્સ રિજિમ હેઠળ ઇન્કમ ટેક્સ સ્લેબ

રૂ. ત્રણ લાખ સુધી શૂન્ય-

રૂ. ત્રણ લાખથી રૂ. છ લાખની વચ્ચે – પાંચ ટકા (કલમ 87 A હેઠળ ટેક્સ છૂટ)

રૂ. છ લાખથી રૂ. નવ લાખની વચ્ચે- 10 ટકા (કલમ 87 A હેઠળ રૂ. સાત લાખ સુધી ટેક્સ છૂટ)

રૂ. નવ લાખથી રૂ. 12 લાખની વચ્ચે -15 ટકા

રૂ. 12 લાખથી રૂ. 15 લાખની વચ્ચે -20 ટકા

રૂ. 15 લાખથી વધુ- 30 ટકા

એટલે સરકાર જો આગામી બજેટ 2024-25માં રૂ. પાંચ લાખ સુધીની આવકની ટેક્સ છૂટ આપે છે તો હાલના છ સ્લેબની જગ્યાએ પાંચ સ્લેબ જ બચશે.

કરદાતાને કેટલો લાભ?

નાણાપ્રધાન બજેટ2-2024-25માં ટેક્સ છૂટની મર્યાદા રૂ. પાંચ લાખ સુધી વધારશે તો એનાથી રૂ. 7.6 લાખથી રૂ. 50 લાખ સુધી ટેક્સેબલ ઇન્કમવાળા લોકોની ટેક્સની ચુકવણીમાં રૂ. 10,400 (ચાર ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ સહિત) ઓછો થઈ જશે. જ્યારે જેમની કરપાત્ર આવક રૂ. 50 લાખથી રૂ. એક કરોડની વચ્ચે છે, તેમની કર જવાબદારી આશરે રૂ. 11,440 (સેસ અને 10 ટકા સરચાર્જ સહિત) ઓછી થશે.