મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સોમવારે પાર્ટીના કાર્યકર્તાથી પોતાના કીચડવાળા પગ ધોવડાવ્યા પછી ટીકાઓના ઘેરામાં આવી ગયા છે. આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિવાદ વધતાં પટોલેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ મામલે બિનજરૂરી વિવાદ થઈ રહ્યો છે અને તેમને લાગે છે કે લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી તેમને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પટોલે અકોલા જિલ્લાના વડગામમાં પાર્ટી ટેકેદાર દ્વારા કોંગ્રેસપ્રમુખના જન્મદિન પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા ગયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પટોલે એક સ્થાનિક સ્કૂલની પાસે સંત ગજાનન મહારાજની પાલખી યાત્રામાં પણ સામેલ થયા હતા. એ દરમ્યાન જમીન કીચડગ્રસ્ત હતી. તેઓ પણ અન્ય લોકોની સાથે કીચડ ભરેલા મેદાનમાં થઈને પાલખી સુધી ગયા હતા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના પગ કીચડવાળા હતા. જેથી તેમણે પગ સાફ કરવા માટે પાણી મગાવ્યું હતું.
ત્યાર બાદ તેમની પાર્ટીના કાર્યકર્તા વિજય ગુરવે પોતાના હાથોથી પટોલેના કીચડવાળા પગ ધોયા હતા.
Congress has a Nawabi Feudal Shehzada mindset
Maharashtra Congress president Nana Patole’s gets his leg and feet washed by a party worker in Akola…
They treat Janta and workers like Ghulam & themselves like Kings & Queens
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) June 18, 2024
મહારાષ્ટ્રના કોંગ્રેસપ્રમુખને પગ ધોતા કાર્યકર્તાને અટકાવ્યા પણ નહોતા અને પગ જાતે ધોવાની મહેનત પણ નહોતી કરી. પટોલેના પગ પક્ષના કાર્યકર્તા દ્વારા ધોવડાવવામાં આવતાં ભાજપે આકરી ઝાટકણી કાઢી હતી. પ્રવકતા શહજાદ પૂનાવાલે કોંગ્રેસ નેતાની ટીકા કરતાં તેમની પાસે માફી માગવાની વાત કરી હતી.
પૂનાવાલે પોસ્ટમાં લખ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા નવાબી સામંતી શહજાદાવાળી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ અકોલામાં એક પાર્ટીના કાર્યકર્તાથી પગ ધોવડાવ્યા. તેઓ જનતા અને કાર્યકર્તાઓથી ગુલામો જેવો વ્યવહાર કરે છે. કલ્પના કરો સત્તામાં આવી ગયા તો તેઓ કેવો વ્યવહાર કરે.
ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર સુપ્રિયા સાહુ જે રોચક વાઈલ્ડલાઈફ વીડિયો શેર કરવા માટે જાણીતા છે. આ વખતે તેમણે હાથી પરિવારનો એક બહુ જ પ્યારો વિડિયો શેર કર્યો છે. તેમણે તમિલનાડુના અનામલાઈ ટાઈગર રિઝર્વના ગાઢ જંગલમાંથી બહુ જ હૃદયસ્પર્શી વિડિયો ક્લિપ રજૂ કરી છે. આ ક્લિપ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર ધનુ પરાણે તેમના કેમેરાથી કેપ્ચર કરી છે. જેમાં એક સુંદર હાથી પરિવાર આરામની નિંદ્રા લઈ રહેલો તાદ્રશ્ય થાય છે!
આ વિડિયોમાં હાથી પરિવાર ગાઢ જંગલમાં એક જગ્યાએ બહુ જ શાંતિપૂર્વક આનંદની નિંદ્રા લઈ રહેલો જોવા મળે છે. જેમાં એક બાળક હાથી તેના પરિવારના સભ્યોથી સુરક્ષિત રીતે ઘેરાયેલું જોવા મળે છે. સમગ્ર હાથી પરિવારના સભ્યોએ હાથીના વાછરડાને ફરતે લેટીને તેના માટે ઝેડ કેટેગરીની સુરક્ષા ઉભી કરી હતી અને પરિવારનો એક હાથી જાગીને આખા પરિવાર તેમજ બાળક હાથીની સુરક્ષા કરી રહેલો દેખાઈ રહ્યો છે.
ઓફિસર સુપ્રિયા સાહુ પોસ્ટમાં લખે છે, ‘તમિલનાડુમાં ટાઈગર રિઝર્વના ઊંડા જંગલોમાં એક સુંદર હાથી પરિવાર આનંદથી સૂઈ રહ્યો છે અને જુઓ કઈ રીતે બાળક હાથીને તેના પરિવાર દ્વારા Z વર્ગની સુરક્ષા આપવામાં આવી રહી છે. ઉપરાંત એક યુવાન હાથી જાગીને તેના અન્ય સભ્યોની હાજરીની ખાતરી કરી રહ્યો છે. આવું જ બધું આપણા માનવપરિવારોમાં પણ થતું હોય છે, ખરું ને?’
અધિકારીએ સોશિયલ મિડિયા પર વિડિયો શેર કરતાંની સાથે જ કૌટુંબિક જવાબદારીને લઈને લોકોના પ્રતિભાવો આવવા માંડ્યા!
એક યુઝરે લખ્યું, ‘આની જાળવણી યોગ્ય જ છે અને તે માટે લડવું પણ યોગ્ય જ છે.’
અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, ‘આવું સુંદર અને દુર્લભ દૃશ્ય જોવા મળ્યું તે ખરેખર અદ્ભુત છે. અને તે અમને દેખાડવા બદલ આભાર!’
ત્રીજી વ્યક્તિએ લખ્યું, ‘આજનો મારો દિવસ સુધરી ગયો.’
ચોથી વ્યક્તિએ X પર લખ્યું, ‘અદ્ભુત દ્રશ્ય તમે ઝડપ્યુ છે મેમ, ફોરેસ્ટ ટીમને અભિનંદન. આવી અદ્ભુત નવીન ઘટનાઓના અમે પણ સાક્ષી બની રહ્યાં છીએ!’
પાંચમી વ્યક્તિએ લખ્યું, ‘અહો, કેટલું અદ્ભુત અને હૃદયને સ્પર્શી જતું આ દ્રશ્ય છે. આને તો ડેસ્કટોપ વોલપેપર તરીકે વાપરી શકાય અને તેનો ઉપયોગ નવી પેઢીમાં વન્યજીવન જાગૃતિ લાવવા માટે થઈ શકે છે!’
આ હૃદયસ્પર્શી વિડિયો ક્લિપ નીચે આપેલી લિન્ક દ્વારા જોઈ શકો છો.
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી 50 અને સેન્સેક્સે મંગળવારે સતત ત્રીજા દિવસે રેકોર્ડ પ્રદર્શન કર્યું હતું, જે બેન્કિંગ અને આઇટી શેરોમાં વૃદ્ધિ અને વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણોને કારણે પ્રેરિત છે. BSE ના 30 શેરો વાળા મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 308 પોઈન્ટ અથવા 0.40% વધીને 77,301 ના સ્તર પર બંધ થયા છે. વ્યાપક NSE નિફ્ટી 92 પોઈન્ટ અથવા 0.39% વધીને 23,558 પર બંધ થયો હતો. દરમિયાન, BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 2.42 લાખ કરોડ વધીને રૂ. 437.3 લાખ કરોડ થઈ હતી.
સેક્ટોરલ મોરચે, ફિનિક્સ મિલ્સ અને મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સના શેરમાં વૃદ્ધિને પગલે નિફ્ટી રિયલ્ટી 1.9% વધ્યો હતો. આઇટી કંપની વિપ્રોના શેર હેન્સબ્રાન્ડ્સ સાથેના તેના કરારને લંબાવ્યા પછી અને GBST સાથે નવા કરારની જાહેરાત કર્યા પછી 3% કરતા વધુ વધીને બંધ થયા. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એકંદરે 0.6% વધ્યો.
આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના શેરમાં મજબૂતાઈને કારણે નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 0.9% વધીને બંધ રહ્યો હતો. વ્યાપક બજારમાં, નિફ્ટી સ્મોલકેપ 1.1% વધ્યો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 0.5% વધ્યો.
વ્યક્તિગત શેરોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ 6%થી વધુ વધીને બંધ રહ્યો હતો. કંપનીએ જાહેરાત કરી છે કે સંરક્ષણ મંત્રાલયે 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) માટે પ્રસ્તાવ માટે વિનંતી (RFP) જારી કરી છે. સોમ ડિસ્ટિલરીઝ સામે પોલીસ તપાસ શરૂ થયા બાદ કંપનીના શેર 6.4% ઘટ્યા હતા. સરકારની બાળ અધિકાર એજન્સીએ શોધી કાઢ્યું છે કે બાળકો તેની એક ડિસ્ટિલરીમાં કામ કરતા હતા.
રાજ્યમાં એક બાજુ સ્કૂલ વર્ધી વાહન ચાલોક તંત્ર સામે મેદાને ઉતર્યા છે. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન ચાલકોએ અચોકસ અમુદ્દત સુધીના આદોલંદનનું એલાન કર્યું છે. ત્યારે ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે. સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 મહિના માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હાલ હજારો ઉમેદવારો આ કરાર આધારીત ભરતીમાં જોડાવવા માટે તૈયાર નથી અને કાયમી ભરતીની જ માગ સાથે આજે ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોએ આંદોલન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્ય સરકારમાં આ ઉમેદવારો રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.
રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા TET-TAT પાસ ઉમેદવારોએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે ટીંગોટોળી કરી પોલીસનાં વાહનોમાં બેસાડ્યા હતા.ત્યારે ગાંધીનગર શહેરમાં ટેટ-ટાટના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. શહેરમાં ઉમેદવારો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવી રહ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસે પરવાનગી ના આપતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂના સચિવાલય ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોના આંદોલનને હવે વિવિધ રાજકીય પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યુ છે.
ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ જોડાયા હતા. મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહિત ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ છે. રાજ્ય સરકાર ખાલી પડેલાં પદો પર તો ભરતી કરતી નથી. TET-TATના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર TET-TAT પાસ ઉમેદવારોને કાયમી નોકરી આપો.
નવી દિલ્હીઃ દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં હાલના દિવસોમાં ભીષણ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કેટલીક ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે. દિલ્હીમાં ગરમી અને પાણીની અછતથી હાહાકાર મચ્યો છે. હાલ સામાન્ય તાપમાનથી છ ડિગ્રી સુધી વધુ છે. હવામાન વિભાગ (IMD)એ દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
વીજ મંત્રાલયના પ્રવક્તાએ કહેવું છે કે વીજ માગને પૂરી કરવા માટે ઉત્તરના વિસ્તારમાં વીજ જરૂરિયાતના 25-30 ટકા પડોશી વિસ્તારોમાંથી આયાત કરવામાં આવી રહી છે. પ્રચંડ ગરમી અને જૂનના અંત સુધીમાં કૃષિ ક્ષેત્રે પાવર લોડમાં વધારાની વચ્ચે પંજાબના પાવર એન્જિનિયરોએ રાજ્યમાં ગ્રિડ આઉટેજની સંભાવના દર્શાવી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે માગમાં આવેલા અચાનક ઉછાળાથી પાવર સપ્લાયને મેનેજ કરવો મુશ્કેલ પડે એવી શક્યતા છે.
છેલ્લા એક મહિનાથી ઉત્તરના વિસ્તારોમાં ભીષણ ગરમીની સ્થિતિને કારણે રેકોર્ડ માગ જોવા મળી રહી છે. સોમવારે 89 ગિગા વોટ (એટલે કે 1000 મેગા વોટ)ની માગ રહી હતી, જે અત્યાર સુધીની સૌથી ઊંચી માગ હતી. વધુ માગને કારણે લખનૌ અને મેરઠમાં વીજ સપ્લાયમાં કાપ થયો હતો અને 765 KV લાઇનના ટ્રિપિંગને કારણે ગ્રિડમાં વોલ્ટેજ સ્પાઇક થયા પછી સોમવારે બપોરે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર્સ સેવા પર અસર પડી હતી.
ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને અંદેશો વ્યક્ત કર્યો હતો કે જો આ જ ભીષણ ગરમીની સ્થિતિ બની રહી તો આવનારા દિવસોમાં ગ્રિડ પર લોડ વધવાથી પંજાબ જ નહીં, પણ દેશમાં ગંભીર વીજ સંકટ પેદા થવાની શક્યતા છે.
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોરેન્સ કથિત રીતે પાકિસ્તાની ડોન શહેઝાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ પહેલા તે જેલમાંથી એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુ આપીને ચર્ચામાં આવ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા રચિત ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
— Shikha Awasthi (Journalist) (@ShikhaA85882938) June 18, 2024
વાયરલ વીડિયોમાં બિશ્નોઈએ શું કહ્યું?
લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી. 17 સેકન્ડના વાયરલ વીડિયોમાં શહેઝાદ ભટ્ટી લોરેન્સને કહે છે કે આજે દુબઈ વગેરેમાં ઈદ થઈ છે. કાલે પાકિસ્તાનમાં થશે. લોરેન્સ પૂછે છે કે આજે નથી? આ અંગે શહજાદ ભટ્ટી કહે છે કે આજે તે અન્ય દેશોમાં ઉપલબ્ધ છે. બાકી કાલે થશે. આ પછી લોરેન્સ કહે છે કે તે કાલે વાત કરશે.
ગુજરાતના ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા
ગુજરાતના જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પાકિસ્તાની ડોન ભટ્ટીને વીડિયો કોલ કરવાના કથિત નવા વાયરલ વીડિયો અંગે ગુજરાતના મંત્રી રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, “તે જુનો વીડિયો છે કે નવો છે તેની તપાસ કરવામાં આવશે. તે ક્યાંથી લીક થયો?” રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે.
મૂસેવાલા હત્યા કેસમાં નામનો ઉલ્લેખ
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું છે. કેનેડામાં બેઠેલા તેમના સાથીદાર ગોલ્ડી બ્રારે 29 મે 2022ના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે ગોળીબાર કરીને મૂસેવાલાની હત્યા કરી હતી.
સલમાન ખાનને પણ ધમકી આપી
વર્ષ 2018માં લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. કાળા હરણના શિકારના મુદ્દાને કારણે તે સલમાન ખાનથી નારાજ છે. પંજાબના ફાઝિલ્કામાં 22 ફેબ્રુઆરી 1992ના રોજ જન્મેલા લૉરેન્સ બિશ્નોઈ જેલમાંથી પોતાનું ગુનાનું સામ્રાજ્ય ચલાવે છે. તેણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી બાદ તેણે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. તેની ગેંગમાં પંજાબ-હરિયાણા અને ચંદીગઢમાં આતંકવાદીઓ છે.
મુંબઈ: પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકે બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેના ગીતો ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે. તેણીના મધુર અવાજની દુનિયા દિવાની છે. પરંતુ હાલમાં જ અલકા યાજ્ઞિક સાથે જોડાયેલા આવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તેના ફેન્સ ચોંકી ગયા છે. ખરેખર, અલકા યાજ્ઞિક એક ગંભીર બીમારીથી પીડિત છે. સિંગરે પોતે પોતાની તાજેતરની પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ સાથે અલ્કા યાજ્ઞિકે પોતાની બીમારીનું દર્દ ફેન્સ સાથે શેર કર્યું છે. જાણો ગાયક કઈ બીમારીથી પીડિત છે.
અલકા યાજ્ઞિક આ બીમારીને શિકાર બન્યાં
ખરેખર, હાલમાં જ અલ્કા યાજ્ઞિકે પોતાના ઈન્સ્ટા પર પોતાની એક જૂની તસવીર શેર કરી છે, તેની સાથે તેણે પોતાની બીમારીના દર્દને વર્ણવતી એક લાંબી પોસ્ટ લખી છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે – ‘મારા તમામ ચાહકો, મિત્રો, અનુયાયીઓ અને શુભેચ્છકો. થોડા અઠવાડિયા પહેલા જ્યારે હું ફ્લાઇટમાંથી ઉતરી રહી હતી, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે હું કંઈપણ સાંભળી શકતી નથી. આ પછી મને ખબર પડી કે હું વાઈરલ એટેકનો શિકાર બની ગઈ હતી, જેના કારણે મારી સાંભળવાની શક્તિ ઘટી ગઈ હતી. મારા ડૉકટરોએ મને વાયરલ એટેકના કારણે દુર્લભ સંવેદનાત્મક ચેતા સાંભળવાની ખોટ (Rare Sensorineural Hearing Loss) હોવાનું નિદાન કર્યું. અચાનક આવેલા આ મોટા આંચકાએ મને ચોંકાવી દીધી છે. હું તેને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું, તે દરમિયાન કૃપા કરીને મને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.
સિંગરે ચાહકોને આ સલાહ આપી હતી
પોતાનું દર્દ વ્યક્ત કરવાની સાથે અલકાએ પોતાની પોસ્ટમાં તેના ફેન્સને આ બીમારીથી બચવાની સલાહ પણ આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘હું મારા ચાહકો અને યુવા મિત્રોને હેડફોન અને લાઉડ મ્યુઝિકને લઈને ચેતવણી આપવા માંગુ છું. કોઈ દિવસ હું ચોક્કસપણે મારા સ્વાસ્થ્ય અને મારા વ્યાવસાયિક જીવનને થતા નુકસાન વિશે વાત કરીશ. આ નિર્ણાયક સમયમાં તમારો સાથ અને સમજણ મારા માટે ઘણું અર્થપૂર્ણ છે. હાલમાં અલ્કાની આ પોસ્ટે તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. ગાયકના ચાહકો તેની બીમારીને લઈને ખૂબ જ ચિંતિત જણાય છે.
નોંધનીય છે કે અલકા માત્ર બૉલિવૂડ જ નહીં પરંતુ દેશની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે. તેણે 25 થી વધુ ભાષાઓમાં 21 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. અલકા યાજ્ઞિક તેના સુરીલા અવાજ માટે બે વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. આટલું જ નહીં વર્ષ 2022માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ તેમને વિશ્વભરમાં સૌથી વધુ સ્ટ્રીમ થયેલા કલાકાર તરીકે માન્યતા આપી હતી.
સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક રક્ત વિકૃતિ (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 19 જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાતમાં સિકલ સેલ એનેમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે ‘સિકલ સેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. અત્યારસુધીમાં રાજ્યના કુલ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ આ કાર્યક્રમ હેઠળ કુલ 17,69,863 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009-10માં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમને પુરસ્કૃત કર્યો હતો.
રાજ્ય સરકારે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં જોવા મળતા આ રોગની નાબૂદી પર ખાસ ધ્યાન આપ્યું છે. સરકારે આ રોગ અંગેના જાગૃતિ અભિયાનને વેગ આપવાની સાથે જ તેના નિદાન અને સારવારની વ્યવસ્થા તેમજ દવાઓની ઉપલબ્ધતા પર ભાર મૂક્યો છે.
રાજ્ય સરકારે સામૂહિક સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવા ઉપરાંત, લગ્ન પહેલા જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો છે. સાથે જ, આ રોગ માટે મોટા પાયે જાગૃતિ અભિયાન અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સનું પણ આયોજન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ સિકલ સેલ કાઉન્સેલર દ્વારા આદિજાતિ જિલ્લાઓમાં રહેતા લોકોમાં આ રોગનું નિદાન કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીમાં આ વારસાગત રોગને ફેલાતો અટકાવી શકાય. આ માટે, પ્રાથમિક તપાસ તરીકે લાભાર્થીનો ડીટીટી ટેસ્ટ (ટર્બિડિટી ટેસ્ટ) કરવામાં આવે છે, અને ત્યારબાદ સચોટ નિદાન માટે હાઇ પર્ફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી (HPLC) ટેસ્ટ કરવામાં આવે છે. જેની માટે દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સિકલ સેલને સમર્પિત ડે કેર સેન્ટર ચાલે છે.
સિકલ સેલના દર્દીઓને વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી તેઓ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવી શકે. જરૂરી દવાઓ અને સારવાર સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત, વર્ષ 2024-25થી રાજ્ય સરકાર દ્વારા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના દર્દીઓને દર મહિને જે 500ની આર્થિક સહાયતા આપવામાં આવતી હતી, તેને હવે વધારીને 2500 કરવામાં આવી છે.
જાણો, શું છે સિકલ સેલ એનેમિયા
સિકલ સેલ એનેમિયા એ રક્ત સંબંધિત આનુવંશિક વિકાર છે. સામાન્ય રીતે લાલ રક્તકણો ગોળાકાર અને લચીલા હોય છે, પરંતુ આ રોગમાં લાલ રક્તકણોનો આકાર બદલાઇને અંગ્રેજી અક્ષર ‘સી’ (સિકલ) જેવો થઈ જાય છે અને આ રક્તકણો એકબીજા સાથે ચોંટી જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ અને ઓક્સિજન શરીરના તમામ અંગો સુધી યોગ્ય રીતે પહોંચતા નથી. પરિણામે, સિકલ સેલ એનેમિયાના દર્દીઓને ઘણા પ્રકારની આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સિકલ સેલ એનેમિયાના લક્ષણો
શરીર નબળું થઈ જવું, સતત તાવ આવવો અને કમળો થઇ જવો, સાંધા અને હાડકાંઓમાં સોજો, પેટમાં દુઃખાવો, સગર્ભા મહિલાઓમાં કસુવાવડ થવાની શક્યતાઓ અને ચેપી રોગો ખાસ કરીને ફેફસાંના રોગોનો સરળતાથી શિકાર થઈ જવું, વગેરે સિકલ સેલ એનેમિયા રોગના મુખ્ય લક્ષણો છે.
દર્દીઓ રાખે આ સાવચેતી
સિકલ સેલ એનેમિયાના દર્દીઓએ નિયમિત રીતે હોસ્પિટલમાં ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ. આ ઉપરાંત, દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછું 10-15 ગ્લાસ પાણી પીવું જોઇએ, પૂરતો આરામ કરવો જોઇએ, તણાવમુક્ત રહેવું જોઇએ, દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવું જોઇએ, ધૂમ્રપાનથી બચવું જોઇએ, વધુ ઊંચાઇ વાળા સ્થળોએ ન જવું જોઇએ, વધુપડતી ઠંડીથી બચવું જોઇએ, વધુ શારીરિક શ્રમ ટાળવો જોઇએ અને આકરા તાપમાં બહાર ન નીકળવું જોઇએ.
સિકલ સેલ એનેમિયાના રોગને લઇને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. સિકલ સેલ એક વારસાગત રોગ હોવાને કારણે તે માતા-પિતાથી તેમના સંતાનો સુધી પહોંચે છે, એટલે જો લગ્ન પહેલા યુવક-યુવતી સિકલ સેલની તપાસ કરાવી લે તો આ રોગને ફેલાતો અટકાવવો શક્ય છે.
પટના એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી છે. પટના એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આ ધમકી ઈ-મેલ દ્વારા આવી છે. ધમકી મળ્યા બાદ પટના એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
મંગળવારે બપોરે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ મેલ દ્વારા બોમ્બ હોવાની માહિતી મળી હતી. જે બાદ એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે નકલી બોમ્બની ધમકીને કારણે મંગળવારે 286 મુસાફરોને લઈને ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ જતી ફ્લાઈટનું પ્રસ્થાન વિલંબિત થયું હતું.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આગામી બજેટ 2024માં કેટલીક કેટેગરીમાં વ્યક્તિગત રીતે પર્સનલ ટેક્સ દરોને ઓછો કરવા પર વિચાર કરી રહી છે, જેનાથી એશિયાની ત્રીજી સૌથી મોટા અર્થતંત્રમાં કન્ઝમ્પશન (ખપત)ને વધારવામાં મદદ મળી રહી છે.
આ યોજનાનું એલાન નાણાપ્રધાન દ્વારા જુલાઈમાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવે એવી શક્યતા છે. ચૂંટણી પહેલાં થયેલા એક સર્વેમાં મતદારોએ મોંઘવારી, બેરોજગારીને અને ઓછી થતી આવકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે ભારતીય અર્થતંત્ર 2023-24માં 8.2 ટકાના દરથી વધ્યું હતું, જ્યારે કન્ઝમ્પશન એનાથી અડધા દરે વધ્યું હતું.
વડા પ્રધાન મોદીએ NDA સરકાર બનાવવાનો દાવો રજૂ કરતાં કહ્યું હતું કે તેમની સરકાર મધ્યમ વર્ગની બચત વધારવા અને તેમના જીવન સ્તરમાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રોએ કહ્યું હતું કે વ્યક્તિગત ટેક્સમાં કાપથી અર્થતંત્રમાં ખપતને પ્રોત્સાહન મળશે અને મધ્યમ વર્ગ માટે બચતમાં વધારો થવાની શક્યતા છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓને કેટલીક ટેક્સ રાહત મળી શકે છે, એમાં વાર્ષિક રૂ. 15 લાખથી વધુની આવકવાળા કરદાતાઓ સામેલ છે, જેમાં રૂ. 15 લાખ સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા-20નો ટેક્સ દર લગાવવામાં આવે એવી શકયતા છે, જ્યારે રૂ. 15 લાખથી વધુની આવક પર 30 ટકા કર લગાવવામાં આવે એવી ધારણા છે.
અહેવાલ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિની આવક રૂ. ત્રણ લાખથી વધીને રૂ. 15 લાખ સુધી –પાંચ ગણી વધી જાય છે તો પર્સનલ ટેક્સનો દર છ ગણો વધી જાય છે, જે ઘણો વધુ છે. જેથી સરકાર રૂ. 10 લાખની વાર્ષિક આવક માટે પર્સનલ ટેક્સ દરોને ઓછા કરવા પર વિચાર કરે એવી શક્યતા છે. આ ઉપરાંત જૂની કર પદ્ધતિ હેઠળ 30 ટકાના મહત્તમ દરનો કર લગાવવાવાળી આવક માટે એક નવી સીમા પર ચર્ચા કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.