રાજ્યમાં કેટલીક અનિચ્છનીય બનાવો બન્યા છે જેમાં માસૂમ બાળકોના જીવ હોમાય ગયા હોય. કેટલાક એવા વાલી છે જેમના એકલોતા પૂત્રનો જીવ જતા નરી આંખે જોય હોય. ત્યારે હવે ફરી એક વખત એવી કોઈ દુર્ઘટનામાં આપણા રાજ્ય કે દેશનું ભવિષ્ય ના હોમાય તે માટે ગઈકાલ એટલે કે રવિવારના દિવસ તમામ સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામા આવી હતી અને સ્કૂલો ચાલુ રાખવામા આવી હતી. અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલો કે જેઓને ફાયર એનઓસીની જરૂર ન હતી પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાથી નોટિસ આપવામા આવશે. અમદાવાદની 1900થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામા આવ્યુ હતું.
રાજકોટ અગ્નિકાંડને લઈ તમામ એકમો પર ફાયર સેફ્ટીના સાધનો દસ્તાવેજોને લઈ તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લા ડીઈઓ-ડીપીઓ દ્વારા રૂબરૂ ચકાસણી કરવામા આવી હતી અને તમામ સ્કૂલો પાસેથી ફાયર સેફટીના લગતા પ્રમાણપત્રો મંગાયા હતા.જેમાં અગાઉ અમદાવાદ કેટલીક સ્કૂલોમાં ફાયર એનઓસી રીન્યુ ન હતી અને તેઓને રીન્યુ કરવા આદેશ કરાયો હતો.
આ દરમિયાન હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર તમામ સ્કૂલો ફાયર સેફટી ચેકિંગ માટે આદેશ કરાયો હતો અને જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડ, કમિશનર ઓફ સ્કૂલ કચેરી તથા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને રવિવારે ચેકિંગ કરીને 17મી સાંજ સુધી રિપોર્ટ આપવા આદેશ કરવામા આવ્યો હતો. હાઈકોર્ટના આદેશના પગલે ગઈકાલે થયેલા ઈન્સપેકશનમાં અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની 57 સ્કૂલો અને ગ્રામ્ય ડીઈઓ હેઠળની 55 સ્કૂલો સહિત 110થી વધુ સ્કૂલોમાં ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ.
નવી દિલ્હીઃ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વચ્ચે છેલ્લા ઘણા સમયથી બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. મતભેદ તો પહેલાં પણ થઈ ચૂક્યા છે અને કેટલાય મુદ્દાઓ પર અલગ વિચારધારા દેખાઈ રહી છે, પરંતુ ક્યારેય મનભેદ નહોતા જોવા મળ્યા. જોકે આ વખતે સંઘના કેટલાક મોટા નેતા ભાજપ અને તેના હાઇ કમાન્ડને પડકારવાનું કામ ચાલી રહ્યું છે. બંને સંસ્થા એકમેકને અરીસો બતાવવાનું કામ કરી રહી છે.
RSSએ ભાજપ સરકારના અહંકારને મુદ્દે વક્તવ્ય આપ્યું હતું. સરસંઘચાલક મોહન ભાગવતે કાર્યકર્તાઓની તાલીમ પ્રસંગે આપેલું ભાષણ, સંઘની કાર્યકારી સમિતિના સભ્ય અને મુખ્ય સંરક્ષક ઇન્દ્રેશ કુમાર દ્વારા અહંકારનો વિશેષ ઉલ્લેખ –એવી ચાર ઘટનાઓ હાલમાં બની હતી.
કુમારે કહ્યું હતું કે ભગવાન રામે ભાજપને 240 સીટો પર સીમિત કરીને એના અહંકારને દંડ આપ્યો હતો. રામરાજ્યના ન્યાયે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનને 237 સીટ પર સીમિત રહ્યું હતું, કેમ કે એ રામવિરોધી છે, એમ તેમણે કહ્યું હતું.RSSના એક બુદ્ધિજીવી રતન શારદા એ ટીકા કરતાં કહ્યું હતું કે RSSની ટીકા કરવાવાળા લોકોને પાર્ટીમાં ભેળવીને પક્ષની વૈચારિક પ્રતિબદ્ધતાને નુકસાન પહોંચાડ્યું હતું અને કિંમત ચૂકવી હતી. આ ઉપરાંત RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં મહારાષ્ટ્રમાં ખરા દેખાવ માટે RSSની ટીકા કરવાવાળા અજિત પવારની NCP સહિત લોકોને પાર્ટીમાં સામેલ કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ચૂંટણીમાં મોદીના ટીકાકારોને કહ્યું હતું કે મોદીને હરાવી શકાય છે. જોકે આગામી પાંચ વર્ષો સુધી આકરી મહેનત કરવાની આવશ્યકતા છે. જોકે ભાજપને એમ લાગે છે કે પક્ષ એકલા હાથે કામ કરી શકે છે અને એને RSSના ટેકાની જરૂર નથી, પણ કદાચ એ જ કારણે બંને પક્ષોમાં ઉદાસીનતા પેદા થઈ હતી.
રાજકોટ: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂ. મોરારી બાપુ હાલ ઝારખંડમાં જૈન મુનિઓની તપોભૂમિ સમેદ શિખર ખાતે કથા કરી રહ્યા છે. આ ભૂમિ પરથી રામકથા દરમિયાન બાપુએ યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અંગે દુઃખ વ્યક્ત કરી વિશ્વભરના નેતાઓને એક થઈ આ યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું હતું.
વિશ્વમાં ઘણાં દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં યુદ્ધથી વ્યથિત પૂજ્ય બાપુએ કહ્યું હતું કે, “યુદ્ધમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યાં છે. નાનાં બાળકો તુટેલાં પાત્રોમાં રોટલી માગી રહ્યાં છે. ત્યારે હવે યુદ્ધ બંધ થવા જોઇએ. આપણે બધાંને એકસૂત્રમાં બાંધવાની જરૂર છે.”તેમણે ઉમેર્યું હતું કે, “મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન-રશિયા બોર્ડર ઉપર કથા કરું. વિશ્વભરના મહાનુભાવો ભેગા થાય અને સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને યુદ્ધ બંધ કરાવે તેવી મારી ઇચ્છા છે. મારા હ્રદયની કોઇ નેતાઓ સાંભળે કે નહીં પણ મારી વાત મહાદેવ સાંભળશે, અહિંસાના પૂજારી પાર્શ્વનાથ સાંભળશે તેવો મને વિશ્વાસ છે.”
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધથી મોટી ખુવારી થઇ છે, હજારો લોકો માર્યા ગયા છે. આ યુદ્ધથી હજારો લોકો બેઘર બન્યાં છે. બાળકો નોધારા બન્યાં છે, ત્યારે માનવતાના રાહે વિશ્વના નેતાઓ એક બનીને યુદ્ધ રોકવા આગળ આવે તે વર્તમાન સમયનો તકાજો છે.
TRP ગેમ ઝોન અગ્નિકાંડને 21 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર જાગી ઉઠી છે. અને રાજ્યમાં તમામ જગ્યા પર સઘન ચેકિંગ શરૂ થયું છે. આ અગ્નિકાંડને લઈ રાજ્ય સરકારે SITની રચના કરી છે. આ ઉપરાંત SITની તપાસમાં અવાર નવાર નવા નવા પાસ ખુલી રહ્યા છે. શહેરના ટીઆરપી આગકાંડમાં હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે એક કમિટિ બનાવી છે. આ કમિટિમાં ત્રણ સનદી અધિકારીઓ મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ, અને રાજકુમાર બેનીવાલને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં રચાયેલી SITને ઉચ્ચ અધિકારીઓ જવાબ આપી રહ્યા નથી. પૂછપરછ માટે સમન્સ હોવા છતાં જુનિયર અધિકારી સામે ઉચ્ચ અધિકારી હાજર થઇ રહ્યા નથી.
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મામુસ જીવ ભષ્મી ભૂત થઈ ચૂક્યા હતા. જેને લઈ અવાર નવાર નવા નવા પાસ ખુલી રહ્યા છે. રાજકોટ આગકાંડ મામલે SITની તપાસ ચાલી રહી છે. જેનો રિપોર્ટ 20મી જૂને સરકારને મળવાનો છે. આ સાથે જ ત્રીજી તપાસ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં ધરપકડો બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેમઝોનને લાયસન્સ આપવાની પોલીસ કમિશનર કચેરીની ફાઇલ ગુમ છે, જેને SITના અધિકારીઓ શોધી રહ્યાં છે, પરંતુ માહીતી કે દસ્તાવેજો મળતી રહ્યા નથી. અદાલતના આદેશમાં ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કવાયરીનો ઉલ્લેખ છે, તેથી શહેરી વિકાસ વિભાગની કમિટીમાં દુર્ઘટના સાથે સંકળાયેલી તમામ બાબતોને આવરી લેવાશે. આ રિપોર્ટ 15 દિવસમાં અદાલતમાં રજૂ કરવાનો છે.
મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. રકુલ પ્રીત સિંહ, કૃતિ ખરબંદા અને તાપસી પન્નુ પછી હવે અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છે. સોનાક્ષી સિંહા લાંબા સમયથી ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. હવે બંને એકબીજાના બનવા જઈ રહ્યા છે. જો કે અત્યાર સુધી સોનાક્ષી કે સિન્હા પરિવારે આ અહેવાલો પર ખુલીને કશું કહ્યું નથી. જોકે, લગ્નનું કાર્ડ વાયરલ થયા બાદ બધુ સ્પષ્ટ થઈ ગયું હતું. આટલું જ નહીં પૂનમ ધિલ્લોન અને હની સિંહે પણ કાર્ડ મળ્યા બાદ બંનેને ખુલ્લેઆમ અભિનંદન પાઠવ્યા હતા, જે પુષ્ટિ કરે છે કે બંને લગ્ન કરી રહ્યા છે. તાજેતરમાં જ લગ્ન પહેલા સોનાક્ષી સિન્હા તેના સાસરિયાઓ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
સોનાક્ષીની તેના સાસરિયાઓ સાથેની તસવીર વાયરલ થઈ
ખરેખર, ગઈકાલે 16મી જૂન ‘ફાધર્સ ડે’ હતો. આ અવસર પર ઝહીર ઈકબાલની બહેન સનમ રતનસીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે ફોટા શેર કર્યા છે. પ્રથમ તસવીરમાં સનમ તેના પિતા સાથે જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતી વખતે સનમે તેના પિતાને ‘ફાધર્સ ડે’ની શુભેચ્છા પાઠવી છે. સનમ દ્વારા શેર કરાયેલા બીજા ફોટામાં તેનો આખો પરિવાર દેખાઈ રહ્યો છે. આ ફોટામાં તેના માતા-પિતા અને ભાઈ ઝહીર ઈકબાલ જોવા મળે છે. આ સિવાય તમે આ તસવીરમાં આ પરિવારની ભાવિ વહુ સોનાક્ષી સિન્હાને પણ જોઈ શકો છો. ગુલાબી કલરના કો-ઓર્ડ સેટમાં, સોનાક્ષી તેના ભાવિ સસરાની બાજુમાં ઉભી છે અને હસતાં હસતાં ફોટોગ્રાફ લઈ રહી છે. આ તસવીરમાં લગ્ન પહેલા જ સોનાક્ષીનું તેના સાસરિયાઓ સાથેનું ખાસ બોન્ડ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દબંગ એક્ટ્રેસનો આ ફોટો તેના સાસરેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોણ છે ઝહીર જેની દુલ્હન બનશે સોનાક્ષી?
તમને જણાવી દઈએ કે ઝહીર ઈકબાલ એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા ઈકબાલ રતનસી એક જાણીતા જ્વેલર અને બિઝનેસમેન છે. ઝહીરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી ડેબ્યૂ કર્યું હતું. સોનાક્ષીએ પહેલીવાર ઝહીર સાથે ફિલ્મ ‘ડબલ એક્સેલ’માં કામ કર્યું હતું. જો કે બંનેની પહેલી મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. જે બાદ તેઓ પહેલા મિત્રો બન્યા અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા. જો કે આ દંપતીએ હંમેશા તેમના સંબંધોને ખૂબ જ ખાનગી રાખ્યા છે, તેમના જાહેર દેખાવ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમની લવ સ્ટોરી જણાવે છે.
નવી દિલ્હીઃ દેશના કેટલાક ભાગોમાં પ્રચંડ ગરમી પડી રહી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી NCR, હરિયાણા, ચંડીગઢ અને પંજાબમાં હીટ વેવનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે, જ્યારે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહીનો અંદાજ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ અલર્ટ અને અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા વિસ્તારોમાં યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ઓડિશામાં વરસાદ પહેલાં હવામાં ભારે ભેજ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં પણ હીટ વેવની ચેતવણી જારી કરી છે. આ સિવાય ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ હીટવેવનું એલર્ટ જારી કર્યું છે.હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર ઓડિશામાં 1 માર્ચથી 9 જૂન વચ્ચે 27 દિવસ સુધી હીટવેવ નોંધવામાં આવી હતી, દેશના કોઈ પણ રાજ્ય કરતાં ઓડિશામાં સૌથી વધુ ગરમ દિવસો નોંધાયા હતા. રાજસ્થાનમાં 23 દિવસ હીટ વેવ નોંધાઈ હતી, જ્યારે હરિયાણા, દિલ્હી અને યુપીમાં ઓછામાં ઓછા 20 દિવસ હીટ વેવ નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં પણ છ દિવસની હીટ વેવ નોંધવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડી ક્રોસ કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ બોગીને ભારે નુકસાન થયું છે. તેમજ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મુસાફરોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.
રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થઈ શકે છે. ઘટના સ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.
દાર્જિલિંગ પોલીસના એડિશનલ એસપી અભિષેક રોયે જણાવ્યું હતું કે, “અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને 20-25 ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.”
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે NFR વિસ્તારમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલ્વે, NDRF અને SDRF ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
સીએમ મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટના પર સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,619 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,06,249 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 38 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 206 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,792 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
સદ્ગુરુ: જુદા જુદા લોકોની તમારી પાસેથી જુદી જુદી અપેક્ષાઓ હોય છે, અને આ અપેક્ષાઓ એકબીજાની વિરુદ્ધમાં હોય છે. તમારી પત્ની ઈચ્છે છે કે તમે 5:30 સુધીમાં ઘરે હોવ પરંતુ તમારા બોસ તમને સાંજે 7:30 વાગ્યા સુધી ઓફિસમાં ઈચ્છે છે. તમારી પાસે માત્ર ચોવીસ કલાક છે પરંતુ જો તમારે તમારા માતા-પિતાની અપેક્ષાઓ, તમારા બાળકોની અપેક્ષાઓ, તમારા બોસની અપેક્ષાઓ અને સૌથી વધુ તો તમારા જીવનસાથીની અપેક્ષાઓ પૂરી કરવી હોય તો તમારે દિવસમાં ખરેખર સાઠ કલાકની જરૂર છે. “મને તે વધારાના કલાકો ક્યાંથી મળશે?” તે પ્રશ્ન છે.
અત્યારે, લોકોની અપેક્ષાઓ તમારી ક્ષમતા કરતાં ઘણી વધારે છે. તેને શાપ ગણશો નહીં. લોકો તમારી પાસેથી મોટી વસ્તુઓની અપેક્ષા રાખે છે તે એક મોટું વરદાન છે. જો લોકો તમારી સામે જુએ અને વિચારે કે “ઓહ, અમે તેની પાસેથી કંઈપણ અપેક્ષા રાખી શકતા નથી,” અને તેઓને તમારી પાસેથી કોઈ અપેક્ષા ન હોત, તો શું તમને લાગે છે કે તે તમારા માટે સારું હોત? જો તમારા બોસને તમારી પાસેથી કોઈ અપેક્ષા ન હોય, તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. તેઓ બધા તમારી પાસેથી ઘણી બધી વસ્તુઓની અપેક્ષાઓ રાખે છે. આ તમારા માટે તમારી સીમાઓને પાર કરીને જીવન સાથે કંઈક કરવાની તક છે. શું કહેવાનો મતલબ એ છે કે તમે કંઇક આદર્શ વસ્તુ કરીને બધાની અપેક્ષાઓ પૂરી કરશો? તે કદી થવાનું નથી. પરંતુ જો બધા હંમેશા તમારી ક્ષમતા કરતાં વધુની અપેક્ષા રાખતા હોય, તો તેનો અર્થ એ છે કે તમારું જીવન સારું ચાલી રહ્યું છે.
તમારી સુખાકારીનો આનંદ માણો, તેના વિશે ફરિયાદ ન કરો. તમે કરી શકો તેટલું શ્રેષ્ઠ કરો અને વાત ખાલી તેટલી જ છે. આ તમારા કાર્યમાં પરફેક્ટ બનવા વિશે નથી. જીવનમાં પરફેકશન નામની કોઈ વસ્તુ નથી. માત્ર એક જ વસ્તુ છે જે પરફેક્ટ રીતે ઘટિત થાય છે, અને તે છે મૃત્યુ. જો તમે પરફેક્શન શોધો છો, તો અજાગરૂકપણે તમે મૃત્યુને શોધશો. જીવનમાં પૂર્ણતા ન શોધો. જીવન એટલા માટે સુંદર નથી બનતું કે તમે પરફેક્ટ છો, જીવન સુંદર બને છે કારણ કે તમે જે કરો છો તે બધામાં તમે તમારું દિલ લગાવો છો. જીવન ક્યારેય પરફેક્ટ બનવાનું નથી કારણ કે તમે અત્યારે જે પણ રીતે કામ કરી રહ્યા છો, તમે હંમેશા થોડું વધુ કરી શકો તેમ છો, શું એવું નથી? તેથી પરફેક્શનનો સવાલ જ ઊભો થતો નથી. જ્યારે મોટી અપેક્ષાઓ હોય, ત્યારે જ તમે પોતાને તમારી સીમાઓથી આગળ લઈ જશો. જો તમે હજુ વધુ કરી શકો તેમ છો, તો તેનો અર્થ એ કે તમે હજી પણ તમારી સીમા સુધી પહોંચ્યા નથી. જો કોઈ અપેક્ષાઓ ન હોય, તો તમે તમારી પૂરે પુરી ક્ષમતાને ઓળખશો નહીં.
કોઈની પણ અપેક્ષા વિના પોતાને પોતાની અંતિમ સીમા સુધી લઈ જવા માટે સાવ અલગ પ્રકાની ચેતના અને જાગરૂકતાની જરૂર પડે છે. તેના માટે તમારી અંદર એક અલગ જ વસ્તુ હોવી જોઈએ. અત્યારે તમે એવા નથી. તમે માત્ર લોકોની અપેક્ષાઓથી જ ચાલો છો. તેથી તેમને તમારી પાસેથી વધુને વધુ મોટી બાબતોની અપેક્ષા રાખવા દો. તમે પરિસ્થિતિઓને જેટલી હદ સુધી કરી સંભાળી શકો તે હદ સુધી સંભાળો. અમુક વસ્તુઓ હંમેશા નિયંત્રણની બહાર રહેશે, અને તમારા જીવનમાં તમે જેટલી વધુ વસ્તુઓ હાથમાં લેશો, તેટલી વધુ વસ્તુઓ ખોટી દિશામાં જશે. પરંતુ બીજી ઘણી વસ્તુઓ યોગ્ય પણ થશે. તમારા જીવનની ગુણવત્તા, અથવા તમારા જીવનની સફળતાને કંઈક પરિપૂર્ણ કરવાના સંદર્ભમાં માપવાની જરૂર નથી. તમે તમારી જાતને સંપૂર્ણ રીતે આપી રહ્યા છો કે નહીં તે દ્રષ્ટિએ તેને માપવાની જરૂર છે. જે થવાનું હશે તે તમારી ક્ષમતા, પરિસ્થિતિઓ અને બધું કેવી રીતે ગોઠવાય છે તેના પ્રમાણે થશે – આમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે તમારા જીવનમાં જે કંઈપણ તમારા માટે મહત્ત્વનું છે તેમાં તમારી જાતને સો ટકા આપી રહ્યા છો? તે જ મુખ્ય પ્રશ્ન છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.