Home Blog Page 1725

રાધિકાએ અનંતની લાગણીઓને છપાવી પોતાના ડ્રેસમાં, જુઓ તસવીર

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ડ્રીમીંગ લવ સ્ટોરી તેમના કોલેજકાળ દરમિયાન શરૂ થઈ હતી. મિત્રતાનો આ સંબંધ હવે લગ્નમાં ફેરવાશે. જુલાઈ 2024માં તેમના ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કપલનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. ઈટાલીમાં 29 મે થી 1 જૂન સુધી ભવ્ય ઉજવણી થઈ હતી.અહીં ફિલ્મી દુનિયાના સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. ખુબ જ ગ્રાન્ડ રીતે થયેલી આ ઉજવણીને જોવા લોકો આતુર હતા. ત્યારે અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે.

વાસ્તવમાં રાધિકા દરેક ઈવેન્ટમાં સ્ટનિંગ લાગી રહી છે. પરંતુ પ્રથમ ઈવેન્ટમાં તેણે એક યુનિક કસ્ટમાઈઝ્ડ ગાઉન પહેર્યું હતું, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.રાધિકાએ રોબર્ટ વુનનું ડિઝાઈનર ગાઉન પહેર્યું હતું. આ ગાઉન રાધિકા માટે હંમેશા ખાસ રહેશે કારણ કે તેણે તેના પર અનંત અંબાણીનો લવ લેટર પ્રિન્ટ કરાવ્યો છે. અનંતે આ પત્ર તેની પ્રેમિકા રાધિકાના 22માં જન્મદિવસ પર લખ્યો હતો.આ આઉટફિટમાં એક લોન્ગ ટ્રેલ છે જેના પર રાધિકા માટે અનંતની લાગણીઓ છપાયેલી છે.

રાધિકાએ લેયર્ડ નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ સાથે તેના ખાસ લુકને જોડી દીધો છે.લાઇટ મેકઅપ અને ઓપન-પિન સ્ટ્રેટ હેરથી લુકને વધુ ગ્લોઇંગ બનાવવામાં આવ્યો છે. આ ગાઉનની ખાસિયત જણાવતા રાધિકાએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું- અનંતે મારા જન્મદિવસ પર આ લાંબો પ્રેમપત્ર લખ્યો હતો. તેમાં વ્યક્ત કરેલ છે તેના માટે હું શું છું. હું તેને ભાવિ પેઢીઓ માટે સાચવવા માંગતી હતી.હું મારા બાળકો અને પૌત્રોને બતાવવા માંગુ છું. હું તેમને કહીશ કે અમારો પ્રેમ આવો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

અનંત-રાધિકાના લગ્નની વાત કરીએ તો, બંને 12 જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેશે. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે. 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદનો પ્રસંગ થશે. જ્યાં તમામ મહેમાનો અને પરિવારના સભ્યો નવદંપતીને આશીર્વાદ આપશે.લગ્નનું રિસેપ્શન 14મી જુલાઈએ રાખવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ વેડિંગ ફંક્શનમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોવા મળશે. રાધિકા અને અનંતને દુલ્હા અને દુલ્હનના લુકમાં જોવા માટે ફેન્સ આતુર છે. ચોક્કસ યુગલના ભવ્ય લગ્ન વર્ષો સુધી યાદ રહેશે.

યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવનાર ભૂજના મ્યુઝિયમની કેવી છે વિશેષતા ?

UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે જાણીએ આ વન શું છે ? ક્યારે બનાવવામાં આવ્યું? અને એમાં શું પ્રદર્શિત કરાયું છે.

સ્મૃતિવન શું છે?

સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું છે. ૨૦૦૧માં ગુજરાત ધરતીકંપના પીડિતોને આ સ્મારક સમર્પિત કરાયું છે. આ મ્યુઝિયમમાં અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.

ધરતીભૂકંપના પીડિતોને સમર્પિત

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગષ્ટ 2022ના રોજ આ સ્મૃતિવનનું ઉદ્ધાટન કર્યુ હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ૨૦૦૪માં ૨૦૦૧ના ગુજરાત ધરતીભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકો માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા આ સ્મૃતિવનની રચના કરવામાં આવી છે.

આ સ્મૃતિવન ૪૭૦ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં ૧૩,૦૦૦થી વધુ વૃક્ષો છે  જે ભૂકંપ પીડિતને સમર્પિત કરવામાં આવ્યા છે. અહીં ૫૦ ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, ૮ કિમી લાંબા માર્ગો, ૧.૨ કિમી અંતરના આંતરિક રસ્તાઓ, ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ ઉપરાંત ૩,૦૦૦ લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે

જુદા-જુદા વિષયો આધારિત પ્રદર્શન

સંગ્રહાલયમાં ૧૧,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સાત વિભાગો છે. આ વિભાગોમાં સાત વિષયો છે: પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણનો સમાવેશ થાય છે. જે પૈકી જેમાં ગુજરાતનું ભૂસ્તર અને કુદરતી આપત્તિનું જોખમ, 2001ના ધરતીકંપ પછીની રાહત કાર્ય દર્શાવતી તસ્વીરો, 2001 ધરતીકંપ પછી પુનઃનિર્માણના પ્રયાસો, વિવિધ આફતો પ્રકારો અને તૈયારી, 5-ડી ભૂકંપ સિમ્યુલેટર અને 2001ના ધરતીકંપના પીડિતો માટેનું સ્મારક છે.

ઉલ્લેખનીય છે કે ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.  ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્‌ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.

આ ગુજરાતી લેખકોને મળ્યા અકાદમી સાહિત્ય પુરસ્કાર!


નવી દિલ્હી: સાહિત્ય અકાદમીએ શનિવારે પ્રાદેશિક ભાષાઓમાં પ્રતિષ્ઠિત યુવા પુરસ્કાર માટે 23 લેખકોના નામની જાહેરાત કરી છે. આ ઉપરાંત નેશનલ એકેડમી ઓફ લેટર્સે 2024 માટે બાલ સાહિત્ય પુરસ્કારના 24 વિજેતાઓના નામની પણ જાહેરાત કરી છે. જેમાં ગુજરાતી ભાષામાં અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર 2024 માટે ગિરા પિનાકિન ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમને આ પુરસ્કાર તેમની કૃતિ ‘હસતી હવેલી’ માટે આપવામાં આવ્યો છે. જ્યારે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 માટે રિંકુ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. તેમને એવોર્ડ ગઝલ ‘…તો તમે રાઝી?’ માટે આપવામાં આવ્યો છે.“સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડેના પ્રમુખ માધવ કૌશિકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 23 લેખકોની પસંદગીને મંજૂરી આપવામાં આવી. આ લેખકોની પસંદગી જ્યુરી દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે કરવામાં આવી છે. જ્યુરીમાં સંબંધિત ભાષામાં પ્રત્યેક ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષાની જ્યુરીમાં હરેશ ઢોળકિયા, કુમારપાળ દેસાઈ અને રક્ષાબેન દવેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

યુવા પુરસ્કારના અન્ય વિજેતાઓમાં નયનજ્યોતિ સરમા (આસામી), સુતાપા ચક્રવર્તી (બંગાળી), સેલ્ફ મેડ રાની બારો (બોડો) અને હીના ચૌધરી (ડોંગરી) છે. શ્રુતિ બીઆર (કન્નડ), મોહમ્મદ અશરફ ઝિયા (કાશ્મીરી), અદ્વૈત સલગાંવકર (કોંકણી), રિંકી ઝા ઋષિકા (મૈથિલી), અને શ્યામકૃષ્ણન આર (મલયાલમ) પણ વિજેતાઓમાં સામેલ છે. વાઈખોમ ચિંગખેઈંગનબા (મણિપુરી), દેવીદાસ સૌદાગર (મરાઠી), સૂરજ ચાપાગાઈ (નેપાળી), સંજય કુમાર પાંડા (ઓડિયા), રણધીર (પંજાબી), સોનાલી સુતાર (રાજસ્થાની)ને પણ યુવા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. અન્ય વિજેતાઓ અંજન કર્માકર (સંતાલી), ગીતા પ્રદીપ રૂપાણી (સિંધી), લોકેશ રઘુરામન (તમિલ), રમેશ કાર્તિક નાયક (તેલુગુ) અને જાવેદ અંબર મિસબાહી (ઉર્દૂ) છે. અન્ય વિજેતાઓ અંજન કર્માકર (સંતાલી), ગીતા પ્રદીપ રૂપાણી (સિંધી), લોકેશ રઘુરામન (તમિલ), રમેશ કાર્તિક નાયક (તેલુગુ) અને જાવેદ અંબર મિસબાહી (ઉર્દૂ) છે. યુવા પુરસ્કાર મેળવનારને એક મોન્યુમેન્ટ અને 50,000 રૂપિયાનો ચેક એવોર્ડ સમારંભમાં આપવામાં આવશે.બાલ સાહિત્ય પુરસ્કાર માટે, અકાદમીએ અંગ્રેજી લેખિકા નંદિની સેનગુપ્તાને તેમના ઐતિહાસિક સાહિત્ય “ધ બ્લુ હોર્સ એન્ડ અધર અમેઝિંગ એનિમલ સ્ટોરીઝ ફ્રોમ ઈન્ડિયન હિસ્ટ્રી” અને દેવેન્દર કુમારના બાળ વાર્તાઓના સંગ્રહ “51 બાલ કહાનિયા” માટે પસંદ કર્યા છે. બાલ સાહિત્ય પુરસ્કારના વિજેતાઓ રંજુ હઝારિકા (આસામી), દીપાન્વિતા રોય (બંગાળી), બિર્ગિન જેકોવા માચાહરી (બોડો), બિશન સિંહ ‘દર્દી’ (ડોગરી) અને કૃષ્ણમૂર્તિ બિલિગેરે (કન્નડ) છે. મુઝફ્ફર હુસૈન દિલબર (કાશ્મીરી), હર્ષ સદગુરુ શેટ્ટે (કોંકણી), નારાયણગી (મૈથિલી), ઉન્ની અમ્માયમ્બલમ (મલયાલમ), ક્ષેત્રિમયુન સુબાદાની (મણિપુરી), ભરત સાસણે (મરાઠી), બસંત થાપા (નેપાળી) અને માનસ રંજન સામલ (ઓડિયા) વિજેતાઓમાં સામેલ છે. મુઝફ્ફર હુસૈન દિલબર (કાશ્મીરી), હર્ષ સદગુરુ શેટ્ટે (કોંકણી), નારાયણગી (મૈથિલી), ઉન્ની અમ્માયમ્બલમ (મલયાલમ), ક્ષેત્રિમયુન સુબાદાની (મણિપુરી), ભરત સાસણે (મરાઠી), બસંત થાપા (નેપાળી) અને માનસ રંજન સામલ (ઓડિયા) વિજેતાઓમાં સામેલ છે. બાકીના વિજેતાઓ કુલદીપ સિંહ દીપ (પંજાબી), પ્રહલાદ સિંહ ‘જોરડા’ (રાજસ્થાની), હર્ષદેવ માધવ (સંસ્કૃત), દુગલ ટુડુ (સંતાલી), લાલ હોતચંદાની ‘લચાર’ (સિંધી), યુવા વાસુકી (તમિલ), પી ચંદ્રશેખર આઝાદ છે. (તેલુગુ) અને શમસુલ ઇસ્લામ ફારૂકી (ઉર્દુ). બાલ સાહિત્ય પુરસ્કારના વિજેતાઓને પણ વિશેષ સમારોહમાં મોન્યુમેન્ટ અને રૂ. 50,000નો ચેક આપવામાં આવશે.

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે. પણ એન્ટ્રીના બીજા જ દિવસે ચોમાસુ નબળુ પડતું જોવા મળ્યું હતુ. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રામાણે રાજ્યમાં સામાન્ય વરસાદી માહોલ નોઁધાવવાની શક્યતા સેવાય રહી છે. એની વચ્ચે આજે અમરેલીના વડિયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અમરેલી ઉપરાંત વહેલી સવારે નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રાના અમરેલીમાં ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘરાજા મન મુકી વરસ્યા હતા. અમરેલીમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત મોટા ગોરખવાળા, ચાંદગઢ, લાપાળિયા, સહિતનાં ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ આજે સારોએવો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તો બીજી બાજું તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાલોડ તાલુકામાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો, જેથી ઠંડક પ્રસરી ગઈ હતી. તાપીના વ્યારા, સોનગઢ, વાલોડમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.આજે સવારે આણંદના ખંભાતમાં હળવો વરસાદ વરસ્યો હતો. ખંભાત ઉપરાંત નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.

અમદાવાદમાં તાપમાન પારો ગગડ્યો
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આવતીકાલથી આ મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડાની શક્યતા જોતાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થાય એવી શક્યતા છે. અમદાવાદમાં વરસાદ બાદ એર ક્વોલિટી ઇન્ડેક્સની ગુણવત્તા વધી છે. 100 થી ઉપર રહેતો અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 35ની આસપાસ પહોંચ્યો છે, જે શહેરની હવાની સારી ગુણવત્તા દર્શાવી રહ્યો છે.

તાલાલાની ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગીર સોમનાથના તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ઉપરાંત તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ.

રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે. ત્યારે ચોમાસું શરૂ થતાની સાથે જ ગરી સોમનાથની ધરા આજે ધ્રુજી હતી. મળતી માહિતી અનુસાર રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 km દૂર નોર્થ  ઇસ્ટમાં નોંધાયું છે. અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાય ફેલાયો છે, આજે બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે પણ ભૂકંપના કેટલાક ઝટકા લોકોને અનુભવાયા હતા. નોંધનીય છે કે કચ્છની ધરા પર અવારનાવાર ભૂકંપના આચકાનો અનુભવ થતો હોય છે.

આપને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.

RSSના ઈન્દ્રેશ કુમારનો વિવાદિત નિવેદન પર યુ-ટર્ન

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઈન્દ્રેશ કુમારે પોતાના નિવેદન પર યુ-ટર્ન માર્યો છે. ઈન્દ્રેશ કુમારે ગુરુવારે જયપુરમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, “ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે-ધીમે અહંકારી બની ગયા હતા. તે પક્ષને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો. પરંતુ તેમને જે સંપૂર્ણ અધિકારો અને સત્તા મળવી જોઈએ એ ભગવાને અહંકારને કારણે અટકાવી દીધા. ભાજપના ઘમંડને કારણે ભગવાન રામે તેમને 241 પર રોક્યા છે.”

જો કે આ નિવેદન મામલે વિવાદ સર્જાતા 24 કલાકની અંદર જ RSS નેતા ઈન્દ્રેશ કુમારે પોતાના નિવેદનને ફેરવી તોળ્યું. તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે. તેમના નેતૃત્વમાં દેશ દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશે. લોકોમાં આ વિશ્વાસ જાગ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે આ વિશ્વાસ વધુ ખીલે.” પોતાના નિવેદન પર રાજકીય વિવાદ સર્જાયા બાદ ઈન્દ્રેશ કુમારે પોતાની સ્પષ્ટતામાં કહ્યું, “આ સમયે દેશનું વાતાવરણ એકદમ સ્પષ્ટ છે. રામનો વિરોધ કરનારા તમામ સત્તાની બહાર છે. જેમણે રામભક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ આજે સત્તામાં છે.”ઈન્દ્રેશ કુમારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહની હાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું, “રામનો વિરોધ કરનારને આપોઆપ નુકસાન થયું. જ્યારે લલ્લુ સિંહે જનતા પર અત્યાચાર કર્યો ત્યારે રામજીએ કહ્યું કે 5 વર્ષ આરામ કરો. રામ ભેદભાવ કરતા નથી, રામ સજા કરતા નથી. રામ કોઈને નુકસાન પહોંચાડતા નથી. રામ દરેકને ન્યાય આપે છે, આપતા આવ્યા છે અને આપતા રહેશે. રામ હંમેશાં ન્યાયપ્રિય હતા અને હંમેશાં રહેશે.”

 

અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગીનો જંગ હારી

સુરગપરા ગામની સીમમાં ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરવેલમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું. ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે 17 કલાક બાદ આરોહીને બોરવેલમાંથી કાઢવામાં આવી છે પણ તેનો જીવ બચાવી શકાયો નથી.

એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.ફાયર ઓફિસર એચસી ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે ગઈકાલે બપોરથી આજે સવાર સુધી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ-ઓપરેશનમાં ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસતંત્ર વહીવટી તંત્રએ સંયૂક્ત ઓપરેશન હાથ ધરીને બાળકીને વહેલી સવારે બહાર કાઢવામાં આવી હતી. તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી, પરંતુ અહી તબીબે તેને મૃત જાહેર કરી હતી.

બોરવેલમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન લગાવાયું હતું. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમોએ બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ તેનો જીવ બચાવી શક્યાં નહોતાં.

20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20મી જૂનથી શરૂ થશે. રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 108 કરોડની કિંમતનો 12633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે.

ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા

કૃષિમંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, અત્યારે રાજ્યની વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ ખેડૂતોની પડતર કિંમતની સામે અપેક્ષા કરતા થોડો ઓછો હોવાથી, રાજ્યના કોઇપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે મગ પાકનો ટેકાનો ભાવ 8558 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગ પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે.

ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તેવો અનુરોધ

રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે, મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (FPO) મારફત કરવામાં આવશે. મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફત નોંધણી કરાવી શકશે, જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. મંત્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવે અને મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

 

ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે 4 મહિના સુધી રહેશે બંધ..

શિયાળાના સમયમાં વિદેશી પક્ષીઓ કચ્છના નાના રણના મહેમાન બનતા હોય છે. અને આ સમય દરમિયાન કેટલા પક્ષી પ્રેમીઓ તેમણે નિહાળવામાં આવતા હોય છે. જ્યારે આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા. જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.જ્યારે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે.

ચોમાસા સમયમાં આ અભિયારણ બંધ રાખવામાં આવે છે કેમ કે આ સમય ઘુડખર પ્રાણીઓને બ્રીડીંગ પિરિએડ ગણાય છે. જેથી દર વર્ષે ચોમાસા સમયમાં આ બંધ રાખવામાં આવે છે. આ વર્ષે હાલના સમય પર અભ્યારણ બંધ કરવામાં આવ્યુ છે જે આગામી 15 ઓક્ટોબર સુધી બંધ જ રહેશે.

દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. દર પાંચ વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે છેલ્લે 2020માં થયેલ ગણતરી મુજબ હાલ ઘુડખરની સંખ્યા 6082 જેટલી હતી. આ વર્ષે પણ 2023-24 માટે ઘુડખરની નવી ગણતરી કરવામાં આવી હતી. જેની સંખ્યા આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

આજથી આ અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે .જે આગામી 16 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે.

ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર અકસ્માત, 13ના મોત

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. જ્યાં મુસાફરો ભરેલુ એક ટેમ્પો ટ્રાવેલર વાહન કાબુ બહાર જઈ અલકનંદા નદીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં લગભગ 13 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર રેંટોલી પાસે થયો હતો, જ્યાં ટ્રાવેલરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને નીચે પટકાઈને અલકનંદા નદીમાં પડી હતી. ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, ટ્રાવેલરમાં લગભગ 17 મુસાફરો હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. એમઆરએફ અને એનડીઆરપીની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

સીએમ પુષ્કર સિંહ ધામીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.