Home Blog Page 1734

રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માત, 6ના મોત 2 ઘાયલ

રાજ્યમાં અકસ્માત સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત બનાસકાંઠા વિસ્તારમાં બે જગ્યા પર અકસ્માતથી કુલ 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યાં એક બાજુ ઇડર હિંમતનગર હાઇવે પર ઇકો કાર બેકાબુ બનતા માતા અને દીકરી હવામાં ફંગોળાયા હતા. જે બાદ બંન્ને માતા-દિકરીને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં ખેડાયા હતા. તો બીજી બાજું પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભરકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ગાડીમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક 5 વર્ષની માસૂમનું માથું છુંદાયું હતું. જેથી તેનું તેમજ એક મહિલા અને એક વ્યક્તિ સહિત 4 લોકોના મોત થયા છે. ત્રણ લોકોના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો.

જ્યારે બીજી બાજુ સાબરાકાંછા જિલ્લાના ઇડર-હિંમતનગર હાઇવે પર સીએનજી પંપ પર ઇકો કાર બેકાબુ બની હતી. સીએનજી પુરાવા આવેલ પરિવાર રાહ જોઈ રહ્યો હતો તેવામાં ઇકોએ જોરદાર ટક્કર મારી હતી. અચાનક ધસી આવેલી ઇકોએ સામેની સાઈડ પર ઉભેલા મહિલા અને દીકરીને ટક્કર મારી હતી. ટક્કર મારી કાર દીવાલ સાથે અથડાઇ હતી. ઇકો કારની ટક્કરે માતા અને દીકરી હવામાં ઉછળીને નીચે પટકાયા હતા. જે ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થયા હતા. બંન્ને માતા-દીકરીને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

અખિલેશ યાદવે કરહાલથી આપ્યું રાજીનામું, આ નેતા સપામાંથી લડી શકે છે ચૂંટણી

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ લોકસભામાં કન્નૌજ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે. અખિલેશ ઉપરાંત ફૈઝાબાદ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા સપા ધારાસભ્ય અવધેશ પ્રસાદે પણ રાજીનામું આપી દીધું છે.

નોંધનીય છે કે છેલ્લી 2022ની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પરંતુ હવે લોકસભા ચૂંટણીમાં કન્નૌજ બેઠક પરથી જીત્યા બાદ તેમણે કરહાલ બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. કરહાલ વિધાનસભા બેઠક પરથી અખિલેશે રાજીનામું આપ્યા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે આ વિસ્તારમાંથી પેટાચૂંટણીમાં સપાના ઉમેદવાર કોણ હશે?

સૂત્રોનો દાવો છે કે તેજ પ્રતાપ યાદવ કરહાલ બેઠક પરથી પેટાચૂંટણી લડી શકે છે. તેજ પ્રતાપ યાદવ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના જમાઈ છે. તેમના લગ્ન લાલુની પુત્રી રાજલક્ષ્મી સાથે થયા છે. તેજ પ્રતાપ યાદવ પહેલા પણ સાંસદ રહી ચુક્યા છે અને હાલમાં અખિલેશ યાદવના પરિવારમાં એકમાત્ર એવા વ્યક્તિ છે જે રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય છે પરંતુ ન તો ધારાસભ્ય છે કે ન તો સાંસદ છે.

બીજી તરફ ફૈઝાબાદ સીટ પરથી લોકસભા ચૂંટણી જીતનાર અવધેશ પ્રસાદે પણ ધારાસભ્યના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ હાલમાં મિલ્કીપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા અને 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને હરાવ્યા હતા.

આતંકવાદી હુમલા પર રાહુલ ગાંધીએ મોદી પર કર્યો કટાક્ષ કહ્યું..

કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુમલાઓ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “અભિનંદન સંદેશાના જવાબમાં વ્યસ્ત નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં નિર્દયતાથી માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારજનોની ચીસો પણ સાંભળી રહ્યા નથી.”

વડાપ્રધાન હજુ પણ ઉજવણીમાં મગ્ન’

રાહુલ ગાંધીએ આગળ લખ્યું, “રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 3 દિવસમાં 3 અલગ-અલગ આતંકવાદી ઘટનાઓ બની છે, પરંતુ વડાપ્રધાન હજુ પણ ઉજવણીમાં મગ્ન છે. દેશ જવાબ માંગી રહ્યો છે… ભાજપ સરકારમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાઓ કેમ પકડાતા નથી.

પીએમના મૌન પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

બીજી તરફ કોંગ્રેસે પણ વધી રહેલા આતંકી હુમલા અને પીએમના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે પીએમ મોદીએ એક્સ પર પાકિસ્તાની નેતાઓને ઘણો જવાબ આપ્યો, પરંતુ તેમને ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરવાનો સમય નથી મળ્યો! છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારની ખોટી વાતોથી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે, જ્યારે નિર્દોષ લોકો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છે, પરંતુ બધું પહેલાની જેમ જ ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ માટે ઘણા રાષ્ટ્રાધ્યક્ષો દેશના પ્રવાસે હતા, ત્યારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભયંકર અને ભયાનક આતંકવાદી હુમલો થયો હતો, પરંતુ પીડિતોને સરકાર તરફથી સહાનુભૂતિનો એક શબ્દ પણ મળ્યો ન હતો. સ્વયં-ઘોષિત “ભગવાન” વડાપ્રધાન! શા માટે? આ પછી કઠુઆમાં બીજો આતંકવાદી હુમલો થયો, જેમાં એક નાગરિક ઘાયલ થયો. 11 જૂને જમ્મુના ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 6 સુરક્ષાકર્મીઓ અને એક નાગરિક ઘાયલ થયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ભદરવાહ-પઠાણકોટ સાથેના છત્તરગલ્લા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસ દ્વારા સંચાલિત સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકવાદી હુમલાઓનો દોર ચાલી રહ્યો છે, જ્યારે પીએમ મોદી પાકિસ્તાની નેતાઓ – નવાઝ શરીફ અને પાક પીએમ શાહબાઝ શરીફની અભિનંદન પોસ્ટ પર પ્રતિક્રિયા આપવામાં વ્યસ્ત છે. તેણે ઘાતકી આતંકવાદી હુમલાઓ પર એક પણ શબ્દ કેમ ન ઉચ્ચાર્યો? તેણે મૌન કેમ જાળવ્યું?

નવી કાશ્મીર નીતિ નિષ્ફળ ગઈ છે

જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પરત લાવવાના ભાજપના શેખીખોર અને પોકળ દાવાઓ સંપૂર્ણપણે ખુલ્લા પડી ગયા છે. ભાજપે કાશ્મીર ખીણમાં ચૂંટણી લડવાની પણ તસ્દી લીધી નથી એ હકીકત એ વાતનો પુરાવો છે કે તેમની “ન્યુ કાશ્મીર” નીતિ સંપૂર્ણ નિષ્ફળ રહી છે.

ચોમાસું પડ્યું નબળું, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ ચૂકી છે. જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. આ સાથે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગ આગાહી કરતા જણાવ્યું કે આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે. મળતી માહિતી અનુસાર આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.વધુમાં તેમણે આવતીકાલે ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ગુરૂવારે એટલે કે 13 જુનના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોમાસું થોડું નબળું પડ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.

કોહલીને પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની ક્રિકેટરે કર્યા સમલૈંગિક લગ્ન

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેઈટે તેની લેસ્બિયન પાર્ટનર જ્યોર્જિયા હોજ સાથે લગ્ન કર્યા છે. ડેનિયલે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ડેનિયલ એ જ ખેલાડી છે જેણે 2017માં એક મોડી રાત્રે વિરાટ કોહલીને અનેક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રપોઝ કર્યું હતું. ડેનિયલ વેઈટની સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સાથે પણ સારી મિત્રતા છે. બંને ઘણી વખત રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા છે.

પબ્લિક ફોરમમાં 32 વર્ષીય ડેનિયલ વેઈટની લેસ્બિયન પાર્ટનર જ્યોર્જિયા હોજ વિશે વધુ માહિતી નથી, પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, તે CAA બેઝમાં મહિલા ફૂટબોલની હેડ અને લંડનમાં FA-લાઈસન્સ ધરાવતી એજન્ટ છે. ડેનિયલ વેઈટે એકવાર ખુલાસો કરતા કહ્યું હતું કે તે મહિલા T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં હતી. ત્યારપછી કેપટાઉનની પ્રખ્યાત ટેબલ માઉન્ટેન કેબલ કારની મજા માણતી વખતે પાવર જતો રહ્યો, જેના પછી તેણે લાંબા સમય સુધી હવામાં લટકીને રહેવું પડ્યું. વેઈટ અને તેની લેસ્બિયન પાર્ટનર તે વિસ્તારમાં ફસાયેલા હતા, જે શહેરની ઉપરના ઉચ્ચપ્રદેશ પર ખૂબ જ ઉંચો હતો. તેણીએ જણાવ્યું હતું કે લોડ શેડિંગના કારણે સિસ્ટમ ડાઉન હતી.

સગાઈ 2023માં થઈ હતી
2 માર્ચ, 2023ના રોજ, ડેનિયલ વેઈટે દક્ષિણ આફ્રિકાના સુંદર શહેરમાં કેપ ટાઉનમાં તેની પાર્ટનર જ્યોર્જિયા હોજ સાથે સગાઈ કરી હતી, જેનો ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કર્યો હતો. પછી તેણીએ લિપ કિસ સાથે તેની આંગળી પર સગાઈની વીંટી પહેરીને વિશ્વને તેના જીવનસાથીની ઝલક બતાવી હતી. આ પછી, ચાહકોએ કપલને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતાં. વેઈટે અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે 110 વનડે, 156 ટી20 અને બે ટેસ્ટ મેચ રમી છે.

અયોધ્યાની સુરક્ષા વધશે, NSG યુનિટની થશે સ્થાપના

શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર હવે અહીં એનએસજી કમાન્ડો યુનિટ બનાવવાની તૈયારી કરી રહી છે જેના માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયને મંજૂરી મળ્યા બાદ NSGના બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરવામાં આવશે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની બે સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય સરકારની ચાર સુરક્ષા એજન્સીઓ તૈનાત છે. કોઈપણ વીવીઆઈપી મુલાકાત પર દિલ્હીથી NSG કમાન્ડોને બોલાવવામાં આવે છે. રામ મંદિરના નિર્માણ પછી, જિલ્લામાં અવારનવાર વીવીઆઈપીની મુલાકાતો થાય છે અને દરેક સમયે ભક્તોની ભારે ભીડ રહે છે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યા પણ સમયાંતરે આતંકવાદીઓના નિશાના પર રહી છે, જેને જોતા હવે અહીં સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે. આ માટે ભવિષ્યમાં અહીં એનએસજી કમાન્ડોની એક યુનિટની સ્થાપના કરવાની તૈયારી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, NSG ટીમે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો છે અને જમીનની ઓળખ કરીને તેને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. જેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જયારે  પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે કહ્યું કે અયોધ્યામાં NSG યુનિટ ખોલવાની માહિતી છે, પરંતુ તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી. જો કે એક વાત તો નક્કી છે કે સમગ્ર વિશ્વની જેના પર નજર છે એ અયોધ્યાની સુરક્ષામાં વધારો તો કરવામાં આવી શકે છે.

PAK vs CAN: પાકિસ્તાને કેનેડાને 7 વિકેટે હરાવ્યું

પાકિસ્તાને કેનેડાને 15 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું છે. સુપર-8ની આશા જીવંત રાખવા માટે પાકિસ્તાન માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. કેનેડાએ પ્રથમ રમતમાં 106 રન બનાવ્યા હતા અને તેની ટીમ માટે એરોન જોન્સને સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્હોન્સને 44 બોલમાં 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને કેનેડાને 100 રનનો સ્કોર પાર કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જ્યારે પાકિસ્તાની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે સેમ અયુબ વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની 63 રનની ભાગીદારીએ પાકિસ્તાની ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. બાબર આઝમે 33 રનની અણનમ ઇનિંગ રમી હતી અને મોહમ્મદ રિઝવાને 53 રનની અણનમ ઇનિંગ રમી હતી.

 

પાકિસ્તાનને 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં ઈફ્તિખાર અહેમદના સ્થાને સામ અયુબને તક આપવામાં આવી હતી, જે માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બીજી ઈનિંગમાં આ પીચ પર રન બનાવવા ખૂબ જ મુશ્કેલ લાગતું હતું, તેથી ટીમ પ્રથમ 6 ઓવરમાં માત્ર 28 રન જ બનાવી શકી હતી. કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને જવાબદારી લીધી અને સાથે મળીને 10 ઓવરમાં ટીમનો સ્કોર 59 રન સુધી પહોંચાડ્યો. બાબર અને રિઝવાનની ભાગીદારી કેનેડાને જીતથી દૂર લઈ જઈ રહી હતી. બાબર 15મી ઓવરમાં તે થર્ડ મેનની દિશામાં શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે કીપરે કેચ પકડ્યો હતો. તેણે 33 રન બનાવ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે પાકિસ્તાનને જીતવા માટે છેલ્લી 5 ઓવરમાં 22 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં 11 રન આવ્યા, જેના કારણે પાકિસ્તાનની જીત માત્ર ઔપચારિકતા રહી ગઈ. આ દરમિયાન મોહમ્મદ રિઝવાને દબાણ હેઠળ 52 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ટીમને જીતવા માટે 3 રનની જરૂર હતી ત્યારે ફખર ઝમાન 4ના સ્કોર પર આઉટ થયો હતો. આખરે, ઉસ્માન ખાને ડબલ રન બનાવતા પાકિસ્તાન માટે વિનિંગ શોટ ફટકાર્યો હતો.

પાકિસ્તાને સુપર 8ની આશા જીવંત રાખી છે

તમને જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાનને અમેરિકા અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો તેને T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં જવાની આશા જીવંત રાખવી હોય તો તેના માટે દરેક કિંમતે કેનેડા પર જીત મેળવવી જરૂરી હતી. અહીંથી જો પાકિસ્તાનની ટીમ સુપર-8માં પોતાની આશાઓ સુધારવા માંગે છે તો તેણે તેની આગામી મેચમાં આયર્લેન્ડને હરાવવું પડશે. આ ઉપરાંત, એવી પણ અપેક્ષા રાખવી જોઈએ કે યુએસએ તેની આગામી બે મેચ હારે. આ જીત બાદ પાકિસ્તાન ગ્રુપ Aમાં ત્રીજા સ્થાને આવી ગયું છે.

જીવનના દરેક તબક્કે નેતૃત્વ કેટલું અગત્યનું?

કોઈપણ યુદ્ધ કે વેપાર-ધંધામાં નેતૃત્વ ખૂબ અગત્યનું છે. અનસૂયાબહેન સારાભાઈ અને શંકરલાલ બૅન્કરે પૂજ્ય ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ટેક્ષટાઇલ લેબર એસોસિયેશન એટલે મજૂર મહાજનની સ્થાપના કરી ત્યારે મજૂરો અને માલિકોને મહાત્માજીએ સમજાવેલું કે આ આખીયે ઉત્પાદન વ્યવસ્થાના ત્રણ મુખ્ય ભાગીદારો છે.

પહેલા મિલમાલિકો, જે મૂડીનું રોકાણ કરી ફેક્ટરી તેમજ મશીનો ઊભાં કરે છે. બીજો ભાગ એટલે મેનેજમેન્ટ, જે આ આખીયે વ્યવસ્થા સંભાળી ધંધો નફામાં ચાલે તે માટે જવાબદાર છે અને ત્રીજો કામદાર, જેનો શ્રમ ઉત્પાદનની ગુણવત્તા તેમજ જથ્થા માટે જવાબદાર છે.

કોઈપણ વ્યવસ્થા આ ત્રણેયના તાલમેલથી જ ચાલે છે અને એટલે કામદારો માટે હ્યુમન રિસોર્સીસ એટલે કે માનવ સંસાધનો એવો શબ્દ પ્રયોજાય છે.

ભગવાન કૃષ્ણ કહે છે ‘પરિત્રાણાય સાધુનામ’ અર્થાત્ વહીવટમાં કોઈપણ વસ્તુ પર કાબૂ મેળવવો હોય, કામ સારી રીતે પાર પાડવું હોય તો સંસ્થામાં જે કર્મચારી સારું કામ કરે છે તેને રક્ષણ આપો. કોઈપણ સંસ્થા માટે તેના કર્મચારીઓ ખૂબ જ જરૂરી હોય છે તેથી જ અંગ્રેજીમાં શબ્દ વપરાય છે ‘હ્યુમન રિસોર્સ’. કર્મચારી એ સંસાધન છે. તેના વિના બીજા બધા જ સંસાધનો અધૂરા છે. કર્મચારીઓના સહયોગ વિના ધનિક શેઠ પણ પોતાની સંસ્થા આગળ વધારી શકતો નથી. તેથી કહેવાય છે કે ‘Teamwork makes Dream work’. જે વ્યક્તિ સારું કામ કરે છે તેના પ્રત્યે લોકો ઈર્ષાની દૃષ્ટિએ જુએ છે. કહે છે ને કે જમીન પર લોકોના ટોળાઓ હોય છે પરંતુ શિખર પર તો એકલા જ જવાનું હોય છે.

સારું કામ કરનારા પ્રગતિના પંથે જનારા માણસને દુનિયા નીચે પછાડવાની તકમાં જ હોય છે. તેથી તેમને રક્ષણ આપી તે વ્યક્તિ સારી રીતે પોતાનું કામ કરી શકે તેવું વાતાવરણ કંપની મેનેજમેન્ટે બનાવવું જોઈએ. જે માણસો પોતાના કામ પ્રત્યે ગેરવફાદાર રહે છે અથવા તો બીજા સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમના કામમાં બાધા બને છે તેમનો નાશ કરવો.

એ પણ યાદ રહે કે કોઈપણ વ્યક્તિને તેની પહેલી ભૂલે જ સજા ન આપવી જોઈએ, પણ જે તે માણસને સુધરવાની પૂરતી તક આપવી જોઈએ. જો માણસને પૂરતી તક આપવામાં આવે તો તે સુધરી શકે છે. રામાયણના રચયિતા વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા. પરંતુ યોગ્ય તક આપ્યા બાદ પણ માણસ પોતાની પ્રકૃતિ ન સુધારે તો તેનો સંસ્થાના હિતમાં નાશ કરવો જ હિતાવહ છે.

ટોચનું મેનેજમેન્ટ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલું જ હોય છે. મહાભારતનું યુદ્ધ નક્કી હતું. અર્જુન અને દુર્યોધન બંને દ્વારકાધીશને પોતપોતાને પક્ષે રહેવા વિનંતી કરવા ગયા. ભગવાન આરામમાં હતા. દુર્યોધન એમના ઓશીકા તરફ બેઠો. અર્જુન પગ તરફ. ભગવાનની આંખ ખૂલી ત્યારે એમની નજર પહેલા અર્જુન પર પડી. ત્યાર બાદ દુર્યોધન પર. એમની વિનંતીના જવાબમાં ભગવાને કહ્યું કે, ‘બેમાંથી એક વિકલ્પ પસંદ કરો. હું જે બાજુ રહીશ એ બાજુ હું એકલો જ રહીશ. શસ્ત્ર નહીં ઉપાડું. મારી પહેલી નજર અર્જુન પર પડી છે એટલે પહેલા પસંદગી કરવાનો હક્ક એનો છે.’ દુર્યોધનના આશ્ચર્ય વચ્ચે અર્જુને શ્રીકૃષ્ણને માગી લીધા. યાદવોની અતિપ્રતાપી સેના દુર્યોધનને મળી.

સારથી તરીકે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના માર્ગદર્શક બન્યા. મહાભારતનું યુદ્ધ પાંડવોના પક્ષે ત્યારે જ જીતાઈ ગયું હતું. ઇન શોર્ટ, ‘leadership counts’ એટલે કે નેતૃત્વ મહત્વનું છે. ‘જેનો સેનાપતિ આંધળો તેનું લશ્કર ખાડામાં.’

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

ચોમાસાને લઈ AMC તૈયાર, 7 ઝોનમાં 24 કંટ્રોલ રૂમ શરૂ

રાજ્ય સહિત દેશમાં ધીમી ગતિએ ચોમાસુ પ્રસરી રહ્યું છે. ચોમાસુ આવતાની સાથે જ પાણી ભરવાની સમસ્યા થતી હોય છે. શહેરમાં ચોમાસા દરમિયાન ઉપસ્થિત થનારી પરિસ્થિતને પહોંચી વળવા માટે તંત્ર સજજ બન્યું છે. AMC એ શહેરના સાત ઝોનમાં કંટ્રોલ રૂમમાં શરૂ કર્યા છે. જ્યા તમે વરસાદથી થતી સમસ્યાની ફરિયાદ ફોનથી કરી શકાશે. અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોન્સુન પ્લાન અંતર્ગત મેયર પ્રતિભાબહેન જૈનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ચોમાસા દરમિયાન ઉભી થતી પરિસ્થિતિઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ચોમાસાના આગમનને લઈને AMCની પ્રી-મોન્સૂન પ્લાન રિવ્યુ બેઠક મળી હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રિ-મોન્સુન કામીગીરી પર થયેલી કામગીરી અને બાકી રહેલ કામગીરી પર ચર્ચા કરવામાં આવી.

અમદાવાદના 7 ઝોનમાં મળી 24 કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં 27 સ્થળોએ રેઇન ગેજ મુકવામાં આવ્યા છે. ઝોન મુજબ વોટ્સએપ મારફતે ફરિયાદ નોંધાવી શકાશે. વોટસઅપના નંબર માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાશે. આકસ્મિક સંજોગો માટે વિવિધ વિભાગોની ટીમ સ્ટેન્ડબાય રહેશે. વરસાદી પાણી ભરાવાના 130 સ્થળોની ઓળખ કરી જરૂરી કામગીરી કરવામાં આવી છે. શહેરભરમાં પથરાયેલા 2385 cctv નેટવર્ક થકી પાણી ભરાવવાની સ્થિતિ પર નજર રખાશે. શહેરના 21 અંડરપાસ cctv દ્વારા નજર રાખવામાં આવશે.

સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે 23 અને પૂર્વ છેડે 18 ડિસ્ચાર્જ પોઇન્ટ નક્કી કરાયા છે. ખારીકટ કેનાલમાં પાણી નિકાલ માટે 67 સંપ બનાવવામાં આવ્યા છે. 113 પંપ દ્વારા પાણી નિકાલ કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે 35 સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન અને 87 પંપ ગોઠવવામાં આવ્યા છે. બગીચા ખાતા દ્વારા તમામ જરૂરી સાધનો અને 9 વૃક્ષ ટ્રિમિંગ વાન સ્ટેન્ડબાય રાખવાનું આયોજન છે. તળાવમાં મહત્તમ પાણી આવે એવું આયોજન છે. એએમસી હદમાં પૂર્વ પશ્ચિમ તરફ ભેળવાયેલા વિસ્તારોમાં 10 કિમીની સ્ટોર્મવોટર લાઈન નાખવામાં આવી છે.

ધર્મ સંકટમાં ફસાયા રાહુલ ગાંધી! કહ્યું- ‘હું પીએમ મોદીના જેમ ભગવાન..’

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે (12 જૂન, 2024) કહ્યું કે તેઓ રાયબરેલીથી સાંસદ બનવું કે વાયનાડથી એની દ્વિધામાં ફસાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે હું પીએમની જેમ ભગવાન નથી, પરંતુ એક માણસ છું.

કેરળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, “હું દ્વિધામાં છું કે મારે વાયનાડનો સાંસદ રહેવું જોઈએ કે રાયબરેલીનો.” હું આશા રાખું છું કે વાયનાડ અને રાયબરેલીના લોકો મારા નિર્ણયથી ખુશ થશે.” તેમણે આગળ લોકોનો આભાર માન્યો અને કહ્યું કે નફરતને પ્રેમથી અને અહંકારને નમ્રતાથી પરાજિત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ (યુપી)ની રાયબરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને 3,90,030 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીએ CPI(M)ના એની રાજાને હરાવ્યા છે.

નોંધનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ બે સીટો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીથી તેમનો પરાજય થયો હતો. આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી જીત્યા છે. આવી સ્થિતિમાં તેમને સીટ પસંદ કરવી પડશે.

જો કે આ વખતે નેહરુ-ગાંધી પરિવારનો ગઢ ગણાતું અમેઠી ફરી કોંગ્રેસના ખાતામાં આવી ગયું છે. અહીંથી કિશોરી લાલ શર્માએ સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે.