Home Blog Page 1735

નાણામંત્રીના પિટારામાંથી 1 જુલાઈએ શું નીકળશે ? રજૂ થઈ શકે છે ફુલ બજેટ!

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન, 1 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ હવે નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. તેમજ મોદી 3.0 સરકારનું પહેલું બજેટ 1 જુલાઈના રોજ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મોદી સરકારે કેબિનેટની પહેલી બેઠકમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તેઓ ટૂંક સમયમાં જ દેશના લોકો માટે પોતાનો પિટારો ખોલવા જઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, 26 જૂને 18મી લોકસભા માટે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ 27 જૂને ગૃહને સંબોધિત કરી શકે છે.

નોંધનીય છે કે નિર્મલા સીતારમણને ફરી એકવાર નાણા અને કોર્પોરેટ બાબતોના મહત્ત્વપૂર્ણ વિભાગો સોંપવામાં આવ્યા છે. દેશની આર્થિક નીતિ અને કોર્પોરેટ ગવર્નન્સના સંચાલનમાં સારી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.  ભારતીય અર્થવ્યવસ્થાએ 2023-24માં 8.2 ટકાની મજબૂત જીડીપી વૃદ્ધિ હાંસલ કરી છે.

નિર્મલા સીતારમણએ નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળતી વખતે રાજકોષીય ખાધ પણ 2020-21માં જીડીપીના 9 ટકાથી ઘટીને 2024-25 માટે 5.1 ટકા થઈ ગઈ છે. જેના કારણે અર્થવ્યવસ્થા પહેલા કરતા વધુ મજબૂત બની છે.

ઉલ્લેખનીય છે કે વચગાળાના બજેટ દરમિયાન નાણામંત્રી દ્વારા પગારદાર વર્ગને ધ્યાનમાં રાખીને કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. તેથી, રોજગારી મેળવનારા લોકોને આ બજેટમાં સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હાલ, ટેક્સની જવાબદારી જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થાના આધારે બનાવવામાં આવે છે. પગારદાર કલમ ​​નવી કર વ્યવસ્થા હેઠળ, છૂટની મર્યાદા વર્તમાન રૂ. 7 લાખથી વધીને રૂ. 8 લાખ થવાની ધારણા છે. આ સિવાય જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને આ હેઠળ ટેક્સમાં છૂટ 2.5 લાખ રૂપિયાથી વધીને 3 લાખ રૂપિયા થઈ શકે છે.

શેરબજારમાં નવો જોશ, નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ પર

શેર બજારમાં સપ્તાહના વચ્ચેના દિવસે જોરદાર ઉછાળ આવતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 50ની વાત કરીએ તો, ગઈકાલની તેજીને આગળ વધારતા નવી સવારના નવા જોશ સાથે રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યું છે. જ્યારે સેન્સેક્સ પણ ગઈકાલ લાલ નિશાનમાં બંધ થયું હતું, જે આજે 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલતું જોવા મળ્યું હતું. જ્યારે BSE માર્કેટ કેપ સર્વોચ્ચ ઉંચાઈ પર જોવા મળ્યું હતું. ત્યારે રૂપિયો પણ ડૉલર સામે 5 પૈસા સુધરીને 83.53 આસપાસ ખુલતો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ આજે 200 પોઈન્ટના આસપાસ સુધરીને ખુલ્યો હતો, જે 12 વાગ્યા સુધીમાં લગભગ 450 પોઈન્ટ ઉછળી 76931ના સ્તરે આસપાસ જોવા મળ્યો હતો. નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 23413 આસપાસ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે  નિફ્ટીએ 23441.95ની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી છે. ત્યારે બીએસઈ માર્કેટ કેપ 430.24 લાખ કરોડ થયુ છે. Sensex પણ ઓલટાઈમ હાઈ 77079ની સપાટી નજીક પહોંચ્યો હતું.

આજે સ્મોલકેપ, મીડકેપ, ઓટો, ટેલિકોમ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. સ્મોલકેપ શેરોમાં તેજીના પગલે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 50223ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. ગઈકાલે વૈશ્વિક સ્તરે નબળા સંકેતો અને પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટ ફ્લેટ બંધ થયા હતા. ત્યારે માર્કેટ નિષ્ણાતો સહિત રોકાણકારો ફેડ પોલિસીની જાહેરત અને અમેરિકી ફુગાવાના આંકડા પર મિટ માંડી બેઠા હતા. રોકાણકારોને અપેક્ષા છે કે, વર્ષના અંત સુધી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત કરી શકે છે.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આગામી આર્મી ચીફ બનશે

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણૂકની જાહેરાત કરી. લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદી અગાઉ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કાર્યકાળ 30 જૂન 2024થી શરૂ થશે. એક નિવેદન અનુસાર, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 30 જૂને ચાર્જ સંભાળશે, જ્યારે વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ સી પાંડે એ જ દિવસે પોતાનું પદ છોડી દેશે. 1 જુલાઈ, 1964ના રોજ જન્મેલા ઉપેન્દ્ર દ્વિવેદીને ડિસેમ્બર 1984માં આર્મીની ઈન્ફન્ટ્રીમાં કમિશન આપવામાં આવ્યું હતું.

ઉપેન્દ્ર દ્વિવેદીને આ પોસ્ટ પર મુકવામાં આવ્યા હતા

લગભગ 40 વર્ષની તેમની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન તેમણે વિવિધ કમાન્ડ, સ્ટાફ, સૂચનાત્મક અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની કમાન્ડ નિમણૂંકોમાં રેજિમેન્ટ (18 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ), બ્રિગેડ (26 સેક્ટર આસામ રાઇફલ્સ), ડીઆઈજી, આસામ રાઈફલ્સ (પૂર્વ) અને 9 કોર્પ્સના કમાન્ડ. ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રારંભિક શિક્ષણ સૈનિક સ્કૂલ, રીવામાંથી મેળવ્યું હતું. આ પછી તેણે નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજમાંથી શિક્ષણ લીધું. તેણે DSSC વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ મહુમાંથી અભ્યાસક્રમો પણ કર્યા છે. દ્વિવેદીને USAWC, Carlisle, USA ખાતે પ્રતિષ્ઠિત NDC સમકક્ષ અભ્યાસક્રમમાં ‘વિશિષ્ટ ફેલો’થી નવાજવામાં આવ્યા હતા. તેમણે સંરક્ષણ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફિલ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને મિલિટરી સાયન્સમાં બે માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

મનોજ પાંડેને સર્વિસમાં એક્સટેન્શન મળ્યું

તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ આઉટગોઇંગ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેની સેવામાં વધારો કર્યો હતો. તેમની સર્વિસ એક મહિના માટે લંબાવવામાં આવી હતી. જનરલ મનોજ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમનો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સેના પ્રમુખનો કાર્યકાળ 62 વર્ષની ઉંમર સુધી અથવા ત્રણ વર્ષ પહેલાનો હોય છે.

અગ્નિકાંડની તપાસ ગોકળગાય ગતીએ!

રાજકોટ અગ્નિકાંડને આજે 19 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. એક બાજું અગ્નિકાંડમાં હોમાયેલા પરિવારો ન્યાયની આશાએ રાહ જોઈ બેઠા છે. તો બીજી બાજું SIT આજે 19 દિવસ બાદ પણ તાપસ કરી રહી હોવાનું જણાવી રહી છે. રાજકોટમાં બનેલો માનવ સર્જીત અકસ્માતમાં 28 લોકોના જીવ બળીને એ રીત ભષ્મી ભૂત થયા કે તેમના DNA પણ મેચ કરવા મુશ્કેલ થયા હતા.

રાજકોટ અગ્નિકાંડને 19 દિવસ પૂર્ણ થયા છે. સાથે આ કાંડ બાદ તમામ સરકારી અઘિકારોએ તપાસ કર્યા બાદ ગુનેગારોને ન છોડવાની વાત પણ કરી હતી. જે માટે રાજ્ય સરકાર દ્વારા SIT ટીમની રચના કરવામાં આવી હતી. જ્યારે SITની રચના બાદ તપાસના ધમધમાટ ચાલ્યા હતા. જ્યારે બે પી.આઈ સહિત દસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન સરકારે નિમેલી SITના વડા સુભાષ ત્રિવેદી તપાસ માટે રાજકોટ આવ્યા છે. તેમણે રાજકોટ જેલમાં રહેલા પાંચ આરોપીઓ અને ટીઆરપી ગેમઝોનના ભાગીદારો-માલિકો એવા યુવરાજસિંહ સોલંકી, નિતીન લોઢા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર અને કિરીટસિંહ જાડેજાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદીએ ​​​​​​​મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ મુદ્દા પર જીણવટ પુરવક તપાસ ચાલી રહી છે. તપાસમાં કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા છે. જ્યારે કેટલાક દસ્તાવેજ ગુમ થયા છે જે મુદ્દા પર તપાસ ચાલી રહી છે. તેમજ ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઇ છે, તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. આ અગ્નિકાંડમાં અલગ-અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આ તપાસ ઊંડાણ પૂર્વક કરવી પડે કારણ કે, ઊંડાણ પૂર્વક તપાસ કરો તો જ દોષિત દંડાય. કાળજી પૂર્વક તપાસ કરવી જરૂરી છે. આ ઘટનામાં દોષિતને સજા મળે એ જરૂરી છે.

 

ક્રિસ્પી બટેટા ક્યુબ્સ્

ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ચિઝી બટેટા ક્યુબ્સની આ વાનગી બાળકોને બહુ જ પ્રિય થઈ રહેશે અને મોટેરાંને પણ બહુ જ ભાવશે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 3
  • મીઠું સ્વાદ મુજબ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • કોથમીર ધોઈને પાણી નિતારીને સમારેલી 2 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • ઓરેગેનો પાઉડર 1 ટી.સ્પૂન
  • લસણની કળી 7-8
  • ચિલી ફ્લેક્સ અથવા લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ચીઝ ક્યુબ્સ 4
  • ચોખાનો લોટ 5-6 ટે.સ્પૂન અથવા (કોર્નફ્લોર 3 ટે.સ્પૂન સાથે મેંદો 3 ટે.સ્પૂન)

રીતઃ બાફેલા બટેટા છોલીને ખમણીને તેનો છૂંદો કરી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ઓરેગેનો પાઉડર, ચાટ મસાલો ઉમેરો. ચીઝ ક્યુબ્સ તેમજ લસણની કળીને ખમણીને ઉમેરો. ઝીણાં સમારેલા લીલા મરચાં, સમારેલી કોથમીર, તેમજ ચિલી ફ્લેક્સ ઉમેરો. હવે તેમાં ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર-મેંદો મેળવીને લોટ બાંધી લો. જો તેમાં હજુ પાણી જેવું લાગે તો થોડો લોટ ઉમેરો.

પાટલા ઉપર થોડો ચોખાનો લોટ ભભરાવીને આ લોટનો 1 સેં.મી. જાડો રોટલો વણી લો. ત્યારબાદ તેના 1 ઈંચ જાડાઈના ટુકડા કટ કરી લો અને ચોખાના લોટમાં રગદોળી લો. આ ટુકડાને ફ્રીજમાં એકાદ કલાક માટે રહેવા દો.

એક ફ્રાઈ પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરી લો. ત્યારબાદ ગેસની આંચ ધીમી મધ્યમ કરી લો. તેમાં બટેટાના ટુકડા તળવા માટે હળવેથી નાખી દો. 2 મિનિટ બાદ એક ફોર્કની મદદથી બટેટા ક્યુબ્સને ઉથલાવો. ફરીથી 2 મિનિટ બાદ ક્યુબ્સ ઉથલાવો. ધીમી આંચે એને 4-5 મિનિટ સુધી સોનેરી રંગના તળીને બહાર કાઢી લો.

 

આ બટેટા ક્યુબ્સ ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

૧૨ જૂન, ૨૦૨૪

અંતરતમ સ્વભાવને સન્માનવું

ભારતીય સંસ્કૃતિમાં હંમેશા ગુરુ ઉચ્ચ આદરણીય મનાયા છે. પોતાને ગુરુ હોવા એ માત્ર ગૌરવની વાત નહોતી ગણાતી, પણ ગુરુ હોવા એ આદેશરુપ હતું. ગુરુ ના હોય તો અનાથ કે દરીદ્ર તરીકે નીમ્ન ગણાતું અને દુર્ભાગ્યની નિશાની ગણાતી.

સંસ્કૃતમાં ‘અનાથ’નો અર્થ જેને ગુરુ નથી એવો થાય છે.આચાર્ય ‘શિક્ષા’ એટલે કે જ્ઞાન પ્રદાન કરે છે. જ્યારે ગુરુ ‘દિક્ષા’ એટલે કે ઉચ્ચ સજાગતા, જ્ઞાનીપણું પ્રદાન કરે છે. ગુરુ અગોચરને વધુ વાસ્તવિક તરીકે પ્રસ્તુત કરે છે અને તમે જેને નક્કર માનો છો તે વધુ અવાસ્તવિક જણાય છે. સંવેદનશીલતા તથા સૂક્ષ્મદ્રષ્ટિનો આવિર્ભાવ થાય છે. પ્રેમની સમજ એક લાગણી તરીકે નહીં પરંતુ અસ્તિત્વના ફલક તરીકે સ્પષ્ટ થાય છે. નિરાકાર આત્મા સર્જનના પ્રત્યેક સ્વરૂપે વિદ્યમાન થાય છે અને જીવનનું રહસ્ય વધુ ઘેરું બને છે.ત્યાર બાદ ગુરુ સાથે જીવનની ખરી યાત્રાનો પ્રારંભ થાય છે.

આ યાત્રાની ચાર અવસ્થાઓ હોય છે.

પ્રથમ અવસ્થા: સારુપ્ય (આકારમાં નિરાકારને જોવું),એટલે કે દરેક સ્વરૂપમાં ઈશ્વરને જોવા. ઘણી વાર વ્યક્તિને ઈશ્વર કોઈ સ્વરુપ કરતાં નિરાકાર સ્વરૂપે જોવા એ વધારે અનુકૂળ આવે છે કારણ કે તે કોઈ સ્વરુપમાં હોય તો વ્યક્તિને તેમનાથી થોડું અંતર લાગે છે, દ્વૈત જણાય છે,અસ્વીકારનો ડર અને અન્ય મર્યાદાઓ નડે છે. જીવનમાં, ગહેરી નિદ્રા અને સમાધિ સિવાય, આપણા બધા આદાનપ્રદાન કોઈને કોઈ સ્વરુપ સાથે હોય છે. જો આપણે ઈશ્વરને વિવિધ આકારો(સ્વરૂપો)માં જોઈ શકતા નથી તો જીવનની જાગૃત અવસ્થા ઈશ્વરથી વંચિત રહી જાય છે. જે લોકો ઈશ્વરને નિરાકાર તરીકે સ્વીકારે છે તેઓ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે અને કદાચ ઈશ્વર કરતાં એ સંજ્ઞાઓને વધારે પ્રેમ કરે છે!

 

બીજી અવસ્થા: સામિપ્ય (નજીકપણું),એટલે કે વ્યક્તિ પોતે પસંદ કરેલા સ્વરૂપની એકદમ નજીક હોવાનું અનુભવે છે અને અંતે નિરાકાર તરફના પ્રયાણમાં પરિણમે છે. આ અનુભવ સમસ્ત સર્જન સાથે ગાઢ સંબંધ હોવાનો ભાવ આપે છે. આ અવસ્થામાં વ્યક્તિ અસ્વીકારના અને અન્ય ડરથી મુક્ત થાય છે. આ અવસ્થા સમય અને અવકાશના સંદર્ભ સાથે જોડાયેલી હોય છે.

ત્રીજી અવસ્થા: સાનિધ્ય એટલે કે ઈશ્વરની એવી મોજુદગીનો અનુભવ કરવો જેનાથી તમે સમય અને અવકાશની મર્યાદાઓને પાર કરી જાવ છો. અંતિમ અવસ્થા છે સાયુજ્ય જેમાં વ્યક્તિ ઈશ્વર સાથે અચલપણે સંકળાયેલી હોય છે. એ અવસ્થામાં વ્યક્તિને આપણું ઈશ્વર સાથે એકરૂપ હોવાનું સમજાય છે. એ આ પ્રિયપાત્ર સાથે સંપૂર્ણ એકાકાર થઈ ગયેલી હોય છે અને તમામ દ્વૈતભાવ અદ્રશ્ય થઈ જાય છે.

ઉપનિષદોમાં સદગુરુના પાંચ લક્ષણો વિષે જણાવ્યું છે. સદગુરુની ઉપસ્થિતિમાં જ્ઞાન પાંગરે છે, દુ:ખ દૂર થાય છે, અકારણ આનંદ પ્રગટે છે, વિપુલતા પ્રગટ થાય છે અને તમામ કુશળતાઓ અભિવ્યક્ત થાય છે.

 

એક ગુરુ શિષ્યને માત્ર જ્ઞાન જ નથી આપતા;તેઓ તેનામાં પ્રાણશક્તિ જગાવે છે. ગુરુની ઉપસ્થિતિમાં વ્યક્તિ વધુ જીવંત બને છે. બુધ્ધિની પરાકાષ્ઠા એટલે સજગ, સતેજ સમજશક્તિ. ગુરુ માત્ર તીવ્ર સમજશક્તિને જ જાગૃત નથી કરતાં પરંતુ વિવેક બુધ્ધિને પણ કરે છે. જ્ઞાન કદાચ તીવ્ર સમજશક્તિ ના જગાવે, પરંતુ તીવ્ર સમજશક્તિ સાથે જ્ઞાનનું હોવું સ્વાભાવિક છે.

દેહધારી ગુરુમાં સંચિત કર્મ રહ્યા નથી હોતા, માટે તેમનામાં ચેતના પ્રકાશમય હોય છે. ગુરુના જે બધા ગુણોનું આપણે ઉચિત મુલ્યાંકન કરીએ છીએ તે બધા આપણી પ્રકૃતિમાં પણ હોય છે જ. ગુરુની સાથે હોવું એ પોતાની ચેતનાની ઉચ્ચ અવસ્થામાં હોવા જેવું છે. ગુરુ, ઈશ્વર અને પોતાની જાત આ ત્રણે સમાનાર્થી છે. ઘણી વાર વ્યક્તિ જ્ઞાનને સમજે છે, પરંતુ તેને એ જ્ઞાનને પોતાની જીંદગીમાં અપનાવવા બાબતે અંતર લાગે છે. શિષ્ય બનવાનો ઉદ્દેશ એ અંતરને પૂરી દેવાનો છે. ગુરુની સાથે હોવું એટલે જીવન અને જ્ઞાન વચ્ચે સ્વયંસ્ફુરિત સંકલન. ગુરુને સન્માન આપવું એટલે આપણા અંતરતમ સ્વભાવને સન્માનવું.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 12/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

નોટ આઉટ @ 86: પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી

પદ્મશ્રી (2024), જ્ઞાનપીઠ પુરસ્કાર (2015), નર્મદ સુવર્ણચંદ્રક (1995), કુમાર ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય એકાદમી દિલ્હીનો પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક જેવાં અનેક ચંદ્રકો અને પારિતોષિકોથી સુશોભિત અને જેમણે 170થી પણ વધારે ગુજરાતી પુસ્તકો લખ્યા છે એવા ગુજરાતી સાહિત્યના ભીષ્મ-પિતામહ રઘુવીરભાઈ ચૌધરીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ બાપુપુરા(ગાંધીનગર)માં થયો. ત્રણ ભાઈ, બે બહેન(સો વર્ષનાં મોટાંબહેન હજુ હયાત છે!)નું કુટુંબ, તેઓ સૌથી નાના. પિતાને ખેતી હતી. શાળાનો અભ્યાસ માણસામાં કર્યો. ગામમાં અને ઘરમાં પહેલેથી સાહિત્યનું વાતાવરણ હતું. 1960માં હિન્દી સાથે બી.એ., 1962માં એમ.એ. અને 1979માં પી.એચ.ડી. કર્યું. બી.ડી. કોલેજ, ગુજરાત વિદ્યાપીઠ, એચ.કે. આર્ટસ કોલેજ વગેરેમાં અધ્યાપક તરીકે કામ કર્યું. 1977-1998 ગુજરાત યુનિવર્સીટીના ભાષા-સાહિત્ય-ભવનમાં હિન્દીના આધ્યાપક તરીકે કામ કર્યું. 1998માં ભાષા-સાહિત્ય-ભવનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. તેમણે નવલકથા, વાર્તા, કવિતા, નાટક, એકાંકી, વિવેચન, રેખા-ચિત્રો, પ્રવાસ-વર્ણન, ધર્મચિંતન અને સંપાદન જેવાં સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેઓ વહેલા જાગી જાય, પણ ઊઠે શાંતિથી! સવારે નાહી-ધોઈ, નિત્યક્રમ પતાવી, મોરારીબાપુ, ભાઈ-શ્રી અથવા બીજા સંતોની કથા સાંભળે. બહાર બહુ જતા નથી. સાહિત્યના કાર્યક્રમ માટે સાંજે બહાર નીકળે. કસરત કરતા નથી, પણ બાળપણમાં ખેતરમાં કામ કરેલું એટલે ખડતલ શરીર છે. લેખનકાર્યમાં સક્રિય હતા ત્યારે દિવસના 14-14 કલાક લખતા. સાંજે ટીવી જુએ. “અહલ્યા” સિરયલ એમને બહુ ગમતી. જરૂર હોય તો મોડે સુધી જાગે, બાકી વહેલા સુઈ જાય. ગામ સાથે હજુ લગાવ છે. ગામમાં ઘર-ખેતર છે. દર શનિ-રવિ ગામ જાય છે! ગામની શાળામાં સક્રિય છે. બાળકોને બુનિયાદી-શિક્ષણ મળે તેમાં તેમને રસ છે. ગ્રામભારતી અને લોકભારતી(ટ્રસ્ટી) સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

શોખના વિષયો : 

વાંચન અને લેખન મુખ્ય. ચેસ રમવું ગમે, ચેસના સારા ખેલાડી છે. સંગીતમાં ઘણી રૂચી, સુગમ-સંગીત, લોકસંગીત અને શાસ્ત્રીય-સંગીત ત્રણે ગમે. ક્રિકેટ મેચ જોવી પણ ગમે. બાળપણમાં હૂતુતુ અને વોલીબોલ પણ રમતા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત ઘણી સારી છે. બીપી કે બીજી કોઈ બીમારી નથી. શરદી-ઉધરસ પણ ભાગ્યે જ થાય. ખડતલ શરીર છે. પણ, થોડા વખત પહેલાં પગની બીમારી-સેલ્યુલાઇટિસ- થઈ ગયો હતો. હવે સારું છે.

યાદગાર પ્રસંગ: 

“પદ્મશ્રી”ની અપેક્ષા ન હતી, પણ એ તક આવી તો સ્વીકારી લીધી! 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તેનો ઘણો આનંદ થયો હતો. થોડા સમય પહેલાં તબિયત બગડી ગઈ ત્યારે પૌત્રી અનુરાધા અમેરિકાથી ફટાફટ તેમની ખબર કાઢવા આવી ગઈ અને પાછળ-પાછળ પૌત્ર મંદાર પણ આવી લાગ્યો તેનો આનંદ થયો! પુત્રને બોસ્ટન જવાનો અને ત્યાં સ્થ્યાઈ થવાનો ચાન્સ હતો પણ રઘુવીરભાઈને ઓછું પસંદ હતું એટલે પુત્ર-પુત્રવધૂ  (સંજય-સુનિતા) અહીંયા જ રોકાઈ ગયાં. તેઓ સાથે રહી તેમનું ઘણું ધ્યાન રાખે છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

જે સહેલું છે તે ચોક્કસ સ્વીકાર પામે, એટલે અત્યારે નવી-ટેકનોલોજીનો સ્વીકાર થશે જ. AI અને તેની આગળનું પણ કંઈક નીકળશે…. તેઓ પેન-પેપર ઉપર જ લેખન કાર્ય કરે છે. ઈમેલ, વિડીયો-કોલ, FACEBOOK વગેરેનો મર્યાદિત ઉપયોગ કરે છે. છોકરાંઓ નવી-ટેકનોલોજીના ક્ષેત્રે ઘણી મદદ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાંના અને અત્યારના જીવનમાં અને રહેણી કરણીમાં જબરદસ્ત ફેરફાર છે! એમના ગામમાં દર ત્રીજા ઘરમાંથી એક યુવાન પરદેશ ગયો છે! ઘરમાં સુખ-સાધન વધ્યાં છે. એસી, ટીવી, વોશિંગ-મશીન વગેરે બધું જ તેમના ગામમાં છે. પહેલાં શારીરિક-શ્રમ, ખેતી, પશુપાલન, સાંજે ગાય દોહવાનું વગરે  મુખ્ય કામકાજ રહેતું. એટલે ઢોર સાથે મમત્વ રહેતું. બળદ માંદો પડે તો ઘીની બાધા લીધાના દાખલા છે! હવે બધું ઓછું થતું જાય છે. સમાજ તો બદલાતો રહેશે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે એટલે પ્રસંગોએ યુવાનોને મળવાનું થાય છે. યુવાનો પોત-પોતાની રુચિ પ્રમાણે ભણે અને કામ કરે તેવો તેમનો મત છે. તેઓ યુવાનોથી જરાય નિરાશ નથી. તેમનું માનવું છે કે વિદેશ જવાનો પ્રવાહ ઘટશે. તેમને એક દીકરો, ત્રણ દીકરી, પાંચ પૌત્ર-પૌત્રી અને બે પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. પૌત્ર-પૌત્રીઓ સાથેનું તેમનું બોન્ડીંગ ખૂબ જ ગાઢ છે.

સંદેશો :  

યુવાનોમાં જલ્દી પૈસાદાર થવાની ઘેલછા છે. તેમને શુભેચ્છાઓ! દેશનું યુવાધન દેશમાં રહે એવી આશા! ગુજરાતી ભાષા સમૃદ્ધ છે અને રહેશે તેવી તેમને ખાતરી છે!

પંચાંગ 12/06/2024