Home Blog Page 174

રાજ્યોને કોમર્શિયલ ગેસનો 10 ટકા વધારાનો ક્વોટા મળશેઃ સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને 10 ટકા વધારાનો LPG ક્વોટા આપવાનો નિર્ણય કર્યો છે, જેથી વધતી માગ અને સપ્લાય વચ્ચે સંતુલન જાળવી શકાય. આ પગલાથી ખાસ કરીને હોટેલ, રેસ્ટોરાં અને નાના વ્યવસાયોને રાહત મળવાની આશા છે, જે લાંબા સમયથી ગેસની ઉપલબ્ધતા અને ભાવને લઈને પરેશાન હતા.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની સ્થિતિ “હજુ પણ ચિંતાજનક” છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને (UTs) કોમર્શિયલ LPGનું 10 ટકા વધારાની ફાળવણી આપવાની ઓફર કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે LPGની સ્થિતિ હજુ ચિંતાજનક છે. ઓનલાઇન બુકિંગમાં સુધારો થયો છે, પરંતુ ડિસ્ટ્રિબ્યુટરો પાસે હજુ લાંબી લાઇનો જોવા મળી રહી છે. 

“સહાયતા ફ્રેમવર્ક” હેઠળ મોટું પગલું

કોમર્શિયલ LPG સપ્લાય સુધારવા અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે “સહાયતા ફ્રેમવર્ક” હેઠળ મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ યોજના હેઠળ રાજ્યોને વધારાની કોમર્શિયલ LPG ફાળવણી વિવિધ સુધારાત્મક પગલાંને આધારે આપવામાં આવશે.

સરકાર મુજબ, જે રાજ્યો CGD સંબંધિત અરજીઓને મંજૂરી આપશે અને ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સમિતિઓ બનાવશે, તેમને 10 ટકા વધારાની LPG ફાળવણી મળશે.

આ રાજ્યોને મળશે 2 ટકા વધારાની ફાળવણી

એ ઉપરાંત સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટને ઝડપી બનાવવાના હેતુથી “ડીમ્ડ CGD મંજૂરીઓ” આપવાના આદેશ બહાર પાડનારા રાજ્યોને 2 ટકા વધારાની ફાળવણી આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે “ડિગ એન્ડ રિસ્ટોર સ્કીમ” અમલમાં મૂકનારા રાજ્યોને 3 ટકા વધારાની LPG સપ્લાય મળશે, જેથી પાઇપલાઇન બિછાવટ અને મરામત દરમિયાન આવતી અડચણો ઘટે.

જ્યારે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ માટે વાર્ષિક ભાડા અથવા લીઝ ચાર્જમાં ઘટાડો કરનાર રાજ્યોને 4 ટકા વધારાની LPG ફાળવણી આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ ફ્રેમવર્કથી ગેસ સપ્લાય વ્યવસ્થામાં સુધારો થશે અને વ્યવસાયો તેમ જ ગ્રાહકોને વધુ સારી સેવાઓ મળશે.

દેશમાં 40 ટકા સ્નાતકોને નથી મળી રહી નોકરી: અહેવાલ

નવી દિલ્હીઃ દેશમાં 20થી 29 વર્ષની વય જૂથના 6.3 કરોડ સ્નાતકોમાંથી લગભગ 1.1 કરોડ બેરોજગાર છે અને સ્નાતક થયા પછીના એક વર્ષમાં ખૂબ ઓછા લોકોને જ નિશ્ચિત પગારવાળી નોકરી મળી શકે છે. ભારતમાં કામકાજની સ્થિતિ-2026’ અનુસાર બેરોજગાર તરીકે નોંધણી કરાવ્યા બાદ એક વર્ષની અંદર માત્ર લગભગ સાત ટકા સ્નાતકોને જ સ્થાયી પગારવાળી નોકરી મળે છે, એમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ કહે છે.

અહેવાલ મુજબ સ્નાતકોમાં બેરોજગારી દર ઊંચો જ રહ્યો છે. 15થી 25 વર્ષની વય જૂથમાં બેરોજગારી દર લગભગ 40 ટકા છે, જ્યારે 25થી 29 વર્ષની વયજૂથમાં તે લગભગ 20 ટકા છે. સ્નાતક થયા પછી એક વર્ષની અંદર માત્ર થોડા લોકો જ સ્થાયી પગારવાળી નોકરી મેળવી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્નાતકોની સંખ્યા વધતાં આ સમસ્યા વધુ ગંભીર બની છે.

અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં યુવા વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ દર પણ વધ્યો છે, જેને કારણે યુવા સ્નાતકોની કુલ સંખ્યા વધી છે. પરિણામે ઊંચી બેરોજગારી સાથે બેરોજગાર સ્નાતકોની સંખ્યા પણ વધી ગઈ છે. 2023 સુધીમાં 20થી 29 વર્ષની વય જૂથના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર હતા.

યુવા સ્નાતકો માટે બેરોજગારી દર સતત ઊંચો રહ્યો છે. શિક્ષણ સુધી પહોંચ હજુ પણ અસમાન છે. શાળા પરથી કાર્યસ્થળ સુધીનો પ્રવાસ અનિશ્ચિત રહે છે અને ઘણા લોકો માટે તે સ્થાયી અને લાભદાયક રોજગાર સુધી પહોંચતો નથી. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા ચાર દાયકામાં યુવાનોના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે અને ઉચ્ચ શિક્ષણમાં નોંધણી દર 28 ટકા સુધી પહોંચ્યો છે, જેમાં મહિલાઓની ભાગીદારી ખાસ કરીને વધી છે. બીજી તરફ પુરુષોની નોંધણીમાં ઘટાડો નોંધાયો છે — 2017માં 38 ટકા રહેલો દર 2024ના અંત સુધીમાં 34 ટકા થયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે પુરુષો પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે વહેલી વયે કમાણીની તક શોધવા લાગે છે.

IPL 2026: ઈશાન કિશન SRH ના કેપ્ટન બન્યા

આઇપીએલ 2026 શરૂ થવાને પહેલા જ Sunrisers Hyderabad દ્વારા લેવામાં આવેલો મોટો નિર્ણય ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ટીમ મેનેજમેન્ટે વિકેટકીપર-બેટ્સમેન Ishan Kishanને સ્ટેન્ડ-ઇન કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ટીમના નિયમિત કેપ્ટન Pat Cummins પીઠના નીચલા ભાગમાં ઇજાને કારણે ટુર્નામેન્ટના શરૂઆતના કેટલાક મેચોમાં ભાગ લઈ શકશે નહીં.

ટીમે આક્રમક ઓપનર Abhishek Sharmaને ઉપકપ્તાન તરીકે પસંદ કર્યો છે, જે ટીમ માટે નવી ઊર્જા અને લીડરશિપનું સંકેત આપે છે. ઈશાન કિશન માટે આ જવાબદારી તેમના કારકિર્દીના મહત્વપૂર્ણ તબક્કે આવી છે, જ્યાં તેમણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

તાજેતરમાં યોજાયેલ ICC Men’s T20 World Cupમાં ઈશાન કિશને 193ના સ્ટ્રાઈક રેટથી 317 રન બનાવીને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખાસ કરીને પાવરપ્લે દરમિયાન તેમની આક્રમક બેટિંગ ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ હતી. આ જ પ્રદર્શનના આધારે તેમને આ નવી જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આઈપીએલ 2026 ઈશાન કિશન માટે Sunrisers Hyderabad સાથેનો માત્ર બીજો સીઝન છે, છતાં ફ્રેન્ચાઇઝીએ તેમની લીડરશિપ ક્ષમતાઓ પર વિશ્વાસ મૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં પણ તેમણે પોતાની કેપ્ટનશિપથી પ્રભાવ પાડ્યો હતો, ખાસ કરીને Syed Mushtaq Ali Trophyમાં ઝારખંડ ટીમને જીત અપાવી હતી.

કિશનનો સફર સહેલો રહ્યો નથી. એક સમયે તેઓ ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયા હતા અને 2022ના અંતમાં તેમને સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાંથી પણ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ વિરામ પછી તેમણે જોરદાર વાપસી કરી અને પોતાની ક્ષમતાઓ સાબિત કરી. હવે તેઓ એક મજબૂત લીડર તરીકે ઉભરી રહ્યા છે.

2025માં Syed Mushtaq Ali Trophyના ફાઇનલમાં તેમણે હરિયાણા સામે માત્ર 49 બોલમાં શાનદાર શતક ફટકાર્યું હતું અને ટીમને 69 રનથી જીત અપાવી હતી. આ પ્રદર્શન માત્ર તેમની બેટિંગ શક્તિ નહીં પરંતુ લીડરશિપ ક્વોલિટી પણ દર્શાવે છે.

રાહતના સમાચાર ! ‘જગ લાડકી’ જહાજ ગુજરાતના મુંદ્રા પોર્ટ પહોંચ્યું

પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારત માટે રાહત લાવતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. ભારતીય ધ્વજવાળો તેલ ટૅન્કર Jag Ladki oil tanker સફળતાપૂર્વક ગુજરાતના Mundra Port પર પહોંચી ગયો છે. આ જહાજ યુએઈના Fujairah Port પરથી લગભગ 80,886 મેટ્રિક ટન કાચું તેલ લઈને આવ્યો છે, જે ભારત માટે ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહત્વની બાબત એ છે કે આ જહાજે વિશ્વના સૌથી સંવેદનશીલ સમુદ્રી માર્ગોમાંના એક એવા Strait of Hormuzને સફળતાપૂર્વક પાર કર્યો છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ માર્ગ પર જોખમ વધ્યું છે, છતાં પણ ભારતીય જહાજ સલામત રીતે પોતાના ગંતવ્ય સુધી પહોંચ્યું છે.

આ જહાજ સાથે કુલ 22 ભારતીય નાવિકો પણ સવાર હતા, જે બધા જ સુરક્ષિત રીતે Mundra Port પર પહોંચ્યા છે. આ ઘટના માત્ર લોજિસ્ટિક્સ સફળતા નથી, પરંતુ ભારતની કૂટનીતિક શક્તિ અને વ્યૂહાત્મક સંબંધોની પણ સાબિતી આપે છે. આ સફળતા પાછળ Narendra Modiની આગેવાની હેઠળ થયેલા રાજનૈતિક પ્રયાસોને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિશ્વના ઊર્જા વેપાર માટે Strait of Hormuz અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વના કુલ કાચા તેલના વેપારમાંથી આશરે 20 ટકા હિસ્સો આ માર્ગથી પસાર થાય છે. આવા સમયમાં જ્યારે આ માર્ગ પર અનિશ્ચિતતા વધી રહી છે, ત્યારે ભારત માટે આ પ્રકારની સપ્લાય જાળવી રાખવી એક મોટી સિદ્ધિ છે.

તાજેતરના સમયમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલની સપ્લાય પર અસર જોવા મળી છે. અનેક અહેવાલો મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં કાચા તેલના ભાવમાં 50 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. આવી સ્થિતિમાં ભારતે સમયસર પગલાં લઈને પોતાની ઊર્જા જરૂરિયાતોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે.

Jag Ladki oil tanker એ છેલ્લા બે અઠવાડિયામાં Strait of Hormuzમાં અટવાયેલા 28 ભારતીય જહાજોમાંથી એક હતો. તેમાંથી હવે અનેક જહાજો સફળતાપૂર્વક ભારત પહોંચી રહ્યા છે, જે દેશ માટે સકારાત્મક સંકેત છે. આ સમગ્ર ઘટનાને ભારતની વ્યૂહાત્મક તૈયારી અને મજબૂત આંતરરાષ્ટ્રીય સંબંધોની જીત તરીકે જોવામાં આવી રહી છે.

મુંબઈ:બ્રેઈન સ્ટોકને લઈ તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે આ સેમિનારમાં

આજકાલ બ્રેઈન સ્ટોકના કેસ વધી રહ્યાં છે. ત્યારે મુંબઈના કાંદિવલીમાં આ વિષયની જાગૃતિ માટે જાહેર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં બે એકસપર્ટ ડોકટર્સ વકતવ્ય આપશે.

ડૉ. કેયુર પંચાલ, ન્યુરોલોજિસ્ટ અને ડૉ. દર્પણ ઠાકરે, ન્યુરોસર્જન

આજના યુગમાં હાર્ટ એટેકની ઘટનાઓ અવાર નવાર જોવા મળી રહી છે, યુવા વર્ગ પણ આ સમસ્યામાંથી બાકાત રહ્યો નથી. વર્તમાનમાં બ્રેઈન સ્ટ્રોક પણ ગમે ત્યારે અને ગમે તે ઉંમરની વ્યકિતને થવાના કિસ્સા વધતા જાય છે. જોકે આવા મહારોગો અચાનક જ ત્રાટકતા નથી, પરંતુ તેના લક્ષણો અગાઉથી જ દેખાવાના શરૂ થઈ જતા હોય છે. કરૂણતા એ છે કે તે આપણને મોટેભાગે સમજાતા નથી અથવા આપણે તેની ઉપેક્ષા કરી છીએ.

હકીકતમાં બ્રેઈન સ્ટ્રોક – સમસ્યાના કારણો પણ હોય જ છે. તે આપણને સંકેતો પણ આપે છે. આ સંકેતો અને કારણો કેવા હોય છે, તેને કઈ રીતે ઓળખવા – સમજવા એ બાબતોને સરળ ભાષામાં સમજાવવા માટે કાંદિવલ વેસ્ટમાં આગામી 21 માર્ચે એટલે શનિવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એસીઆઈ ( એઈડ્સ કોમ્બેટ ઈન્ટરનેશનલ) અને મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્રારા સંયુકતપણે કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) ના સૌજન્યથી કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં ન્યુરૉલઓજીસ્ટ ડૉ. કેયુર પંચાલ અને ન્યૂરોસર્જન ડૉ. દર્પણ જે. ઠાકરે બ્રેઈન સ્ટ્રોકના કારણો અને આગેતરા સંકેતો વિશે વિસ્તારથી સમજાવશે. અહી એ નોંધવું જરૂરી છે કે બ્રેઈન સ્ટ્રોકના કિસ્સામાં સારવાર, સર્જરી બહુ ખર્ચાળ તો હોય જ છે પરંતુ સાથે-સાથે બહુ કોમ્પલેક્ષ અને જોખમી પણ હોય છે. તેથી જ તેના વિશે જાગ્રતિ અને સાવચેતી રાખવાનું વિશેષ મહત્વ છે.

આ નિશુલ્ક સેમિનારનો ઉદેશ લોકોમાં બ્રેઈન સ્ટોક અંગે જાગૃતિ અને અવેરનેસ લાવવાનો છે . સેમિનારનાં અંતમાં સવાલ-જવાબનું સત્ર થશે. સેમિનાર પંચોલિયા હોલ, ત્રીજે માળે, ટી પી ભાટિયા કોલેજના મકાનમાં, કેઆરસી કલબની નજીક, કાંદિવલી વેસ્ટમાં સાંજે 4 થી 6 યોજાશે.બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલો ધોરણે રહેશે. ઈચ્છુક દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે. વધુ માહિતી માટે ડો. ગિરીશ ત્રિવેદી- ૯૮૨૧૦૮૧૧૩૮ને સંપર્ક કરી શકો છો.

 

ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં આગામી બે દિવસ માટે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, સાથે જ ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લામાં હલકાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 19 અને 20 માર્ચના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે અને ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાનમાં આ બદલાવને કારણે રાજ્યના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે કંડલા, ભુજ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ઘણા વિસ્તારોમાં દિવસ દરમિયાન તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં તાજેતરમાં ગરમીને કારણે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ તાપમાનમાં વધારો નોંધાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત રહી શકે છે અને યલો એલર્ટ જાહેર થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ગરમી વચ્ચેનું મિશ્ર હવામાન રાજ્યમાં જોવા મળી શકે છે.

આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને ગાજવીજ અને તેજ પવન દરમિયાન બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે.

કાળુપુરના રેવડી બજારમાં પ્લાસ્ટિકની દુકાનોમાં લાગી આગ

અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાળુપુર વિસ્તારના પાંચકુવાના રેવડીબજાર માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરી મચી હતી. અહીં 5-6 જેટલી દુકાનો આગની ઝપટમાં આવી ગઈ છે. આગની તીવ્રતા જોતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેટની ટીમ ઘટનાસ્થળે

ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે થઈ છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધને ધોરણે ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે. રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલસામાનનો મોટો જથ્થો હોય છે, જેને કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે. આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.

બજારમાં આગ લાગતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. ભરચક વિસ્તાર હોવાથી આગ વધુ ફેલાય તો સ્થિતિ વિકરાળરૂપ ધારણ કરી શકે છે. જોકે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે પ્લાસ્ટિકની દુકાનોમાં લાગેલી આગને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ  હજુ સુધી અકબંધ છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી  હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવે ગેસ બુક કરવા માટે લાઈનમાં રાહ જોવાની જરૂર નથી !

દેશના અનેક વિસ્તારોમાં LPG ગેસ સિલિન્ડરની અછત અને ડિલિવરીમાં થતા વિલંબ વચ્ચે ગ્રાહકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે લાંબી લાઈન કે ફોન પર વારંવાર પ્રયાસ કરવાની જરૂર નથી. Bharatgas અને Indaneએ ગ્રાહકો માટે નવી અને સરળ સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા માત્ર WhatsApp પર એક “Hi” મેસેજ મોકલીને જ સિલિન્ડર બુક કરી શકાય છે.

આ નવી ડિજિટલ સુવિધા ગ્રાહકોના સમય અને મહેનત બંને બચાવવા માટે શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ગેસ બુકિંગ માટે લોકોને કોલ સેન્ટર અથવા ગેસ એજન્સી પર આધાર રાખવો પડતો હતો, જેમાં ઘણીવાર વિલંબ અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે WhatsApp દ્વારા આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે.

Bharatgasના ગ્રાહકો માટે બુકિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. ગ્રાહકોને તેમના મોબાઈલમાં WhatsApp ખોલીને નિર્ધારિત નંબર સેવ કરવો પડે છે અને ત્યારબાદ “Hi” મેસેજ મોકલવો પડે છે. મેસેજ મોકલતા જ ઓટોમેટિક મેનૂ ખુલશે, જેમાં LPG બુકિંગનો વિકલ્પ પસંદ કરીને માત્ર કેટલીક વિગતો કન્ફર્મ કરવાથી સેકન્ડોમાં બુકિંગ પૂર્ણ થઈ જાય છે.

તે જ રીતે Indaneએ પણ પોતાના ગ્રાહકો માટે WhatsApp આધારિત બુકિંગ સિસ્ટમ શરૂ કરી છે. અહીં પણ “Hi” મેસેજ મોકલતા જ ઓટોમેટિક ઓપ્શન મળે છે અને ગ્રાહકો સરળ રીતે “Book Cylinder” પસંદ કરીને બુકિંગ કરી શકે છે. આ પ્રક્રિયામાં ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા કન્ઝ્યુમર નંબરની પુષ્ટિ કરવાની જરૂર પડી શકે છે, જે પછી તરત જ બુકિંગ કન્ફર્મ થઈ જાય છે.

આ ઉપરાંત, જેમના પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોન ઉપલબ્ધ નથી, તેમના માટે પણ સરળ વિકલ્પ આપવામાં આવ્યો છે. ગ્રાહકો હવે માત્ર એક મિસ્ડ કોલ આપીને પણ ગેસ સિલિન્ડર બુક કરી શકે છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા નથી.

મિસ્ડ કોલ આપતાં જ સિસ્ટમ આપોઆપ ગ્રાહકના નંબરને ઓળખી લે છે અને બુકિંગ પ્રક્રિયા શરૂ કરી દે છે. આ પ્રક્રિયામાં કોઈ વધારાની માહિતી આપવાની જરૂર પડતી નથી, જેના કારણે સમય બચી જાય છે અને મુશ્કેલી પણ ઓછી થાય છે. આથી ગ્રાહકોને ગેસ એજન્સી પર જવાની જરૂર પણ રહેતી નથી.

આ નવી સુવિધાના કારણે ગેસ બુકિંગ હવે માત્ર એક-બે મિનિટમાં પૂર્ણ થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, વ્યસ્ત લોકો અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે લોકો ઘરે બેઠા, ઓફિસમાં કે મુસાફરી દરમિયાન પણ સરળતાથી ગેસ સિલિન્ડર બુક કરી શકે છે.

આ રીતે, Bharatgas અને Indane દ્વારા શરૂ કરાયેલ આ નવી પહેલ ડિજિટલ ઈન્ડિયાના દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહી છે, જે ગ્રાહકોને વધુ સુવિધા અને ઝડપી સેવા પૂરી પાડશે.

ટપોરી જેવી વર્તણૂક કરે છે રાહુલ ગાંધીઃ  કંગના રણૌત

નવી દિલ્હીઃ ભાજપનાં સાંસદ કંગના રણૌતે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તીખો મૌખિક હુમલો કર્યો છે. કંગના રણૌતે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીનું વર્તન યોગ્ય નથી. તેઓ આવે ત્યારે મહિલા સાંસદો અસહજ અનુભવે છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેઓ હુટિંગ કોલ્સ કરે છે અને કોઈની પણ સાથે પણ તું-તડાકથી વાત કરવા લાગે છે. એ સાથે જ કંગનાએ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની પાસેથી શીખવું જોઈએ.

કંગનાએ રાહુલ ગાંધીને ‘ટપોરી’ કહ્યું

જ્યારે કંગના રણૌતને પૂછવામાં આવ્યું કે કેટલાક ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સે પત્ર લખીને કહ્યું છે કે સંસદમાં રાહુલ ગાંધીનું વર્તન અને વલણ યોગ્ય નથી, ત્યારે તેમણે કહ્યું કે હા, બિલ્કુલ. અમે મહિલાઓ તેમને જોઈને ખૂબ અનકમ્ફર્ટેબલ અનુભવીએ છીએ, કારણ કે તેઓ એકદમ ટપોરી જેવી રીતે આવે છે અને કોઈની પણ સાથે પણ તું-તડાકથી વાત કરે છે. કોઈ ઈન્ટરવ્યુ આપી રહ્યું હોય ત્યારે પણ તેઓ હુટિંગ કોલ્સ કરે છે.

‘રાહુલે પ્રિયંકાથી શીખવું જોઈએ’ — કંગના

કંગના રણૌતે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીના વર્તનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની પાસેથી શીખવું જોઈએ. તેમણે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીનું વર્તન ખૂબ સારું છે, જ્યારે રાહુલ ગાંધી શરમજનક પાત્ર છે.

ભારતમાં બધા લોકો સનાતની — કંગના

સનાતન અંગે પુછાયેલા સવાલના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે અહીં રહેલા બધા લોકો સનાતની છે, કારણ કે ‘સનાતન’નો અર્થ છે જેનો ન તો આરંભ છે ન તો અંત. અન્ય ધર્મો હજારો કે 1500 વર્ષ જૂના છે, જ્યારે સનાતન જ સત્ય છે. તેમણે કહ્યું હતું કે તેથી બધા જ સનાતની છે — સત્ય લખવામાં શું ડર? લખી દો.

ગુજરાત વિધાનસભામા બોમ્બની ધમકી

ગાંધીનગરમાં આવેલ Gujarat Legislative Assembly ખાતે આજે સવારે હડકંપ મચી ગયો હતો, જ્યારે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર સંકુલને ખાલી કરાવવામાં આવ્યું અને ગૃહની કાર્યવાહી તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સવારે સત્ર શરૂ થવાના પહેલા જ એક ઈમેલ દ્વારા બોમ્બ ધમકી આપવામાં આવી હતી. આ મેસેજ મળતા જ પોલીસ અને સુરક્ષા તંત્ર સજાગ બની ગયું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને સ્થળ પર બોલાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. વિધાનસભામાં હાજર તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર પરિસર સીલ કરવામાં આવ્યું હતું.

આજે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું અને સત્રનો 20મો દિવસ હતો. સવારે 9 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થવાની હતી, પરંતુ ધમકીના કારણે બેઠક શરૂ થાય તે પહેલાં જ તેને સ્થગિત કરવાની ફરજ પડી હતી. તમામ ધારાસભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સુરક્ષા ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ ઘટનાના પગલે સુરક્ષાની દૃષ્ટિએ વધારાના પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સ્થળોને બોમ્બની ધમકીઓ મળવાના બનાવોમાં વધારો થયો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સજાગ બની ગઈ છે.

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી Bhupendra Patelની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ યોજાવાની હતી. આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ વિધેયક, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી, ઉનાળામાં પાણી અને સિંચાઈની વ્યવસ્થા તેમજ ટેકાના ભાવે ખરીદી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. આ કારણે આ દિવસ રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો હતો.

આ અચાનક આવેલી ધમકીના કારણે સમગ્ર તંત્ર સતર્ક થઈ ગયું છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ સુરક્ષા દળો દ્વારા કોઈ પણ સંભવિત જોખમને ટાળવા માટે દરેક પગલાં લેવામાં આવી રહ્યા છે.