Home Blog Page 1745

દ્વારકાના દરિયા કિનારેથી મળ્યો ચરસનો જથ્થો

ગુજરાતના દરિયા કિનારેથી અવારનાવાર નશીલા પદાર્થો મળતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ બુટલેગરોએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ગાંધીધામ નજીક દરિયાયી કાંઠેથી બાવળની જાળીમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી.

ભાજપને બહુમત ના મળવાથી આર્થિક સુધારા ધીમા થશેઃ રેટિંગ એજન્સીઓ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામોથી માત્ર ભાજપને જ ચિંતા નથી થઈ, પણ વિશ્વની દિગ્ગજ રેટિંગ એજન્સીઓનું દિલ બેસી ગયું છે. વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ફિચ અને મૂડીઝે સત્તાવાર રીતે નિવેદન જારી કરીને ભારતીય અર્થતંત્ર માટે ચિંતા વ્યક્ત કરી છે. ભાજપને પૂર્ણ બહુમત ના મળવાથી દેશના આર્થિક સુધારાની દિશામાં એક ઝટકો સાબિત થાય એવી શક્યતા છે.

ભાજપે મોદી સરકાર 3.0માં  સાથી પક્ષો પર વધારે આધાર રાખવો પડશે. તેને કારણે આર્થિક સુધારાની પ્રક્રિયા પર અસર પડશે,  જમીન અને શ્રમ સબંધિત ખાધ સુધારા મુશ્કેલ બનશે તેમ વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ બુધવારે કહ્યું હતું. ફિચ રેટિંગ્સ અને મૂડીઝ રેટિંગ્સે અલગ-અલગ નોટમાં કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવામાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવી શક્યો નથી અને લોકસભાની 240 સીટ જ મેળવી શક્યો છે. હવે ભાજપ NDAના સાથી પક્ષો સાથે મળીને સરકાર રચશે.

ફિચ રેટિંગ્સે કહ્યું હતું કે સરકારના વધુ મહત્વાકાંક્ષી રિફોર્મ એજન્ડાનો અમલ પડકારજનક બની શકે છે. હવે ભાજપે નાના પક્ષોને સાથે લઈને નિર્ણયો લેવા પડશે. વિવાદાસ્પદ આર્થિક બિલ પસાર કરાવવા મુશ્કેલ બનશે. ખાસ કરીને શ્રમ અને જમીન સંબંધિત બિલ પસાર કરાવવાનું કામ કપરું બનશે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે આ સુધારા જરૂરી છે.

મૂડીઝે કહ્યું  હતું કે તેના મતે આર્થિક સુધારા જારી રહેશે અને ખાસ કરીને બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર સરકાર ભાર મૂકશે અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે, જે આર્થિક વૃદ્ધિને ટેકો આપશે. તેમ છતાં NDAને પાતળી બહુમતી હોવાથી આર્થિક અને ફિસ્કલ સુધારામાં વિલંબ થઈ શકે છે જે ફિસ્કલ કોન્સોલિડેશનમાં પ્રગતિ આડે અડચણ બની શકે છે.

જોકે ફિચને પણ લાગે છે કે જો આર્થિક સુધારાની ગતિ ધીમી પડશે તો મધ્યમ ગાળાનો મહત્તમ ગ્રોથ થોડો નીચે આવી શકે છે. મૂડીઝે કહ્યું હતું કે આગામી કેટલાંક સપ્તાહમાં ભારત સરકાર 2024-25નું સંપૂર્ણ બજેટ જાહેર કરશે, જેમાં ફિસ્કલ પોલિસી મુદ્દે કેટલાક સંકેત મળશે છતાં ભારતનું ફિસ્કલ કોન્સોલિડેશન Baa-રેટેડ અન્ય સમકક્ષ દેશોની સરખામણીમાં નબળું જોવા મળશે.

મૂડીઝે કહ્યું કે 2023-24થી 2025-26ના ત્રણ વર્ષમાં ભારતનો રિયલ જીડીપી ગ્રોથ સરેરાસ 7 ટકા આસપાસ રહેશે તેવો અંદાજ છે, જેમાં મધ્યમ ગાળામાં સુધારાની સંભાવના છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ડિજિટલાઈઝેશનમાં કામગીરી અગાઉ જેવી રહેશે તો આ શક્ય બનશે.

 

 

 

 

 

 

 

 

સુરતી ભેળ

આ ગરમીમાં ઠંડી ઠંડી સુરતની પ્રખ્યાત કોલેજીયન ભેળ કે દાણા ભેળ, જે ફક્ત પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો બનાવી લો ગરમીમાં ઠંડક આપતી બરફીલી ભેળ!

સામગ્રીઃ

  • મમરા 4 કપ
  • શેકેલા ખારા શીંગદાણા 1 કપ
  • કાંદો 1
  • મસાલાવાળા શીંગદાણા ¼ કપ
  • સાકર 2 ટે.સ્પૂન
  • ચણાના લોટની સેવ 1 કપ
  • લીંબુ 1
  • 4 તીખા મરચાં
  • 3 મોળા મરચાં
  • આદુ 1 ઈંચ
  • કાચી કેરી સમારેલી 2 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 કપ તેમજ ઝીણી સમારેલી ભભરાવવા માટે 2 ટે.સ્પૂન
  • બરફના ટુકડા 6
  • મીઠું સ્વાદ મુજબ
  • સાકર ½ ટી.સ્પૂન તેમજ 1 ટે.સ્પૂન
  • ચાટ મસાલો

રીતઃ સૌ પહેલાં ચટણી બનાવવા માટે મિક્સીમાં કોથમીર, લીંબુ, આદુ, મરચાં, સાકર, મીઠું સ્વાદ મુજબ તેમજ બરફના ટુકડા ઉમેરીને બારીક પીસી લો.

અડધો કપ ઉકળેલું ગરમ પાણી લઈ તેમાં 1 ટે.સ્પૂન સાકર ઓગળવા દો.

એક મોટા બાઉલમાં શેકેલા ખારા શીંગદાણા, મસાલાવાળા શીંગદાણા, 4 કપ શેકેલા મમરા, ઝીણો સમારેલો કાંદો, કાચી કેરીના ટુકડા, ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, સાકરવાળું ગરમ પાણી 1 ટે.સ્પૂન, પીસેલી ચટણી 4 ટે.સ્પૂન, 2 ચપટી મીઠું, ઝીણી સેવ ઉમેરીને એક ચમચા વડે મિક્સ કરીને ઉપર ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર તેમજ સમારેલો કાંદો ભભરાવીને આ ઠંડી ઠંડી ભેળ પીરસો.

સુરતમાં ગોઝારો અકસ્માત, 3ના મોત 4 ઘાયલ

રાજ્યમાં દિવસેને દિવસ અકસ્માતની ઘટનામાં વધારો નોંધાય રહ્યો છે. આજે ફરી એક વાક સુરતામાં એક ગોઝારો અકસ્માત થયો છે. વરાછા વિસ્તારમાં શુક્રવારે (સાતમી જૂન) રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે.

 

મળતી માહિતી અનુસાર હિના મિયાણી પીયર વેકેશન કરવા માટે આવી. ત્યારે તેઓ પોતાના ભાઈ બહેન અને બાળકો સહિત કુલ 7 લોકો વારાછા પાસેના રિંગ રોડ પર લટાર મારવા નિકળ્યા હતા. જ્યારે 11થી 12 વાગ્યા આસપાસ આ દરમિયાન હોન્ડ સિટી કારનો ચાલક પૂરપાટ ઝડપે આવ્યો અને બેઠેલા પરિવાર પર કાર ફેરવી દીધી હતી. બેસેલા સાત લોકોને કારે અડફેટે લેતા બેથી વધુ લોકોના માથા ફાટી ગયા હતા. જેમાં એક 6 વર્ષીય બાળકનું અને એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતમાં એક ગર્ભવતી મહિલા અને અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. અહીં 11 કલાકની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અકસ્માત થતાની સાથે પોલીસ ઘટાના સ્થળે પહોંચી હતી. હાલ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાતે જ તેના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે. પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

2030 સુધીમાં એક લાખ કરોડ ડોલરે પહોંચશે ડિજિટલ અર્થતંત્ર

નવી દિલ્હીઃ દેશનું ડિજિટલ અર્થતંત્ર પ્રતિ વર્ષ 2.8 ટકાના દરથી આગળ વધી રહ્યું છે અને 2027-28 સુધી એ એક લાખ કરોડ ડોલર પહોંચવાની સંભાવના છે. વર્ષ 2027-28 સુધી ઇન્ડિયા AI મિશનની વેલ્યુ રૂ. 10,000 કરોડથી ડબલ થઈને 20,000 કરોડ રૂપિયા થઈ જશે, એમ મોદી સરકારના બીજા કાર્યકાળ સમયના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ભારતની ડિજિટલ અર્થતંત્રને આ મોટી વાત કહી હતી.

સરકારને પહેલાં અપેક્ષા હતી કે નાણાકીય વર્ષ 2026-27 સુધી એક લાખ કરોડ ડોલરના આંડકા ડિજિટલ અર્થતંત્ર પાર કરશે, પણ કોવિડ19 રોગચાળા જેવાં કેટલાંય કારણોને કારણે આ લક્ષ્યાંક એક વર્ષ આગળ વધારી દેવામાં આવ્યો છે. ભારત પહેલેથી વિશ્વના સૌથી ઝડપથી વધતા ડિજિટલ અર્થતંત્રમાંનું એક છે અને અમારું લક્ષ્ય 2027-28 સુધી એક લાખ ડોલરનું ડિજિટલ અર્થતંત્ર બનવાનું છે.

PM મોદીએ પહેલાં સીડ ફંડ તરીકે એક લાખ કરોડની મંજૂરી આપી હતી, જેને ફ્યુઅલ ઇનોવેશન અને ભારત AI મિશન માટે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં મૂડીરોકાણ કરવામાં આવશે, જેનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા હશે. IT ઉદ્યોગની મુખ્ય માગ એ છે કે વિકાસી ઝડપ જારી રહે. આ વૃદ્ધિમાં મૂડી ખર્ચની પહોંચ, મૂડીરોકાણની પહોંચ, ઉત્પાદન માટે ખર્ચનો ચાર્જ સામેલ છે. આ બધી બાબતો સરકારના રડાર પર છે. અમે આવું કરવા માટે દ્રઢ સંકલ્પિત છે અને અમને એનો વિશ્વાસ છે, એમ તેમણે કહ્યું હતું.

મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે 7.15 કલાકે શપથ લેશે. પીએમના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર સામે આવી છે. નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. શુક્રવારે, તેઓ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા. આ પછી તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો.

આ પછી રાષ્ટ્રપતિએ તેમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજરી આપશે. આને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ દેખરેખ રહેશે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે.

આ દેશોના મહેમાનોએ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો

મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું

શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રીય રાજધાનીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ઉડતા ડ્રોન અને પેરાગ્લાઈડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં 9-10 જૂન સુધી કલમ 144 લાગુ રહેશે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ તૈનાત રહેશે.

એનડીએ બહુમતી હાંસલ કરી, 293 બેઠકો મેળવી

આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ બહુમતી મેળવી શકી નથી. જોકે એનડીએને બહુમતી મળી હતી. એનડીએને 293 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપને 240 બેઠકો મળી હતી. બીજી તરફ ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી છે. જેમાં કોંગ્રેસને 99 બેઠકો મળી હતી.

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ… CWCની બેઠકમાં ઠરાવ પસાર

કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ શનિવારે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. કોંગ્રેસ સીડબ્લ્યુસીની બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે સીડબ્લ્યુસી (કોંગ્રેસ વર્કિંગ કમિટી)એ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવા વિનંતી કરી હતી. સંસદની અંદર આ અભિયાનનું નેતૃત્વ કરવા માટે રાહુલજી સૌથી યોગ્ય વ્યક્તિ છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા 52 થી વધીને 99 થઈ ગઈ છે અને તે લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. 2014માં સત્તામાંથી બહાર થયા બાદ આ પહેલીવાર હશે જ્યારે કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળશે. કોંગ્રેસ છેલ્લા 10 વર્ષમાં આ પદ મેળવી શકી ન હતી, કારણ કે ગૃહમાં તેની બેઠકો બંને વખત ઓછી થઈ હતી. 2014 અને 2019. કુલ બેઠકોના 10 ટકાથી ઓછી હતી.

તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDAએ 293 બેઠકો જીતી લીધી છે અને સરકાર બનાવવા માટે તૈયાર છે. 2014માં સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે ભાજપ નીચલા ગૃહમાં બહુમતી વિના સરકાર બનાવશે.

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં આ થયું. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી. આ અંગેનો ઠરાવ પણ બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો.

VIDEO: સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનમાં પહોંચતા જ કર્યો ડાન્સ

ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને સહયાત્રી બૂચ વિલ્મોરે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં સવાર થઇને સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચી ગયા છે. એરક્રાફ્ટમાંથી બહાર આવતાની સાથે જ સુનિતાએ ખુશ થઈને ડાન્સ કર્યો અને સ્પેસ સ્ટેશન પરના ક્રૂ મેમ્બર્સને ગળે લગાવ્યા. તેણીએ એક મહિલા અવકાશયાત્રી તરીકે તેની પ્રથમ સફરમાં અવકાશમાં વિમાનનું પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો હતો. વિલિયમ્સે તેના સાથી અવકાશયાત્રી બેરી બૂચ વિલ્મોર સાથે 25 કલાક લાંબી મુસાફરી કરી. આ બંને હવે એરક્રાફ્ટનું પરીક્ષણ કરવા અને તે અવકાશમાં કેવી રીતે પ્રદર્શન કરી શકે છે તે માટે અવકાશમાં એક સપ્તાહ વિતાવશે.

સુનિતા વિલિયમ્સે બુધવારે સ્ટારલાઇનમાં સવાર થઈને અવકાશ માટે ત્રીજી વખત ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો. આ ટેસ્ટ ફ્લાઇટની સુનિતા વિલિયમ્સ પાયલટ છે, જ્યારે વિલ્મોર મિશનના કમાન્ડર છે. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઉડાન ભર્યા બાદ આશરે 25 કલાકની સફર પછી ગુરુવારે બપોરે 1:34 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક ડોક થયું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર દરમિયાન આ બંને અવકાશયાત્રીઓએ અવકાશમાં સ્ટારલાઇનરના મેન્યુએલ ઉડાન સહિતના સંખ્યાબંધ પ્રયોગો કર્યા હતા. હાલમાં સ્પેશ સ્ટેશન પર બીજા સાત અવકાશયાત્રીઓ છે. તેઓ સાથે મળીને અવકાશમાં વિવિધ પરીક્ષણો અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. મિશન ટીમોએ અવકાશયાનમાં ત્રણ હિલીયમ લીકની સમસ્યાને દૂર કરી હતી. એક લીકેજની સમસ્યા ઉડાન પહેલાની હતી. બીજી સમસ્યા ઓર્બિટ દરમિયાન ચાલુ થઈ હતી.

ઉદ્ધવ ઠાકરેના બે સાંસદો CM એકનાથ શિંદેના સંપર્કમાં

નવી  દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો જાહેર થયાં પછી પણ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. પહેલાં તેમની સીટો 2019ની તુલનાએ ઓછી થઈ હવે તેમની પાર્ટીના બે નવા સાંસદોએ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તેમણે NDAમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શિવસેના શિંદે જૂથે એનો દાવો કર્યો છે.

શિવસેના શિંદે જૂથના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે શિવસેના (UBT)થી ચૂંટાઈ આવેલા બે સાંસદોએ શિંદેનો સંપર્ક કર્યો હતો. તેઓ NDA અને શિવસેના શિંદેની સાથે આવવા ઇચ્છે છે. શિંદે જૂથે દાવો કર્યો હતો કે ઉદ્ધવ જૂથના બે સાંસદો સંપર્કમાં છે અને ચાર સાંસદો લાઇનમાં છે, જે ટૂંક સમયમાં શિંદે જૂથથી સંપર્ક કરવાના છે.

મ્હસ્કેના નિવેદનથી UBT જૂથમાં હડકંપ મચી ગયો છે. હાલ આ મુદ્દે કોઈ પણ નેતા વાત કરવા તૈયાર નથી. મુખ્ય મંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાની પાર્ટીમાં બળવા પછી મહા યુતિની સાથે મળીને પહેલી વાર લોકસભા ચૂંટણી લડી હતી. 15 સીટો પર ચૂંટણી લડનાર શિંદેની શિવસેનાને કુલ સાત સીટ મળી હતી, જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેનાના ખાતામાં નવ સીટો ગઈ છે.

આ પહેલાં શિવસેનાના વિદાનસભ્ય સંજય શિરસાટે દાવો કર્યો હતો કે આગામી કેટલાક દિવસોમાં શિવસેના (UBT)ના કેટલાક નેતાઓ તેમની પાર્ટીમાં સામેલ થશે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે શિવસેના (UBT)ના કેટલાક મહત્ત્વના લોકો 10 જૂનથી પહેલાં અમારી પાર્ટીમાં સામેલ થશે.ચૂંટણી પહેલાં પણ શિવસેના (UBT)ના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં પાંચ-સાત વિધાનસભ્ય ટૂંક સમયમાં પાલો બદલશે.

 

 

 

 

 

 

 

 

ભારતીય ભોજન વિશે કોરિયન દંપતિની હૃદયસ્પર્શી પ્રતિક્રિયા!

કોરિયન ફૂડ વ્લોગરે પોતાના માતા-પિતાને ભારતીય ભોજનનો પહેલીવાર આસ્વાદ કરાવ્યા બાદ તેમની વ્યક્ત થયેલી હૃદયસ્પર્શી પ્રતિક્રિયા વીડિયોમાં શેર કરી!

ભારતીય ભોજન તેના સમૃદ્ધ સ્વાદ તેમજ મોંઢામાં પાણી લાવી દેતી સોડમને લીધે દેશ-વિદેશમાં લોકો ભારતીય વાનગીના ચાહક થઈ જાય છે! સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત હવે જગજાહેર થવા લાગી છે. જેઓ ભારતીય ભોજન ખાઈને નથી ઉછર્યાં, તેઓ પણ ભારતીય વ્યંજનના રસિયા થઈ જાય છે! ભારતીય સમોસા, પાલક-પનીર, નાન, સાગ, બટર ચિકન વગેરે વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કોરિયન ફૂડ વ્લોગર અને લેખક જેમ્સ પાર્ક, જેઓ તેમની રસપ્રદ ફૂડ સમીક્ષાઓ અને દેશ-વિદેશની વિવિધ વાનગીઓની શોધખોળ માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક વીડિયો શેર કર્યો, જેમાં ભારતીય ભોજનનો જાદુ જોવા મળે છે!

તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે પોતાના માતા-પિતાને પહેલીવાર ભારતીય ભોજન ખવડાવે છે. આ વીડિયોમાં, સ્વાદ ચાખવા પર કોરિયન દંપતીની હૃદયસ્પર્શી આનંદદાયક પ્રતિક્રિયાઓ જોવા મળે છે! એમની પ્રતિક્રિયાઓ જોઈને આપણા અમુક ભારતીયો કે, જેઓ વિદેશી ફૂડ ખાવામાં જ પોતાની મોટાઈ સમજતા હોય, તેઓ પણ કદાચ ભારતીય ભોજન પ્રત્યે આકર્ષિત થાય! ખરેખર આ વીડિયોમાં દંપતિની નિર્દોષ પ્રતિક્રિયા નિહાળવા લાયક છે!વીડિયોમાં કોરિયન વ્લોગર પાર્કના માતા-પિતા રંગબેરંગી અને મોહક ભારતીય વાનગીની ડિશોથી ગોઠવાયેલા ડાઇનિંગ ટેબલ સામે બેઠાં છે. આ ઉજાણીની શરૂઆત થાય છે આપણા ગ્રીષ્મકાલીન મનપસંદ પેય કેરીની લસ્સીથી!

પાર્કના પિતા લસ્સીની ચુસ્કી લેતાં જ કહે છે, ‘કેરીનો સ્વાદ હંમેશા અદ્ભુત હોય છે.’ તેની માતા લસ્સી પીધાં પછી ટિપ્પણી કરે છે, ‘આ તો ઘટ્ટ અને સ્વાદિષ્ટ છે.’

ત્યારબાદ તેઓ પાણીપુરીનો પ્રયાસ કરે છે. જેનો સ્વાદ લેતાં પાર્કની માતા કહે છે, ‘યમ, સ્વાદિષ્ટ!’ ચણા ચાટ ખાતાં જ પાર્કની માતા તેની તુલના ટોનકાત્સુ સોસ સાથે કરે છે, જે કોરિયન ભોજનનો જાણીતો સ્વાદ છે.

જ્યારે તેઓ લસણિયા નાન તરફ આગળ વધે છે. ત્યારે પાર્કના પિતા તેની સરખામણી પિઝા સાથે કરે છે. બીજી બાજુ તેની માતા નાન પર બટર ચિકનની ગ્રેવી ફેલાવતી નજરે ચઢે છે. આના પર વ્લોગર કહે છે. ‘તેને આ રીતે ખાશો નહીં. તેના બદલે તેને ગ્રેવીમાં ડુબાળીને ખાઓ.’ એ રીતે નાન ચાખતાં જ તેની માતા  બોલી ઉઠે છે. ‘યમ્મ, આ ઘણું જ લહેજતદાર છે.’  ભોજનનું અન્વેષણ પંજાબી સાગ પનીર એટલે કે, પાલક પનીર સાથે ચાલુ છે.

પાર્કની માતા તેને નાન સાથે ચાખીને કહે છે, ‘આ સ્વાદ તો બહુ જ અનોખો છે.’ આગળ તેણી કહે છે, ‘આટલી વાનગીઓ ચાખી, તેમાં એક પણ મસાલો એવો નહીં હોય જે મને પસંદ ના આવ્યો હોય! આ ભાત તો, આપણે ત્યાં યેંગડેઓકમાં મળતાં કરચલા મિશ્રિત ભાત જેવો જ દેખાય છે અને તેનો સ્વાદ પણ તેના જેવો જ છે.’ તેણી ઉમેરે છે.

જ્યારે તેઓ બિરયાની ટ્રાય કરે છે, ત્યારે પાર્કના પિતા તેને પૂછે છે, ‘શું આ ફ્રાઈડ રાઈસ છે?’ જ્યારે તેની માતાએ ચાખ્યું તો તેણી ટિપ્પણી કરે છે, ‘આ પણ ખરેખર બહુ જ સ્વાદિષ્ટ છે!’

ઉજાણી પૂરી થતાં જ પાર્કના પિતા ભોજન વિશેના પોતાના અનુભવની પ્રતિક્રિયા આપતાં કહે છે, ‘આજનું ભોજન એટલે માત્ર ભારતીય ખોરાકને અજમાવવો તેના કરતાં વધુ છે! આ એક અદ્ભુત અનુભવ છે, જે મારા માટે એક મહાન સ્મૃતિરૂપ છે!’ તેની માતા કહે છે. ‘હું નથી ઈચ્છતી કે આ અનુભવ માત્ર એક સ્મૃતિના રૂપે પૂરો થઈ જાય. હું તો આ ભોજનનો આસ્વાદ ફરીવાર લેવા માંગું છું.

આ વીડિયો જોઈને ભારતીય તરીકે માત્ર અમે કે તમે જ નથી, જેઓ ખૂબ જ ગર્વ અનુભવે તેમજ ભોજનની ડિશ જોઈને ભૂખની લાગણી અનુભવી રહ્યાં હોય, તેવા વીડિયોના ટિપ્પણી વિભાગમાં પણ ઘણાં દર્શકોએ આવી જ લાગણીની અનુભૂતિ શેર કરી છે. એક વ્યક્તિએ લખ્યું, ‘આ કેટલું પ્યારું દેખાય છે કે, પિતાના ગાલ ઉપર બટર ચિકન સોસ લાગેલું છે! આ જોઈને ખ્યાલ આવે છે કે, તેમણે ખરેખર, ભોજનનો આસ્વાદ માણ્યો છે. આ રાત્રિભોજન બહુ જ સરસ દેખાય છે!’

અન્ય દર્શકે લખ્યું, ‘હું પણ મારા માતા-પિતા સાથે આવો જ વ્યવહાર કરવા માંગું છું.’

એક દર્શકે લખ્યું, ‘એક ભારતીય તરીકે મને ખૂબ આનંદ છે કે, તેઓએ ભોજનનો આનંદ માણ્યો!’

કોરિયન ફૂડ વ્લોગરના માતા-પિતાની હૃદયસ્પર્શી પ્રતિક્રિયા જોવા નીચે આપેલી લિન્ક વાપરોઃ

https://www.instagram.com/reel/C6w42BQvIT5/?utm_source=ig_web_copy_link