Home Blog Page 1748

હં… AI રસપ્રદ ચેટીંગ કરી શકે છે!

બેંગલુરુની એક મહિલાએ દાવો કર્યો છે કે, તેણી જેની ચેટથી પ્રભાવિત થઈ હતી. તે મિત્રે તેની સાથેની વાતચીત માટે AIનો ઉપયોગ કર્યો હતો. ‘વાસ્તવિકતામાં તે વ્યક્તિ સુસ્ત અને નિરસ હતી.’ તેને વ્યક્તિગત રીતે મળતાં તેનો ઉત્સાહ સાવ ઓસરી ગયો. જ્યારે તેને સમજાયું કે, ‘તે ભાગ્યે જ યોગ્ય વાક્ય બોલી શકે છે.’

કહેવાની જરૂર નથી કે, આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં જીવી રહ્યા છીએ. આપણે તાજેતરના મહિનાઓમાં જ જોયું કે, AI ની શક્યતાઓ અમર્યાદિત છે. હજુ તો જેની શોધ શરૂ જ થઈ છે. ત્યાં વિશ્વભરના લોકો પોતાના વિવિધ કાર્યો સંપન્ન કરવા માટે આ શક્તિશાળી ટેક્લનોલોજીનો ઉપયોગ કરવા માંડ્યા છે. એનો તાજો જ દાખલો કે, બેંગલુરુની મહિલાએ દાવો કર્યો છે કે, તેણીએ જે પુરુષ મિત્ર સાથે ચેટીંગ કરી હતી, તેણે તેની વાતચીત દરમિયાન AI નો ઉપયોગ કર્યો હતો!

Reddit.com પરની એક પોસ્ટમાં @hustlegurrl નામની મહિલાએ લખ્યું કે, ‘તેણીની જેની સાથે ચેટીંગ થઈ રહી હતી. ખરેખર, તે ચેટીંગ બહુ જ રમુજી અને મનોરંજક હતી! પરંતુ વાસ્તવિક્તામાં તે વ્યક્તિને મળતાં  જ તેનો ઉત્સાહ સાવ ઓસરી ગયો. વ્યક્તિગત રીતે તેને મળતાં જણાયું કે, ‘ભાગ્યે જ તે કોઈ વાક્ય યોગ્ય રીતે બોલી શકે છે.’

‘હું અમારી ડેટ માટે બહુ આતુરતાથી રાહ જોઈ રહી હતી. પરંતુ તેને મળ્યા બાદ વસ્તુસ્થિતિ ઘણી અલગ લાગવા માંડી. તે ભાગ્યે જ એકાદું વાક્ય સરખું બોલી શકતો હતો. એવું ય નહોતું કે, તે શરમાળ કે અનાડી હતો. તેનાથી વિપરીત તે અત્યંત આત્મવિશ્વાસુ અને બહિર્મુખી હતો. પરંતુ તેની ચેટીંગવાળી ભાષા અને બૌદ્ધિકતા ક્યાંક અદ્રશ્યમાન હતા. આ બધું એટલું વિલક્ષણ હતું કે, હું બે ડગલા પાછળ ખસી ગઈ.’ તેણીએ લખ્યું.

‘અમે મળ્યાં અને સામાન્ય રીતે બેંગ્લોર અને AI માં સ્ટાર્ટઅપ્સ વિશે વાતો કરવાનું શરૂ કર્યું. તેણે AI અને તેને લગતાં સાધનો વિશે ઉંડાણમાં વાતો કરી. વાતચીત દરમિયાન તે કઈ રીતે ચેટીંગમાં પણ AIનો ઉપયોગ કરે છે તે કહીને ભૂલથી સ્વીકારી લીધું કે, તેમની ચેટીંગ માટે સુદ્ધાં તે AIનો ઉપયોગ કરે છે. પણ તરત જ વાતને વાળી દીધી. ત્યારે જ મને સમજાયું કે, તે યુવક મને પ્રભાવિત કરવા માટે AIનો ઉપયોગ કરતો હતો. જ્યારે વાસ્તવિકતામાં તે સાવ સુસ્ત અને નિરસ હતો. આ વ્યક્તિ પાછળ આટલો સમય પસાર કરવા બદ્દલ હું બહુ જ હતાશા અનુભવી રહી હતી. શું બેંગ્લોરમાં દરેક જણ AI ટુલ્સ પર જ નિર્ભર છે? શું બીજા કોઈને પણ મારા જેવો અનુભવ થયો હશે?’

તેણીની આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકોના પ્રતિભાવોમાં એક જણે સલાહ આપી કે, ‘આવી પરિસ્થિતિથી બચવા માટે ડેટ પહેલાં વોઈસ કોલ કરીને વાતચીત કરી લેવી સારી.’

અન્ય એકે પણ કંઈક આવી સલાહ આપતાં કહ્યું કે, ‘જો તમારી વચ્ચે સારી ચેટીંગ ચાલી રહી છે. તો દૈનિક સંદેશ વ્યવહાર ચાલુ રાખવાને બદલે તમે વોઈસ કોલ અથવા વિડિયો કોલ સ્વીચ કરીને વ્યક્તિને જાણી શકો છો.

બીજાએ કહ્યું, ‘વિનોદી અને આકર્ષક વ્યક્તિત્વ મોટે ભાગે AI-જનરેટેડ હતું. તે જાણવું નિરાશાજનક હતું.’

ત્રીજાએ કહ્યું, ‘આ બહુ જ વિચિત્ર છે. આ બધું કંઈ ઠીક નથી લાગતું. તે વ્યક્તિ વાસ્તવિક માનવીને બદલે AIના જ કોઈ કેરેક્ટર સાથે સમય વિતાવી શક્યો હોત!’

ચૂંટણી પરિણામોનો આંચકો પચાવી BSE સેન્સેક્સ રેકોર્ડ સ્તરે

અમદાવાદઃ ઘરેલુ શેરબજારો સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. ચૂંટણી પરિણામોના સપ્તાહના છેલ્લા દિવસે બજારે નુકસાન રિકવર કરી લીધું છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્રમાં NDA સરકાર રચાવાના અહેવાલોએ શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 76,795એ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.38 લાખ કરોડનો વધારો થયો હતો.

રિઝર્વ બેન્કે દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે સતત આઠમી વાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા. બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોથ રેટનો અંદાજ સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો હતો. જેથી બજારની તેજીને વેગ મળ્યો હતો.

બજારની તેજી માટે અનેક કારણો જવાબદાર છે, જેમાં NDA નેતાઓનાં નિવેદનો પણ છે. નરેન્દ્ર મોદીને NDAના નેતા પસંદ કરવામાં આવ્યા એ દરમ્યાન સહયોગી પક્ષોનાં નિવેદનોને બજારે સકારાત્મક લીધાં હતાં. તેમનાં નિવેદનોએ સરકારનાં કામકાજમાં બંધનોને જારી આશંકાઓને દૂર કરી હતી. શપથગ્રહણનો રસ્તો સાફ થતાં બજારે રાહતના શ્વાસ લીધા હતા. નવી સરકાર નવ જૂને સાંજે શપથગ્રહણ કરશે.

BSE સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 76,795.31 પોઇન્ટની રેકોર્ડ સપાટી સર કરીને ટ્રેડિંગ સેશનને અંતે 1618.85 ઊછળી 76,693.36ના મથાળે બંધ થયો હતો, જ્યારે NSE 50 ઇન્ડેક્સ 468.75 પોઇન્ટ વધી 23,290.15ના સ્તરે બંધ થયો હતો.  આ સાથે NSEનાં બધાં સેક્ટર તેજી સાથે બંધ થયા હતા. IT સેક્ટર 3.37 ટકા વધ્યો હતો. ઓટો, મેટલ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં બે ટકાથી વધુની તેજી થઈ હતી. BSE પર લિસ્ટેડ કંપનીનો કુલ માર્કેટ કેપ રૂ. 423 લાખ કરોડને પાર પહોંચ્યું હતું, જે રૂ. 5.08 લાખ કરોડ ડોલરના બરાબર છે.

 

 

 

 

 

 

કેવી હશે મોદી સરકારની નવી ટર્મ?

તો, પરિણામો પછી નરેન્દ્ર મોદી 3.0 સરકાર રવિવારે સાંજે શપથ લેવા જઇ રહી છે. મતદારોએ ભાજપને એના અતિ આત્મવિશ્વાસ અને વાસ્તવિક મુદ્દાઓ સામે આંખ આડા કાન કરવાની સજા આપી હોય એમ મર્યાદિત સત્તા સોંપી છે. સામે કોંગ્રેસને અસરકારક વિપક્ષ બનવા માટે થોડીક વધારે બેઠક આપી છે. જનતાએ આ પરિણામોમાં ભાજપ-કોંગ્રેસથી માંડીને એનડીએ-ઇન્ડિયા ગઠબંધનના અન્ય તમામ પક્ષો માટે કાંઇકને કાંઇક આપ્યું છે એટલે બધા ખુશ છે.

‘યહાં જીતમેં ભી હાર હૈ ઔર હારમેં ભી જીત હૈ’ જેવા માહોલમાં નવી સરકાર બની રહી છે ત્યારે જય-પરાજયના કારણોની ચર્ચા બહુ થઇ. આજે વાત કરીએ નવી સરકારના પાંચ વર્ષની. આ પાંચ વર્ષમાં સર્જાનાર સંભવિત રાજકીય સમીકરણોની.

પાંચ મુદ્દામાં સમજીએ વાતનેઃ

એકઃ મિશ્ર સરકારનો યુગ

દેશમાં 10 વર્ષ પછી ફરી મિશ્ર સરકારનો યુગ શરૂ થયો છે. 2004 અને 2009 યુપીએ ગઠબંધનનો દાયકો હતો. કહેવા માટે કહી શકાય કે 2014 અને 2019 પણ એનડીએ ગઠબંધનની જ સરકાર હતી, પણ એમાં એનડીએના સાથી પક્ષોની હાજરી શોભાના ગાંઠીયાથી વિશેષ નહોતી. સત્તા ભાજપની જ હતી, પણ હવે ત્રીજી ટર્મમાં એનડીએના સાથી પક્ષોની સ્થિતિ મજબૂત છે એટલે આ સરકાર ખરા અર્થમાં મિશ્ર સરકાર હશે.

પરિણામોને ધ્યાનથી તપાસો તો ખ્યાલ આવશે કે, ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય મહત્વના તમામ પ્રાદેશિક પક્ષો, બન્ને ગઠબંધન અને અપક્ષ સહિત, 204 બેઠક ધરાવે છે, જેમાં મમતા, અખિલેશ, શિવસેના, એનસીપી, ડીએમકે, ટીડીપી, જેડીયુ, આરજેડી અને એલજેપી જેવા તમામ પક્ષોનો સમાવેશ થાય છે. ભાજપ-કોંગ્રેસની 339 બેઠક સામે આ સંખ્યા 204 ની છે. આ આંકડો નાનો નથી એટલે સરકારની અંદર અને બહાર એમની હાજરી હશે.

બેઃ મોદી-શાહની કસોટી

નો ડાઉટ, નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દસ વર્ષના શાસનકાળમાં અનેક કસોટીમાંથી સફળ થઇને બહાર નીકળ્યા છે, પણ એ કસોટીઓ મુખ્યત્વે સરકારના નિર્ણયોની અને ચૂંટણીલક્ષી હતી. એબ્સોલ્યૂટ પાવર હતો એમની પાસે એટલે ધારેલું કરવામાં અને રાજકીય આફતોને અવસરમાં બદલવામાં એમને વાંધો આવતો નહોતો.

પણ હવે એ સ્થિતિ નહીં હોય. આ યુતિ સામે હવે અટલ-અડવાણીની જેમ મિશ્ર સરકાર ચલાવવાનો પડકાર છે. અટલ-અડવાણી અને સોનિયા-મનમોહનની જોડીની માફક એમણે પણ હવે સાથી પક્ષોની વધતી જતી ડિમાન્ડ, ધાક-ધમકીઓ અને રાજકીય યુક્તિ-પ્રયુક્તિઓમાંથી રસ્તો કાઢવાનો હશે. સાથી પક્ષોના અપાયેલા મંત્રાલયો ઉપર પણ એમના પક્ષના વડાઓનો કંટ્રોલ હશે. જોવાનું રસપ્રદ હશે કે, સાથી પક્ષો કિંમત વસૂલશે કે સમય જતાં મોદી-શાહ પોતાની કુનેહથી ભાજપની સત્તા પુનઃસ્થાપિત કરશે?

ત્રણઃ વિપક્ષનો અવાજ સંભળાશે

ગયા વખતની 353 સામે આ વખતે 293 બેઠક શાસક પક્ષની છે, જ્યારે 238 વિપક્ષની છે. સત્તા સુધી ન પહોંચવા છતાં કોંગ્રેસ અને વિપક્ષ ખુશ એટલા માટે છે કે એમને મોદી-શાહની સત્તા પર અંકુશ આવ્યાનો આનંદ છે. વધારે સંખ્યા સાથે મજબૂત બનેલો વિપક્ષ હવે સંસદની અંદર અને બહાર પોતાના અવાજનું વોલ્યુમ વધારશે. સંસદની અંદર સરકાર મહત્વના બિલો કઇ રીતે પસાર કરાવે છે, સંસદમાં ચર્ચા કઇ રીતે થાય છે એ જોવાનું રસપ્રદ રહેશે.

ચારઃ વિપક્ષની એકતા અને તડજોડ  

અત્યારે ચર્ચા બધા ભાજપ નીતિશ-નાયડુને કઇ રીતે સાથે રાખી શકેશે એની કરે છે, પણ આ પડકાર ફક્ત ભાજપ સામે જ નથી. વિપક્ષમાં કોંગ્રેસ સામે પણ વિપક્ષની એકતાને ટકાવવાનો મોટો પડકાર છે. મોદીને પછાડવા હતા એટલે ગઠબંધને ચૂંટણીની વૈતરણી તો પાર કરી લીધી, પણ હવે આ એકતા પાંચ વર્ષ સુધી ટકે છે કે કેમ અને ટકે છે તો કઇ રીતે એ જોવાનું છે.

બન્ને પક્ષે તડજોડનું રાજકારણ રમાય એવી પૂરી શક્યતા છે. આ સમીકરણોનો સૌથી મોટો આધાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પર રહેશે. વિપક્ષની પહેલી જ કસોટી મહારાષ્ટ્ર, હરિયાણા અને પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પર છે કે, એમાં એ કેટલી એકતા બતાવી શકે છે. સત્તાની લાલચમાં ઇન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષો એનડીએનો હાથ પકડી શકે છે. આ સંજોગોમાં સૌથી મહત્વની ભૂમિકા સ્પીકરની હશે એટલે સ્પીકર પદ કોની પાસે જાય છે એ પણ મહત્વનું હશે.

પાંચઃ મહત્વના નિર્ણયો

યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન-વન ઇલેક્શન જેવા અતિ મહત્વના મુદ્દાઓ પર ભાજપ શું કરે છે એ જોવાનું છે. CAA ના અમલીકરણનો મુદ્દો પણ ચગશે. ભાજપ આ બધા મુદ્દે અગાઉની જેમ મક્કમતાથી આગળ વધશે કે કોમન મિનીમમ પ્રોગ્રામ હેઠળ હમણાં એ મુદ્દા બાજૂએ મૂકશે એ પણ જોવાનું રહેશે.

અલબત્ત, સરકારની સ્થિરતા સામે તાત્કાલિક કોઇ પડકાર નથી, પણ સમય જતાં સાથી પક્ષોને અપાયેલા મંત્રાલયોના નિર્ણયો, PMO ની આ મંત્રાલયો પર કેટલી પકડ હશે, મહત્વના રાજકીય નિર્ણયો કઇ રીતે લેવાશે, સાથી પક્ષો સાથે સંકલન કઇ રીતે સધાશે એ બધા ઘટનાક્રમો રસપ્રદ બનશે.

ટૂંકમાં, આગામી સમયમાં દેશનું રાજકારણ એક પાર્ટી કે એક વ્યક્તિ કેન્દ્રિત નહીં હોય. પ્રાદેશિક પક્ષોના આધારે એના પ્રવાહો વળાંક લેશે. આ તરફ કે સામેની તરફ, પણ એનું સ્ટિયરિંગ અખિલેશ-મમતા-નીતિશ-નાયડુ-શરદ પવાર-ઉધ્ધવ-ડીએમકે જેવા જૂથો પાસે હશે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

Opinion: નવી સરકાર પાસેથી આ લોકોની શું છે અપેક્ષા?

લોકસભા ચૂંટણી 2024નો અંત આવ્યો છે. ભાજપને બહુમતીની હેટ્રિક મારતા અટકાવવામાં કોંગ્રેસનું INDIA ગઢબંધન સફળ રહ્યું છે, પણ કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા જાળવી રાખવામાં NDA ગઠબંધન સફળ રહ્યું છે.

નવી સરકાર બનવા જઇ રહી છે ત્યારે સમાજના અલગ-અલગ વર્ગની સરકાર પાસે શું અપેક્ષા છે. એ વિષય પર ચિત્રલેખા.કોમ કેટલાક ક્ષેત્રોના પ્રતિનિધિ સાથે વાત કરી હતી. આવો જાણીએ, ક્યા સેક્ટરનો શું મત બની રહ્યો છે.?

પ્રશાંત પટેલ, સેક્રેટરી, ગુજરાત GCCI

હાલ તમામ ધંધામાં GST કે IGSTને લગતી કેટલીક ગેર સમજણ છે, જે આગામી સમયમાં ગાઈડલાઈન પસાર કરી સ્પષ્ટ થાય તો વધુ સારું. PLI સ્કીમમાં કેટલીક MSME પ્રવેશ કરી શકતી નથી, તેથી PLI સ્કીમને થોડી સરળ બનાવવામાં આવે તો વધુ લોકો આ સુવિધાના લાભાર્થી બની શકે. ફેક્ટરી એરિયાને લઈ પેપર વર્ક થોડું ઓછું થવું જોઈએ, જેથી સરકાર અને ધંધાદારીઓનો સમય બચી શકે. હાલ ફેક્ટરી કે ધંધાના લાયસન્સ રાજ્ય સરકાર હસ્તક મળી રહ્યા છે, જે કેન્દ્ર સરકારે ટેક ઓવર કરવું જોઈએ. આ ઉપરાંત પેન કાર્ડ કે આધાર કાર્ડની જેમ લાયસન્સને કાયમી કરવું જોઈએ. જેથી વેપારી લાયસન્સ રીન્યુ કરવા માટેનો સમય બચી શકે. સામાન્ય રીતે દર 4 કે 5 વર્ષે લાયસન્સ રીન્યુ કરાવવું પડતું હોય છે. સામાન્ય નિયમોમાં થોડી રાહત આપવાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધુ વેગ મળશે.

અશ્વિન ઠક્કર, ચેરમેન, ટેક્સટાઈલ એસોસિએશન

ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોના બાદ મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોની માગ ઘટવાથી મંદીનો માહોલ આવ્યો છે. PM મિત્ર પાર્ક, PLI સ્કીમ, એન્ટી PM સ્કીમ જેવી સ્કીમથી ઈન્ડસ્ટ્રીઝને સરકાર તરફથી સપોર્ટ મળતો રહે છે. પરંતુ 2024 થી 2029 વચ્ચેના સમય ગાળામાં સરકાર જો લેબર રિફોર્મ લાવી શકે તો ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝને મંદીમાંથી આંશિક રાહત મળશે. ટેક્સટાઇલ વેપારમાં લેબર પાવરની ખુબ જરૂર હોય છે. સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવું જોઈએ. નવી ટેક્સટાઇલ પોલીસી આવી રહી છે. જેમાં અમારી ઈન્ડસ્ટ્રીઝમાં વધુ રોકાણ થાય તેવી સુવિધા કરવામાં આવે તો, વધુ લોકોને રોજગારી મળી શકે.

 

નિલેશ બારોટ, વાઈસ પ્રેસિડેન્ટ, ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન

ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝથી લગભગ 5 કરોડ લોકોને રોજગારી મળી રહી છે. જ્યારે ટુર અને ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા લોકોને કેટલીક વાતોમાં નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. જ્યારે GSTની વાત આવે ત્યારે હાલ ટૂરિઝમ વેપારમાં લગભગ 12 થી 18 ટકા GST લેવામાં આવી રહ્યો છે. અમારું એસોસિએશન ત્રીજી વખત કેન્દ્રમાં આવનારી NDA સરકાર પાસેથી એવી આશા રાખી રહ્યું છે. કે આવનાર 2024 થી 2029 સુધીના પાંચ વર્ષમાં આ GST 12 ટકાના સ્લેબની નીચે આવી જાય. હાલ કેટલીક ટુરીઝમની જગ્યા પર ગ્રાહક અને ટૂરિઝમ એજન્ટ બંને માટે સરખી કિંમતો રાખવામાં આવી છે. ત્યાં સરકારે એજન્ટ માટે અલગ કમિશન રાખવું જોઈએ.

 

મયુર આડેસરા, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, રાજકોટ

આગામી સરકાર સોની વેપાર સાથે સંકળાયેલા લોકો માટે કેટલાક નિયમોમાં બાંધ છૂટ કરે તો વેપાર વિકાસ વેગવંતો બનશે. થોડા સમય પહેલા સોનીના વેપારમાં ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી હતી. જે ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થાય તો સોના-ચાંદીનો વેપાર મંદી માંથી તેજી તરફ આગળ વધી શકે. સોના-ચાંદીની રિફાઈનરી નિયોમો થોડા સરળ બનાવવા જોઈએ. સાથે રિફાઈનરી વેપારને પ્રોત્સાહન મળવું જોઈએ. જેથી કરીને સોના ચાંદીની આયત માટે આપણો દેશ આત્મનિર્ભર બની શકે. હાલ સોના-ચાંદીની ખરીદી પર GST 3% જેટલો લગાવવામાં આવે છે, તેમાં ઘટાડો કરવો જોઈએ. હાલ ગ્રાહક સોનાની શુદ્ધતાને લઈ છેતરાય નહીં તેના માટે હોલમાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં સોનાની  શુદ્ધતા માટે વેપારી જવાબદાર બને છે. પરંતુ સોનાની ખરાયને લઈ હોલમાર્ક સેન્ટર જવાબદાર હોવો જોઈએ. સોના-ચાંદીના વેપારને પ્રોત્સાહન આપવા નવા ઈન્ટીટ્યુટ બનાવવાની જરૂર છે.

ભાવિક સોલંકી, રાષ્ટ્રીય સંયોજક, NSUI

સારા વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે પ્રાઈવેટાઈઝન બંધ કરવાની સાથે, સરકારી કે પ્રાઇવેટ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓનું ભણતર ફ્રી કરવું જોઈએ. કોલેજોને જે રીતે યુવર્સિટીની મંજૂરી મળે છે, તેને રોકવી જોઈએ. આ સાથે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકો સાથે સ્ટાફની નિમણુંક કરવી જોઈએ. બાળકો માટે લાયબ્રેરીની સુવિધા કરવામાં આવે. સ્ટૂડેન્ટ યુનિયનની ચૂંટણીનું આયોજન કરવું જોઈએ. સરકારી યુનિવર્સિટીમાં કુલપતીની લાયકાતના નિયમોનું સ્તર વધારવું જોઈએ. સરકારી તમામ કોલેજ ભરતી કરવી જોઈએ. જ્યારે અમદાવાદમાં હાલ ત્રણ ગ્રાન્ટેડ કોલેજ બંધ થવાના આરે છે.

 

(તેજસ રાજપરા- અમદાવાદ)

લોકસભા સાંસદની સેલરી વધી ચૂકી છે 250 ગણી

નવી દિલ્હીઃ NDA ગઠબંધને સરકાર બનવાનો દાવો કરતાં રાષ્ટ્રપતિને સમર્થક સાંસદોની યાદી સોંપી હતી. જેથી હવે કેન્દ્રમાં નવી સરકાર બનવાની કવાયત તેજી થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી ત્રીજી વાર નવ જૂને વડા પ્રધાનપદના શપથ લેશે. NDA સંસદીય દળના નેતા ચૂંટાયા પછી મોદી સિનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે સાંસદોને સ્વતંત્રતા પછી સેલરીમાં 250 ગણો વધારો થયો છે. આવો જાણીએ દેશના અલગ-અલગ હિસ્સામાંથી આવતા સાંસદોને કેટલી સેલરી, ભથ્થાં, સુવિધા અને સુરક્ષા મળે છે.

સ્વતંત્રતા પછી અત્યાર સુધી સાંસદની સેલરીમાં 10 વાર વધારો કરવામાં આવી ચૂક્યો છે. વળી, તેમની સેલેરી, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં દર પાંચ વર્ષે પાંચ ટકા ફિક્સ ઇન્ક્રિમેન્ટનો વધારો કરવામાં આવશે, એવી જોગવાઈ છે.

લોકસભાના દરેક સાંસદને પ્રતિ મહિને બેઝિક સેલરી હાલ રૂ. એક લાખ મળે છે, આ ઉપરાંત તેમને નિવાસસ્થાન, આરોગ્ય, પ્રવાસ સહિત અનેક પ્રકારનાં ભથ્થાં અન્ય સુવિધાઓ મળે છે. આ સાથે પેન્શન તરીકે પ્રતિ મહિને તેમને રૂ. 25,000, જેમાં સેવાના પ્રત્યેક વર્ષ માટે રૂ. 1500નો વધારો કરવામાં આવે છે. આ સિવાય સાંસદ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માત્ર બેઝિક સેલેરી પર ટેક્સ ભરે છે. અલગથી મળતા ભથ્થાં પર તેમને કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો.

પ્રાપ્ત માહિતી અનુસાર એક સાસંદને કોઈ પણ સેશનમાં કે સંસદીય સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે કે સંસદસભ્યથી જોડાયેલા કામની મુલાકાત લેવા માટે યાત્રા ભથ્થું આપવામાં આવે છે, વળી, સંસદ સત્ર દરમ્યાન દૈનિક ભથ્થાં રૂ. 2000 દૈનિક ધોરણે આપવામાં આવે છે. સાંસદ રસ્તા માર્ગે યાત્રા કરે તો કિલોમીટરદીઠ રૂ. 16ને હિસાબે અલગથી ભથ્થું આપવામાં આવે છે.

આ સિવાય સાસંદને ચૂંટણી ક્ષેત્રના ભથ્થાના રૂપે પ્રતિ મહિને રૂ. 70,000 મળે છે. મળી તેમની ઓફિસમાં ટેલિફોનનો ખર્ચ સરકાર ભોગવે છે. સાંસદને રૂ. 50,000 મફત કોલની સુવિધા મળે છે. ઘરમાં મફત વીજળી અને પાણીની સુવિધા અને ઓફિસ ભથ્થાં તરીકે પ્રતિ મહિને રૂ. 60,000 મળે છે. આ ઉપરાંત સાંસદને રેલવે પાસની સુવિધાસરકાર કામના સિલસિલામાં વિદેશ યાત્રા કરવા પર સરકારી ભથ્થાંની સુવિધા અને મેડિકલની સુવિધા પણ મળે છે. આ સાથે સાંસદને સરકારી ખર્ચે સુરક્ષા કર્મચારીની સુવિધા પણ મળે છે.

 

 

 

 

 

 

 

9 જૂનના મોદી લેશે શપથ, જાણો કોણ બનશે મહોત્સવના સાક્ષી

લોકસભા ચૂંટણી બાદ NDA ગઢબંધનમાં બેઠકોના દોર શરૂ થયા હતા. જેમાં મંત્રી પદોને લઈ અને શપત ગ્રહણની તારીખ માટે બેઠકો ચાલી રહી હતી. દિલ્હીમાં NDAની સંસદીય દળની બેઠકમાં સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયા હતા. જો કે ત્યાર બાદ હવે તેમના શપથગ્રહણની તારીખ સામે આવી છે.

સતત ત્રીજી વખત NDA સરકાર બનાવ્યા બાદ શતપ ગ્રહણ પર લોકાની ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો હતો. જ્યારે હવે ચર્ચાના વિષય પર પૂર્ણ વિરામ ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ મુક્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપથગ્રહણની તારીખ જણાવી હતી. આગામી 9 જૂન, 2024 રવિવારના રોજ સાંજે 6 વાગ્યે આ સમારોહ યોજાશે.

મહત્વનું છે કે 9 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.’ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. મળતી માહિતી અનુસાર આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.

ભાજપ 275ના જાદુઈ આંકડાને પાર નથી પહોંચી શક્યો. એટલા માટે NDAના ગઠબંધન હેઠળ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી PM  બનવાની તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તમામ નેતાઓએ તેને મંજૂરી આપી હતી. એનડીએની બેઠકમાં બિહારથી જેડીયુ લીડર તરીકે નીતીશ કુમાર અને આંધ્રપ્રદેશથી ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. હાલમાં આ બંને કિંગમેકરની ભૂમિકામાં છે. આ બેઠકમાં એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી જેવા અન્ય એનડીએના સહયોગીઓએ પણ હાજરી આપી હતી.

નીતીશકુમારે મોદીને પગે લાગતાં કહ્યું, આમતેમ નહીં જઈએ રાખો વિશ્વાસ

નવી દિલ્હીઃ NDA સંસદીય દળની બેઠકમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારની હાજરીમાં વડા પ્રધાન મોદીને સંસદીય દળના નેતા પસંદ કરી લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં બિહારના મુખ્ય મંત્રી અને JDUના પ્રમુખ નીતીશકુમારે મોદીને લોકસભાના નેતા, ભાજપ અને NDA સંસદીય દળના નેતાના પ્રસ્તાવનું સમર્થનકરતાં જોરદાર ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટી JDU મોદીને વડા પ્રધાનપદ માટે ટેકો આપે છે. તેમણે દેશની સેવા કરી છે અને અમે સંપૂર્ણ રીતે તેમની સાથે લોકો અર્થહીન બોલી રહ્યા છે.

NDAની બેઠક પછી નીતીશકુમાર વડા પ્રધાન મોદીને પગે લાગ્યા હતા. એનો વિડિયો સામે આવ્યો છે. જોકે વડા પ્રધાન મોદીએ તેમને પગે લાગતાં અટકાવ્યા હતા. નીતીશકુમારે આ દરમ્યાન કહ્યું હતું કે અમે લોકો ખૂલીને વડા પ્રધાન મોદીની સાથે છે, તેઓ જેમ કહેશે, એમ જ થશે.

નીતીશકુમારે ભાષણ દરમ્યાન કંઈક એવું કહી દીધું કે વડા પ્રધાન પણ ખુલ્લી રીતે હસી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બહુ ખુશીની વાત છે કે 10 વર્ષની તો વડા પ્રધાન છે અને ફરી વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે દેશની સેવા કરી છે અને અપેક્ષા છે કે આગામી સમયમાં એ બધાં કાર્ય પૂરાં કરશે. આગામી સમયમાં તમે આવો તો જે લોકો આડાઅવડા જીતી ગયા છે, એ બધા આવતી વખતે હારશે. અમને પૂરો વિશ્વાસ છે. આ વાત સાંભળીને વડા પ્રધાન મોદી જોરથી હસી પડ્યા હતા.

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્ર: કોણ છે સાંગલીના એ નેતા જેણે કોંગ્રેસને આપ્યું સમર્થન

મુંબઈ: મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટ પરથી અપક્ષ તરીકે જીતેલા વિશાલ પાટીલે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સંખ્યાબળ 13 થી વધીને 14 થઈ ગઈ છે. વિશાલ પાટીલે નવી દિલ્હીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. આ પછી પાટીલે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. વિશાલ પાટીલ કોંગ્રેસમાંથી લડવા માંગતા હતા,પરંતુ સીટ વહેંચણીમાં આ સીટ ઉદ્ધવ ઠાકરેના હાથમાં ગઈ. આવી સ્થિતિમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પાટીલ એક લાખથી વધુ મતોથી જીત્યા હતા. તેમણે સાંગલી સીટ પરથી ભાજપના વર્તમાન સાંસદ સંજય કાકા પાટીલને હરાવ્યા છે. શિવસેના યુબીટીએ આ બેઠક પરથી મહારાષ્ટ્ર કેસરીના ભૂતપૂર્વ ચંદ્રહર પાટીલને મેદાનમાં ઉતાર્યા હતા.

 

સાંગલીથી અપક્ષ તરીકે જીતેલા વિશ્વજીત કદમે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિશ્વજીત કદમની હાજરીમાં પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. 2019ની ચૂંટણીમાં વિશાલ પાટીલ બીજા ક્રમે રહ્યા હતા. ત્યારબાદ તેઓ સ્વાભિમાની શેતકરી સંગઠનમાંથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે તેમને પૂરી આશા હતી,પરંતુ કોંગ્રેસે કોલ્હાપુર સીટ લીધી તો તેને સાંગલી સીટ ઉદ્ધવ ઠાકરેને આપવી પડી. વિશાલ પાટીલના સમર્થનથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસની તાકાત વધુ વધી છે. જો કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના યુબીટી વિશાલ પાટીલના કોંગ્રેસને સમર્થનથી નારાજ હોઈ શકે છે.

કોણ છે વિશાલ પાટીલ?

વિશાલ પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વસંતદાદા પાટીલના પૌત્ર છે. પૂર્વ સાંસદ પ્રકાશબાપુ વસંતદાદા પાટીલ અને મહિલા પ્રદેશ કોંગ્રેસના નેતા શૈલજા પાટીલના પુત્ર છે જ્યારે પૂર્વ કેન્દ્રીય કોલસા રાજ્ય મંત્રી પ્રતિક પ્રકાશબાપુ પાટીલના ભાઈ છે. તેમની પત્નીનું નામ પૂજા છે અને તેમને બે દીકરીઓ એહિતા અને અરિત્રા છે.

રાજકીય કારકીર્દિની વાત કરીએ તો 2019માં પાટીલે સાંગલી લોકસભા મતવિસ્તારમાં સ્વાભિમાની પક્ષ પાર્ટી બેનર હેઠળ ચૂંટણી લડી હતી. જો કે, તેઓ ભારતીય જનતા પાર્ટીના સંજયકાકા પાટીલ સામે 164,352 મતોના માર્જીનથી હારી ગયા હતા.

2024 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સાંગલી મતવિસ્તારમાં તેના સાથી પક્ષ સાથે સમજૂતી કરી શકી ન હોવાથી વિશાલ પાટીલ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. શિવસેના (UBT) તેમને તેમની ટિકિટ હેઠળ ચૂંટણી લડવા માટે કારણ કે તેઓએ કુસ્તીબાજ ચંદ્રહર પાટીલને મેદાનમાં ઉતાર્યા હતા. આખરે વિશાલ પાટીલ ચૂંટણી જીત્યા અને ભારતની સંસદમાં ચૂંટાયા.

Nutshell In 99

NDAના નેતા પસંદ થવું એ સૌભાગ્યની વાતઃ PM મોદી

નવી દિલ્હીઃ NDAની આજે બેઠક છે. આ બેઠકમાં તમામ ઘટક પક્ષો સામેલ થયા છે. આ બેઠકમાં વડા પ્રધાન મોદીને સંસદીય દળના નેતા ચૂંટી કાઢવામાં આવશે. આ બેઠકમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નામનો વડા પ્રધાનપદ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને અમિત શાહે ટેકો આપ્યો હતો.

આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું હતું કે હું બહુ ભાગ્યશાળી છું કે બધાએ સર્વસંમતિથી મને NDAનો નેતા ચૂંટી કાઢવામાં આવ્યો છે. તમે બધાએ મને એક નવી જવાબદારી આપી છે અને હું તમારા બધાનો બહુ આભારી છું. આપણી વચ્ચે વિશ્વાસનો પુલ મજબૂત છે. આ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર છે અને એ સૌથી મોટી પૂંજી છે, એમ તેમણે કહ્યું હતું.ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારે મોદીને ટેકો આપ્યો હતો. નીતીશકુમારે કહ્યું હતું કે અમે બધા ભાજપની સાથે છીએ. 10 વર્ષમાં જે કામ બચ્યું છે એને પણ આગામી પાંચ વર્ષમાં પૂરું કરી લેવામાં આવશે. બધા મળીને સાથે ચાલીશું અને સૌ સાથે છીએ. મોદી ફરી એક વાર વડા પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.

રાજનાથ સિંહના પ્રસ્તાવને ભાજપના નેતા નીતીન ગડકરી અને JDS નેતા એચડી કુમારસ્વામીએ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારત એક નવી શક્તિ બનશે. આ બેઠકમાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે જે ઘડીની રાહ જોવાતી હતી, એ આવી ગઈ છે. અમારી પેલી વાર ઓડિશામાં સરકાર બની છે. આંધ્ર પ્રદેશમાં અને સિક્કિમમાં NDA સરકાર છે.

સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપાધ્યક્ષે સતત ત્રીજી વાર સત્તાવામાં વાપસીને લઈને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. એ દરમ્યાન બેઠકમાં પણ મોદી સરકારનો સૂત્રોચ્ચાર થયો હતો. આ NDA સંસદીય દળની બેઠક જૂની સંસદમાં આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં NDAના બધા પક્ષોના સાંસદ હાજર રહ્યા હતા. હવે નવ જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડા પ્રધાન તરીકે શપથ લેશે.