Home Blog Page 1756

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ 5મી જૂને બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું અને કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી. આ પહેલાં મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11.30 વાગે મળી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું.

નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. NDAના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. JDUના પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યું કે 7મી જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના તમામ સાંસદોની બેઠક થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે.

બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. જો કે NDA ગઠબંધનને 292 બેઠકો મળી છે જે બહુમતીના આંકડાની પાર છે. ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે NDAમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે NDAમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.

અરવિંદ કેજરીવાલની જામીન અરજી દિલ્હી કોર્ટે ફગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. તેણે દારૂ પોલીસી કેસમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ સાથે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. કસ્ટડી 19 જૂન સુધી લંબાવવામાં આવી છે. સીએમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કેજરીવાલ 21 દિવસ માટે બહાર આવ્યા

21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રીએ આ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 10 મેના રોજ, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. કોર્ટે એવી શરત પણ લગાવી છે કે તે સીએમ ઓફિસ નહીં જાય કે કોઈ સરકારી ફાઈલો પર સહી નહીં કરે. જો જરૂરી હોય તો તેણે લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડશે. વચગાળાના જામીન દરમિયાન જ, તબિયતને ટાંકીને સીએમ કેજરીવાલે વચગાળાના જામીનનો સમયગાળો વધારવાની અપીલ કરી હતી. આ માટે તેણે બાદમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં પણ અરજી કરી હતી. સુનાવણી દરમિયાન EDએ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. હવે કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે.

2019ની તુલનાએ 2024માં કેમ થયો UPમાં મોટો ઊલટફેર?

નવી દિલ્હીઃ દેશની સત્તાનો નિર્ણય કરવાવાળું ઉત્તર પ્રદેશ બધા રાજકીય પક્ષો માટે મહત્ત્વ ધરાવે છે. એ જ કારણે ચોથી જૂને પણ મતગણતરી વખતે સૌની નજર ઉત્તર પ્રદેશની 80 લોકસભાની સીટો પર હતી. વળી, UPમાં ડબલ એન્જિનની સરકાર હતી, પણ UPનું ચૂંટણી પરિણામ ગઈ ચૂંટણીથી અલગ હતું.

છેલ્લી બે 2014 અને 2019માં સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 2014માં પાર્ટીએ 71 સીટો તો 2019માં ભાજપે 62 સીટો જીતી હતી, પણ 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપને માત્ર 33 બેઠકો જ મળી હતી, પણ સમાજવાદી પાર્ટીને 37 સીટો મળી હતી.

BSPની મતબેન્ક ફરી ગઈ?

ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી મોટું નુકસાન BSPના ખરાબ પ્રદર્શનથી થયું હતું અને એ ઊલટફેર થવાનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં BSPના મતદારો SP અને કોંગ્રેસના પાલામાં ચાલી ગયા અને એનું સીધું નુકસાન ભાજપને થયું હતું. BSPને માત્ર નવ ટકા મતો મળ્યા હતા, જ્યારે 2019માં પાર્ટીને આશરે 19 ટકા મતો મળ્યા હતા.

ભાજપે ઉત્તર પ્રદેશમાં ઉમેદવારોની પંસદગી પણ યોગ્ય નહોતી અને રાજ્યમાં આ ઉમેદવારો સામે સ્થાનિક એન્ટિ ઇન્કમબન્સી ખૂબ હતી. આ સિવાય ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજ્યના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે UPને વધુ સમય પણ નહોતો આપ્યો. તેઓ વિવિધ રાજ્યોમાં સભા કરવામાં વ્યસ્ત હતા, જેથી રાજ્યમાં પ્રચાર કરવા માટે વધુ સમય નહોતો ફાળવી શક્યા. આ સિવાય યુવા મતદારો ભાજપને બદલે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મત આપ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

મુંબઈ: એ નેતા જેમનું 48 મતદારોએ બદલી નાખ્યું ભાવિ

મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ છે. આ દરમિયાન શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા છે.2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ સૌથી ઓછા અંતરથી મળેલી જીત છે.

ચૂંટણી પંચના ડેટા અનુસાર, રવિન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ (Mumbai North West) લોકસભા બેઠક પરથી 4,52,644 લાખ મત મળ્યા છે જ્યારે આ સીટ પર તેમના નજીકના હરીફ શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4,52,596 વોટ મળ્યા છે.

મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પર પોતાના પ્રતિસ્પર્ધીને માત્ર 48 વોટથી હરાવવાના પ્રશ્ન પર વાઈકરે આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય હોય છે. વાજપેયીજીની સરકાર એક મતથી પડી ગઈ હતી. મેં કહ્યું હતું કે હું લડીશ અને જીતીશ અને હું જીતી ગયો.મેં મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મેં કહ્યું હતું કે ભગવાન મને જે રીતે આપે છે તે રીતે મારે જીતવું છે.જીતવું હોય તો જીત્યા પછી સારું કામ કરવું પડશે. હવે સારું કામ કરવું છે.

મુંબઈની જોગેશ્વરી ઈસ્ટ સીટના ધારાસભ્ય વાયકર આ વર્ષની શરૂઆતમાં શિવસેના (UBT)માંથી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી તેમની ઉમેદવારીની અંતિમ ક્ષણે જાહેરાત કરવામાં આવી હતી.મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, બંને ઉમેદવારો અલગ-અલગ સમયે આ બેઠક પર આગળ હતા.

મત ગણતરી પ્રક્રિયામાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરતા શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની પાર્ટી આ પરિણામોને પડકારવાનું વિચારી રહી છે.

ગરમીનો ફરી એક વાર આવશે રાઉન્ડ!

અમદાવાદ: લોકસભા ચૂંટણીના પરિણામો તારીખ 4થી જૂનના જાહેર કરવામાં આવ્યા છે. પરિણામો આવતાની સાથે રાજનીતિનું વાતવરમમાં ગરમી આવી છે. તો બીજી બાજું હવામાન નિષ્ણાતોના મત અનુસાર રાજનીતિ સાથે રાજ્યના વાતાવરણમાં પણ ગરમી આવાની શક્યતા જોવા મળી રહી છે.

હાલ થોડા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી છે. પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે આજથી ગરમીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત પવનની ગતિ પણ ધીમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતના મતે 8 જૂન સુધી તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં ફરીથી તાપમાન ઉંચકાય શકે છે. અત્યારે તાપમાન સરેરાશ 36થી 38 ડિગ્રી ચાલી રહ્યું છે. 5 તારીખથી તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થઈ શકે. 8 જૂન આવતાં ફરીથી તાપમાન 40 ડિગ્રીને પાર થાય તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે.

વરસાદને લઈ આગાહી કરી છે. તાપમાન વધવાની સાથે આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ ઘણા વિસ્તારમાં ચાલુ થશે. રાજ્યના કેટલાક વિસ્તાર વરસાદી ઝાપટા પણ પડી શકે. ઘણા દિવસથી પવનની ગતિ 25થી 30 કિલોમીટર પ્રિતકલાકની ચાલી રહી હતી. હવે આવતીકાલથી પવનની ગતિમાં ઘટાડો નોંધાશે. પવનની ગતિ 15થી 18 કિલોમીટર પ્રતિ કલાકની થાય તેવી શક્યતાઓ છે. છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે. પરંતુ કોઇ સમયે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પશ્ચિમ દક્ષિણના પવનો પણ જોવા મળી શકે છે.

મહિલાએ બતાવ્યો વીજ વિના પાણી ઠંડું કરવાનો નુસ્ખો!

‘ગામના લોકો આવા જ બુદ્ધિશાળી હોય છે.’ આ વાક્ય બોલી રહેલ વીડિયો નિર્માતા ગામની રહેવાસી મહિલા છે. જે ખરેખર બુદ્ધિશાળી અને ચપળ છે. વીડિયો બનાવવાની આધુનિક તકનીકનો ઉપયોગ કરનાર આ મહિલાએ વિડિયોમાં ગામડાંની દેશી તકનીક બતાવી છે. જેમાં રેફ્રિજરેટરના ઉપયોગ વગર પાણી ઠંડું કરવાની કમાલ તરકીબ તેણે બતાવી છે.સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે. જેના ઉપર વિશ્વના દરેક ખૂણેથી લોકો દ્વારા સોશિયલ મીડિયા પર મૂકાયેલા માહિતીસભર વિડિયો આપણે જોઈ શકીએ છીએ. તેમજ એક્સેસ કરી શકીએ છીએ. આવો જ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં રેફ્રિજરેટર કે અન્ય કોઈપણ વીજ તકનીક વિના પાણી ઠંડું કરવાનો કિમિયો દેખાડવામાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધુ વ્યૂઝ સાથેનો આ વાયરલ વીડિયો, લોકપ્રિય વિડિયો નિર્માતા દિવ્યા સિંહા (@divyasinha266) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પોતાની સાદગી, સરળતા, કેમેરા સામેની પ્રભાવશાળી પ્રસ્તુતિ અને સામગ્રી માટે તેમના ઈન્સ્ટાગ્રામ અનુયાયીઓમાં ઘણાં લોકપ્રિય છે.

દિવ્યા સિંહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલી રહ્યાં છે કે, ‘આજે તે ગામડાંના ચતુર રહસ્યો રજૂ કરશે’. તેણી આગળ બોલવાનું ચાલુ રાખતાં કહે છે કે, ‘તમારા શહેરોમાં ગરમીના દિવસોમાં રેફ્રિજરેટરમાં ઠંડું કરાયેલું પાણી પીવું સામાન્ય વાત છે. પરંતુ અમારા ગામમાં ફ્રિજ કે કોઈ અન્ય આધુનિક તકનીક વિના દેશી નુસ્ખાથી પાણી ઠંડું કરવામાં આવે છે. આ જ રહસ્ય આજે હું તમારી સામે છતું કરીશ.’

આગળ તેણી એક ઝાડ પર લટકાવેલી ભીના કાપડમાં વિંટાળેલી પ્લાસ્ટીકની પાણીની બોટલ બતાવતાં કહે છે. ‘ફક્ત 10 થી 15 મિનિટમાં આ બોટલનું પાણી આપોઆપ ઠંડું થઈ જશે.’ વધુ સમજાવતાં તે ઉમેરે છે. ‘સામાન્ય પ્લાસ્ટીકની પાણીની બોટલને ભીના કપડામાં વિંટાળીને ઝાડ પર ટિંગાળી દેવામાં આવે તો બોટલ પરનું ભીનું કાપડ હવા તેમજ ઝાડ-પાનના સંપર્કમાં આવતાં ફક્ત 10 થી 15 મિનિટમાં જ બોટલની અંદર રહેલું પાણી રેફ્રિજરેટરમાં ઠંડું થયું હોય તેવું ઠંડું થઈ જાય છે.’

વીડિયો નિર્માતા આગળ બોલે છે, ‘ગામડાંના લોકો આવા જ બુદ્ધિશાળી હોય છે.’ આ તકનીકનો શ્રેય તેણી પોતાના નાના ભાઈને આપતાં કહે છે કે, ‘આ પાણી ઠંડું કરવાનો નુસ્ખો મારાં નાના ભાઈનો છે. તમે પણ આવો પ્રયોગ કરીને કુદરતી રીતે ઠંડું પાણી મેળવવાનો લાભ લેજો.’

દર્શકો આ વોટર-કૂલિંગ હેકથી પ્રભાવિત થયા અને કેટલીક પ્રતિક્રિયાઓ આપી છે.
‘સરસ દીદી, તમે ખરેખર મહાન છો, તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ બહુ નિસ્વાર્થરીતે અને પૂરા પ્રેમથી આપો છો. એટલે જ ગામના લોકો અદ્ભુત છે.’

અન્યએ લખ્યું ‘આ એકદમ પ્રાકૃતિક ઉપાય છે.’

બીજા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આવો જ પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું, ‘મારી પાસે જ્યારે ફ્રિજ નહોતું ત્યારે હું પણ આવો જ પ્રયોગ કરીને પાણી ઠંડું કરતો હતો.’

એક પ્રભાવિત દર્શકે લખ્યું, ‘હું ગામડામાં નથી રહેતી, પરંતુ હું ગામડાના વાતાવરણ અને ત્યાંના હૃદયસ્પર્શી લોકોની ખરેખર પ્રશંસા કરું છું.’

https://www.instagram.com/reel/C6nrknUJex9/?utm_source=ig_web_copy_link

 

NDA સરકાર બનતાં પહેલાં JDU, TDPનું પ્રેશર પોલિટિક્સ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી TDP અને JDUએ ભાજપ સાથે પ્રેશર પોલિટિક્સ શરૂ કરી દીધું છે. NDAની બેઠકમાં સામેલ થવા માટે CM નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ દિલ્હી આવી રહ્યા છે. NDA ગઠબંધન હેઠળ જો ભાજપે ત્રીજી વાર મોદીની સરકાર બનાવવી છે તો પક્ષે TDP અને JDUની શરતોને માનવી પડશે.

ભાજપથી TDP કેન્દ્ર સરકારમાં 5-6 મંત્રાલય અને લોકસભામાં અધ્યક્ષપદની માગ કરે એવી શક્યતા છે. આટલું જ નહીં, બિહારના CM નીતીશકુમારની પાર્ટી JDU NDA સરકારમાં સામેલ થવા માટે સ્પીકર પદ અને વિવિધ મંત્રીપદોની માગ કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધને નીતીશને ડેપ્યુટી PM પદની ઓફર કરી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

NDAની બેઠકમાં ભાગ લેવા માટે નીતીશકુમાર પણ દિલ્હી આવી રહ્યા છે. જોકે દિલ્હી આવતાં પહેલાં તેઓ તેમના નિવાસસ્થાને વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા છે. લલન સિંહ પણ વહેલી સવારે તેમને મળવા આવ્યા છે. NDA સરકાર માટે ભાજપ માટે નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનું સમર્થન હોવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે તેને JDUની 12 અને TDPની 16 સીટોની જરૂર છે.

દિલ્હીમાં NDAના બધા ઘટક પક્ષોની બેઠક થવાની છે. તો એ માગ JDU અને TDP સત્તાવાર તરીકે ભાજપની સામે રાખી શકે છે. TDP ભાજપથી જળશક્તિ, શિક્ષણ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય જેવી માગ કરવામાં આવે એવી વકી છે.

1999માં જ્યારે ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયીવાળી NDA સરકાર બની, ત્યારે TDPએ સ્પીકરની માગ કરી હતી અને પાર્ટીના GMC બાળયોગીને ભાજપે લોકસભા અધ્યક્ષ બનાવવા પડ્યા હતા.

 

 

 

 

 

 

 

ચૂંટણીના પરિણામ પછી નારાજ થયા અનુપમ ખેર, કરી આવી પોસ્ટ

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. રાજકીય જગતના દિગ્ગજ નેતાઓની સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ લોકસભા ચૂંટણીના પરિણામો પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. પીઢ બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. જો કે, તેમણે આ પોસ્ટમાં સ્પષ્ટ કંઈ લખ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનો સંદર્ભ તાજેતરના ચૂંટણી પરિણામો પર છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને 292 બેઠકો મળી છે, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર ભાજપની હારથી બધાને આશ્ચર્ય થયું છે. તેમાં ફૈઝાબાદ એટલે કે અયોધ્યા લોકસભા સીટ પણ સામેલ છે. હવે આ ચૂંટણી પરિણામો બાદ અનુપમ ખેર પર એક ઈમાનદાર નેતા અને તેમના પ્રયાસો વિશે એક પોસ્ટ શેર કરવામાં આવી છે.

અનુપમ ખેર ભાજપના સમર્થક છે
અનુપમ ખેર બીજેપી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા સમર્થક રહ્યા છે અને આ વાત કોઈનાથી છુપી નથી. અનુપમ ખેરે એકવાર નહીં પરંતુ ઘણી વખત ભાજપના સમર્થનમાં પોસ્ટ શેર કરી છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ઉત્તર પ્રદેશની 80 સીટો પર જોવા મળેલા ફેરફારોથી બોલીવુડ કલાકારો પણ આશ્ચર્યચકિત છે. આ દરમિયાન તેણે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ઈમાનદારી અને સત્ય વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

અનુપમ ખેરની પોસ્ટ
તેમણે લખ્યું- ‘ક્યારેક મને લાગે છે કે એક ઈમાનદાર વ્યક્તિ વધારે ઈમાનદાર ન હોવો જોઈએ. જંગલમાં, સીધા થડવાળા વૃક્ષો પહેલા કાપવામાં આવે છે. સૌથી પ્રામાણિક વ્યક્તિએ સૌથી વધુ સહન કરવું પડે છે. પરંતુ તેમ છતાં તે પોતાની પ્રામાણિકતા છોડતો નથી. તેથી તે કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બને છે.’ આ પોસ્ટ શેર કરતી વખતે અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું – ‘સત્ય…’

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરના ચાહકો હવે તેમની પોસ્ટને લોકસભા ચૂંટણીના પરિણામો સાથે જોડી રહ્યા છે. ચાહકોને લાગે છે કે પીઢ અભિનેતાએ આ પોસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લખી છે, જેના દ્વારા તેમણે પીએમ મોદીને ઈમાનદાર વ્યક્તિ ગણાવીને સમર્થન આપ્યું છે. ભાજપે ફૈઝાબાદ બેઠક ભલે ગુમાવી હોય, પરંતુ ભાજપ અને તેના સહયોગી એનડીએએ ઘણી બેઠકો જીતી છે. જેમાં વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાનદાર પ્રદર્શન, અરુણ ગોવિલનું મેરઠ અને કંગના રનૌતનું મંડીમાં શાનદાર પ્રદર્શનનો સમાવેશ થાય છે.

કંગના રનૌતને અભિનંદન
આ પહેલા અનુપમ ખેરે કંગના રનૌતની જીત પર ખુશી વ્યક્ત કરી હતી અને અભિનેત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કંગના માટે એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું – ‘આ મોટી જીત માટે ખૂબ ખૂબ અભિનંદન પ્રિય કંગના. તમે રોકસ્ટાર છો. તમારી મુલાકાત ખૂબ જ પ્રભાવશાળી રહી છે. હું તમારા અને મંડીના લોકો માટે ખૂબ જ ખુશ છું. તમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરો તો કંઈપણ શક્ય છે. વિજયી બનો.’ બીજી તરફ કંગનાએ પણ જીત બાદ સર્ટિફિકેટ બતાવીને પોતાની જીત અને ખુશી વ્યક્ત કરી હતી.

દર્દના મૂળભૂત કારણને દૂર કરીએ

આ દુનિયામાં દરેક સ્વરૂપ ચેતનાની અભિવ્યક્તિ છે. આ દુનિયામાં બધું ગતિશીલ છે. પર્વત પણ સ્થિર નથી. દરેક અણુ સ્વભાવે ગતિશીલ છે. આ તમામ ઉત્ક્રાંતિના અમુક તબક્કામાંથી પસાર થાય છે. સમસ્ત સર્જન પંચમહાભૂત અને દસ ઈન્દ્રિયો-પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનું બનેલું છે. આ સમસ્ત સર્જન તમને આનંદ અને રાહત આપવા સર્જાયું છે. જે કંઈ તમને આનંદ આપે છે તે તમને રાહત પણ આપતું હોવું જોઈએ. નહીંતર એ જ આનંદ દર્દ બની જાય છે. હું તમને એક ઉદાહરણ આપું: તમને એપલ પાઈ ભાવે છે, પરંતુ એક સાથે પાંચ ખાવી એ તમારા માટે થોડું અઘરું પડી શકે છે. જે વસ્તુ તમને આનંદ આપતી હતી તે જ હવે તમને અકળાવે છે. સમસ્ત સર્જન તમને આનંદ અને મુક્તિ આપે છે. તમારે ક્યારેક તો આ બધાથી મુક્તિ મેળવવી જોઈએ નહીંતર આનંદ દર્દ બની જાય છે.

આત્મ સાક્ષાત્કાર પામેલી વ્યકિત માટે આ દુનિયાનું એવું અસ્તિત્વ નથી હોતું જેવું સાક્ષાત્કારના પામેલી વ્યકિત માટે હોય છે, દુનિયાનું અસ્તિત્વ તેના વિરોધાભાસી સ્વરુપોમાં ચાલુ રહે છે. જે વ્યકિત જ્ઞાન થકી જીવે છે તેને હવે કશું પીડાકારક રહેતું નથી. તેને દુનિયા એકદમ અલગ જણાય છે. તેને માટે આ સર્જનનો દરેક ઈંચ પરમાનંદથી ભરેલો છે અથવા પોતાનો એક હિસ્સો લાગે છે. પરંતુ અન્યો સર્જનને જે રીતે જુએ છે તેવું તેમને જણાય છે.

તમારું શરીર ત્રણ ગુણોનું બનેલું છે-સત્વ, રજસ અને તમસ-અને તમારા વિચારો તથા વર્તણૂકની ઢબ એ પ્રમાણે બદલાય છે. તમસ મંદપણું, નિંદ્રા, સુસ્તીમાં વૃદ્ધિ કરે છે. રજસ અજંપો, ઈચ્છાઓ અને વેદના આપે છે. જ્યારે મનમાં સત્વનો પ્રભાવ હોય છે ત્યારે તે આનંદિત, ચપળ અને ઉત્સાહી હોય છે. જ્યારે આ ત્રણ ગુણો તમારા શરીરમાં તેમની પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે છે ત્યારે આ જુદા જુદા લક્ષણોનો પ્રભાવ હોય છે. તમારામાં ઉઠતી માનસિક વૃત્તિઓનું અવલોકન કરો અને એવું ના માનશો કે તમે એ વૃત્તિઓ છો.

એક વાર્તા છે. એક મહાન સાધુ હતા,જે હિમાલયમાં રહેતા હતા. તેઓ કોઈ પ્રતિબંધ વગર ક્યાંય પણ જઈ શકતા. લોકો તેમને પ્રેમ કરતા અને આવકારતા. દરરોજ આ સાધુ રાજાના મહેલમાં સવારના ભોજન માટે જતા. રાણી તેમને સોનાના થાળી વાટકીમાં ભોજન પીરસતી. તેઓ જમીને નીકળી જતા. એક દિવસ જમ્યા પછી તેઓએ ચાંદીના પ્યાલા અને સોનાની ચમચીની ઉઠાંતરી કરી અને ચાલી નીકળ્યા. તેમણે કોઈને કહ્યું પણ નહીં કે તેમને એ જોઈતા હતા.

મહેલમાં લોકોને આશ્ચર્ય થયું. “સાધુને શું થઈ ગયું છે? તેમણે ક્યારેય આવી રીતે કોઈ વસ્તુ નથી લીધી, તો આજે શું થઈ ગયું હશે કે કોઈને કહ્યા વગર વસ્તુઓ લઈ ગયા?”તેઓને અચંબો લાગ્યો. ત્રણ દિવસ પછી સાધુ એ વસ્તુઓ પાછી લાવ્યા એનાથી લોકોને વધારે મુંઝવણ થઈ.

રાજાએ સાધુના વર્તનને સમજવા બધા જ્ઞાની લોકોને બોલાવ્યા. પંડીતો અને જ્ઞાનીઓએ તે દિવસે સાધુને શું જમાડવામાં આવ્યું હતું તેની તપાસ આદરી. તેઓએ જાણ્યું કે કોઈ લુંટારાઓ પાસેથી જપ્ત કરેલા અનાજથી રસોઈ કરવામાં આવી હતી અને સાધુને પીરસાઈ હતી તેને લીધે તેમણે ઉઠાંતરી કરી હતી!

આમ, દર્દના મૂળભૂત કારણને દૂર કરવા માટે એક ચોક્કસ સમજની જરૂર હોય છે. શરીર, મન અને સમસ્ત દુનિયા હર સમયે બદલાતા રહે છે. સમસ્ત વિશ્વ તરલ સ્વરુપમાં છે. નક્કર જ્ઞાન એ છે કે, ‘હું શરીર નથી, હું આત્મા છું, હું અવકાશ છું, હું મારી આસપાસની દુનિયાથી અવિનાશી, અલિપ્ત અને અવિચલ છું. આ શરીરનો દરેક કણ બદલાયા કરે છે અને મન પણ બદલાયા કરે છે.’દુનિયાના ચક્રમાંથી બહાર આવવા માટે આ નક્કર જ્ઞાન એક માત્ર માર્ગ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રીએ ‘નમો વડ વન’ની લીધી મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં ‘નમો વડ વન’ની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય વન દિવસ ૨૧ મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૩ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ની ૨૧ માર્ચે ૨૦૨૨માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રી ગાંધીનગરના આ ‘નમો વડ વન’ની મુલાકાત માટે આજે સવારે પહોંચ્યા હતા અને ત્યાં વાવવામાં આવેલા ફૂલ-છોડ રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની જાત માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન  વન-પર્યાવરણના અગ્ર સચિ સંજીવકુમારે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં ૮૨ ‘નમો વડ વન’ ઊભા થયા છે. એટલું જ નહીં, પ્રથમ વર્ષે દરેક ‘નમો વડ વન’માં ૭૫ વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ ૧૦૦ વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠિકરણની દિશા આપણે લીધી છે. અત્યારે પ્રત્યેક ‘નમો વડ વન’માં કુલ ૧૭૫ વડના રોપાઓ વાવવામાં આવેલા છે.

ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા ‘નમો વડ વન’માં વિવિધ પ્રજાતિઓના નાના-મોટા રોપા અને ફૂલ-છોડ વગેરે મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા ‘નમો વડ વન’માં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે.

આ ઉપરાંત ‘નમો વડ વન’ લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્‍ચિઝ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.