બેંગલુરુઃ કેરળ, તામિલનાડુ પછી હવે કર્ણાટકમાં ચોમાસાના પ્રારંભ જ મુશળધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે ત્રીજી જૂને વંટોળ અને કરાં સાથે 133 વર્ષમાં એક દિવસમાં થયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલાં સૌથી વધુ વરસાદ 16 જૂન, 1891એ 101.6 મિમી નોંધાયો હતો. જૂનમાં સરેરાશ વરસાદ 106.5 મિમી હોય છે. છેલ્લા બે દિવસોમાં બેંગલુરુમાં 140.7 મિમી વરસાદ થયો છે.
બેંગલુરુમાં આગામી બે દિવસ સુધી વાદળો છવાયેલાં રહેશે ને વરસાદ જારી રહેવાની સંભાવના છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. વિભાગે મહત્તમ અને લઘુતમ તાપમાન ક્રમશઃ 30 ડિગ્રી અને 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
વિભાગે જણાવ્યું છે કે શહેરમાં આઠ-નવ જૂને પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળભરાવો થયો છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે. શહેરમાં 58 જગ્યાએ જળભરાવો થયો છે અને 41 જગ્યાએ વૃક્ષો ઊખડી ગયાં છે.બેંગલુરુમાં આ પહેલાં જૂનમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ 1996માં બનાવ્યો હતો. ત્યારે 228.2 મિમી વરસાદ થયો હતો. ત્યારે શહેરમાં ભારે વરસાદની સાથે કેટલાય ભાગોમાં પૂર આવ્યું હતું અને નુકસાન થયું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ છઠ્ઠી જૂન સુધી મહારાષ્ટ્રમાં મોન્સુનના વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જ્યારે 10 જૂને મુંબઈમાં વરસાદ પહોંચવાની અપેક્ષા છે. હાલ દક્ષિણી પશ્ચિમી મોન્સુન દક્ષિણી કર્ણાટક સુધી પહોંચી ચૂક્યું છે. હવે મોન્સુન મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગે કહ્યું હતું કે નોર્થ ઇસ્ટનાં બધાં રાજ્યોમાં મોન્સુન શરૂ થઈ ગયું છે, જ્યારે પશ્ચિમ બંગાળ પછી હવે મોન્સુન બિહારની તરફ વધશે.
અમદાવાદ: 19 મે, 2024 ના રોજ શરૂ થયેલી પહેલી ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL), રોમાંચક ક્રિકેટના પખવાડિયા પછી આજે સમાપ્ત થઈ. સીપીએલની આ સિઝન શાનદાર રહી છે, જેમાં લીગ તબક્કા દરમિયાન અસંખ્ય રેકોર્ડ બનાવ્યા છે. 18 મેચોમાં, કુલ 5708 રન બનાવ્યા હતા, જેમાં 235 વિકેટ, 541 ચોગ્ગા અને 222 છગ્ગા હતા. આ ટુર્નામેન્ટમાં 124 કેચ, 30 અડધી સદી, 2 સદી પણ જોવા મળી હતી.
SGVP ગ્રાઉન્ડ્સ ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં હેવીવેઇટ હેરિટેજ સિટી ટાઇટન્સે કમાન્ડિંગ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેમાં અમદાવાદ એરોઝ સામે 6-વિકેટનો શાનદાર વિજય મેળવ્યો હતો. મુખ્ય પ્રદર્શનમાં સ્મિત પટેલના 13 બોલમાં 10 રન અને કેલ્પ વિકાસ જૈન દ્વારા આર્ય દેસાઈને આઉટ કરવાનો સમાવેશ થાય છે. વિકેટ કીપર સ્મિત જે પટેલે 27 બોલમાં શાનદાર 33 રન બનાવ્યા હતા, જ્યારે આર્ય રાઠોડે 25 બોલમાં 44 રન બનાવ્યા હતા. ધ્રુષાંત સોનીના હાથે આઉટ થતા પહેલા સિદ્ધાર્થ વિકારિયોએ 7 બોલમાં 11 રન ઉમેર્યા હતા. કેલ્પ વિકાસ જૈન અને ધ્રુષાંત સોની અસાધારણ બોલર હતા, દરેકે 4 વિકેટ લીધી હતી, જૈને 41 રન અને સોનીએ માત્ર 16 રન આપ્યા હતા.
હેરિટેજ સિટી ટાઇટન્સે તેમના દાવની આત્મવિશ્વાસપૂર્વક શરૂઆત કરી, પ્રથમ 2 ઓવરમાં 22 રન બનાવ્યા. ત્રીજી ઓવરમાં કેપ્ટન ઉર્વિલ પટેલને હારવા છતાં ઓપનર ઋષિ પટેલે 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. પ્રાંશુ બધેકાએ 27 બોલમાં 40 રન અને હેમિંગ પટેલે 16 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું હતું. હેરિટેજ સિટી ટાઇટન્સે 15.3 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને વિજય હાંસલ કર્યો હતો.
SGVP ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય સમાપનને મંત્રમુગ્ધ કરનાર લેસર શો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેણે તેના અદભૂત દ્રશ્ય દેખાવ સાથે 2000 થી વધુ ઉપસ્થિતોને મોહિત કર્યા હતા. લાઇટ્સના વાઇબ્રન્ટ ડિસ્પ્લેએ સાંજે એક જાદુઈ સ્પર્શ ઉમેર્યો, પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકી દીધા અને CPL ફાઇનલનો સંપૂર્ણ અંત ચિહ્નિત કર્યો.
સદગુરુ બાલકૃષ્ણદાસ સ્વામી, ઉપાધ્યક્ષ SGVP એ CPL ફાઈનલના સમાપન સમારોહને બિરદાવ્યો. રોનક ચિરીપાલ, ગોરવ જૈન અને વંશ ચિરીપાલ દ્વારા કલ્પના કરાયેલ ક્રિકેટ પ્રીમિયર લીગનો ઉદ્દેશ્ય ગુજરાતના ઉભરતા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેમની દ્રષ્ટિ આશાસ્પદ ખેલાડીઓને સ્પોટલાઇટ કરવાનું છે, જે તેમને મોટા મંચ પર ચમકવાની તક આપે છે.
મેચ બાદના પ્રેઝન્ટેશન સેરેમનીમાં ક્રિકેટના મહાનુભાવોએ હાજરી આપી હતી. BCCIના માનદ સચિવ જય અમિત શાહે CPL ચેમ્પિયન્સ ટ્રોફી અને ચેક અર્પણ કર્યો. સ્મિત પટેલને 304 રન બનાવવા બદલ ઓરેન્જ કેપ અને રૂ. 25,000નો ચેક, રાજસભાના સંસદ સભ્ય નરહરિ અમીનના હસ્તે આપવામાં આવ્યો. ધ્રુષાંત સોનીને 14 વિકેટ લેવા બદલ પર્પલ કેપ અને રૂ. 25,000નો ચેક એનાયત કરવામાં આવ્યો. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સભ્ય અને સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદે ઉનડકટે કલ્પ વિકાસ જૈનને મેન ઓફ ધ મેચ અને ઉર્વીલ પટેલને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ અર્પણ કર્યો હતો. આ સમારોહમાં સંસદ સભ્ય (રાજ્યસભા) મયંક નાયક પણ હાજર હતા અને ચિરીપાલ ગ્રુપના ડિરેક્ટર જ્યોતિપ્રસાદ ચિરીપાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જય શાહનું ચિરીપાલ ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચિરીપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: દેશમાં પહેલી જૂનથી કોમર્શિયસ ગેસ સિલિન્ડરના કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત દેશની જનતા માટે સારા સમાચાર મળી રહ્યા છે. GST કલેક્શન આંકડા હોય કે ફુગાવાના આંકડા લોકસભા ચૂંટણીના પરિણામ નજીક આવતાની સાથે તમામ મોર્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. ત્યારે હવે RBI પર લોનના વ્યાજ દરને લઈ રાહતના સમાચાર આપી શકે છે.
જૂન મહિનાની શરૂઆતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 5 જૂનથી શરૂ થઈ રહી છે અને 7 જૂને આ કમિટી રેપો રેટ પર નિર્ણય લેશે. રેપો રેટ પર મોંઘવારી સૌથી વધુ અસર કરે છે. જો છૂટક ફુગાવો નિયંત્રણમાં હોય તો રેપો રેટમાં કાપની અપેક્ષા પણ વધે છે. તાજેતરના આંકડા પણ સૂચવે છે કે, રિઝર્વ બેંક કદાચ આ વખતે લોન ધારકોને ભેટ આપી શકે છે. વર્ષ 2024ની શરૂઆતથી જ છૂટક ફુગાવાના આંકડા સતત નીચે જઈ રહ્યા છે.
રિટેલ ફુગાવાનો વૃદ્ધિ દર એપ્રિલમાં 4.8 ટકા હતો, જે માર્ચમાં 4.85 ટકા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 5.1 ટકા હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાનો ફુગાવાનો આંકડો પાછલા 10 મહિનામાં સૌથી નીચો આંકડો છે. ડિસેમ્બર 2023માં છૂટક ફુગાવો 5.7 ટકા હતો. છૂટક ફુગાવાની સાથે કોર ફુગાવાનો દર પણ સતત નીચે જઈ રહ્યો છે. તેથી આગામી સમયમાં પણ છૂટક ફુગાવો 6 ટકાની નીચે રહેવાની આશા છે. ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે માર્ચ 2025 સુધી છૂટક ફુગાવો 4.5 ટકા રહેવાની સંભાવના સેવાય રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિટેલ ફુગાવાનો આંકડો માત્ર 3.8 ટકા રહેવાની ધારણા છે.
રેપો રેટ હાલમાં 6.5 ટકા છે અને RBIએ ફેબ્રુઆરી 2023 પછી તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આપને જણાવી દઈએ કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ 5 ટકાના વધારાની જાહેરાત કરી છે, જે આજથી એટલે કે 3 જૂનથી લાગુ થશે.
અમદાવાદ: દુનિયા આખી જે પરિણામની રાહ જોઈ રહી છે એ લોકસભાની ચૂંટણીના મતોની ગણતરી 4 જૂનની સવારથી શરૂ થઈ જશે. અમદાવાદ શહેરમાં ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરવામાં આવશે.
મતગણતરી પહેલાં તમામ વિભાગો એમનું આયોજનપૂર્વક કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી વિભાગ દ્વારા પોલિંગ એજન્ટથી માંડી વી.વી.આઈ.પી એન્ટ્રી પાર્કિંગ સુધીના તમામ બોર્ડ તૈયાર કરી દીધા છે. અમદાવાદ શહેર ફાયર બ્રિગેડનો સ્ટાફ જરૂરિયાતના તમામ સાધનો સાથે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે સ્થાનિક પોલીસની સાથે સશસ્ત્ર પોલીસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે.ગુજરાત કોલેજમાં મત ગણતરી થવાની હોવાથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોની અવરજવર માટે ઈન્દર રેસિડન્સી હોટલથી ઓવરબ્રિજ તરફ જતાં માર્ગને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સરકારી તંત્રની કામગીરી સાથે મતગણતરી અને પરિણામ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે જાહેર થવાનાં છે, પણ તમામ એક્ઝિટ પોલમાં દેશમાં ફરી એક વાર મોદી સરકાર આવવાની શક્યતાએ પાકિસ્તાન દહેશતમાં છે. પાકિસ્તાનને ડર છે કે મોદી સરકાર આવનારા સમયમાં એની સામે આક્રમક નીતિ અપનાવશે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ એઝાઝ ચૌધરીએ કહ્યું હતું કે ટ્રેક રેકોર્ડથી માલૂમ પડે છે કે વડા પ્રધાન મોદી ચૂંટણી સંકલ્પ પત્ર લાગુ કરે એવી સંભાવના છે. તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસ કરશે અને પાકિસ્તાન સામે કડક વલણ અપનાવશે. ડોન ન્યૂઝપેપરે લખ્યું છે કે ભારતમાં એક્ઝિટ પોલનો રેકોર્ડ ખરાબ છે, કેમ કે એનાં ચૂંટણી પરિણામો ખોટાં હોય છે. નિષ્ણાતોનું પણ કહેવું છે કે મોટા અને વિવિધતાવાળા દેશમાં એક્ઝિટ પોલના આંકડા સાચા ના હોઈ શકે.
ચોથી જૂને ચૂંટણી પરિણામોને લઈને ઉત્સુકતા જેટલી દેશમાં છે, એટલી જ ચર્ચા પાકિસ્તાનમાં પણ છે. હજી થોડા દિવસો પહેલાં પાકના ભૂતપૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે તેમના દેશવાસીઓ ઇચ્છે છે કે મોદી ચૂંટણી હારે. પાકિસ્તાનના નેતાઓ પણ નથી ઇચ્છતા મોદી ત્રીજી વાર વડા પ્રધાન ના બને, કેમ કે પાકિસ્તાની સંસદમાં એક સાંસદે પણ જણાવ્યું હતું કે વિદેસ મંત્રીને ડર હતો કે ક્યાંક ભારત હુમલો ના કરી દે. ભારતે POKમાં ઘૂસીને 40થી વધુ આતંકવાદીઓને મોતના ઘાટ ઊતાર્યા હતા.પુલવામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાનો પણ ભારતે બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી અને 300થી વધુ આતંકવાદીને માર્યા હતા. પાકિસ્તાની લોકો નથી ઇચ્છતા કે દેશમાં મોદી સરકાર બનાવે, કેમ કે મોદી પાકિસ્તાનની દરેક ઈંટનો જવાબ પથ્થરથી આપે છે.
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા પછી તેમની બિનહરિફ જીતને પડકારતી પીઆઇએલ(PIL) જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
અરજી કેમ કરવામાં આવી?
નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ ટેકનિકલ કારણોસર નામંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. જે બાદ મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા બાદ ભાવેશ પટેલે નામના એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેન્ચે અરજદારના વકીલને કહ્યું હતું કે એણે PIL નહીં પણ ચૂંટણી અરજી દાખલ કરવી જોઈતી હતી. અરજદારે દલીલ કરી હતી કે તે સુરતમાં નોંધાયેલ મતદાર છે, ચૂંટણી પંચે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા હતા અને મતદાન કરાવ્યા વગર પ્રમાણપત્ર પણ આપ્યું હતું. જેના કારણોસર તેઓ મતદાનના અધિકારથી વંચિત રહ્યા છે.
કોર્ટે શું કહ્યું?
આ બાબત સંદર્ભે કોર્ટે કહ્યું કે જો કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાય છે, તો તે પણ તે જ છે જેમને મતદાન અથવા મત ગણતરી પછી વિજેતા જાહેર કરવામાં આવે છે. બિનહરીફ વિજેતા અન્ય કોઈ શ્રેણીમાં આવતા નથી. જાહેર પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ હેઠળ આને PILનો મુદ્દો ન બનાવો. એમણે એમ પણ કહ્યું કે કાયદા મુજબ જો ઉમેદવારની ચૂંટણીને લઈને કોઈ વિવાદ હોય તો એમણે ચૂંટણી અરજી દાખલ કરવાની હોય છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમે તમારી દલીલમાં જે પ્રક્રિયાનો ઉલ્લેખ કરી રહ્યા છો, જેના દ્વારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, તે ચૂંટણી અરજી દ્વારા સત્તાધિકારના અધિકારક્ષેત્રમાં આવે છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે તાત્કાલિક સુનાવણીની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતુ કે, અરજદારે ખોટી જગ્યાએ અરજી દાખલ કરી છે, તેથી તેમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં, તે સામાન્ય રીતે જ જોવામાં આવશે.
જાણ્યે-અજાણ્યે, આપણે આપણા રોજિંદા જીવનમાં એક કે બીજી રીતે એવાં કોઈ કાર્ય કરીએ છે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે કેવી રીતે પર્યાવરણને બચાવી શકીએ? આપણે મોટાભાગે તો આપણાથી શું થાય એમ વિચારીને બેસી જઇએ છીએ, કેટલાંક લોકો એવા હોય છે જે બેસી રહેવાના બદલે બદલાવની શરૂઆત કરે છે અને બીજાને પણ બદલાવની પ્રેરણા આપે છે.
આજે એવી જ એક વ્યક્તિની વાત, જેના કામની નોંધ ખુદ વડાપ્રધાને પણ લીધી છે. આ છે પંક્તિ પાંડે. અમદાવાદમાં રહે છે અને ઝીરોવેસ્ટઅડ્ડાના ફાઉન્ડર છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યા પછી 2008માં ઈસરોમાં જોડાયા. ગગનયાન સહિત અનેક મહત્ત્વના પ્રોજેક્ટમાં કામ કર્યું.
પરંતુ તેમની સૌથી મોટી ઓળખ બની છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ માટે લોકોને પ્રેરિત કરવાની. પંક્તિ ટકાઉ જીવન વિશે ખૂબ જ જાગૃત છે. પોતાના ક્લીનર્સ જાતે બનાવે છે, કચરામાંથી જાતે ખાતર તૈયાર કરે છે, જ્યારે પણ ખરીદી કરવા જાય છે ત્યારે પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીમાં જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. ટકાઉ જીવન અને પર્યાવરણના બચાવ માટે એના સતત પ્રયાસોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ (National Creators Award) હેઠળ ‘ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ’ થી સન્માનિત કર્યા.
પંક્તિ પાંડે સાથે ચિત્રલેખા.કોમએ જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ઉપલબ્ધ સંસાધનનું સમ્માન કરવું એ તેઓ તેમના પરિવાર પાસેથી શીખ્યા છે. પરંતુ આ મુદ્દે તેઓ ગંભીર ત્યારે થયા, જ્યારે તેમણે પ્રેગનેન્સી માટે બે વર્ષનો બ્રેક લીધો હતો. આ દરમિયાન તેઓ વેસ્ટ મેનેજમેન્ટ વિશે એક રિપોર્ટ વાંચી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે આપણે ઈન્ડસ્ટ્રિયલ પ્રદૂષણ વિશે તો ખૂબ જ વાતો કરીએ છીએ. પરંતુ દરેક ઘરમાંથી જે વેસ્ટ નીકળે છે તેના મેનેજમેન્ટ વિશે તો કોઈ વાત કરતાં જ નથી.
એ પછી ઝીરો વેસ્ટની શરૂઆત પોતાના ઘરમાંથી જ થાય તે પ્રમાણે એમણે પોતાની દિનચર્યા શરૂ કરી. શરૂઆતમાં ઘણા પડકારો પણ આવ્યા. પરંતુ ધીમે-ધીમે તેમણે બધાં જ વેસ્ટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કર્યું. આમ વેસ્ટ મેનેજમેન્ટની એમની સફર તો શરૂ થઈ ગઈ હતી.
પરંતુ આ તો વાત હતી ફક્ત ઘર પૂરતી. ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે એ અમદાવાદના પીરાણા વિસ્તારમાંથી દીકરી સાથે પસાર થઈ રહ્યા હતા. પસાર થતી વખતે જ્યારે દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે આ શું છે અને અહીં આટલી દુર્ગંધ કેમ છે? ત્યારે પંક્તિએ જવાબ આપ્યો કે આ ડમ્પિંગ સાઈટ છે સમગ્ર શહેરનો કચરો અહીં આવે છે. દીકરીનો સામે પ્રશ્ન એ હતો કે આપણે તો કચરો કરતાં નથી તો શું બીજા લોકો પણ આપણી જેમ કચરાનો યોગ્ય નિકાલ કરતાં નથી?
બસ, દીકરીના આ પ્રશ્ન પછી પંક્તિને લાગ્યું કે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ લોકો સુધી પહોંચાડવું જોઈએ. એવામાં કોવિડના સમયે તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પાવર વિશે સમજાયું. આથી તેમણે પણ પોતાના પ્રયત્નોના નાના-નાના વીડિયો બનાવીને અપલોડ કરવાનું શરૂ કર્યું. જેમાં તેમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. આજે ઈન્સ્ટાગ્રામ પર પંક્તિના 342K કરતાં પણ વધારે ફોલોઅર્સ છે અને તેમની વીડિયોની લોકો પર ઊંડી અસર પણ થઈ રહી છે. પંક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ પ્રત્યે શિક્ષિત કરવાનો છે.
પંક્તિનું માનવું છે કે છેલ્લાં 20 વર્ષમાં કમ્યુનિકેશનથી લઈને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણાં બધાં પરિવર્તનો થયા છે, પરંતુ વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કોઈ ફેરફાર થયા નથી. જેનું પરિણામ છે કે આજે દરેક શહેરોમાં કચરાના ઢગલે-ઢગલા થઈ રહ્યા છે. તેના નિકાલ માટે જોઈએ એવી ઝડપી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો નથી.
બીજું કે દરેક વ્યક્તિ આજે પોતાના બાળકના જન્મ પહેલાંથી જ તેની ફાયનાન્સિયલ સેફ્ટી કે મેડિકલ સેફ્ટી વિશે વિચારવા લાગે છે. પરંતુ કોઈપણ વ્યક્તિ પર્યાવરણીય સુરક્ષા વિશે વિચારતું જ નથી. આજે આ કચરાના ઢગલાં ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન કરીને પર્યાવરણને નુક્સાન કરનારા ટૉપ-3 કારણોમાંથી એક છે, જેના કારણે ગ્લોબલ વોર્મિગની સમસ્યા સર્જાઇ છે.
પંક્તિ કહે છે, “લોકો એવું માને છે કે સમય મળતો નથી. કમ્પોઝ કરવા માટે તેમની પાસે જગ્યાનો અભાવ છે. મારા મતે આ બધાં બહાના છે. જો 8થી 9 કલાકની નોકરી કર્યા પછી પણ લોકોને સોશિયલ મીડિયા માટે સમય મળતો હોય તો તેઓ પર્યાવરણ માટે પણ સમય આપી જ શકે છે.
એમના મતે અમદાવાદ કરતાં બેંગ્લુરૂ, મુંબઈ કે દિલ્હી જેવાં મેટ્રો શહેરોમાં લોકોમાં પર્યાવરણને લઈને જાગૃતિ વધારે છે. મુંબઈમાં જ્યાં લોકો પાસે ખૂબ જ નાના ઘરો હોવા છતાં તેઓ નાની જગ્યામાં પણ ક્મ્પોઝ કરતાં હોય છે.પંક્તિ કહે છે કે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સના પ્રેમ અને વડાપ્રધાનના હસ્તે સન્માન મળ્યા બાદ તેમની જવાબદારી વધુ વધી ગઈ છે. હવે તેઓ વધારે સભાન થઈને લોકોને એજ્યુકેટ કરવા માટે વધુ એજ્યુકેશનલ કન્ટેન્ટ ક્રિએટ કરતા થયા છે. હાલમાં તેઓ શાળાઓમાં જઈને આ મુદ્દે બાળકોને એજ્યુકેટ કરી રહ્યા છે. કેટલીક NGO સાથે મળીને પણ પર્યાવરણની સુરક્ષા મુદ્દે કામ કરી રહ્યા છે.
પંક્તિ સ્પષ્ટપણે માને છે કે આ કામમાં જેટલા વધારે લોકો જોડાશે અને પોતાનું યોગદાન આપશે એટલું જ આપણે ઝીરો-વેસ્ટની દિશામાં વધારે ઝડપથી આગળ વધી શકીશું.
મુંબઈ: આજે વિશ્વ સાયકલ દિવસ છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં સાયકલનું મહત્વ જણાવવાનું છે. તેમજ સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે થાણેમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
એમઆરઆર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ દ્વારા વ્હીલ્સ એન્ડ બેરલ્સ સાયકલિંગ ક્લબ થાણે અને BYCS થાણેના સહયોગથી સાયક્લોથોન યોજવામાં આવી હતી. આ આયોજન ગત રોજ એટલે કે 2 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં 2 કેટેગરી હતી, એક તો7 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે 2 Kms રાઈડ અને પુખ્ત 14 અને તેથી વધુની વયના લોકો માટે 10 કિમી રાઈડ.
આ સાયકલોથોનમાં 550થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો. સાયકલોથોનમાં દરેક માટે પ્રવેશ નિ:શુલ્ક હતો. સાઇકલ સવાર માટે ટીશર્ટ, મેડલ, નાસ્તો, એમ્બ્યુલન્સ વોટર સ્ટેશન સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વ્હીલ્સ અને બેરલની મુખ્ય ટીમમાં સરબપ્રીત નારુ, શાલિની રાઠોડ, સિદ્ધાર્થ શાહ અને ચિરાગ શાહના સંયુક્ત સહયોગથી આ સાયક્લોથોન યોજાઈ હતી. સાયક્લોથોનનો સમય સવારે 6 થી 9 વાગ્યા સુધીનો હતો.
આ સાથે જ ઝુમ્બા સેશન પણ યોજાયું હતું. જે નીલમ પાટીલે હોસ્ટ કર્યું હતું. આ સાયક્લોથોનનું મિશન થાણેને સાયકલ ફ્રેન્ડલી સિટી અને ગ્રીન થાણે બનાવવાના હેતુ સાથે કરવામાં આવ્યું હતું.
થાણેના સાયકલ મેયર ચિરાગ શાહે જણાવ્યું હતું કે સાયકલ મેયર તરીકે ટીમ વ્હીલ્સ અને બેરલ્સ અને એમઆરઆર હોસ્પિટલ સાથે આ ઇવેન્ટનું આયોજન કરવું એ મારા માટે ગર્વની ક્ષણ છે. હું થાણેને સાયકલ ફ્રેન્ડલી શહેર જોવાનું સપનું જોઉં છું અને થાણેને પ્રદૂષણ મુક્ત શહેર બનાવવા માંગુ છું.
જ્યારે વ્હીલ્સ અને બેરલની ટીમના શાલિની રાઠેડે જણાવ્યું કે થાણેના સૌથી મોટા ગ્રૂપ વ્હીલ્સ અને બેરલ્સની લેડી એડમિન તરીકે મારું સપનું છે કે વધુને વધુ મહિલા રાઇડર્સ સાઇકલિંગ સમુદાયમાં જોડાય. હું થાણે શહેરના સાઇકલિંગ સમુદાયના ભલા માટે સેવા આપવાનું ચાલુ રાખીશ.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે Observersની હાજરીમાં કરવામાં આવશે.
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet કે Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1 ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ૨૬ મતગણતરી કેન્દ્રોના સુરક્ષા પ્રબંધ માટે ગૃહ મંત્રાલય તરફથી ફાળવાયેલા પેરામિલિટરી ફોર્સની ૯ કંપનીઓનો બંદોબસ્ત તમામ સેન્ટર ખાતે લાગી ચૂક્યો છે. BSF તથા CISFના જવાનો પ્રત્યેક કાઉન્ટિંગ સેન્ટરના હોલમાં તથા ઈવીએમ-વીવીપેટના સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો કરશે. હોલની બહાર એસઆરપીની સુરક્ષાસાંકળ લાગશે. જેને માટે એસઆરપીની ૧૨ કંપનીઓ ફાળવાઈ છે, જ્યારે મતગણતરી કેન્દ્રના કેમ્પસની બાઉન્ડ્રીની અંદર અને બહાર ૧૨ હજાર સ્થાનિક પોલીસ જવાનો તથા ૩ હજાર હોમગાર્ડ્ઝ તૈનાત થશે. આમ, રાજ્યના પ્રત્યેક કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય સલામતી વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2024 લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા બીજેપી ચીફ જેપી નડ્ડાના ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ચૂંટણી પરિણામોને લઈને પાર્ટી નેતાઓની બેઠકમાં મહત્વની રણનીતિ બનાવવામાં આવી છે.
મતોની ગણતરી પર આધારિત વ્યૂહરચના
ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે જ્યારે મતગણતરી થશે ત્યારે તમામ બૂથ પર કાઉન્ટિંગ એજન્ટો ચોક્કસપણે આવશે. જો મત ગણતરી અંગે કોઈ શંકા હોય તો પક્ષના અધિકારીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
મતગણતરી માટે પાર્ટીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી
તાવડેએ કહ્યું કે આગામી મત ગણતરી માટે પાર્ટીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉજવણી અંગે હજુ કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે જ્યારે વાસ્તવિક પરિણામો આવવાનું શરૂ થશે ત્યારે અમે આ વિશે વિચારીશું.