Home Blog Page 1772

હંસલ મહેતાની લિપલૉક તસવીર વાયરલ, ટ્રોલર્સને આપ્યો વળતો જવાબ

મુંબઈ: હંસલ મહેતા બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. ‘સ્કેમ 1992’, ‘સ્કૂપ’, ‘સ્કેમ 2003’ સિરીઝ સિવાય તેમણે ઘણી શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હંસલ મહેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે, જેના કારણે તે ઘણીવાર ટ્રોલિંગનો શિકાર બને છે.

તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પર તેની પત્નીને કિસ કરતી તસવીર પોસ્ટ કરીને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કરનાર યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો. એક યુઝરે તસવીર પર કમેન્ટ કરતા હંસલ મહેતાને સ્કમ્બેગ (બદમાશ) કહ્યા, જેનો હંસલ મહેતાએ X પર જવાબ આપ્યો.

તમારા ટ્રોલિંગની કોઈ અસર નહીં થાય

હંસલ મહેતાના ટ્રોલ થવા પાછળનું કારણ તેમની પોસ્ટ છે, જે તેમણે ગુરુવારે કરી હતી. જેમાં સાઉથ સ્ટાર નંદામુરી બાલક્રિષ્નનનો એક વીડિયો શેર કરતા તેણે પૂછ્યું હતું કે, આ બદમાશ કોણ છે? આ વીડિયોમાં બાલકૃષ્ણન એક એક્ટ્રેસને સ્ટેજ પર ધક્કો મારતા જોવા મળ્યા હતા. આ પછી દમ મસાલા નામના એક એક્સ યુઝરે હંસલ મહેતાની એક તસવીર પોસ્ટ કરી, જેમાં તે તેની પત્નીને કિસ કરતા જોવા મળી રહ્યા છે. ટ્રોલરે તેને આ તસવીર પર ટેગ કર્યા અને લખ્યું, “આ લિપલોક કરનાર બદમાશ માણસ કોણ છે?”

આ ટિપ્પણીના જવાબમાં હંસલ મહેતાએ લખ્યું- “તમારા ટ્રોલિંગની કોઈ અસર થશે નહીં. આ એક માણસ છે જે તેની પત્નીને ચુંબન કરી રહ્યો છે અને મને લાગે છે કે તમારા પ્રિયજનો માટે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવામાં કંઈ ખોટું નથી. હું કોઈ મહિલા પર દબાણ નથી કરી રહ્યો અને ન તો હું તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યો છું.”

આ દરમિયાન આ સમગ્ર મામલાની વચ્ચે અભિનેત્રી અંજલિએ બાલકૃષ્ણનો બચાવ કરતા ઈવેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. અંજલિએ કહ્યું કે અમે સારા મિત્રો છીએ અને તેની સાથે સ્ટેજ શેર કરવું મારા માટે અદ્ભુત હતું.

મતદાન પછીની વ્યૂહરચના માટે ઇન્ડિયા બ્લોકની બેઠક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કા સાથે દેશમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે. એ સાથે ચોથી જૂને ચૂંટણી પરિણામો જાહેર થવાનાં છે, પણ ત્યાં સુધી વિરોધ પક્ષોના ઇન્ડિયા બ્લોકના ઘટક દળોના નેતાઓ ચૂંટણીમાં પોતાના ચૂંટણી દેખાવની સમીક્ષા કરવા અને આગળના દિવસોની ચૂંટણીની વ્યૂહરચના બનાવવા માટે આજે એક બેઠક કરવાના છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ભાગ લેશે. તેઓ બીજી જૂને સરન્ડર કરવાના છે. સપાસુપ્રીમો અખિલેશ યાદવ પણ આ બેઠકમાં ભાગ લેશે.

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે થનારી આ મહત્ત્વની બેઠકમાં કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન અને આપ સાંસદ સંજય સિંહ સામેલ થશે. પંજાબમાં મતદાન પ્રક્રિયાની જવાબદારી સંભાળ્યા પછી CM માન દિલ્હી પહોંચશે. જોકે આ બેઠકમાં TMC ભાગ નહીં લે. તેમના સિવાય તામિલનાડુના CM સ્ટાલિન પણ આ બેઠકમાં ભાગ નહીં લઈ શકે અને તેમની જગ્યાએ TR બાલુ બેઠકમાં ભાગ લેશે.

આ બેઠકમાં વિપક્ષી નેતાઓ ચૂંટણી પરિણામો પહેલાંની વ્યૂહરચના પર વિચારવિમર્શ કરશે અને સાત તબક્કામાં ચૂંટણીમાં તેમના પ્રદર્શનનું પણ આકલન કરશે.  વિપક્ષનો દાવો છે કે તેઓ ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનને કેન્દ્રમાં સત્તામાં આવતાં રોકવામાં અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહેશે. ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી કુલ 28 પક્ષો જોડાયેલા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાતમા તબક્કાના મતદાન પહેલાં વિપક્ષી ગઠબંધનની જીતની સ્થિતિમાં વડા પ્રધાન કોણ બનશે? એના જવાબમાં તેમણે રાહુલ ગાંધીને PM પદના દાવેદાર હોવાના સંકેત આપ્યા હતા.

 

 

 

 

 

 

 

મોડાસા નજીક ત્રિપલ અકસ્માત, 3ના મોત 46 ઘાયલ

રાજ્યમાં જીવલેણ અકસ્માતના કિસ્સાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખતા એક ગોઝારા અકસ્માતે ત્રણ માસુમોના જીવનો ભોગ લીધો છે. અરવલ્લીના મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત,42 લોકો ઘાયલ થયા હતા. બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડ અથડાઈ હતી.

ડભોઇથી મોડાસા તરફ આવતી એસટી બસ એક બાઇક ચાલકને બચાવવા જતાં ડીવાયડર કુદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. તે જ સમયે સામેથી આવતી લક્ઝરી સાથે બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.એસટી અને લક્ઝરીમાં કુલ 46 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 13 મુસાફરો ગંભીર જણાતા સારવાર અર્થે હિમ્મતનગર ખસેડાયા છે.

અકસ્માતમાં ઘટના સ્થળ પર જ બે લોકોના અને એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનામાં 42 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજગ્રસ્તોને બંને બસના પતરા બુલડોઝરથી તોડીને બહાર નિકાળવામાં આવ્યા હતા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક ડીવાયએસપી સહિત નિવાસી અધિક ક્લેકટર સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

ચેન્નઈ-મુંબઈ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

મુંબઈ: ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને લઈને મોટી માહિતી સામે આવી છે. શનિવારે સવારે મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફ્લાઇટે સવારે લગભગ 7 વાગ્યે ચેન્નાઈથી ઉડાન ભરી હતી. તે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. એરપોર્ટ અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. હાલ સમગ્ર વિમાનની શોધખોળ ચાલી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાં 172 લોકો સવાર હતા

પ્લેનને સુમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યું
ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ધમકી મળી છે. મુંબઈમાં લેન્ડિંગ વખતે ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. સુરક્ષા એજન્સીની સૂચના પર પ્લેનને સુમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું. તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા છે. હાલ પ્લેનની શોધ ચાલી રહી છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટને ટર્મિનલ વિસ્તારમાં પરત લાવવામાં આવશે.

થોડા દિવસોમાં ત્રીજી ધમકી
તમને જણાવી દઈએ કે, હાલના સમયમાં કોઈપણ ફ્લાઈટ પર આ ત્રીજો ખતરો છે. આ પહેલા દિલ્હીથી બનારસ જતી ફ્લાઈટને પણ આવી જ ધમકી મળી હતી. આવો જ એક કિસ્સો દિલ્હીથી શ્રીનગરની ફ્લાઈટમાં સામે આવ્યો છે. હવે શનિવારે ચેન્નાઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આ પ્રકારની નોટ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

બિહાર અને ઝારખંડમાં લૂ લાગવાથી 18 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં હાલના દિવસોમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને કારણે કેટલાંય રાજ્યોમાં લોકોનાં મોત થયાં છે. હીટવેવનો કહેર રાજસ્થાનથી માંડીને ઓડિશા સુધી જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બિહાર અને ઝારખંડમાં લૂ લાગવાથી કમસે કમ 18 લોકોનાં મોત થયાં છે,  જેમાં 10 મતદાન કર્મચારીઓ પણ સામેલ છે. ઝારખંડમાં પણ 28 લોકોના મોત થયાં છે.

બિહારમાં હીટવેવને કારણે ચૂંટણી અધિકારી પણ ખરાબ રીતે લૂની ચપેટમાં આવી ગયા છે. બિહાર ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 10 ચૂંટણી કર્મચારીઓ સહિત 18 લોકોનાં મોત થયાં છે.ઓડિશા સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં લૂ લાગવાથી પાંચ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 18 સંદિગ્ધ કેસોની તપાસ જારી છે. બિહારમાં સૌથી વધુ મોત ભોજપુરમાં થઈ છે. અહીં ચૂંટણી ડ્યુટી પર તહેનાત પાંચ અધિકારીઓનાં લૂ લાગવાને કારણે મોત થયાં છે. રોહતાસમાં ત્રણ અને કૈમૂર તથા ઔરંગાબાદ જિલ્લામાં એક-એક ચૂંટણી અધિકારીનું મોત થયું છે.

ઝારખંડમાં લૂ લાગવાથી ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 1326 અન્ય લોકોને ગરમીથી સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઝારખંડના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ડાલ્ટનગંજ અને ગઢવા જેવાં સ્થાનોમાં તાપમાન 47 ડિગ્રીથી વધુ રહ્યું હતું.હવામાન વિભાગે ત્રીજી જૂન સુધી હીટવેવની સ્થિતિ જારી રહેવાની આગાહી કરી છે. વિભાગે તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા મોસમની સ્થિતિનો અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

 

 

 

 

મતદાન કરવા માટે 40 મિનિટ લાઈનમાં ઉભા રહ્યા મિથુન ચક્રવર્તી

આજે લોકસભા ચૂંટણી 2024નો સાતમો અને છેલ્લો તબક્કો છે. આ દરમિયાન અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી કોલકાતામાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતાં. તેમણે કોલકાતાના બેલગછિયામાં એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. પોતાનો મત આપ્યા બાદ અભિનેતાએ ત્યાં હાજર મીડિયાકર્મીઓ સાથે વાત કરી. તેમણે કહ્યું કે તે પોતાનો મત આપવા માટે 40 મિનિટ સુધી કતારમાં ઉભો રહ્યા કારણ કે તે પોતાની ફરજ નિભાવવા માંગતા હતા.

અભિનેતાએ મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેતા-રાજકારણીની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન તે બ્લેક કુર્તા, કેપ અને સનગ્લાસ પહેરેલા જોવા મળે છે. મતદાન મથકની બહાર પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘એક નાગરિક તરીકે મતદાન કરવું એ મારી ફરજ છે અને મેં મતદાન કર્યું. મેં 40 મિનિટ સુધી લાઈનમાં રાહ જોઈ અને પછી મારો મત આપ્યો. લોકોએ મને કહ્યું કે આગળ વધો અને કતાર તોડીને મતદાન કરો, પરંતુ મેં તેમ કર્યું નહીં.

મિથુન ચક્રવર્તીએ ખુલાસો કર્યો કે તે હવે રાજનીતિ વિશે વાત નહીં કરે. તેમણે કહ્યું,’મેં મારી રાજકીય ફરજ પૂરી કરી છે અને હવેથી હું માત્ર ફિલ્મો વિશે જ વાત કરીશ.’ મિથુને કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું, મેં મારી ફરજ બજાવી છે. હું આવતીકાલથી ફિલ્મો વિશે વાત કરીશ, કારણ કે મારે મારા પરિવારનું પેટ પણ ભરવાનું છે.

મિથુનની રાજકીય કારકિર્દી
અભિનેતાની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, મિથુન 2014 માં રાજકારણમાં જોડાયા હતા, જ્યારે તેમને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રાજ્યસભા સાંસદ માટે નામાંકિત કર્યા હતા. ડિસેમ્બર 2016 માં તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું અને માર્ચ 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ દરમિયાન વર્ક ફ્રન્ટ એક્ટર મિથુન ચક્રવર્તી છેલ્લે ડાન્સ રિયાલિટી શો ડાન્સ બાંગ્લા ડાન્સમાં જજ તરીકે જોવા મળ્યા હતા.

સતત ત્રીજા મહિને ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવી કિંમતો

લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે આજે 1લી મેના રોજથી દેશમાં મતદાન થઈ રહ્યું છે. આજે સાંજે  છેલ્લા અને સાતમાં તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ પહેલા ઓઈલ ગેસ કંપનીઓ કોમર્શિલ સિલિન્ડર ધારકોને ભેટ આપી છે. દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતો અપડેટ કરવામાં આવી છે. દેશની ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.

દેશમાં એક બાજુ લોકસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બીજી બાજું ઓઈલ ગેસ કંપનીઓએ સતત ત્રીજા્ મહિને ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડ્યા છે. અગાઉ મે મહિનામાં ત્રણ મહિનામાં દેશના ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 119 રૂપિયાથી 124 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. જ્યારે જૂન મહિનામાં કોમર્શિયસલ ગેસ સિલિન્ડરના ભાવ 70 રૂપિયાથી 72 રૂપિયા ઓછા થયા છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયસલ ગેસ સિલિન્ડર સાથે ઘરેલું ગેસ સિલિલન્ડરની કિંમતો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

IOCL તરફથી મળતી માહિતી અનુસાર દેશના ચાર મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 69.5 રૂપિયા સસ્તો થયો છે. જેથી હવે દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1676 રૂપિયા અને 1629 રૂપિયા થઈ ગઈ છે. બીજી બાજુ કોલકાતામાં લગભગ 72 રૂપિયાનો ઘટાડો થયો છે. જેના કારણે ભાવ 1787 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 70.5 ઘટીને 1840.50 રૂપિયા થઈ ગઈ છે.

કોમર્શિયલ ગેસની કિંમતોમાં ઘટાડાની હેટ્રિક 

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત ત્રીજી વખત ઘટાડો આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણે ત્રણ મહિનામાં કોલકાતામાં સૌથી વધુ રૂપિયા 124નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં 119 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો મુંબઈ અને ચેન્નાઈમાં 120 રૂપિયાનો ઘટાડો થયો છે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ જલસાને ગુરુ રંધાવા બનાવશે ખાસ

મુંબઈ: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે, રાધિકા-અનંત 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. રાધિકા-અનંતના લગ્નના તમામ કાર્યક્રમો મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાશે.લગ્નના કાર્યક્રમો 3 દિવસ સુધી ચાલશે. 12મી જુલાઈએ લગ્ન, 13મીએ આશીર્વાદનો કાર્યક્રમ અને 14મીએ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે રાધિકા-અનંતના લગ્ન જુલાઈમાં છે, પરંતુ તેના મહિનાઓ પહેલા જ અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. અંબાણી પરિવારે માર્ચમાં જામનગરમાં તેની પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની યોજી હતી અને હવે આ કપલ ઇટાલીમાં તેમની બીજી લક્ઝરી પ્રી-વેડિંગ પાર્ટી કરી રહ્યું છે, જેમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

ગુરુ રંધાવા અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરશે
રિહાન્નાએ અનંત-રાધિકાના પ્રથમ પ્રી-વેડિંગમાં હાજરી આપી હતી. હવે પિટબુલ, શકીરા અને કેટી પેરી બીજા પ્રી-વેડિંગમાં પરફોર્મ કરશે. આ સાથે લોકપ્રિય પંજાબી ગાયક ગુરુ રંધાવા પણ આ ફંક્શનમાં જામો પાડશે. આ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે ગુરુ રંધાવા ઈટાલી પહોંચી ગયા છે. તેમણે ખૂબ જ સ્ટાઇલિશ શૈલીમાં તેની એન્ટ્રી કરી અને તેણે ક્રુઝ શિપની ઝલક પણ બતાવી જેમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના અન્ય પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. એટલું જ નહીં, તેણે ખૂબ જ સુંદર સજાવટની ઝલક પણ બતાવી છે.

ગુરુ રંધાવાએ ક્રૂઝનો વીડિયો શેર કર્યો છે
ગુરુ રંધાવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચાહકોને તે ક્રૂઝની ઝલક આપતા જોવા મળી રહ્યા છે જેમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગની ઉજવણી થઈ રહી છે. ગુરુ રંધાવાએ શેર કરેલા વીડિયોમાં તે કહી રહ્યા છે – ‘દરેકનું સ્તર બહાર આવશે, દરેકનું સ્તર બહાર આવશે.’ તમને જણાવી દઈએ કે, રાધિકા અને અનંતના લગ્ન 12 જુલાઈના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે, પરંતુ તે પહેલા અંબાણી પરિવાર માટે કપલ માટે એક લક્ઝરી ક્રૂઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ચર્ચા આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહી છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી ક્રૂઝમાં ચાર દિવસ સુધી ચાલશે, જેનો છેલ્લો દિવસ છે. આ ક્રૂઝની તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા રણવીર સિંહની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં તે કેટલાક મહેમાનોને મળતો જોવા મળ્યો હતો. બીજી તરફ અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે, જેમાં ધાર્મિક વિધિઓ, મહેમાનો માટે ડ્રેસ કોડ અને તારીખનો ઉલ્લેખ છે. આ કપલના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે, જેમાં ઘણી હસ્તીઓ હાજરી આપશે.

 

લોકસભા ચૂંટણીઃ 11 વાગ્યા સુધી 26.3 ટકા મતદાનઃ બંગાળમાં હિંસા

નવી દિલ્હીઃ લોકસભાના સાતમા ચબક્કા દરમ્યાન પશ્ચિમ બંગાળમાં કેટલાય ભાગોમાંથી હિંસાના અહેવાલ ચે. રાજ્યના દક્ષિણ 24 પરગણા વિસ્તારમાં EVM તળાવમાં ફેંકવાના અને જાદવપુરમાં દેશી બોમ્બ માર્યાના અહેવાલ હતા. જેનાથી મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. આનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

બંગાળમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયે સંદેશખાલીમાં દેખાવો કરી રહેલી મહિલાઓના વિડિયો શેર કર્યા હતા. તેમણે મમતા બેનરજી પર મતદાતાઓને ધમકાવવા માટે પાર્ટીના ગુંડાઓને અને રાજ્ય પોલીસને છૂટ આપવાનો આરોપ લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશથી માંડીને પંજાબ અને હિમાચલ પ્રદેશમાં અનેક મોટા નેતાઓએ મતદાન કર્યું હતું. UPના CM યોગી આદિત્યનાથ, પંજાબના CM ભગવંત માન, કંગના રણોતે પણ મતદાન કર્યું હતું.

સાતમા તબક્કામાં 11 કલાક સુધી બિહારમાં 24.25 ટકા, ચંડીગઢમાં 25.03 ટકા, હિમાચલ પ્રદેશમાં 31.92 ટકા, ઝારખંડમાં 29.55 ટકા, ઓડિશામાં 22.64 ટકા, પંજાબમાં 23.91 ટકા, ઉત્તર પ્રદેશમાં 28.02 ટકા અને પશ્ચિમ બંગાળમાં 28.10 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે.

સાતમા તબક્કામાં અન્ય દિગ્ગજ ઉમેદવારોમાં જોઈએ તો ગોરખપુરથી રવિ કિશન, હમીરપુરથી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી TMCના અભિષેક બેનરજી, ભોજપુરી કલાકાર પવન સિંહ અને કેન્દ્રીય મંત્રીઓની કિસ્મતનો નિર્ણય EVMમાં કેદ થશે.

 

 

 

 

 

 

મીનાક્ષી શેષાદ્રી ‘હીરો’ થી સફળ હીરોઈન બની

મીનાક્ષી શેષાદ્રીએ નાની ઉંમરમાં નિર્દેશક મનોજકુમારની ફિલ્મ ‘પેઇન્ટર બાબૂ’ થી હીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એને સફળતા નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ ‘હીરો’ થી મળી હતી. મીનાક્ષીને મનોજકુમારને કારણે જ ‘હીરો’ મળી હતી એમ કહી શકાય. બારમાં ધોરણમાં પાસ થયા પછી વેકેશન હતું. સૌંદર્ય સ્પર્ધા વિશે જાણીને મીનાક્ષીએ શોખ ખાતર જ ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા બની હતી. મીનાક્ષી ‘મિસ ઈન્ડિયા’ બની એના બીજા દિવસે દૂરદર્શન પર એનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયો હતો. એમાં એણે પોતે ડાન્સ કરતી હોવાની અને ગીતો ગાતી હોવાના પોતાના શોખ વિશે વાત કરી હતી. એના પછીના દિવસે નિર્દેશક મનોજકુમારનો મળવા માટે ફોન આવ્યો હતો.

એમણે ‘મિસ ઈન્ડિયા’ ના સંચાલકો પાસેથી મીનાક્ષીની બહેનનો ફોન નંબર મેળવીને સંપર્ક કર્યો હતો. મીનાક્ષી એની બહેન સાથે મનોજકુમારને મળવા ગઈ. એમણે થોડી વાતચીત કર્યા પછી કહી દીધું કે જો તારી હા હોય તો હું તને મારી ફિલ્મ માટે અત્યારે જ સાઇન કરું છું. મીનાક્ષીને નવાઈ લાગી હતી અને સ્ક્રિન ટેસ્ટ લેવા વિશે પૂછ્યું હતું. ત્યારે એમણે કહ્યું હતું કે જે બાબત મારો કેમેરો જોઈ શકે છે એ હું મારી આંખથી જોઈ રહ્યો છું. એમણે કહ્યું કે તું મોટા પડદા પર હીરોઈન તરીકે યોગ્ય રહે એમ છે. મીનાક્ષીએ મા-બાપ સાથે વાત કર્યા પછી જવાબ આપવાનું કહ્યું.

 

દિલ્હી જઈને જ્યારે ઘરમાં વાત કરી ત્યારે તેના ફિલ્મોમાં જવાના વિચારનો વિરોધ કરવામાં આવ્યો. મીનાક્ષીએ એમને સમજાવ્યા કે મને ઘરે બેઠા બેઠા ઓફર આવી છે. આ ઉંમરે આટલી મોટી ઓફર બહુ મોટી વાત છે. મને એક ફિલ્મ કરવા દો. પરિવારે કેટલીક શરતો મૂકીને પરવાનગી આપી હતી. એમાં મીનાક્ષીએ ક્યારેય એકલા શુટિંગમાં કે બીજી કોઈ જગ્યાએ જવાનું નહીં. બહેનને સાથે જ રાખવાની અને અભ્યાસ ચાલુ જ રાખવાનો રહેશે. મીનાક્ષીએ સંમતિ આપતા ‘પેઇન્ટર બાબૂ’ માં કામ કરવા પરિવારની સંમતિ મળી ગઈ હતી. પરંતુ મીનાક્ષીની હીરોઈન તરીકેની પહેલી ફિલ્મ ‘પેઇન્ટર બાબૂ’ ફ્લોપ રહી હતી.

નસીબ એટલું સારું હતું કે એ પહેલાં જ નિર્દેશક સુભાષ ઘાઈની ‘હીરો’ મળી ગઈ હતી. અસલમાં સુભાષ મનોજકુમારના પ્રશંસક હતા. એમને ‘હીરો’ માટે સારી ડાન્સર પણ હોય એવી છોકરીની જરૂર હતી. એમને ખબર પડી કે મનોજકુમાર એક સારી ડાન્સર છોકરીને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે ત્યારે એમનો સંપર્ક કર્યો અને ‘પેઇન્ટર બાબૂ’ના ત્રણ ગીતો તૈયાર થઈ ગયા હતા એ જોયા. એમાં મીનાક્ષીની મોર્ડન અને ગ્લેમરસ યુવતીની ઇમેજ હતી. એમણે શરૂઆતમાં વિચાર્યું કે મારી ફિલ્મની ‘રાધા’ ઘરેલૂ અને પરંપરાવાદી છે તો એને નિભાવી શકશે કે કેમ? પણ જ્યારે મીનાક્ષી સાથે મુલાકાત કરી ત્યારે એમને વિશ્વાસ આવ્યો કે એની સાથે તાલમેલ બેસી શકે એમ છે અને ભૂમિકા માટે યોગ્ય છે. મનોજકુમારે પણ ‘હીરો’ કરવાની સલાહ આપી હતી. શરૂઆતના બે સપ્તાહ ‘હીરો’ ચાલી ન હતી. પછી એટલી પસંદ કરવામાં આવી કે મીનાક્ષી ‘હીરો’ ને કારણે સફળ અને સ્ટાર હીરોઈન બની ગઈ હતી.